સાદુળ ભગતના બુલંદ શબ્દોની, સૂરોની જાણે કે કસુંબલ કટોરી ભરાતી હતી, અમરબાઈ એ કેફનું પાન કરતાં હતાં. આટલી મીઠી હલક શું આના ગળામાં પડી છે? રાગ તે પ્રભુનેય પ્યારો લેખાય. મીરાંએ, નરસૈયાએ, કંઈકે પ્રભુને રાગ વાટે સાધ્યો છે. સંતે તે દિવસે દેહને શા માટે તોછડાઈથી વર્ણવ્યો ? કાયાની અંદર તો કેવી કેવી વિભૂતિ મૂકી છે કિરતારે !
સારું થયું કે સાદુળ ભગત રક્તપીતિયાંની સેવામાં ન ગયા. હું એના હૈયાના ગાનને પંપાળી બહારલાવીશ.મુક્તિપંથની સીડી એના કંઠમાંથી મંડાશે.
ધીરે ધીરે ખીંટી પર ટીંગાતો તંબૂરો નીચે ઊતર્યો. એની રજ ખંખેરાઈ, રઝળતા મંજીરા એકઠા થયા. એને દોરી બંધાઈ. એકાદ ઢોલક પણ વટેમાર્ગુઓમાંથી કઈક ભજનપ્રેમીએ આણી આપ્યું. નવાં નવાં પદોની શોધ ચાલી. રાતની વેળાએ જ નહીં, દિવસના ફાજલ પડતા ગાળામાં પણ આ ભક્તિરસના તરંગે બેઉ જણાંને આનંદસાગરની અધવચાળે ખેંચવા લાગ્યા.
આપણી જગ્યામાં આ એક ખામી હતી તે પુરાઈ ગઈ.’ અમરબાઈને અંતરે પ્રફુલ્લિત અભિમાન સ્ફુર્યું.
પંથે ચાલતા પથિકની અને માલ ચારતા માલધારીઓની પણ પછી તો ત્યાં ભીડ થવા લાગી. જગ્યાનો મહિમા પવનવેગે પ્રસરતો થયો.
કોઈ કોઈ વાર દેવીદાસજી ધીરે રહીને કહેતા, “આજ તો બાપ, ઝોળી ફેરવવા જાવાનું કાંઈક મોડું થઈ ગયું હતું ! ઠીક, કાંઈ ફિકર નહીં.”
એક વેળા રાત્રીની ભજનમંડળી જામી પડી હતી. સાંભળનારાઓ અઢળક સંખ્યામા બેઠા હતા. સાદુળ ભગતના ને અમરબાઈના કંઠમાં નાખવા માટે લોકો વગડાઉ ફૂલોના ફૂલહાર લઈ આવ્યા હતા.
ફુલહાર થકી દીપતો જુવાન જોગી ગાતો ગાતો ઊભો થઈ ગયો. તંબૂર સહિત એ નાચવા લાગ્યો. એનાં નેત્રોમાંથી આનંદસમાધિનાં ચોધારાં આંસુ ચાલ્યાં જતાં હતાં.
પછી એ બેઠો. એણે હાથમાં કરતાલો લીધી. એવી તો મસ્ત ઝૂંક બોલી, અને એ ઝૂંક એવી તો જોશીલી રીતે સાદુળ ભગતે લેવરાવી, કે “કડાક” કરતો એનો બેસવાનો ખાટલે તૂટ્યો, ખાટલાની જોરાવર ઈસના કટકા થયા.
ગામડે ગામડે ખબર પડી : સાદુળ ભગતને તો દૈવી ઓતાર આવી જાય છે !
ભક્તિરસમાં નિમગ્ન બનેલા આ બાળુડા જોગીની સામે, રાત્રીના ચંદ્રતેજમાં, અમરબાઈ નીરખી લેતાં. ઝીણા ઝીણા કંઠે એ ગાવા લાગી. ગાતાં ગાતાં એને ભાસ થયો કે સારી સૃષ્ટિ અને ગગનપડદા પર કોઈ માનવમોરલાની કળા પથરાઈ ગઈ છે. પોતે જાણે એ કળાની છાયામાં ઊભી છે. એ પિચ્છકલાપ પોતાનાં વારણાં લઈ રહેલ છે. માયા ! માયા ! આ જગ્યા, રક્તપીતિયાં, સંત દેવીદાસ, સર્વ જાણે માયાજાળ છે. સત્ય એક જ છે. આ મોરલો, ને એનો સૂર મલ્લાર.
ભજન-કીર્તનના આવા પ્રત્યેક સમારંભની પૂર્ણાહુતિ બાદ સાદુળ ભગત આવીને અમરબાઈના ચરણોમાં પડી જતા. “મારી નહીં, પણ તમારી વિજયમાળ છે આ.” એમ કહીને એ પોતાના ગળામાં રોપાયેલી માળાને જોગણનાં ચરણોમાં ધરી દેતા હતા.
અમરબાઈ ‘ખમ્મા’ કહીને એના મસ્તક ઉપર હાથ મૂકતાં.
પોતાના હૈયામાં એ પોતાને કૃતાર્થ સમજતા થયા. પોતે એક માનવીના સુષુપ્ત પડેલા સુંદર પ્રાણને પોતાના સ્પર્શમાત્રથી જાગ્રત કર્યો છે. પોતાની મોરલીથી પોતે વાસુકિનાં રૂપ વિલસાવ્યાં છે.
પણ અમરબાઈનો સંતોષ આટલેથી જ પતી જતો હતો. અમરબાઈના મનમાં એક જનેતાની જીવનતૃપ્તિ થતી હતી. પોતે એક સૌન્દર્ય જન્માવ્યું છે, સંતાનનું ભૂખ્યું હૈયું એક માનસિક સંતાનનો પ્રસવ કરી શક્યું છે, એ હતો અમરબાઈનો આનંદ પોતાને ચરણે પડેલા સાદુળભગત ઉપર જ્યારે તે લળતા અને માથું પંપાળતા ત્યારે તેને ગર્વ, હર્ષ, સંતોષ, તેમ જ સમ્રાજ્ઞીભાવ એક જનેતાનો હતો.
એક વાર સાદુળ ભગતે બીજો પણ ખાટલો ભજનના ઓતારમાં જોશ કરી ભાંગી નાખ્યો. પછી તો લોકોને એક તમાશો થયો અરે ભાઈ, સાદુળ ભગત તો ખાટલા ભાંગે છે ! હાલો, હાલો જોવા ! પારખાં લેવા અને રોનક કરવા માટે લોકો વારંવાર ખાટલા, ઢોલિયા લઈ આવતાં થયા. વારંવાર સાદુળની ભજનમસ્તી આ તૂફાને ચડી. અમરબાઈને આ વસ્તુ અણગમતી થઈ.
એક વાર રાતે સાદુળ ભગત એક આણાત ગ્રામ્ય સ્ત્રીનો કરિયાવરમાં મળેલ હીંગળોકિયો ઢોલિયો ભાંગીને એક ગામડેથી પાછા વળ્યા. અમરબાઈ ત્યારે સૂઈ ગયાં હતાં.
એને જગાડ્યા વિના, એના પગ પર પોતાનું કંકુડાં પૂરેલું વિજયી કપાળ અડકાડડ્યા વિના શાદુળને જંપ ક્યાંથી વળે ?સાદુળ ભગત અમરબાઈના ઓરડા તરફ ચાલ્યા. એમની અચરજ નો પાર ન રહ્યો!
અમરબાઈને સૂવાનો ઓરડો અંદરથી બંધ હતો. કોઈ દિવસ નહીં અને આજે બારણા અંદરથી બીડેલાં શા માટે ?
સાદુળ ભગત બિલ્લીપગા બની ગયા. એના અંતરમાં ચોકિયાત ઊઠ્યો. કોની ચોકી? ચોકી કે ચોરી? શાની ચોકી, શાની ચોરી, શો અધિકાર ? અમરબાઈનાં કમાડ ઉઘાડાં હોય કે બિડાયલાં, તેમાં શાદુળને શું ? પણ એ ફફડાટ જલદી શમી ગયો.
સાદુળભગત કમાડની લગોલગ જઈ ઊભા. પ્રથમ પહેલાં એણે કાન માંડ્યા. અંદર કોઈકનો બોલાશ હતો. શાદુળનું હૈયું ધડાક ધડાક કરી ઊઠ્યું, કોઈક જાણે એના કલેજા પર ઘણ લગાવી લગાવીને ટીપવા લાગ્યું હતું. હૈયાના ધડકારાને લીધે ઓરડીની અંદરનો બોલાશ અસ્પષ્ટ બન્યો. શાદુળને પોતાના જ અંતરાત્મા ઉપર ખીજ ચડી. એણે દાંત કચકચાવ્યા. થોડી વારે છાતીનો થડકાર નીચે બેઠો. અંદરના બોલાશમાં અમરબાઈનો સ્વર સ્પષ્ટ બન્યા.
કોની જોડે વાતો કરે છે? આટલા બધા ધીરા અવાજની વાતો સાંભળનારું મનુષ્ય તો એના હૈયાની અડોઅડ જ હોવું જોઈએ ને ! કોઈ પ્રલયનાં પાણી જાણે સાદુળના આતમ-નાવની અંદર દાખલ થયાં. ગૂંગળાટ શરૂ થયો.
ને આ શી વાતો? ભાંગ્યાતૂટ્યા આ શબ્દો પકડાતા નથી. ઘડીક હસે છે કેમ ? ઘડીક વળી રડે છે કેમ? આ પંપાળે છે કોને ? હુલાવે-ફુલાવે છે કોને? પણ સામે કોઈ કાં બોલતું જ નથી ? કોઈક શું રિસાઈને બેઠું છે? અમરબાઈની જોડે રિસામણાં લેવાનો હક જગતમાં કોઈ ને છે ખરો. શું?
બીજો કોઈ જાતનો સંચાર ન મળે. થોડી વારે બોલચાલ થંભી ગઈ. ઊંઘતી માતાના દેહ ઉપર દોડધામ કરતાં બે બાળકો જેવાં નસકેરાં જ હવે તો બોલવા લાગ્યાં.
એણે હળવે હળવે કમાડ પર ટકોરા દીધા.જવાબમાં નસકોરાં જ સંભળાયાં. નાનાં બાળ જાણે કહી રહ્યાં હતાં કે, ‘મા સૂતી છે.’
એણે કમાડની ચિરાડ વાટે અવાજ દીધોઃ “દેવી ! દેવી ! દેવી !”
કમાડ ઉપર પોતાના શરીરની ભીંસ વધી રહી છે એનો ખ્યાલ સાદુળભગતને ન આવ્યો. એકાએક કમાડ ખસ્યું. જાહલ કમાડના નકૂચાના નરમાદામાંથી નર તૂટી ગયો.
“કોણ છે !” અમરબાઈએ જાગીને પડકાર કર્યો.
“કોઈ નથી.”
“કોણ? સાદુળ ભગત ?”
“હા અમરબાઈ.”
“ત્યારે કેમ કહ્યું કે કોઈ નથી ?”
“ના, એ તો હું જાગતો’તો, તમારી આશિષો લેવી હતી, એટલે આવેલો. પણ કમાડ કોણ જાણે કેમ ખડી ગયું.”
“એ તો ઓરડામાં રાતવેળાની મીંદડી ચાલી આવે છે એટલે મેં બંધ કરેલું હતું. સાદુળભાઈ મારા વીરા! બહુ જાહલ કમાડ છે એ તે હું જાણતી જ હતી. પણ કૂતરાં-મીંદડાંને રોકવા પૂરતું કામ લાગતું.”
“અંદર કોઈ હતું અમરબાઈ?” સાદુળ ભગતે અવાજને હળવો પાડી નાખ્યો.
જવાબ ન મળ્યો. સાદુળ ભગતે ફરીથી પૂછ્યું :
“અંદર કોણ હતું ?”
અમરબાઈ ચૂપ જ ઊભાં રહ્યાં.
“હું પૂછું છું,” સાદુળના અવાજમાંથી શકીલી સત્તાધીશી બરાડી ઊઠી, “કે તમે આટલી બધી છાની વાત કોની સાથે કરતાં’તાં બાઈ અમરબાઈ ?”
માથા પર પડતાં ચાંદરણાં આડી પોતાના હાથની છાજલી કરીને સાદુળભગત અમરબાઈના ચહેરા પર નજર ફેરવી. નીચાં ઢળેલાં નયને સાધ્વી ઊભી હતી. એની અબોલતાએ સાદુળભગતનો જુવાનીભર્યો રોષ જગાડી દીધો. એ ચુપકીદીએ વહેમને મજબૂત કર્યો. એ અંદર ગયા. નજર ફેરવી. છાપરાના ખપેડા સલામત હતા. ચારે ભીંતમાં ક્યાંય ઉંદર પણ પેસી શકે તેવડું બાકોરું નહોતું.
“આ અંતરનો ઓરડો તો હજુ અણતપાસ્યો પડ્યો છે, ભગત !”
રોષે ઊકળતા સાદુળભગત પોતાની લાચારીભરી દશાથી વધુ દાઝતા હતા
“સાદુળ ભગત,” અમરબાઈએ મીઠાશથી સમજાવ્યું : “બાપા, વીરા, તમારી પથારીએ પોગી જાવ. રાત તો થોડી જ રહી છે. હરિનું નામ લઈને સૂજો હો ભાઈ ! નીકર મનની ભૂતાવળ જંપવા નહીં આપે.”
સાદુળભગતે એક વાક્ય ગોખી રાખ્યું હતું તે કહી નાખ્યું :
“મેં તો તમને મારી દેવી ગણી સ્થાપ્યાં હતાં. હું મારા વિજયોને તમારાં ચરણોમાં ધરતો હતો. મને સ્ત્રીનાં ચરિત્રોની ગમ નહોતી.”
“ભગત, વીરા !” અમરબાઈ એ એને વિદાયનો બોલ સંભળાવ્યો : “સંસારમાં જઈ ને પાછા કોક દાસી બની રહે એવી કાઠિયાણી પરણી લ્યો, કેમ કે તમે ગમે તેવા તોય જમીન ધણી છો. તમને ધણીપતું કર્યા વગર જંપ નહીં વળે, ને અહીં ઊલટાની બેય વાતો બગડશે.”
સાદુળ ભગત ગયા, પણ પોતાની પથારી પર નહીં, સંત દેવીદાસની સૂવાની જગ્યાએ. એ પથારી રોગિયાઓના નિવાસઘરની ઓસરીમાં હતી. આ ઓસરી અમરબાઈના ઓરડાની પછીત તરફ એક ચોગાનમાં પડતી હતી.
“કેમ સાદુળ ભગત, આવ્યા ?” સંતે છેટેથી પૂછ્યું.
“જાગો છો?”
“હા બાપ, માલધારીને ઝાઝી નીંદર ક્યાંથી હોય ? જાગવાની ટેવ જ પડી ગઈ છે. પણ તમે નીંદર કરતા નથી એ ઠીક ન કહેવાય.મારી નીંદર એક વાતે ઉડાડી દીધી છે.”
“એનું નામ તે કાચી નીંદર. કાગાનીંદર, ભગત ! પાકી નીંદર એમ ઊડે નહીં. શી વાત છે, કહો.”
“સાદુળભગત શંકાના ભાવ સાથે બોલ્યા કે “જગ્યામાં અનર્થ થઇ રહયો છે કારણ અમરબાઇ પાસે કોઇ માનવી આવતુ હોય એવુ મને લાગે છે કેમકે એના ઓરડાની અંદરથી બોલાશ કાનોકાન મે સાંભળ્યો છે આવુ બધુ કેતા મારી જીભ કપાઇ છે!”
દેવીદાસ બાપુ મંદ હાસ્ય સાથે બોલ્યા કે ભગત “એ તે બધી દુનિયાઈ વાણી, બાપ સાદુળ ! બાકી જીભ તો કુહાડાનાય ઘા ઝીલી શકે છે.અપધડી મે પણ બોલાશ કાનો કાન સાંભળ્યો આ વાતથી સાદુળભગત રાજી થયને કહ્યુ કે ગમે તે હો, પણ બહુ એકાન્તની વાતો થાતી લાગી.બેટા સાદુળ તે કોણ હતુ? અને હું ઓળખુ છુ.
“કોણ? કોણ? —” સાદુળભગતે અધીરાઈ બતાવી.
“કહું ? ગભરાઈશ નહીં ને ?”
“નહીં ગભરાઉં.”
ભેંસાણ ગામના ખુમાણ આપા શાદુળ ભગત પોતે જ.”
“હું ?” સાદુળ ભભૂક્યોઃ “હું તો તે પછી ગયેલો, હું તો ચોરને પક્ડવા ગયો’તો.”
“આપણે પારકા ચોર ઝાલવા ન જાત તો જગતમાં પોણા ભાગની ચોરી ઘટી જાત, આપા શાદુળ ! આપણે બધા જ ચોરોને ઝાલીએ છીએ, નથી ઝાલતા ફક્ત આપણા માંયલા ચોરને જ.”
સાદુળને આ ઠપકો ન ગમ્યો. પોતાનો ઘરસંસાર ભાંગીને જગ્યામાં બેસી ગયેલ એક જુવાન બાઈ ઉપર સંત ચોકી કે ચોકસી નથી રાખતા એવી મતલબની ઘણી ઘણી વાતો સાદુળ ભગત બોલી ગયા.
“હું ફરી ફરી કહું છું કે અમરબાઈના હૈયાની અડોઅડ સાદુળભાઈ તું જ હતો. ઓ કાઠી રાજકુંવર ! તે વખતે પવન મારી પધોરે હતો. મારે કાનેય બોલચાલ પડી હતી. પણ હું તો હંમેશ રાતે, અહીં તારા આવ્યા પછી રોજ રોજ રાતે, એ બોલાશ સાંભળું છું. અમરબાઈ સ્વપ્નામાં લેવે છે. એની ગોદમાં કોઈક નાનું બાળ સૂતું હોય એવું એને સપનું દેખાય છે. બાળકને હેત કરતી કરતી એ સાધ્વી બોલતી હોય છે કે, સાદુળ, બેટા, તું બહુ પગ પછાડ મા. બહુ જ બળ બતાવ મા. બળને સંઘરી રાખ, બળને જાળવી રાખ બેટા ! પારકા ઢોલિયા ભાંગીને ભગત બન મા !. મારાથી નથી જોવાતું. મને બીક લાગે છે કે તું ક્યાંઈક તારાં જ હાડકાંને ભાંગી બેસીશ.”
સાદુળભગતને પોતાના કાન પર પડેલા સૂરો યાદ કર્યા. એને એ વીતી ગયેલી સ્મૃતિ અસ્પષ્ટ આકાર ધારણ કરતી લાગી.
“બેસ બેટા સાદુળ.” સંતે એનો હાથ ખેંચ્યો : “હું તને સમજાવું.”
“સાદુળ, અમરબાઈનું તો નારીહૃદય છે. નારીનો પરમ આનંદ, સહુથી જોરાવર ભાવ, જણવાનો (માતૃત્વનો)છે. હું જાણતો હતો કે અમરબાઈ આશાભરી પતિઘેરે જતી’તી તેમાં વચ્ચેથી અહીં ઊતરી પડી છે. હું ધારતો જ હતો કે અમરને ભોગવિલાસ હવે નહીં જ લોભાવી શકે, પણ એના જીવનમાં વહેલોમોડો એક સાદ તો પડશે જ પડશે. એ સાદ જનેતાપણાનો. હું ઝીણી નજરે જોતો હતો કે આપણી દાડમડીને દાડમ બેઠેલાં જોયાં, તે દી અમરે એકાએક દાડમ ઉપર છૂપાછૂપા કાંઈ હાથ ફેરવ્યા’તા – કાંઈ હાથ ફેરવ્યા’તા ! મેં બરાબર જોયું’તું કે ગાયને વાછરું આવ્યું તે દી અમરે છાનામાના જઈ ને વાછરુને પોતાના હૈયા સરસું ચાંપી, પોતાની જીભે ચાહ્યું હતું! એ બધું જ નીરખી નીરખી મને મનમાં ફફડાટ પેઠો હતો કે મારે માથે શી થશે? ત્યાં તું આવ્યો ને તે પછી અમરે તને જણ્યો – સંગીત અને કળાના તારા પ્રેમને પ્રસવ્યો : પોતાના હૈયાના ગર્ભાશયમાંથી : શરીરની કુખેથી નહીં. તને જણી કરીને અમર સંતોષી બની, પ્રફુલ્લિત બની. તે પછી જ એની કાયા કોળી ઊઠી છે ભાઈ! ને તને જાણ્યા પછી જ જગ્યાનાં કામમાંથી એનો જીવ ઊઠી ગયો છે.”
સાદુળભગત શાંત રહ્યા. થીજી ગયા. આ રબારીની નજર કેટલી ઝીણી !
“તેં એને શું પૂછ્યું? કશું પૂછ્યું છે ?”
“હા, મારાથી ન રહેવાયું.”
“શું પૂછ્યું?”
“પૂછયું કે અહીં એરડામાં કોણ હતું ?”
“તને એવું પૂછવાને કોઈ હકદાવો હતો ખરો ?”
સાદુળે પોતાનું માથું એક હાથની હથેળીમાં ટેકવી મોં નીચું ઢાળ્યું. એણે એક છેલ્લો પ્રયત્ન કર્યોઃ “આ થાનક પવિત્ર રહેવું જોઈએ. જગતનો વિશ્વાસ જાય તો આપણું શું થાય ?”
સાંભળીને સંત સૌ પહેલાં તો પેટ ભરીને હસ્યા. હસતાં એણે સાદુળ ભગતની પીઠ થાબડી. થબડાટે થબડાટે હાસ્ય કરતા કરતા જ સંત બોલતા ગયા : “સાચેસાચ? અરે રંગ સાદુળ ! તેં તો અવધિ કરી બાપ સાદુળ ! અવધિ કરી.”
પછી જરા ગંભીર બનીને ઉમેર્યું : “કોઈક વેપારી પેઢીનો તું ભારે સરસ ગુમાસ્તો બની શકત, હો શાદુળ ! તારાં કમભાગ્યે આ તો ગુરુદત્તનો ધૂણો છે. લખમીની દુકાન નથી. ને ધૂણામાં તો બીજું શું હોય? રાખ. એ રાખના ઢગલા ઉપર બેઠેલ આ દેવલા રબારીને જગતનાં વિશ્વાસ-અવિશ્વાસરૂપી આભરણાની બહુ કોઈ કિંમત નથી, બાપ !”
થોડી વાર રહીને ફરી પાછા એ હસવા પર ચડ્યા. કહ્યું :
“હેં સાદુળ ! સાચેસાચ તું આ થાનકની આબરૂની ચોકી કરવા સારુ ઉજાગરા ખેંચતો’તો? અમરબાઈના ઓરડા ભણી તું એટલા માટે જ ગયો’તો ?”
સાદુળભગતને લાગ્યું કે જાણે પોતાની છાતી હેઠળ છુપાવેલું કોઈ લોહિયાળું ખંજર પકડાઈ ગયું હતું.
વળતા દિવસે પરબ-વાવડીની જગ્યામાં બે બનાવો બન્યા : એક તો અમરબાઈ એ રકતપીતિયાંનાં લોહીપરુ ધોવાના કામની દીક્ષા લીધી.બીજું, ચલાળા ગામથી દાના ભગતનું આવવું થયું.
ભાગ-૨૦…ક્રમશઃ પોસ્ટ..
સંદર્ભ-ગ્રંથોઃ
૧) પૂરાતન જ્યોત – ઝવેરચંદ મેધાણી
૨)અલખ જ્યોત- દેવીદાસ બાપુના વંશજો દ્રારા સંપાદીત
લેખક-પ્રકાશક:
શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો.બગસરા જીલ્લો.અમરેલી, મો.9408899968 / 9426162860
સાભાર: કાઠી સંસ્કૃતીદિપ સંસ્થાન
પ્રેષિત-સંકલન:
મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.9725630698
- અન્નપુર્ણા અમરમાનું પરબધામમાં આગમન
- અમરમા નો પરબમાં પ્રથમ દિવસનો અનુભવ અને દેવીદાસબાપુએ આપેલ પ્રબોધ
- દેવીદાસબાપુ દ્રારા અન્નપુર્ણા અમરમાને પ્રથમ ટુકડો (ભિક્ષા) લેવા મુંજીયાસર માંડણપીર પાસે મોકલવા અને માતૃશ્રી હિરબાઇમાએ ચેતન સમાધિમાથી હાથ બહાર કાઢી અમર ચુંદડી આશિર્વાદ સ્વરુપે અમરમા ને આપી.
- બગસરા ગામમાં ઝોળી ફેરવતા શ્રી અમરબાઇ માતાજીના સતના પારખા લીધા
- દેવીદાસબાપુની આજ્ઞાથી અમરબાઇ માતાજીએ બગસરા ગામમાં ઝોળી ફેરવવાનું બંધ કર્યુ
- શ્રી અમરબાઇ માતાજી ને સંત જયરામભારથી અને સાંઇ નૂરશાહ ના પ્રથમ વખત દર્શન તથા શ્રી દેવીદાસબાપુએ કરુણા અને દયા બતાવી ગુનેગારને ક્ષમા આપી તથા શ્રી સાદુળપીરનું હમેશા માટે પરબમાં આગમન
- રકતપીત જેવા ભયંકર ચેપી રોગની સારવાર કરવાની તત્પરતા બતાવતા અમરબાઇ અને સાદુળપીરને દેવીદાસબાપુ પોતાનુ બુકાની વગરનું મોં બતાવી ચેપની બીક રાખ્યા વગર રકતપીતોની સેવા કરવાનો ઉપદેશ આપ્યો.
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો તમારી પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..