જીવણભગતનું જગ્યામાં પાણી અગ્રાસ
કૂવાનું ખોદાણ ઘણે ઊંડે ગયું છે, પણ પાણીનો પત્તો નથી. ભગત પોતે અંદર ઉતરીને ખોદે છે, ‘સતદેવીદાસ ! અમર દેવીદાસ ! ના શબ્દો પુકારે છે, પણ પાણીની આવ હોંકારો દેતી નથી.
માણસો માનતા હતાં કે શાદુળ ભગતના સત પાણી કાઢશે.
ભગત જાણતા હતાં કે હજી મનના પરિભ્રમણ પુરા નથી થયા. કુદરતના કાળમીંઢ પથ્થરોને વીંધી એવી આત્મ-શક્તિની શારડી મને મળી નથી. પાતાળમાં વહેતા ઝરણાં જોડે મારા મનની ખરી મહોબ્બત ક્યાં બંધાઈ છે ? હું તો હજુ ઝૂરતો નર છું. પાણી નહીં નીકળે.
એવામાં કોઈક ખબર લાવ્યું કે ઘોઘાવદરવાળા સંત ‘દાસી જીવણ‘ પાડોશના ગામમાં પધાર્યા છે.
‘દાસી જીવણ’ તરીકે જાણીતા જીવણદાસજી જાતના ચમાર હતાં. શાદુળ ભગતને દિલમાં પ્રશ્ન થયો :એણે લઇ આવું ? એના સત અજમાવું ?
બીજા વિચાર જગ્યાના અભિમાનનો આવ્યો : મારા ગુરુથી અને અમરબાઈથી શું એક ચમાર ભક્ત ચડિયાતો ?
અને જાણે પોતાના જ તંબૂરાનો તાર બોલી ઊઠ્યો :
જબ લગ મનવા
ન ધોયા મેરે લાલ.
મનમાં સરસાઈનો મેલ ભર્યો છે : ભગત, તમે જોગી શાના ?
ગાયોના ઘણેધણ આવીને ‘પાણી ! પાણી !’ ભાંભરી ઉઠ્યા. કૂવો ઠાલોઠમ પડ્યો છે. શાદુળ ભગતનો ગર્વફરીથી ભાંગ્યો, એને ઘણાએ વાર્યો કે જગ્યાનું માતમ જાશે. છતાં એ જીવણદાસજીને તેડવા ગયા, તેડી લાવ્યા.
જીવણ તો રાધા નો અવતાર માનતા. જીવણમાં રૂપ તો અનોધાં હતાં. ફાંકડા જીવણને નીરખી શાદુળ વિસામણમાં પડી ગયો, કે આ ‘મસ્તાનો’ આદમી શું સંત ! વધુ વિમાસણ તો જીવણદાસજીની જોડે ચાર-પાંચ સ્ત્રીઓને જોવાથી થઇ. શાદુલે ભયંકર કસોટી આદરી.
જીવણદાસજીને પોતે કૂવાકાંઠે લઇ ગયા. બતાવીને કહ્યું કે “પાણી નથી.”
“બહુ વપત્ય !”
“ફરતી સીમના ધણ ધા નાખે છે.”
“કસ જોવરાવ્યો’તો ?”
“તમે જોઈ દેશો ?”
“ભલે બાપ, લ્યો, હું ઊતરીને જોઈ દઉં.”
ખાટલીમાં બેસારીને દોરડા વાટી જીવણદાસજીને ઊંડા કૂવાને તળિયે ઉતાર્યા, ને ખાટલી પછી ખેંચી લીધી.
પથ્થરોના વાળા તપાસીને પછી જીવણદાસજીએ કહ્યું : “હવે મને ઉપર સીંચી લ્યો.”
“એ તો નહીં બને. ” શાદુળ ભગતે જવાબ દીધો.
“શું નહીં બને ?”
“આ કુવામાં પાણી આવ્યા અગાઉ તમને બહાર કાઢવાનું.”
“કાં બાપ ?”
“તમે સંત છો. સતિયા છો. અમારી તરસ ટાળીને પછી નીકળો.”
“અરે ભાઈ, મારામાં એવું સત નથી. મારી આબરૂ ન લે. તુંય સત છે, આપા શાદુળ !”
“સંત છું. પણ કાઠી સંત છું.”
“મારો બત્રીસો ચડાવવો છે ?”
“તે પણ કરું.”
“ઠીક ભાઈ, તું મારી ઈજ્જત લઈને રાજી થાજે.”
“શો વિચાર છે ?”
“મારો એકતારો મોકલો.”
રસી બાંધીને એકતારો કૂવાના તળિયે ઉતારવામાં આવ્યો. દાસી જીવણે ચાર ભજનો ગયા. કહેવાય છે કેજળ આવ્યું, સંગીતના જોરે.
સંતને બહાર કાઢવામાં આવ્યા. પણ સંતનું દિલ દુભાયું હતું.
શાદુલે કહ્યું : ” આ જગ્યા ને આ કૂવો જીવશે ત્યાં સુધી આભડછેટના ભેદ વિના આંહીં પાણી પીશે.”
નહીં પીઉં એક ફક્ત હું.” કહીને જીવણદાસ ચાલી નીકળ્યા.
શાદુળભગતનો મદ ભાંગ્યો. એક ચમારને સાદે જળદેવે જવાબ દીધો. હું શું છું ?
દિવસે દિવસે એનું દિલ દ્રવતું જ ચાલ્યું, એણે ઊંચનીંચના ભેદ છોડી દીધા. એક દિવસ એણે સાંભળ્યું કે છોડવડીનો એક અંત્યજ, જે દર વર્ષે જગ્યાની ધજા બનાવવા માટે બાર હાથ પાણકોરું આપી જતો તે મરી ગયો.
શાદુળ ભગત છોડવડી ગયા. શબ પડ્યું હતું. ડાઘુઓ ભેગા થયા હતાં, પોતે જઈને એણે પોતાનો ચીપિયો અડકાડ્યો ને કહ્યું : “ભાઈ, ઓણ સાલ જગ્યામાં પાણકોરું ન આપી શક્યો તેથી શું શરમાઈ ગયો ? ઉઠ ઉઠ,પાણકોરું ન દે તો કાંઈ નહીં.”
આપણને નથી પર્વ કે એને કહ્યે મૂએલો અંત્યજ ઉઠ્યો કે ન ઉઠ્યો, પણ શાદુળ ભગતના જીવન-ભેદટળી ગયા હતાં તે તો આ વાતમાંથી નીકળે છે.
દુહા એના ગવાતા થયા :
સુરે શીશ ઉતારીયા, આવી નાખ્યા ખળે,
શાદુળ દવેંગીની ફોજમાં, ભાંગાલ નર નૈ મળે.
વળી
પરબે અમર પરસીયે, જોગેસર જપે જાપ:
ડેણ દરે ને ભૂત ભાગે, તાવમાં પડે ત્રાસ
પણ શાદુળના મનની વેદનાઓએ આ દુહાના થુંક ઓલવીના શક્યા. શું કરું તો જીવ જંપે ? આ મનના વલોપાત મને મૃત્યુ પછીય જંપવા નહીં આપે તો શું કરીશ ? મારી પ્રેતગતિ તો નહીં થાય ? શો ઈલાજ કરું ? એકસ્ત્રીના હૃદય ઉપર એકાદ ક્ષણની સત્તા ભોગવવા જતા મને કેવી સજા મળી ? શું કરું તો એ એક ઘડી ભોગવેલી મારી સત્તાના ચુરા થઇ જાય ?
ભેંસાણ, રફાળીયુ, ગળથ, બરવાળું, હડમતિયું, દેવકી ગાલોળ, ખંભાળિયું ને રાણપુર : એ ચારેય દિશાના ગામડાં, જ્યાં અમરબાઈએ રામરોટી માંગી હતી, ત્યાં હવે શાદુળ ભગતની એકલ પથી ટહેલ શરુ થઇ. શાદુળની નજરે એ સાતેય ગામોની સીમમાં અમરબાઈનું સ્વરૂપ તરવરતું હતું. માર્ગે માર્ગે જાણે ચાલી જાય છે; મૂંડિયું માથું, ઉપર ચૂંદડીનો ટુકડો, ખભે લીલો હજૂરિયો (રૂમાલ), ડોકમાં માલા, ને આખે અંગ સફેદ અંચળો.
સાંજે ઝોળી લઈને પાછા વળે ત્યારે સીમોમાં કાઠીઓની જૂની ખામ્ભીઓ ઉભેલી જુએ, જોઈ જોઈ એ પથ્થરોને પોતે કહે કે –
‘આપાઓ ! આઇ શીદ તડકે તપો છો ? મરી રે’શો મરી. હાલોને મારી ભેળા, મુંડિયાઓને છાંયો કરવા !’
એમ કહીને શાદુળ ભગત ખામ્ભીને ખંભે અથવા માથે ઉપાડી લ્યે. છેક જગ્યાના ચોગાનમાં લાવીને એને ખડકે. એમ રોજેરોજ ઉઠાવી આણેલા પાળિયાઓનું ચણતર ચણીને શાદુળ ભગતે જગ્યાની જૂની ડેલી બાંધી આશ્રિતોને છાંયો કરવા.
* * * * * * * * * * * * * * *
સત દેવીદાસ અમર દેવીદાસ
જય પરબના પીર
આગળની વાત હવે પછીના ભાગમાં મુકવામાં આવશે ….
લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી સંતો માંથી લેવામાં આવેલ છે.
જો તમે સોરઠ અને ગુજરાતના બીજા સંતો અને મહાપુરુષોનો ઇતિહાસ જાણવા અને વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો