“બળદની ખાસીયતો” ગ્રામ્ય જીવનના સ્તંભ- 6

જોઈતાકાકા પટેલ…

અમારા જોઈતાકાકાને ખેતી તો ખરી પણ બળદના ય ભારે શોખીન અને જાણકારે ય ખરા… તે કહેતા.. બળદના અનેક પ્રકારને લક્ષણો છે.

ખોડીલો બળદ કોને કહેવો?

૧.પાસાબંધ:-જે બળદને એક પડખાનું હાડકું ટુંકુ હોય તે

૨.હુથી:-જે બળદ પોતાનાં શીગડાં જોઈ શકતો હોય તે

૩.સાતોલિયો:-જે બળદ સાત દાંત ધરાવતો હોય તે

આ ત્રણે ભાતના બળદો ખેડુને દશા બેસાડનારા નીવડે.. મારા જેવા અનુભવી કદી યે આવા બળદ ખરીદે નહીં તેમ તે કહેતા.

૪.પદ્મવાળો:-પદમણી ઘોડી તો સાંભળી છે પણ પદ્મવાળો બળદ નવાઈ લાગે પણ કાકાને મતે જે બળદને પગે ઉભો કાળો લીટો હોય તે

૫.છત્રપતિ:-જે બળદની કોંઢ પર ભમરી હોય તે

૬.પંખાળો:-જે બળદની બંને બાજુનાં પાંસળાં ટુંકા હોય

૭.ખંપાળીયો:-જે બળદના પુંછડાને છેડે ડોડી પાછળ વળેલી હોય

આમ ઉપરના આ ચાર પ્રકારના લક્ષણો વાળા બળદો શુકનીયાળને ખેતીના કામે પાવરધા માલુમ પડે છે.

આ ઉપરાંત જે બળદનું પુંછડું જમીનને અડી જતું હોય તે ખેડુત માટે ધનપ્રાપ્તિ કરાવનાર માલુમ પડ્યા છે.

આથીય વિશેષ જે બળદની કોંઢ લાંબી હોયને જમણે પડખે વળેલી હોય તેને ગણેશીયો પણ કહે છે તેના લક્ષણો ખેડુને ફાયદાકારક છે.

બળદની જાતોની ય કાકાને જાણકારી હતી. તેમના મતે…

ઉત્તર ગુજરાતમાં બે જાત એટલે વઢિયારી અને કાંકરેજી બળદનું ચલણ વિશેષ છે. બળદના શોખીન ખેડુ આ રંગે ધોળા, શામળા, રૂપાળા, ખડતલ, મજબુતને ભડકણ જેને ચપળ પણ હોય છે. જુના સમયમાં આ બળદો આંગણે હોવા તે સ્ટેટસ એટલે કે સિમ્બોલ ગણાતું.

માળવા બાજુના બળદોને માળવી બળદો કહેવાય તે આ બળદોની સરખામણીએ ટુંકાને ઓછી તાકાતવાળા છે.

ગુજરાતમાં ખેડુ પાસે જમીનો ટુંકી થતી ગઈ તેમ બળદની પસંદગીમાં ઝીણા કદના જોધપુર તરફના નાગોરી જાતનો સમાવેશ થયો છે.

આ પછી પણ રાજસ્થાનના પશુમેળામાં માલાજારીયા, થરાદીયા કહેતા…

દક્ષિણ ગુજરાતમાં બળદ ઝીણી કણુચીનાને પાતળા શીંગડાવાળા મરાઠી બળદ કહેવાય ત્યાં તેનુ ચલણ ઝાઝુ છે.

બળદની પોતાની કેટલીક ખાસિયતો પરથી પણ નામ પડે છે…

જેમ કે ગાડે કે સાંતિડે જોતરતાં બેસી જતો હોય તનેે ‘પડિયો’ કહે.

ખુબ ગરમીમાં હાંફી જતો હોય તેને ‘સુંવાળો’કહે..

બહુ ખાતો હોય તેને હડકાયો કહે.

પુંછડું ટુંકુ કે કપાયેલ હોય તેને ‘બાંડો’ કહે

ઉભો થાય ત્યારે કે ચાલતાં ચાલતા પગ ખેંચાય તેને ‘તણસીલો્ કે ‘તણસ’ કહે.

મોટા માથાવાળો હોય તેને ‘ભોડાળો’ કહે

બળદોની મુખ્ય બે જ જાતો છે. એક રંગીન અને બીજા ધોળા. પ્રાદેશિક સ્થિતિ અનુસાર આ જાતોમાંથી બધી જાતો જન્મી છે. દુનિયાના બળદોની મધરબ્રીડ ગિરની ઓલાદ છે. બળદોને દેશી ગોળ ખવરાવીને ઘીની નાળ્યું પવાતીને રોજ બાફેલા ગવાર પણ ખવરાવતા.

આ ઉપરાંત રાજસ્થાનથી લવારિયા જ્ઞાતિ પણ ત્યાંથી બળદો લઈ ગુજરાતમાં વેચવા આવે છે. જે મેળામાં નથી જતા તે લવારિયા પાસેથી પણ બળદો ખરીદે છે.

પોતાના માલિકના હાથની મમતાભરી માવજત પામેલો બળદ મરી જાય ત્યારે લુવારિયા નારીઓ એની પાછળ મોં વાળીને રોતી.

આ જ રીતે બન્નીથી સિંધીઓ પણ બળદો વેચવા આવતા હતા.

ખમતીધર ખેડૂતનો બળદ મરી જાય તો ગામલોકો આ જાનવરનો ખરખરો કરવા જતા.

રાજસ્થાનમાં પુષ્કળ બંજર જમીન હોવાથી ખેતી કરતાં પશુપાલન વિશેષ છે.

ત્યાંના પશુ પાલકો પોતાના પશુઓ વેચવા દર વરસે રાણીવાડા, નાગોર, ઢીમા, ધરણીધર, માલાજાર અને લૂણીના પશુમેળામા આવે છે ને ત્યાં ગુજરાતના ખેડુ બળદની ખરીદી કરવા જતા.

હુતાસણી આવે પછી ગામમાં સૌથી વહેલા ગાડું જોડી ખાતર ભરી બળદ વેચી દેવા, પછી ઢીમા ધરણીધરના પશુ મેળે બળદની નવી જોડી લેવા ઉપડી જવું તે તેમનો (કાકા) વરસો વરસનો કાર્યક્રમ રહેતો…

બળદના લક્ષણો, બળદની ખાસિયતો વિષે તેમની જાણકારી વિશેષ હતી.

આખા ય ગામમાં જેણે પણ પશુમેળામાંથી બળદ લેવાના હોય તે બધા જ અમારા કાકાને અચુક સાથે લઈ જાય જ.

અમારા ગામમાંથી જેમ કાશી કે હરદ્વારની યાત્રાનો સંઘ નીકળે તેમ સહુ સાથે મળીને માલાજારને પશુમેળે જતાં, જુના જાણીતા જોઈતા કાકાને સાથે લઈ જતા. કાકાને બળદની જાણકારીની સાથે સાથે મેળાની જાણકારી, ઓળખાણ પણ ખાસી હતી.

આ આખો ય પ્રવાસ અમારા કાકાના વડપણે નીકળતો.. તેમાં કેટલાક અનુભવી, કેટલાક જિજ્ઞાસુ, કેટલાક નવા નિશાળીયા પણ રહેતા.

મેળામાં રાખવાની સાવચેતીઓ, રહેવાની રાવઠીઓ,દલાલો અંગે ખાસ સુચનાઓ કાકા આપતા રહેતા હતા.

મેળામાં જતી વખતે ઘેરથી સુખડી,સિંગ, ચણા વિગેરે સૌ સાથે લઈ જતા.

મહેસાણાથી ગાડી બદલી મેળે પહોચતા. ત્યાં રહેવાની રાવઠીઓમાં રહેવાનું. ઉનાળો હોઈ ખુલ્લા આકાશમાં સુઈ જવાનુ કેટલાયના નાણાં ચોરાઈ જતાં ત્યા પણ આવા ચોર લફંગાઓ તો આવી જતા.

સવારે મેળામાં બળદ ખરીદવા ફેરીએ નીકળે. ભાવતાલ નક્કી કરવાના કોડવર્ડ હોય, લેનાર અને વેચનારના દલાલ એક કપડાથી ઢાંકી ભાવતાલ કરે..

આંગળીઓ કોમ્યુટરના કીપેડ પર ફરેને લખાણ મોનીટર પર આવે તેમ અહીં પણ તેમના ખાસ કોડ રહેતા.

કાકાના કહેવા પ્રમાણે પ્રથમ હજારનો કોડ જેટલી આંગળીઓ દબાય તેટલા હજાર પછી બીજા સોના રાઉન્ડમાં જેટલી આગળીઓ દબાય તેટલા સો ભાવ ઈશારે સમજાવે છેવટે ખરીદનાર પણ તે જ કોડમા પોતાની ખરીદ કિંમત બતાવે.. ઢાંકેલા હાથ અને મોંઢેથી ઈશારે રકઝક પછી સોદો પાકે પણ ખરો…

આમ બળદોની જેમ જેમ ખરીદી થતી જાય અને તે દિવસથી તે જોડીની જવાબદારી ખરીદનારની ગણાતી. કેટલાય ખરીદાયેલ બળદોની ચોરી પણ થઈ જતી.

તેના ઘાસચારાની, પાણીની પણ સગવડ કરવાની થતી…

રાત્રે વારા ફરતી જાગીને બળદની ચોકી કરવાની.. બધા જ જરુરવાળાની ખરીદી પતે એટલે એક ગામના જેટલા બળદ ખરીદ્યા હોય તેના ચાર ચાર બળદનાં ગૃપ બનાવી તે ચારે ય બળદ ભેગા બાંધી દેતા. હવે શરૂ થતી ગામ પ્રતિ સવારી…

મેળેથી અમારે ગામ આવવાનો ટુંકોને સલામત રસ્તો અમારા કાકા નક્કી કરતા.

ચાર બળદના બે માલિકો સાથે હોય ત્યાંથી કાકાની રાહબરીમાં મુસાફરી આગળ વધે, રસ્તામાં રાતવાસો, ચોર લુટારાઓનો વિસ્તારની વિશેષ જાણકારી અમારા કાકાને હતી…

બળદ ખરીદીને ત્યાંથી બળદ હાંકીને ગામ આવવાની પ્રથા અમલી હતી.

ઠેર ઠેર તેમને પરિચય ઉતારા, ઘાસચારાની જોગવાઈ, ખાવાપીવાની સગવડ બધું જ કાકા ચપટીમાં ગોઠવી દે..

રસ્તામાં કેટલોક વિસ્તાર એવો આવે જ્યાં બળદની ય ચોરી થતી.બળદ ઝડપથી દોડી ન શકે તે માટે ચાર બળદ ભેગા બાંધીને આગળ વધવાની પ્રથા હતી.

એક જણને વધુમાં વધુ બે બળદ હોય એટલે બે જણ વચ્ચે ચારની એક જોડ સાચવવાનું ય માફક રહેતુ. રસ્તામાં અમુક ઠેકાણે રાતના સમયે બળદોને ભડકાવી ભગાડવાની રીત ચોરો અમલમાં મુકતા.

ત્યાં કાકા બધા જ બળદોને સાથે રખાવી આગળ વધતા અને એક જોડી દીઠ વધારાના જણ વણઝારની આગળ રહેતા તેથી આ ચોરોને અમારા ગામના બળદોને ભડકાવી ચોરવાનો મોકો ક્યારેય મળ્યાનું મારી જાણમાં નથી.

આ બધી જ વાતનો યશ પણ અમારા કાકાને જ જાય… આ લેખ પણ પૂજ્ય કાકાશ્રીને નમનસહ સમર્પિત કરૂ છુ.

આવા હતા એ જુનાને જાણકાર અનુભવી જે તે સમયના ગ્રામ્ય જીવનના સ્તંભ હતા..

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!