નવદુર્ગાનું બીજું સ્વરૂપ:- દેવી બ્રહ્મચારિણી

દધાના કરપદ્માભ્યામક્ષમાલાકમણ્ડલૂ ।
દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ॥

માં દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. અહીં ‘બ્રહ્મ’ શબ્દનો અર્થ તપ છે. બ્રહ્મચારિણી અર્થાત તપના ચારિણી- તપનું આચરણ કરનારા. કહેવાયું છે કે વેદસ્તત્વં તપો બ્રહ્મ-વેદ, તત્વ અને તપ ‘બ્રહ્મ’ શબ્દના અર્થ છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે. તેમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ રહે છે.

પોતાના પૂર્વજન્મમા જયારે તેઓ હિમાલયના ઘેર પુત્રીરૂપે અવતર્યા, ત્યારે નારદના ઉપદેશથી તેમણે ભગવાન શિવજીને પતિરૂપે પામવા અત્યંત કઠિન તપ કર્યું હતું. આ દુષ્કર તપને કારણે તેમને તપશ્ચારિણી અર્થાત્ બ્રહ્મચારિણી નામથી અભિહિત કરાયાં. એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફ્ળ-મૂળ ખાઈને વ્યતીત કર્યા. સો વર્ષ સુધી કેવળ શાક ખાઈને નિર્વાહ કર્યો. કેટલાક દિવસો સુધી કઠિન ઉપવાસ કરતાં કરતાં ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાનાં ભયાનક કષ્ટ સહ્યાં. આ કઠિન તપશ્ચર્યા બાદ ત્રણ હજાર વર્ષ સુધી કેવળ જમીન પર ખરી પડેલા બીલીપત્રો ખાઈને અહર્નિશ ભગવાન શંકરની આરાધના કરતા રહ્યા. તત્પશ્ચાત તેમને સૂકા બીલી પત્રો ખાવાનું પણ છોડી દીધું. કેટલાક હજાર વર્ષો સુધી તેઓ નિર્જળ અને નિરાહાર તપ કરતા રહ્યા. પાંદડા (પર્ણ) ખાવાના છોડી દેવાના કારણે તેમનું એક નામ ‘અપર્ણા’ પણ પડી ગયું.

કેટલાંક હજાર વર્ષોના આ કઠિન તપને કારણે બ્રહ્મચારિણી દેવીનું પૂર્વજન્મનું એ શરીર એકદમ ક્ષીણ થઈ ગયું. તેઓ અત્યંત કૃશકાય થઈ ગયાં. તેમની આ દશા જોઈને તેમનાં માતા મેના અત્યંત દુ:ખી થઈ ઊઠઘાં. તેમણે તેમને આ કઠિન તપસ્યાથી વિરત કરવા માટે પોકાર કર્યો; ‘ઉ…..મા’, અરે! નહીં…ઑ! નહીં! ત્યારથી દેવી બ્રહ્મચારિણીના પૂર્વજન્મનું એક નામ ‘ઉમા’ પણ પડ્યું.

Devi Brahmcharini

તેમના આ તપને કારણે ત્રણેય લોકોમાં હાહાકાર થઈ ગયો. દેવો, ઋષિઓ, સિદ્વજનો, મુનિઓ સર્વે બ્રહ્મચારિણી દેવીના આ તપને અભૂતપૂર્વ પુણ્યકૃત્ય કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા. અંતમાં પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્વારા તેમને સંબોધિત કરતાં પ્રસન્ન સ્વરે કહ્યું, ‘હે દેવી! આજ સુધી કોઈએ આવું કઠોર તપ કર્યુ નથી. આવું તપ તમારાથી જ સંભવ હતું. તમારા આ અલૌકિક કૃત્યની પ્રશંસા ચારે કોર થઈ રહી છે. તમારી મનોકામના સર્વતોભાવેન પરિપૂર્ણ થશે. ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિરૂપે પ્રાપ્ત થશે. હવે તમે તપસ્યાથી વિરત થઈ ધેર પાછાં કરો. તમારા પિતા શીધ્રતાપૂર્વક તમને લેવા આવી રહ્યા છે’

માં દુર્ગા નું આ દ્વિતીય સ્વરૂપ ભક્તો અને સિદ્ધોને અનંત ફળ આપનારું છે. તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃદ્ધિ થાય છે. જીવનના કઠિન સંઘર્ષોમાંય તેમનુ મન કર્તવ્ય પથચી કદીય વિચલિત થતું નથી. મા બ્રહ્મચારિણી દેવીની કૃપાથી તેને સર્વત્ર સિદ્ધિ અને વિજય ની પ્રાપ્તિ થાય છે. દુર્ગા પૂજાના બીજા દિવસે એમના આ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન ‘સ્વાધિષ્ઠાન’ ચક્રમાં સ્થિત થાય છે. આ ચક્રમાં અવસ્થિત મનવાળા યોગી તેમની ભક્તિ અને કૃપા પ્રાપ્ત કરે છે.

યા દેવી સર્વભૂતેષુ બ્રહ્મચારિણીરૂપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।
બીજ મંત્રઃ ह्रीं श्री अम्बिकायै नमः।

? પ્રેષિત-સંક્લન:
મયુર.સિધ્ધપુરા-જામનગર

જો તમે અન્ય માતાજીની માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ:- શૈલપુત્રી

– શ્રી હિંગળાજ માતાજી મંદિર – વેરાડ

– શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા

– સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ

– આઈ શ્રી જીવણી (સિંહમોય) માતાજી

– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ

– શ્રી કનકાઇ માતાજી મંદિર – ગીર

– શ્રી બુટભવાની માતાજી- અરણેજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!