શાદુલપીરનું સમાધિ ટાણું
સધ મુનિવર મળ્યા સંત જોડી જાન,
કેસરિયો શાદલ તણો રોક્યા કી રીયે રામ !
“ભગત, ” વાણીયો આવીને કરગર્યો, “મને શેર માટી અપાવો.”
“વાણીયા, તારા પ્રારબ્ધમાં દીકરો નથી.”
વાણિયો પાછો ગયો. સાંભળ્યું કે કોટડા ગામે પરબની જગ્યાના શિષ્ય રામ વાળાના ભજન છે. વાણિયો ભજનમાં ગયો.
રામ વાળાના ઘરમાં માંગલબાઈ નામની કાઠિયાણી હતી. તે ય પણ ભક્તિમાર્ગી હતી. ભજનની ત્યાં ઝુકબોલી. ભજન ખતમ થયા. ભજનિકો વિખરાઈ ગયા. રામ વાળાની સામે વાણિયો બેસી રહ્યો.
“બેસી કાં રીયા ?”
વાણિયો રોઈ પડ્યો.
“કેમ ?” રામ વાળાએ પૂછ્યું.
“મને શાદુળ ભગતે સમરથ છતાં કહ્યું કે તારા પ્રારબ્ધમાં દીકરો નથી.”
રામ વાળાના દેહમાં ભભક આવી. એને કહી નાખ્યું : “જા, દેવીદાસ તને દીકરો દીયે છે.”
એ પછી એક મહિને શાદુળ ભગતને આ બનાવની ખબર પડી. એણે રામ વાળાને કહેરાવ્યું : “તે બહુ ખોટું કર્યું. સંત દેવીદાસને માથે બદનામું ચડાવ્યું. હવે તો કાં તારે ને કાં મારે, એને પેટ પડવું જોશે.”
“તો હવે વચને રે’જો.” રામ વાળાએ જવાબ મોકલ્યો અને પોતે પોતાની સમાધનો દિવસ નક્કી કરીને કંકોત્રી લખાવી. શાદુળ ભગતને તેડું મોકલ્યું.
“હવે ભાઈ,” શાદુળ ભગતે કહાવ્યું : “ખાડો બુરવો છે એમાં શું માણસ દોડાવછ ?”
“તો કાંઈ નહીં, ભગત !”
રામ વાળાએ શાદુળ ભગતના વિના જ ચલાવ્યું. સમાધમાં બેસવાનું પ્રભાત આવી પહોંચ્યું.
“તમને એકલા તે કેમ જવા દઈશ ?” મંગલબાઈએ પણ સાથે બેસી જવાની હઠ લીધી.
એક કુંભાર ને કુંભાર્ય : એક આયર ને આયરાણી :એ ચાર બીજા પણ સાથે જવા તૈયાર થયાં.
એક ભેરવો (કાળો) કૂતરો પણ એ છનો સાતમો સાથી થવા આવી ઉભો રહ્યો.
સર્વનું સામૈયું ચાલ્યું ત્યારે મંગલબાઈએ ભજન ઉપાડ્યું :
મારા અંતરના ઉદ્વેગ તે તો ગુરુએ ટાળ્યા,
ચરાચરમાં દેખું દેવીદાસ ભાવે ગરુને ભાળ્યા.
મારા હૈડા તણે હેતે પ્રીતમ તમને પામી;
હું તો ગૂંથાણી લૈને ગળે બથ અંતરના છો જામી.
દુબજાળાં દુરિજન લોકો તેને શું કહીયે !
ઈ તો અસજે બોલે અવગુણ તોયે ગરુને ચરણે રહીયે.
કર જોડી માંગલ કહે સાચું હું તો ભાખું;
મારા રુદિયામાં શાદલ પીર રોમે રોમે રાખું.
ગાતા ગાતા ચાલ્યા જાય છે. બાજુમાં નાનો દીકરો દોડ્યો જાય છે.
માંગલબાઈની ચૂંદડી પગમાં ઢસરડાતી આવે છે. એ ચૂંદડીના છેડા ઉપર બાલ દીકરા બાવાનો પગ પડીગયો. ચૂંદડી ખેંચાતા ગાવામાં માંગલબાઈને તેરમા ફેર પડી ગયો. એણે પાછા ફરીને જોયું.
રામભગતને શંકા આવી : “કેમ, બાવામાં જીવ ગયો ?”
“ના રે, મા’રાજ ! માંગલબાઈએ કહ્યું, “મારી ચુંદડીને માથે પગ આવ્યો.”
આટલી ઉગ્ર કસોટી પર કરીને સ્ત્રીપુરુષ સમય. નાનો બાળક એકલો બન્યો. હજી હમણાં જ જેની ચૂંદડી ખૂંદતો હતો તે મા ચાલી ગઈ.
પોતાના મર્મબોલને પરિણામે આવા કેટકેટલા કેર વર્ત્યા ! શાદુળ ભગતના અંતર ઉપર શિલાઓ ખડકાતી ગઈ.
“હવે તો નથી રોકાવું. હવે આ સ્વભાવ નહીં બદલાય. હવે જાણ જોડાવી જોશે.”
મૂંઝાતું દિલ લઇને શાદુળ ભગત દત્તાત્રેય ના ધુણા પર જઈ બેઠાં.
ગોધૂલીની એ વેળા હતી. શાદૂળે ચારેય સીમાડા ભરીને નજર નાખી. ઝીણી ઝીણી ગોરાજના ડમ્મર ચડ્યા હતાં.
ધારા આખી ચુંડાતી હતી. શાદુળને જવાબ જડ્યો.
પછી એક દિવસ પરબની સમાધ-દેરી પાસે આવો બોલાશ ઉઠ્યો : “નહીં ભાઈ, ત્યાં બાજુમાં નહીં.”
“ત્યારે ?”
“અહીં, એ ઓટાની નીચે, પગથિયાની જગ્યાએ મારી સમાધ ગાળો.”
“કેમ એવું કહો છો ?”
“મારા શરીરનું વિરામસ્થાન આંહીં જ રહેશે. ઉપરની સમાતોને જુવારવા જનારા લોકો મારા કાલેજ ઉપર ચરણ મૂકીને જ પહોંચી શકશે. હું એ સહુના કદમોમાં ચુંડાતો ચુંડાતો જ અહીં સૂતો રહેવા માંગુ છું.”
સમાધના કાંઠે ખડા રહીને શાદુળ ભગતે છેલ્લું ભજન ગાયું:
કલે કલે તારી કૂંચી
પરબુંના પીર ! કલે કલે તારી કૂંચી.
પાંચ તત્વો નો બંગલો બનાવ્યો
બારી મેલી છે ઊંચી
પરબુંના પીર, કલે કલે તારી કૂંચી.
અઢાર વારં જમે એકઠા
ત્યાં જાત વરણ નૈ નીચી
પરબુંના પીર, કલે કલે તારી કૂંચી.
સવરા મંડપમાં મારા સતગુરુ બેઠાં
ત્યાં ચાર જુગની વાત પૂછી
પરબુંના પીર, કલે કલે તારી કૂંચી.
દેવાંગી પરતાપે પીર શાદુળ બોલ્યા
જતી વૈકુંઠની વાત પૂછી
પરબુંના પીર, કલે કલે તારી કૂંચી.
ભજન પૂરું કરીને શાદુળ ભગતે પોતાનું ખોળિયું છોડી દીધું.
આજે જશા વોળદાનની અને દેવીદાસ, અમરબાઈની મળી ચાર કબરો જે દેરીમાં છે, તે ડેરીના ઉંબરા બહાર અણઘડ કાળો પથ્થર છે. એ પથ્થરની નીચે સુતેલું છે શાદુળ ખુમાનનું શબ.
શાદુળનું કલેજું ત્યાંના જાત્રાળુઓની ચરણરજને ચુમતું બેઠું છે. કેટલા ચરણોને એણે ચુમ્યા હશે આજસુધીમાં ? દોઢ સૈકો થઇ ગયો. અષાઢી બીજના અનેક મેળા ભરાણા. ભજનકીર્તનના સામૈયાનો તો પાર નહીં રહ્યો હોય. શાદુળ ભગત ને પછી તો ત્યાં અમારી માતા, અમૂલાંબાઈ, મા હીરબાઇ અને ગંગદાસજી સમાયાં. સાંઈસેલાનીશાએ,
રતનજેવી આંખડીયાં મિલી
મેં દીવડીયાં કાં બાળો !
હિન્દૂ મુસલમાન એક જ પિયાલે
નૂરિજન નજરે ભાળો !
પરબુંવાળો પીર પાદશા ,
મેં તો ધૂનધણી ધાર્યો,
ધણી, તારો પરગટ પરચો ભાળ્યો.
-એવાં અભેદભાવના ભજનો ગાતે ત્યાં શરીર સંકેલ્યું અને આરામગાહી ઢાળી. અને શાદુળના શિષ્યો કરમણપીર, દાનો બાવો વગેરે પણ ત્યાં વિરમ્યા છે. તે તમામના મૃત્યુ-ઉત્તસવો પર મનખ્યો ઉમટ્યા હશે. સર્વના કદમોને શાદુળના હૈયાએ હોઠે ચાંપ્યા છે.
મારી મરણસજાઈ આ ડેરીના પગથિયાં પર જ હોજો !
શાદુળ જીવનમાં જીત્યા તે કરતા મરણમાં વિશેષ જીત્યા.
શાદૂળો પીર કહેવા ણો.
શાદૂળો દેવીદાસનો !
સત દેવીદાસ અમર દેવીદાસ
જય પરબના પીર
લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી સંતો માંથી લેવામાં આવેલ છે.
જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો