સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -8)

ત્રણ માણસો જગ્યાનાં ઝાંપા બહાર ઝાડવાંની ઓથે આંટા મારતાં હતાં. સંધ્યાની હૃદય-પાંખડીઓ બિડાતી હતી. દિવસ જાણે કે ભમરા જેવો બની સંધ્યાની પાંદડીઓમાં કેદી બનતો હતો. આઘે આઘેથી શબ્દ સંભળાતાં હતા : ‘સત દેવીદાસ !’

જગ્યાની પરસાળ પરથી સામો શબ્દ પુકારતો હતો : ‘અમર દેવીદાસ !’

‘સત દેવીદાસ !’ અને ‘અમર દેવીદાસ !’ એ બે અવાજો જાણે જીવતા જીવ હોય તેમ પરસ્પર હોંકારા દેતા હતા. ત્રણેય લપાતાં માનવીઓના કાન ચમકી ઉઠયા. ત્રણમાંથી પડછંદ બુઢો પુરુષ હતો તેણે હળવા અવાજે જુવાન પુરુષને કહ્યું : “એ જ અવાજ.”

સ્ત્રી હતી તેણે કહ્યું : ” કશો જ ફરક નથી પડ્યો.”

બુઢ્ઢા પુરુષે પોતાનો વનવાસી જીવનનો અનુભવ આગળ ધર્યો : “સાદ જેના ન બગડેલા હોય તેનાં શીલ વાંકાચૂકાં ન હોઈ શકે, બેટા મારા !”

જુવાનના મોંમાં ઉત્તર નહોતા. એ તો પેલા બે શબ્દના હોંકાર માંથી કોઈક નિગૂઢ વાણી સાંભળતો હતો.

બુઢ્ઢા પુરુષે કહ્યું : “બેટા, આ કામ માટે મારા હાથ નહીં ઉપડે એમ લાગે છે. તારે કરવું હોય તેં તું જ કર.”

સીમાડાનો અવાજ નજીક આવતો હતો. રાત્રીના મલીરના અંધાર-છેડલા ધરતી પર લપેટાતા હતા. થોડીવારમાં તો અંધારું એટલું બધું ઘાટું બન્યું કે જાણે કોઈ કાળો વિરાટ પાડો ધરતી પર ઉભો ઉભો વાગોળતો હોય એવો આભાસ થયો.

પછી તો બે જોરાવર પગોની પગલીઓ ધમધમી. એક ધોકાના પૃથ્વી-પછડાટોમાંથી થનકાર ગુંજતા આવેછે, ઝીણા મોટા કાંકરા એ બે પગોની ઠેસે ચડી ચડી ઉડતા આવે છે. એકાએક આ ત્રણેય જણાંને ભાસ્યું કેઆવનારને કોઈક સખ્ત ઠોકર લાગી. દેહ પટકાયો. ધોકો ઊડીને જઈ પડ્યો અને પડનારના મોંમાંથી ઉદગાર ઢળ્યો: ‘ખમા વેરીઓને ! ખમા દુશ્મનોને !’

ત્રણેય માણસો અંધારે દોડ્યાં ગયાં. પાડનાર સ્ત્રી ઊઠીને ઝોળીમાંથી વેરાઈ ગયેલા ભિક્ષા ના ટુકડા વીણતી હતી. અંધારે અંધીરે એ કહેતી હતી કે ‘હાલો અન્નદેવતા ! હાલો, તમારા કોઢિયાં ખાઉં ! ખાઉં ! કરતાં હશે.’

ત્રણેય માનવીઓએ એક પુરુષ, ને જગ્યામાંથી દોડતો આવતો જોયો. હવે શી ચેસ્ટ થાય છે તેં જોવા ત્રણેય જણા ઝાડની આડે છુપાયાં.

“કોણ અમર માં, તમે છો ?” જગ્યામાંથી આવેલા પુરુષના અવાજની જુવાની હતી.

“હા શાદુળભાઈ, કેમ દોડ્યાં આવ્યા ?”

“તમારા શબ્દ અચાનક થંભી ગયાં, ને પછડાટી સંભાળની, એટલે હું દોડ્યો.”

“દેવીદાસ બાપુને પૂછ્યું’તું ?”

“ના, માં.”

“એની રજા વગર તમારાથી એકલા મારી પાસે ન અવાય, ભગત !”

“મારી ભૂલ થઇ ગઈ છે, માં !” એમ કહી શાદુળ ભગત પાછા ફરી ગયાં. અંધારે લથડતાં પગલાં ભરતી અમરબાઈ મનના કોઈ માનવીને જાણે કહેતી હતી કે, ‘શાદુળ, મારા પેટના પુત્રં, તને મેં વાતવાતમાં પાછો પાડ્યો છે, કો ચાવ્યો છે. પણ હવે કેટલાક દી ? સમાધી લેવાની વાત દેવીદાસ બાપુના દિલમાં ઊગી ચૂકી છે.

એણે ઝાંપામાં પ્રેવેશ કર્યો ત્યારે બહાર લપાયેલા ત્રણ મનુષ્યોએ અંધારામાં એકબીજાની સામે જોયું ને વાર્તાલાપ કર્યો :

“સાંભળ્યું’તું તેં તમામ ખોટું.”

“ને આની તો મારવાની તૈયારી થતી લાગે છે.”

“માં, બાપુ, મારે એનાં પગોમાં પડવું છે.”

બુઢ્ઢો બોલ્યો : “ને તો અજાયબી થઇ છે કે દેવીદાસજીને તેં દિવસે મારી મારી લોથ કર્યા પછી ગરનારમાંથી આંહીં એ આવ્યા શી રીતે ?”

“આપણે આમના બહુ નિસાપા લીધા.”

“હવે આપણે જ જઈને એનો દંડ માગી લઈએ.”

આશ્રમવાસીઓને ખવરાવી-પીવરાવી લઈને દેવીદાસજી અમરબાઈની તથા શાદુળ ભગતની સંગાથે રાતનો આરાધ કરવા બેઠા છે. જગ્યામાં રાત્રી પ્રાર્થના માટે કશી જ દેવદેરી નથી. કોઈ પ્રકારની વિધિ નથી. ફક્ત દેવીદાસજી કોઈ કોઈ વાર આરાધ બોલે છે. આજ એ કંઠમાંથી એક નવીન પ્રકારની પ્રાર્થના ઉઠતી હતી. એનાં બોલઆવા હતા :

શામળાજી ! ના અનામ તમારું.

અનામ મનુખ અવતાર અમારો.

લખ ચોરાશી મરતો ને ફરતો

જીવતો જીવતો જીવ ગણીને

બાંય ગ્રહાવી બોલાવ્યો,

બોલાવીને બોલાવ્યો :

સોંપ્યું શામળા, નામ તમારું.

લખાવ્યા લેખ,

મનખના વેખ,

સંસાર મધ્યે હતું સારું.

ચંદ પે ઊજળું

સુર પર નરમળું

અડસઠ તીરથ ઉપરાંત

કોટ જગતના જગત

વહ્યા ગયા.

તોય નામ

નત્ય નવું ને નવું

પ્રાણ પે પ્રજળું

એકાદશી પે નરમળું

રધમાં: સધમાં

નવ નધથી અકળ સ્વરૂપી

જોગ તે ભગતના હેતમાં

મકતાને મક્તુ.

આમ બોલ પછી બોલની ધારા ઢળવા લાગી. આરાધ પૂરો થયો ત્યારે જાણે કોઈક જળધોધ નીચે બેસીને સ્નાન કર્યું હોય તેવી વિશ્રાંતિની લાગણી બેઉ જુવાનોનાં દિલને લહેરાવતી હતી.

“આ આરાધ ,” સંત દેવીદાસજીએ કહ્યું, “બેટા, રાણા ભગતનો રચેલો.”

“રાનો ભગત કોણ હતા ?”

“કોળી હતા. બીજા વેલો બાવો પણ અસલી કોળી હતા, ને ત્રીજા ઇંગારશા અમરેલીના સાઈ હતા, ચોથા મારા ભાઈ મૂંજાસરવાળા માંડણ ભગત. ચારેય જણ અડસઠ તીરથ ફરીને પાલીતાણે શેત્રુંજા માથે જાત્રા જુવારવા ગયાં.”

શ્રાવકોની દેવની જાત્રા ?” શાદુલે પૂછ્યું.

“હા, ભાઈ, એ સર્વે પણ એન જ મહાપંથના માર્ગી છે ને ? જુજવું જોનારી તો આપણી આંખો છે.”

“પછી, બાપુ?” વાર્તા સાંભળનારા અધીરી થઇ રહેલ અમરબાઈએ પૂછ્યું.

“પછી તો શેત્રુંજાના દેવળોમાં ફરતા ફરતા રાત પડી ગઈ. આ ચાર જણાનું ધ્યાન ક્યાંથી રહે ? શ્રાવકોનાં તોગંજાવર દેવસ્થાનો ! ગોઠી લોકો તાળા દઈને નીચે ઊતરી ગયાં. સવારે આવીને જુએ તો અંદર ચાર અજાણ્યા જણદીઠા ને ‘ચોર ! ચોર !’ એવી બૂમો પડી. ચારેયને પકડ્યા. પકડીને મારતાં મારતાં લઇ આવ્યા. ચારેય જણ કહે કે ભાઈ, માર અમને બહુ વસમો લાગે છે. અમે કાંઈ ચોર નથી. તમારા હીરા-કંકર-પથર અમરે તો માટી બરાબર છે. તમારા દેવનું અમે કશું લીધું નથી. દેરાવાળા કહે કે સાક્ષી કોણ ? આ ચારેય જણાએ કહ્યું કે સાક્ષી ખુદ તીર્થંકરો. પછી રાણાએ આ આરાધ કહીને તીર્થંકરોને પોતાની સાક્ષીએ તેડાવ્યા હતા. તેં પછી ત્રણ જણા તો ઊતરી ગયાં; પણ ઇંગારશા તો સાંઈ ખરો ને ! એટલે કે હવે હું ન જાઉં. આંહીં બેસીશ ને પહેલી સલામ જાત્રાળુઓ પાસેથી હું માંગીશ.”

ત્રણેય મુસાફરો તેં વખતે ત્યાં રજુ થયા ને ત્રણેયે ખોળા પાથર્યા.

“તમે કોણ, બાપ ?” દેવીદાસજીએ નજર ઠેરવીને પૂછ્યું.

“મને ભૂલી ગયાં ?” કહીને બુધ્ધે દેવીદાસજીના ખોળામાં હાથ નાખ્યો. એનાં પંજાને દેવીદાસજીએ પોતાના પંજામાં લઇ લીધો.

“ઓહ ! કાંઈ જૂની ઓળખાણ તો જણાય છે.” દેવીદાસજીએ પંજાના સ્પર્શથી પરિચય ઉકેલ્યો.

“અમરબાઈના સંસારના અમે સાસરિયા છીએ. તમારે માથે અમે ન કરવાનું કર્યું છે.”

“બાપ, જૂની વાતુના ચોપડા આપણે શીદ રાખવા ?” દેવીદાસજી હસ્યાં : “આપણે થોડા વેપારી-વાણીયા છીએ ?”

બાઈ બોલી : “અમે તમારો શરાપ માંગવા આવ્યા છીએ.”

આગલા સમયમાં સોરઠવાસીઓની પરંપરા આવી હતી. અન્યાય કરીને જેને સંતાપેલ હોય તે નિર્દોષ માણસ પાસેથી અન્યાય કરનારે શાપ માંગી લેવા ને એ શાપના પરિણામો ભોગવી કાઢવાં. દુષ્ક્રુત્યોનો હિસાબ ચોખ્ખો કરી નાખવાની વાવ પ્રણાલિકા લોકસંસ્કારની મહત્તા હતી.

દેવીદાસજીએ મોં મલકાવ્યું : “માડી ! શરાપ માંગવો હોય તો અમરમા પાસે માંગો. મને નવાણીયાને વચમાં કાં કૂટો ?”

આહીરની બાઈ અમરબાઈ તરફ ફરી, વર્ષો પૂર્વે શોભાવડલાથી પોતાને સાસરે જતી હતી તે દિવસ અમરને સંભાર્યો. નીંદરભરી પોતાની આંખો આ જ સ્ત્રીના માતૃ-ખોળામાં જંપી ગઈ હતી. પછી પોતાની સામે આ જપરસાળમાં રાતી આંખો કરનાર પણ આ જ સ્ત્રી હતી. ખોળો પાથરીને અત્યારે કરગરે છે ” “માવડી, મને શરાપો.”

વૃદ્ધ સસરો પણ અમરબાઈ તરફ ફર્યો ને બોલ્યો : “મનેય શરાપો, માં !”

હું પણ શરાપ માંગુ છું” કહેતો જુવાન સન્મુખ આવ્યો. એની આંખો અમરબાઈ તરફ નહોતી. એ બીજી બાજુ જોઈ ગયો હતો.

કહેવાતું આવે છે કે અમરબાઈ અત્યંત રૂપાળા હતા. દેહ અને આત્મા, બન્નેનાં રૂપ એકમેકમાં મિલન પામીને કેવાં મનોહર બન્યા હશે ! આ જ અમરબાઈનો એક વર્ણો પતિ એ ઘડીયે ક્યાં વિચારોમાં ચડીને આંખો ફેરવી ગયો હશે ? આવું અનોધું રૂપ પોતે ન ભોગવી શક્યો એ માટે ? કે આના આત્માને પોતે પિછાની ન શક્યો એ માટે ? સાંજના અંધારા ઢળ્યા ત્યાં સુધી તો અમરબાઈને ટાંટિયો ઝાલીને મૂએલાં ઢોરની માફક ધસરાડી જવાની જ નેમ હતી. એકજ દિવસ અને રાત, છતાંય બેની વચ્ચે જાણે કે જુગપલટો થઇ ગયો. જુલમ કરવા આવનારાં શરાપ માંગવા રોકાયાં.

અમરબાઈ પણ નીચે જોઈ મીઠું મોં મલકાવતાં હતાં. એને અંતરમાં તો આટલું જ કહ્યું : “હું તો શરાપવા જેવી સમરથ નથી. મારા અંતરમાં તો એટલું જ ઉગે છે કે માનવી માનવીને સંતાપે નહિ : ને તમને સોરઠીયા આયરોને પણ પ્રભુ સદા સુખી રાખે. ”

ત્રણેય જણાએ માથા નમાવ્યા. દેવીદાસજીએ કહ્યું : “દીકરી, તેય શરાપી જાણ્યું. તું તો ખાટી ગઈ.”

એક ફક્ત શાદુળ ભગત એકલા બેઠાબેઠા ઊંચા નીચા થતા હતાં; મહેમાનોને આટલું પણ કહ્યા વગર ન રહી શક્યા કે “પણ આ બાપુએ તમારું શું બગાડ્યું હતું કે તમે એને ગિરનારમાં લઇ જઈને મરણતોલ માર માર્યા ?

“શાદુળ !” દેવીદાસજીએ એનો હાથ જાલ્યો, “તું એટલો તો વિચાર કર, કે એમણે જ મને નૂરશા-જેરામશના કાંધે ચડાવ્યો. ને વળી હું તો જીવતે જીવે એ બે જોગંદરોની કાંધે ચડી આવ્યો. અમરબાઈને પણ એનો મિલાપ થયો; આવા બડભાગી અમને બીજું કોણ કરત ?”

આહીરોની આંખો ટપકવા લાગી.

તે પછી થોડા વર્ષે દેવીદાસજીએ સ્વજનોને તેડાવ્યા. કહ્યું કે “કંકોતરીયું લખો.”

હાજર હતાં તે સમજી ગયા કે કંકોત્રી લખવાનો ભેદ શો હતો.

“ઉભા રહો, હું અમરબાઈની રજા માગી લઉં.

એને અમરબાઈને પાસે બોલાવ્યા. હાથજોડ કરીને કહ્યું : “બાપ, મને રજા છે ?” દેવીદાસના વદન ઉપરનવા જન્મનું નોતરું ઝળકતું હતું.

“હું ભેળી આવું તો ? અમરબાઈ હસ્યાં.

“બહુ વે’લું કહેવાશે, માતા !”

લાજઆબરૂ ભેર વે’લા પહોંચી જાયેં એ જ ઠીક છે.”

“તને કઈ ડર રહ્યો છે, માં ?”

“ડર તો નથી રહ્યો.”

“ત્યારે ?”

“અંજવાળી તોય રાત છું ને ?”

“ભલે ત્યારે, બેયની કંકોતરી ભેગી કઢાવીએ.”

ચોક્કસ મહિનાની મુકરર તિથિએ, ચોક્કસ ચોઘડિયે ને ચોક્કસ ઘડીયે દેવીદાસજી અને અમરબાઈ સમાધ લેવાનાં છે, માટે સહુ સંતો ઉજવણે આવજો, એવી મતલબના શુભ કાગળો ‘ગત્ય’માં દસેય દિશાએ લખી ખેપીયારવાનાં કરવામાં આવ્યા. અને જગ્યામાં જુના સંતો જસા વોળદાનની બે કબરો હતી તેની બાજુમાં જ બે ખાડાઓ ખોદાયા. એક મહોત્સવ મચી ગયો. એ મહોત્સવ મૃત્યુનો હતો. જીવનના કર્તવ્યો ઉકેલી કરી, નવી દુનિયાની કોઈ નિશ્ચિત સફરે ઉપડવાનું હોય, કોઈ મોટી યાત્રાએ પર્યટને પળવાનું હોય, તે જાતનો સમારંભ મચી ગયો. અષાઢી બીજનો ત્યાં મેળો ભરાયો. ને દેવીદાસજીએ તથા અમરબાઈએ જાતે રાંધણું કર્યું. છ હાજર માણસોને પૂરું પડી શકે તેટલું ઘઉંનું ભરકડું બાફ્યું.

ઉગમણી બાજુએ કાઠીઓનો કૂવો હતો. પરબની જગ્યામા પાણીની તંગી હતી. કાઠીઓ કુવા ઉપર કૉસચલવી લ્યે એટલે મંડાણનો તમામ સરંજામ ઉપાડીને ઘેર લઇ જાય. શાદુળ ભગતે એક આખો બાવળ કાપી નાખ્યો. તેમાંથી મંડાણનો સરંજામ બનાવ્યો. બનાવીને કુવા ઉપર માંડ્યો. જ્યાં કૉસ હાંકવાનો આદર કરે છે ત્યાં વાવડીના કાઠીઓએ આવીને મંડાણ તોડી કઢાવી નાખ્યું. શાદુળ ભગતને અણછાજતા વેણ કહ્યાં. શાદુલે શાપ આપ્યો કે ‘આકુવા ઉપર કાઠીઓ પણ મંડાણની પેઠે જ ચૂંથાશે.’

શાપની કથા સાંભળીને સંત દેવીદાસજી બહુ દુભાયા. અને જગ્યાના એ જેવાતેવા કુવા ઉપર દિવસ અને રાત પાણી ઉલેચી ઉલેચીને સંતે, અમરબાઈએ તથા શાદુલે અવેડો ભર્યો. હજારો માણસો લાપસીનું ભરકડું ખોઈવાળીને ખાતા જાય ને અવેડામાંથી ખોબા ભરીને પાણી પીએ એવી ગોઠવણ હતી. ત્યાં નાતજાતના ભેદો નહોતા, વર્ણ વર્ણની આભડછેટ નહોતી, હિન્દૂ-મુસલમાનોના ભેદ નહોતા.

સમાત લેવાનું ટાણું આવી પહોંચ્યું. ભર વસ્તિમાં એક જ પ્રાણી રોતું હતું. શાદુળ રોતો હતો. શાદુળ, શા માટે રોવછ બાપ ? શાદુળ કેમ કરીને સમજાવે !

રોઈ રોઈ કેને સંભળાવું રે

જેસલજી કે’ છે.

ઊંડા દુઃખ કેને સંભળાવું રે

જાડેજો કે’છે.

રુદિયો રુવે રે

મારો ભીતર જલે.

એનું ભીતર જલતું હતું. ન સમજી શકાય તેવી કોઈ મર્મવ્યથા એને વિંધતી હતી. એને આશંકા પડી ગઈ હતી કે અમરબાઈના અંતરમાં એક દહેશત હતી તેથી જ એ દેવીદાસજીની જોડે સમાય છે.

“શાદુળ ! વીરા !” અમરબાઈએ આવીને પંપાળ્યો : “તમને એકલા મુકવા પડે છે. એ ખાલવાયા તોય તમે સમરથ છો. ભગત, આપણે તો ત્યાં ભેળા થવાનું છે ને.

એ વખતે ભજનના સૂર ઉડતા હતાં કે –

મળજો આલેકને દરબાર

મળજો જતીસતી હો જી !

” જુઓ ભગત, સંતોના સુર સાખ પુરે છે, અમે ત્યાં તમારી વાટ જોશું. પણ ઉતાવળ કરીને આવશો મા. સંસારની તમામ વળગણ છૂટી જાય તે પછી તો તમારે ને અમારે ક્યાં છેટું છે ? બારણું ખોલશો એટલે બીજા ઓરડામાં અમે બેઠાં જ હશું, ભગત !”

સહુ સંતોને રામરામ કહીને પછી દેવીદાસજી અને અમરબાઈ પરસ્પર સંન્મુખ થયા.

અમરે કહ્યું :સત દેવીદાસ !

દેવીદાસે કહ્યું : અમર દેવીદાસ !

બન્નેએ દસેય પ્રાણદ્વાર બંધ કરી લીધા. થોડી વારે બંને શરીરો માંથી આત્મા છૂટી ગયો.

બેઉને સમાધ આપવાની તૈયારી છે તે જ ક્ષણે બે ડોસા હાજર થયા. દાંત વગરના ને જરાગ્રસ્ત એ બુઢ્ઢાબીજા કોઈ નહિ પણ ગિરનારવાસી જોગી નૂરશા અને જેરામશા હતાં.

બેઉએ સંતોના નિષ્પ્રાણ કલેવરોને સમાધીનાં ખાડામાં પધરાવ્યા ને ઉપર ધૂળ વળી દીધી.

બેઉ સમાધિસ્થાનો પર હિન્દૂ-રીતિ મુજબની સમાધ કે દેરી નહિ પણ આરામગાહ બાંધવામાં આવી, ઉપરસોડ ઢંકાવી શરુ થઇ.

શાદુળ એકલો પડ્યો, શાદુળને પોતાના જુના ભજનો સાંભરતા થયા :

ઈંદરીકા બંધાયા અબધૂત !

જોગી ન કે’ના જી !

જબ લગ મનવા ન બંધાયા મેરે લાલ !

લાલ મેં તો જોયું તખત પર જાગી. – માનo

એકલવાયો શાદુળ સમજતો હતો કે ઈન્દ્રીઓ બાંધેલી છે, પણ અંતરના તલસાટ ઓછા નથી થતા. મનને એકલતા મારી રહી છે.

રક્તપીત્તીયાના મળમૂત્ર ધોવામાં એણે મનને જોતરી દીધું. પતિયાં ચીસો પાડતાં પાડતાં કહેતાં હતાં કે “શાદુળબાપુ ! તમારો હાથ પોચો ખરો, પણ અમારામાંના હાથ જેવી સુંવાળપ તો નહીં હોં !

તરત જ અમરબાઈનો દેહ એની સામે ખડો થતો. શાદુળનું હૃદય બાળકની પેઠે ચીસો પાડતું. એ ચીસોને શબ્દોમાં ઉતારવા કદી કદી એકતારો ખોળે લેતા સંત શાદુળ ગાતા તોરલ-વિછોડ્યા જેસલનું રુદન-ગીત :

રોઈ રોઈ કેને સંભળાવું રે

જેસલજી કે’ છે.

ઊંડા દુઃખ કેને સંભળાવું રે

જાડેજો કે’છે.

રુદિયો રુવે રે

મારો ભીતર જલે.

પણ ગાવાથી વેદના વધતી. એકલા શાદુળ એકલતાની ભઠ્ઠીમાં ઓગળતા રહ્યા.

===============

સત દેવીદાસ                              અમર દેવીદાસ

જય પરબના પીર

આગળની વાત હવે પછીના ભાગમાં મુકવામાં આવશે ….

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી સંતો માંથી લેવામાં આવેલ છે.

જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– સંત દેવીદાસ – (ભાગ -1)

– સંત દેવીદાસ – (ભાગ -2)

– સંત દેવીદાસ – (ભાગ -3)

– સંત દેવીદાસ – (ભાગ -4)

– સંત દેવીદાસ – (ભાગ -5)

– સંત દેવીદાસ – (ભાગ -6)

– સંત દેવીદાસ – (ભાગ -7)

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

 

error: Content is protected !!