‘રાજપૂતાણી એક જ ધણીનું ઓઢણું ઓઢે છે, અઢારનું નહિ’

લાઠીના પાદરમાં ભાતીગળ પાથરણાં પથરાણાં છે. પાથરણાં ઉપર ડાયરો જામ્યો છે. કસુંબા ઘૂંટાઇ રહ્યા છે. સૂરજનારણના સમ દઈને કસુંબાના આડા ધ્રોબા અપાઇ હ્યા છે. ઢોલ ઢબૂકે છે. શરણાયુંના સૂર ઘૂંટાય છે.

કુંવર દાજીભાનાં લગન છે. ઓજણું (વેલડુ) આવ્યું કે આવશે એની વાટ જોવાય છે. ગઢવીઓનાં ગળાં મોકળાં થઇ ગયાં છે. ગોહિલોની વીરતાના વાણી દ્વારા વારણાં લેતા થાકતા નથી.

ભર્યા ડાયરાની વચ્ચે દુધમલિયો જવાન દાજીભા બેઠો છે. આઠેય અંગમાંથી જોબન ડોકાશિયાં કરી રહ્યું છે. મોં ઉપર રાજબીજનાં તેજ પથરાણાં છે. મૂછનો દોરો ફૂટી ગયો છે. દસેય આંગળીએ વેઢ પહેરલા છે. માથા ઉપર સોનાની સળીએ સાફો શોભી રહ્યો છે. પીઠીથી ચોળાયેલા અંગનો વાન ફૂલગુલાબી બની ગયો છે. આંખોમાં સોયરાના દોરા તણાઇ ગયા છે. ઝરિયન અંગરખું અરઘી રહ્યું છે. પડખામાં મખમલ મઢેલી તલવાર પડી છે.

આવા દાજીભાની નજર ઘડીએ ઘડીએ મારગ માથે મંડાય છે. વેલડામાં બેસીને વાળીબા દાજીભાને ખાંડે પરણીને ચોથો ફેરો ફરવા લાઠી આવવાનાં છે. આખો ડાયરો ઓજણાંની વાટ જોતો બેઠો છે. આખા લાઠીમાં ઉજમ ઊછળે છે. ઘરે ઘરે આસોપાલવનાં તોરણા લટકી ગયાં છે. ચાકળા ચંદરવા ટીંગાઈ ગયા છે. નવાનકોર લૂગડાં પહેરીને આખું લાઠી કુંવર દાજીભાના લગનની મોજ માણી રહ્યું છે.

બરાબર આવો મોકો સાધીને લાખણકાના લાખા ચાવડાએ પચીસ ભેરુબંધ સાથે ઘોડે પલાણ નાખ્યાં. લાખણકા અને લાઠીને માથાવાઢ વેર હાલ્યા આવે છે. એકબીજા મોકે સોગઠી મારવાનું ચૂકતા નથી.

પચીસ ઘોડાને રાંગમાં રમાડતા લાખણકાના જુવાનોએ લાઠીના સીમાડે પગ દીધો. વેર લેવાનો આવો રૂડો અવસર લાખો ચાવડાથી જાતો થયો નહિ. લાઠીનું નાક થડમૂળમાંથી વાઢી લઇને લાખાને આજ વેરની આગ બુઝાવવી હતી. લાખાએ ભેરુબંધોને મારગમાં ટપાર્યા.

જોજો હો, મામલો જામવાવાળો જામશે.

એક સાથે અવાજો ઊઠયા :

લાખા, કાંઇ ફકર્ય નહિ.

દાજીભાના લગન એટલે ડાયરો સામટો હશે.

એની ઉપાધિ કરો મા.

આવા રૂડા સંગાથી સાંપડવાથી છાતી ગજ ગજ ફૂલી.

એક હારે પચીસ ઘોડાઓની લાઠીના સીમાડે હીંક બોલતી આવે છે. પંચાળી ઘોડાઓના ડાબા ધરતી માથે પડયાં ન પડયાં, ઊપડતા આવે છે. જંગ ખેલવા ચડેલા પચીશેય કાંડાબળિયા જુવાનોની આંખમાં લાલ ભડક ભડકા ઊઠી ગયા છે.

સીમાડેથી પાછા વળતા લાઠીના ધણને લાખા ચાવડાએ વાળ્યું.

પણ વળતા જ ગોવાળ મુઠ્ઠીઓ વાળીને પાદરમાં પૂગ્યો.

ભર્યા શ્વાસે સીમાડેથી પાછા ફરેલા ગોવાળ ઉપર નજર નોંધી દાજીભા બોલ્યા :

કાં ગોવાળ, આમ આકળો,

બાપુ, ભૂંડી થઇ.

જાણે ડાયરા માથે આભ ખાબક્યું હોય એમ સડાક કરતાં સૌ બેઠા થઇ ગયા  ને એકસો તલવારૂ તણાણી.

છે શું ? ફોડ પાડીને વાત કર્ય.

”બાપુ, આપણું ધણ વાળ્યું.”

કોણે ?

ડાયરામાંથી એક જણે પૂછ્યું એટલે દાજીભા બોલ્યો :

લાખા ચાવડા સિવાય બીજાનો ઘા નો હોય બાપ. તમે વેલડાને સંભાળજો, હું તો ઊપડું છું.

આખો ડાયરો હે..હે આર્થયા થાવમાં એમ બોલતો રહ્યો ને દાજીભા ઊપડયો. એનું પગેરુ દબાવતાં પછવાડે પચાસ ઘોડાઓ છૂટયાં.

સીમાડે પૂગતાં જ દાજીભાએ પડકાર કર્યો :

ઊભા રે’જો ચોરટાઓ.’

”અમે તો વાટ જ જોતા ઊભા છીએ, પણ તમારી નહિ.’

ત્યારે ?

‘લાઠીના ડાયરાની. તમે તો મીંઢોળબંધા.’ લાખાએ દાજીભાને ટાઢે કોઠે જવાબ દીધો.

‘ચાવડા, પેલા હું ને પછી મારા ભેરુબંધ.’

બાપ, તું તો હજી પીઠીઆળો છો અને મીંઢોળબંધો, મીંઢોળબંધા માથે ઘા ના હોય બાપ.

તો લે આ મીંઢોળ, બોલીને દાજીભાએ મીંઢોળને તોડીને ઘા કર્યો.

એક બાજુ પચીસનું કટક અને બીજી બાજુ એકલો દાજીભા. સામસામી ઝાટકાની ઝપટ બોલવા માંડી. પરણવામાં સોણલાને સંકેલીને દાજીભાએ ઘોડાને કુંડાળે નાંખ્યો. ધીંગાણું જામ્યું. ચાવડાના એક પછી એક પાંચ ભેરુબંધોના ઢીમ ઢાળી દીધા.

ત્યાં તો તલવારના ઘાને બદલે કટકમાંથી બરછી વછૂટી, જોરાવર હાથમાંથી છૂટેલી બરછી દાજીભાના ડાબા પડખાને વેતરતી સોંપટ નીકળી ગઇ. દાજીભા ઢગલો થઇને પડયા, પડેલા દાજીભા ઉપર પછેડી ઓઢાડી લાખો ભાગ્યો. ભાગતા લાખાને પાછળ આવેલા કટકે પડકાર્યો પણ પીઠ દેખાડેલા દુશ્મન માથે ઘા કર્યા વગર બાકીનો ડાયરો પાછો વળ્યો. દાજીભાના દેહને લઇને પાદરમાં પૂગ્યા.

ત્યાં તો વાળીબાનું વેલડું રૂમઝુમ કરતું આવીને ઊભું રહ્યું. જુવાનીને ઉંબરે પગલીઓ પાડનાર વાળીબાને અમંગળ એંધાણ વરતાણાં. વેલડાના પડદાની આડશમાંથી એણે ડાયરા માથે મીંટ માંડી. સૌના મોં ઉપર મશ ઢળી ગઇ હતી. માથા ઉપરથી પાઘડિયુંને ઠેકાણે ફાળિયાં મુકાયાં હતાં.
ચકોર વાળીબાએ દાસીને કહ્યું : ‘રૂપા, કાંઇક માઠા વાવડ લાગે છે.’

‘હા બા.’

ધુસકે ચડેલી રૂપાએ ટૂંકો જ જવાબ દીધો. એની જીભ લોચા વળતી હતી.

શું છે, વાત કર્ય.

‘બા, કુંવર કામ આવ્યા.’

‘ક્યાં.’

‘આંબરડી અને પીપળવાના સીમાડે. લાઠીનું ધણ પાછું વાળવા જાતાં.’

જરાય થડક્યા વગર વાળીબા બોલ્યાં :

વેલડાને પરબારુ દરબાર ગઢમાં લ્યો :

પણ.

‘શું પણ ! ‘

વાળીબાનો મિજાજ તરડાયો.

તમારાં લગન તો અધૂરા છે.

‘રૂપા, રાજપૂતાણી એક જ ધણીનું ઓઢણું ઓઢે છે, અઢારનું નઇ.’

આખો જનમારો..

‘આવા મરદ માણસનું મડદું જોવા મળે એઇ અદકેરા લેખ કહેવાય.’

રૂપા રાજપૂતાણીના રંગને પારખી ગઇ. વાળીબાએ સાપ કાંચલી ઉતારે એમ ટપોટપ અંગ ઉપરથી ઘરેણા ઉતારી નાંખ્યા. કાયાને અડવી કરી ચણોઠી ભાતની ચુંદડીને અળગી કરી ગુઢુ મલિર ઓઢી બોલ્યાં.

‘હાકો ઝટ વેલડું દરબારગઢમાં.’

વેલડું ઊપડયું ચોકમાં જઇને વાળીબા હેઠે ઊતર્યા. દાજીભાને દેન દીધા.

આખું જીવતર વાળીબાએ દાજીભાની મરદાનગી ઉપર ઓળઘોળ કરીને એના નામની માળા ફેરવતા કાઢી નાંખ્યું. વાળીબાને વાળુકડ ગામ જિવાઈમાં આપેલું.

આ વાતની સાબિતી આપતી આજે પણ આંબરડી અને પીપળવા ગામની વચ્ચે દાજીભાની ખાંભી ઊભી છે. દર ભાદરવી અમાસે રાજ-કુટુંબનો એક સભ્ય દાજીભાને કસુંબો પિવડાવવા જાય છે.

આ બનાવ સંવત ૧૮૪૦ ના મહા સુદી દસમ ને મંગળવારે બન્યો હતો.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

error: Content is protected !!