જ્યારે બે રાજ કન્યાઓના રખોપા માટે કુંડલામાં ધીંગાણુ થયું

પાલીતાણાના ધણી હમીરજી ગોહિલને બે પુત્રીઓ બેય રાજકન્યાઓમાં અંગ માથે અથાક રૃપ પથરાણાં છે. બ્રહ્માના બગીચાની ડોલરની કળીઓ જેવી કન્યાની કાયા માથે કોઈની નજરમાં સમાય નહીં એવી નખશીખ નમણાઈ નીતરે છે. એક દી ઓજલ પડદા આડેથી વાત સરી ગઈ કે બેય રાજકન્યાઓ પદમણી છે.

કોઈ દુષ્ટ માણસે જઈને જુનાગઢના નવાબની કાન ભંભેરણી કરી કે અન્નદાતા પદમણી તો તમારા જનાનખાનામાં શોભે. નવાબ કહે હું માનું નહી મારે ગળે વાત ઉતવરતી નથી.

પદમણી કેને કેવાય જાણે?

હા અન્નદાતા પરવરદિગાર જાણું છું કે જેના ઉતારેલા નખ તડકે મુકો ને મીણની જેમ ઓગળવા માંડે એનું નામ પદમણી.

ખાતરી શું?

કરાવી આપું.. કહીને માણસ પાછો વળ્યો.

કહે છે કે કોઈ દુષ્ટ માણસ હજામનો વેષ ધારણ કરી પાલીતાણાના રાજદરબારમાં દાખલ થયો અને બન્ને રાજકન્યાના નખ ઉતારી વળી નીકળ્યો. જુનાગઢની શાહી કચેરીમાં જઈને કોઈ ઝવેરી હીરામાણેકની પોટલી જેટલાં જતનથી મુકે એથીયે અદકેરાં જતનથી નખની પોટલી મુકી. નખ તડકે મુકાણાં. પલકવારમાં પીગળી ગયા.
પદમણી સાચી..

નવાબનો હુકમ છુટયો કે રાજકન્યાઓ મને પરણાવો. નવાબની ફોજ પહોંચે ઈ પેલા ગોહીલ સાબદા થઈ ગયા. બેય રાજકન્યાઓને વેલડું જોડાવી બેસારી પાલીતાણાથી રવાના કરી દીધી. પોતે હથિયાર ધારણ કર્યા.

વેલડું ગામેગામ ફરવા માંડયું. કોઈ હાથ ઝાલો, પણ આ તો સોરઠ સરકારનો શિકાર કોણ સંઘરે?

ફરતી ફરતી વેલ કુંડલે પુગી, કુંડલા ગામને ચોરે બોતેર શાખાના બંકા બાબરીયાનો ડાયરો બેઠો છે. કહુંબા ઘુંટાય છે. ડાયરામાં ત્રીજી કણ્યે પુગેલો ડુંઘો કરે છે. ચોરા પાસે વેલડું પુગતાં જ પુછયું કોનું વેલડુ?

મોતનું વેલડું.

જવાબ સાંભળતાં જ દેવો કોટિલો ગર્જર્યો અમે વેલડું છોડાવશું પણ..

હવે પણ ને બણ.. બેય દીકરીયું અમારી પેટની દીકરીયું થઈ. હવે ડગ ભરવા દઈએ તો કોટિલાને કપાળે કાળી ટીલી બેહે.. પણ પછવાડે વાર આવી પુગી કે પૂગશે કોની? નવાબની ભલે આવે. મરી મટશું, પાલીતાણાથી જુતેલું વેલડું કુંડલાના કોટીલાના હાથે છુટયું ત્યાં તો બાગડદા.. બાગડદા.. કરતાં ફોજના ઘોડા પુગ્યા. નવાબના નેજા ફરકયા. દેવા કોટીલાના નવાણું લાખ રૃંવાડા અવળાં થઈ ગયા. આંખ્યમાં કોઈએ મુઠી ભરીને સિંદુર ઠાલવ્યો હોય એવો રંગ ઘુંટાઈ ગયો. કડેડાટ કરતો કોટીલો ડાયરો બેઠો થઈ ગયો. તલવાર, ભાલા, બરછી હાથ ધરાઈ ગયા.

ઓથ લેવાને કોઈ ડુંગરો મળે તો રંગ થઈ જાય પુગ્યા પડખેનાં ભરોસા નામના નાનકડાં ડુંગરા માથે. બોતેરેય શાખાનાં બાબરીયાઓએ નવાબની ફોજ સામે બાથ ભરી. ઘોર રણસંગ્રામ ખેલાણો. સામસામી તરવારૃની મંડી બટાઝટી બોલાવા. દેવ જેવો દેવો કોટીલો આજ દુશ્મનોનો દૈત્ય બની બેઠો. દુશ્મનોનાં માથાં ડુંગર માથેથી દડવા લાગ્યા. લોહીનાં ધોરીયા વહેવા માંડયા. કોઈના હાથ, કોઈના માથા, કોઈના પગ ઠેબે આવવા માંડયા. ઘોર ધીંગાણામાં બાબરીયાની બોતેર શાખમાંથી સાત શાખાઓ સમુળી ખપી ગઈ. બીજી શાખાઓમાં ઘોડીએ સૂતેલા છોકરા સિવાય કોઈ ઉગર્યું નહીં. પણ આશરે આવેલી દીકરીયુંને ઉગારી દેવા કોટીલો દેવના ડાયરામાં જઈને બેઠો.

આવા દેવા દહીવાણ નામના કોટીલા રાજપૂતની વીરગાથા રચાણી.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ‘રાજપૂતાણી એક જ ધણીનું ઓઢણું ઓઢે છે, અઢારનું નહિ’

– દાતારોના પારખા

– હમીરજી પઢીઆરના પરાક્રમની વાત

– “કનડાને રીસામણે”

– ‘અરે બાપ, આ તો અલખનો ઓટલો છે’

– દિલ્હીના કારભારીને પેશ્વાની પનાહ

– કલમના ધણીએ બંદૂક તાણી

error: Content is protected !!