“રબારી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 5

રબારી આ નામથી ગુજરાતમાં વિશેષ કરીને ઓળખાય છે. રબારી મૂળભુત રીતે એક હિન્દુ જાતી છે અને પશુપાલન તેમનો મુખ્ય વ્યવસાય છે. પશુઓ ના ઘાસચારા માટે સતત ભ્રમણશીલ જીવન જીવતાં હતા. જે આજે એકવીસમી સદી માં સમગ્ર ભારત માં સ્થાયી થયા છે. તેમજ અન્ય વ્યવસાયો પણ અપનાવ્યા છે. રબારી ઉપરાંત તેઓ મોટે ભાગે રાયકા અને દેસાઈ, દેવાસી, હિરવંશી ના નામે પણ ઓળખાય છે.

રબારીને રાયકા, દેસાઈ, દેવાસી, હીરાવંશી ના નામે સમગ્ર ભારત માં ઓળખવા માં આવે છે આ હિન્દુ માલધારી જાતિ પોતા ને ગોપાલક જાતી તરીકે ઓળખાવા માં ગર્વ અનુભવે છે.

રબારી શબ્દ મૂળ ‘રવડ’ શબ્દમાંથી ઉતરી આવ્યો છે. રેવડ એટલે ‘ઢોર યા પશુ’ યા ઘેટાનું ટોળું. અને પશુઓના ટોળાને રાખનાર કે સાચવનાર. ‘રેવાડી’ તરીકે ઓળખાતો અને અપભ્રંશ થતાં આ શબ્દ ‘રબારી’ તરીકે અસ્તિત્વમાં આવ્યો.

રબારી સમાજ આખા ભારતમાં ફેલાયેલા છે. વિશેષ કરીને ઉત્તર, પશ્વિમ અને મધ્ય ભારતમાં. રબારી જાતિ ભારત ની એક પ્રાચીન જાતિ છે. પણ શરુઆતથી જ પશુપાલનનો મુખ્ય વ્યવસાય અને પશુઓ ના ઘાસચારા માટે ભટકતુ જીવન હોવાથી કોઈ આધારભુત ઐતિહાસિક ગ્રંથ લખાયો નથી. અને અત્યારે જે કાંઈ ઇતિહાસ મળે છે તે દંતકથાઓ ઉપર આધારીત છે. મુખ્ય વ્યવસાય પશુપાલન હોવા થી સતત સ્થળાંતર ના કારણે આ સમાજ શિક્ષણ થી વંચિત રહ્યો છતાં આ સમાજ ના રિતરીવાજ, પોશાક, ખોરાક અન્ય સમાજ ને આકર્ષિત કરનારા રહ્યા છે. પાછલી સદીમાં શિક્ષિત સમાજના સંપર્કમાં આવવાથી, શિક્ષણ પ્રાપ્ત કરવાથી, સરકારી નોકરી, વ્યાપાર ઉદ્યોગ, ખેતી, વગેરે માં ખૂબ જ આગળ વધી રહ્યો છે.

ઉત્પત્તિ – દંતકથા

દરેક જાતિની ઉત્પત્તિ વિશે જેમ ભિન્ન મત હોય છે તેમ આ જાતિ વિશે પણ જુદાજુદા મત હોઈ શકે છે. પૌરાણિક વાત એવી છે કે જ્યારે ભગવાન શિવજી હિમાલયમાં તપ કરતા હતા ત્યારે પાર્વતી મન બહેલાવવા માટે માટીમાથી ઊંટની આકૃતિ બનાવીને રમવા લાગ્યા. આ ઉંટને પાંચ પગ હતા. પાર્વતીજીએ શિવજીને આ આકૃતિમાં જીવ પૂરવાની જીદ કરી. ભોળા શંભુએ તથાસ્તુ કહ્યુ. પછી આ ઉંટને ચરાવવાની સમસ્યા ઉભી થઈ, ત્યારે શિવજીએ મા પાર્વતીના કહેવાથી ઊંટની સંભાળ રાખવા માટે એક માણસ ઉત્પન્ન કર્યો તે હતો પ્રથમ રબારી. આ માણસે દેવલોકની અપ્સરા અથવા હિમગિરીની કોઈ દેવી સાથે લગ્ન કર્યુ. (એક દંતકથા મુજબ ‘રઈ’ નામની અપ્સરા સાથે લગ્ન કર્યા જેનો વંશ ‘રાયકા’ ના નામથી ઓળખાયો). તેને ચાર પુત્રીઓ થઈ. એ ચાર પુત્રીઓનાં લગ્ન હિમાલયમાં રહેતી જુદી જુદી જાતિના પુરુષો સાથે થયાં, અને એ ચારે પુરુષોની જે સંતતિ થઈ એ હિમાલયના નિયમ બહારનાં લગ્ન હોવાથી એ પ્રજા રાહબારી કે રબારીના નામથી ઓળખાવા લાગી.

એક માન્યતા પ્રમાણે, મક્કા-મદીનાના વિસ્તારોમાં મહમ્મદ પયંગબર સાહેબ પહેલાં જે અરાજકતા પ્રવર્તતી હતી જેના કારણે મૂર્તિ પૂજાનો વિરોધ થયો અને પરિણામે આ લોકોને પોતાનો ધર્મ બચાવવો મુશ્કેલ થતાં પોતાના દેવી-દેવતાઓને પાલખીમાં લઈને હિમાલયના વિસ્તારોમાંથી ભારતમાં પ્રવેશી હશે. (હાલમા પણ રબારી લોકો પોતાના દેવી-દેવતાને મૂર્તિરૂપે પ્રસ્થાપિત કરતાં નથી પરંતુ પાલખીમાં રાખે છે.) તેમાં હૂણ અને શકના ધાડા સામેલ હતાં. રબારી જ્ઞાતિમાં આજે પણ ઘણા હૂણ અટક ધરાવે છે તે ઉપરથી એવું અનુમાન થઈ શકે કે હૂણ રબારી જ્ઞાતિમાં ભળી ગયા હોય.

એક મત એવો છેકે ભગવાન પરશુરામે પૃથ્વીને એકવીસ વખત ક્ષત્રિયવિહિન કરી ત્યારે ૧૩૩ જેટલા ક્ષત્રિયોએ પરશુરામના ડરથી ક્ષ્રાત્રધર્મ છોડી પશુપાલનનું કાર્ય સ્વીકાર્યુ. તેથી તેઓ ‘વિહોતર’ તરીકે ઓળખાયા. વિહોતેર એટલે ૨૦+૧૦૦+૧૩=૧૩૩. ભાટ, ચારણ અને વહીવંચાઓના ગ્રંથો પ્રમાણે મૂળ પુરુષને સોળ પુત્રીઓ થઈ અને તે સોળ પુત્રીના લગ્ન સોળ ક્ષત્રિય કુળના પુરુષો સાથે થયાં. જે હિમાલયના નિયમ બહારની લગ્નવિધિથી થયેલાં હોઈ, સોળની જે સંતતિ થઈ તે રાહબારી અને પાછળથી રાહબારીનું અપભ્રંશ થવાથી રબારીના નામથી ઓળખાવા લાગી. ત્યાર પછી સોળની જે સંતતિ થઈ તે એકસો તેત્રીસ શાખામાં વહેચાઈ ગઈ, જે “વિશા તેર” (વિશોતેર) નાત એટલે કે એકસો વીસ અને તેર તે રીતે ઓળખાઈ. પ્રથમ આ જાતિ રબારી તરીકે ઓળખાઈ, પરંતુ પોતે રાજપુત્ર કે રાજપુત હોવાથી રાયપુત્રના નામે અને રાયપુત્રનું અપભ્રંશ થવાથી ‘રાયકા’ ના નામે , ગાયોનું પાલન કરતાં હોવાથી ‘ગોપાલક’ ના નામે, મહાભારતના સમયમાં પાંડવોનું અગત્યનું કામ કરવાથી ‘દેસાઈ’ ના નામે પણ આ જાતિ ઓળખાવા લાગી. પૌરાણિક વાતોમાં જે હોય તે, પરંતુ આ જાતિનું મૂળ વતન એશિયા માયનોર હશે કે જ્યાંથી આર્યો ભારતમાં આવ્યા હતા. આર્યોનો મૂળ ધંધો પશુપાલન અને તેઓ ‘ગોય’ જાતિના હતા. તે જ રીતે રબારી જાતિનો ધંધો પશુપાલન છે અને તેઓ ગોપ જાતિના છે એટલે જ આ જાતિ પણ આર્યોની સાથે જ ભારતમાં આવી હશે તેવુ અનુમાન કરવામાં આવે છે.

વિસોતેર રબારી સમાજની કુલ ૧૩૩ પેટાશાખ આ મુજબ છે.

૧.કટારિયા, ૨.કબોતરા, ૩.કાછોળ,૪.કાછેલા, ૫.કાનકટા, ૬.કારસિયા, ૭.કાબોર, ૮.કેડ, ૯.કુકોહ, ૧૦.કુંભાર, ૧૧.કોમરા, ૧૨.કોલા,૧૩.ખડોર, ૧૪.ખટાણા, ૧૫.ખાંભલ્યા, ૧૬.ખાર, ૧૭.ખારવાણિય,૧૮.ગરછોળ ૧૯.ઘરમરીયા, ૨૦.ઘાટિયા, ૨૧.ઘાટેતેર, ૨૨.ઘાંઘવા, ૨૩.ઘાંઘોડ, ૨૪.ઘાટરિયા, ૨૫.ઘાંઘારિયા, ૨૬.ઘેલોચર, ૨૭.ઘેળોત્તર, ૨૮.ચરમટા, ૨૯.ચરકટા, ૩૦.ચમરિયા, ૩૧.ચાવડા, ૩૨.ચાનબીડા, ૩૩.ચેલાણા, ૩૪.ચૌહાણ,૩૫.જાદવ, ૩૬.જાજાળા, ૩૭.જેઠા, ૩૮.જેહ, ૩૯.જેઠવા, ૪૦.જોટાણા,૪૧.ઝિયોડ,૪૨.ટલુકા, ૪૩.ટભારિયા,૪૪.ડાભી, ૪૫.ડિયા, ૪૬.ઢઘોલ, ૪૭.ઢેંચવા, ૪૮.ઢેચોતર, ૪૯.ઢોકરીયા, ૫૦.દાંકીયા, ૫૧.દેવ, ૫૨.દોદળા, ૫૩.દેવરા, ૫૪.દેવરિયા, ૫૫.નાગોર, ૫૬.નાવોર, ૫૭.નાંદવા, ૫૮.નાંદલિયા, ૫૯.નેહ,૬૦.પના, ૬૧.પરમાર, ૬૨.પરવરિયા, ૬૩.પદવાડા, ૬૪.પઢાર, ૬૫.પાટવાળ, ૬૬.પૂંછલ્યા, ૬૭.બલ્યા, ૬૮.બારેચ, ૬૯.બોરડ, ૭૦.બાર, ૭૧.બુચોતર,૭૨.ભડસ્મા, ૭૩.ભારઈ, ૭૪.ભાઠી, ૭૫.ભાટરીયા, ૭૬.ભુંગોળા, ૭૭.ભૂખ્યા, ૭૮.ભૂંભળિયા, ૭૯.ભુંદરે, ૮૦.ભુંડ, ૮૧.ભેજા, ૮૨.ભોકું, ૮૩.મકવાણા, ૮૪.મારૂ, ૮૫.મેર, ૮૬.મેહ, ૮૭.મોટણ, ૮૮.મોરડાવ, ૮૯.મોરી, ૯૦.મોટું, ૯૧.રન્જયા, ૯૨.રજ્યા, ૯૩.રાજીયા, ૯૪.રાઠોડા, ૯૫.રાંણવા, ૯૬.રૂવારા, ૯૭.રૂણેચા, ૯૮.રૂડેયા, ૯૯.રોહિયા, ૧૦૦.રોઝિયા, ૧૦૧ લવ, ૧૦૨.લલુતરા, ૧૦૩.લળતુકા, ૧૦૪.લૂણી, ૧૦૫.લોઢા, ૧૦૬.લોહ, ૧૦૭.લોક, ૧૦૮.વણોતરા, ૧૦૯.વાતમા, ૧૧૦.વાઘેયા, ૧૧૧.વેજોલ, ૧૧૨.વેગડોર, ૧૧૩.શિલોરા, ૧૧૪.શેઠા,૧૧૫.શેખા, ૧૧૬.સવઘોર, ૧૧૭.સાવધરીયા ૧૧૮.સાંબોળ, ૧૧૯.સેવાળ, ૧૨૦.સેધિયા, ૧૨૧.સોલંકી,૧૨૨.હડિયોલ, ૧૨૩.હાથોલ, ૧૨૪.હુચોલ, ૧૨૫.હૂણ, ૧૨૬.અચવા, ૧૨૭.અજોણા, ૧૨૮.અવછારિયા, ૧૨૯.આલ, ૧૩૦.આંબોઘરા, ૧૩૧.આબોચર, ૧૩૨.ઈહોર, ૧૩૩.ઉમોટ, ૧૩૪.ઉજોડા, ૧૩૫.ઉલવા. આમાંથી મોટા ભાગની શાખ આજે ગુજરાત અથવા ગુજરાત બહાર હયાત છે. શક્ય છે કે હાલમાં આમાથી બે-પાંચ શાખનો ક્ષય થયો હોય. આ બધી જ શાખના રબારી સમાજની પ્રાચીન સમાજરચના પરગણા વાર કરેલી.

 • રબારીઓ આ 40 જેટલાં આદિ પરગણાઓમાં પથરાયેલા છે. પરગણાં-પંથકો આ મુજબ છે.
 • ૧. વઢિયારપરગણું
 • ૨. ચુંવાળ પરગણું
 • ૩. ડીસાવડ પરગણું
 • ૪. ચરોતર પરગણું
 • ૫. બારગામ પરગણું
 • ૬. પાટણવાડો પરગણું
 • ૭. સમાલ પરગણું
 • ૮. ભાલ પરગણું
 • ૯. હવેલી પરગણું
 • ૧૦. કાનમ પરગણું
 • ૧૧. દાંતાની સાઇઠ પરગણું
 • ૧૨. બાવન પરગણું
 • ૧૩. દોતોર પરગણું
 • ૧૪. પાંચાલ પરગણું
 • ૧૫. ગોહિલવાડ પરગણું
 • ૧૬. ઝાલાવાડ પરગણું
 • ૧૭. સોરઠ પરગણું
 • ૧૮. વાગડ પરગણું
 • ૧૯. ઢેબર પરગણું
 • ૨૦. કાંસ પરગણું
 • ૨૧. ગરડા પરગણું
 • ૨૨. ખાખરિયા ટપ્પા પરગણું
 • ૨૩. હાલાર પરગણું
 • ૨૪. બાવીસી પરગણું
 • ૨૫. છોત્તેર પરગણું
 • ૨૬. વડનગર બારપરા પરગણું
 • ૨૭. દંઢાય પરગણું
 • ૨૮. મોડાસિયા પરગણું
 • ૨૯. ઊંચી ખારી પરગણું
 • ૩૦. નીચી ખારી પરગણું
 • ૩૧. ચોર્યાસી પરગણું
 • ૩૨. હળમાળિયું પરગણું
 • ૩૩. તાપીકાંઠા પરગણું
 • ૩૪. કાઠિયાવાડ પરગણું
 • ૩૫. મચ્છુકાંઠા પરગણું
 • ૩૬. કાંકરેચી પરગણું
 • ૩૭. રાધનપુરી પરગણું
 • ૩૮. ધાનધાર પરગણું
 • ૩૯. દેહનું પરગણું
 • ૪૦.અંબાલિયારું પરગણું (તાલુકો બાયડ)

આ પરગણાનો વિસ્તાર જુના સમયમાં નક્કી થયેલ છે તેની ગણત્રી ભૌગોલિક કરતાં સામાજિક મહત્વ વધારે છે. રબારી જાતિનો મુખ્ય વ્યવસાય પશુ પાલનનો હોવા છતાં છેક મહાભારત યુગથી મધ્ય(રાજપુત) યુગ સુધી રાજા મહારાજાઓના ખાનગી સંદેશા પહોંચાડવાનું કામ તેમજ બહેન-દીકરી અને પુત્રવધુઓને તેડવા કે મૂકવા માટે અતિવિશ્વાસપૂર્વક રબારીનો જ ઉપયોગ કરવામાં આવતો તેવા અનેક પ્રસંગો ઇતિહાસના પાને નોંધાયા છે.

પાંડવો પાસે અનેક માણસો હોવા છતાં મહાભારતના યુધ્ધ ના સમયે વિરાટનગરીથી હસ્તિનાપુર રાતોરાત સાંઢણી ઉપર સાડા ચારસો માઈલનું અંતર કાપી ઉત્તરાને હેમખેમ પહોંચાડનાર રત્નો રખેવાળ રબારી હતો.

ભારત ઉપર મહંમદ ગઝનવીએ આક્રમણ કર્યુ ત્યારે તેનો વીરતાપૂર્વક સામનો કરનાર, મહારાજા હમીરદેવનો સંદેશો ભારતના તમામ રાજવીઓને પહોંચાડનાર સાંઢણી સવાર રબારી જ હતો.

દેસાઈ બરડાની રાજગાદી ગુમાવનાર જેઠવા વંશના રાજકુમાર અને રાજમાતા કલાંબાઈને આશરો આપી, પોતાના સેંકડો યુવાનોનાં માથાં રણભુમિમાં સમર્પણ કરી ગાદી પાછી અપાવનાર રબારી જ હતા.

એક માન્યતા પ્રમાણે જૂનાગઢમાં રા’નવઘણની બારી સામે વસ્યા એટલે ‘રા’બારી કહેવાયા અને તેનો અપભ્રંશ ‘રબારી’ થયો. રબારીઓ ઉત્તર ભાગમાં હસ્તિનાપુરથી દિલ્હી આવીને વસ્યા. ત્યાંથી તેઓ બરડાનાં ડુંગરમાં ગયા. ત્યાં તેઓ બર્બરથી ઓળખાયા. આ લોકોના આગમન પછી જ આ ડુંગરાળ પ્રદેશને, બરડાનુ નામ મળ્યુ હોય એમ માનવા પ્રેરે છે. આ જાતિઓ એ ગોકુળ મથુરા માંથી હીરાવાડ , મારવાડમાં સ્થળાંતર કર્યુ અને મારવાડમાંથી ગુજરાતમાં આવ્યા હતા. કાઠિયાવાડમાં વસતા આહીર, રબારી લોકો નાગ જાતિ માંથી ઉતરી આવ્યા છે.સને ૧૯૦૧માં લખાયેલા ‘બોમ્બે ગેઝેટિયર’ માં લખ્યુ છેકે રબારીઓનું ખડતલપણું જોતા કદાચ તેઓ “પર્શિયન” વંશના પણ હોય શકે અને કદાચ પર્શિયાથી ભારતમાં આવ્યા હોય કારણ કે રબારીઓમાં એક ‘આગ’ નામની શાખ છે. ને પર્શિયનો ‘આગ-અગ્નિ’ ના પૂજકો છે.

આ જાતિ બલુચિસ્તાનમાંથી આવી હશે. અને બલુચિસ્તાનમાંથી સિંધમાં થઈ મારવાડ-રાજસ્થાન અને ત્યાથી સમગ્ર ભારતમાં ફેલાયી હશે.

રબારી કોમમાં પૂજાતા હિંગળાજ માતાનું મુળ સ્થાનક આજે પણ બલુચિસ્તાનમાં છે. સિકોતેર માતાનું મૂળ સ્થાનક પણ સિંધમાં હતુ.

રબારીઓના બે વર્ગ જોવા મળે છે. એક માતા મોમાઈના ઉપાસક સોરઠીયા રબારીઓ જેઓ મુખ્યત્વે ઘેટાં બકરાનો પાલન કરનારા છે.

જ્યારે ઝાલાવાડ અને ઉત્તર ગુજરાતના રામ કૃષ્ણના ઉપાસક દેસાઈ રબારીઓ, જેવો મુખ્યત્વે ગાયો નું પાલન કરનાર છે. બન્ને ભિન્ન વંશકુળના છે. આમાંના સોરઠીયા રબારીઓ ‘હૂણ’ પ્રકારના વંશના હોવાની શક્યતા છે. જ્યારે દેસાઈ રબારીઓ ગુર્જરવંશના છે. બન્નેના શારીરિક લક્ષણોથી આ પ્રકાર ફાળવી શકાય.”

જો કે ઉપરોક્ત કથન કરતાં હકિકત જુદી હોવાનું પણ કહેવાય છે. બન્ને રબારી મૂળ એક જ કુળ કે વંશના છે. પરંતુ બે-ત્રણ હજાર વર્ષ પહેલા છૂટા પડેલા જણાય છે.

પોસ્ટ વાંચેલી નોંધોના આધારે…….

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.

લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!