ભગવાન વિષ્ણુનો દસમો અવતાર- કલ્કિ અવતાર

ભગવાન વિષ્ણુએ લીધેલા નવ અવતારની જન્મ જયંતી ધામધૂમથી ઊજવાય છે. તેમનો દસમો કલ્કિ અવતાર થવાનો હજુ બાકી છે, પરંતુ ધર્મગ્રંથોમાં આ અવતારની તિથિ અને સ્થાન બધું જ નિશ્ચિત છે. તેથી જ આ અવતાર થયા પહેલાં જ કલ્કિ જયંતી ઊજવવામાં આવે છે

ભગવાન વિષ્ણુના અત્યાર સુધી ક્રમશઃ

  • મત્સ્ય,
  • કૂર્મ,
  • વરાહ,
  • નરસિંહ,
  • વામન,
  • પરશુરામ,
  • રામ,
  • કૃષ્ણ અને
  • બુદ્ધ

એમ નવ અવતાર થઈ ચૂક્યા છે અને તેમના દસમા અવતારની રાહ જોવાઈ રહી છે. પુરાણોમાં ભગવાનના દસમા અવતારની વાત કરવામાં આવી છે. તેમાં અવતારની તિથિ પણ જણાવવામાં આવી છે. આ તિથિ શ્રાવણ માસના સુદ પક્ષની પંચમી તિથિ છે.

શ્રીમદભાગવત પુરાણના બારમા સ્કંધમાં લખ્યું છે કે ——- ભગવાનનો કલ્કિ (કલિધર) અવતાર કળિયુગની સમાપ્તિ અને સતયુગના સંધિકાળમાં થશે. તેમના જન્મ સ્થાન અંગે શ્રીમદભાગવત, સ્કંધ પુરાણ અને કલ્કિ પુરાણમાં જણાવાયું છે કે ——— “કલ્કિ ભગવાન ઉત્તર પ્રદેશમાં ગંગા અને રામગંગા વચ્ચે વસેલા (હાલના મુરાદાબાદના) સંભલ ગામમાં જન્મ લેશે. તેમના પિતાનું નામ વિષ્ણુદત્ત હશે. જેઓ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હશે. કલ્કિ ભગવાન દેવદત્ત નામના ઘોડા પર સવાર થઈને સંસારના પાપીઓનો વિનાશ કરશે અને ધર્મની પુનઃ સ્થાપના કરશે.”

કલ્કિ અવતાર સાથે જોડાયેલી રસપ્રદ વાતો ———-

ભગવાનના જન્મ સમયે ગ્રહોની સ્થિતિ અંગે દક્ષિણ ભારતીય જ્યોતિષીઓની ગણતરી કહે છે કે, ભગવાન ત્યારે જન્મ લેશે જ્યારે ચંદ્રમા ધનિષ્ઠા નક્ષત્ર અને કુંભ રાશિમાં થશે. સૂર્ય તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં ગોચર કરશે. ગુરુ સ્વરાશિ ધનમાં અને શનિ પોતાની ઉચ્ચ રાશિ તુલામાં વિરાજમાન હશે. વર્તમાનમાં શનિ પોતાની ઉચ્ચ રાશિ તુલામાં જ ગોચર કરી રહ્યો છે. યુગ પરિવર્તનકારી ભગવાન શ્રી કલ્કિના અવતારનું પ્રયોજન વિશ્વ કલ્યાણ છે. ભગવાનનો આ અવતાર ‘નિષ્કલંક‘ના નામો પણ ઓળખાશે.

Kalki Avatar

શ્રીમદ્ ભાગવતમહાપુરાણમાં ભગવાન વિષ્ણુના અવતારોની કથાઓનું વિસ્તૃત વર્ણન છે. તેના બારમા સ્કંધના બીજા અધ્યાયમાં ભગવાન કલ્કિના અવતારની કથા વિસ્તૃત રીતે આપવામાં આવી છે. તેમાં કહ્યું છે કે,———
સંભલ નામના ગામમાં વિષ્ણુદત્ત નામના શ્રેષ્ઠ બ્રાહ્મણના પુત્ર તરીકે ભગવાન કલ્કિનો જન્મ થશે. તેઓ દેવદત્ત નામના ઘોડા પર આરુઢ થઈને પોતાની કરાલ (તલવાર)થી દુષ્ટોનો સંહાર કરશે. ત્યારે જ સતયુગનો પ્રારંભ થશે.

સમ્ભલ ગ્રામ, મુખ્યસ્ય બ્રાહ્મણસ્ય મહાત્મનઃ
ભવને વિષ્યશસઃ કલ્કિ પ્રાદુર્ભાવિષ્યતિ ।।

ભગવાન શ્રી કલ્કિ સત્ય સનાતન ધર્મમાં પ્રાણ પુરુષની જેમ સ્થાન ધરાવે છે. કળિયુગમાં સતયુગની તરફ ધારાને વાળવાનું સામર્થ્ય ભગવાનના આવા જ તેજસ્વી રૂપમાં શક્ય છે. આજ મનુષ્ય અને તેના દ્વારા બનાવવામાં આવેલા સામાજિક બાબતો આ બધી જ બુરાઈઓથી ગ્રસિત થઈ ગયા છે. જ્યાં ધર્મ, સત્ય, ન્યાય, કર્તવ્ય, માતૃ-પિતૃ ભક્તિ, ગૌસેવા, જ્ઞાાન, સુસંસ્કાર, વૈદિક ગરિમાનું ટકવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. અધર્મ, અસત્ય, અન્યાય, અવિશ્વાસને સમાપ્ત કરવા જ ભગવાન શ્રી વિષ્ણુનો દસમો અવતાર થશે અને સમસ્ત વિશ્વનું કલ્યાણ થશે. ભગવાન કલ્કિના પિતાનું નામ વિષ્ણુદત્ત જ્યારે માતાનું નામ સુમતિ હશે. તેમના ભાઈ જેઓ મોટા હશે તેમના નામ ક્રમશઃ સુમંત, પ્રાજ્ઞા અને કવિ હશે.

યાજ્ઞાવલ્કયજી પુરોહિત અને ભગવાન પરશુરામ તેમના ગુરુ હશે. ભગવાન કલ્કિની લક્ષ્મી રૂપી પદ્મા અને શક્તિ રૂપી રમા એમ બે પત્નીઓ હશે. તેમના પુત્ર જય, વિજય, મેઘમાલ તથા બલાહક હશે.

ભગવાનનું સ્વરૂપ (સગુણ રૂપ) પરમ દિવ્ય તથા જ્યોતિર્મય હોય છે. તેમના સ્વરૂપની કલ્પના તેમના પરમ અનુગ્રહથી જ કરી શકાય છે. ભગવાન શ્રી કલ્કિ અનંત કોટિ બ્રહ્માંડ નાયક છે. ભગવાન શ્રી કલ્કિ શ્વેત અશ્વ પર સવાર છે. અશ્વનું નામ દેવદત્ત છે. ભગવાનનો રંગ ગોરો હશે, પરંતુ ક્રોધ આવતા જ તે કાળો થઈ જશે. ભગવાને પીળા વસ્ત્ર ધારણ કર્યા છે. પ્રભુના હૃદય પર શ્રીવત્સનું ચિહ્ન અંકિત છે. ગળામાં કૌસ્તુભ મણિ સુશોભિત છે. ભગવાન પૂર્વાભિમુખ તથા અશ્વ દક્ષિણાભિમુખ છે.

ભગવાન શ્રી કલ્કિના વમાંગમાં લક્ષ્મી (પદ્મા) અને જમણા ભાગમાં વૈષ્ણવી (રમા) વિરાજમાન છે. પદ્મા ભગવાનની શક્તિ સ્વરૂપા તથા રમા સંહારિણી શક્તિ છે. ભગવાનના હાથમાં નંદક તથા રત્નત્સરુ નામના ખડગ છે. શાંડ્ગ નામનું ધનુષ અને કુમૌદિકી નામની ગદા છે. આ સિવાય પાંચજન્ય નામનો શંખ પણ છે. ભગવાનો રથ ખૂબ જ સુંદર તથા વિશાળ છે. રથનું નામ જયત્ર તથા ગારુડી છે. સારથીનું નામ દારુક છે. ભગવાન સર્વદેવમય તથા સર્વવેદમય છે. બધા જ તેમના વિરાટ સ્વરૂપની પરિધિમાં છે. ભગવાનના શરીરમાંથી પરમ દિવ્ય સુગંધ ઉત્પન્ન થાય છે, જેના પ્રભાવે સંસારનું વાતાવરણ પાવન થઈ જાય છે.

માણસની મનોવૃત્તિઓ અને લાલસાઓનો કોઈ જ અંત નથી. જ્યાં સત્તા એજ સર્વસ્વ ને સોશિયલ મીડીયા એજ એમનો ધર્મ ગ્રંથ હોય તો ભગવાન આવે તોય શું અને ના આવે તોય શું ? જયારે આપણામાં રહેલો ભગવાન જાગશે તો જ ભગવાનનું અવતરિત થવું સાર્થક ગણાશે બાકી તો આપણે તો થોભો  અને રાહ જુઓની જ નીતિ અપનાવવાની છે ને !!!

તેમાં છતાં  — ભગવાન વિષ્ણુનાં આ કલ્કિ અવતારને સાષ્ટાંગ દંડવત પ્રણામ જ હોય !!!!

——–જનમેજય અધ્વર્યુ..

error: Content is protected !!