શ્રી બુટભવાની માતાજી- અરણેજ

શ્રી બુટભવાની માતાજીનું મંદિર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામે આવેલ છે. ધોળકાથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલ આ મંદિર ઐતિહાસિક, રમણીય અને પ્રાચીન છે. બુટભવાની માતાજીના ઈતિહાસ વિશે એમ કહેવાય છે કે બુટભવાની માતાજી ચારણ કુળમાં પ્રગટ થયેલાં. સૌરાષ્ટ્રમાં ગીર પંથકના નેસડામાં બાપલ દેથા ચારણ કુટુંબના હતા અને હિંગળાજ માતાજીના પરમ ભક્ત હતા. બાપલ દેથા ચારણ અને આઈશ્રી દેવળબાને સાત દીકરીઓ અવતરેલ જેમના નામ બુટભવાની, બલાડ, બેચરા, ખેતું, બાલવી, મેણસરી અને વિરુબાઈ હતા (આ માહિતી તેમના વંશજ શંકરદાન દેથા ચારણની બુક માંથી લેવામાં આવેલ છે.)

હિન્દુ સંસ્કૃતિના વિવિધ જ્ઞાતિઓના કુળદેવી તરીકે પૂજાતા માતાનું અનેરું મહત્ત્વ છે હળવદથી આશરે પંદર કિલોમીટર દૂર આવેલું સાપકડા ગામ બૂટભવાની માતાજીનાં જન્મસ્થાન તરીકે જાણીતું છે.આ મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે. સદીઓ પહેલા બાપલદેથા નામના દેવીપુત્ર ચારણ જેઓ ઘોડાના વેપાર અર્થે સિંધમાંથી સૌરાષ્ટ્ર- કરછ સુધી આવતા હતા. તેના પત્ની મીનલદેવી પણ કયારેક-કયારેક તેમની સાથે આવતા હતા.

વ્યવસાયના કારણે સૌરાષ્ટ્રનો સંપર્ક વધતા દંપતીએ પોતાના જીવનનો ઉતરાર્ધ સૌરાષ્ટ્ર પ્રાંતના સર્પકુડ નામના તિર્થમાં વિતાવવાનો નિર્ણય લીધો હતો.આ વિસ્તારમાં કેટલાક જ્ઞાતિજનો સાથે નેશ બાંધીને નિવાસ કર્યો. આ દંપતિને માતાજીમાં ભારે શ્રધ્ધા હતી. બન્ને પોતાનો સમય માતાની સેવામાં ગાળતા. બાપલદેથા તથા પત્ની મીનળદેવીને શેરમાટીની ખોટ હતી.

But bhavani history

સમય થતા હિંગળાજ માતાજી એ પોતાના ભકત બાપલદેથાની પરીક્ષા લેવાનું વિચાર્યું. તેથી માતાજીએ ગાયનું રૂપ ધારણ કરી સાંજે સિંહના આક્રમણનું દ્રશ્ય ઊભું કર્યું હતું. ગાયની રક્ષા કાજે બાપલ દેથા પોતાના પ્રાણનું બલીદાન આપવા વરચે પડ્યા ત્યારે ક્ષણવારમાં જ ગાય તથા સિંહ અદ્રશ્ય થઇ માતાજી પ્રગટ થયા અને વરદાન માંગવા જણાવ્યું. બાપલ દેથાએ શેર માટીની ખોટ પૂરી કરવા આજીજી કરી. આ આજીજીના કારણે સમય જતાં બાપલ દેથાના ધેર જગદંબા અવતાર બૂટભવાનીએ જન્મ લીધો હતો. બૂટભવાની માતાજીનો જન્મ અંદાજીત વિક્રમ સવંત ૧૪૫૧ની અષાઢ સુદી બીજના રોજ થયો હતો.

વરદાન આપતી વખતે માતાજીએ કહ્યું હતું કે, આજથી નવમાસ બાદ તારા ધેર દીકરીનો જન્મ થશે અને નિશાની માટે એ દિકરીની બંને કાનની બૂટ વિંધાયેલી જન્મે તો માનજે કે તને આપેલા વરદાન મુજબ હું પોતે અવતાર ધારણ કરી આવી છું-. આ નિશાની મુજબ જ માતાજીએ અવતાર ધારણ કર્યોતેથી જગંદબા બુટભવાનીના નામે પ્રસિદ્ધ થયા હતા.

માતાજી ના પરચાની વાત કરીયે તો સુરેન્દ્રનગર જીલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે જેઠવાની ધારે આશરે રપ૦ વર્ષ પહેલાં બુટભવાની માતાજી પ્રગટ થયેલાં. તે સમયે મા જગદંબા બુટભવાની માતાજીનો ઉપાસક મેરિયો ભુવો થઈ ગયો. મેરિયો ભુવો માતાજીની તન, મન અને ધનથી ભક્તિ કરતો અને બુટભવાની માતાજી તેની સાથે પડદે વાતો કરતાં, ત્યારે મેરિયો ભુવો કહેલું કે મા તું મને પડદે વાતો કરે છે પણ તમે મને સન્મુખ દર્શન આપો. ત્યારે માતાજીએ કહેલું કે દીકરા મને તુ નહીં ઓળખી શકે ત્યારે માતાજીએ કહેલું કે અમો ચારણનાં દીકરીના જગદંબા છીએ. છતાં પણ મેરિયો ભુવો વારંવાર માતાજી આગળ પ્રાર્થના કરે છે. માતાજીએ કહેલું કે દીકરા હું તને સન્મુખ દર્શન આપીશ.

તે જ સમયગાળામાં નવરાત્રિ શરુ થવાના પ્રારંભે મેરિયો ભુવો માતાજીના નવરાત્રિનો પૂજાપો લેવા સાપકડા ગામેથી હળવદ સૂર્ય ઉદય થતા પોતાનું બળદ ગાડું લઈને જતો હતો. તે જ સમયે રસ્તામાં જગદંબા બુટભવાની માતાજી ડોશીના સ્વરુપમાં પાસ, પર તેમજ કંગાળ અવસ્થાના સ્વરુપે ઊભેલાં હતાં. તે સમયે મેરિયા ભુવાને માતાજી કહે છે કે મને તારા બળદ ગાડામાં હળવદ સુધી લઈ જા. મારી તબિયત સારી નથી અને હું ચાલી શકતી નથી. ત્યારે મેરિયા ભૂવાએ કહેલ આઘી જા ડોશી મારુ ગાડુ અભડાઈ જાય. હું તો હળવદ બુટભવાની માતાજીનો પૂજાપો લેવા જાઉં છું.

તે જ દિવસે સૂર્ય આથમતાની વેળાએ હળવદથી સાપકડા માતાજીનો નવરાત્રિનો પૂજાપો લઈને બળદ ગાડામાં મેરિયો ભુવો સાપકડા ગામે પાછો આવતો હતો. હળવદ અને સાપકડા વચ્ચે મા જગદંબા બુટભવાની માતાજી સોળ વર્ષની સુંદરીના રૃપમાં ઊભાં હતાં ત્યારે મેરિયા ભુવાને માતાજીએ કહ્યું એ ભાઈ મને તારા બળદ ગાડામાં સાપકડા ગામ સુધી બેસાડને. ત્યારે માતાજીને મેરિયા ભુવાએ કહેલું બેન મારા બળદ ગાડામાં બેસી જાઓ. ત્યારે બળદ ગાડું દસથી પંદર -વીસ ડગલાં ચાલતા મેરિયા ભુવાએ બુટભવાની માતાજી પર કુદૃષ્ટિ કરતા જ બુટભવાની માતાજીએ મેરિયા ભુવાને હળવદ અને સાપકડા વચ્ચે જેઠવા ધારના કાંઠે મારી નાખ્યો ત્યાંથી માતાજી રુદ્ર સ્વરુપે અરણેજ ગામે આવ્યાં.

એ સમયે અરણેજ ગામ ઘટાટોપ જંગલથી લદાયેલું હતં અને તે સમયે અરણેજ ગામના કારડિયા રાજપૂત સમાજમાં થઈ ગયેલ કાળાબાપા તેમજ ધોળાબાપા બંને ભાઈઓ માતાજીના ઉપાસક હતા.
તે સમયે બંને ભાઈઓને માતાજી રાત્રિના સ્વપ્નમાં આવેલા અને કહેલું કે આ ગામના પાદરે આ વડમાં મારી મૂર્તિ અને ચોખા- ચુંદડી છે અને અમે ચારણનાં દીકરી છીએ. તે સમયે ત્રણ રાત્રિ સુધી બંને ભાઈઓને માતાજી સ્વપ્નમાં આવતા હતાં. તેમજ કાળાબાપા તેમજ ધોળાબાપાએ કહેલું, માડી એ વડ નીચે બ્રિટિશ સરકારના સૈનિકો અહીંયા રાત-દિવસ આરામ કરે છે. જો આ વડને કાપીએ તો અમારા રાઈ-રાઈ જેવા કટકા કરી નાખે.

તે સમયે માતાજીની કૃપાથી આપોઆપ વડ સુકાઈ ગયો. ત્યાંથી બુટભવાની માતાજીની મૂર્તિ અને ચોખા, ચુંદડી નીકળ્યાં. તે સમયે માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. બ્રિટિશ સરકારના સૈનિકોએ કાળાબાપા તેમજ ધોળાબાપાને શિક્ષા કરવા માટે માથે મોભડાં લટકાવ્યા ત્યારે માતાજીની કૃપાથી બંને ભાઈઓના મોભડા ઊંચા રહ્યા. તે જ સમયગાળામાં વડોદરા ગાયકવાડ સ્ટેટ, દામાજી રાજા અમરેલી પાસે ખાંભા જીતવા જતા હતા ત્યારે માતાજી દામાજી રાજાને સ્વપ્નમાં આવ્યાં અને કહેલું કે તારે ત્યાં દીકરો જન્મશે અને તારી ઘોડીને વછેરો આવશે અને તારા દીકરાને લાખનું નિશાન હશે અને તારા ભાલા પર ચકલી ફરકતી હશે અને તું ખાંભા જીતીને આવીશ.

બુટભવાની માતાજીની કૃપાથી દામાજી, ગાયકવાડ સ્ટેટ, વડોદરાએ સાણંદ અને ગાંગડ સ્ટેટ ભઈયાત પાસેથી અરણેજ ગામ વેચાતું લઈને બુટભવાની માતાજીને કાપડા તરીકે અર્પણ કર્યું. તે અરસામાં અમદાવાદથી ભાવનગર રેલવે લાઈન નખાતી હતી. તે સમયે બ્રિટિશ સરકારના રેલવે ઈજનેરોએ રેલવે લાઈન નાખી દીધી ત્યારે ગાડી ચાલુ કરતા જ તે સમયે રેલવેના ડબ્બા તેમજ પાટા વેરવિખેર થઈ ગયા. એવું બે-ત્રણ વાર બનતા બ્રિટિશ સરકારના ઈજનેરોને લાગ્યું કે અહીં કોઈ દૈવી શક્તિનો વાસ છે. તે સમયે અરણેજ બુટભવાની માતાજીને સવારુપિયો, નાળિયેર અને ચુંદડી- દીવાના લેખે બ્રિટિશ સરકારના વખતથી વર્ષાસન આપવામાં આવે છે. હાલમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ (ભારત સરકાર) તરફથી આ પ્રથા ચાલુ છે. અરણેજ ગામના સીમાડેથી રેલવે ગાડી નીકળે ત્યારે સલામ (વ્હીસલ વગાડીને) કરીને જાય છે. તેમજ બુટભવાની માતાજી સોની, દરજી, બ્રાહ્મણ, વાણિયા, કારડિયા રાજપૂત, તુરખિયા, પટેલ, પંચાલ , સુથાર અને વાળંદ વગેરે ૬૪ જ્ઞાતિના મા જગદંબા બુટભવાની માતાજી કુળદેવી છે.

બુટભવાની માતાજી તરફથી બંને ટાઈમ સાત્વિક ભોજનની (અન્નક્ષેત્ર) ની સુંદર સુવિધા છે. આ મંદિરે દર રવિવાર તથા દર મંગળવાર અને પૂનમ તેમજ દર સંકટ ચોથના દિવસે અર્ચના કરવા યાત્રાળુઓની માનવમેદની ઉમટે છે. આ મંદિર શક્તિપીઠ તરીકે પૂજાય છે. તેમજ બુટભવાની માતજીની આખા દિવસમાં પાંચ વખત આરતી થાય છે. આ મંદિરે ચૈત્ર સુદ પૂનમનો માતાજીનો મેળો ભરાય છે. ચૈત્ર સુદ તેરસ માતાજીના જન્મદિન તરીકે ઊજવાય છે. આ મંદિરે આવવા માટે અમદાવાદ તથા બાવળા, ધંધુકાથી એસટી બસોની સવલત છે તેમજ અમદાવાદથી બોટાદ જતી તમામ લોકલ ટ્રેનો અરણેજ રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવેલ છે. અમદાવાદથી અરણેજ આવવા માટે વાયા બાવળા, બગોદરા, અરણેજ હાઈવે સુધીના સીતેર કિલોમીટર થાય છે.

તો મિત્રો આ હતી શ્રી બુટભવાની માતાજી મંદિર- અરણેજ  ની સંપૂર્ણ માહિતી જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

(આ ઇતિહાસ માં કઈ ભુલચુક હોય અથવા આ શીવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે અમને મેસેજ માં મોકલી આપશો અમે તેને અહીં રજુ કરીશું)

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –

– શ્રી મોગલધામ ભગુડાનો ઇતિહાસ

– શ્રી હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ

– શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા

– માઁ આશાપુરા ની પ્રાગટ્ય કથા

– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન

– આઈ શ્રી ખોડીયારમાં ની પ્રાગટ્ય કથા

– શ્રી ચેહર માતાજીની પ્રાગટ્ય કથા

– શ્રી બ્રહ્માણી માતાજીના પ્રાગટ્યનો ઈતિહાસ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!