નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ:- શૈલપુત્રી

વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધકૃત શેખરામ્।
વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।

માં દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં “શૈલપુત્રી” નામે ઓળખાય છે. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે જન્મ લેવાના કારણે તેમનું નામ “શૈલપુત્રી” પડ્યું હતું. વૃષભ પર બિરાજિત આ માતાજીના જમણા હાથ માં ત્રિશુલ અને ડાબા હાથ માં કમળનું પુષ્પ શોભાયમાન છે, આ જ નવદુર્ગાઓમાં પ્રથમ નવદુર્ગા છે.

પોતાના પુર્વ જન્મમાં તે પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપે અવતર્યા હતા. ત્યારે તેમનુ નામ ‘સતી’ હતું. તેમના વિવાહ ભગવાન શંકરજી સાથે થયો હતો. એક વખત પ્રજાપતિ દક્ષે એક બહુ મોટો યજ્ઞ કર્યો. તેમા તેમણે બધા દેવતાઓને પોતપોતાનો યજ્ઞ ભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રિત કર્યા. પરંતુ તેમણે શંકરજી ને આ યજ્ઞમાં નિમંત્રિત ન કર્યા. સતિએ જ્યારે સાંભળ્યું કે મારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે, ત્યારે ત્યાં જવા માટે તેમનુ મન વ્યાકુળ થઈ ઊઠ્યું. તેમણે પોતાની આ ઈચ્છા શંકરજીને જણાવી. સઘળી વાતોનો વિચાર કર્યાં બાદ શિવજી એ તેમને કહ્યું, ‘પ્રજાપતિ દક્ષ કોઈ કારણવશ આપણા પર રુષ્ઠ છે. પોતાના યજ્ઞમાં તેમણે બધા દેવતાઓને આમંત્રિત કર્યા છે. તેમના યજ્ઞભાગ પણ તેમને સમર્પિત કર્યા છે, પણ આપણને જાણી જોઈને બોલાવ્યા નથી. કોઈ સુચના પણ મોકલાવી નથી. આવી પરિસ્થિતિમાં તમારુ ત્યાં જવું કોઈ પણ રીતે શ્રેયસ્કર નહીં ગણાય.’ શિવાજીના આ ઉપદેશથી સતીને કોઈ પ્રબોધ ન થયો. પિતાનો યજ્ઞ જોવા, ત્યાં જઈને માતા અને બહેનોને મળવાની તેમની વ્યાકુળતા કોઈ પણ રીતે ઓછી થઈ નહિ. તેમનો પ્રબળ આગ્રહ જોઈ ભગવાન શિવજીએ તેમને ત્યાં જવાની રજા આપી દીધી.

પિતાના ઘેર પહોંચીને સતીએ જોયુંકે કોઈ પણ તેમની સાથે આદર અને પ્રેમ થી વાતચીત નથી કરી રહ્યું. બધા લોકોના મોં ચઢેલા છે, કેવળ તેમની માતાએ સ્નેહથી તેમને હૃદય સરસા ચાંપ્યા. બહેનોની વાતોમાં વ્યંગ અને ઉપહાસના ભાવ ભરેલા હતા. પરિજનોના આ વ્યવહારથી તેમના મનમાં ઘણો ક્લેશ અને દુઃખ પહોંચ્યુ. તેમને એ પણ જોયુંકે ત્યાં ચતુર્દીક ભગવાન સદાશિવ પ્રત્યે તિરસ્કારનો ભાવ ભરેલો છે. દક્ષે તેમના પ્રત્યે કંઈક અપમાનજનક વચનો પણ કહ્યા. આ બધું જોઈને સતીનું હૃદય ક્ષોભ, ગ્લાનિ અને ક્રોધથી તપી ઉઠ્યું. તેમણે વિચાર્યું, ભગવાન શંકરજીની વાત ન માનીને મેં અહીં આવીને બહુ મોટી ભૂલ કરી છે.

Shailputri

તેઓ પોતાના પતિ ભગવાન શંકરના અપમાનને સહી ન શક્યાં. યોગાગ્નિ દ્વારા પોતાના તે રૂપને તેમણે તત્કાળ બાળીને ભસ્મ કરી નાખ્યું. વજ્રપાત જેવી આ દારુણ-દુઃખદ બીના સાંભળી શંકરજીએ ક્રોધિત થઇ પોતાની જટાની લટ માંથી ગણ વિરભદ્રને મોકલી દક્ષના તે યજ્ઞનો સંપૂર્ણ વિધ્વંસ કરાવી નાખ્યો.

સતિયે યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને બાળીને શૈલરાજ હિમાલયની પુત્રીરૂપે નવો જન્મ લીધો. તેઓ હવે ‘શૈલપુત્રી’ નામે સુખ્યાત થયા. પાર્વતી, હેમવતી પણ તેઓના જ નામ છે. ઉપનિષદની એક કથા અનુસાર તેમને હૈમવતી સ્વરૂપે દેવતાઓનો ગર્વ ખંડિત કર્યો હતો.

‘શૈલપુત્રી’ દેવીનો વિવાહ પણ સદાશિવજી સાથે જ થયો. પૂર્વજન્મ ની જેમ આ જન્મમાં પણ તેઓ શિવજીના અર્ધાંગના બન્યા. નવદુર્ગાઓમાં પ્રથમ શૈલપુત્રી દુર્ગાનું મહત્વ અને શક્તિઓ અનંત છે. નવરાત્રી પૂજનમાં પ્રથમ દિવસે તેમની જ પૂજા અને ઉપાસના કરવામાં આવે છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ પોતાના મનને ‘મૂળાધાર’ ચક્રમાં સ્થિત કરે છે, અહીથી જ એમની યોગસાધનાનો પ્રારંભ થાય છે.

યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૂપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।
બીજ મંત્રઃ હ્રીં શિવાયૈ નમઃ

? પ્રેષિત-સંક્લન:
મયુર.સિધ્ધપુરા-જામનગર

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી રવેચી માતાજી રાપર- કચ્છ

– શ્રી હિંગળાજ માતાજી મંદિર – વેરાડ

– શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા

– સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ

– આઈ શ્રી જીવણી (સિંહમોય) માતાજી

– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ

– શ્રી કનકાઇ માતાજી મંદિર – ગીર

– શ્રી બુટભવાની માતાજી- અરણેજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!