ભગવાન વિષ્ણુના વિભિન્ન અવતારોની રોચક કથા

હિન્દુધર્મ ગ્રંથમાં ભગવાન વિષ્ણુના અનેક અવતારો વિશે વર્ણન મળે છે. તેમાંથી ૧૦ અવતારો મુખ્ય માનવામાં આવે છે.

મોટાભાગના લોકો ભગવાન વિષ્ણુના આ ૧૦ અવતારો વિશે જ જાણે છે, પણ વિભિન્ન ધર્મગ્રંથોમાં ભગવાન વિષ્ણુના કુલ 24 અવતાર માનવામાં આવે છે. તેનાથી મોટાભાગના અવતારો વિશે બહુ ઓછા લોકો જાણે છે. ઘણાં અવતારોની કથા તો ખૂબ રોચક છે.

[૧] સનકાદિ મુનિ  ——–

ધર્મગ્રંથો અનુસાર સૃષ્ટિના પ્રારંભમાં લોકપિતામહ બ્રહ્માએ  અનેક લોકની રચના કરવાની ઈચ્છાથી ઘોર તપસ્યા કરી અને તેના તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તપ અર્થ વાળા સન નામથી યુક્ત સનક, સનન્દન, સનાતન, અને સનત્કુમાર નામના ચાર મુનિઓના રૂપમાં અવતાર લીધો. આ ચાર પ્રાગટ્ય કાળથી જ મોક્ષ માર્ગ પરાયણ, ધ્યાનમાં તલ્લીન રહેનાર, નિત્યસિદ્ધ તથા નિત્ય વિરક્ત હતા. આ ભગવાન વિષ્ણુના સર્વપ્રથમ અવતાર માનવામાં આવે છે.

[૨] વરાહ અવતાર

ધર્મગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ બીજો અવતાર વરાહના રૂપમાં લીધો હતો. તેની કથા એવી છે કે –
હિન્દુ ધર્મમાં એક માન્યતા છે કે પૃથ્વી વરાહ ભગવાનના દાંત પર સલામત રૂપે રહેલી છે. પ્રલય કાળે પૃથ્વીને બચાવવા માટે આ અવતાર લીધો હતો. હિરણાક્ષ અને હિરણાકશ્યપુ નામના દૈત્યે આખી પૃથ્વીને જીતી અને પૃથ્વીને પાતાળમાં રાખી દીધી.
“વરાહપુરાણ”માં વર્ણન છે કે આ દૈત્યોના જન્મથી અવકાશમાં ઉલ્કાપાત થવા લાગ્યો. પૃથ્વી પર જળ સુકાવા લાગ્યું અને પ્રાણીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા. પછી આ દૈત્યોએ વરુણને જીતી, પૃથ્વીને જીતી. આ જોઈ દેવોની વિનંતિથી વિષ્ણુભગવાને વરાહનો અવતાર લીધો. તેમણે દાંતથી દૈત્ય સાથે યુદ્ધ કરી, પૃથ્વીને તેના દાંત પર ધારણ કરી, પાતાળમાંથી બહાર નીકાળી.

 

[૩]  નારદ અવતાર

ધર્મગ્રંથો અનુસાર દેવર્ષિ નારદ પણ ભગવાન વિષ્ણુના જ અવતાર છે. શાસ્ત્રો અનુસાર નારદમુનિ, બ્રહ્માના સાત માનસપુત્રોમાંથી એક છે. તેણે ખૂબ તપશ્ચર્યા કરી દેવર્ષિપદની પ્રાપ્તિ કરી. તે ભગવાન વિષ્ણુના અનન્ય ભક્તોમાંના એક હતા. દેવર્ષિ ધર્મ પ્રચારાર્થે હંમેશા ત્રણેય લોકમાં વિહરતા રહેતા. શાસ્ત્રોમાં દેવર્ષિ નારદને ભગવાનનું મન પણ કહેવામાં આવે છે. શ્રીમદ્ભાગવતગીતાના દશમા અધ્યાયના ૨૬માં શ્લોકમાં પોતાના ભગવાન શ્રીકૃષ્ણે તેની મહત્તાને સ્વીકાર કરવાનું કહ્યું છે –
देवर्षीणाम्चनारद:। અર્થાત્ દેવર્ષિઓમાં હું નારદ છું.

[૪] નર-નારાયણ  ———

સૃષ્ટિના આરંભમાં ભગવાન વિષ્ણુએ ધર્મની સ્થાપના માટે બે રૂપોમાં અવતાર લીધો. આ અવતારમાં તે પોતાના મસ્તક પર જટા ધારણ કરી હતી. તેના હાથમાં હંસ, ચરણોમાં ચક્ર તથા વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન હતું. તેનો સંપૂર્ણ વેશ તપસ્વિનીઓ સમાન હતો. ધર્મગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ નર-નારાયણના રૂપમાં આ અવતાર લીધો હતો.

[૫] કપિલ મુનિ  ———

ભગવાન વિષ્ણુ કપિલમુનિના રૂપમાં પણ અવતાર લીધો હતો.
તેના પિતાનું નામ મહર્ષિ કશ્પય તથા માતાનું નામ દેવહૂતિ હતું.
શરશેય્યા પુર પડેલા ભીષ્મપિતામહના શરીર ત્યાગના સમયે વેદજ્ઞ વ્યાસ વગેરે ઋષિઓની સાથે ભગવાન કપિલ પણ ત્યાં ઉપસ્થિત હતા. ભગવાન કપિલના ક્રોધથી રાજા સગરના સાઠ હજાર પુત્ર ભસ્મ થઈ ગયા હતા. ભગવાન કપિલ સાંખ્યદર્શનના પ્રવર્તક છે. તેઓ ભાગવત ધર્મના પ્રમુખ બાર આચાર્યોમાંથી એક છે.

[૬] દત્તાત્રેય અવતાર ———

 

ધર્મગ્રંથો અનુસાર દત્તાત્રેય પણ ભગવાન વિષ્ણુના અવતાર છે તેની કથા એવી છે કે – સતિ અનસુયાના સતિવ્રત વિશે જાણ્યું અને ત્રણેય દેવને તેની પરિક્ષા લેવા માટે મોકલ્યા. ત્યારે ભગવાન શંકર, વિષ્ણુ તથા બ્રહ્મા સાધુ. વેશ બનાવીને અત્રિમુનીના આશ્રમમાં આવ્યા. મહર્ષિ અત્રિ તે સમયે આશ્રમમાં ન હતા. ત્રણે દેવોએ ભીક્ષા માંગી કહ્યું કે તમારે નિર્વસ્ત્ર થઈને ભીક્ષા આપવી પડશે. અનસુયાએ મનોમન પ્રાર્થના કરી કે જો મારું પતિવ્રત સત્ય હોય તો ત્રણે સાધુ છ માસના બાળક બની જાય.

ત્રણે દેવ બાળક થઈ ગયા. આ જોઈ ત્રણેય દેવીએ અનસુયાના તપને માન્યું. ત્યારે ત્રણે દેવોએ અનસૂયાને વરદાન આપ્યું કે ત્રણેય દેવો તમારા ગર્ભથી જન્મ લેશે. એ વરદાન અનુસાર બ્રહ્માએ ચંદ્રના રૂપમાં શિવજીએ દુર્વાસાના રૂપમાં અને વિષ્ણુભગવાને દત્તાત્રેયના રૂપમાં જન્મ લીધો.

[૭]  ભગવાન યજ્ઞ  ———–

ભગવાન વિષ્ણુના સાતમા અવતાર તરીકે યજ્ઞ અવતાર થયો.
ધર્મશાસ્ત્રો અનુસાર યજ્ઞનો જન્મ સ્વયંભૂવ મનવંતરમાં થયો.
સ્વયંભૂ મનુની પત્ની શતરૂપના ગર્ભથી આકૂતિનો જન્મ થયો.
તે રૂચિ પ્રજાપતિની પત્ની થઈ. તેને આકૂતિને ત્યાં ભગવાન વિષ્ણુ યજ્ઞ નામથી અવતારિત થયા. ભગવાન યજ્ઞને તેની ધર્મપત્ની દક્ષિણાથી અત્યંત તેજસ્વી બાર પુત્રો ઉત્પન્ન થયા. તે જ સ્વયંભવ મનુમાં યામ નામથી બારમા દેવતા કહેવામાં આવે છે.

[૮]  ભગવાન ઋષભદેવ ———-

ભગવાન વિષ્ણુએ ઋષભદેવના રૂપમાં આઠમો અવતાર લીધો.
ધર્મગ્રંથો અનુસાર મહારાજા નાભિને કોઈ સંતાન ન હતું. આ કારણે તેને પોતાની ધર્મપત્ની મેરૂદેવીની સાથે પુત્રની કામનાથી યજ્ઞ કર્યો. યજ્ઞથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ સ્વયંપ્રગટ થઈ તેને પોતે પુત્ર રૂપે આવવા વરદાન આપ્યું. વરદાનના ફળ રૂપ નાભિને ત્યાં જન્મ થયો તે પુત્ર એટલે ઋષભ દેવ. જે જૈનોના પ્રથમ તિર્થંકર પણ કહેવા છે.

[૯] આદિરાજ પૃથુ ——–

ભગવાન વિષ્ણુના અવતારમાં આદિનાથ પૃથુની પણ ગણના થાય છે. મનુના વંશજ અંગ પ્રજાપતિ હતો અને તેના વિવાહ મૃત્યુની માનસિક પુત્રી સુનીથા સાથે થયા. તેને ત્યાં વેન નામનો પુત્ર થયો. તે અસૂર થયો. મહર્ષિઓએ વેનનો મંત્રથી વધ કર્યો અને તેના હાથનું મંથન કરવાથી તેમાં પૃથુ નામનો પુત્ર ઉત્પન્ન થાયો. જેણે પૃથ્વીને રસાતળ જતી બચાવી અને સૌભાગ્યપૂર્ણ રાજ્યની પૃથ્વી પર સ્થાપના કરી.

[૧૦] મત્સ્ય અવતાર

પ્રલયકાળે સત્ કર્મિઓને બચાવવા માટે મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો. પૃથ્વીનો જ્યારે વિનાશકાળ હતો ત્યારે પૃથ્વી જળમાં ડુબવા લાગે છે, ચારે તરફ માત્ર પાણી-પાણી જોવા મળે છે એ સમયે મનુએ પ્રાર્થના કરી અને ભગવાને મોટા માછલાનું રૂપ લઈ હોડી જેવો આકાર ધારણ કર્યો. બધાને તેના પર ધારણ કરી, ઋષિઓ અને મનુની રક્ષા કરી. આ પછી બ્રહ્માએ ફરીથી જીવસૃષ્ટિની રચના કરી.

બીજી એક માન્યતા એવી છે કે દાનવોએ વેદોને સમુદ્રમાં છુપાવી દીધા હતા, ત્યારે મસ્ત્યાવતાર લઈ વિષ્ણુભગવાને ફરી વેદનો ઉદ્ધાર કર્યો હતો.

 

[11] કુર્મ અવતાર

કુર્મ અવતારને કચ્છપ અવતાર (કાચબા અવતાર) પણ કહેવાય છે. કુર્મ અવતારમાં ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરના સમુદ્રમંથન સમયે મંદરાચલ પર્વતને પોતાનાં કવચ(પીઠ) પર સંભાળી હતી. આ પ્રકારે ભગવાન વિષ્ણુ મંદરાચલ પર્વત અને વાસુકી નાગની સહાયતાથી દેવો એવં આસુરોએ સમુદ્ર મંથન કરીને ચૌદ રત્નોની પ્રાપ્તિ કરી હતી.

[12] ભગવાન ધન્વન્તરિ ————

ધર્મગ્રંથો અનુસાર જ્યારે દેવતાઓ તથા દૈત્યોએ મળીને સમુદ્રમંથન કર્યું. તો તેમાંથી સૌથી પહેલા ભયંકર વિષ નીકળ્યું
તે શિવજીએ પી લીધું અને પછી અંતમાં અમૃત નીકળ્યું તે ધનવન્તરિના રૂપે વિષ્ણુજી અવતાર લઈને આવ્યા. તેના હાથમાં અમૃતકળશ હતો. તેમને આયુર્વેદના દેવ કહેવામાં આવે છે.

[13]  મોહિની અવતાર  ———–

સમુદ્રમંથન દરમ્યાન સૌથી છેલ્લે અમૃતકળશ લઈને ધનવંતરિ અવતરિત થયા. ત્યાર પછી દેવો – દાનવો વચ્ચે તે કળ માટે યુદ્ધ થયું. આ યુદ્ધમાંથી કોઈ રસ્તો શોધવા માટે વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. મોહિની રૂપ લઈ અસૂરો પાસેથી અમૃતકળશ લઈ લીધો અને દેવો અને દાનવોની અલગ અલગ પંગત કરી અને તેમાં પ્રારંભ દેવોથી કર્યો.
આ રીતે અમૃત માત્ર દેવોને મળે તે માટે વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું.

[14] નૃસિંહ અવતાર  ———-

અડધુ શરીર ‘નર’-માણસનું અને અડધું ‘સિંહ’નું ધારણ કરી અને પોતાના ભક્ત પ્રહ્લાદને બચાવ્યોહઅને હિરણાકશ્યપનો સંહાર કર્યો હતો. આ અવતારની વાત પ્રહ્લાદના ચરિત-વર્ણનને કારણે ઘણી પ્રખ્યાત છે. પ્રહ્લાદને ધગધગતા થાંભલાની પરિક્ષામાંથી બચાવવા અને હિરણ્યકશિપુનો વધ કરવા માટે આવું સ્વરૂપ લઈ વિષ્ણુભગવાને હિરણ્યકશિપુનો વધ કર્યો હતો.

[15]) વામન અવતાર  ————

સત્યયુગમાં પ્રહ્લાદના પૌત્ર દૈત્યરાજ બલિથી બદવા માટે બધા દેવતાએ વિષ્ણુજીની પાસે ગયા. તેણે વામન અવતાર લીધો અને રાજા બલિની યજ્ઞશાળામાં ગયા. ત્યાં ત્રણ ડગલા ધરતી માંગી. શુક્રાચાર્યે આ સંકલ્પ કરવાની ના કહી, છતાં પણ બલિએ દાન માટે સંકલ્પ કર્યો અને વામન ભગવાને ત્રણ ડગલામાં બલિનું ત્રણેય લોકનું રાજ્ય લઈ લીધું. બલિને સુતલનો અધિકારી બનાવી દેવામાં આવ્યો.

[16] હયગ્રીવ અવતાર  ———–

ધર્મગ્રંથો અનુસાર એકવાર મધુ અને કૈટભ નામના બે શક્તિશાળી રાક્ષસ બ્રહ્માજી પાસેથી વેદોનું હરણ કરી રસાતાલમાં પહોંચી ગયા. વેદોનું હરણ થઈ જવાથી બ્રહ્માજી વધારે દુઃખી થયા અને ભગવાન વિષ્ણુની પાસે પહોંચ્યા.
ત્યારે ભગવાને હયગ્રીવ અવતાર લીધો. આ અવતારમાં ભગવાન વિષ્ણુનું ગળુ અને મુખ ઘોડા સમાન હતું. ત્યારે ભગવાન હયગ્રીવ રસાતલમાં પહોંચ્યા અને મધુ-કૈટભનો વધ કરી વેદનું ફરીથી ભગવાન બ્રહ્માને આપી દીધા.

[17] શ્રીહરિ અવતાર  ————

ધર્મગ્રંથો અનુસાર પ્રાચીન સમયમાં ત્રિકૂટનામના પર્વતની તળેટીમાં એક શક્તિશાળી ગજેન્દ્ર હાથણીની સાથે રહેતો હતો. એક વાર તે પોતાની હાથણીઓ સાથે તળાવમાં સ્નાન કરવા ગયો, ત્યાં મગરમચ્છે તેનો પગ પકડી લીધો અને પાણીની અંદર ખેંચવા લાગ્યો. હજારો વર્ષો સુધી આ સંઘર્ષ ચાલ્યો. અંતે ગજેન્દ્રએ હારીને શ્રીહરિનું સ્મરણ કર્યું અને ગજેન્દ્રની સ્તુતિ સાંભળી શ્રીહરિએ ગુરુડ પર આવી ચક્રથી મગરમચ્છને મારી ગજેન્દ્રને બચાવ્યો. આ પ્રસંગ ગજેન્દ્રમોક્ષ તરીકે ઓળખાય છે અને ભગવાનનું પ્રગટ થવું તે શ્રીહરિ અવતાર ગણવામાં આવે છે.

[18] પરશુરામ અવતાર  ———–

બ્રાહ્મણના રૂપે જન્મેલ યોદ્ધાના અવતારમાં તેણે પાપી, દુરાચારી રાજાઓનો સંહાર કર્યો. પ્રાચીન સમયમાં માહિષ્મતી નગરી પર શક્તિશાળી હૈયયવંશી ક્ષત્રીય કાર્તવીર્ય અર્જુન (સહસ્ત્રબાહુ)નું શાસન હતું. તે ખૂબ અભિમાની હતો અને અત્યાચારી પણ. એકવાર અગ્નિદેવે તેને ભોજન માટે આગ્રહ કર્યો. ત્યારે સહસ્ત્રબાહુએ અહંકારમાં આવીને કહ્યું કે
આ બધુ મારું રાજ્ય છે જ્યાં ભોજન કરવું હોય ત્યાં કરો.
અગ્નિદેવ જંગલો બાળવા લાગ્યા. એક વનમાં ઋષિ તપસ્યા કરી રહ્યા હતા. અગ્નિએ તેના આશ્રમને પણ સળગાવી દીધા. તેથી ક્રોધિત થઈને ઋષિએ શ્રાપ આપ્યો કે ભગવાન વિષ્ણુ, પરશુરામના રૂપમાં જન્મ લેશે અને સમસ્ત ક્ષત્રીયોનો સર્વનાશ કરશે. આ શ્રાપના ફળ સ્વરૂપ ભાર્ગવ કૂળમાં જમદગ્નિના પાંચમા પુત્ર તરીકે જન્મ લીધો.

[19]  મહર્ષિ વેદવ્યાસ  ———–

પુરાણોમાં મહર્ષિ વેદવ્યાસને પણ ભગવાન વિષ્ણુના જ અંશ માનવામાં આવે છે. ભગવાન વ્યાસ નારાયણના કલાવતાર હતા. તે મહાજ્ઞાની મહર્ષિ પરાશરના પુત્રના રૂપમાં પ્રગટ થયા હતા. તેનો જન્મ કૈવર્તરાજની પોષ્યપુત્રી સત્યવતીના ગર્ભમાંથી યમુનાના દ્વિપ પર થયો હતો. તેના શરીરનો રંગ કાળો હતો, આ માટે તેનું એક નામ કૃષ્ણદ્વૈપાયન પણ હતું.

[20]  હંસ અવતાર  —————

એકવાર ભગવાન બ્રહ્મા સભામાં બેઠાં હતા. ત્યારે ત્યાં તેના માનસપુત્ર સનકાદિ પહોંચ્યા અને ભગવાન બ્રહ્માથી મનુષ્યનો મોક્ષના સંબંધમાં ચર્ચા કરવા લાગ્યા. ત્યારે ત્યાં ભગવાન વિષ્ણુ મહાહંસના રુપમાં પ્રગટ થયા અને તેને સનકાદિ મુનિઓને સંદેહનું નિવારણ કર્યું. ત્યાર પછી બધાએ બગવાન હંસની પૂજા કરી. ત્યાર પછી મહાહંસપરૂપધારી શ્રી ભગવાન અદ્રશ્ય થઈને પોતાના પવિત્ર ધામમાં ચાલ્યા ગયા.

[21] શ્રીરામ અવતાર  ————-

ત્રેતાયુગમાં રાક્ષસરાજ રાવણનો બહુ આતંક હતો. તેનાથી દેવતા પણ ડરતા હતા. તેના વધ માટે ભગવાન વિષ્ણુએ દશરથ-કૌશલ્યાને ત્યાં પુત્ર રૂપે જન્મ લીધો. આ અવતારમાં રામજીએ અનેક રાક્ષસોનો વધ કર્યો અને મર્યાદાનું પાલન કરીને પોતાનું જીવન સંદેશ રૂપે આપ્યું. અંતે રાવણનો વધ કરી રામરાજ્યની સ્થાપના કરી

[22]  શ્રીકૃષ્ણ અવતાર  ————-

દ્વાપરમા ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણ અવતાર લઈ અનેક અધર્મિઓનો નાશ કર્યો. વાસુદેવ-દેવકીને ત્યાં જન્મ લીધો,
નંદ-જશોદાને ત્યાં તેમનું પાલન થયું. કંસનો સંહાર અને મહાભારતના મહાનાયક તરીકે ભૂમિકા ભજવીને પોતાની જીવનલીલાને વિરામ આપ્યો.

[23] બુદ્ધ અવતાર  ———-

બૌદ્ધધર્મના પ્રવર્તક ગૌતમ બુદ્ધ પણ ભગવાન વિષ્ણુના જ અવતાર હતા પરંતુ પુરાણોમાં વર્ણિત ભગવાન બુદ્ધદેવનો જન્મ ગયાની બાજુમાં કિકટમાં થયો છે અને તેના પિતાનું નામ અજન જણાવ્યું છે. આ પ્રસંગ પુરાણ વર્ણિત બુદ્ધાવતારનું જ છે. એક સમયે દૈત્યોની શક્તિ વધારે વધી ગઈ. દેવતા પણ તેના ભયથી ભાગવા લાગ્યા. રાજ્યની કામનાથી દૈત્યે દેવરાજ ઈન્દ્રને પૂછ્યું કે આપણું સામ્રાજ્ય સ્થિર રહે, તેનો કોઈ ઉપાય છે. ત્યારે ઈન્દ્રએ શુદ્ધભાવથી જણાવ્યું કે સુસ્થિર શાસન માટે યજ્ઞ તથા વેદવિહિત આચરણ આવશ્યક છે. ત્યારે દૈત્ય વૈદિક આચરણ તથા મહાયજ્ઞ કરવા લાગ્યા જેનાથી તેની શક્તિ વધારે વધવા લાગી. ત્યારે બધા દેવતા ભગવાન વિષ્ણુની પાસે ગયા. ત્યારે ભગવાન વિષ્ણુએ દેવતાઓના હિત માટે બુદ્ધનું રૂપ ધારણ કર્યું.

[24] કલ્કિ અવતાર  ———–

ધર્મગ્રંથો અનુસાર કળયુગમાં ભગવાન વિષ્ણુ કલ્કિ રૂપમાં અવતાર લેશે. કલ્કિ અવતારકળિયુગ તથા સતયુગ સંધિકાળમાં હશે. આ અવતાર 64 કળાઓથી યુક્ત હશે. પુરાણો અનુસાર ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લાના શંભલ નામના સ્થાન પર વિષ્ણુયશા નામના તપસ્વી બ્રાહ્મણના ઘરે ભગવાન કલ્કિ પુત્ર રૂપમાં જન્મ લેશે. કલ્કિ દેવદત્ત નામના ઘોડા પર સવાર થઈને સંસાર માંથી પાપીઓનો વિનાશ કરશે અને ધર્મની પુનઃ સ્થાપના કરશે.

અવતાર હંમેશા પવિત્રતા બચાવવા અને એમનો ઉદ્ધાર કરવાં જ ધારણ કરાય છે. અવતાર એ ભક્તિનું અતિમ ચરણ છે. અવતાર એ માણસની અગાઢ આસ્થાનું પ્રતિક છે. અવતર કોઈ એક ચોક્કસ લક્ષ્ય પ્રાપ્તિ માટેજ ધારણ કરતો હોય છે. અવતાર હંમેશા લોકકલ્યાણ અર્થે જ થતો હોય છે

આવાં અવતારોને સદૈવ નમન જ હોય ને !!!!

——- જન્મેજય અધ્વર્યુ

?????????

error: Content is protected !!