‘અરે બાપ, આ તો અલખનો ઓટલો છે’

નિરાકાર નિરંજનમાં જ અમર જન્મને જોતા જોગીની ઘેધૂર આંખ જેવો આથમતો ભાણ ભગવો ઝંડો ફરકાવી રહ્યો છે. પુણ્યવતી ભગવતી ભાગીરથીની ધારા જેવો શેલ નદીનો જળપ્રવાહ અપ્રતિહત ગતિથી ગમન કરી રહ્યો છે. ધીરા ધીરા અંધકારના ઓળા ઊતરી રહ્યા છે. ચંદનવનમાં આળોટીને ઊઠેલો પવન ઝપટું દઈ રહ્યો છે. એવે વખતે મીરાજી ધંઘુકિયા નામના બહારવટિયાએ પચ્ચીસ ઘોડે નદીનો કાંઠો વળોટ્યો, પચ્ચીસ બહારવટિયાના હાથમાં જામગરી જંજાળ્યું તોળાઈ રહી છે. બુકાનીબંધ બહારવટિયાના ખભે જાટકા ટીંગાતા આવે છે. વગડો વેઠીને કરડા બનેલા મોઢા માથે આભના તારોડીઆ જેવી આંખ્યું તેજતણખા વેરી રહી છે. શેલની ઉંચી ભેખડને માથે ડાબા દઈને ઘોડાઓએ ચલાળાનો મારગ સાઘ્યો.

તે દિ’ ચલાળું અભરેભર્યું ગામ. ખેડ, ખેતર અને પાણીનો ત્રગડ રચીને કાયાતોડ કમાણી કરીને સુખની નીંદરૂ તાણતા ખેડૂતોના રિદ્ધિસિદ્ધિવાળાં ખોરડાં. કાળી રાત્યે જેના પટારા ભાંગ્યાની ભેર કરે એવા નીતિવાળા વેપારીયુંની માઢમેડિયું. કાળીઓ ઠાકર જેની હારે વેણે વાતું કરે એવા આપાદાનાનાં બેસણાં. આવા ચલાળા ગામની ઊભી બજારે બહારવટિયાએ હાકોટા દેતા ઘોડા રોક્યા. ઘડીબેઘડીમાં તો રીડીઆમણ ઊઠી. કાળો બોકાસો બોલી ગયો. હાટડીયુંના હડફા મૂકીને વેપારીયું ભાગ્યા, બે પાંદડે સુખી ખેડૂતો ખોરડાં રેઢાં મૂકીને દોટું દેતા ભાગ્યા.

ભાગો.. ભાગો..ની બઘડાટી બોલવા લાગી. દરદાગીના રોકડ જે કાંઈ હાથવગું રહ્યું એટલું હાથ કરીને સૌએ આશરો લીધો આપાદાનાની જગ્યાનો.

મીરાજી ધંઘુકિયાનો મિજાજ તરડાયો ઃ

‘એલા ભાગીને બધાં ગયા ક્યાં ?’

‘ભગતને આશરે.’

‘કોણ ભગત ?’
અહંકારમાં આઠેય પહોર આળોટતા ટોળીના મોવડીના મોંમાંથી સવાલ છૂટ્યો.

‘આપોદાનો અલખના ઓટલાવાળો લેખાય છે !’

‘તે ભગત આડા હાથ દેશે ? હાલો જગ્યામાં.’

‘ત્યાં તો મોરલીધરનાં બેંસણાં છે, મરજાદ લોપાશે.’ કોઈએ કોચવાઈને કહ્યું. મોવડીને સલાહ સાંભળવાનું વેળુ નો’તું. એને તો સોનારૂપાના હમાયચા ભરવા હતા. ઘોડા મરડ્યા ભગતની જગ્યા તરફ.

પોણા ભાગનું લોક જગ્યામાં જાણે ગારદ થઈ ગયું છે. કોઈ ગાયુંની ગમાણમાં, કોઈ કોઠારમાં, કોઈ મંદિરના ગર્ભદ્વારમાં, જ્યાં ઉગરવાનો આરો દેખાણો ત્યાં સૌ સમાઈ ગયા છે.

હાવળ્યું દેતા ઘોડા પૂગ્યા જગ્યાના ચોકમાં. કાંધરેટુ નાખી ગયેલા બહારવટિયાએ હાકલ કરી, ‘વીણીવીણીને બારા કાઢો અને ખંખેરી લ્યો.’

’ મોવડીને વેણે બહારવટિયા મંડ્યા સબોડવા. હરિ હારે હેત વધારીને બેઠેલા આપાદાનાએ ઊઠીને મીરાજીના ઘોડાની વાઘ પકડીને કાલાવાલા કર્યાંઃ

‘હવે હાંઉ રાખો બાપ, આ તો અલખનો ઓટલો છે.’

‘ભગત, અમે કોઈ માગણ નથી, અમે કોઈ આરતી ઉતારવા આવ્યા નથી, ઘરેણાં ઉતારવા આવ્યા છીએ. મુઠ્ઠીમાં મોત લઈને માથા સાટે માલ લેનારા.’

‘કાગડો કાગડાની માટી ખાશે ?’

‘હું કાંઈ ઉપદેશ સાંભળવા નથી આવ્યો. સોના-રૂપાના ખડીઆ ખંખેરવા આવ્યો છું.’

એટલું બોલીને ખૂંખાર બહારવટિયાએ આપાદાનાને ઝાપટ મારીને ઘોડાની વાઘ છોડાવી નાખી. જગ્યામાં ફફડતા માણસોને તાણીતાણીને બહાર કાઢી મંડ્યા ખેંખેરો કરવા.

કીકીઆરીઓથી ભગતનું કાળજું કકળ્યું. નિર્મોહી આંખમાંથી પાણી ખર્યાં. આભની સામે મીટ માંડીને પોકાર પાડ્યો, ‘હે ઠાકર, પાપનાં પોટલાં બાંધીને આ ગામ ગરાસ ભોગવશો ?’

ભગતના અંતરમાંથી ઊઠેલાં આટલાં વેણમાં મીરાજીના મોતની મેખ મરાઈ ગઈ !

મીરાજીએ મારી મારીને સૌની પાસેથી પડાવી લીઘું. કોઈના અંગ માથે વાલની વીંટીએ રેવા ન પામી. ટાઢે કોઠે લૂંટ કરીને ટોળી વળી નીકળી.

‘ઘર ઘર જાવું મટ્યું. આ તો જગ્યામાં જ આપણો મામલો પાર પડી ગ્યો.’
એવાં હરખનાં વેણ વદતા બહારવટિયા ઘોડા હાંકરતા સેલ નદીના પટમાં ઉતર્યા. માથે રાત તોળાઈ રહી છે, તારોડીઆનો અસબાબ પથરાઈ રહ્યો છે. માતાના હેતાળવા હાથ જેવો વાહલીયો વગડાને વીંઝણો ઢોળી રહ્યો છે.

મીરાજીએ ઘોડાનું ચોકઠું ખેંચીને ભેરુઓને કહ્યું, ‘તમે ઘોડા હાંક્યે રાખો. હું નાડાછોડ (લધુશંકા) કરીને તમારી ભેળો થઈ જાઊં છું.’

પંડ્યે પેંગડું છોડ્યું. ઘોડાને નદીના પટમાં ઊભો રાખીને નદીના પટમાં વાવેલા ચીભડાના વાડાની ઓથ લઈને લધુશંકા કરવા બેઠો.

વાડાની વચાળે ઝૂંપડી વાળીને ચીભડાનું રખોપું કરતો ધણી સાબદો થઈ ગયો. મધમીઠાં ચીભડાનો સ્વાદ ચાખી ગયેલ શિયાળ આવ્યું જાણી દારૂગોળાથી ધરબેલી બંદૂક લાંબી કરી જમણા ખભે બંદૂકનો કુંદો ઠેરવી ડાબા હાથના જોરદાર પંજામાં તોળી, બરાબરનું નિશાન લઈ, બંદૂકના બારીઅન માથે સળગતી કળી દાગી. આઠ આંગળ દારૂએ ધરબાયેલી ગોળી વછૂટી મીરાજીની છાતીમાં માથાબોળ નાહીને સોંપટ નીકળી ગઈ. મીરાજીને ચુંકારોય કરવાનુ વેળું રહેવા દીઘું નહિ. મીરાજી ઢળી પડ્યો. રગતના રેલાએ શેલ નદીની વેળુને ભીંજવી. ભેરૂઓના ઘોડા કુંડલાનો પંથ કાપતા દૂર દૂર નીકળી ગયા હતા.

શેલના વખંબર કોતરમાં આપાદાના બાપુના બોલ ધુમરાતા હતા ઃ
‘રે ઠાકર, પાપનાં પોટલાં બાંધીને આ ગામગરાસ ભોગવશો ?’

ઓળખ ઃ પૂ. આપાદાના બાપુની જગ્યા હાલમાં અમરેલી જિલ્લાના ચલાળા ગામમાં આવેલી છે, જ્યાં મોરલીધર મહારાજની શ્યામ મનોહર મૂર્તિ છે. પ્રભાતની આરતી દિવ્ય વાતાવરણ સર્જે છે. હાલ આપાદાના બાપુની જગ્યાના મહંત તરીકે પૂ. વલકુ બાપુ બિરાજે છે.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

error: Content is protected !!