ગુજરાત એટલે ડુંગર, દરિયો ને નદીઓનું પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો પ્રદેશ. ગુજરાતના જનજીવન સાથે જળસંસ્કૃતિ જૂનાકાળથી જોડાયેલી રહી છે. એને કારણે જૂના જમાનાથી લોકસમાજનો માનવી નદી, વાવ, વાવડી, વીરડા, કૂવા, કૂઈ, કુંડ, તળાવ અને સરોવર જેવાં જળાશયો જોડે નાતો જોડતો રહ્યો છે. આ જળાશયોએ માનવજીવનને અને સંસ્કૃતિને સમૃધ્ધ કર્યા છે. ૨૦મી સદીની શરૂઆત સુધી તો જળાશયો માનવી અને પશુપક્ષીઓ માટે માત્ર પાણીનાં સાધનો હતાં. સરી ગયેલી સહસ્રાબ્દીમાં એટલે કે પાછળના એક હજાર વર્ષોમાં જળાશયોને કાંઠે ગામડાં અને નગરો પાંગર્યાં હતાં, અને સમૃધ્ધ થયાં હતાં. જળ સાથેનો માનવીનો સંબંધ વેદકાળના વખતથી વહેતો આવ્યો છે. જળ સાથે ધર્મ પણ જોડાયો. વાવ, કૂવા અને સરોવર બનાવવા માટેનાં વાસ્તુ અને શિલ્પશાસ્ત્રો પણ વિકસ્યાં. વાતનો વિષય છે ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડનાં જાણીતાં સરોવર – તળાવોની.
સંસ્કૃત શબ્દ ‘તડાગ’ પરથી તડાગ-તલાઉ-તલાવ શબ્દ ઊતરી આવ્યો છે. તળાવડી શબ્દ ‘તડાલિકા’ પરથી આવ્યો છે. આપણે ત્યાં તળાવોના બે પ્રકાર છે. ૧. કુદરતી તળાવ અને ૨.માનવસર્જિત તળાવ. કુદરતી તળાવને અંગ્રેજીમાં લેક કહે છે જ્યારે માનવસર્જિત તળાવને ટેંક (્ચહં) કહે છે. નદીઓ ઉપર બંધ બાંધીને તૈયાર કરાયેલાં જળાશયોને સુરક્ષિત જળભંડાર-રીઝરવાયર કહે છે. નર્મદા નદી પર બંધ બાંધીને તૈયાર કરાયેલું સરદાર સરોવર આ પ્રકારનું સરોવર છે. કુદરતી રીતે જે જમીન નીચી હોય અને એમાં ચોમાસાનું પાણી એકઠું થતું હોય તો તેને કુદરતી તળાવ કહેવાય. આવાં તળાવોને અ-ખાત પણ કહે છે. અ એટલે નહીં અને ‘ખાત’ એટલે ખોદેલું અર્થાત્ જે ખોદીને બનાવવામાં આવ્યું નથી તે કુદરતી તળાવ. એમ ‘અસ્તિવબોધ’ના આલેખનમાં દિગંત ઓઝા લખે છે. આ પુસ્તકમાં એમણે જળસ્ત્રોતો, જળ અને તળાવોને જાળવવાની વાત પણ સુપેરે આલેખી છે.
ભારતીય તળાવોનો મોટો ઇતિહાસ છે. સો-દોઢસો વર્ષ પૂર્વે ભારતમાં અષાઢ મહિનાના પ્રથમ દિવસથી ભાદરવાના છેલ્લા દિવસ સુધીમાં દેશના ઝીલો, પોખરો, હલહલો, ગઢઈઓ અને ૧૧ થી ૧૨ લાખ તળાવો અને તળાવડીઓ છલકાઈ જતાં તે છેક આવતા ચોમાસા સુધી પ્રજાને પાણીની જરૂરિયાત પૂરી પાડતાં. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તળાવો દ્વારા સિંચાઈ કરવાની પ્રથા પુરાણી અને વ્યાપક છે. દુષ્કાળ દરમ્યાન રાહતના કામો માટે તળાવો ગળાતાં રહ્યાં છે. પાણીના નિકાલ માટે તળાવો કુદરતી સાધન તરીકે ઉપયોગમાં લેવાતાં રહ્યાં છે. અમદાવાદની ચોગરદમ સેંકડો તળાવો હતાં જે કાળક્રમે નાશ પામતાં અમદાવાદમાં વરસાદના વારિએ ભારે તરાજી સર્જ્યાનું સ્મરણ આજે આપણને સૌને છે. જૂના તળાવો પુરાઈ ન જાય તે માટે તળાવના મુખ આગળ તળાવડી કે મોટા કૂવા બનાવતા જેથી ઝાળાં, ઝાંખરાં, કચરો એમાં રોકાઈ જાય અને પાણી ગળાઈને તળાવમાં જાય.
લોકસમાજના માનવીએ અને શિલ્પીઓએ પોતાની કળાદ્રષ્ટિનો સ્પર્શ તળાવોને આપ્યો છે. સમયાન્તરે રાજવીઓએ અને રાજમાતાઓ કે રાણીઓએ જે વાવ, કૂવા કે તળાવો પ્રજાના હિત માટે બનાવ્યાં તેને શિલ્પાંકનોથી સુશોભિત કર્યાં. વાવોના શિલ્પોમાં શિવ, ગણેશ, વિષ્ણુના સ્વરૂપો, નવગ્રહો, માતૃકાઓ તથા લોકપાલની મૂર્તિઓ ઉપરાંત ભૌમિતિક આકારો, વેલ, ફૂલ, પશુ-પક્ષીઓના આકારો કંડાર્યા છે. પાટણની રાણકીવાવનાં શિલ્પોમાં પટોળાની પ્રાચીન ભાતો પણ જોવા મળે છે. જ્યારે તળાવોની પાળ ઉપર અને કુંડમાં નાની નાની દેરડીઓ તથા મનોહર કંડારકામથી શોભતી મૂર્તિઓ જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારના કલાત્મક જળાશયોમાં વિરમગામનું મુનસર તળાવ, મોઢેરાનો કુંડ, શિહોરનો બ્રહ્મકુંડ, અડાલજની વાવ વગેરે છે. આ પ્રાચીન તળાવોને સુશોભિત કરવા માટે એની પાળ પર ઘટાટોપ વૃક્ષો વાવ્યાં. કોઈએ ફૂલવાડી કે મોટા ચોતરા બનાવ્યા. ક્યાંક પાળ ઉપર મંદિર કે પાઠશાળા અને યજ્ઞશાળાનું નિર્માણ કર્યું. આવો અનોખો છે આપણા તળાવોને સરોવરોનો ઇતિહાસ. આ શ્રેણીમાં આપણે પાટણના સહસ્ત્રલિંગ તળાવની વાત કરી. હવે આપણે અન્ય તળાવો પર ઉડતી નજર કરી લઇએ.
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો સાંસ્કૃતિક ઇતિહાસ ફંફોસીએ તો આપણને અહીંના સેંકડો સરોવર-તળાવોની માહિતી હાથ લાગે, પુરાતત્ત્વીય ઉત્ખનનો આ વાતને ઉજાગર કરે છે. ડૉ. રસેશ જમીનદાર નોંધે છે કે પ્રાક્-હડપ્પીય યુગનું સરોવર કચ્છ જિલ્લાના ધોળાવીરા ગામ પાસેથી હાથ લાગ્યું છે. ધોળાવીરા સંસ્કૃતિના સર્જકોએ પાણીની સુલભતા પ્રાપ્ત કરવા અર્થે વિશાળ સરોવરનું નિર્માણ કર્યું હતું. આપણા રાજ્યનું આ પહેલું પ્રથમ માનવકૃત જળાશય છે.
ધોળાવીરા પછી બીજું ધ્યાન ખેંચે એવું નગર અમદાવાદ જિલ્લામાં ઉતેળિયા પાસે આવેલું લોથલ છે. નપાણિયા વિસ્તારમાં વસેલું આ નગર છે. જનજીવન અને કૃષિ વિકાસ વાસ્તે વિશાળકાય જળાશય હોવું જરૂરી છે. આપણા રાજ્યનું પાષાણયુગીન આ બીજું સરોવર છે, જેના કાંઠે માનવજીવન પાંગર્યું હતું. શ્રી જમીનદાર લખે છે કે આ પરંપરા ચાલુ રહી એટલે કે સરોવર નિર્માણની પરંપરા. માનવકૃત ત્રીજું સરોવર જૂનાગઢના પાદરે અને ગિરનારની તળેટીમાં બંધાયું હતું. જે સુદર્શન સરોવરથી સુવિખ્યાત છે. આ પછીનું વિશાળકાય સરોવર સોલંકી શાસન સમયનું સહસ્ત્રલિંગ સરોવર છે. સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિધ્ધ વૈષ્ણવતીર્થ શામળાજી પાસે મેશ્વો નદીના કિનારે ગઇ સદીના આઠમા દાયકા દરમ્યાન નિર્માયેલું જળાશય ‘શ્યામસુંદર સરોવર’ છે.
જૂનાગઢનું સુદર્શન સરોવર ઃ
ગુજરાત-સૌરાષ્ટ્રના સરોવરો સંબંધમાં એનો છૂટોછવાયો ઇતિહાસ જાણવા મળે છે. પરંતુ જૂનાકાળે અશોકના શિલાલેખનું સ્થળ આ તળાવને કાંઠે પસંદ કરવામાં આવ્યું હતું. તે આ જળાશયની મહત્તા દર્શાવે છે. ‘ભાતીગળ સૌરાષ્ટ્ર’ (સપ્ટે.ઓક્ટો. ૨૦૧૩)માં ઇતિહાસવિદ્ શ્રી નરોત્તમ પલાણ લખે છે કે અશોકના શિલાલેખમાં કોતરાયેલી માહિતી મુજબ આ તળાવ ઇ.સ. પૂર્વે ૩૨૦માં મૌર્યવંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યએ બંધાવ્યું હતું. શિલાલેખમાં જણાવ્યા મુજબ ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યપાલ વૈશ્ય ગુપ્તે માથે રહીને સુદર્શનનું બાંધકામ કરાવ્યું હતું. આ પછી સમ્રાટ અશોકના રાજ્યપાલે તેને પરતાળીએ-નહેરોથી શણગાર્યું હતું. આ તળાવ એકધારું ૪૭૦ વર્ષ લગી ટક્યું હતું. અને પછી માગશર માસની અમાસના દિવસે થયેલા જોરદાર કમોસમી વરસાદથી તે તૂટયું હતું. આ સમયે જૂનાગઢ ઉપર ચષ્ટનવંશના ‘રુદ્રદામન’ નામના રાજાનું શાસન હતું. આ રાજાએ લોકહિતને ધ્યાનમાં લઇ તાત્કાલિક તળાવનું પુનઃ નિર્માણ કરાવ્યું અને મૌર્યકાળમાં હતું તેથી વધુ મજબૂત અને રૂપાળું બનાવ્યું. આ તળાવ બીજા ૩૦૦ વર્ષ સુધી ટક્યું હતું. ઇ.સ. ૪૫૦માં ફરીદાણ તૂટયું હતું. સુદર્શન તળાવનું બીજીવારનું નિર્માણ ગુપ્તવંશના છઠ્ઠા રાજવી સ્કંદ ગુપ્તે ૪૫૬માં કરાવ્યું હતું. આ સમયે સ્કંદગુપ્તનો રાજ્યપાલ ‘પણદત્ત’ અને જૂનાગઢનો રક્ષક તેનો પુત્ર ચક્રપાલિત હતો.
સુદર્શન જેવાં મોટાં તળાવો બાંધતી વખતે પાણીનું વહેણ, જમીન, તળ, પાણી બાંધવા માટેની અનુકૂળ જગ્યા વગેરે બાબતો તરફ ધ્યાન આપવું પડે છે. વળી તળાવનો બંધ અથવા સેતુ કે પાળ બાંધવા માટેની સગવડ જોવી પડે છે. સુદર્શન જળાશયના ભગ્નાવશેષો જોતાં તેના નિર્માણમાં રાખવામાં આવેલી કાળજી તથા તેને માટે પસંદ કરેલા સ્થળનું મહત્ત્વ સહજ સમજાય તેવું છે. આ સરોવરમાં જે બાજુએ પાણી વહેતું રહેતું તે પથ્થરોથી સચવાયેલી હતી. તે માટીના બંધને મજબૂત રાખતી. બંધ બાંધવામાં વપરાયેલ પથ્થરો અને માટી સ્થાનિક છે. તેથી તે બાંધવામાં વપરાયેલી વૈજ્ઞાનિક બુધ્ધિ ઉચ્ચકક્ષાની છે. સુદર્શન તળાવના લેખો વાંચતાં સમજાય છે કે ઇ.સ. પૂર્વે ચોથી સદીમાં બંધાયેલું આ સરોવર છે. ઇ.સ.ની પાંચમી સદીમાં સંમાર્જિત થયેલું અને નવસો વર્ષ લગી સચવાયું હોવાના ઉલ્લેખો સાંપડે છે. ત્યારબાદ બસો, ત્રણસો, વરસ લગી ટક્યું હોય તેવો સંભવ છે. આમ માનવકૃત જળાશયે ૧૨૦૦ વર્ષ લગી સેવા આપી એ મહત્ત્વની હકીકત છે એમ ડૉ. આર.ટી. સાવલિયા ગુજરાતના ‘પ્રાચીન સરોવરો અને કુંડો’માં નોંધે છે.
ગિરિનગરના સુદર્શન તળાવનો ઇતિહાસ
મૌર્યવંશના સ્થાપક ચંદ્રગુપ્તના સમયથી શરૂ થાય છે. એના રાજ્યપાલ પુષ્યગુપ્તે સુરાષ્ટ્રના પાટનગર નજીકમાં ગિરિમાંથી વહેતી સુવર્ણસિકતા, પલાશિની વગેરે નદીઓના પ્રવાહને રોકીને સુદર્શન નામે જળાશય બંધાવ્યું. ધારાગઢ દરવાજા પાસેના ત્રિવેણી સ્થળે આવા ત્રણ પ્રવાહનો સંગમ થતાં સુદર્શન તળાવનું સંગમ અને ખડક વચ્ચેના નીચાણમાં હોવું જોઇએ એમ શ્રી આર.એન.મહેતા નોંધે છે. મૌર્યકાલીન સુદર્શન તળાવના કાંઠા મજબૂત હતા. સમગ્ર બાંધકામ સાંધા વગરનું નક્કર હતું. વચ્ચે કુદરતી બંધ પણ હતો. યોગ્ય જગ્યાએ પ્રણાલી ગરનાળાં, પરીવાહ-નહેર અને મીઢવિધાન-ચાળણી ઇત્યાદિ હતા. ચંદ્રગુપ્તના પૌત્ર અશોક મૌર્યે પૌરજનોને ઉપયોગી થાય તે માટે સુદર્શનમાંથી નહેરો કઢાવીને જળાશયનું જળ આસપાસની જમીનને પૂરું પાડવાનો પ્રબંધ કર્યો હતો. અશોકના રાજ્યપાલ યવનરાજ તુષાસ્ફે આ તળાવને પ્રણાલીઓથી અલંકૃત કર્યું હતું. એના તટ પર અટ્ટાલિક-અટાળી, ઉપતલ્પ-છત્રી, દ્વાર-દરવાજા શરણ-આરામ-સ્થળ અને તોરણ શિલ્પોથી શણગાર્યું હતું, એમ ડો. હરિપ્રસાદ શાસ્ત્રી લખે છે.
આમ જૂના કાળે ઇંટો અને પથ્થરોનો ઉપયોગ તળાવો બાંધવામાં શરૂ થયો નહોતો ત્યારે તળાવો બનાવવા માટે પાણીના ઝરણાં કે નદીના પ્રવાહને રોકવા બંધ બાંધી તળાવોનું નિર્માણ કરાતું. ગુજરાતના પ્રાચીન જળાશયો જોતાં તળાવો બાંધવાની પધ્ધતિ ઘણા પ્રદેશોમાં ફેલાયેલી હોવાનું ડૉ. સાવલિયા નોંધે છે. ઘૂમલીમાં રામાપોળ દરવાજા બહાર જે તળાવ છે તે સુદર્શનના જેવું જ છે અને આજે ય કામ આપી રહ્યું છે. સોન-કંસારીના દેશ પાસે આવું મજબૂત પાળવાળું તળાવ છે. સાબરકાંઠા જિલ્લામાં શામળાજી વગેરે જગ્યાએ આવાં તળાવો જોવા મળે છે.
જૂનાગઢનું સુદર્શન સરોવર બે વાર તૂટયું અને તેનું સમારકામ થતું રહ્યું પણ ત્રીજીવાર ક્યારે તૂટયું હશે એની માહિતી મળતી નથી. શ્રી નરોત્તમ પલાણ એવું અનુમાન કરે છે કે ઇ.સ. ૭૮૮માં વલ્લભીભંગ પછી આ તળાવ તૂટયું હશે ! જો પહેલાં તૂટયું હોય તો ક્ષત્રપવંશ અને ગુપ્તવંશના રાજ્યની માફક મૈત્રકવંશના રાજવીઓ તેનું પુનઃ નિર્માણ જરૂર કરાવે. આ રાજાઓ પ્રજાની સુખાકારીનો વિચાર કરે તેવા અને તળાવનું સમારકામ કરાવે તેવા સમર્થ હતા. આઠમી સદી પછી ગમે ત્યારે સુદર્શન તળાવ તૂટયું હશે અને પછીથી તેનું પુનઃનિર્માણ કરાવે તેવા કોઈ રાજવી જૂનાગઢમાં થયા નથી.
ચુડાસમાઓ શક્તિશાળી હતા પરંતુ તેમનો આરંભનો કાળ સોલંકીવંશ સાથે અને અંતનો કાળ અમદાવાદના સુલતાનો સાથેની લડાઈમાં વીત્યો. આવી સ્થિતિમાં સુદર્શન સરોવર ફરી રિપેર થઇ શક્યું નહીં. સુદર્શન તળાવનો ઇતિહાસ આપણા ઇતિહાસનું એક કરુણોજ્જવલ પ્રકરણ છે. તળાવ બાંધવા પાછળની લોકકલ્યાણની ભાવના અને વારેવારે તૂટયું તેની કરુણ કહાની જૂનાગઢના ઇતિહાસની નોંધ લેવા જેવી ઘટના છે.
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ