“કાગવાણી” : ગ્રામ્ય જીવનના સ્તંભ- 3

“કાગવાણી ઉર્ફે કાગભાષી”

આજથી પચાસેક વરસ પહેલાં કાગવાણીના જાણકારો અવાર નવાર ગામમા આવતા હતા.

મારી બા કહેતાં કે આ કાગવાણીયા જે કહે તેમ થાય.. નાનો હતો ત્યારે કાગવાણીયાની ભારે બીક લાગતી હતી. ક્યારેક ગામમા આવે ત્યારે સંતાઈને જોતો. મને ત્યારથી જ કાગવાણીયામાં રસ.. હું એવું સમજતો કે આ જોશીમાં દૈવી શક્તિ હશે તેથી જ બીક લાગતી.

એકવાર મારી બાએ કહ્યુ કે આ લોકો કાગડાની બોલી સમજી શકે છે તે પરથી આગાહી કરે… તે સાચી પણ પડે… આ વાત મારા બાળ માનસમાં ઘર કરી ગઇ હતી…

આ વાતનાં થોડા વરસ પછી આ કાગભાષીને અમારા ગામના ને મારા દુરના મામા એવા છગનમામા જે સ્વભાવે ભારે ટીખળી હતા. જોકે તે વયોવૃધ્ધ પણ હતા. તેમણે જ આ કાગવાણીયાને સીધો જ સવાલ કરેલ કે જો તુ સાચી આગાહી કરતો હોય તો કહે મારુ મોત ક્યારે થશે?

કાગજોશીએ જવાબ કરેલો કે એક વરસની અંદર તમારૂ મૃત્યુ થશે. આ વાતની મને ખબર પડી ત્યારે તેની આગાહી સાચી પડી નહોતી. સારૂ થયુ ખોટી પડી. છગનમામા તો બચી ગયા.

મને કાગ વાણીમા રસને જીજ્ઞાસાની તરસ ખુબ વધી, ફરી તે ગામે આવે તેની મને રાહ હતી. હુ અમદાવાદ સિફ્ટ થયો. ધંધા રોજગારમાં કાગજોશી ધ્યાનથી ઉતરી ગયો…

આ વાતને વીસેક વરસ વીતી ગયાં હશે ત્યારે એક વાર અમે અમારી દહેગામની સાઇટ પર બેઠા હતા. આ સાઇટથી થોડે દુર એક મદારીઓની વસ્તી ધરાવતુ ગામ હતુ.

સાઇટ પર કામ ચાલુ થયુ નહોતુ. નાની મોટી તૈયારીઓ ચાલતી હતી. રોડ પરની જમીન હતી, સરસ મજાના ઘટાદાર વૃક્ષોને પાણીનો બોર પણ હતો. આ મદારી લોકોનો રસ્તો અહીંથી જ હતો. જતા આવતાં તેઓ બોર પર પાણી પીવા રોકાતા.

એક મદારી જાત જાતના પ્રાણીઓના અવાજ કાઢવામા માહેર હતો. તેની કળા જોઈ, મજા પણ આવી. હવે કેટલાય વરસે મને મારો જુનો કાગવાણીયો યાદ આવ્યો.

મેં મારી જિજ્ઞાસા સંતોષવા કાગવાણી વિષે કેટલાક પ્રશ્નો પુછ્યા.

પ્રથમ તો તેણે કાગડાનો હુબહુ અવાજ કાઢ્યો. પછી કાગવાણીનો જાણકાર છે તે જાણી મને અત્યાનંદ થયો…થાય જ.. નાનપણથી મનમા ઘર કરી બેઠેલા પ્રશ્નનો જવાબ મળવાનો હતો. તેને આપેલી માહિતી રસપ્રદ હતી..

કાગડા બધા ય એક સરખા જ દેખાય પણ તેમાં ય ભરવાડનાં ઘેટાની જેમ જુદી જાત અને જુદી જુદી ખાસિયતો પણ હોય છે. તેને ઓળખવાની ટેવને મહાવરો જોવે.

માણસમાં હોય તેમ તેમનામાં પણ ઉંચ, નીચ, કુલ મળી પાંચ જાત હોય છે. જેમ કે બ્રાહ્મણ, વૈશ્ય, શુદ્ર, ક્ષત્રિયને દલિત…

મેં પુછ્યુ: પણ તેને ઓળખાય કેવી રીતે?

જવાબમા કહ્યુ કે: જે કાગડો લાંબો, ભારે લાંબી ચાંચને ભારે કાળો વાન ધરાવતો હોય અને તેનો અવાજ ભારેખમ હોય તે કાગડો બ્રાહ્મણ કહેવાય.

લીલાશ પડતો રંગ, સહેજ કાળીધોળી ચાંચ હોય અને રૂક્ષ અવાજ હોય તે કાગડો વૈશ્ય કહેવાય…

રાખ જેવો રાખોડી જેવોને આછો કાળો કલર, રંગે રૂપે નિર્બળ લાગતો હોયને કર્કશ અવાજ કાઢતો હોય તે શુદ્ર કાગડો કહેવાય.

ભારેને રૂક્ષ અવાજ હોય, આંખો સહેજ પીળાશ પડતી હોય, લીલાશ પડતી ચાંચ હોય, શરીરે સફેદ છાંય વાળો રંગ હોય તે ક્ષત્રિય કાગડો કહેવાય…

રૂક્ષ ચાંચ, તુટક તુટક અવાજ, દુબળો દેહ હોય તે દલિત કાગડો કહેવાય.

મેં તરત જ પુછી નાખ્યુ:

આવા અલગ અલગ કાગડાની બોલી તો તમે કહ્યુ તેમ મધુર, ભારે રૂક્ષ હોય પણ તેમના બોલવાથી લાભ કે નુકશાન થાય?

મારા પ્રશ્નનો જવાબ હતો કે:

બ્રાહ્મણ કાગડો બોલે તો જલ્દી ફળ મળે

વૈશ્ય કાગડો બોલે તો અઠવાડિયે ફળ મળે

શુદ્ર કાગડો બોલે તો કંઇક લાલચ દેખાડો તો બોલેને દશબાર દિવસે ફળે.

ક્ષત્રિય કાગડો મન મુકી બોલે નહી માપનુ જ બોલે પણ ફળ હાથવગું જ આપે.

દલિત કાગડો વણ પુછે બધા જ જવાબ બતાવે પણ વાણફળતાં પંદર વીસ દિવસ લાગે પણ ખરા…

હવે મારો પ્રશ્ન:આ કાગડાની જાત, બોલે ફળે તે બરાબર પણ કાગડા તો એક જ વાણી બોલેને?

જવાબ:-

કાગડો ‘કવ કવ’ માત્ર બે જ વાર બોલે તો મિત્રલાભ થાય..

કાગડો ‘ક્લેનમ્ ક્લેનમ્’ બોલે તો મિત્રને નુકશાન થાય….

કાગડાના ‘કર્લુ કર્લુ’ શબ્દ બોલવાથી શ્રેય થાય…..

કાગડો જે સ્થળે બેસી ‘કલ કલ’એવો અવાજ કાઢે આજુબાજુમા કોઈક બિમાર પડે…

કાગડો ‘શવ શવ’બોલે તો કોઈકનું મૃત્યુ થાય…..

કાગડાના ‘કું કું કું’ (ત્રણવાર)બોલવાથી મડદાનાં દર્શન થાય….

કાગડાના ‘કાયમ્ કાયમ્ બોલવાથી મોભીનુ મરણ થાય….

કાગડાના ‘કુરૂતમ્ કુરૂતમ્'(બે વાર) બોલવાથી ઝગડો થાય…

કાગડો ‘કોવ કોવ’બોલે તો અકસ્માત થાય

કાગડાના ‘કર કર’બોલવાથી રમખાણો થાય

કાગડો ‘કવ કવ’ બોલે ભોજન મળે…

કાગડો ‘ખુરૂ ખુરૂ ‘બોલે દેશાવર ગયેલા પરત આવે…

કાગડાનો ‘કુરૂ કુરૂ’ શબ્દ હર્ષ અપાવે…

કાગડો ‘કેકે-ટાકુ ટીકી’ ત્રણ શબ્દો બોલે તો અવશ્ય મોટો ફાયદો થાય જ…

કાગડો ‘કવમ્ કવમ્’બોલે તો સોનાનો ફાયદો મળે…

કાગડી ‘ કેં કેં ‘ બોલે તો સ્ત્રીને લાભ થાય..

કાગડી ‘કોં કોં ‘બોલે તો ઉપભોગ મળે..

કાગડી ‘ કુ કુ ‘ બોલે તો પુત્ર લાભ થાય*…

આ બધું જ મેં તે સમયે નોંધી લીધુ હતું.

ઉપરના બધા જ અવાજ એણે મને બોલીને પણ બતાવ્યા હતા.

કાગડા વિષે તેનુ જ્ઞાન અખુટ અને આશ્વર્ય પમાડે તેવુ ય હતું.

સામાન્ય કાગડાને હાડિયાનો ફરક સમડીને બાજ જેવો છે. આપણે ત્યા જે છે તે કાગડા છે. તેનુ શારિરીક કદ હાડિયા કરતા નાનુ હોય છે. કાગડો નાની જીવાત જેવી કે ઉંદરડી, વંદા, મંકોડા ખાઇને જીવે છે.

હાડિયો કાગડાની જ જાત છે પણ તે કદે મોટો હોય છે તે પથરાળને પહાડી પ્રદેશે વિશેષ જોવા મળે છે.

હાડિયો કાગડા કરતા વધારે આક્રમકને મોટો શિકારી છે.

કાગડો આપણા જેવો એકલપટો નથી. કંઇ પણ મોટો ખોરાક મળે તો તે નાતને નોતરે છે. તે એક સમાજપ્રેમીને ચતુર પક્ષી છે. આપે જોયુ હશે કે તેની નજરે બિલાડી, સમડી કે સાપ ચડે ત્યારે તે કાળારોળ મચાવી સૌને ચેતવી પણ દે છે.

પુખ્ત કાગડાનું વજન સરેરાશ બે કિલો જેટલુ હોય છે. તેનુ સરેરાશ આયુષ્ય પંદર વરસ જેટલું હોય છે.

કોઇ કાગડાનું મરણ થયું હોય ત્યારે આખી નાત ‘ખરખરે’આવે છે તે પણ જગ જાહેર છે.

કાગડાના પ્રકારો:-

#દેશી- કાગડો…. બધે જ જોવા મળે છે.

#ગિરનારી કાગડો… કચ્છ સિવાયના પ્રદેશોમાં જોવા મળે છે. કદમાં સામાન્ય છે.

#મહાકાગ…(હાડિયો) કદમા વિશાળ હોય છે તે પહાડી પ્રદેશોમા જુજ જોવા મળે છે.

#કાગડો મોટાભાગે એંઠવાડ, નાના સાપોલીયા, જીવાત, ઇંડા, દાણા અને ફળ ખાય છે. મોટા ભાગેતો જમીન પરથીજ ચારો શોધી લે છે, ક્યારેક તક મળેતો ઝાડ પરથી પણ ભોજનનો પ્રબંધ કરી લે છે. કાગડો ભારે તકવાદી અને સર્વભક્ષી પક્ષી છે, આને કારણે તે જે કંઇ પણ ખાવાલાયક મળે તેમાં ગુજારો કરી જાણે છે. કાગડાની માળો બનાવવાની ઋતુ મે મહીનાથી લઈને ઓગષ્ટ મહિના સુધીની હોય છે પણ મોટાભાગના માળા ચોમાસામાં જોવા મળે છે.

માળો બનાવવા માટે સ્થાનિક પર્યાવરણમાં થોડા ઝાડ જરૂરી છે. તે સાંઠીકડા વડે બનાવેલ માળામાં ૩ થી ૬ લીલાશ પડતા ભૂરા રંગના ઘેરા ડાઘાઓવાળા ઇંડા મૂકે છે અને મોટાભાગે એક ઝાડમાં ઘણા માળાઓ જોવા મળે છે.

ઘણી વખત કોયલનાં ઇંડા પણ તેના માળામાં સેવાવા માટે રહેલા હોય છે.

કહેવતોમાં કાગડો:

“કાગડો દહિંથરું લઇ ગયો”

“કાગનું બેસવું અને ડાળનું પડવુ”

“પારેવામાં કાગડો”

“એક રંગાને ઊજળા, જેને ભિતર બીજીન ભાત”,
“એને વહાલી દવલી વાત, કહેજે દિલની કાગડા”.

“પોત સૌ પોતા તણા, ને પાળે પંખીડા,
બચડા બીજાના (એ તો) કોક જ સેવે કાગડા”

“કાગડા બધે કાળા જ હોય”

શ્રાદ્ધમાં ય કાગડો અગત્યનો છે.

આમ મારી નાનપણની જિજ્ઞાસાની થોડીક તો તૃપ્ત થઈ તેનો વિશેષ આનંદ થયો…

નોંધ – આ લેખની કોપી કોઈએ કરવી નહીં. કોઇપણ જાતની કાપકુપ કે સુધારો કર્યા વગર મિત્રો માત્ર શેર જ કરી શકશે…

લેખક:-પોપટભાઈ પટેલ,ઘેલડા…….
માહિતી સૌજન્ય:-અનામી મદારીભાઈ

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!