‘આજ રાતે અમે તમારું ગામ ભાંગવાના છીએ. મર્દાઇનો જેને ગો હોય, ઇ હથિયાર લઇને ગામને ઝાંપે ઊભા રહે.’ રાણપુરથી એકાદ ગાઉને અંતરે આવેલા નાગનેસ ગામને ઝાંપે, બહારવટિયાની જાસાચિઠ્ઠી ટિંગાતી હતી… જાસાચિઠ્ઠી બંધાણી છે એવી વાતે ગામ આખાનાં અન્નપાણી ઊડી ગયાં હતાં… શું કરવું એની ગડમથલ શરૂ થઇ. કાંઇ ન સૂઝ્યું એટલે આંધળી ભેંસ ‘મોઢવે’ જાય એમ સૌની નજર રાણપુર માથે ગઇ: ‘બે-ત્રણ જણા રાણપુર જાય અને છાપાવાળાને ખબર આપે.’
‘લ્યા, છાપાવાળા કાંઇ તોપું રાખે છે?’ ટીખળી બોલી ગયો.
‘ભલે, પણ એની પાસે ઘણા રસ્તા હોય.’
‘રસ્તો કાંઇ કલમથી નીકળશે? ઇ તો વળતા દી’એ સમાચાર છાપશે કે ગઇ રાતે નાગનેસ ભંગાણું…’ વાત કરનાર મમૉળુ હસ્યો:
‘છાપામાં બેઠા છે ઇ તો, બામણ અને વાણિયા છે… કાગના વાઘ!’
‘પણ ખબર દેવામાં આપણું શું જાય છે? આપણાથી તો કાંઇ થવાનું નથી, પછી?’ અને રોંઢડિયા વેળાએ નાગનેસથી બે જણ ચિઠ્ઠી લઇને રાણપુર આવ્યા.
‘સૌરાષ્ટ્ર’ની ઓફિસના દરવાજે ઊભા રહ્યા.
‘બોલો, કોનું કામ છે?’ ચોકીદારે ટપાર્યા.
‘છાપાવાળનું.’
‘એટલે કે તંત્રીનું?’
‘હા, ઇમને જ મળવું છે.’
‘ક્યાંથી આવો છો?’
‘નાગનેસથી.’
‘રજા લઇ આવું.’ કહીને ચોકીદાર કાર્યાલયમાં ગયો.અમૃતલાલ શેઠ બહાર હતા પણ ઝવેરચંદ મેઘાણી હાજર હતા… ચોકીદારે વાત કરી. મેઘાણીભાઇએ રજા આપી. ખચકાતા બે જણ મેઘાણીની ખુરશી પાસે આવીને ઊભા રહ્યા.
‘તમે નાગનેસથી આવો છો?’ ભરાવદાર મૂછોનો, મોટી ઉપરી આંખોનો, લાંબાં ઓડિયાંનો ચહેરો ઊંચો થયો. પેલા આગંતુકોએ બોલવાને બદલે બહારવટિયાનો જાસો, તેમના હાથમાં મૂક્યો.
મેઘાણીએ જાસો વાંચ્યો… ‘સૌરાષ્ટ્રની રસધાર’ના લેખકની આંખમાં શહીદી, સમર્પણ અને મર્દાનગીની કંઇ કેટલીય સિંદૂરવણીઁ ખાંભીઓ ચિતરાઇ ગઇ!‘હં…! ચિઠ્ઠી ક્યાંથી મળી?’
‘ગામના રખેહરે, ઝાંપેથી છોડી.’
‘પછી?’
‘કાંઇ સૂઝતું નથી.’
‘પણ વઢવાણ પોલીસને જાણ કરી?’
‘છેટું પડે અને જોખમનો પાર નૈ.’
‘શાનું જોખમ?’‘વઢવાણ જનારાનાં નામ બહારવટિયા જાણે તો એના આખા કુટુંબના કટકા કરે.’
મેઘાણી હસી પડ્યા. ‘એટલી બધી વાત?’
‘નૈ ત્યારે? ઇ તો ખોળામાં ખાંપણ લઇને મરવા નીકળ્યા છે પણ અમારાં છોકરાં રઝળી જાય ને, બાપુ?’
‘ગામમાં કોઇ હથિયાર પકડે એવું?’
‘છે, પણ-’ પેલા ખોટકાઇને ઊભા રહ્યા.
‘પણ હથિયાર તો છે ને?’
‘ઇ તો હોય જ ને?’
‘તમે આમ ફાટી પડશો તો શું થાશે?’ સૌરાષ્ટ્રની રસધારની શૌર્યકથાઓ લખનાર કલમનો ધણી, સામે ઊભેલા આદમીઓની મૂછો ઉપર થડંથડાનાં મહેણાં બાંધી રહ્યો હતો એના ગળામાંથી કાઠિયાણી ભાષાનો કઠોર મર્મ હોઠ પર ફરફરી ઊઠ્યો કે ‘ઓઇ મૂછડાં!’‘તમે કાંક રસ્તો કાઢો, સા’બ!’ પેલા ઓચર્યા.‘આમાં રૂડો રસ્તો તો કાંઇ ન નીકળે ભાઇ! મારે પોતાને બહારવટિયા સામે ઊભવું પડે.’ કહીને મેઘાણીએ લોંઠકા હોંકારાની રાહ જોઇ પણ કાંઇ ન મળ્યું!
‘હાલો’ કહીને એ કડેડાટ ઊભા થયા… ભીંતે લટકતી બંદૂક લીધી. માથા ઉપર સાફો મૂક્યો: ‘હું જ નાગનેસ આવું છું હાલો.’ અને કાગળની દુનિયામાંથી ઠેકડો મારીને મેઘાણીને કાજળઘેરી રાતનો મુકાબલો અંકે કર્યો. રાણપુરથી છાપાવાળા આવ્યા છે એવી વાત સંભળાણી ત્યારે ગામમાં થોડોક સળવળાટ થયો. માંદું માણસ પડખું ફરે એમ ગણ્યાગાંઠ્યા માણસોની હલચલ દેખાણી… થોડાક માણસો ગામને ચોરે આવ્યા. થોડાકને પાનો ચડ્યો, તે હથિયાર લઇને આવ્યા. છેવટે સૂરજ જતો રહ્યો. મેઘાણી એમની બંદૂક સજ્જ કરીને બેઠા હતા.
સોપો પડવાનો વખત થયો અને ફૂટેલા ઘડામાંથી પાણી વહ્યું જાય એમ ચોરે આવેલા ગ્રામજનો એક પછી એક, નોખનોખાં બહાનાં બતાવીને જતા રહ્યા!
મેઘાણીએ એકાકીપણાના અહેસાસને ઉપલા હોઠ તળે દબાવીને થોડી રમૂજ માણી લીધી! હવે તો મુકાબલો જ એક ઉપાય હતો… અધરાતનો ગજર ભાંગ્યો. ગામને ગોંદરે કૂતરાં ડાડવ્યાં. જોતજોતામાં આઠ દસ ઘોડા ડાબલા વગાડતાં ગામના ઝાંપેથી દાખલ થયા.
‘ખબરદાર!’ ગામના ચોરેથી ઘેઘૂર ગળાનો, નિર્ભયતા અને કઠોરતાથી ધધકતો પડકારો ઊઠ્યો.
બહારવટિયા પ્રથમ તો વહેમાયા, પછી અચંબાણા ને પડકારથી થોડા હેબતાણા પણ ખરા કે ગોત્યોય ન જડે એવો આ પડકારો, ગામમાં આવ્યો ક્યાંથી?
‘જો આગળ વધ્યા તો ભરેલી જ છે… સગી નહીં થાય.’ મેઘાણીએ બંદૂક ઊંચી કરી.
ચોરાના એકાંતમાંથી ઊઠેલા આવા નિર્ભય પડકારાના ને પથ્યમાંથી કાઠિયાણી સાફો, મૂછો અને ઘેઘૂર આદમીયત દેખાણી! બહારવટિયાને વહેમ આવ્યો: ‘આ પડકારો એકલા આદમીનો નથી. એકલાનું ગજું પણ નથી… કાં તો આપણા જેવા મરજીવા ક્યાંકથી આ ગામને ટિંબે આવ્યા હશે. ગામે રોટલા ખવડાવ્યા હશે પછી વાત સાંભળી ને એ જવાંમદોઁ લૂણ હલાલ કરવા જ ચોરે બેઠા છે.’ અને વળતી પળે બહારવટિયા પોબારા ગણી ગયા.
લૂંટારા દૂર નીકળી ગયાની ખાતરી થતાં મેઘાણીએ ચડાવેલો બંદૂકનો ‘ઘોડો’ નીચે ઉતાર્યો અને બંદૂક ખભે મૂકી. ગામના બીકણ આદમીઓની શાબાશી ઝીલવા કરતાં સીમનાં શિયાળવાં સાંભળવા સારાં એમ માનીને મેઘાણીએ રાણપુર તરફ પગ ઉપાડ્યા…મોડી રાતે રાણપુર છાપાના કાર્યાલયમાં આવ્યા…અમૃતલાલ શેઠ આવી ગયા હતા. એમણે વાત પણ મેળવી હતી. મેઘાણીને હસતા આવેલા જોઇને ખાતરી થઇ ગઇ કે ફતેહ મેળવી છે.
‘તમે બહારવટિયાનો મુકાબલો કરવા ગયા’તા કે?’
‘હા જી શું કરું?’ મેઘાણી હસ્યા.
‘ભાઇ! આવા જીવસટોસટ સાહસમાં પડશો તો આપણા છાપાનું શું થાશે? માનો કે તમે-’‘મુકાબલામાં ખપી ગયો… હોત તો ખરુંને?’
મેઘાણીએ હસતાં હસતાં ઉમેર્યું: ‘શેઠ! હું વાર્તાઓ મરદની લખું છું અને મારામાં એનો છાંટોયે ન હોય તો ઇ વાર્તાઓ વાંચે કોણ? કદાચ ખપી જવાયું હોત તો સૌરાષ્ટ્રની રસધાર’માં અવર કોઇ કલમે, એક કથાનો ઉમેરો થાત…’ અને મેઘાણી હસી પડ્યા.
‘સૌરાષ્ટ્રની રસધાર’ પણ હસી હશેને?
લેખક:- નાનાભાઈ જેબલિયા