ભવાઈ મંડળીમાં વેશ ભજવનાર ત્રિક્રમ વ્યાસે જ્યારે બહારવટિયાઓ સાથે બાથ ભીડીને સાચે સાચ વેશ ભજવી બતાવ્યો

૧૯૦૫ની સાલની આ વાત છે. મોરબી પાસે આવેલા બગથલા ગામમાં એક ભવાઈ મંડળી આવી. રોજ રાતે એ મંડળી ભવાઈ કરે અને ગામના લોકોને ખુશ ખુશ કરી મૂકે. ભવાઈમાં જાત જાતના વેશ લે અને એવા વેશ લે કે આબાદ! અસલ જેવા જ દેખાય. ગણપતિનો વેશ લીધો હોય તો તે ગણપતિ જેવા જ લાગે. વિષ્ણુ ભગવાનનો વેશ લીધો હોય તો આબાદ વિષ્ણુ ભગવાન જ લાગે.

એક દિવસની વાત: ગામના ચોકમાં ભવાઈ મંડાઈ હતી. એક પછી એક વેશ ભજવાયે જતા હતા. પહેલો વેશ ભજવાયો ગણપતિનો. પછી આવ્યો વાણિયાનો અને ત્યાર બાદ નીકળ્યો છેલબટાઉનો વેશ. એક એક વેશ ભજવાય છે અને લોકો તાળીઓના ગડગડાટ કરી મૂકે છે. ત્યાર પછી કાન ગોપીનો વેશ આવ્યો. આ જોઈ સૌ ધર્મભાવનામાં ગરકાવ થઈ ગયાં. હવે રામદેવજી રાહોલનો વેશ આવ્યો. આ વેશ સૌથી સુંદર લેખવામાં આવ્યો હતો. આ વેશ નીકળવાનો હોય ત્યારે સૌ શાંત થઈ જાય. ટાંકણી પડે ને અવાજ સંભળાય એટલા બધા શાંત થઈ જાય.

રામદેવજી રાહોલનો વેશ ત્રિક્રમ વ્યાસ લેતા હતા. આ ત્રિકમ વ્યાસનો સૌ ત્રિકુ વ્યાસ જ કહેતા. ઢોલક ઢીબાયા. ગાનારાઓએ ગળા સુધાર્યા ભુંગળ ગાજતી થઈ ગઈ. વેશની તૈયારીઓ થઈ ગઈ. સૌની હવે ઈંતેજારી વધી ગઈ. ત્યાં છલાંગ મારતો ત્રિકુ વ્યાસ ચોકમાં કૂદી પડયો. ગજબનો વેશ ભજાવ્યો છે ને!

જામા પહેર્યા છે, જામા ઉપર જરી ભરેલી બંડી ચડાવી છે, પગમાં રાઠોડી મોજડી પહેરી છે. માથે શુદ્ધ મારવાડી પાઘડી મૂકી છે. ખભે ખેસ છે પાછળ ઢાલ છે ને, હાથમાં તલવાર શોભે છે. ખરેખર જાણે ક્ષત્રિયવીર રામદેવ રાહોલ જ ન આવ્યા હોય! સૌ ત્રિકુ વ્યાસની મસ્તીભરી ચાલને જોઈ જ રહ્યા. સાથે ગાયન હતાં, રણકાર હતા, પછી તો પૂછવું જ શું? સૌના દશશેરિયા ડોલવા લાગ્યા.

ત્યાં તો બંદૂકોના ભડાકા થયા. જાયરે નાઠા! એકે એક પોત પોતાને ઘેર! હજાર બેહજાર માણસને વિખરાઈ જતાં વાર ન લાગી. કોણે બંદૂકના અવાજ કર્યાં? એ હતા બહારવટિયા. એક નહિ, બે નહિ, પણ પૂરા એકવીસ.

કોઈની તાકાત નથી કે, તેમને પડકાર દઈ શકે. ગામના ઠાકોર પણ મીંદડી બની ગયા. કોઈ આમ, તો કોઈ તેમ જતું રહ્યું. મંડળીના બીજા સભ્યો પણ નજીક જે ઘર હતું તેમાં ઘૂસી ગયા. હવે ચોકમાં ત્રિકુ વ્યાસ એકલા રહ્યા હતા. અને તેમની સામે એકવીસ બહારવટિયા હતા. મેડા પરથી સૌ બૂમો પાડે છે, ”ત્રિકુ વ્યાસ ! ઉપર આવો. બહારવટિયાના હાથમાં આવી જશો તો નહિ બચો.”

પણ ત્રિકુ વ્યાસ જેનું નામ ? તેમનો હાથ તલવાર પર વધુ મજબૂત થયો. સૌ ત્રિકુ વ્યાસને ઉપર બોલાવે છે. પણ ત્રિકુ વ્યાસ તો બહારવટિયા સાથે જંગ ખેલવા જ તૈયાર બનીને ઊભા છે. તેમણે કહ્યું : ”ઘણા દિવસ સુધી ક્ષત્રિયના ખેલ ખેલ્યા, પણ આજે તો હવે ખરેખરો સમય આવ્યો છે. મને ખેલ સાચો કરી લેવા દો.” ઘણા મનાવ્યા, પણ ત્રિકુ વ્યાસ પાછા ન જ હટયા. એ તો કહે : ”હું તો લૂંટારાઓ સામે લડવાનો, આજે હવે લડવાનો વારો આવ્યો છે.”

એક જણે કહ્યું : ”ભાઈ આપણી પાસે હથિયાર નથી. તું લડશે શાનાથી?” તો ત્રિકુ વ્યાસ કહે : ”ક્ષત્રિયને હથિયાર શા ? શૂરાની પાસે તો હાજર સો હથિયાર છે! જોગમાયા છે તો ઘણું છે. જય જોગમાયા.”આમ બોલીને હાથમાં ખેલ માટેની એક કટાયેલી તલવાર લઈને એ કૂદી પડયા.

બહારવટિયાનો સરદાર આ જોઈ ચક્તિ થઈ ગયો. તે કહે : ”ભાઈ, આ તો બ્રાહ્મણ છે. તેની સાથે આપણે આટલા બધા લોકો એક સાથે લડીએ એ તો પાપ કહેવાય, માટે એક પછી એક જ લડજો.” એક એક બહારવટિયા સામે આવવા લાગ્યા. અને ત્રિકુ વ્યાસ એક એકને ખલાસ કરતો ગયો. એક પછી બીજો, બીજા પછી ત્રીજો, અને ત્રીજા પછી ચોથો એમ પાંચને તો ત્રિકુ વ્યાસે ખલાસ કરી નાખ્યા. સરદાર ગભરાયો.

તેણે બંદૂક ચલાવવાનો હુકમ દીધો. ધડુડુડુ… ધુમ… બંદૂક ચાલી. અને ત્રિકુ વ્યાસ ત્યાં ઢળી પડયા. સરદારે એમના મૃતદેહ પર પોતાની પછેડી ઓઢાડી, અને કહ્યું : ”રંગ છે વીરા ! રંગ છે તને !” ત્રિકુ વ્યાસને સલામ ભરી સરદાર પાછળ ઘૂમ્યો અને પોતાના સાથીદારોને ગામ છોડીને બહાર નીકળી જવાનું કહ્યું. સાથીદારોએ પાછા વળવાનું કારણ પૂછ્યું, ત્યારે કહ્યું : ”જુવાનો શુકન સારા નથી. ભલે આ ગામ આબદા રહે.” જતાં જતાં એ વેશ ખાતર મરનાર વીર ત્રિકુ વ્યાસની રજ માથે ચડાવતો ગયો.

ત્રિકુ વ્યાસે આજે સૌને વેશ સાચે સાચ ભજવી બતાવ્યો હતો. આજે પણ બગથલા ગામમાં ત્રિકુ વ્યાસનો પાળિયો છે. તે ગામની પશ્ચિમ દિશામાં આવ્યો છે. સૌ તે પાળિયાને માથું નમાવે છે. અને ત્રિકુ વ્યાસની મર્દાનગીને અંજલિ આપે છે.

વેશ સજ્યો તે સજ્યો વ્હાલીડા, વેશ હવે ના વટલાશે
ભલેને ખાંપણ થાશું અમે સૌ, પાળિયા પાદરે પૂજાશે

ફોટો ….સૌજન્ય તુષાર પૈજા

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!