“દરજી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 7

અગાઉના કાળમાં આજની જેમ દરજીઓ સિવવાની દુકાનો ધરાવતા નહોતા… અમારા જ ગામના આજથી પચાસેક વરસ પહેલાંની વાત કરીએ.

તભા મેરઈ અમારા મેરઈ. જીભ થોડી પકડાય.. ‘ત’ને ‘ટ’ બોલે.. શરીરે દુબળા..

પેલી કહેવત યાદ અપાવે તેવા’દરજી કોઈ દી જાડો ન હોયને કંદોઈ કોઈ દી દુબળો ન હોય..’

તેમના ઘરવાળા ‘પાલી’ અમારા માટે તેમના ‘ઘરવાળા’કરતા ‘ડરવાળા’ઝાઝા..

એમનો રૂઆબ પણ ભારે એ જાણે એમ જ સમજે અમારા વિના કોઇને ય નહીં ચાલે…

તભા મેરઈને અમે ય ટીખળમાં એમની જ બોલીમાં ‘ટભા’ મેરી’ કહેતા તેને અપભ્રંશ કરી ‘ટેભા મેરી’ ક્યારે થયું તેનો તાગ આ લખતા સુધી તો મલ્યો નથી. સારૂ થયું ભલા મોરી ન થયુ.

ગામડામાં મોટી વસ્તી ખેડુત..

મોલનુ વેચાણ થયે નાણાં આવે તેમાંથી જ કાપડની ખરીદી થતી.

ગામડામાં તે દિવસે એક કે બે કલરનું કાપડ ઘરના પુરુષોને છોકરાઓ સારૂ અને એક બે કે વધીને ત્રણ કલરનુ કાપડ સ્ત્રીઓને છોકરીઓ સારુ બજારમાંથી થોકમાં લઈ આવે…

કાપડ આવેને મેરઈના ઘરના આંટા ચાલુ.. તે જમાનામાં મેરઈ ઘેર બેસી હાજરી પર સિલાઈ કરી આપતા..

લગભગ બધાએ મોલ વેચી લગભગ સાથે જ કાપડની ખરીદી કરી હોય.. મેરઈની માગ વધી જાય.. વધી જ જાયને ગામડામાં પણ માંગને પુરવઠાના સિધ્ધાંતો લાગુ તો પડે જ ને…

કોને ત્યાં ક્યારે ‘ટભા મેરી’ સીવવા જશે તે પાલી મેરાણી નક્કી કરતાં..

નામ એમનુ પાલી પણ પાવર મોટી કોઠી જેટલો… આ બેઉ પાત્રો અમારા ગામની અજાયબી હતાં.

માંડ માંડ મારા ઘરે ટભા મેરઈ ટેભા દેવા આવશે તેવો ઓરલ ઓર્ડર પાલી મેરાણીએ કર્યો..

મારા મોટાભાઈને આદેશ કરી દીધો કે સવારે વહેલા આવી ‘ટાંગા’લઈ જજો. નહીં આવો તો મેરઈ બીજાને ઘેર બેસી જશે.. ને પછી બધાનુ પતે વરસાદ આવે પણ મેળપડે તેવી ગંભીર ચેતવણી પણ છોડી…

મિત્રો મારા ભાઈ વહેલા સવારે ટભા મેરઈના ઘરે જઈ ટાંગા લઈ આવ્યા.

વાચક મિત્રો આપને જણાવી દઉં કે ટાંગા એટલે સિલાઈ મસીનનો ડેસ્કને પેડલવાળુ ટેબલ….

અહીં અમારા ઘેર કોનું શું સિવડાવવું તેની યાદી તૈયાર કરવાની મથામણ ચાલતી હતી ત્યા ટભા મેરઈ મશીનનું માંથુ ખભે મુકી આવતા દેખાયા.

‘ટભા મેરઈ’ની પધરામણી થઈ.

ટાગા પર ‘માથું’ મુકાયું..

ટેબલ પર મેરઈએ સ્થાન ગ્રહણ કર્યું.

કોઈ દેવનો ધુપ કરતા હોય તેમ ‘પપપ’ માર્કાની બીડી સળગાવી બે ચાર લાંબા કસ લઈ કાપડ લાવવા કહ્યું.

મારા બાપાએ બે તાકા લાવી મૂક્યા હવે કોનું શું સીવવાનું છે? તેની યાદી પણ આપી.

ત્યાં મારાં બા મેરઈ માટે ચા લાવ્યાં.

બપોર સુધીમાં બાપાની સુચનાનુસાર એક પછી એક મેમ્બરના માપ લેવાનુ ચાલુ કર્યુ.

માપમાંને માપમાં બપોર થઈ ગઈ.

રિવાજ મુજબ મેરઈ સિવવા બેસે ત્યારે બપોરનું જમવાનું અમારે ઘેર હતું સરસ મજાની લાપસીનાં આધણ મુકાયાંને તે સોડમ પણ પ્રસરાઈ ગયી છેવટે મેરઈ ખાસ મહેમાનની જેમ પાકુ ભાણુ જમ્યા.

બપોરા કરવા ઘેર ગયા ત્રણ વાગે આવી ચા-પાણી કરી મશીને બેઠા…

સાંજ પડેને માથું લઈ તેમના ખભે કરી ઘર ભેગા થાય…

આમ ચાર દિવસ કે છ દિવસ અમારે ઘેર બેસી વરસભરના લુગડાં સિલાઈ જતાં.

જેને ઘેર લગ્ન હોય તેના ઘેર થોડા દિ વધારે થાય… દિવસના હાજરીનાં નાણાં નક્કી હોય…

પણ આટલેથી પતતું નહીં પતે ત્યારે જ જ્યારે પાલી મેરાણી ગાજ કરે તેની કોઈ સમય મર્યાદાનાં ધારા ધોરણ નહોતાં…

કદાચ આડકતરી રીતે મેરઈની હાજરીનાં બાકી નાણા પતે ત્યાં સુધીની હશે તે મારો અંદાજ છે..

ટભા મેરઈ દરજીકામના નિષ્ણાત તો નહોતા.. પણ જુના જમાનામા માત્ર ચાલે તેમ હતા. જુના કોમ્પ્યુટરની જેમ અપડેટ નહોતા.

પણ લોહીમાં દરજીકામને..

એકવાર મારો જ દાખલો આપુ… અમે ત્રણ ભાઈ મારુ ને મોટાભાઈનુ (પેન્ટ) પાટલુન સિવડાવેલ…

તે સીલાઈ થયા પછી પાલી મેરાણી ગાજ કરી એટલાં મોડા આપે ત્યા સુધીમાં અમારો નવા કપડાંનો ઉલ્લાસ મરી જતો…

મોડ મોડે પાલી મેરાણીએ આપેલ કપડાં મારી બા તેમની પેટીમાં મુકી દે..

પછી કપડાં ઉનાળામાં કે નવરાશના સમયે તેને બા બટન ટાંકીને પાછા પેટીમાં મુકી દે..

જ્યારે બહારગામ જવાનુ હોય ત્યારે જ બા તે કપડાં પેટીમાંથી કાઢીને આપે…

એકવાર મારે એક જાનમાં જવાનું થયુ હતુ. મારી બાએ કહ્યુ તુ નહાઈ લે તારાં નવા કપડાં પેટીથી કાઢી બહાર મુક્યા છે તે પહેરી લેજે..

એમ કહી ભેંસ દોહવા ગયાં. ગામની ભાગોળે જાનનો(ટ્રક) ખટારો આવી ગઈ હતી.. મારે જાન ચુકી જવાની બીક હતી. હુ ઝડપભેર નહાઈ નવાં કપડા પહેરવા લાગ્યો..

ટભા મેરઈ મેડ પાટલુન પહેરવા માંડ્યો..

કમરેથી ફીટ પડ્યુ.. પણ લંબાઈએ બરાબર હતું. રૂઠી રાણીની જેમ કમરે ચડે જ નહીંને ..

એ પાટલુન હાથથી પકડી રાખી બા પાસે ગયો ને વાત કરી બા કહે બે ય ભાઈને એક જ તાકામાંથી સીવેલ છે. કદાચ નાનાભાઈનુ હશે તેથી નાનું પડતું હશે

જા બીજુ પેટીમાંથી કાઢી પહેરી લેજે..

આપણે ફટાફટ ઘેર આવ્યાને પેટી ખોલી..

બીજુ પાટલુન કાઢ્યું. પહેર્યું તો કમરેથી તો ફીટ થયું.

હાશ હવે જાનમાં જવાશે તે વિચારે હાશકારો કરી ઘરની બહાર આવ્યો.

પાટલુન કેવું લાગે છે તે જોવા લાગ્યો ત્યારે ખબર પડી કે કમરેથી બરાબર થતું પાટલુન લંબાઈએ ટુકું છે…

હું વિચારે ચઢ્યો ત્યાં મારી બા ભેંસ દોહી આવી ગયાં હતાં.

તે આખી વાત સમજી ગયાં. તેમણે ‘ટભા મેરઈ’ને બેચાર ભલી ભુંડી સંભળાવી..

હું જુના કપડાં પહેરી જાનમાં ગયો.

મેં જ્યારે એક બહેને પહેરેલ કેપ્રી પહેલીવાર જોઇ ત્યારે મારા સંશોધક મનમાં વિચાર આવેલ કે આ કેપ્રીના આદી શોધક અમારા શ્રીમાન ‘ટભા મેરઈ’હતાને તેનું જન્મ સ્થાન અમારૂ ઘર હતું.

અમારા મેરઈને એક જ છોકરો.. કહે છે કે ઘણી બાધા આખડી પછી ભગવાને મોડે મોડે દીધેલ… મેરઈ તેને તેમની સ્પેશ્યલ ટંગમાં બેટી બેટી કરે.. ભાગ્યે જ બેટો કહેતા.

તે સમયમાં નાનપણમાં લગ્નો લેવાતાં ને મોટેભાગે પરણેતર પણ રાતના હોય. આ મેરઈ પુત્રનાં આમ જ લગન લેવાયાં. ગામમાં મેરઈનું એક જ ઘર..

આ મસ્ત મજાની જાનમાં જવાનો મને ય અવસર પ્રાપ્ત થયેલ..

દિવસ આથમવાના સમયે જાન કન્યાને ગામ પહોંચી હતી. રાતના અગિયાર વાગ્યાના ફેરા નિરધાર્યા હતા. મેરઈપુત્ર એટલે વરરાજા ધરાઈને જમ્યા..

એ ય મજાના રૂના નવા ગાદલાવાળા ખાટલે આડા પડ્યા..

મેરઈના લાડલાને વળી એ આજના રાજા.. ધસધસાટ સુઈ ગયા.

મેરઈ આવીને જોઇ ગયા.ફેરાનો ટાઈમ થયો..

વેવાઈનાં તેડાં ય આવી ગયા.

અણવરે વરને ઉઠાડવા ભારે મહેનત કરી..

હારી થાકી તે મેરઈ પાસે ગયો કે વર ઉઠતો નથી.

જાનૈયા માંડવે જવા ઉભા થઈને વરની રાહ જોતા ઉતારાને નાકે ઉભા હતા..

મેરઈ મનાવે છે મારી બેટી ઉઠ..ઉઠ ..

વર કહે સુઈ જવા દોને ઉંઘ આવે છે..

મેરઈ કહે મારી બેટી ઉઠ પરણવા જવાનું છે..

વર કહે.. મારે નથી પરણવુ..

મેરઈ કહે… પરણવું પડે ન ચાલે

વર કહે… અત્યારે નહીં મને ઉંઘ આવે છે
સવારે પરણીશ..

વરરાજાને માટલીનાં ઠંડા પાણી છાંટી ઉઠાડી વરને માંડવે લીધા. ત્યાં પણ ઝોકાં ખાતાં ખાતાં ચાલુ વિધીએ મેરઈએ ત્રણવાર સમજાવ્યો ત્યારે પરણ્યો…

આ હતા અમારા આખા ય ગામનાં અંગ ઢાંકનાર ‘ટભામેરઈ’…

મેરઈ એટલે દરજી. આ જ્ઞાતિમાં પરમાર, ચુડાસ્મા, સોલંકી, હિંગુ, મકવાણા, જાદવ વિગેરે અટકો પણ હોય છે.

દરજીઓનુ મુળ ગોત્ર જુનાગઢની આજુબાજુ ના ગામોને મળે છે. તેઓ જુના સમયના સુર્યવંશી હોવાનુ તેમના બારોટની નોંધોમાં જોવા મળે છે. તેઓ દામોદરવંશી હોવાનું મનાય છે. જ્યારે ભારત પર મુસ્લીમ આક્રમણો થયાં અને તે સમયે હિન્દુઓને ધર્મ પરિવર્તનની ફરજ પડેલી ત્યારે તેનાથી બચવા કેટલાક લોકોને જ્ઞાતિઓ માળવા તરફ સ્થળાંતર કરી ગયેલા તેમા અનેક કોમો હતી ત્યાંના દરજીઓ આજે પણ દામોદર કુંડની યાત્રાએ આવે છે.(સંદર્ભ દિવ્ય ભાસ્કર તા.૨૦-૭-૧૫)

આ લેખનાં બધાં જ પાત્રો કાલ્પનિક છે કોઇએ બંધબેસતી પાઘડી પહેરી લેવી નહી.

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!