“કાંકસિયા” ગ્રામ્ય જીવનના સ્તંભ- 17

હેર સ્ટાઈલ બનાવવા માટે કાંસકો અતિ મહત્વનું સાધન છે.

હાલમાં કાંસકી પ્લાસ્ટીકની કે મેટલની જોવા મળે છે. પરંતુ વર્ષો પહેલાં સીસમના લાકડાંમાંથી કાંસકી બનાવી હેર સ્ટાઈલ કરવામાં આવતી હતી.

સિસમના લાકડામાંથી બનાવેલી કાંસકીથી કરેલી હેર સ્ટાઈલ સારી થવા ઉપરાંત સાયન્ટીફીક્ટ રીતે પણ ઉપયોગી હતી. પરંતુ હાલમાં આવી કાંસકીનો ઉપયોગ ભુલાતા તેને બનાવનારા કલાકારો પણ ઘટી ગયાં છે. આજે એવા જ કાગસિયા કોમની વાત કરીએ.

અમારા ગામે લાલજી કાંગસિયોને તેમનો આઠ દશ પરિવારોએ ગામના પાદરથી થોડેક અંતરે રોકાયા હતા. જેને રાવઠી કહે છે.

તેમાં ત્રણ પત્થર મુકી બનાવેલ ચુલો, થોડાંક વાસણ, સામાન્ય ઘરવખરી, બે ચાર બકરાં દૂધ સારુને આઠ-દશ ગધેડાં સામાન ઉપાડવા સારૂ એકાદ બે સારી જાતના ડાઘિયા જેવા કુતરા ચોકીદારી સારૂ.. બીજા કેટલાક વાંસ,દોરડાં ઢોલકી,એકાદ માંકડું, બે ચાર નાના ખાટલા, આ એમની ઘરવખરી…

મને આમે ય નવું જાણવાની ટેવ… સાંજે આ લોકો આવ્યા હશે… સવારના ખબર પડી ત્યાં તેમને ઉતારે બે ચાર મિત્રો સાથે પહોંચી ગયો.

આ લોકોનો મુખ્ય ધંધો નટ્ટ મલ્લના ખેલો કરવાનો, કાંસકીઓ પણ બનાવે…

કાંસકીઓ બનાવવાની તેમની કળા જોઈ મને નવાઈ પણ લાગી…

લાલજીના જણાવ્યા પ્રમાણે તેઓ બે જાતની કાંસકીઓ બનાવે છે. એક સિસમના લાકડાની જેમાં એક બાજુ ઘટને પાતળા દાંતા હોય.

બીજી બાજુ જાડાને આછા દાંતા હોય.. આ ઉપરાંત તેઓ બારિક દાંતાવાળું લીખીયું ય બનાવે..

મેં લાલજીને કહ્યુ સિસમની કાંસકી કેવી બનાવો છો?

તેણે સિસમનું એક પાટિયું લીધુ.. તેના કરવતથી દાંતા વહેરવાનુ શરુ કર્યુ હુ તો જોતો જ રહી ગયો. સરસ મજાની કાંસકીઓ ઉતારી..

જવાબે જણાવ્યુ કે જુઓ આ જાત જાતનીને ભાત ભાતની કાંસકીઓ..

એક બાજુ નાનાને બીજી બાજુ મોટા દાંતાવાળી સિસમના લાકડાની કાંસકીઓ, સિસમનું જ બે ય બાજુ બારિક દાંતાવાળું #લીખીયું,

એક બાજુ મધ્યમ દાંતાવાળો કાંસકો જેની લંબાઈ સામાન્ય કાંસકીઓ કરતાં સેજ વધારે તે કાંસકો

આ હતી લાકડાની કાંસકીઓ..એક જ સાઈઝ એવી જાણે આજના માઈક્રો મીટરથી યમાપ્યા વગરનાં અચરજ પમાડે તેવાં હતાં.

એક મુલાયમને લીસી લાગતી કાંસકી તેણે બતાવી કહ્યુ કે આ શીંગડામાંથી બને છે.

મેં પુછ્યુ..આ બેઉમાંથી સારીને ટકાઉ કઈ?

સિસમ કાંસકી જેટલી ટકાઉ શીંગડાની હોતી નથી. શીંગડા કાંસકીઓનું વેચાણ પણ ઓછું હોય છે.

મેં પુછ્યુ.. રોજની કેટલી કાંસકીઓ બનાવી શકાય?

એક માણસ સામાન્ય રીતે સિસમના લાકડામાંથી પચાસથી સાઠ કાંસકીઓ બનાવી શકે.

શીંગડાની કાંસકી મોંઘી પડે છે દિવસની માંડ પંદર વીસ જ બનાવી શકાય.

તેણે તે પણ જણાવ્યુ કે અમે નવરાશના સમયે કાંસકીઓ બનાવી છીએ.. આ ઉપરાંત અમે ગામે ગામ નટ-મલ્લના ખેલો કરીએ છીએ..

કાંસકીઓ વેચવાનુ કામ અમારી સ્ત્રીઓ કરે છે. તેઓ સવારના કામકાજથી પરવારી અમારા ઉતારાની આજુબાજુને ગામમાં કાંસકીઓ, સોયો, નવજાત છોકરાં માટે રંગબેરંગી મણકાવાળાં કાંડિયાં, નજરિયાં, નવજાત શિશુને દાંત ઝટ આવે તે માટેની નાનીને સફેદ બંગડીઓ, છોકરા બીએ કે ઝપકે નહીં તે માટે ઘુવડ કે બીજા કોઈ પક્ષીની ચાંચનો પારો, ભાત ભાતની કાચની બંગડીઓ, બોપટ્ટીઓ,..સ્ત્રીઓ માટે ખાસ જાતનો સાબુ જેનાથી બિનજરૂરી વાળ ઉતરી જાય વિગેરે વેચવા જાય..

આ વેચાણેથી જે કાંઈ વેચાણ થયું હોય તેમાંથી ઘરમાં જરૂરી અનાજ, તેલ, મસાલા વિગેરે જરૂરી ચીજો લેતી આવે. તેમાંથી રાંધી નાંખે..

મારો પ્રશ્ન.. તમે નટ્ટ મલ્લના ખેલોમાં કેવા ખેલો બતાવો છો?.

અમે ગામ પર જઈને ગામના આગેવાન કોણ કોણ છે? તેમનાં ઘર ક્યાં છે.. તેની પુછપરછ કરી એકાદ બે જણા ખેલની તૈયારી કરે.

બીજા ગામમાં ફરીને નટ્ટ મલના ખેલની જાહેરાત કરે થોડીવારમાં સ્ત્રીઓ, પુરૂષોને બાળકો ખેલને ઠેકાણે આવી જાય..

પછી અમારા માંહેના મજબુત જણ ગામના આગેવાનોને ખભે બેસાડી ખેલના સ્થળે લઈ આવે તેમને આવતા ભાળી ખેલના કુંડાળે ઉભેલા મલ્લ તે આગેવાનનાં નામ સાથે પ્રશંસા કરે, આમ ગામના મોટા ભાગના આગેવાનોની પ્રશંસાને સ્વાગત વિધી પુરી કરે..

ખેલ શરુ કરે…

માંકડાને વાંસ પર ચઢાવે,

મલ્લ પોતે હાથમાં લાકડી રાખી દોરડા પર ચાલે, પત્થરને કબૂતર જેમ રમાડે, દાંત પર ટેકવી હળને પકડ્યા સિવાય સ્થિર કરે અને મેદાનમાં આંટો મારે,

તેવી જ રીતે ખાટલો ય ઉભો રાખી મેદાનમાં આંટો મારે,

ઉંચા ઉછળી હવામાં બે ત્રણ ગુલાંટો ખાય.

બે નટ સામ સામા દોડતા આવી હવામાં ઉછળી ધડમ્ કરતા સામ સામે અથડાય પોતાની મુછો સાથે બળદગાડું ય બાંધેને તે ખેંચી બતાવે.

આમ આવા અંગ કરસતના હેરતંગજ ખેલો દેખાડે…

પછી ગામ આગેવાનો તેમજ ગામજનો પાસે પોતાની આજીવિકાની સહાય માગે..

વળી પાછા આગેવાનોને ખભે બેસાડી તેમને ઘેર ઊતારી બક્ષિસ મેળવી લે…

જે કાંઈ અનાજ, રોકડ, કપડાં મળે તે લઈ લે.

મારો પ્રશ્ન: તમારો વંશ કયો? તમારામાં અમારી જેમ શાખ અટક જેવું હોય?

અમારા દાદા પરદાદા મહારાણા પ્રતાપના લશ્કરમાં હતા. મહારાણા પ્રતાપે રાજ પાછું ન મળે ત્યાં સુધી ચિતોડ છોડેલ તે સમયે અમારા વડવાઓ શારિરીક રીતે સશક્ત હતા. શારિરીક કૌશલ ધરાવતા હતા. લડાઈના પેચદાવ પણ જાણતા.. આમ તે કૌશલનો ફાયદો લઈ રોજીરોટી માટે આ મલ્લનો ધંધો ચાલુ કરેલો હશે.

આ ઉપરાંત ચોમાસામાં વરસાદના સમયે ખેલો ન થઈ શકતાં આ કાંસકીઓ બનાવી વેચવાનો હુન્નર હાથવગો થયો હશે… કાંસકિયો બનાવી વેચતા હોવાથી લોક અમને કાંકસિયા કહે છે

અમારામાં પણ બીજી કોમની જેમ મકવાણા, પરમાર, ચૌહાણ, ચાવડા જેવી અટકો છે. અમારા વડવાઓનો ઈતિહાસ સમૃધ્ધ છે. ભુતકાળમાં ગુજરાત કાઠિયાવાડના રાજા રજવાડાએ અમારા કૌશલ્યની કદર કરી અમુક ગામ પણ ભેટ આપેલ હતાં. વિસત(વિહત) અમારાં કુળદેવી છે. અમારા લોહીમાં ખાનદાની ઉછળે છે.

મારો બીજો પ્રશ્ન એ હતો કે તમે તો વિચરતી કોમ તમારામાં દીકરા દીકરીઓના લગ્ન કેટલી ઉંમરે ક્યાંને કેવી રીતે કરો છો?

જવાબમાં લાલજીએ કહ્યુ..

તમારાં જેવાં લગન અમારે ન હોય, અમારામાં ઘોડિયામાં જ લગ્નને સગાઈ એકી સાથે જ થાય.

અમારે દીકરા દીકરી ત્યારે જ નવાં લુગડાં પહેરે.

ગળે ચાંદીની હાંસળી, માથે પાઘડી બાંધે, હાથમાં તલવાર રાખે ત્યારે તેને લાડો કહે.

લગ્ન વખતે રાવઠી શણગારીએ, રંગબેરંગી કાગળનાં પતંગીયા લગાડીએ, રાવઠીની સ્ત્રીઓ ભેગી થઈ તેને લાડ લડાવે.

તમારી જેમ પીઠી પણ ચોળાય, સ્ત્રીઓ રાતે ગાણાં ગાય. રાત્રે ખુબ નાચે…

પુરૂષો છાંટો પાણી પણ કરી લ્યે..

છોકરીવાળા ય લાડીને લાડે ય કરે,

રાતે ગાણાં ય ગાયને ચાંદની રાતમાં ઢોલના તાલે અમારી ખાસ નૃત્ય પધ્ધતિ ઢોલના તાલે ‘ઢોરવો’ લે.

પીઠી ય ચોળે, લાડીને મહેંદી ય મુકે..

અમારામાં સ્ત્રીઓ એક જ વાર લગ્નમાં જ મહેંદી મુકે.. તમને નવાઈ લાગશે કે અમારા સ્ત્રી મહેંદી મુકે તો તેની ભારે ટીકા ય થાય છે.

આંખમાં સરસ મજાની મેંશ પણ આંજે..

છોકરીવાળાએ નજીકમાં જ રાવઠી કરી હોય ત્યારે ઝટ મંગની પટ શાદીની રીતે લગન લેવાય..

જાન ચાલતી સામી રાવઠીએ જાય..

છોકરી વાળા જાનૈયાને બુંદીના લાડુને ગાંઠીયા ખવરાવે..

આમ લગ્ન થઈ જાય પછી છોકરી તેના બાપને ઘેર જ રહે..

મોટી થયે આણું કરે પછી તેને સાસરિયાં તેડી જાય…

બીજો એક પ્રશ્ન મારા મનમાં આવ્યો…

આ લોકો વિચરતી જાત છે કોઈ બાઈ વિધવા થાય તો તેની આજીવિકા કેમ ચાલે?કે પુન:લગ્ન કરે કે કેમ?

લાલજીએ કહ્યુ: બાઈ વિધવા થાય તો તેનો ચુડલાક્રમ કરાય..

તે બાઈ ભરત ભરેલા કે ચટાપટા વાળાં કપડાં પહેરી શકતી નથી.

એકલી બાઈને રાવઠીઓમાં રહેવુ, સ્થળાંતર કરવુ, નિર્વાહ કરવો મુશ્કેલ હોઈ તે તેના દિયરનું કે બીજે લગ્ન કરી ઘર માંડી શકે છે.

અમારામાં કોઈ છિનાળુ કરેને પાકા પુરાવા મળે અમારી નાત તેને અમુક સમય માટે નાતબાર કરે…

તેને નાતવટો દે..નાત ભેગો બેસવા ન દે…

સજાનો ગાળો પત્યે અમુક રૂ.નાતના રૂ. જમણનો દંડ લઈ નાતની અંદર લે..

સવાલ..પણ તમારી નાત મળે ક્યાંને ક્યારે?

અમારી નાત બાર મહિને એક સુદ બીજે ભાવનગર પંથકમાં આવેલ વિરમ ભગતની જગામાં મળે છે. ત્યાં ભોગ ધરાવાય છે.

મારો પ્રશ્ન:તમારો ધર્મ તો હિન્દુ ખરો પણ કયા દેવ દેવીને પુજો?

અમે માતાજીમાં વધારે માનીએ. ખોડિયાર, શિકોતર, મેલડી, કાળકા વગેરેને માનીએને પુજીએ.

અમારી રાવઠીમાં એક ભુવો ય હોય, તે માતાને પુજતો હોય, ગળે માનાં પગલાંની છાપ પહેરતો હોય, કોઈ બિમાર હોય, અમારી સ્ત્રીઓ રુપાળીને ભોળી હોઈ કોઇએ કામણ ટુમણ કર્યું હોય કે પછી વળગાડ હોય તે બધાને ભુવો જ કાઢે…

મારો પ્રશ્ન: તમારો પહેરવેશ કેવો હોય?

પુરૂષો ટુંકી ધોતી પહેરણ કે આંગડી જેવુ અંગરખુ માથે પીળી પાઘડી, પગમાં મોજડી જેવા બુટ, કાને વાળીઓ પહેરે, મોટે ભાગે દાઢી ય રાખે…

સ્ત્રીઓ પગમાં ચાંચવાળી મોજડી, પેટ ઢંકાય તેવી ભરત વાળી લાંબું કાપડું(બરડેથી ઉઘાડોને કસથી બાંધેલોબ્લાઉઝ)બાર હાથનો રંગીનને ભરત ભરેલોઆભલાં મઢેલો ઘાઘરો, ધાટા રંગવાળુ ઓઢણું,કપાળમાં ચાંદીનો બોર, ખભા સુધી હાથી દાંતના ચુડલા ગળેરંગબેરંગી મોતીની કંઠી,પગમાં કડલાં,નાકે સોનાનીવાળી, કાને ત્રોટિયું પહેરે.

નાની છોકરીઓ લગ્ન વખતે તેના સાસરિયા તરફથી ઓઢણી આવે એટલે લગ્ન થાય પછી જ ઘરેણું પહેરી શકે..

છેલ્લો સવાલ તમે કયા કયા તહેવારો ઉજવો?

આમ તો અમે ઘણા તહેવાર ઉજવીએ પણ હોળી અમારો મોટો તહેવાર..હોળી

અમે પંદર દિવસ અગાઉથી રાતે ઢોલ વગાડી હોળીનાં અમારાં મારવાડી હોળી ગીતો ગાતાં ગાતાં ખુબ નાચીએ કુદીએ છીએ.હોળી ધુળેટીએ રંગોથી રંગાઈ ઉજવીએ છીએ..

આખું વર્ષે આ લોકો ભલે ફરતા રહે પણ ચોમાસા દરમિયાન યાત્રા નથી કરતા. તેઓ દર વર્ષે એવા ગામમાં રોકાય છે જ્યાં તેમને સૌથી વધારે પ્રેમ મળેેને સલામતી ય હોય

હાલ ભારત ભરમાં સીસમના લાકડા પર કસબ અજમાવી કાંસકી બનાવતા એક માત્ર કલાકાર બચ્યા છે. સુરતના પ્રદર્શનમાં આવેલા છગનલાલ વણઝારા કલાકાર પોતાની કલાને આગળ વધારવા માટે શિષ્યની શોધ કરી રહ્યાં છે.

ઉજ્જેન કંગી મહોલ્લામાં રહેતા છગનલાલ વણઝારા અને તેમના પત્ની દુર્ગાબાઈ વણઝારા કહે છે, હવે લોકો સીસમની કાંસકીનો ઉપયોગ કરતાં ઓછા થયાં હોવાથી તેમની કલા સ્થગિત જેવી થઈ ગઈ છે. સીસમના લાકડાંમાંથી કાંસકી બનાવવાની કળા અઘરી છે અને ઘણી મહેનત માગી લે તેવી છે. આજના યુવાનો ઓછી મહેનતે વધુ પૈસા કમાવવા માટે તત્પર હોવાથી તેમની આ કળા શિખવા કોઈ તૈયાર થતું નથી.

ખાસ આધુનિક કાંસકીઓ:-

(૧). કંગી આર્ટના કલાકાર છગનલાલે ડિઝાઈનર કાંસકી પણ તૈયાર કરી છે. આ ઉપરાંત એક સાથે અનેક ઉપયોગમાં આવે તેવી કાંસકી પણ બનાવે છે. એક કાંસકી એવી બનાવી છે જેના ઉપરના ભારે હોલ કરી તેમાં સીધું તેલ ભરી દેવાનું હોય છે. જે માણસે માંથામાં તેલ નાંખવા સાથે માલિસ પણ કરવું હોય તેણે માત્રા કાંસકી જ વાળમાં ફેરવવાની રહે છે. કાંસકીના દાતામાં પાડેલા ઝીણાં કાણા વાટે તેલ વાળના મુળ સુધી જાય છે સાથે સાથે જેટલી કાંસકી ફેરવે તેટલી માલીસ પણ થાય છે.

(૨).આ ઉપરાંત અન્ય એક કાંસકી એવી બનાવી છે જેમાંથી માથામાંથી જુ કે લીખ નહીં પરંતુ ખોળો પણ નિકળી શકે છે.

(૩).છગનલાલે ટુ ઈન વન કાંસકી બનાવી છે. આ કાંસકીથી હેર સ્ટાઈલ કરવા સાથે તેનો ઉપયોગ બક્કલ તરીકે કરી વાળમાં પણ નાંખી શકે છે.

સતત વિચરતા રહેવાના કારણે તેમની પાસે વૈયક્તિક ઓળખ જ નહોતી. આ લોકો પાસે પોતાની ઓળખ માટે વોટરઆઈડી કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ કે પાસપોર્ટ જેવા કોઈ દસ્તાવેજો નહોતા કારણ કે તેઓ ગુજરાન ચલાવવા એક ગામથી બીજા ગામ ફરતા રહેતા હોય છે.

તેઓ એવું કોઈ કામ નહોતા કરતા જે એક જગ્યાએ રહીને લાંબા સમય સુધી કરી શકાય. તે લોકો ક્યારેય સ્થિર જીવન જીવતા નહોતા તેથી સામાન્ય લોકોની જેમ તેમનું કોઈ સ્થાયી ઠેકાણું નહોતું.

મહેસાણાના શંખલપુરની તેજસ્વી દીકરી મિત્તલ પટેલે આ જ્ઞાતિની મુશ્કેલીઓ માટે…. #વિચરતા_સમુદાય_સમર્થન_મંચની સ્થાપના કરી. આ સંસ્થા શરૂ કરતા પહેલાં તે 2007માં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને મળ્યા અને તેમને એ સમજાવવામાં સફળ રહ્યા કે આવા લોકો માટે વોટરઆઈડી કાર્ડ કેટલું મહત્વનું છે. ત્યારબાદ ચૂંટણી પંચ એવા લોકોના વોટર આઈડી કાર્ડ બનાવવા તૈયાર થયું જેના વિશે મિત્તલે તેમને માહિતી આપી હતી. આ રીતે તેમણે પહેલી વાર 20,000 લોકોના કાર્ડ બનાવ્યા જેઓ વિચરતી જાતિના હતા.

આજે મિત્તલ પટેલ 72 હજારથી વધારે લોકોના વોટરઆઈડી કાર્ડ બનાવવામાં સફળ રહ્યા છે.

મિત્તલ પટેલની સંસ્થા વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા આવી જગ્યાઓએ જઈને ટેન્ટ સ્કૂલ ચલાવી જ્યાં વિચરતી જાતિના લોકોની મોટાપાયે સંખ્યા હોય. આ જે તેમની સંસ્થા ગુજરાતના 13 સ્થળોએ ટેન્ટ સ્કૂલ ચલાવે છે.

મિત્તલ પટેલે જણાવે છે, “અમે જોયું કે તેઓ પોતાના સંતાનોને અભ્યાસ કરાવવા માગે છે પણ રોજીરોટી માટે અંતરિયાળ વિસ્તારોમાં જતા હોવાથી બાળકોને પણ સાથે લઈ જાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા અમે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને રાજનપુર જેવા વિસ્તારમાં 4 હોસ્ટેલની સ્થાપના કરી. ત્યાં આજે 700 બાળકો અભ્યાસ કરે છે. મિત્તલબેન માટે લીન્ક ખોલો..

મિત્તલબેન પટેલ

આજે તો યુગ બદલાયો છે. રીતભાત બદલાઈ છે. તેમનો આ ધંધો લગભગ બંધ થઇ ગયો છે. આ વિચરતી જાતો મહદઅંશે સ્થાયી થઈ છે.ધીમે ધીમે આ નાત પણ સ્થાયી થઈ બીજા નોકરી ધંધે વળી છે. જીવન ધોરણ સુધર્યું છે તે આનંદની વાત છે.

આ પોસ્ટનો હેતુ જુની પુરાણી જીવનશૈલી રજુ કરવાનો છે.

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!