ગુજરાતની ઐતિહાસિક અને પ્રાચીન અવશેષોની નગરી ધોળાવીરા

ઈતિહાસને વાંચવા કરતાં એને જોવાની ,એને અનુભવવાની, એને જાણવાની અને એને આત્મસાત કરવાની મજા કઈ ઓરજ હોય છે…… ઇતિહાસમાં માત્ર યુધ્ધોને કે માણસોને જ મહત્વ આપ્યું નથી. ઇતિહાસમાં જગ્યાનું પણ ખુબ જ મહત્વ છે . આ જગ્યાએ અહીં મહાલયો હતાં. આ જગ્યાએ આ રાજવીનું બાળપણ વીત્યું હતું. ઈતિહાસ હંમેશા માણસો દ્વારા જ રચાય છે. ઇતિહાસમાં કિલ્લાઓ જેટલાં મહત્વનાં છે એટલા જ મહત્વના અવશેષો પણ છે. એમાં પણ પાછી ઐતિહાસિક કાળની વાત આવે ત્યારે તો આપણું કુતુહલ કૈક ઓર જ વધી જાય છે. આવિ જ એક પ્રાચીન સંસ્કૃતિનો જીવતો જાગતો નમૂનો છે. કચ્છ સ્થિત  ——– ધોળાવીરા

ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષ સૌપ્રથમ લીમડી તાલુકામાં રંગપુરમાં મળી આવ્યાં હતા. તે પછી 1954થી 1958 દરમિયાન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામે લોથલનો ટીંબો મળી આવ્યો હતો. આ સંશોધન ચાલુ રહેતાં ૧૯૬૭માં કચ્છમાં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિ કેટલી વિકસીત હતી તેના પુરાવા મળ્યાં હતા.

ધોળાવીરાની શોધનો શ્રેય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના જે પી જોશીને જાય છે, પણ તેનું મોટા પાયે ખોદકામ ૧૯૯૦-૯૧માં ડો. આર કે વિષ્ટના નેતૃત્વમાં થયું હતું. કચ્છી માંડુઓ ધોળાવીરાને કોટડા તરીકે જાણે છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઇએ તો ધોળાવીરા પૂર્વથી પશ્ચિમમાં ૭૭૫ મીટર અને ઉત્તરથી દક્ષિણ ૬૦૦ મીટરમાં ફેલાયેલું હતું તેવા અવશેષો પ્રાપ્ત થયા છે.

ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે, જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલ છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જુની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતાં તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે.

પ્રવેશ દ્વાર-
ધોળાવીરાના ઉત્તરીય પ્રવેશદ્વાર પર લખાયેલા દસ અક્ષર. એક પ્રવેશ દ્વારનું પાટીયું એ જમાનાના દસ અક્ષરો સાથે મળી આવેલ છે. લાગે છે કોઈક કારણસર એ પાટીયું ઉપરથી નીચે પડ્યું હશે અને આપણાં પૂર્વજોમાંથી કોઈકે એને સંભાળી બાજુમાં રાખ્યું હશે. એના દસે દસ અક્ષરો અકબંધ છે.

અન્ય—
અહીં જે હાડકા અને અન્ય ચીજ વસ્તુઓ મળી છે એ પ્રમાણે આ નગરના લોકો બહુ સુખી અને સમૃદ્ધ હતા. શાકાહારી અને માંસાહારી બન્ને પ્રકારના લોકો હતા. કોઈક મૃત્યુ પછી અગ્નિ સંસ્કાર કરતા હતા, વળી કોઈક કબર બનાવી દાટતા હતા અથવા કબરમાં અસ્થીઓ સાથે વસ્તુઓ પણ રાખતા હતા.

ધર્મ સ્થળ–
આખા નગરમાં ધર્મ સ્થળ જેવું કાંઈજ મળ્યું નથી એ નવાઇ લાગે છે. પ્રાંત મહેલમાં ગોળાકાર બે મોટા પત્થર મળ્યા છે, પણ હોઈ શકે છે કે મહેલના મોટા થાંભલાના ટેકા પણ હોય.

સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો (મહાદુર્ગ) તરીકે ઓળખે છે. મૂળ તો ધોળાવીરા ગામની નજીક આવેલી હોવાને કારણે એ પુરાતત્ત્વીય સાઈટનું નામ ધોળાવીરા પડી ગયું છે. ૧૯૬૭માં પુરાતત્ત્વવિદ્ જગત્પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી.

મોહેં-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલ છે. જ્યારે આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પત્થરોથી બાંધકામ થયેલ છે અને પત્થરો થોડેક છેટે બાજુમાં ખાણોમાંથી કાઢેલા છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે.

ધોળાવીરા નગર મુખ્ય ત્રણ ભાગમાં વહેચવામા આવ્યું છે:

શાસક અધિકારી નો રાજમહેલ
અન્ય અધિકારી ઓના આવાસ
સામાન્ય નગરજનો નો આવાસ

શાસક અધિકારીનો રાજમહેલ

નગરમાં શાશક અધિકારીનો રાજમહેલ ઊંચાઇવાળી જગ્યા પર છે. તેની ચારેબાજુથી મજબૂત કિલ્લાબંદી કરવામાં આવી હતી. આ કિલ્લામાં ચાર દરવાજા હતાં.

અન્ય અધિકારી ઓના આવાસ

અન્ય અધિકારીઓના આવાસોની ફરતે પણ રક્ષણાત્મક દિવાલ હતી. અહીંથી બેથી પાંચ ઓરડાવાળા મકાન મળી આવ્યાં હતાં.

સામાન્ય નગરજનો નો આવાસ

સામાન્ય નગરજનોના આવાસ હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા. આ નગરમાં મોતી બનાવાનું મોટુ કારખાનુ મળી આવ્યું છે. અહીંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી હતી.

ધોળાવીરાથી દસેક કિમી દૂર વન વિભાગ દ્વારા બનાવાયેલ વૂડ ફોસિલ (વૃક્ષના થડના અશ્મિ) પાર્ક આવેલો છે. ચારેકોર નાની ટેકરીઓ પર કાંટાળી વનસ્પતિ અને થોર નજરે ચઢતાં હતાં. ક્યાંક રડ્યાં ખડ્યાં પીલુડીનાં ઝાડ પણ ખરાં. સામેનો ડુંગર `છાપરિયા રખાલ` તરીકે ઓળખાય છે. વિસ્તાર ખડીર બેટની ઉત્તરે રણના કિનારે આવેલો છે, એટલે અહીંથી પણ દૂર દૂર સુધી સફેદ રણ દેખાય છે.
આજુબાજુ વિવિધ આકારોના મોટા મોટા પથ્થરો જ નજરે પડે છે. કરોડો વર્ષો પહેલાંનાં વૃક્ષના થડના અશ્મિઓ અહીંથી મળી આવ્યા છે. ઝાડ મરી જાય અને તેનું થડ જમીન પર પડી જાય તે પછી આજુબાજુની માટી તેના ઉપર જામવા લાગે. માટીમાં ખનિજો પણ હોય. કાળક્રમે રીતે બનેલા પથ્થરમાં વૃક્ષના થડની ભાત પડી જાય અને જાણે એમ લાગે કે, થડ પથ્થરના છે! અહીંથી મળેલા વૃક્ષના થડના બે અશ્મિઓ ૧૬ કરોડ વર્ષ જૂના, ૮થી ૧૦ મીટર લાંબા અને અડધાથી એક મીટરની પહોળાઈ ધરાવતા છે, જેની ફરતે તારની જાળી બાંધીને રાખવામાં આવી છે. નજીકમાં કાચના એક બંધ કબાટમાં નાના નાના અશ્મિઓને મૂકવામાં આવ્યા છે.

કચ્છ, માત્ર આ અઢી અક્ષરનો શબ્દ બોલતી વખતે જ ખબર નહીં કેમ આંખોમાં અનેરી ચમક આવી જતી હોય છે. આ શબ્દ જ એવો ધીંગો કે વધુ કોઈ ઓળખના ભારની જરૂર જ ન રહે. સૂકીભઠ્ઠ જમીન, ચારેબાજુ ફેલાયેલું અફાટ રણ, કુદરતની થપાટો, દુશ્મન દેશની ભીતિ વચ્ચે પણ ઝિંદાદિલીથી કચ્છ પ્રદેશ અને ખમીર-ખુમારીથી છલકાતી પ્રજાનાં મૂળિયાં કંઈ આજકાલના નથી, પરંતુ આશરે સાડાચાર હજાર વર્ષ જૂનાં છે. કેવી રીતે?

લગભગ ૪૦-૪૫ વર્ષ પહેલાં જે. પી. જોશીએ કચ્છની એ સૂકીભઠ્ઠ જમીનમાંથી એનો વૈભવશાળી ભૂતકાળ શોધી કાઢ્યો. આજની તારીખે કચ્છની મુલાકાતે આવતા દેશી સહેલાણીઓ કરતાં વિદેશી સહેલાણીઓ જેની સૌથી વધારે મુલાકાત લેવાનું પસંદ કરે છે એ ધોળાવીરાની .

સામખિયારી રેલવે સ્ટેશને ઊતરીને બાય રોડ ધોળાવીરા પહોંચી શકાય છે. ભચાઉ તાલુકાના ઈતિહાસમાં ચાર ચાંદ લગાવી દેતા અને વૈશ્ર્વિક નકશા પર કચ્છની નોંધ લેવાની સૌને ફરજ પાડનારા આ પ્રદેશને સ્થાનિક ભાષામાં “કોટડા ટીંબા” તરીકે ઓળખવામાં આવે છે. જાણીને આશ્ર્ચર્ય થશે કે આ પ્રદેશનું અસલ નામ ધોળાવીરા નથી, પરંતુ સાઈટથી લગભગ એક કિ.મી.ના અંતરે આવેલા ધોળાવીરા ગામને કારણે તે પણ વૈશ્ર્વિક સ્તરે ધોળાવીરા તરીકે જ ઓળખાવા લાગ્યું છે.

કચ્છની રેતાળ જમીન નીચે આવો ભવ્ય વારસો સચવાયેલો હોવાનો ખ્યાલ વર્ષ ૧૯૬૭-૬૮માં અહીં હડપ્પા સંસ્કૃતિની એક મુદ્રા મળી આવી જ લોકોને એના વિષે ખ્યાલ આવ્યો હતો અને ત્યાર બાદ તો આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ ૧૯૯૦થી અહીં સતત ઉત્ખનન કરવામાં આવ્યું છે. આશરે ૨૫૦ એકરમાં ફેલાયેલા આ વિસ્તારમાં લગભગ ૧૩ વખત ઉત્ખનન કરવામાં આવ્યું છે, જેમાં ઈ. સ. પૂર્વે ૨૬૫૦થી લઈને ઈ. સ. પૂર્વે ૨૧૦૦ દરમિયાનના તથા ઈ. સ. પૂર્વે ૧૪૫૦ સુધી અનેક વખત વસેલા અને વેરાન થયેલા નગરના અવશેષ મળી આવ્યા છે. દરેક ઉત્ખનન એક્સાઈટમેન્ટથી ભરપૂર હકીકતોને સપાટી પર લાવ્યું છે.

હડપ્પા સંસ્કૃતિનાં મળી આવેલાં આઠ મોટાં શહેરમાં ધોળાવીરાની ગણના થાય છે. આજથી હજારો વર્ષ પહેલાં આપણા પૂર્વજોની લાઈફસ્ટાઈલ કેવી હતી? એનો સ્પષ્ટ ચિતાર આપે છે અહીંનાં સૂનાં ખંડેરો અને નગરરચના. હજારો વર્ષ પહેલાંનું અહીંનું ટાઉન પ્લાનિંગ તો આજના નિષ્ણાતોને પણ વિચારવા માટે મજબૂર કરી દે એવું છે. મોતી, રત્નો, છીપ, સોનું, ચાંદી, તાંબાનાં વાસણો, માટલાં, આભૂષણો વગેરે ઘણું બધું અહીં ધરબાયેલું હતું.

દરેક વસ્તુ પોતાની સાથે એક ઈતિહાસ લઈને મળી આવી છે. ધોળાવીરાની સમૃદ્ધિને ધ્યાનમાં રાખીને ઈતિહાસવિદો માને છે કે દક્ષિણ ગુજરાત, સિંધ, પંજાબ સુધી વિસ્તરેલાં હડપ્પા સંસ્કૃતિનાં નગરોમાં ધોળાવીરાનું વ્યાપારિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ હતું. લંબચોરસ આકારમાં વિકસાવવામાં આવેલું આ નગર ૭૭૧.૧ મીટર લાંબું અને ૬૧૬.૮૫ મીટર પહોળું હતું. મોહેં-જો-દડો અને હડપ્પાના આવાસોની સરખામણીમાં ધોળાવીરાનાં મકાનો અને નગર વિશેષ રીતે જુદાં પડે છે. કેવી રીતે? મોહેંઽ-જો-દડો અને હડપ્પામાં કાચી-પાકી ઈંટોનાં મકાન જોવા મળે છે, જ્યારે ધોળાવીરામાં કટ-ટુ-કટ ચોરસ અથવા લંબચોરસ પથ્થરોથી બિલકુલ પ્લાનિંગ સાથેના આવાસ જોવા મળે છે. આ નગરના બાંધકામ માટે ધોળાવીરાની બાજુમાં આવેલી ખાણોમાંથી જ પથ્થર કાઢવામાં આવ્યા છે. અલબત્ત, આ નગરની રચના જોઈને આશ્ર્ચર્યથી મોઢું ખુલ્લું જ રહી જાય છે.

નગરની ચારેબાજુ સંરક્ષણ દીવાલ જોવા મળે છે. ઊંચાઈવાળી જગ્યાએ આ નગરના શાસકોનો રાજમહેલ બનાવવામાં આવ્યો છે. રાજમહેલની ફરતે લગભગ ૧૨૦ એકરમાં કિલ્લો અને એ કિલ્લામાં ચારેબાજુએ પ્રવેશદ્વાર હતાં. આપણે અત્યારે ટુ કે થ્રી બેડરૂમ હૉલ કિચનના કોન્સેપ્ટની વાત કરીએ છીએ, પરંતુ આ કોન્સેપ્ટ ધોળાવીરામાં તમને લગભગ સાડાચાર હજાર વર્ષ પહેલાંના નગરમાં પણ જોવા મળે છે. નગરના અન્ય અધિકારીઓના મકાન બેથી પાંચ ઓરડાના કોન્સેપ્ટવાળાં હતાં. અલબત્ત, એની આસપાસ પણ સંરક્ષણ દીવાલની હાજરી જોવા મળે છે. દુશ્મનો સામે સાડાચાર હજાર વર્ષ પહેલાં પણ કેવી સાવધાની રાખવામાં આવતી એનો અંદાજ આ કિલ્લાની રચના પરથી આવે છે.

ઘણા લોકોને કદાચ આ પથ્થરોમાં બહુ રસ ન પડે, પરંતુ જો એ દરેક પથ્થરને સાંભળવાની કોશિશ કરશો તો આપણા પૂર્વજોની વાતોના ભણકારાય સંભળાશે ને એમની દીર્ઘદૃષ્ટિનો લાભ પણ મળશે. હજારો વર્ષ પહેલાંનાં ગામ-નગર કેવાં હોઈ શકે? એે જોવા માટે આપણે બહુ લાંબા થવાની જરૂર નથી. ધોળાવીરા એનું ઉત્તમ ઉદાહરણ છે.

આ નગરના ઉત્તર તરફના પ્રવેશદ્વાર પર એક તકતી પણ હતી. કોઈ અજ્ઞાત કારણોસર આ તકતી નીચે પડી હશે અને આપણા પૂર્વજોએ એને સંભાળીને રાખી હશે તેથી જ એ તકતી હેમખેમ સ્થિતિમાં પુરાતત્ત્વવિદોને મળી છે. આ તકતી પર દસ અક્ષર જોવા મળ્યા છે. જોકે હજી નિષ્ણાતો એ અક્ષરોને ઉકેલી શક્યા નથી. હડપ્પા સંસ્કૃતિના લોકો જે ભાષા બોલતા હતા અને જે લિપિમાં લખતા હતા એ આજે પણ અજાણી જ છે.

અલબત્ત, એમની ભાષામાં આશરે ૪૦૦ મૂળાક્ષર હશે એવું અત્યાર સુધી મળેલાં લખાણો પરથી જાણી શકાયું છે. અલબત્ત, આપણે જેમ ડાબેથી જમણે લખીએ છીએ એમ નહીં, પરંતુ જમણેથી ડાબે લખતા હતા. મોટા ભાગનું લખાણ પાષાણના શિલાલેખ પર જોવા મળે છે. કેટલીક જગ્યાએ ચીકણી માટીમાં મુદ્રાઓની ઉપસાવવામાં આવેલી છાપ પણ જોવા મળે છે. આ મુદ્રાઓ વેપાર માટે અથવા સત્તાવાર કાર્યવાહી માટે પણ ઉપયોગમાં લેવાતી હોવાનો મત નિષ્ણાતો વ્યક્ત કરે છે. શોધકામ દરમિયાન સંશોધકોએ ધોળાવીરા અને લોથલ વચ્ચે દરિયાઈ માર્ગે વાહનવ્યવહાર થતો હોવાનું પણ શોધી કાઢ્યું છે. આ વાહનવ્યવહાર વેપાર માટે થતો હશે એવું માનવામાં આવે છે.

ધોળાવીરા એટલે એક એવું પરિસર કે જ્યાં તમારે નિરાંતે ત્રણ-ચાર કલાકનો સમય લઈને જવું પડે. ઉતાવળે હજારો વર્ષ જૂની સંસ્કૃતિને માણવાનું તો બાજુએ રહ્યું, એના પહેલા સ્તર સુધી પણ ન પહોંચી શકાય. ધોળાવીરાની કોઈ વિશેષતા જો સૌથી વધુ સ્પર્શી જતી હોય તો તે છે સાડાચાર હજાર વર્ષ પહેલાં કરવામાં આવેલું જળવ્યવસ્થાપન.

ખરેખર ૫૦૦૦ પહેલાં લોકો આટલા બધાં વિકસિત હતાં તે જાણીને મો પહોળુંને પહોળું રહી જાય છે. આટલો વિકાસ તો અત્યારે નથી થયેલો, ખાલી “વિકાસ” શબ્જ પ્રચલિત હોય એવું આપણને લાગે છે,
આ વખતના સમયમાં આટલી સજ્જતા, આટલું ઈજનેરી જ્ઞાન, આવ્યું કઈ રીતે હશે, તે મારે મન એક પ્રશ્ન છે, આવું સ્થાન આપણા ગુજરાતમાં છે એ તો ગુજરાતે ગૌરવ લેવાં જેવી બાબત છે !!!!! ટૂંકમાં પેલી કહેવત છે ને કે કચ્છડો બારે માસ. એને સાર્થક કરવી હોય તો કચ્છની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. રણોત્સવમાં જાઓ તો આ જગ્યા બતાવે છે જ. આ જગ્યા જોવા એકવાર અવશ્ય જજો સૌ !!!!!

ઈતિહાસ એટલે સંસ્કૃતિ અને સ્થળ. આપણી સંસ્કૃતિ આટલી સમૃદ્ધ હશે શું ? ધોળાવીરા એનું જીવતું જાગતું ઉદાહરણ છે, એ ખરેખર ગુજરાતનું ગૌરવ જ છે. આવાં ઉત્ખનનોએ જ આપણો ઈતિહાસ જીવિત અને જીવંત રાખ્યો છે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી !!!

——– જન્મેજય અધ્વર્યુ..

error: Content is protected !!