જુના સમયના ગામડાનું લોકજીવન

જુના જમાનામા વાર તહેવારે ગામલોકોનુ મનોરંજન કરી પેટીયુ રળવાવાળી કેટલીક કોમો આવતી હતી.

મદારી

આજના આધુનિક યુગમા આ બધુ વિસરાઈ ગયુ છે.વાદી મદારીની મોરલીને જાદુની કારીગરીને સાપ નોળીયાના ખેલ,માકડાના ખેલ કરી મનોરંજન કરતાને ખેલ પુરો થયે બાળકોને અનાજ કે પૈસા લાવવા સમ આપતા હતા. એ સમ પણ મજાકી જ હોય કે બાળકો સમજી ન શકે..જેવા કે બે કાન વચ્ચે માથુ થઇ જશે….

તરગાળા

ઉનાળામા ને દિવાળી પછી તરત જ અધેલિયાને તરગાળાની ભવાઈ લોકો રસભર માણતા હતા. રાત્રે ભવાઈના ખેલ કરી સવારે તેમના યજમાનોમા જેને ઘેર દીકરો જનમ્યો હોય તેને ઘેર જઈ હરખભેર હાલરડુ ગાઇ આશીર્વાદ આપી બક્ષીસો લેવાની પ્રથા હતી. તેમા પણ આજે ફિલ્મના હિરો હીરોઈન લોકપ્રિય છે તેમ આ ભવાઈના કેટલાક કલાકારો લોકોમા પ્રિય હતા. અમુક ગામના નાટકો જોવા આજુબાજુના ગામના પણ આવતા હતા.

કાંસકીઓવાળી

અવાર નવાર કાસકીવાળી બાઈઓ સીસમના લાકડાની બનેલ કાસકીઓ, બંગડીઓ, તે સમયની લેડીઝ કટલરીઝ વેચવા આવતી હતી.

સલાટ કોમના લોકો ગધેડા પર પત્થરની ધંટીઓ, નાના ધંટુલાને ખાણિયા વેચવા આવતા હતા.

લવારિયા

ચોમાસુ વીત્યા પછી ગામને પાદર લવારિયા નામની કોમ જે રાજસ્થાનના વતનીઓ છે તે તેમના પરિવાર સહિત રોકાતા હતા. ગામ લોકોને ધારિયા, ફરસી, કોદાળી, સાણસી, ચિપીયા, તવી, તાવેતા બનાવી આપી રોજી કમાતા હતા. આ લોકો સાથે સાથે બળદની લે વેચનુ કામપણ કરતા હતા.

વણઝારા

એ જમાનામા ધળેલુ મીઠુ મળતુ ન હતુ. આખુ મીઠુ આજની સરખામણીએ ઘણુ જ સસ્તુ હતુ. વણઝારા જેવી કોમ ગધેડા પર લાદીને વેચવા આવતી … ગામજનો આખા વર્ષની જરૂરિયાત જેટલુ ભરી લેતા હતા.

મલ્લ નટ

ગામમા શારિરીક કૌશલ્ય દેખાડતા મલ્લની ટોળકીઓ પણ ગામે ગામ આવતી હતી. તે ગામમા ફરી સહુને તેમના કરતુતો જોવા આમંત્રિત કરતી હતી અને ગામના અગ્રણીઓને તેમના ખભે બેસાડીને કાર્યક્રમ સ્થળે લઈ આવતા હતા.એક દાત પર આખુ હળ ઉભુ રાખવુ,આખુ ગાડુ બાધેલુ દોરડુ દાતથી પકડીને ખેચવુ વિગેરે.

ભરથરી

રાવણ હથ્થાવાળા ભરથરીઓની પણ ભરમાળ રહેતી દિવસે ઘેર ઘેર ફરી ભજન ગાતાને રાત્રે ગામના ચોકમા ભજનની રમઝટ જામતી હતી તેની મજા આજના મોટા સ્ટેજ શોને પણ ટકકર મારે તેવી માલુમ પડતી હતી..

બારોટ

આવી જ મજા ગામમા જે કોઇના ઘેર રાવજી એટલે બારોટ આવે ત્યારે રાતના તેની વાતો સાભળવાની મજા કંઈ ઓર હતી.

ભજનમંડળી

વર્ષે દિવસે એક રાત માટે સાયલાથી લાલજી મહારાજના મંદિરના સાધુઓની મંડળી આવતી ગાદીપતિ મહારાજના સામૈયા થતા હતા. ગામે રાત્રે ભજનની રમઝટ ચાલતી હતીને ગ્રામજનો પોતાનો ફાળો નોધાવતા હતા.

બળદ ગાડાં

આજના યંત્રયુગમા આબધુ વિસરાયુ છે….. દશેરાઓ ઘોડાની દોડ, બળદોની હરિફાઈ, ગીર ગાય, દેશી બળદની જોડી, ઉનાળે ખેડુ માલા જાર, ભીલડીથી બળદની જોડી લાવેતેને ગામ લોકો જોવા ચઢતા હતા. સારા બળદ રાખવાના ભારે શોખ પણ હતા. ગાડા, વેલડાને માફા,માચી વાળા ગાડે ચઢી જતીજાનો, ભારેખમ ભેસના શોખ વિગેરે….હવે તો જાણે વિસરાઇ ગયા છે.

નહાવા ધોવાનુ:-

નહાવા ધોવા સવારે ગામ તળાવે જવુ પડતુ હતુ મોટાભાગના ગામોના તળાવો પર સ્ત્રીઓને નહાવાનો ભાગ, પુરૂષોને નહાવાનો ભાગ, કપડાધોવાનો ભાગને ઢોરને પાણી પીવડાવવાનો ભાગ પરંપરાથી નક્કી કરેલા હતા. ભાગ્યે જ કોઈના ઘેર નહાવાના સાબુ રહેતા હતા. કપડા ધોવા માટે સાબુની ભુકીની નવી નવી શરૂઆત થઈ હતી.

ઉનાળા ગામ તળાવે પાણી ખુટે પટેલના કુવે નહાવા જતા હતા. ગામના ઢોર માટે કુવામાથી કોસથી પાણી ખેચીને હવાળાભરાતા હતા. આ માટે શરૂઆતના વર્ષોમા ગામના ખેડુઓ વારા ફરતી ગામ હવાડો ભરતા હતા પણ પાછળ જતા કોઈ એક વ્યક્તિને આ કામ સોપવાની પ્રથા અમલી બની હતી.અને તેને ઢોરદીઠ પિયાવા પેટે રોકડમા ચુકવણુ કરવામા આવતુ હતુ.

દરજી મેરઈ

આખા વરસની જરૂરિયાતના કપડા ખેડુને મોલનુ વેચાણ થાય ત્યારે કાપડ શહેરથી લાવતા હતા. ગામના દરજીને રોજની હાજરી પર ઘેર બેસાડી આખા વરસની જરૂરિયાતના કપડા સીવડાવતા હતા.

ગામમા લોકો પહેલા બહુ ઓછા કપડા પહેરતાહતા તેથી ઓછા કપડા મેલા થતા હતા.આ સીવેલા નવા કપડા બહારગામ કે સગા વહાલે જવાનુ હોય ત્યારે પહેરવા મળતા હતા.

બાકી તોઆ કપડા માટીની કોઠી કે લાકડાના મંજુસમા એક ગાસડીએ બંધાઈને પડ્યા રહેતા…..

સગે વહાલે કે લગ્ન પ્રસંગે કે કાણ મોકાણે જવાનુ હોય તો મોટેભાગે ચાલતા જ જવાનુ થતુહતુ.

ખેત ઉત્પાદન સંગ્રહ

બાર મહિનાનુ અનાજ પાકે તેટલે તેને સાફ કરી કોઠીયે નંખાતા પહેલા તેને ઠારવાની પ્રથા હતી.કોઠીએ અનાજ ભરાય પછી તે બગડી ન જાયને વરસ સુધી સચવાય તે માટે તે ભરાઈ ગયા પછી તેના પર બાજરીનાઢુઢા, રાખ, લીમડાના પાન નદીની રેતી વિગેરેમાથી પ્રાપ્ય એકાદનો થર આશરે નવેક ઈચનો જાડો પાથરી દેવાતો હતો.

જરૂર પડે અનાજ કાઢવા કોઠીના નીચેના ભાગે એક કાણુ રાખવામા આવતુ હતુ તેને માણુ કહેવાતુ તે ખોલીને અનાજ કાઢી બંધ કરી દેવાતુ હતુ.

દુકાન:-

પાછળના વર્ષોમા ગામમા એકાદ દુકાન બની હતી આમ તો દુકાનદાર શેઠ કહેવાય તે ગ્રામ્ય જીવનની બધી જરૂરિયાતની ચીજો રાખતા હતા. કહેવાય શેઠ પણ નજીકના શહેરમાથી તે પણ માલ માથે ઉપાડીને લાવતા હતા. જો ગામમાથી કોઈ પટેલનુ ગાડુ શહેરમા ગયુ હોય તો આ દુકાનદાર વગર ભાડે તેમનો માલ ચડાવી દેતા હતા. તેના બદલામા ગામમા કોઈને ઘેર લગ્નપ્રસંગ હોય ત્યારે આ વેપારી તેમને શહેરમાથી પોતાની ઓળખાણથી ઉધાર માલ અપાવતા હતા. આવા વેપારીઓને થોડી ઘણી ઉઘરાણીમા જ વરસના અનાજપાણી..મળી રહેતા હતા.

ખાણીપાણી:-

જુના સમયમા બળવર્ધક ખાણી-પીણા હતા.બાજરીના રોટલા, ચોખ્ખા ઘી, દૂધની રેલમછેલ, માખણની મજા લેવાતી હતી. જમણે લાપશી શીરોને લાડુ હતા.તેની જગા આજે પાવ ભાજી, પીત્ઝા, બર્ગર, કચ્છી દાબેલી, ચાઇનીઝ વાનીઓએ લઈ લીધી છે. દાળભાતના દર્શન તો કોઈ મોટા વાર તહેવારે કે કોઈ ખાસ મહેમાન આવે ત્યારે જ થતા હતા.

અનાજ દળવુ

રોજે રોજ વહેલી સવારે જરૂર જેટલો લોટ ઘરની સ્ત્રીઓ વહેલી ઉઠી સરસ મજાના પ્રભાતિયા ગાતા ગાતા દળતી હતી.

વલોણુ

બીજી બાજુ પરોઢિયે ઘેર ઘેર વલોણાનુ ઘુમ્મર સંભળાતુ હતુ.સવારમા ઉઠીએ ત્યારે ઘરના છોકરાને ઠંડા બાજરીના રોટલા પર તાજા માખણના પીડ મળતા હતા.

છાશ વિતરણ

આડોશી પાડોશીને ગામના ગરીબ ગરબાને વિના મૂલ્યે જોઇએ તેટલી તાજીને મોળી છાસ ધરાઈને મળતી હતી.

શાકભાજી:-

ગામડાઓમા મોટો ભાગ ખેતી સાથે જોડાયેલ હતો.દરેક પોતાની જરૂરની શાકભાજી ખેતરમા વાવતાને પોતાની જરૂરિયાત પછી જરૂરવાળાને વિનામૂલ્યે આપતા હતા.

થોડાક વર્ષો પછી કેટલીક ગરીબ કોમો ગામના તળાવ, સીમના તળાવોમા વીરડા કરી તે પાણીથી શિયાળેને ઉનાળે શાકભાજી ઉગાડી ગામની જરૂર પુરી કરતી તે સમયે નાણાનો વહેવાર બહુ જ ઓછો રહેતો હતો. તેઓ તેમની શાકભાજી અનાજના બદલે વેચતા હતા.

આ પછી પણ ખેડુતો તેમના વાવેતરમાથી પણ અમુક કઠોળના શાકભાજી ઉપયોગે લેતા હતા.

તહેવારો

ધનતેરસે શુકનમા ચોળીનુ શાક શુકનનુ શાક ગણાતૂને ખાસ બનાવવામા આવતુ હતુ કારણ કે ચોમાસાની વાવેલી ચોળી ધનતેરસે તૈયાર થઈ જતી હતી.

ઉછી ઉધાર

વરસાદ ખેચાય અનાજ કે ઢોરના ઘાસચારાની ખેચવાળાને છતવાળા સિઝનમા પાછુ આપવાની શરતે પુરૂ પાડતા હતા.ગામના બિનખેડુતોને આ સમયે અનાજ અપાતુને કામની સિઝને દહાડી કરીને મજરે આપવાનો રિવાજ હતો…

લગ્નપ્રથા:-

મોટેભાગે ખેતીથી સંકળાયેલ ગ્રામજનો હોવાથી ઉનાળામા નવરા પણ હોયને ખેતીની પેદાશોની આવક પણ હાથ પર આવી ગઈ હોવાથી લગ્નો ઉનાળામા જ લેવાતા હતા મોટે ભાગે લગ્નો રાત્રીના સમયના જ રહેતા હતા.

આમ જુઓ તો સાદા મંડપને સાદી ચોરીને જુજ કરિયાવરે દીકરીઓ પરણતી હતી.

જાનના ઉતારા

જાનને ઉતારા માટે ગામમાથી ઘરદીઠ એક ખાટલોને ગોદડુ ઉઘરાવી જાનૈયાઓ માટે પાથરવા ભેગુ કરાતુ હતુ.

કન્યા વિદાય

ગામમા કોઈનીય પણ દીકરીના લગ્ન હોય ત્યારે તેને વળાવવા આખુ ગામ ગામની ભાગોળે અવશ્ય આવતુ કન્યા વિદાયે એક સાથે સો સો જણ જે ફકત ગામના જ તેમણે રડતા મે જોયા છે.કન્યાને ઘરદીઠ તમામ કોમ તેના હાથમા પૈસા આપતી હતી જેને ટકો કહેવાતો હતો.

નિર્દોષ મનોરંજન

જાનૈયાને બેસવા જાડા કપડાની મોદ (ભૂગળ)પથરાતી હતી તેમા બેઠેલા જાનૈયાના કપડાને સોયથી પાથરણા સાથે ટાકા લઈ લેવાતા હતા જે તે ઉભા થાય ત્યારે ભારે રમુજ થતી.

વેવાઈ જમવા બેસે ત્યારે કુટુમ્બની બાઈઓ વેવાઈને સુથીયુ(મોટી ઈઢોણી)પહેરાવી મજાક પણ કરી લેતી હતી…

આ મકાજથી વરરાજા પણ બકાત ન હતા.
તેમને પીવાના પાણીમા મીઠુ,ભજીયામા રૂ ભરીને આપવામા આવતુ હતુ…તેની પણ ભારે મજાક થતી હતી…..તેમના બુટ સંતાડવાની પ્રથા ત્યારથી ચાલી આવે.છે.

જાનના વરા

તમામને પંગતે બેસાડીને હેતે હેતે પીરસીને જમાડવાની પ્રથા હતી.

જાન

દીકરો પરણવા જાય ત્યારે મોટેભાગે ગાડામા જાન જતી હતી. જાનના બળદો સારી રીતે શણગારાતા હતા.જાનમાની સ્ત્રીઓ બે પાયા વાળા ખાટલા જેવી માચીવાળા ગાડામા બેસતી હતી. હેતે હેતે લગ્ન ગીતો ગવાતા હતા. બન્ને વેવાઈ પક્ષે જોરદાર ફટાણા પણ ગવાતા હતા.

સુથાર

સુથારીકામ કરી આપે. લુહાર કોશ, કોદાળી, ગાડાંના પૈડાના પાટા, તવી, તાવડાને દાતરડાં બનાવી આપે. એમને બાર મહિને આળત અને અવસરે દાણા-પૈસા અપાય. સુથાર સુથારી કામ કરી આપે.

સોની

સોની રૂપાના દાગીના, કંઠી, સીસાની કાનમાં પહેરવાની ચીજો બનાવી આપે.

કુંભાર

કુંભાર ઇંટો, નળિયાં ને માટીના વાસણો પુરાં પાડે. મહેમાન આવે ત્યારે કે લગ્ન પ્રસંગે સામટું પાણી ભરી લાવવાની જરૂર પડે ત્યારે પાણી ભરી લાવીને પૂરું પાડે.

બ્રાહ્મણ ગોર

જન્મ, અઘરણી, આણું, બાળકનું નિશાળ-ગરણું, લગ્ન મરણ વગેરે જીવનના સોળ સંસ્કારો બ્રાહ્મણો કરાવતા.

વસવાયા

વણકર પાણકોરાં વણી આપે. ગોવાળ ગાયો ચારે, દરજી બારે માસ કપડાં સીવી આપે. વાળંદ બારે માસ વતું કરે. મહેમાનો આવે ત્યારે પગચંપી કરે. લગ્નમાં પીઠી ચોળે, કોળી ઠાકોરો પસાયતું રાખે ને ચોકી કરે. રાજપૂત દરબારો ગામનું, ગાયોનું અને નારીઓના શિયળની રક્ષા માટે યુઘ્ધ ધીંગાણું કરે. સાઘુ-બાવા ઠાકરદુવારે કે ગામના ચોરે રામજી મંદિરની પૂજા આરતી કરે. ચોરે બેસીને તુલસીકૃત રામાયણનું વાચન કરે. અતિત બાવા શંકરની પૂજા કરે. હરિજન લગ્ન પ્રસંગે ઢોલ વગાડવા આવે.

ચોરામાં શંકરના મંદિરે તથા બીજા મંદિરે લોકો ધર્મબુઘ્ધિથી જાય અને ભક્તિભાવથી નમન કરે. પુરુષોત્તમ માસમાં પુરૂષોત્તમ માસની કથા થાય. સત્યનારાયણની કથા ઘેર વંચાય. તેના મારફતે ધાર્મિક અને નીતિનો બોધ પ્રજાને મળતો. સૌ સોના બારોટો અને વહિવંચાઓ આવે, વાર્તાઓ માંડે, વડવાઓના પરાક્રમો કહી સંભળાવે. નવા જન્મેલા દીકરા-દીકરિયુંના નામ ચોપડામાં માંડે ને દાપું લઈ જાય. બાવાઓ, સંન્યાસીઓ આવે ને ઉપદેશ આપે. બાવાઓની જમાતો આવે. તેઓને સીધાં અપાય. લગ્ન પ્રસંગે જાન આવે. બંદૂકોના ભડાકા કરી નિશાન પાડવામાં આવે. ગાડાની મુસાફરી તથા બળદો દોડાવવાની હરીફાઈઓ થાય. તે દિ’ ગામડાના રક્ષણ માટે હાથિયા થોરની દસદસ ફૂટ જાડી અને ઊંચી વાડો કિલ્લાનું કામ કરે. પગી લોકો ચોર પકડી આપે. પગેરું કાઢીને જે ગામમાં જાય ત્યાંના પગીની ચોર સોંપવાની જવાબદારી. ન સોંપે તો જે ગામમાં ચોરી થઈ હોય તેના ચોકીદાર કોળી ઠાકોરોનું તેની સામે બહારવટું થાય. ત્યાંના ગામમાંથી ચોરી કરી લાવે. પરિણામે લડાઈ થાય. પણ બ્રાહ્મણ, અતીત-બાવા, સંન્યાસી, ગુરુ વચ્ચે પડે એટલે સમાધાન થાય. કસૂંબા થાય ને બધી પતાવટ થાય.

પરંપરા

ગામડામાં એકબીજાને ત્યાં ચાંલ્લા, હુતાસણીના હારડા, પ્રસૂતાંજલીના શ્રીફળની લેવડદેવડનો રિવાજ. મુસલમાન હોય, ખોજા હોય કે વાણિયા, પટેલ; દરેકને ત્યાં અરસપરસના વ્યવહાર. મુસલમાન સંબંધીને ત્યાં તેના દીકરાના લગ્ન પ્રસંગે બ્રાહ્મણને બોલાવીને રસોઈ કરાવાય, અને સંબંધી હિંદુઓ તેને ત્યાં જમવા જાય. હિંદુ મુસલમાનની જમવાની પંગતો જુદી પણ સૌના દિલ એક. સૌના દિલ નેક. આજે હિંદુ મુસલમાનની પંગત એક થવા માંડી છે પણ દિલ શંકિત અને જુદાં થઈ ગયાં છે. તે સમયે એવું ન હતું.

એ કાળે, તાર, ટપાલ, રેલ્વે કે યાંત્રિક વાહનો નહોતાં. પોતાના ગામની આજુબાજુ સગાવહાલા, બહેન, દીકરી, ફોઈ, મામા રહેતા હોય. કદાચ થોડું દુર હોય તો ગાડાં, ઘોડા, સીગરામના સાધનો હતાં. જાત્રાએ જવું હોય તો સંઘ નીકળતા. દૂર જાત્રાએ જનાર યાત્રાળુઓના ગામોગામ સામૈયાં, સત્કાર, ઉતારા, ખાનપાન વગેરેની વ્યવસ્થા થતી. જ્યાં પડાવ પડે ત્યાં તે તે ગામના દરબાર, પટેલ, મહાજનના શેઠિયા વગેરે સામૈયું કરે. પાણી, બળતણ વગેરે પૂરાં પાડે.

જ્યા સુધી ઉપરના રિવાજો અમલે હતાને નાણાનુ ચલણ ઓછુ હતુ ત્યા સુધી ગામડા સુખી હતાને રામરાજ એમ કહીએ તો ય ખોટુ ન કહેવાય….

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!