શાદુલ ભગતના ઢોલિયા ભાંગવાં
ભજન-કીર્તનના આવા પ્રત્યેક સમારંભની પૂર્ણાહુતિ બાદ શાદુળ આવીને અમરબાઈના ચરણોમાં પડીજતો. ‘મારી નહીં, પણ તમારી વિજયમાળ છે આ’ એમ કહીને એ પોતાના ગળામાં રોપાયેલી માળાને જોગણનાં ચરણોમાં ધરી દેતો.
અમરબાઈ ‘ખમા’ કહીને એના મસ્તક ઉપર હાથ મૂકતાં.
પોતાના હૈયામાં એ પોયાને કૃતાર્થ સમજતી થઇ. પોતે એક માનવીના સુષુપ્ત પડેલા સુંદર પ્રાણને પોતાના સ્પર્શમાત્રથી જાગ્રત કર્યો છે.પોતાની મોરલીથી પોતે વાસુકીનાં રૂપ વિલાસવ્યા છે.
પણ અમરબાઈનો સંતોષ આટલેથી જ પતિ જતો હતો. અમરબાઈના મનમાં એક જનેતાની જીવન તૃપ્તિ થતી હતી. પોતે એક સૌંદર્ય જન્માવ્યું છે, સંતાનનું ભૂખ્યું હૈયું એક માનસિક સંતાનનો પ્રસવ કરી શક્યું છે, એ હતો અમરબાઈનો આનંદ પોતાને ચરણે પડેલા શાદુળ ઉપર જયારે તે લળતી અને માથું પંપાળતી ત્યારે તેનો ગર્વ, હર્ષ,સંતોષ, તેમ જ સામ્રાજ્ઞિભાવ એક જનેતાનો હતો.
પણ શાદુળ હતો પુરુષ. પુરુષને સ્ત્રી પ્રત્યે, પોતાની સમવયની સ્ત્રી પ્રત્યે તો માવતરની માયા જાગે જ નહીં કદી ; કે ન જાગે બાળક તરીકેનું હેત.
એક વાર શાદુલે બીજો પણ ખાટલો ભજનના ઓતરમાં જોશ કરી ભાંગી નાખ્યો.
પછી તો લોકોને એક તમાશો થયો : અલ્યા ભાઈ, શાદુળ ભગત તો ખાટલા ભાંગે છે ! હાલો જોવા ! પારખાંલેવા અને રોનક કરવા માટે લોકો વારંવાર ખાટલા, ઢોલિયા લઇ આવતા થયાં. વારંવાર શાદુળની ભજનમસ્તી આ તુફાને ચડી.
અમરબાઈને આ વસ્તુ અણગમતી થઇ.
એક વાર રાતે શાદુળ ભગત એક આણાત ગ્રામ્ય સ્ત્રીનો કરિયાવરમાં મળેલો હિંગળોકિયો ઢોલિયો ભાંગીને એક ગામડેથી પાછા વળ્યાં.
અમરબાઈ ત્યારે સુઈ ગયાં હતાં.
એને જગડ્યા વિના, એના પગો પર પોતાનું કંકુડાં પૂરેલું વિજયી કપાળ અડકાવ્યા વિના શાદુળને જંપ ક્યાંથી વળે?
શાદુળ અમરબાઈના ઓરડા તરફ ચાલ્યો.
આ શી અચરજ !
અમરબાઈનો સુવાનો ઓરડો અંદરથી બંધ હતો.
કોઈ દિવસ નહીં ને આજે બાર બીડેલા શા માટે?
શાદુળ ભગત બિલ્લીપગા બની ગયાં. એના અંતરમાં ચોકિયાત ઉઠ્યો. કોની ચોકી ? ચોકી કે ચોરી ? શનિચોકી, શનિ ચોરી, શો અધિકાર ? અમરબાઈના કમાડ ઉઘાડા હોય કે બીડાયેલા, તેમાં શાદુળને શું? પણ એ ફફડાટ જલ્દી શમી ગયો.
ચંદ્રમા એ ઓરડાની પછવાડે નમ્યો હતો. છાપરાના ખપેડામાંથી ચંદ્રના ત્રાંસા કિરણો ઓરડાની અંદર ચાંદરણાંની ભાત પાડતાં હતાં. દિવા વગરના ખંડમાં ચાંદનીનું એ ચાલતું તેજ થોડોક ઉજાસ પાથરતું હતું, પણ અધૂરો, અરધો પરધો ઉજાસ તો ઘોર અંધારાથીય વધુ ભયાનક છે.
અમરબાઈના શયન-વાસમાં ચાંદરણાં પેઠા હતાં, શાદુળને કોણ જાણે શાથી આ સાદી વાત પર અણગમોથયો.
બીજી જ પળે શાદુળના મોં ઉપર એક અકળ ખુશાલીભરી ઇન્તેજારી ચમકી. રાત્રીના અંધકાર સિવાય એઇન્તેજારીને કોઈ ન ભાળી શક્યું. એ ઇન્તેજારી અંધકારની પુત્રી હતી.
શાદુળ કમળની લગોલગ જય ઉભો. પ્રથમ પહેલા એણે કાન માંડ્યા. અંદરથી કોઈકનો બોલાશ હતો. શાદુળનું હૈયું ધડાક ધડાક કરી ઉઠયું, કોઈક જાણે એના કાલેજ પર ઘણ લગાવી લગાવીને ટીપવા લાગ્યું હતું. હૈયાના ધડકારાને લીધે ઓરડીની અંદરનો બોલાશ અસ્પષ્ટ બન્યો. શાદુળને પોતાના જ અંતરાત્મા ઉપર ખીજચડી. એણે દાંત કચકચાવ્યા. થોડી વારે છાતીનો થડકાર નીચે બેઠો. અંદરના બોલાશમાં અમરબાઈનો સ્વર સ્પષ્ટ બન્યો.
કોની જોડે વાતો કરે છે ? આટલા બધા ધીરા અવાજની વાતો સાંભળનારું તો એના હૈયાની અડોઅડ જહોવું જોઈએ ને ! કોઈ પ્રલય નાં પાણી જાણે શાદુળના આતમ-નાવની અંદર દાખલ થયાં. ગૂંગળાટ શરુ થયો.
ને આ શી વાતો ? ભાંગ્યા તૂટ્યા આ શબ્દો પકડાતા નથી. ઘડીક હશે છે કેમ ? ઘડીક વળી રડે છે કેમ ? આપંપાળે છે કોને ? હુલાવે-ફુલાવે છે કોને ? પણ સામે કોઈ કા બોલતું જ નથી ? કોઈક શું રિસાઈને બેઠું છે ?અમરબાઈની જોડે રિસામણાં લેવાનો હક જગતમાં કોઈને છે ખરો શું ? એ હક મને કેમ નથી મળ્યો ?
બીજો કોઈ જાતનો સંચર ન મળે. થોડી વારે બોલચાલ થંભી ગઈ. ઊંઘતી માતાના દેહ ઉપર દોડધામ કરતાં બે બાળકો જેવાં નસકોરાં જ હવે તો બોલવા લાગ્યાં.
પ્રણયના પાણી શાદુળ કાનને ડુબાવીને પછી એની આંખો પર ચડ્યા. પોતાને તો કોઈ જોતું નથી ને, એટલી ખાતરીને સારું પોતે આજુબાજુ જોયું. દૂર એક ઘુવડ ઠૂંઠી આંબલી ઉપર બેસીને વનના હૃદયને પોતાના ઘુઘવાટથી ભેદતું હતું. ઉંદરને ખોલથી બિલાડી અંધારા ખૂણામાં આંખોના રત્નો ઝબૂકાવતી હતી. સારીયે સૃષ્ટિ પોતપોતાના કામમાં કે આરામમાં ગરકાવ હતી. જખ મારે છે આ જગત ! શાદુળ ભગતે કમાડની ચિરાડ સોંસરી નજરમાંડી, બન્યું તેટલું જોર કર્યું. ચાંદરણાનાં અજવાળામાં જોર કરી કરીને પણ માણસ કેટલુંક જોઈ શકે ? પૃથ્વી ઉપરએક પડછંદ દેહને શાદૂળે લાંબો પડેલો દીઠો. પણ દેહનો આકાર, દેહના અવયવો, દેહના ઉતારચડાવ, દેહનાવાન્કઘોંક એને ન દેખાયા.
એટલે એને કલ્પનાને કામે લગાડી, ઝાંખો દેખાતા એ ઢગલામાંથી કલ્પનાએ માનવ-કાયા કંડારી. ને પછી સ્ત્રી શરીરનું શિલ્પકામ કરવામાં એની કલ્પના તલ્લીન બની ગઈ.
બેચાર પળો તો બસ હતી. કલ્પનાએ ઝીણીમોટી તમામ નક્શી કરી નાખી. આંખોએ હવે બધું સ્પષ્ટભાળ્યું. આંખોને જે જે કઈ જોવું હતું તે બધું જ કલ્પનાએ બતાવી દીધું. પછી તો એ કલ્પનાનો સર્જેલો નારી દેહ પોતાના વસ્રોનીયે ખેવના શા માટે રાખે?
પ્રલયના નીર શાદુળના માથાની ટોચ લગી પહોંચી ગયા. ગૂંગળાટ પરિપૂર્ણ થવાને હવે કાશી જ વાર નહોતી.
એને હળવે હળવે કમાડ પર ટકોરા દીધા.
જવાબમાં નસકોરાં જ સંભળાયાં. નાનાં બાલ જાણે કહી રહ્યા હતા કે ‘માં સૂતી છે.’
એને કમાડની ચિરાડ વાટે અવાજ દીધો : “દેવી ! દેવી ! દેવી !”
કમાડ ઉપર પોતાની ભીંસ વધી રહી છે એનો ખ્યાલ શાદુળને ન આવ્યો. એકાએક કમાડ ખસ્યું. જાહલકમળના નકૂચનાં નર-માદામાંથી નર તૂટી ગયો.
‘કોણ છે !’ અમરબાઈએ જાગીને પડકાર કર્યો.
‘કોઈ નથી.”
આવો જવાબ અમુક અમુક સ્થાનોમાં અનેક માણસોના મોંએથી નીકળી પડે છે. એવા જવાબમાં ધ્વનિએવો હયો છે કે મારું પોતાનું તો અહીં આ વખતે હોવું એ સાવ સ્વાભાવિક વસ્તુ છે.
“કોણ ? શાદુળ ભગત ?”
“હા, અમરબાઈ.”
“ત્યારે કેમ કહ્યું કે કોઈ નથી ?”
“ના, એ તો હું જાગતો’તો, તમારી આશિષો લેવી હતી, એટલે આવેલો. પણ કમાડ કોણ જાણે કેમ ખડીગયું.”
“એ તો ઓરડામાં રાતવેળાની મીંદડી ચાલી આવે છે એટલે મેં બંધ કરેલું હતું. શાદુળભાઈ ! બહુ જાહલકમાડ છે એ તો હું જાણતી જ હતી. પણ કુતરા-મીંદડાને રોકવા પૂરતું કામ લાગતું.”
“અંદર કોઈ હતું, અમરબાઈ ?” શાદુલે અવાજને હળવો પાડી નાખ્યો.
જવાબ ન મળ્યો, શાદુલે ફરીથી પૂછ્યું : “અંદર કોણ હતું ?”
અમરબાઈ ચૂપ રહ્યા.
“હું પૂછું છું,” શાદુળના અવાજમાંથી શંકીલી સત્તાધીશ બરાડી ઉઠી, “કે તમે આટલી બધી છાની વાતોકોની સાથે કરતા’તા, બાઈ અમરબાઈ ?” માથા પર પડતા ચાંદરણાં આડી પોતાના હાથની છાજલી કરીને શાદુલે અમરબાઈના ચહેરા પર નજર ફેરવી. નીચા ઢળેલાં નયને સાધ્વી ઉભી હતી. એની અબોલતાએ શાદુળનો જુવાનીભર્યો રોષ જગાડી દીધો. એ ચુપકીદીએ નહેમને મજબૂત કર્યો. એ અંદર ગયો. નજર ફેરવી. ચાંપરાના ખપેડાસલામત હતા. ચારેય ભીંતોમાં ક્યાંય ઉંદર પેસી શકે તેવડુ બાકોરું નહોતું.
“આ અંતરનો ઓરડો તો હજુ અણતપાસ્યો પડ્યો છે, ભગત !”
રોષ ઉકળતો શાદુળ પોતાની લાચારીભરી દશાથી વધુ દાઝતો હતો.
“શાદુળ ભગત,” અમરબાઈએ મીઠાશથી સમજાવ્યું : “બાપા, વીરા, તમારી પથારીએ પોગી જાવ. રાત તો થોડી જ રહી છે. હરિનું નામ લઇને સુજો, હો ભાઈ ! નીકર મનની ભૂતાવળ જંપવા નહિ આપે.”
શાદુલે એક વાક્ય ગોખી રાખ્યું હતું તે કહી નાખ્યું :
“મેં તો તમને મારી દેવી ગણી સ્થાપ્યાં હતાં. હું મારા વિજયોને તમારા ચરણોમાં ધરતો તો. મને સ્ત્રીનાં ચરિત્રોની ગમ નહોતી.”
“ભગત, વીરા !” અમરબાઈએ એને વિદાયનો બોલ સંભળાવ્યો : “સંસારમાં જઈને પાછા કોક દાસી બનીરહે એવી કાઠિયાણી પરણી લ્યો, કેમ કે તમે ચા’ય તેવા તોય જમીનધણી છો.
તમને ધણીપણું કર્યા વગર જમ્પ નહિ વળે, ને અહીં ઊલટાની બેય વાતો બગડશે.”
શાદુળ ભગત ગયા, પણ પોતાની પથારી પર નહીં, સંત દેવીદાસની સુવાની જગ્યાએ. એ પથારી રોગિયાંઓના નિવાસઘારની ઓસરીમાં હતી. આ ઓસરી અમરબાઈના ઓરડાની પછીત તરફ એક ચોગાનમાં પડતી હતી.
“કેમ શાદુળ ભગત, આવ્યા ?” સંતે છેટેથી પૂછ્યું.
“જાગો છો ?”
“હા બાપ, માલધારીને ઝાઝી નીંદર ક્યાંથી હોય ? જાગવાની ટેવ પડી ગઈ છે. પણ તમે નીંદર કરતા નથીએ ઠીક ન કહેવાય.”
“મારી નીંદર એક વાતે ઉડાડી દીધી છે.”
“એનું નામ તો કાચી નીંદર. કાગાનીંદર, ભગત ! પાકી નીંદર એમ ઊડે નહીં. શી વાત છે, કહો.”
“જગ્યામાં અનર્થ થઇ રહેલ છે.”
“શેનો ?”
“કોઈક માનવી આવતું લાગે છે !”
“ક્યાં ?”
“કહેતા જીવ કપાય છે.”
“એ તો બધી દુનિયાઈ વાણી, બાપ શાદુળ ! બાકી જીભ તો કુહાડાનાય ઘા ઝીલી શકે છે.”
અમરબાઈ ની પાસે કોઈક નક્કી આવતું હોવું જોઈએ.”
“કેમ જાણ્યું ?”
“બોલાશ કાનોકાન સાંભળ્યો,”
“આજ અતયારે ને ?”
“હા.”
“મેંય સાંભળ્યો.”
શાદુળ રાજી થયો. સંતે કહ્યું : “કોણ હતું ? ઓળખી લીધું ?”
“ના, ગમે તે હો, પણ બહુ એકાંતની વાતો થાતી લાગી.”
“શાદુળ, મેં તો એ ભાઈને ઓળખી લીધા છે.”
“કોણ ? કોણ ?-” શાદુલે અધીરાઈ બતાવી.
“કહું ? ગભરાઈશ નહીં કે ?”
“નહીં ગભરાઉં.”
“ભેંસાણ ગામના ખુમાણ આપા શાદુળ ભગત પોતે જ.”
“હું ?” શાદુળ ભભૂક્યો : “હું તો તે પછી ગયેલો, હું તો ચોરને ઝાલવા ગયો’તો.”
“આપણે પારકા ચોર ઝાલવા ન જાત તો જગતમાં પોણા ભાગની ચોરી ઘટી જાત, આપા શાદુળ ! આપણે બધા જ ચોરોને ઝાલિયે છીએ, નહતી ઝાલતા ફક્ત આપણા માંયલા ચોરને જ.”
શાદુળને આ ઠપકો ન ગમ્યો. પોતાનો ઘરસંસાર ભાંગીને જગ્યામાં બેસી ગયેલ એક જુવાન બાઈ ઉપર સંત ચોકી કે ચોક્સી નથી રાખતા એવી મતલબની વાતો શાદુળ ભગત બોલી ગયા.
“હું ફરી ફરી કહું છું કે અમરબાઈના હૈયાની અડોઅડ, શાદુળભાઈ, તું જ હતો. ઓ ગંડુ કાઠી ! તે વખતે પવન મારી પધોરે હતો. મારે કાનેય બોલચાલ પડી હતી. પણ હું તો હંમેશ રાતે, આંહીં તારા આવ્યા પછી રોજ રોજરાતે, એ બોલાશ સાંભળું છું. અમરબાઈ સ્વપ્નમાં લવે છે. એની ગોદમાં કોઈક નાનું બાલ સૂતું હોય એવું એને સપનું દેખાય છે. બાળકને હેત કરતી કરતી એ સાધ્વી બોલતી હોય છે કે ‘શાદુળ, બીટા, તું બહુ પગ પછાડ માં. બહુ જબળ બતાવ માં બળને સંઘરી રાખ, બળને જાળવી રાખ, બેટા ! પારકા ઢોલિયા ભાંગીને ભગત બન માં. મારાથી જોવાતું નથી. મને બીક લાગે છે કે તું ક્યાંઈક તારાં જ હાડકાંને ભાંગી બેસીશ.”
શાદુલે પોતાના કાન પર પડેલા સૂરો યાદ કર્યા. એને એ વીતી ગયેલી સ્મૃતિ અસ્પષ્ટ આકાર ધારણ કરતીલાગી.
“બેસ, શાદુળ.” સંતે એનો હાથ ખેંચ્યો : “હું તને સમજાવું.”
બધા જેવો બનેલો શાદુળ બેઠો. ચોપાસ કંસારીના લહેકાર બંધાઈ ગયા હતાં.
“શાદુળ, અમરબાઈનું તો નારીહૃદય છે. નારીનો પરમ આનંદ, સહુથી જોરાવર ભાવ, જણવાનો છે. હું જાણતો હતો કે અમરબાઈ આશાભરી પતિઘેરે જતી’તી તેમાં વચ્ચેથી આંહીં ઊતરી પડી છે. હું ધારતો જ હતો કે અમરને ભોગવિલાસ હવે નહીં લોભાવી શકે, પણ એના જીવનમાં વહેલોમોડો એક સાદ તો પડશે. એ સાદજનેતાપણાનો. હું ઝીણી નજરે જોતો હતો કે આપણી દાડમડીને દાડમ બેઠેલા જોયા, તેદી અમરે એકાએક દાડમઉપર ચૂપ ચૂપ કઈ હાથ ફેરવ્યા’તા – કઈ હાથ ફેરવ્યા’તા ! મેં બરાબર જોયું’તું કે ગાયને વાછરું આવ્યું તેદી અમરે છાનામાના જઈને વાછરુને પોતાના હૈયા સરસું ચાંપી, પોતાને જીભે ચાટ્યું હતું ! એ બધું જ નીરખી નીરખી મને ફફડાટ પેઠો હતો કે મારે માથે શી થશે ? ત્યાં તું આવ્યો ને તે પછી અમરે તને જણ્યો – સંગીત અને કળાના તારાંપ્રેમને પ્રસરાવ્યો : પોતાના હૈયાના ગર્ભાશયમાંથી : શરીરની કૂખેથી નહીં. તને જણી કરીને અમર સંતોષી બની, પ્રફુલ્લિત બની. તે પછી જ એની કાયા કોળી ઊઠી છે, ભાઈ ! ને તને જણ્યા પછી જ જગ્યાનાં કામોમાંથી એનો જીવ ઊઠી ગયો છે.”
શાદુળ શાંત રહ્યો. થીજી ગયો. આ રબારીની નજર કેટલી ઝીણી !
“તેં એને શું પૂછ્યું ? કશું પૂછ્યું છે ?”
“હા, મારાથી ન રહેવાયું ?”
“શું પૂછ્યું ?”
“પૂછ્યું કે આંહીં ઓરડામાં કોણ હતું ?”
“એવું પૂછવાનો તને કોઈ હકદાવો હતો ખરો ?”
શાદુલે પોતાનું માથું એક હાથની હથેળીમાં ટેકવી મોં નીચું ઢાળ્યું. એણે એક છેલ્લો પ્રયત્ન કર્યો : “આ થાનક પવિત્ર રહેવું જોઈએ. જગતનો વિશ્વાસ જાય તો આપણું શું થાય ?”
સાંભળીને સંત સૌ પહેલા તો પેટ ભરીને હસ્યાં. હસતાં એણે શાદુળ ભગતની પીઠ થાબડી. થબડાટે થબડાટે હાસ્ય કરતા કરતા જ સંત બોલતા ગયા : “સાચોસાચ ? અરે રંગ શાદુળ ! તેં તો અવધિ કરી, બાપ શાદુળ !અવધિ કરી.”
પછી જરા ગંભીર બનીને ઉમેર્યું : “કોઈક વેપારી પેઢીનો તું ભારે સરસ ગુમાસ્તો બની શકત, હો શાદુળ ! તારાં કમભાગ્યે આ તો ગુરુદત્તનો ધુણો છે. લખમીની દુકાન નથી. ને ધુણામાં તો બીજું શું હોય ? રાખ. એ રાખનાં ઢગલા ઉપર બેઠેલ આ દેવલા રબારીને જગતનાં વિશ્વાસ-અવિશ્વાસરૂપી આભારણોની બહુ કોઈ કિંમત નથી, બાપ!”
થોડી વાર રહીને ફરી પાછા એ હસવા પર ચડ્યા. કહ્યું : “હેં શાદુળ ! સાચોસાચ તું આ થાનકની આબરૂની ચોકી કરવા સારું ઉજાગરા ખેંચતો’તો ? અમરબાઈના ઓરડા ભણી તું એટલા માટે જ ગયો’તો ?”
શાદુળને લાગ્યું કે જાણે પોતાની છાતી હેઠળ છુપાયેલું કોઈ લોહિયાળ ખંજર પકડાઈ ગયું હતું.
વળતા દિવસે પરબ-વાવડીની જગ્યામાં બે બનાવો બન્યા : એક તો, અમરબાઈએ રક્તપીત્તીયાના લોહીપરુ ધોવાના કામ ની દીક્ષા લીધી. બીજું, ચલાળા ગામથી દાન ભગતનું આવવું થયું.
“સંત દેવીદાસ !” દાન ભગતે હાથ જોડી ને જણાવ્યું, “હું તમારાં, અમરબાઈનાં કે પતિયાંનાં દર્શને નથી આવ્યો. હું તો આવ્યો છું આપા શાદુળ ભગતની ખ્યાતિ ઉપર મોહાઇને. મેં સાંભળ્યું કે શાદુળ ભગત તો ભજનો ગાતા ગાતા ઢોલિયા ભાંગે છે. એવા ભક્તિરસમાં ચકચૂર બનેલા પુરુષને મારે એના અસલ સ્વરૂપે નીરખવા છે.”
સંત દેવીદાસે સામ હાથ જોડી જોડીને જવાબ દીધો : “હું તો જાનવર ગણાઉં. મને રબારીને ભક્તિરસના મર્મો ક્યાંથી સમજાય ? પણ શાદુળ ભગતને મારી કોઈ વાતે ના નથી. આપ સરીખા એનું નામ સાંભળીને આવ્યા, તો ખેર ! મારી તો જગ્યા પાવન થઇ. શાદુળને દિલ ચહાય તે કરવાની રાજા છે.”
તેજ દિવસે રાતે સમૈયો રચાયો. ઝાંઝ, પખવાજ અને કરતાલ-મંજીરાની ઝુક મચી ગઈ. જોબનજૉદ્ધ શાદુળ કરતાલ વિંઝેલો ઢોલિયા પર ચડ્યો. દાન ભગતે એને રંગ દીધાં.
અમરબાઈ તે વખતે પતિયાંઓની સારવારમાં પરોવાઈ ગયાં હતાં. રોગીઓના સુતા પછી સંત દેવીદાસ અમરબાઈને રોગીઓના નાવણ-ધોવણની તેમ જ બીજી કેટલીક ઔષધિઓની, વગડાના કેટલાક ઉપચારોની સૂચનાઓ દઈ રહ્યા હતા.
“બેટા, બોન, ” એમણે છેલ્લી વાત કહી, ” કોઈ કીમિયો, કોઈ ચમત્કાર, કોઈ પણ પરચો હું જાણતો નથી. તનેય આટલું જ કહેવાનું છે કે સુગાઈશ નહીં. દેહની બહાર દેખાતા તમામ રોગો પ્રત્યેક દેહની અંદર પડેલા જ છે. માનવીને તો રૂંવે રૂંવે રોગ છે, કોઈક ને બહાર તો કોઈકને માંયલી બાજુ. સુગાઈશ નહિ. ને બીજું, રોગીના રોગ તો ઉતારી ઉતારીનેય આપણે પહેરવાના છે. પારકી બદબોઈને ખુશબો બનાવવી હશે. તો બદબોઈને આપણે આપણામાં જ સંઘરી લેવી પડશે. હવે હું જાઉં છું સમૈયામાં, બીટા ! અતિથિધર્મ તો સાચવવો રહ્યો છે ને !”
અમરબાઈ એકલા પડ્યા. નજીકથી એના કાનમાં ભજનના સ્વરો આવતા હતાં :
મારે રોમે રોમે રામબાણ વાગ્યાં;
એ જી મારે રોમે રોમે રામબાણ વાગ્યાં.
સ્વરોની સાથે જોરાવર હોંકારા ને પડકાર સાંભળતા હતાં. પખવાજ પર એવી થપાટો પડતી હતી કે હમણાંજાણે એનું કલેજું તૂટી પડશે.
શાદુળનો તમાશો ચાલી રહ્યો છે.
પણ શાદુળ કોણ ? શાદુળ મારો જાયો હતો, એ તો ગઈ રાતે મરી ગયો.
એનાં નેત્રોમાંથી છેલ્લા આંસુ પડ્યાં.
જગ્યામાં આવાવને પ્રથમ દિને પણ એણે પોતાના ઉપરના પ્રેમનું સાચું સ્વરૂપ જોયું હતું : એ સત્તાઘીશીનું સ્વરૂપ.
ગઈ રાતે પણ એણે પ્રેમનું સ્વરૂપ દીઠું. એનું જ એ સ્વરૂપ : સ્વાર્થી પ્રેમ, ને સ્વાર્પણશીલ પ્રેમ: એવા કોઈભેદ છે ખરા પ્રેમના ?
ના, ના, પ્રેમ એટલે જ લાગણીઓનો આગ્રહ : માલિકીનો આગ્રહ : વહેમનું વિષવૃક્ષ.
પ્રેમ એટલે આત્માને વળગેલો રક્તપિત્તનો રોગ.
કણીકણી કરીને ખાઈ જાય.
પાછળ રાખી જાય એ બિભીષિકા.
શાદુળ મરી ગયો.
એવા વિચારો ચલતા હતા તેં અરસામાં જ ભજન-સમારંભ વિખરાયો જણાયો. શબ્દો સંભળાયા :
‘ગજબ થયો. શાદુળ ભગત ઢોલિયો ન ભાંગી શક્યા.’
‘એનું સત ગયું.’
આપા દાનએ ચમત્કાર કર્યો.’
‘અને આપા દાનાએ વચનો પણ બરછી જેવા કહ્યાં, હોં !’
‘શું કહ્યું ?’
‘કહ્યું કે શાદુળ, જેને રોમે રોમે રામબાણ વાગ્યાં હોય તેને આવા પછાડા શા માટે ? અને ગરીબ ઘરની દીકરીયું પિયરથી એકાદ આવો ઢોલિયો લાવી હોય તેને તું રોજ ભાંગ્યા કરીશ તો કેટલા નિસાપા લાગશે તને ?”
‘સાચું ! ભગતને એવા નિસાપા જ નડ્યા લાગે છે.’
બધું સાંભળી લઈને અમરબાઈનો આત્મા ગુંજ્યો : ખોટા ખોટા, બધા જ એ તર્કો ખોટા.
શાદુળને એની સત્તાની કામનાએ જ ભુક્કો કર્યો.
===============
સત દેવીદાસ અમર દેવીદાસ
જય પરબના પીર
આગળની વાત હવે પછીના ભાગમાં મુકવામાં આવશે ….
લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી સંતો માંથી લેવામાં આવેલ છે.
જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો