શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ

હિન્દુ ધર્મની પાટનગરી હોય તેવી આ વારાણસી નગરી… અને અહીં સ્થિત છે કાશી વિશ્વનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ…! તેના સુવર્ણ મંડિત શીખરનું ઐશ્વર્ય અને કલાત્મક સ્થાપત્ય અન્ય મંદિર કરતાં વિશેષ છે, મંદિરની ભવ્યતા કાંઈ વિશેષ નથી કે નથી તેની પાસે વિશાળ પટાંગણ… પણ એથીય કાંઈક સવિશેષ છે જે આ મંદિરને અદકેરૂ સ્થાન આપે છે… અને તે છે કાશી નગરીમાં તેનું સ્થાન!

સ્વયં કાશીનગરી શિવજીએ પ્રસ્થાપિત કરી હતી… અને તે પણ અંતરિક્ષમાં ! શિવપુરાણ પ્રમાણે સંસારનાં પ્રારંભે પુરૂષ અને પ્રકૃતિ માત્ર હતાં, અને તેઓને જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન કરવા તપ કરવા જણાવવામાં આવ્યું તો પુરૂષ-પ્રકૃતિ એ શિવજી સમક્ષ તપ કરવા માટેનાં સ્થાનની માંગણી કરી… તો નિર્ગુણ શિવજીએ તેજના સારરૂપ પાંચગાઉના વિસ્તારવાળી તથા સર્વ સંપન્ન એક નગરી બનાવી અંતરીક્ષ વચ્ચે સ્થાપિત કરી. પછી તેમાં પુરૂષ એટલે કે વિષ્ણુએ તપ-ધ્યાન આદર્યું… તો તેઓનાં ભવ્ય શરીરમાંથી પરિશ્રમનાં કારણે જળધારાઓ વહેવા લાગી… જે જોઈ વિષ્ણુએ અહો આશ્ચર્યમ્… ! કહી પોતાનું મસ્તક ધુણાવ્યું એટલે પ્રભુનાં કર્ણમાંથી એક મણિ તેમની આગળ પડ્યો… તે જ સ્થાન આ “મણિકર્ણિકા….” નામે મોટું તીર્થધામ બન્યું.

હવે આ મણિકર્ણિકા તથા પાંચગાઉનાં વિસ્તારની આ નગરી જળધારાનાં પૂરમાં ડૂબવા લાગી ત્યારે નિર્ગુણ શિવજીએ તરત જ પોતાના ત્રિશૂળ પર તેને ધરી રાખી. આ દરમ્યાન સ્વયં વિષ્ણુ તો પોતાની સ્ત્રી-પ્રકૃતિ સાથે ત્યાં જ શયન કરતાં રહ્યાં… ત્યારે શિવજીની આજ્ઞાથી તેમનાં નાભિકમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા… અને આ બ્રહ્માજીએ શિવજીની આજ્ઞા વડે અદૂભૂત સૃષ્ટિની રચના કરી… અને આ પાંચગાઉની નગરીને સૃષ્ટિનાં ઋષિમુનિઓએ પચાસ કરોડ યોજનથી અધિક ગણી! શિવજીએ ત્યારબાદ વિચાર્યું કે હવે આ અખિલ સૃષ્ટિમાં હવે મને લોકો કેવી રીતે જાણશે? તેમ વિચારી શિવજીએ આ નગરીને ત્રિશૂલધારથી છૂટી કરી. આ “નગરી’ મૃત્યુ લોકમાં શુભદાયક તથા કર્મનો નાશ કરનારી માનવામાં આવી અને જ્ઞાનની દાત્રી હોઈ મોક્ષનો પ્રકાશ ફેલાવનારી ગણવામાં આવી. તેથી જ તે “કાશી’ નામે પ્રસિદ્ધ બની અને પૃથ્વીલોકમાં અવતરી.  – જ્યાં મૃત્યુ પામનાર વ્યક્તિમાં બ્રહ્મજ્ઞાન પ્રકાશિત થાય છે તે સ્થળ ““કાશી” છે.

અહીં પરમાત્મા શિવે પોતે જ “મારા અંશરૂપ હે જ્યોતિર્લિંગ… આ ક્ષેત્ર તમારે કદિ છોડવાનું નથી! એમ કહી “અવિમુક્ત” નામે જ્યોતિર્લિંગ અહીં સ્થાપ્યું ! અને શિવજીએ કહ્યું કે… હે મુનિઓ, બ્રહ્માનો પ્રલંબ દિવસ સંપન્ન થાય તો પણ આ મારી કાશીનગરી નાશ પામતી નથી અને જેઓની સદ્ગતિ ક્યાંય ન થાય તેવા મનુષ્યની પણ અહીં સદ્ગતિ થાય છે.” આમ મોક્ષદાત્રી પવિત્ર કાશીનગરી સાક્ષાત વિશ્વનાથ મહાદેવની નગરી છે. જ્યાં સદાકાળ વિશ્વનાથ વાસ કરે છે અને સાક્ષાત જ્યોતિલિંગરૂપે અહીં બિરાજમાન છે.

sliderimage3

જે શિવભક્ત સાધ્વી અહલ્યા દેવી હોલકરે ઈ. ૧૭૦૩માં સોમનાથનું જે નવું મંદિર અર્થાત પરિમાર્જિત સ્વરૂપ આપ્યું એ જ અહલ્યા દેવી હોલકરે આજનું કાશી વિશ્વેશ્વર મંદિર ઈ.સ. ૧૭૭૭માં બંધાવેલું. આમેય ભારત એટલે મંદિરો, નદીઓ, સાગર અને વૃક્ષોના ચૈતન્યને પ્રણામ કરવાવાળો દેશ છે, જે આ દેશના લોકોમાં સહિષ્ણુતાના સંપન્ન સંસ્કારો છે.

તો આવા જ કારણે જ અને આમાં પણ બનારસી એટલે તો મંદિરોનું જ નગર જ્યાં ઈ. ૧૭પપમાં ઔદ્યના પંત પ્રતિનિધઇએ બિંદુ માધવના પ્રાચીન મંદિરોનું સમારકામ કરાવડાવેલું.

એ પછી ઈ. ૧૭૮૫માં કાશીરાજ મંસારામ અને એમના ચિરંજીવી બલવંતસિંહે વારાણસીમાં ઘણા મંદિરો બંધાવેલા. ત્યાં ઈ. ૧૮૫રમાં શ્રીમંત બાજીરાવ પેશવો કાળભૈરવનું મંદિર નિર્માણ કરેલું. આ વારાણસીમાં શ્રી વિશ્વેશ્વર જ્યોર્તિલિંગ પણ અસ્તિત્વ ધરાવે છે. ભારતના ટોચના દ્વાદશ એટલે કે બાર જ્યોર્તિલિંગમાં ઉત્તરપ્રદેશના કાશી અર્થાત વારાણસીમાં એકમાત્ર જ્યોર્તિલિંગ આવેલું છે.

આ ભારતનું એક અત્યંત પ્રાચીન તીર્થ સ્થળ છે. જ્યાં ગંગા વહે છે. અહીં વારૂણી અને એંશી નદીઓનું ગંગાજીમાં મિલનનું સંગમ સ્થળ હોવાથી આ તીર્થ ભૂમિને વારાણસી તરીકે પ્રસિધ્ધિ મળી છે.

વળી અહીં પ્રાચીન કાળમાં કાશ જાતિના લોકો રહેતા હોવાને કારણે આને કાશી નગરી તરીકે પણ પ્રસિધ્ધિ મળી જ છે. ઉપરાંત અહીંયા પૂર્વના વર્ષોમાં બનાર નામનો રાજા થઈ ગયેલો, જેના કારણે બનારસી નામ પણ આ નગરને મળ્યું.

શાસક બનારે આ તીર્થ સ્થળનું સમૃધ્ધિમાં રૂપાંતર કરેલું. એટલે કાળાંતરે એકજ નગરીને વારાણસી, કાશી અને એ પછી બનારસ નામ મળ્યું.

કાશી પાસે ગંગા નદીએ ધનુષ જેવો આકાર ધારણ કર્યો છે. આથી સ્વાભાવિક છે કે જેને ગંગાનો સાથ ને સ્પર્શ મળ્યો. તે પુણ્યભૂમિને કોણ ના સ્મરે? આથી કાળાંતરે કોઈક દિવ્યદાસ નામના એક મહાન રાજાએ પણ આ પવિત્ર ક્ષેત્રનો વિસ્તાર કર્યો અને સમૃદ્ધિનો વૈભવ પણ એણે અત્યંત શુભ ભાવનાથી અભિવૃધ્ધ કર્યો.

sliderimage2

જ્યોતિર્લિંગની ઉદ્દભવનગરી કાશીને વારાણસી, અવિમુક્તક્ષેત્ર, આનંદકાનન, મહાસ્મશાન, રૂદ્રાવાસ, કાશીકા, તપસ્થતી, મુક્તભૂમિ, શિવપુરી, ત્રિપુરારીરાજનગરી, આમ દ્વાદશનામથી પણ પુરાણોમાં વર્ણવી છે.

કાશીમાં જે લિંગ છે તે અવિમુક્તશ્વર લિંગ તરીકે ખ્યાતનામ છે.

કાશીમાં જ્યોર્તિલિંગના સ્થળે મંદિરો પણ થયા. કાશીની ઓજસ્વિતા તો વેદકાળથી જ ચાલી આવી છે. ખાસ કરીને મરાઠાઓ, જૈન અને બૌદ્ધ ધર્મીઓએ કાશીના વૈભવને કેમ વધારે સમૃધ્ધિ મળે એ પ્રકારના સક્રિય શુભકાર્યો પણ થયા જ.

આમાં સકાર્યોમાં અંગ્રેજો પણ આવી જાય છે. જ્યારે કેવળ મુસ્લીમ શાસકો સદા જેમ મંદિર વિરોધી રહ્યા છે તેમ પવિત્ર વારાણસી માટે પણ તેઓ ખંડિત વ્યવહાર જ કરતા રહ્યા. તેઓએ ઈ.સ. ૧૦૩૩થી ૧૬૬૯ સુધી લાગલગાટ ત્યાંના મંદિરોને તોડતા રહ્યા અને એને સ્થાને મસ્જિદ ઉભી કરતા રહ્યા.

આમ છતાં વિશ્વેશ્વર ભગવાન શંકરની અસીમ કૃપા ક્યારેય ઓછી ન થઈ અને હિન્દુઓની ભક્તિથી ત્યાં જ જ્યોર્તિલિંગ વધુને વધુ સ્થાઈ અને પવિત્ર સ્વરૂપ પકડતું રહ્યું.

આ કાશી વિશ્વનાથ અર્થાત શ્રી વિશ્વેશ્વર જ્યોર્તિલિંગને વધુ શોભાયમાન કરવા મહારાજા રણજિતસિંહે મંદિરની ગુંબજ, ટોચને કેવળ સોનાથી જ અલંકૃત કરાવી આપ્યું તેમજ એક જબરદસ્ત મોટો ઘંટ નેપાળના મહારાજાએ ભેટ આપ્યો.

એક નહીં પણ ત્રણ ત્રણ વારાણસી, કાશી અને બનારસી નામથી સુશોભિત આ નગરીનું એક તીર્થસ્થળ તરીકે એટલું બધું મહત્વ રહ્યું છે કે આક્રમણખોર મુસ્લિમ વિદેશી માનવો દ્વારા તો શું પણ પ્રકૃતિના વિનાશ થપ્પડોમાં પણ આને આજ સુધી આંચ નથી આવી. કહેવાય છે કે સ્વયં દંડાપિ તથા કાળ ભૈરવની અમી રક્ષાથી આ નગરી સુરક્ષિત રહી શકી છે.

નારદ પુરાણમાં વારાણસી પરત્વે કહેવાયું છે કે

વારાણસી તુ ભવનત્રસારભુતા,

રમ્યા તૃણા સુગત્રિદા કિલ સેવ્યમાના

અત્રગદા વિવિધદુષ્કૃત કારણોડપ

પાપયે વિરજસ: સુપન પ્રકાશાઃ

આમ આ વિશ્વેશ્વરનું જ્યોર્તિલિંગ સંસારનું સૌથી વિશેષ શ્રધ્ધાળુ સ્થાન ગણાવાયું છે, જ્યાં ગંગાનું જળ ધરતીનું અમૃત કહેવાયું છે. વળી મોક્ષ માટે કાશીનું મરણ પણ અંતિમ સંસ્કારનું સ્થળ કહેવાયું છે. તેમજ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા નિર્માણ પામેલી આ નગરી એટલી બધી પુણ્યશાળી કહેવાઈ છે કે આ કાશી નગરીમાં સ્વયં દેવતાઓએ પણ મરણની ઈચ્છા વ્યક્ત કરી છે.

આવું ઈચ્છવું અત્યંત સ્વાભાવિક છે કે જ્યાં સ્વયં બ્રહ્માજીએ શિવજીની આજ્ઞાથી આવી અદ્ભુત નગરી બનાવી હોય તેમજ પ્રત્યેકને પોતપોતાના કર્મોથી બંધાયેલા જીવોના શ્રેયાર્થે મુક્તિ અપાવવા માટે જ્યોર્તિલિંગની જાતે જ સ્થાપના કરી હોય પછી એની ભવ્યતા કેમ ના હોય !

આથી કાશીમાં અવિમુક્તશ્વર લિંગ સ્થાઈ સ્વરૂપે સ્થાપિત કહ્યું છે. જ્યાં ભગવાન શંકર સાથે પાર્વતીજી પણ સાથે વાસ કરે જ છે. કદાચ આવા જ બધા કારણોસર કાશી નગરી ત્યારે ને આજે પણ તપ, સાધના, આવાસ, નિવાસ, વિદ્યા, જ્ઞાન, સંપન્નતા તથા મોક્ષ માટેની ઉત્તમ સ્થળ અર્થાત મુક્તશ્વરી નગરી પણ કહેવાઈ છે.

ૐ નમઃ શિવાય

જયશ્રી વિશ્વેશ્વર મહાદેવ !

તો મિત્રો આ હતો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનો ઇતિહાસ જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી સ્તંભેશ્વર મહાદેવનો પ્રાચીન ઇતિહાસ

શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ

– શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ- તરણેતર

શ્રી કેદારનાથ ધામનો ઇતિહાસ

શ્રી ધેલા સોમનાથનો અદભુત ઇતિહાસ

શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!