ધીમે ધીમે દેવીદાસજી મહારાજની કિર્તિ ફેલાતી જતી હતી. ગામડાંઓના માણસો તેમજ સાધુ-સંતોની આવન જાવન શરૂ થઈ ગઈ હતી. થોડાક અભ્યાગતો અને રકતપિતીઆએ તો કાયમી ધામા પણ નાખી દીધા હતા, મહારાજ તેઓને ‘મૂંડિયા’ ના નામે સંબોધતા હતા.
દેવીદાસજી મહારાજ ભિક્ષા માગવા માટે દરરોજ અલગ અલગ ગામોએ જતા હતા. સર્વની જોડે પ્રેમપૂર્વક વર્તાવ કરતા હતા. સારી શિખામણ દેતા હતા એટલે સર્વને પ્રિય બની રહ્યા હતા.
આશ્રમને ફરતી કાંટાની વાડ કરી લીધી હતી અને કેટલાક ફૂલછોડો પણ ઉગાડ્યા હતા.દર મહિનાની અજવાળી બીજ, અગિયારશ તેમજ અન્ય વાર તહેવારે ભજન-ગાન પણ થવા લાગ્યું હતું ત્યારે મોટો સમૂહ એકઠો થતો હતો.
આશ્રમમાં થોડો-થોડી સુવિધા પણ વધતી જતી હતી અને હવે ‘પરબ’ એવું નામ પણ પ્રચલિત બની ગયું હતું.
દેવીદાસબાપુ અલખઝોળી લઈ ટુકડો માંગવાનું શરૂ કરે છે. ટુકડો માંગી જગ્યામાં આવી પશુ-પંખી, મૂંડીયાઓને ખવરાવે છે. દિવસે દિવસે આજુબાજુના ગામડાઓમાં ખબર પડવા લાગી કે કોઈ સંત આવી જંગલમાં ઝુંપડી બનાવી રહે છે. બધા વિચાર કરે છે એક સમયમાં સ્થાન પર કોઈ રહી શકતું ન હતુ પણ આ સાધુ ત્યાં રહેવા લાગ્યા છે. જરૂર આ કોઈ અવતારી ઓલીયા પુરૂષ હશે.
આ એ સમય હતો જ્યારે રક્તપિત્તનો રોગ રાક્ષસ કરતા પણ વધારે ક્રુર હતો.આ રક્તપિત્ત નામના રોગે તો માણસને પણ રાક્ષસ બનાવી દિધેલા. આ રોગનો ચેપ જેને લાગ્યો હોય તેને ન કોઈ સગું હોય ન કોઈ સંબંધી હોય આવો કપરો સમય હતો. એક દિકરાને જો આ રોગ લાગુ પડે તો તેના માતાપિતા તેને જંગલમાં નાખી આવી અથવા દરીયામાં પધરાવી દે અને મા-બાપને આ રોગ લાગુ પડે તે તેમના સંતાનો તેમને ફેંકી દે. આવા કપરા સમયમાં માનવી માનવ મટી પશુ બનતો જતો હતો.આ ભયંકર રોગનો કોઈ ઈલાજ ન હતો ન તો તેની કોઇ દવા હતી. આ રોગથી દિવસે દિવસે માનવતા મરી પરવારી હતી.
આ સમયે સત્ દેવીદાસબાપુએ આ રક્તપિતિઓને પોતાના બનાવેલા, જ્યારે બાપુએ સાંભળ્યું કે જંગલમાં કોઈ રક્તપિતીયાને ફેંકી ગયું છે બાપુ તરત જ તેમને લેવા ઉભા થઈ જંગલની વાટ પકડે છે. માલધારીના છોકરાઓ કહે છે બાપુ તેમની પાસે જતાં નહિ કારણકે તમને પણ આ રોગ લાગુ પડશે. બાપુ કઈપણ વિચાર કર્યા વગર તે રક્તપિતીયાને લેવા ચાલી નિકળતા. દેવીદાસબાપુ તેની પાસે પહોંચે છે ત્યારે જુવે છે કે રક્તપિતથી ગંધાતી એ માનવકાયા જેનો જન્મ થયે સુવાળી હતી, સ્વસ્થ હતી અને ત્યારે તેના બધા સગા સ્નેહિ હતા, તે જ આ મનુષ્યને આજ રક્તપિત લાગુ પડતા આજ તેનું કોઈ નથી. આજે આ માણસને મરવા માટે જંગલમાં છોડી દેવામાં આવે છે.
દેવીદાસબાપુ આ રક્તપિતીયાઓને પોતાની પછેડીમાં બાંધી ઉચકી જગ્યામાં લઇ આવે છે. રક્તપિતીયા બુમો પાડે એ બાપુ મારી પાસે ન આવતા હું તમને ભરખી જઈશ. મારો ચેપ તમને લાગશે, મને પકડોમાં, મારાથી દુર રહો, આવી રાડો પાડતાં. દેવીદાસબાપુ આ રકતપિતીઓના શરીરને સાફ કરતા અને તેના પર વન ઔષધીના પાંટા બાંધતા, લીમડાના પાનનો લેપ લગાડી જમીનમાં ખાડો કરી માત્ર મોં બાર રહે એ રીતે ઠંડીમાટીમાં દાંટી દેતા જેથી તેમના શરીરમાં થતી દાહ-બળતરામાં મહદ અંશે શાંતી થતી.જેમ જેમ દેવીદાસબાપુના હાથ રક્તપિતીયાને અડવા લાગે તેમ તેમ તેનું દુઃખ ઓછું થવા લાગતું. આ બધુ તેની પીરાઇથી જ શક્ય બનતું. ભેંસાણ તથા આજુ બાજુના ગામ લોકોને આ વાતની ખબર પડતા બધા સાથે મળી પરબે આવે છે અને દેવીદાસબાપુને સમજાવા લાગે છે કે આપની આ રક્તપિતિયાઓની સારવારના લીધે આ રોગનો ફેલાવો આખા ગામમાં થશે માટે આ આશ્રમમાં માત્ર પ્રભુ ભજન સિવાય આ સેવા બંધ કરવા કૃપા કરો.
તમારે ભજન ભક્તિ કરવાનાં હોય, તમે સાધુ થઈ આવા કામ કરો નહિં!. આ રકપિતીયાઓ પાપીયાઓ હોય છે તેને બચાવો નહિં તેને મરવા માટે છોડી દો. આવી વાતો લોકો કહેતા. દેવીદાસબાપુ પ્રત્યોતર આપતા તેમને સમજાવતા કે “મારે મન તો આ મૂંડીયાઓની સેવા કરી આ રોગને દુર કરવા તેની સાફ સફાઈ કરવી એ જ ભક્તિ છે. હું નથી ભજન જાણતો ! નથી ભક્તિ જાણતો! , હું તો મનુષ્યોની, રોગીઓની, ભુખ્યાઓની સેવાને જ ભક્તિ માનું છું. જેથી હું મૂંડીયાઓની સેવા કરી તેનાં દુઃખને ઓછું કરવા માંગું છું.”
બાપુ કહે છે કે આ સમાજ જ્યાં સુધી માનવી પાસેથી કંઈક મળતું રહે છે ત્યાં સુધી માનવી સમાજ માટે ખુબ જરૂરી હોય છે, પણ જ્યારે માનવી આ સમાજને કંઇ આપી શકે તેમ ન હોય ત્યારે માનવસમાજ તેવા માનવીને નકામો ગણી ફેંકી દે છે, જે માણસમાં ખુદ પરમેશ્વર જીવ પુરે છે તેમાંથી આ સમાજના માનવીઓ આવા દયાપાત્ર દ્રરિદ્રનારાયણનો જીવ કાઢવા પ્રયત્નો કરે છે.મારા માટે તો આ મૂંડીયાઓ જ ભગવાન છે અને તેની સેવા જ મારી ભક્તિ છે.
આ તડફડીયા મારી ને ચિતકાર કરતા રોગીઓને જેટલી વેદના તેના રોગથી નથી તેટલી વેદના તમારા બધા તરફથી મળેલ જાકારાથી તેને થાય છે.શું જ્યાં સુધી આ રકતપિતીયાનું શરીર રૂપાળું હતું, મહેનત કરીને ઘરના સભ્યોનું લાલન-પાલન કરી શકે તેવું સક્ષમ હતું ત્યાં સુધી આ લોકો તમને બધાને તથા તેમના ઘરના સભ્યો ખુબ વ્હાલા હતા! પણ હવે રકતપિતથી તેનું શરીર ગંધાય છે તેમાંથી લોહી અને પરુ નીકળે છે. તેની પાસે જવાથી ચેપ લાગે છે, હવે તે કમાય શકે તેમ નથી, એટલે આ માણસ નકામો બની જાય છે. આ માણસ હવે જીવવાને લાયક નથી! હવે તેને મારવા માટે આપ સૌ તૈયાર થયા છો. માનવ સમાજની સ્વાર્થવૃત્તિ તો જુઓ માણસ હંમેશા બીજા પાસેથી કઈક મેળવવાની જ આશા રાખે છે તે કોઈને કાઈ આપવા માંગતો જ નથી, હંમેશા એવું ઇચ્છે છે કે જેટલો બીજાનો લાભ લેવાય તેટલો લેવાની આ સ્વાર્થવૃત્તિ માનવ સમાજને ક્યાં લઈ જશે તેનો તો વિચાર તો આપ સૌ એકવાર કરો.
તેવામાં ગામ લોકોમાંથી કોઈ વ્યકતિ એવુ કહે છે મહારાજ આ બધું છોડી દો. તે રક્તપિતીયાને તેની રીતે મરવા માટે છોડી દો. અમે તમારે જગ્યા માટે તમારે જે મદદ જોઇએ તે આપવા તૈયાર છીએ.
આ વાત સાંભળી દેવીદાસબાપુને ખુબ દુઃખ થાય છે તે કહે છે મારે અહિયા જગ્યામાં કોઈ ધન દોલત કે આર્થિક સંપતિની જરૂર નથી. હું પણ જાણું છું કે આ સમાજમાં આજે દંભી માણસો પુજાય છે. મારે મન તે બધું કંકણ સમાન છે.મારા ગુરુ મહારાજ લોહલંગરીજીએ મને અપરિગ્રહ વૃતીનો (કોઇ વસ્તુનો સંગ્રહ ન કરવો) આદેશ આપેલો છે, માટે હું આ માયાજાળમાં ફસાવા માંગતો નથી.ભાઈઓ મારું પહેલું કર્તવ્ય રોગીઓની, દુઃખીયાઓની સેવા કરવાનું છે. તેમને માટે ભિક્ષાટન દ્રારા ટુકડો રોટલો માંગી તેની ભુખ દુર કરવાનું છે. માટે મારે આપની કોઇ સંપતિનો ખપ નથી.
દેવીદાસબાપુ કહે છે આ જીવતા જીવનો શું વાંક ગુનો? કે આજે એમનાજ દાત અને અન્નને વેર છે. આજે એ ભુખથી તરફડીયા મારે છે છતાં કોઈ એને ટુકડો રોટલો આપવા તૈયાર નથી.જે દિકરાઓને મોટા કરવા એણે પોતાનું શરીર ભાંગી નાખ્યું કપરી મહેનત કરી. પોતાના બાળ બચ્ચાઓ માટે સુખ સગવડ ઉભી કરી આજે તેજ બાળકો તેમનો જ પરિવાર આ માનવીને મારી નાખવા માંગે છે. દેવીદાસબાપુ વાત કહેતા કહેતા, એ રક્તપિત્તીયાને સંબોધી કહે છે એ જીવ આ જીવન તે કેના માટે જીવ્યું? શું તું કમાણો? તે શું મેળવ્યું? વિચાર કરો આજ જેના માટે તમે જીવન દોહલું કર્યુ તે તમારા પરિવારજનો તમને મારી નાખવા માંગે છે.
ગામડાના લોકો દેવીદાસબાપુની વાતોથી દ્રવિ ઉઠે છે. બધા પોતાના ઘરે જવા ચાલ્યા જાય છે. દેવિદાસબાપુ રક્તપિતિયાની સેવામાં લાગી જાય છે. તેના શરીરમાંથી નિકળતા લોહી પરુ સાફ કરે છે, તેને નવરાવે છે, તેને લીમડાના પાન લગાવે છે તે રક્તપિતીયાને તો જાણે બીજો અવતાર મળ્યો હોય તેમ તેના ઘા રુઝાઇને દુઃખ ઓછું થતું જાય છે.
આજુબાજુના ગામડામાં રહેતા લોકોમાં વાત ફેલાય છે કે કોઈ દેવીદાસ નામના સાધુએ પરબના નામે જગ્યા બાંધી છે. જ્યાં રોગીઓને ભેગા કરી ગંદવાડ ઉભો કર્યો છે. લોકો કહે છે કે કોઈ એ રસ્તે જતા નહિં ત્યાં જશો તો ચેપ લાગી જશે આવી વાતો થવા લાગે છે. દેવીદાસબાપુ તો આવી કોઈ વાતમાં ધ્યાન આપતા નથી તેને મન તો આ દુઃખીયા રોગીઓની સેવા કરવી એજ યજ્ઞ છે.
થોડો સમય જતા અમુક સમજદાર માણસો બાપુની માનવ સેવાથી પ્રભાવિત થઇ પરબમાં આવવા લાગે છે. દેવીદાસબાપુને પણ આજુ બાજુના ગામમાં કોઈપણ રોગીની ભાળ મળે કે તરત જ ત્યાં જઈ તેને પોતાની સાથે લઈ આવે અને પરબમાં તેની સારવાર કરે.આ દુઃખિયાઓને રોગયાઓને જાણે કે દેવિદાસ સ્વરૂપે મા-બાપ મળી ગયા હોય તેવું લાગતું
પરબમા આવતા અભ્યાગતોની સંખ્યા દિવસે-દિવસે વધવા લાગી છે. દેવીદાસબાપુ આજુબાજુના ગામડાંઓમાં જઈ ટુકડો માંગી લાવે, બધાની સેવા કરે, બધાને નવરાવે, બધાના લોહિ પરૂ સાફ કરે, બધાને જમાડે. આમ સાક્ષાત પરમેશ્વર દતાત્રેયના અંશાવતાર દેવિદાસ બાપુએ માનવીઓની સેવાનો યજ્ઞ શરૂ કરી આ જગતના માણસોને ઉપદેશ આપ્યો કે ‘માનવ સેવામાં જ પ્રભુ સેવા છે’. દેવીદાસબાપુ પોતાની આ સેવાકીય પ્રવૃતી દ્રારા લોકોને ઉપદેશ આપતા હતા કે ‘જો એક સામાન્ય માણસ ધર્મ-કર્મ કઈ જાણતો ન હોય તો પણ પ્રભુને મેળવી શકે છે બસ માત્ર દરેક જીવમાં પ્રભુનો વાસ છે એમ સમજી દરેક જીવની સેવા કરે તેને ટુકડો આપે તોય પ્રભુ તમને મળી જશે.’
પરબની નિશ્રામાં આવતા સૌ કોઇને શાંતી અને સાંત્વના મળતી.પરબની ભુમી તો નવવધુની જેમ પ્રફુલ્લિત થવા લાગી. જગતના નાથ આજ માનવ સ્વરૂપે નિર્ગુણમાંથી સગુણ સ્વરૂપે આ ભુમીને પાવન કરવા આ ભુમી પર પધાર્યા છે તેનો આનંદ આ જગ્યામાં સવિશેષ દેખાતો હતો.
દિવસો વીતી રહ્યા હતા. ચોમાસામાં વરસાદ સમયસર પૂરતા પ્રમાણમાં થયો હેવાથી વર્ષ સારું પાડ્યું હતું. માણસો આનંદિત બન્યા હતા. નવા વર્ષનો આરંભ થઈ ગયો. અગિયારશનો દિવસ નજીક આવવા લાગ્યો ત્યારે દેવીદાસજી મહારાજ પરિકમ્મામાં જવાની તૈયારી કરવા લાગ્યા, એ નિમિત્તે ગુર-મહરાજના તથા અન્ય સંત-મહાત્માઓના દર્શનનો તેમજ સતસંગનો લાભ પણ અનાયાસે મળી જતો હતો.
આ વાતની જાણ સાદુળ ખુમાણને થવાથી તેણે પોતાને સાથે તેડી જવા માટે મહારાજને વિનંતી કરતાં, મહરાજે પિતાની રજા મેળવીને આવવાનું કહેલું, એટલે સાદુળે તેના પિતાને આડુંઅવળું સમજાવીને રજા મેળવી લીધી અને મહારાજની જોડે એક દિવસ અગાઉ પ્રયાણ કરીને જીણા બાવાની મઢીએ પહોંચી ગયા.
અનેક સંત-મહાત્માઓનો અહીં જમેલો જામ્યો હતો. ચલમ-સાફીનો દોર જામી રહ્યો હતો. દેવીદાસજી મહારાજ અને સાદુળ સર્વ સંત-મહાત્માઓને વંદન કરતા-કરતા ગુરુ મહારાજ જેરામ ભારથીના આસન સમીપ આવીને તેમને તથા ઓલિયા નૂરશાને પગે લાગીને બેસી ગયા. જેરામભારથીએ કુશળ-વર્તમાન પૂછયા અને સાદુળનો પરિચય પ્રાપ્ત કરીને આનંદ વ્યક્ત કર્યો.
રાતના થોડીક નિદ્રા કર્યા પછી પ્રાત:કાળે સર્વે સંતમહાત્માઓએ દત્તાત્રય ભગવાનના જયનાદો ગજવીને પરિકમ્માનો પ્રારંભ કર્યો અને ચાર દિવસ સુધી રેવતાચળની પરિકમ્મા કરીને પૂનમના દિવસે ભવનાથ મહાદેવના દર્શન કરીને સહુ સહુનાં સ્થાનકે જવા વિદાય થવા લાગ્યા.દેવીદાસજી મહારાજ અને સાદુળ ખુમાણ આશ્રમ તરફ ચાલી નીકળ્યા.
વાતાવરણ ખુશનુમા હતું, વૃક્ષોની લીલીછમ ઝાડીઓવાળી નાની–મોટી ટેકરીઓ આવેલી હતી. નાનાં-નાનાં ઝરણાંઓ વહી રહ્યાં હતાં, ગાયો-ભેંસોનાં ટોળાંએ ચરતાં હતાં.
મહારાજ, પરિકમ્મામાં મળેલા સંત-મહાત્માઓના પરિચયની વાતો સાદુળને કરતા જતા હતા, તો ક્યારેક કોઈ વનસ્પતિ દેખાડીને તેના ગુણદોષ પણ સમજાવતા હતા.
બપોર વખતે તેઓ સુરજકુંડના સ્થાનકે પહોચીને ત્યાં ભોજન કરીને થોડી વાર વિશ્રાંતિ લઇને પુન: પ્રવાસ આરંભ્યો અને માળના મારગે ચડીને ભેંસણાની દિશામાં આગળ વધ્યા. આશરે એકાદ કોશ ચાલ્યા હશે ત્યાં તરભેટો-ત્રિભેટો આવ્યો. અહીંથી રાણપુર અને છોડવડીનો મારગ નોખા પડતા હતા. સાદુળને ભેંસાણ પોંચાડવાનો હોવાથી મહારાજ ભેંસાણ તરફ જતા સીધા મારગે આગળ વધ્યા. પંથ ઝાઝો હોવાથી તેઓ ઝડપથી ચાલી રહ્યા હતા, ત્યાં કોઈના કણસવાનો અવાજ સાંભળીને તેઓ થંભી જઈને ડાબી દિશામાં જોઈ રહ્યા. અવાજ એ તરફથી આવી રહ્યો હતો.
દેવીદાસજી મહારાજ અવાજની દિશામાં આગળ વધીને ઝાડીની પછવાડે અદ્રશ્ય થઈ ગયા. સાદુળ ત્યાં જ ઊભા રહી ગયા.
થોડે છેટે કરમદીના સૂવા હેઠળ રકતપિત્તના ભયંકર રોગથી ગ્રસ્ત થયેલા એક વૃદ્ધા ટૂંટિયું વાળીને પડ્યા હતા. હાથ-પગનાં આંગળાંઓ રોગથી ખવાઈ ગયાં હતાં અને લોહી પરુનાં ટીપાંઓ પડી રહ્યાં હતાં. દેહ હડકાનો માળખો થઈ ગયો હતો. માથું ફાટી જાઇ એવી દુર્ગધ ફેલાઈ રહી હતી. સાવ અસહય હલતમાં અંતરિયાળ ત્યજી દેવાયેલી આ રોગીણી વૃદ્ધા મૃત્યુની વાટ જોઈ રહી હતી. તરસ લાગી હોવાથી પડખે પડેલા પાણીના ઘડાને પકડવા મથી રહી હતી. પરંતુ હાથનાં આંગળાંઓ ખવાઈ ગયેલાં હોવાથી ઘડો પકડાતો ન હતો, વધારે પ્રયત્ન કરવા જતાં ઘડો ઊંધો વળી ગયો અને પાણી ઢોળાઈ ગયું. વૃદ્ધા હતાશ બની ગઈ. મોટો નિસાસો નાખીને આંખો મીચી દીધી. મહારાજનું હૃદય આ કરુણ દેશ્ય નિહાળીને દ્રવી ઊર્યું. વૃદ્ધાની પાસે બેસી ગયા. યંત્રવત જમણો હાથ તેના મસ્તક ઉપર ફેરવવા લાગ્યા.
પોતાની પાસે કોઇ બેઠું છે, એવો આભાસ થવાથી રોગી વૃદ્ધાએ કૃશ સ્વરે ઉચ્ચાર્યું. – “પાણી.” હમણાં પાણી પીવડાવું છું માડી, જરાક ધીરજ રાખો મા.” મહરાજે પ્રેમાળ સ્વરે સાંત્વન આપ્યું.
વૃદ્ધાએ આંખો ઉઘાડીને મહરાજની સામે જોયું; મોઢામાંથી સ્વર નીકળ્યો: “પાણી”.દેવીદાસજી મહારાજ વૃદ્ધાની દયાર્દ્ર નજર જીરવી શક્યા નહિ. વિશ્વભરની અસહયતા એમાં ભરી હતી. તેઓ દ્રઢ નિશ્ચય કરી લઇને મક્કમ સ્વરે બોલી ઊઠ્યા : “મારી સાથે આવશોને માડી ? મને દીકરો માની લેજો. તમારી સેવા-ચાકરી કરીશ.” બાળકને સમજાવતા હોય એમ આશ્વાસન આપ્યું. વૃદ્ધાએ – આકાશ સામે દૃષ્ટિ કરીને મૂક સંમતિ આપી દીધી.
મહારાજે તેમની કેડ્યે વીટેલી પછેડી છોડીને ધરતી ઉપર પાથરી દીધી, પછી પોતાની લાકડીની સાથે છેડાઓથી ગાંઠો વાળીને ઝોળી બનાવી કાઢી. સાદુળ પણ ત્યાં આવી ગયો હતો અને મૂંગો ઊભો રહને મહારાજની ક્રિયાને જોઈ રહ્યો હતો. મહારાજ
છે.શું કરવા માગે છે તેનો અણસાર તેને આવી ગયો હતો.
મહારાજે એક માનવીને સૂવડાવી શકાય એવી ઝોળી કરી લીધી. ત્યાર પછી ખાખરાનાં પાન તોડી લાવીને તેમાં પાથર્યા અને વૃદ્ધાની નજીક જઈને બોલ્યા:
“બાપ સાદુળ, જરાક ટેકો દઈશ ને ? સાદુળ સાવધ થઈ ગયો. મહારાજનું આ કાર્ય ઉમદા હોવા છતાંય તેમ ગમતું ન હતું.”
શેનો ટેકો બાપુ?” તેણે પૂછ્યું.
બીજું તો શું, બાપ? ‘આ માજીને ગોઝાર ભેળાં કરવાં છે, આટલામાં બીજે ક્યાંય પાણી મળે એમ નથી!’
પણ બાપુ આનો રોગ તો જુઓ, એને અડીએ તોય ચોંટી જાય, એવો આ ભયાનક રોગ છે. મારાથી તો ટેકો નંઇ દેવાય ? સાદુળે ઇન્કાર કરી દીધો.
મહરાજને દુઃખ થયું હોય એમ કરુણાભરી નજરે તેમણે સાદુળની સામે જોયું:
‘તો તારી મરજી, ભાઈ, આ સીધે મારગે હાલતો થઈ જા ! ભેંસાણ માંડ દોઢેક ગાઉ હશે.’
‘અને તમે? સાદુળથી પુછાઈ ગયું.’
મારાથી તો હવે એકલા જવાય એમ નથી. મહારાજ બોલ્યા અને રોગીણી વૃદ્ધને ઉડળમાં તેને ઝોળીમાં સૂવડાવી દીધી. પીડા થવાથી વૃદ્ધા ઊંહકારા કરવા લાગી.
મારા નસીબ ઉપર પડી રેવા દિયોને બાપુ, શું કામ ઠાલો દેખાડો કરો છો ? પોતાના મૃત્યુને કળી ગઈ હોવાથી વૃદ્ધાએ મહારાજને રોકવાનો પ્રયત્ન કર્યો.
રામ રામ કરો માડી, તમને આમ મૂકીને મારાથી જવાય કેમ? મારેય ભગવાનને જવાબ તે દેવાનો જ છે. હવે તો જયાં તમે ત્યાં જ હું મહારાજ સહજસ્વરે બોલ્યા અને ઝોળીને ખંભે ટેકવીને ઊભા થયા. સાદુળની સામે નજર કરી, તે એમ ને એમ જડવત ઊભો-ઊભો જોઈ રહ્યો હતો.
‘આપા સાદુળ, પછી અસુરું થઈ જાશે, બાપ ! વેળાસર પંથે ચડી જા.”
સાદુળે જોયું તો મહારાજ ભેંસાણનો મારગ છોડી દઈને ઉત્તરાદિ દિશામાં રાણપુરના મારગે ઝડપથી જઈ રહ્યા હતા. આઝાર વૃદ્ધાની ઝોળીને ખભા ઉપર ટેકવીને હાથ વડે પકડી રાખી હતી; સાદુળ જોઈ જ રહ્યો. સૂર્યાસ્ત થવાને ઝાઝી વાર ન હતી, પશુ-પંખીઓ સ્વ-સ્થાને વળી રહ્યાં હતાં. સાદુળે ચાલવાનો વિચાર કર્યો.
‘ક્યા પંથે જવું છે? તેના હૃદયમાંથી ઘેરો અવાજ આવ્યો. સાદુળ ચોંકી ગયો.’
‘મારાજ જાય છે, એ પંથે ? કે સામે દેખાય છે, ઇ પંથે ? હદયનો અવાજ પુનઃ સંભળાયો. સાદુળ મૂંઝાઈ રહ્યો.’
‘કયો પંથ સાચો છે, ઇ જોઇ લે, બાપ, સાદુળ અને ઝટ કર્ય, અસુરું થઇ જાશે!’
આત્માનો અવાજ વધુ ઘેરો અને વધુ સ્પષ્ટ બન્યો હતો. સાદુળ એને અવગણી શક્યો નહિ. તેણે ઉત્તર દિશા તરફ દૃષ્ટિ કરી. મહારાજ સારી પેઠે આઘા પહોંચી ગયા હતા. મુઠ્ઠીઓ વાળીને તેણે તો દોટ મૂકી.
પાછળ દોડવાનો અવાજ સંભળાવા છતાંય મહારાજ એમ ને એમ ચાલતા જ રહ્યા. થોડીવારમાં જ સાદુળ તેમને આંબી ગયો.
લાવો બાપુ, ‘હું ટેકો આપી દઉં’.સ્વાસભર્યા સ્વરે બોલ્યો.
મહારાજે તેના સામે જોઇને પ્રસન્ન હાસ્ય કર્યું, ‘ગોઝારી વાવ નજીકમાં જ છે, તે તારે હાલ્યો આવ.’ થોડી વારમાં જ નાળવાળી એક વાવ આવી ગઇ. એનું નામ ગોઝારી વાવ હતું. આજુબાજુનો પ્રદેશ પણ ગોઝારના નામે ઓળ ખાતો હતો.
મહારાજે વૃદ્ધાને ધરવાધરવ પાણી પીવડાવ્યું, ખાખરાનાં પાન બદલાવી નાખ્યાં અને પછી ઝોળી ખભે લેવાનું કરતાં સાદુળે પાછળથી પોતાનો ખંભો ધર્યો, મહારાજે મધુરું હાસ્ય કર્યું.
“બાપ સાદુળ, મહારાજ બોલ્યા. “તને સૂગ ચડતી’તી ને ? પણ તારું અને મારું શરીર પણ ઈ જ ગંદકીથી ભર્યું છે હો, બાપ! ઈ ક્યારેય ભૂલતો નંઇ ! તેના મનરૂપી લોખંડને તપી ગયેલું જોઈને મહારાજે ઘણનો ઘા કરી લીધો.
ભાગ-૮ ક્રમશઃ પોસ્ટ…..
સંદર્ભ-ગ્રંથોઃ
અલખ જ્યોત- દેવીદાસ બાપુના વંશજો દ્રારા સંપાદન
અમર સંત દેવીદાસ-હરસુર ગઢવી
પુરાતન જ્યોત-ઝવેરચંદ મેધાણી
લેખક-પ્રકાશક:
શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો.બગસરા જીલ્લો.અમરેલી
મો.9408899968 / 9426162860
પ્રેષિત-સંકલન:
મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.9725630698
- સત દેવીદાસબાપુની જન્મભૂમી મોટા મુંજીયાસર ગામનો પરિચય
- દેવીદાસબાપુના પૂર્વજોનું વૃતાંત
- દેવંગી સત્ દેવીદાસનો જન્મ
- સત્ દેવીદાસબાપુ અને હિરબાઇમાના વિવાહ અને હિરબાઇમાની સમાધી
- સત્ દેવીદાસજીની સાધુ જીવનની દીક્ષા
- સત્ દેવીદાસે સ્થાનક ચેતવ્યુ
- સત દેવીદાસબાપુ અને સાર્દુળ ખુમાણની જુગજૂની ઓળખાણ
- સાદુળપીર પ્રત્યે સત્ દેવીદાસ બાપુનો અપાર સ્નેહ
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..