“મદારી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 8

આજના યુગમાં પણ કંટાળેલ માણસ મનોરંજન શોધે છે. મનને રંજન આપે તે મનોરંજન…

આજના યુગમાં ટી.વી. મલ્ટીપ્લેક્ષ સિનેમાગૃહો, નાટ્યગૃહો વિગેરે છે.

અગાઉના જમાનામાં પણ માણસ રોજની ઝંઝાળમાંથી છુટી મનોરંજન માણતો હતો. તે ભવાયાની ભવાઈ, મલ્લનટ ના કુસ્તિના ખેલો, મદારીના ખેલોને કરામતો વિગેરેથી મેળવતો હતો.

મારી બાંધકામની દહેગામની સાઈટની બાજુમાં જ જવલ્લે જ હોય તેવુ મદારીનગર ગામ વસેલુ..

ત્યાં જવાનો રસ્તો પણ મારી સાઇટ પરથી હતો..

મને પણ આ કોમમાં રસ પડેલ તેથી પુછપરછ કરતાં ધણી વાતો જાણવા મળેલી.

મદારી આમ તો મુળ રાજસ્થાનના વતની હોવાનુ મનાય છે. પોતે પોતાની જાતને મુળ ગરાસિયા ગણાવે છે. અગાઉના સમયમાં તેમના કોઇ પૂર્વજે મુલસમાન બાઈ ઘરમાં ઘાલેલી તેથી હિન્દુ રાજાઓએ બહિષ્કાર
કરતાં આ ધંધો હાથ ધરેલો..

આમ તો સામાન્ય રીતે માંકડા, સાપ, નોળિયા, રીંછ જેવા પ્રાણીઓ રાખીને થોડીક હાથ ચાલાકી પણ કરી મનોરંજન કરાવી પેટિયું રળતી કોમ છે.

વરસાદની સીઝન પુરી થાય ત્યાંથી પેટિયું રળવા એક ગૃપમાં નીકળી જાય..

વગડામાં તેઓ પડાવ નાખે ને અલગ અલગ ગામે જઈ લોક મનોરંજન કરાવી ગુજરાન ચલાવે..

મદારીઓ તેમણે પાળેલાં માકડાંને મારી મારીને નાનપણથી જ તાલીમ આપે..

આપણને એમ લાગે કે પ્રાણીઓ મદારી કહે તેમ કરે છે તેની ભાષા સમજે છે પણ સાચે તો પેલી તાલીમ પ્રમાણે જ કામ કરે.

એક મદારીએ એક પાંચ પગવાળી ગાય ક્યાંકથી વેચાણ લઈને તેને તાલીમ આપેલી આ ગાય તેણે મને બતાવેલી..

તે ગાયને કહે.. હે ગૌમાતા.. આ ભાઈ સાહેબનુ ધાર્યુ કામ થઈ જવાનુ હોય તો જમણો પગ ઉંચો કરો..

ગાય કોકવાર ડાબો પગ ઉંચો કરે તો તે તરત જ કહે ગૌ માતા તુ તો જગતની મા છુ શું આ સાહેબનુ કામ કરીશ નહી તો તું ગૌમાતા શૈની?

આમ કહી તે જે પડખે લાકડીથી ઇસારો કરે તે પગ ઉપાડે…

આમ ક્યાંક અંધશ્રધ્ધાની સહાય પણ તે લેવા મજબુર હોય છે. આમ આ તો તેમના ધંધાની આવડત જ છે.

તેઓ ગામમા પ્રવેશે ગામ વચ્ચેની જગાએ ઉભા રહી તેમનું ડુગડુગીયુ વગાડે….

એ જાણીતા અવાજે ગામનાં છોકરા સમજી જાયને પળવારમાં ભેગાં થઈ જાય.

જો મદારી માંકડાવાળો હોય તો..

એક હાથમાં તેનુ ડુગડુગિયુ ને બીજા હાથમાં માંકડાની દોરી લઈ ઉચું નીચું કરી નાચ નચાવે

માંકડાના નામ પણ રતનીયો કે કોઈ ફિલ્મ કલાકારનુ નામ પણ રાખે..

ચોકમાં કોરમ પૂર્ણ થાય એટલે મદારી માકડાને સહુને સલામ કરવા કહે.. માકડુ પણ ટોળાની વચ્ચે ગોળ ફરીને સલામ કરે..

માકડાનૈ એક રંગીન ઝબલુ પહેરાવેલુ હોય ક્યારેક ટોપી કે હેટ પણ પહેરાવેલ હોય..

આવા બેચાર ખેલ બતાવી.. માકડું તેનો હુકમ માને નહીને માકડાને પુછે કેમ? ઉઠતો નથી. તે ભુખ્યો થયો છે. છોકરાવને ઘરેથી પાઈ પૈસો, દાણા, લોટ, રોટલા જે કાઈ પણ લાવવા વિનવે અને નહી્ લાવો તો મારી માતા તમારૂં માથું બે કાન વચ્ચે કરી દેશે પછી જે કંઇ મળે તે લઈ સામે ગામ જાય.

કેટલાક જાદુ એટલે હાથ ચાલાકી પણ કરતા હોય મોંમાંથી લખોટા કાઢે, હાથમાંથી પૈસા ગુમ કરી દે પાછા સૌના આશ્વર્ય વચ્ચે તરત પાછા પણ લાવી દેતા..

મોંમાંથી કેટલાક જીવતા વીંછી પણ કાઢે.. મદારીઓના કહેવા પ્રમાણે તેમની પાસે માત્ર હાથચાલાકી જ છે. કોઈ જાદુટોણા નથી.

નાગપંચમીના દિવસે મદારી કડંરિયામાં નાગ મુકી ઘરદીઠ ફરી ફરીને નાગદર્શન પણ કરાવી યથાયોગ્ય મહેનતાણું મેળવી લેતા.

કેટલાક હાથ ચાલાકીના ખેલો બતાવી મનો રંજન પણ કરતા.. કહેવત છે કે બગાસું ખાતાં પતાસુ મળ્યું.. મદારીઓ તેમના ખેલમાં બગાસું ખાઈ મોંમાંથી પતાસુ કાઢી પ્રેક્ષકોને આશ્વર્યમાં મુકી દેતા.

સાપ રાખનાર ગામના ચોકમાં આવી ડુગડુગિયાને બદલે મોરલી વગાડે એટલે
છોકરાંવને ખબર પડી જાય કે સાપ વાળો મદારી આવ્યો છે.

બરાબર ટોળુ જામે એટલે મદારી કરંડીયા પર ટપલી મારી ખોલે એટલે નાગ બેઠો થાય. મોરલી નાગની સામે રાખી વગાડેને તે હાલે તેમ નાગ પણ ડોલે..

આવા ખેલોમાં મદારીઓ…કહે..

નાગદેવતા ચોકના દરેક છોકરાં, છૈયાં,ભાઇ બહેન સૌને દર્શન દે…

એ સૌને દુશ્મનથી બચાવ…

ખેડુના ખેતરે, તળાવને કાંઠે, બપોરે ઝાળા ઝાંખરે, ઉનાળાની રાતે, ગરીબને ઝુંપડે, રબારીના પગે હર જગાએ તારો વાસ હોય

આંય ઉભા તે સૌને હાથપગના દુ:ખાવા, રાતના તારાં સપના, એમના પૂર્વજોના દોષને મટાવી દે..

છેલ્લે અરે હા નાગદાદા આય ઉભા સૌ છોકરાનાં લગન કરાવી દેજે..

આ બધું તે પોતાની અદામાં એટલુ ઝડપથી બોલી જાય..

એમ કરતાં કરતાં મદારી કાંકરામાંથી રૂપીયો, રૂપીયામાંથી બેની નોટને બેની નોટમાંથી સોની નોટ બનાવી દે. વળી છેલ્લે સોની નોટને બેની, બેની નોટને એક રુપીયો ને તેનો પાછો કાંકરો બનાવી દે.

મદારીઓ કહે છે કે… કોથળી અમારી અક્ષયપાતર છે. કોથળી ના હોય તો ખેલ ન થાય.

નાની લખોટીઓ મોંમાં મુકી તેટલા જ જીવતા વીંછી કાઢી બતાવે પછી વીંછી મોમાં પાછા મુકી તેટલી જ લખોટીઓ બહાર કાઢી બતાવે. કોઇ જાદુ બતાવતાં તેમના શબ્દો આ જ હોય…

કાલી કલકત્તાવાલી, બચ્ચો બજાવો તાલી, તેરા વચન ન જાય ખાલી.

નારસંગજીની ખોપરી, બજરંગબલીનો કાકડો.. જ્યાં છોડે ત્યાં હાજર ખડો..

આ તો અમારી હાથ ચાલાકી છે. સાચી જ હોય તો અમે ઘેર બેઠાં રુપીયા બનાવી લઇએ. ગામે ગામ ખેલ કરવા ય ન આવીએ.. એમ કહી સહાય કરવા આજીજી કરતા..

આજે તો આ ગ્રામ્ય જીવનનો મનોરંજક કસબનો ધંધો મૃતપ્રાય થઇ ગયો છે. સરકારે પણ પ્રાણીઓ રાખવા પર પ્રતિબંધ મુક્યો છે.

આ મદારી સમાજે આપણા ગ્રામ્ય સમાજને વરસો સુધી સારુ એવું મનોરંજન પીરસ્યુ છે. તે લોકો પણ હવે વિચરતી જિંદગી મુકી સ્થાયી નિવાસ કરી નોકરી ધંધે વળ્યા છે. તેમનામાં હજી કેટલાક વડીલો આ કામ જુજ પ્રમાણમાં કરે છે.

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!