શ્રી હિંગળાજ માતાજી મંદિર – વેરાડ નો ઇતિહાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાણવડ શહેરથી 11 કી.મી દૂર આવેલ વેરાડ ગામમાં અતિ-પ્રાચીન હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે. તો ચાલો જાણીયે આ મંદિર નો સંપૂર્ણ ઇતિહાસ

હાલનું પાકિસ્તાન અને આઝાદી પહેલાના અખંડ ભારતના રેગીસ્તાન (રણ) વિસ્તારમાં આવેલ, બલુચિસ્તાન પ્રાંતના લાસબેલા ખાતે, હિંગોળ નદીની નજીક, પહાડોની વચ્ચે, પર્વતીય ગુફામાં, માં હિંઞળાજનું મુળ મંદિર આવેલ છે. આજથી ૫૦૦ વર્ષ પહેલાની આ વાત છે. વલસાડ પાસે આવેલ ભદેલી (હિંગળાજ) ના સાગર ખેડુ જગા લાલા તથા કરાચીના ટંડેલ અબુ રાજા વચ્ચે, સાગર ખેડુતના નાતે ગાઢ મિત્રતા બંઘાઈ ગઈ. આ બંને મિત્રો સંપીને દેશ-વિદેશમાં વહાણવટા દ્રારા વેપાર-ધંધો કરતા. આ બંનેમાં અબુ હિંગળાજનોં ખાસ ઉપાસક હતો.

એક સમયે જગા લાલા કરાચી અબુ રાજાના ઘરે ગયા. ત્યારે અબુ માં હિંગળાજના દર્શને ગયો હતો. આવીને તેમણે પોતાના ભાઈબંઘને માતાજીના ચમત્કારો વિશે ખૂબ વાતો કરી, આમ જગા લાલાને માં હિંઞળાજમાં શ્રઘ્ઘા જાગતા બંને મિત્રો બીજા દિવસે માં હિંગળાજના દર્શન કરી આવ્યા. આમ સમય જતા જતા લાલા માં હિંઞળાજનોં ખાસ સેવક બની ગયો અને તેમની માં પ્રત્યેની અતુટ શ્રધ્ધા પણ હંમેશાને માટે ફળવા લાગી.

આમ બંને મિત્રો એક બીજાના ઘરે બે-પાંચ દિવસ રોકાવા લાગ્યા. જગા લાલા કરાચી અબુ રાજાના ઘરે જાય અને અબુ વેપાર અર્થે વિદેશમાં ગયેલ હોય ત્યારે પોતે એમની ઘોડી લઈ ર્માના દર્શને જતો. આમ સમય જતાં ઘડપણ જગા લાલાને આંબી ગયું. તે વૃધ્ઘાવસ્થાના આરે પહોંચતા, ઉંમરના કારણે છેલ્લી સફર માની, માં ના દર્શને હવે નહીં આવી શકવાનો અફસોસ કરતા કરતા જગા લાલા માની સન્મુખ રડી પડે છે. પોતાના ભક્તનોં સાચો પ્રેમ જોઈ માં તેમના ઉપર પ્રસન્ન થાય છે અને એ રાત્રીએ સ્વપ્નમાં દર્શન આપે છે અને કહે છે કે, “તારો મારા પ્રત્યેનો અતુટ ભાવ જોઈ, હું તારા ઉપર પ્રસન્ન છું. ઉંમરના કારણે તું મારા મંદિરે દર્શને નહી આવી શકવાની વ્યવસ્થાના નિવારણ માટે, હું તારા ગામ, તારી સાથે આવવાને તૈયાર છું. તું મને તારા ગામમાં લઈ જા. ત્યાં મારૂ સ્થાપન કરજે અને પુજા કરજે. આની ખાત્રી માટે સવારે મંદિરે આવ, ત્ચાં નિશાની રૂપે ત્યાંની માટી, ત્રિશુલ, ચુંદડી, ચોખા અને કંકુ આટલી વસ્તુ મંદિરમાં બાંઘેલ મારી બાજુમાં પડી છે. તે તું લઈ જા, તારે ત્યાં મારૂ સ્થાપન કરજે અને વૃધ્ઘાવસ્થામાં મારી ભકિત કરજે.” સવારે ઉઠી જગાએ અબુને પોતાના સ્વપ્નની વાત કરી. બંને મિત્રો ખાત્રી કરવા માંના દર્શને મકરાણ ગયા. જોયું તો ઘી નો દિવો બળે છે અને સ્વપ્નામાં જોયા મુજબની બઘી જ નિશાની બાજુમાં પડેલ છે. જગા લાલાએ દર્શન કરી માંને સાથે લીઘા.

આ અરસામાં તેને માલ ભરીને અરબસ્તાન જવાનું થયું. જામનગરના રાજા જામ વિભાજામ- 1ના રાજયાભિષેકનો સમય નજદીક હોવાના કારણે રાજ તરફથી ૧૦ શેર અફિણ અને ૧૦ મણ ખારેકનો ઓર્ડર મળ્યો. અરબસ્તાનનો માલ ઉતારી, જામનગરના જામસાહેબનોં માલ ભરી ત્યાંથી જામનગરના બેડી બંદરે આવવાને જગા લાલાનું વહાણ રવાના થયુ. જામનગર પહોંચવા માટે પાંચ દિવસનો રસ્તો હતો. ચોમાસાના ઉતરાર્ઘ પછીનો સમય હતો. ચોખ્ખા અને સ્વચ્છ વાતાવરણ વચ્ચે તેઓ રવાના થયેલ. પરંતુ અડઘી મંઝીંલ કાપતા તોફાની પવન સાથે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. આવા સંકટના સમયે હેમખેમ કિનારે પહોંચવા માટે માં હિંગળાજને પ્રાર્થના કરી. પવનની દિશા બદલાતા વહાણ બેડી બંદરના બદલે પોરબંદર પહોંચ્યું.

પોંરબંદરના મહારાણાનો માલ પણ જગા લાલાના વહાણમાં દેશ વિદેશમાં જતો હોવાથી રાણા સાહેબ તેમને સારી રીતે ઓળખતા હતાં. આથી તેમની પાસે જઈ બે દિવસ માટે આશરો માંગ્યોં. કારણ કે, જામ વિભાજામના રાજયાભિષેકને હજુ ચાર દિવસની વાર હતી. વરસાદ અને તોફાન વધતા જતા હતાં. દરિયો શાંત પડે તેવા કોઈ ચિન્હો દેખાતા ન હોવાના કારણે રાણા સાહેબે સાત પોઠું અને બે ઘોડેસ્વાર સિપાઈઓ સાથે જગા લાલાને જમીન માર્ગે બીજા દિવસે જામનગર જવા માટે રવાના કર્યાં. પોતાના તરફથી જામ સાહેબને રામ રામ કહેવાનું કહીને બીજી પણ ભલામણ કરી કે, “રસ્તામાં રાતવાસો કરતી વખતે જામનગરની હદમાં ચોર-લુંટારાઓથી સાવઘ રહેજો.” આમ સાથેના પોતાના ૧૦ માણસોના કાફલામાંથી બે-ત્રણ સાથીદારો જગા લાલા સાથે પગ રસ્તે જામનગર જવાને રવાના થયા.

આમ ચાલતાં ચાલતાં સાંજ થવા આવી, ત્યારે જામનગરની હદમાં સેતાના વેરાડ ગામે પહોંચી ગયા હતાં. ગામ એક ટેકરી પર હતું. બાજુમાંથી નદી નીકળતી હતી અને ગામને ફરતે રાંગ હતી. માત્ર થોડાક ઘર હતાં. જેમના અવશેષો આજે પણ મોજુદ છે. પાછળથી સમય જતાં આસપાસના સાત ટિંબાઓ ભેગા મળી વેરાડ ગામ બન્યું. આજે ૫૦૦૦ની વસ્તી ધરાવતું આ ગામ છે. એ વખતે એ સેતાઓ બીજા રાજયોમાં લુટ ફાટ કરી, ફરી પાછા પોતાના ગામમાં આવી જતા હતાં. આથી આ ગામમાં ક્યાં રાતવાસો કરવો તેમની તલાશીમાં હતાં ત્યાં ગામની આથમણી દિશાએ થોડે દુર ડુંગરા જેવો ટેકરો દેખાતો હતો. ત્ચાં રોકાઈ શકાય તેમ હતું. ઘોડા અને પોઠુંને ક્યાં રાખવા? તે માટે જગ્યાનું નિરિક્ષણ કરતા જોવા મળ્યુ દક્ષિણ દિશા તરફ ઢોળાવ જેવુ હતું. ત્યાંથી ઉપર ચડી શકાય તેમ હતું. ફરતે પથ્થરની આડસ અને વચ્ચે થોડી સપાટ જગ્યા હતી. આથી અહિંયા રાતવાસોં કરવાનુ નક્કી કર્યું.

માં ને ઘરતી ઉપર નીચે રખાય નહીં એવું વિચારી એક શિલામાં પોતાના હથિયારોથી થોડો ખાચોં કરી, માં હિંગળાજનું સ્થાપન કરી, પુજા કરી, આરતી કરી અને વાળુપાણી કર્યાં. આમ ચોરીની બીકૅ જગા લાલાએ અર્ધ જાગ્રત અવસ્થામાં રાત્રી પસાર કરી. બીજા દિવસે સાંજ પડે તે પહેલાં જામનગર પહોંચી ગયા અને જામ સાહેબને ખબર મોક્લાવી કે, જગા લાલા તમોએ મંગાવેલ માલ સાથે આવી ઞયા છે. આથી જામ વિભાજી પોતે આવી બઘાને રાજ દરબારમાં લઈ ગયા અને ઉતારો આપ્યો. પોઠું અને ઘોડાઓને ઘોંડાસરમાં મોકલી દીઘાં અને જગા લાલાને પાંચ દિવસ રોકાવાનું કહ્યું. વી.સં. ૧૬૧૮ના કાર્તિક શુદ-૧૧નાં રોજ બીજા દિવસે જામશ્રી વિભાજામ-1 નો રાજયાભિષેક થવાનો હતો. જેની ખુશાલીમાં જામનગર ગાંડુ બની ગયું હતું.

અહિંયા પણ જગો માં હિંગળાજને ઉતારા વિભાગે એક ગોખ માં રાખી દરરોજ પુજા કરે. આમ કરતાં પાંચ દિવસ વીતી ગયા. જગા લાલાએ બાપુની રજા માંગી, તો વિભાજામે જગા લાલાને એક રાત વધારે રોકાઈ જવાનું કહ્યું. આથી તે માનથી એક રાત રોકાણો. આ છેલ્લી રાત્રીએ માં હિંગળાજે જગા લાલા ને સ્વપ્નમાં દર્શન આપ્યાં અને કહ્યુ કે, “તે મને સેતાના વેરાડમાં જે ગોખમાં રાખી હતી ત્યાં મારે વાસ કરવો છે, તે જગ્યા મને બહુ જ સુંદર, રમણીય અને સુરક્ષીત લાગે છે માટે મારૂ સ્થાપન તું ત્યાં કરજે.” જગો સ્વપ્નમાં રડવા લાગ્યો અને માં હિંગળાજને કહેવા લાગ્યો કે, “હે માં, તમે તો મને એમ કહ્યુ હતુ કે, મારે તારા સાથે આવવું છે અને આજે તમો મને મુકીને સેતાના વેરાડમાં રોકાવાનું કહો છો. તો હું મારે ગામ જઈને શું કરું? હું પણ તમારા ઞોખની બાજુમાં જીવતાં સમાધી લઈ લઈશ. આ મારૂ વચન છે.” ત્યારે માં હિંગળાજ જગા લાલાને સમજાવે છે કે, “હે જગા મારૂ એક સ્વરૂપ બલુચિસ્તાનમાં છે, બીજુ સ્વરૂપ
સેતાના વેરાડ ગામે રહેશે અને ત્રીજા સ્વરૂપે માં હિંગળાજ તારી સાથે આવશે”

“તારી ઝોળીમાં માં હિંગળાજનું ત્રિશુલ, માટી, ચુંદડી, ચોખા અને કંકુ આટલી વસ્તુ અલગ છે. આટલાથી પણ જો વિશ્વાસ ન આવતો હોય તો, ખાત્રી કર. સેતાના વેરાડ જ્યાં તે મારૂ સ્થાપન કર્યું હતું, ત્યાં સાતમે દિવસે તુ પહોંચીશ, ત્યારે છલોછલ ભરેલા કોડિયામાં ધીનો અખંડ દીવો બળતો હશે અને આગળ કંકુનો સાથિયો હશે. આ મારી નિશાની છે. તારી ઝોળીમાં જે મારી આપેલ વસ્તુઓ છે, તેનુ તું પુજન કરી, ત્યાં મારી સ્થાપના કરજે અને મેં તને જે બીજી વસ્તુઓ આપી છે, તે તુ તારે ગામ લઈ જજે. તારા ગામમાં મારી સ્થાપના કરી આજીવન સેવા પુજા કરજે. હું તારા ગામને ઘન ઘાન્ચથી સમૃધ્ધ બનાવીંશ. આ મારૂં તને વચન છે.” જગાનું સ્વપ્ન પુરૂ થયુ. સવાર થતાં જ જગો રજા લઈ પોરબંદર જવા નીકળ્યો.

સેતાના વેરાડ ફરી પાછા સાતમાં દિવસે સાંજના સમયે પહોંચી ગયા. જગા લાલાએ જે સ્વપ્નમાં જોયું હતું તે મુજબ આગળ કંકુનો સાથિયો પુરાયેલ હતો અને સાતમાં દિવસે છલોછલ ઘીથી ભરેલા કોડિયામાં માનો અખંડ દીવો બળતો હતો. નરી વાસ્તવિકતા જોઈ જગો રોઈ પડ્યો. માં હિંગળાજની નિશાની રૂપે જે જોયું તે સાચું માની ત્યાં સેતાના વેરાડ ગામે, જે જગ્યામાં એણે ઔજારથી બખોલ કરી હતી. તેમાં મા હિંગળાજે આપેલ વસ્તુની સ્થાપના કરી. આ સ્થાપના વી.સં. ૧૬૧૮ ના કાર્તિક સુદ -15 (પુનમ) ના રોજ થયેલ છે. આ ફિક્સ સમય વિભાજામનનાં રાજયાભિષેકના સમયનાં આધારે નક્કી કરવામાં આવેલ છે. આજે માં ના પ્રાગટ્યને ૪૫૧ વર્ષ પૂર્ણ થયેલાં છે. આમ એક ભાગનું સ્થાપન કર્યું અને બીજો ભાગ બાજુમાં રાખી, માં હિંગળાજની આરતી પૂજા કરી, વાળુપાણી કરી બધા સૂઇ ગયા અને સવારે ઉઠી નદીએ નાહી ઘોઈ, માં હિંઞળાજની પૂજા કરી, ત્યારબાદ માંએ આપેલ સ્થાપનની વસ્તુઓ સાથે લઈ પોરબંદર ગયાં.

પોરબંદરના રાણા સાહેબની રજા લઈ, દરીયાઈ માર્ગે સંજાણ બંદરે પહોંચ્યા ત્યાંથી ભદેલી પહોંચી માં હિંગળાજનુ એક તળાવમાં કાંઠે સ્થાપન કર્યું અને થોડા દિવસો પછી ત્ચાં નાની એવી ડેરી બનાવી. જગા લાલા સવાર સાંજ પૂજા આરતી કરવા લાગ્યા. આમ ઘડપણ વિતાવતા, થોડા વર્ષો બાદ તે દરિયા કિનારે મધ્ય રાત્રીએ અંધારે બેસીને વરસાદનોં વરતારો જોઈ રહ્માં હતાં. ત્ચાં કાને ઝાંઝરનો અવાજ આવતાં તે ઉભા થઈ જોવા લાગ્યાં. તો તેને બે બાળાઓ જોવામાં આવી. આથી જગા લાલાએ તેમને પૂછ્યું કે, “હે દિકરીઓ આ અંધારામાં આમ એકલીયુ ક્યાં જાવ છો ? તમે કોની દિકરીઓ છો ?” આમ ક્હીં તેમના નજીક ગયા, તો તેને માં હિંગળાજના દર્શન થયા અને એ બાળાઓ બોલ્યું કે, “જગા અમે તારી સાથે આવ્યાં, પરંતુ અહિંયા અમોને આભડછેટ બહુ લાગે છે, તળાવે કપડાં ઘોઈ, મારી ઉપર સુકવૈ છે. તેથી હું અહિંયા રહેવા માંગતી નથી. મારે સેતાના વેરાડમાં જતાં રેહવું છે. એ જગ્યા બહુ જ સારી છે.” આટલા શબ્દો માં હિંગળાજના મુખેથી સાંભળતાં જ જગો એમના ચરણ પકડી રોવા લાગ્યો અને વિનંતી કરી.

“હે માં, તમો જયાં કહો ત્યાં હું જીવતાં તમારૂ સ્થાપન કરી દઉં. પરંતુ તમો મને કે અમારા ગામને છોડીને બીજે ક્યાંય જતાં નહીં તમો જતાં રહેશો તો હું રોઈ રોઈ આંઘળો થઈને મરી જઈશ. માટે મારા ઉપર દયા કરો.”

આથી માં હિંગળાજ બોલ્ચાં, “જા હું તારૂં ગામ નહિં છોડું પરન્તુ મને ગામથી આગળ દરિયા કિનારાની બાજુમાં રાયણનું ઝાડ છે, ત્યાં મારૂં વાજતે ગાજતે સ્થાપન કર.” આમ જગા લાલાએ ગામ લોકોને સાથે રાખી માંએ બતાવેલ જગ્યા ઉપર સારૂ મુહુર્ત જોઈ માં હિંગળાજનું સ્થાપન કર્યું. આજે ત્ચાં વેરાડની માફક માં હિંગળાજનું ત્રીજુ સ્વરૂપ હાજરા હાજુર છે. આજે આ જગ્યા ઉપર ભવ્ય સુંદર મંદિર નિર્માણ પામી ચુકેલ છે.

આ વેરાડ ગામે આવેલી જગ્યા માં હિંગળાજ ખુદને પસંદ પડતાં માડીએ ત્ચાં પોતાની ઈચ્છાથી વાસ કરેલ છે. ૫૦૦૦ની વસ્તી ધરાવતા આખા ગામમાં માં હિંગળાજ કોઈના કુળદેવી નથી, છતાં આ જગ્યાની ચૈતન્ય શક્તિથી પ્રભાવિત થઈ સમગ્ર ગામની જનતા પોતાના કુળદેવીથી વિશેષ ભાવે માં હિંગળાજનું પુજન-અર્ચન કરે છે. આ જગ્યા અતિ પૌરાણીક હોવાના કારણે TV-9 ચેનલ ઉપર તા. ૧૪-૭-૨૦૧૩ તથા ૧૫-૧૦-૨૦૧૩નાં રોજ ભક્તિરસ કાર્યક્રમમાં અડધા કલાકનો પોગ્રામ દિવસમાં બબ્બે વખત રજુ થયેલ. આમ આ જગ્યા હવે સાંઈબાબા શિરડી અને તિરૂપતી બાલાજીની માફક ભાવિકો માટે આંતરરાષ્ટીય કક્ષાનું તીર્થાટન ધામ બની રહ્યું છે તો સૌ ભક્તો સંગાથે મળી પોતાના સ્વપ્નાઓના મહેલો સાકાર કરીએ.

hinglaj jyot

વેરાડ ગામનાં હિંગળાજ માતાનાં ઉપાસકો થોડા સમય પહેલા પાકિસ્તાન ગયા ગયા હતા, જ્યાં હિંગળાજ માતાજીનું મુખ્ય સ્થાન આવેલું છે. પાકિસ્તાનમાં આવેલ હિંગળાજ મંદિર 52 શક્તિપીઠમાં સ્થાન ધરાવે છે. વેરાડ ગામનાં હિંગળાજ ઉપાસકો પાકિસ્તાન ગયા હતાં અને હિંગળાજ માતાજીનાં મંદિરેથી જ્યોત લાવ્યાં હતા. દ્વારકા આસપાસના વિસ્તારોમાંથી જ નહીં અહીં રાજ્યભરમાંથી માઈ ભક્તો દર્શનાર્થે આવી ધન્યતા અનુભવી રહ્યા છે.

સંકલન – સ્વ. બાવનજીભાઇ કટારીયા(વલસાડ)
ટાઈપ – shareinindia.in

આભાર- પી. પી. ભાલોડીયા પ્રમુખ શ્રી હિંગળાજ માતાજી મંદિર ટ્રસ્ટ વેરાડ (તા. ભાણવડ, જી-દ્વારકા) m- 99099 33344
મંદિર નું ફેસબુક પેઈજ – Hinglaj Mataji Mandir Trust -Verad

તો મિત્રો આ હતો શ્રી હિંગળાજ માતાજી મંદિર- વેરાડ નો ઇતિહાસ જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

(આ ઇતિહાસ માં કઈ ભુલચુક હોય અથવા આ શીવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે અમને મેસેજ માં મોકલી આપશો અમે તેને અહીં રજુ કરીશું)

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન

– શ્રી શક્તિ માતાની પ્રાગટ્ય કથા

– શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા

– શ્રી કરણી માતાજી નો સંપૂર્ણ ઇતિહાસ

– આઈ શ્રી પીઠડ માંની પ્રગટ્યા કથા

– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ

– શ્રી ચેહર માતાજીની પ્રાગટ્ય કથા

– શ્રી બુટભવાની માતાજી- અરણેજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!