દેશમાં સહકારી પધ્ધતિ આધુનિક રીતે સંગઠીત થઈ પ્રવૃતિ ચલાવી તેનો નફો-નુકશાન વહેચી લેવાય છે. પણ અગાઉ ના સમયમાં આપણાં ગામડાઓમાં પણ આ પધ્ધતિ આદિકાળથી અમલી હતી..
ગામડાઓમાં ભુલાઈ ગયેલી વિરાસત તરીકે જોઈશુ “સુખડીયા” પધ્ધતિ…
ગામડાઓમાં ખેતી મુખ્ય વ્યવસાય હતો.. ખેતીમાં પાણી આવશ્યક છે. વરસાદી ખેતી પછી શિયાળામાં જે ખેતી થાય તેમાં ગામમા કુવાના પાણી વપરાતાં હતા. ગામમાં તે સમયે પુરતી જમીન હોવાથી ઉનાળુ પિયત કોઈ કરતુ ન હતુ તેથી જે મોળુ વરસ આવે (મોળુ એટલે ઓછા વરસાદનુ વરસ) એટલે ગામમા બે ચાર નવા કુવા થવાના જ હોય…
શિયાળામા જ કુવો ખોદવાનુ નક્કી કરીને ગામના જ માણસો એક પણ પૈસાના ચુકવણા વગર નક્કી કરી લેવાતા.. તેના માટે વાસના ટોપલા, લાકડાની ગરગડી, વરતને વરતડીને બળદ પણ ગામના જ લોકોના હાથ ઉછીના જ(વળતર વગરના) વાપરવાના રહેતા.
તેને સુખડીયા કહેવાતા…ઉનાળામા કુવો ગાળવાનુ ચાલુ થયી જાયને ગામના જે જણ કુવો ગાળવાના કામે આવ્યા હોય તેમને રોજ બપોરના સુખડીના ભોજન કરાવવામા આવતા તેવી પ્રથાને સુખડીયા પ્રથા કહેતા હતા. આ પ્રથામા જે વધારે સુખડી ખાય તેનુ કુવા બનાવનાર અગાઉથી જ નકકી કરી લેતા હતા.
આ કામે બળદ પાણીના કોસની જેમ માટી ખેચવા લવાતા તેને પણ જુવારના બાટાના પૂળા(કુણી જુવારના)અપાતા હતા. આ કુવામાં પાણી થાય ત્યારે તેની ખુશીમાં ખેડુતના કુટુંબના સભ્યોને સુખડીયા મળી સરસ મજાના પાણીના વધામણાં કરેને જમણવાર પણ કરે…તે સમયે કુવામાં પાણી આવે એટલે દીકરાનો થયો હોય તેથી ય વિશેષ આનંદનો માહોલ રહે… આખું ગામ તેની ખુશીએ જોડાતુ હતું..
આવી સુખડીયા પધ્ધતિથી બનાવેલા સિત્તેર જેટલા કુવા મારા ગામે હતા. આમ પરસ્પર સહકારની ભાવના આપણી વિરાસતમા હતી… દુષ્કાળ પડેને પાણી ઉડા જાય તો કુવા ઉંડા કરવા પણ આ જ રિવાજથી કામ ચલાવાતુ હતુ.
બીજી એક સંગઠીત સહકારની વાત કરીએ તો ગામડાઓમાં મોટાભાગે બાર્ટરીગ એટલે સાટા પધધ્તિ અમલી હતી. ગામડાઓમાં મૂખ્ય ધધો ખેતી હતી. મોટા ભાગની ખેતી રોકડીયા પાકની નહોતી. ધાન કપાસને મગફળી જેવી પેદાશો મુખ્ય હતી. રોજગારીનો મુખ્ય સ્ત્રોત પણ ખેતી હતી. ખેતીની પેદાશ તૈયાર થાય ત્યારે જ ખેડુતના હાથમાં રોકડ આવતી હતી. તે દરમ્યાનના બધા જ વહેવારો રોકડને બદલે સાટા પધ્ધતિથી થતી હતી. જેમ કે ખેત મજુર હોય તો મહેનતાણું અમુક રૂપિઆને બદલે તેને અનાજ નક્કી કરી અપાતુ હતું.
બકાલુના વેપારીઓ નજીકના શહેરમાંથી શાકભાજી લાવી વેચતા હતા. તે પણ બાજરીના ભારોભાર, તલના બે ભાર, બંટીના અડધા ભાર એમ અનાજ કે ખેતપેદાશની સામે જ થતા.
ગામનાં દેવસ્થાનના પુજારી, સુથાર, વાળંદ, કુભાર, હરિજન, પગી વિગેરે બધો જ વર્ગ આ સાટા પધ્ધતિથી જ પોતાનો વ્યવહાર ચલાવતો હતો.. તેમની સેવાઓ સામે અનાજનુ ચલણ હતું..
આમ આજે જેમ ડોલર આતરરાષ્ટ્રીય ચલણ છે તેમ અનાજ ગામડાના ડોલર હતા. ચોમાસામાં ખેતીમાં પણ સંગઠનભાવનો ભારે ઉપયોગ રહેતો હતો.. જે કોઈના ખેતરમાં વાવણીલાયક વરાપ. થઈ ગઈ હોય તેના ખેતરમાં બેચાર ખેડુતોના સાતી જઈ વાવણી કરી અપાવતા હતા. આમ જ પાકની કપાઈ, પ્રોસેસ વિગેરેમાં પણ આ જ રીતે અરસપરસ સહયોગ કરી પાક ઘરભેગો કરવાની પધ્ધતિ અમલમાં હતી.
આ ઉપરાંત ગામમાં કોઈપણ જાતની હોનારત જેવી કે આગ, પુર કે અન્ય કોઈ દુર્ધટનામા ગામલોકો એક સારી ડિઝાસ્ટર ટીમ રૂપે સરસ કામગીરી અપનાવતા હતા.
એકવાર એક ઘરમાં આગ લાગી.. રાતનો સમય હતો.. ઈલેકટ્રીક મોટરો કે બોરવેલ તે સમયે નહોતા.. હાથવગું પાણી ગામ તળાવથી જ મળી શકે તેમ હતું.. ગામ લોકોએ તળાવથી ઘર સુધી બે હારમાં સ્ત્રી પુરૂષોને ઉભા કરી એક લાઈનના માણસો એક હાથથી બીજે હાથ સળંગ પાણીની દેગો, ડોલ ભરીન આગળ પહોચાડે, આગ હોલવવા જરૂરી અવિરત પુરવઠો શિસ્તબધ્ધ રીતે પહોચતો કરેને બીજી હરોળ ખાલી થયેલ ઠામ એકબીજાને આપી તળાવ સુધી પહોચતા કરી વિકરાળ આગ પર કાબુ મેળવ્યો હતો.
આવી જ પધ્ધતિ ચોરી, લુટ, વાવાઝોડું કે વરસાદમા પણ રહે. લગ્નપ્રસંગ હોય કે મૃતકના બેસણાં, જાનમાં જવાનુ હોય કે સ્મશાનયાત્રામા સહુ એક સરસ ભાવથી કામ આવેને કામ કરેય… કાળક્રમે જમીનો કપાતી ગઈ.. ભાઈ ભાઈ વચ્ચે જમીનો વહેચાતી ગઈ. એક સાતિ માટે બે બળદ જોઈએ.. ટૂકી જમીનો થતાં બે બળદ પરવડે નહિ. અહીં પેલી સહકાર ભાવના કામ કરે.. એક એક બળદ રાખે.. એવા બે ભેગા થઈ ખેતી કરે તેને સુઢાળ.. એટલે સારો ઢાળ..કહેવાય
કાળક્રમે સુખડીયાઓએ ગાળેલા કૂવાના તળ નીચે ગયાં તેને ફરી પાછા તે જ સુખડીયાઓએ ગાળી ઉંડા કર્યા હતા.. કોસથી ખેચતા ઉંડાણ ભારે પડતાં આજનાં ફાઈટર જેવાં ઓઈલ એન્જિનો જે ક્રૂડથી ચાલતાં તે પણ સહિયારા વસાવીને કામ ચલાવાતુ હતું.. આજે કુવા સુકાઈ જતાં બોલ વેલ પણ પધ્ધતિથી ચાલે છે.
ગામડાઓની સંસ્કૃતિ સહકારની હતી. ક્યાક વ્યવસાયિક નફો કરવાની ભાવના નહોતી… તેથી જ ભાઈચારો જળવાઈ રહેતો… આ જ કારણસર ગામડામાં જીવન સંતોષી, ટેન્સન મુક્ત હતું. જોકે આજે આ ભાવનામાં ભારે ખાતે વરતાય છે..
આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..
- “મરસિયા” ગ્રામ્ય જીવનના સ્તંભ- 27
- “દાયણ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 28
- “બારોટ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 29
- “ઘડીયાળ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 30
- “કુંભાર” ગ્રામ્ય જીવનના સ્તંભ- 31
- “સુથાર” ગ્રામ્ય જીવનના સ્તંભ- 32
- “ગોસ્વામી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 33