“ભરવાડ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 20

સ્વ.ઉકાભાઈ મુળે ઓઢવ અમદાવાદના મારા સ્નેહીને મિત્ર પણ ખરા… તેમની ભરવાડ જ્ઞાતિ માટેની જાણકારી તેમણે મને આપેલી તેની વિગતો…

ભરવાડ જ્ઞાતિનો કોઈ ઈતિહાસ ખરો?

પ્રત્યુત્તર: હા,વાસુદેવ ને નંદબાબાના પૂર્વજો વ્રિષણી કહેવાય છે. તેમના દાદા દેવમીંઢ વ્રિષણી યાદવ કહેવાય છે. દેવમીંઢ વ્રિષણી યાદવ ને બે રાણી હતી. કૈસ્ત્રીય અને વૈશ્ય. કૈસ્ત્રીય રાણીએ‘સૂર’ નામના પુત્રને જન્મ આપ્યો.સૂર તે વાસુદેવના પિતા….

વૈશ્ય રાણીને પરજાન્ય નામનો પુત્ર થયો .તેમને ઉપનંદ, નંદ,અભિનંદ,સનંદ અને નંદન નામે પાંચ પુત્ર થયા. ગુજરાતમાં જે ભરવાડ છે તે નંદ બાબા ના વંશજો કહેવાય છે. આહિર અને ભરવાડ સમય જતાં બનતા જુદી પડેલી કોમ છે. શ્રીક્રૃષ્ણ ભગવાન નો ઉછેર ગોકુળ મા નંદબાવા ના નેસમાં થયો છે. દેવકી એ નંદબાબા ની પિતરાઇ બહેન છે. શ્રી ક્રૃષ્ણ નંદ ના ભાણેજ થાય. આમ શ્રી ક્રૃષ્ણ ને ભરવાડ નો ભાણેજ કહેવામાં આવે છે. જરાસંઘ ના ત્રાસ થી ભગવાન શ્રી ક્રૃષ્ણ ગોકુળને ગોપીઓ મુકી ગોવાળો સાથે દ્વારકા આવ્યા.

પ્રશ્ન: તમારામાં અમારી જેમ બે ત્રણ ભાગ ખરા?

પ્રત્યુત્તર:ઘેટાં બકરાં એ નાનો માલ કહેવાયને ગાય,ભેંસ,ઉંટ મોટો માલ કહેવાય.. અમારા વડવાઓ કદાચ નાનો માલ રાખતા હશે

અમારામાં કચ્છના ભરવાડોને છોડી મોટાભાગના મોટો માલ એમાંય ગાય ભેંસ રાખે છે. આમ અમે ગોપાલક કહેવાઇએ છીએ.

અમારામાં મુખ્યત્વે નાનાભાઈ અને મોટાભાઈ બે ભાગ છે. આમ તો બે સગાભાઈનો જ વસ્તાર છે. મોટાભાઈનો મોટોને નાનાભાઈનો નાનો એમ ભાગ પડેલા છે. અમારા બે ય વચ્ચે રોટી વ્યવહાર છે અને અમારા રીતરિવાજ પણ લગભગ સરખા જ છે. પણ બેટી વ્યવહાર થતો નથી.

પ્રશ્ન:તમારામાં કોઈ શાખ કે ઓળખ હોય?

પ્રત્યુત્તર:અમારામાં બાઘા, ડાભી, ગરીયા, ગમારા, જાદવ, કથોડી, પંચા, રાતડીયા, ટોટા, પંચા, યાદવ,સાવધરિયા વિગેરે શાખ હોય છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ચદુલ્કા, દહીકા, ગુડરીયા, ખોહડીયા, રોડકડા, કુહાડીયા શાખ પણ છે.

અમારામાં મુળ ગીરમાં સ્થાયી થયેલાને માલધારી શાખ પણ છે.

અમારા બે ય ભાગમાં ગોળ પ્રથા અમલી છે. આ ગોળની મર્યાદામાં જ બેટી વ્યવહાર કરીએ છીએ. આ ગોળ પંથક કે પરગણાથી ઓળખાય છે.
અમારા ભરવાડનાં આવાં પરગણાં કે પંથક કુલ મળી ૯૫ જેટલા છે.તેમાંથી અમારા મોટાભાઈના ૭૯ ને નાનાભાઈના ૧૬ જેટલાં છે.

નાનાભાઈમાં કેટલાક ભરવાડો કાબરાને દૂધિયા ભરવાડથી પણ ઓળખાય છે.

પ્રશ્ન: આજકાલ પહેરવેશ બદલાઈ ગયા છે તમારો પરંપરાગત પહેરવેશને ઘરેણાં કયાં?

પ્રત્યુત્તર: પુરુષો કરચલીવાળું કેડિયુ, ચોરણીને લાલ છેડાવાળી પાઘડી તેનો ખાસ પોષાક છે.

ઓખાઇ જોડા, ડાંગ અને કાંડામાં ચાંદીના કડા એ તેના આભુષણ છે.કાનમાં સોનાના ફુલ અને લોળીયા પહેરવાનો અને ચાંદીનો કંદોરો કે ગળાની કંઠી કરાવવાનો પણ એ લોકોમાં રિવાજ છે..

ભાલ પંથકમાં નાનાભાઈ ભરવાડની વસ્તી વધારે છે.તેમની સ્ત્રીઓ કાળી પરમેટાનીં જીમિયું ને મોળિયા મૂકેલાં કાપડાં પહેરે છે. રાતી કે લીલી ચૂંદડીં ઓઢે છે.

જ્યારે મોટાભાઈ ભરવાડની સ્ત્રીઓ ઊનનો ટંગલિચો, સરમલિયું, ઘૂંહલું અને બાવનબાગનું મોળિયાં મૂકેલું લાંબી સાળનું કાપડું પહેરે છે અને ઊનના ઢાળવા, કીડિંયાં, ગલબકડીં કે ગલેટ ઓઢે છે.

આભુષણમાં ગળામાં ચકતાવાળા પારાનો હાર,કાનમાં ચાંદીની પાંદડિયું, વેઢલા અને આકોટા લટકતા હોય છે. નાકમાં નથ પહેરે છે. પગમાં કાંબી, કડલા અનેહાથમાં હાથી દાંતના બલૈયું પહેરે છે.

હવે મોંઘવારીના કારણે અને આધુનિક સમયને લીધે હાથી દાંતના બલૈયાના બદલે પ્લાસ્ટિકના બલૈયા અને બંગડીઓ પહેરતા થયા છે. કારણ કે હાથી દાંતની કિંમત મોંઘી થઈ ગઈ છે.સમગ્ર ગુજરાતમાં એક સરખો પોષાક રહ્યો નથી એટલે કે તેમા ભિન્નતા જોવા મળે છે.

પ્રશ્ન: તમે કૃષ્ણ ઉપરાંત કયા દેવદેવીમાં શ્રધ્ધા રાખો?

પ્રત્યુત્તર: અમારી જીવન પધ્ધતિ રબારી સમાજને મલતી આવે છે તેમની જેમ અમે પણ આધ્યશક્તિને પુજીએ છીએ.આ ઉપરાંત દરેક પરિવારને પોતપોતાની અલગ અલગ કુળદેવીને તેના ખાસ ભૂવા પણ હોય છે.

અમારા સમાજમાં ઠાકોરજી(કૃષ્ણ),પશુ રાખતા હોવાથી પશુપતિ મહાદેવ, ગોગા મહારાજને પણ સામાન્ય રીતે પુજીએ છીએ. આ ઉપરાંત અમારા સામાજિક પ્રસંગો લગ્ન,જન્મ,શ્રીમંત,નામકરણ,સગાઈ,વિવાહ,મૃત્યુ અને મૃત્યુ પર્યંતની બધી જ વિધી હિન્દુ સમાજને મળતી આવે છે. અમારામાં અગાઉ બાળ લગ્ન પ્રથા મોટા પ્રમાણમાં હતી. આજના જમાના પ્રમાણે તેમાં ઘણો સુધારો વરતાય છે.

કેટલાક ભરવાડો પોતાના માલને ચરાવવા ગુજરાતમાં આવે છે તે પાછા પણ જતા રહે છે તે વિષે કહો..

તેમણે કહેલ કે.. આ ઉપરાંત અમારા ભાઈઓ પહેલાં ભટકતુ જીવન ગાળતા હતા.આજે પણ કેટલાક ભાઈઓ નાનો માલ લઈ ઠેરઠેર જ્યાં પાણીને ચારાની સગવડ હૌય ત્યાં જંગલો,નદીકાંઠા,પહાડોમાં ઘુમે છે.

ઘરવખરીને અમે ઉચાળો કહીએ.તેઓ ઉચાળા ભરી લઈ જવા ગધેડાંને ઉંટ પણ રાખે છે.રાત્રે ઉતારાને નાનામાલની ચોકી કરવા કૂતરા પણ રાખે છે. ચોમાસું આવતા પાછા મૂળ વતને આવી જાય છે.

આ ઉપરાંત મોટો માલ રાખનાર ભાઈઓ હોળી આસપાસ કપાસના વાવેતરવાળા પ્રદેશોમાં માલ ચરાવવા જાય છે તે ‘વાંઢે ગયા’ તેમ કહે છે.
હાલમાં તો અમારી જ્ઞાતિના લોકો શહેર કે તેની નજીક કાયમી સ્થાયી થયા છે ને દૂધ દોહી સીધા વપરાશકારને આપી સારી કમાઈ કરતા થયા છે. શિક્ષણ અને સામાજિક સ્તરે પણ ઘણી જ પ્રગતિ કરી છે જે ખુશીની વાત છે.

આ વિગતોમાં કોઇ અપૂર્તતા કે ભૂલ હોય તો કોમેન્ટે જણાવવા વિનંતી છે.

આ પોસ્ટનો હેતુ જુની પુરાણી સમૃધ્ધ જીવનશૈલી રજુ કરવાનો છે.

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!