સોમનાથ જ્યોતિર્લીંગ અને સોમનાથ (પ્રભાસ પાટણ)   

સૌરાષ્ટ્રદેશે વિશદે‌உતિરમ્યે જ્યોતિર્મયં ચંદ્રકળાવતંસમ |
ભક્તપ્રદાનાય કૃપાવતીર્ણં તં સોમનાથં શરણં પ્રપદ્યે || 1 ||

ગુજરાતની ધર્મપરાયણતા યુગો યુગોથી ચાલી આવી છે. ભગવાન શ્રીકૃષ્ણ એટલે જ ગુજરાતમાં આવી વસ્યાં હતાં બાર જ્યોતિર્લીંગો પૈકીના ૨ ગુજરાતમાં છે સોમનાથ અને નાગેશ્વર અને બંને સૌરાષ્ટ્રમાં છે

અરબી સમુદ્રની છાલકોથી પવિત્ર થતું જયોતિર્લિંગ એટલે સોમનાથ. પૌરાણિક કાળને સીધું જ આધુનિક કાળમાં લઇ જતું જયોતિર્લિંગ એટલે સોમનાથ. દુનિયાભરના લુંટારાઓએ પણ જેની જાહોજલાલી અને અને એના વૈભવને કોઈ જ કસર નહોતી છોડી એ જ્યોતિર્લીંગ એટલે સોમનાથ. હમીરજી ગોહિલની વીરગાથા રજુ કરતુ જ્યોતિર્લીંગ એટલે સોમનાથ. ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શિવજીનાં તાદાત્મ્યનું સ્થળ એટલે સોમનાથ જ્યોતિર્લીંગ. ઘણા પૌરાણિક સ્થાનકો ધરાવતું ગુજરાતનું અદભુત અને નયનરમ્ય સ્થળ એટલે સોમનાથ જયોતિર્લિંગ. ગુજરાતનું દરિયાઈ ફ્રન્ટ ધરાવતું એકમાત્ર નગર એટલે સોમનાથ જ્યોતિર્લીંગ ‘

સૌ પ્રથમ એ જાણી લેવું આવશ્યક છે કે આ જ્યોતિર્લીંગ એટલે શું ? જ્યોતિર્લીંગ એટલે કે જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર આ પૃથ્વી પર ૧૨ સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયાં છે. આ બાર સ્થળોને જ્યોતિર્લીંગની સંજ્ઞા આપવામાં આવી છે.
આ બાર જ્યોતિર્લીંગના નામ છે-

  • [૧] સોમનાથ
  • [૨] નાગેશ્વર
  • [૩] મહાકાલેશ્વર
  • [૪] મલ્લિકાર્જુન
  • [૫] ભીમશંકર
  • [૬] ઓમકારેશ્વર
  • [૭] કેદારનાથ
  • [૮] કાશી વિશ્વનાથ
  • [૯] ત્ર્યંબકેશ્વર
  • [૧૦] ધૃષ્ણેશ્વર
  • [૧૧] રામેશ્વર,
  • [૧૨] બૈજનાથ.

સૌરાષ્ટ્ર (ગુજરાત) માં આવેલું આ સૌથી જૂનું અને મહત્વપૂર્ણ જ્યોતિર્લીંગ છે. આ જ્યોતિર્લીંગનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું ત્યાર બાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું. રાવણ બાદ ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનની લાકડીઓથી કરાવ્યું હતું અને ત્યાર બાદ ભીમદેવે પત્થરથી આનું નિર્માણ કરાવ્યું હતું

સોમનાથ જ્યોતિર્લીંગ  ———-
હિંદુ ધર્મમાં સોમનાથનું એક અલગ જ સ્થાન છે. સોમનાથ મંદિરને ૧૨ જ્યોતીર્લીન્ગોમાં પહેલું સ્થાન પ્રાપ્ત છે એટલું જ નહીં , કહેવાય છે કે મહાદેવજી આ જગ્યાએથી કોઈ પણ ભક્તને ખાલી હાથે પાછાં નથી કાઢતાં.

ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં થઈને પ્રભાસ તીર્થમાં કદમ મુકતાં જ દૂરથી જોવા મળતો ધ્વજ જે હજારો વર્ષથી ભગવાન સોમનાથનું યશોગાન કરતો આવ્યો છે. જેને જોઇને શિવની શક્તિનો, એમની ખ્યાતિનો એક એહસાસ થાય છે !!! આસમાનને સ્પર્શ કરતુ મંદિરનું શિખર દેવાધિદેવનો મહિમા બયાન કરે છે. પોતાનાં ભવ્ય રૂપમાં મહાદેવજી પોતાનાં ભક્તોનું કલ્યાણ કરે છે !!!

એક પૌરાણિક માન્યતા આનુસાર સોમનાથ મંદિરમાં સ્થાપિત જ્યોતિર્લીંગ જ દ્વાદશ જ્યોતિર્લીંગોમાં સ્થાપિત સૌથી પહેલું રુદ્ર જ્યોતિર્લિંગ છે. અહી આવીને પોતાનું મન ભગવાનને અર્પણ કરવાં વાળાંઓની દરેક મુરાદ પૂરી થાય છે. ઉમ્મીદોની ખાલી ઝોળી લઈને શ્રદ્ધાળુઓ સવારથી જ ભગવાન સોમનાથનાં દર્શન માટે કીડીયારાની જેમ ઉભરાતાં હોય છે અહીં આવવાંવાળાં દરેક શ્રદ્ધાળુઓના મનમાં એ અતુટ વિશ્વાસ હોય છે કે — હવે એમની મુસીબતોનો અંત આવી જશે , તો કોઈ પોતાનાં પાપોનાં પ્રાયશ્ચિત માટે આવે છે, તો કોઈ પોતાનાં સુહાગની લાંબી આયુની મન્નત લઈને સોમનાથ ભગવાન શિવજીની આરાધના કરે છે, તો કોઈ પોતાના નૌનિહાલ ને ભગવાનનાં દરબારમાં એ ઉમ્મીદ લઈને આવે છે કે ભગવાન શિવજી એમને લાંબા અને નીરોગી જીવનનો આશીર્વાદ મળી શકે. દેશ -વિદેશનાં હજારો શ્રદ્ધાળુઓ રોજ અહીં આવે છે !!!

મંદિરમાં સૌથી પહેલાં ભક્તોને દર્શન અને મુલાકાત ભગવાનનાં પ્રિય વાહન નંદી સાથે થાય છે. જેને જોઇને એમ લાગે છે કે જાણે નંદી ભગવાન નાં દરેક ભક્તની આગેવાની ના કરતાં હોય !!! મંદિરની અંદર પહોંચ્યા પછી એક અલગ જ દુનિયા અને એક અલગ જ અનુભૂતિનો અહેસાસ થાય છે. જ્યાં જ્યાં આપણી નજર પડે બસ ત્યાં ત્યાં ભગવાન શિવજી અને તેમના ચમત્કારો સિવાય બીજું કશું જ નજરે નથી પડતુ.  ભગવાન શિવજીના અદભૂત રૂપનાં શ્રુન્ગારના સાક્ષી બનવાનો મોકો કોઈ પણ ભક્ત ગુમાવવા નથી માંગતો !!!

મસ્તક પર ચંદ્રમાને ધારણ કરેલાં દેવોનાં દેવ મહાદેવને સૌથી પહેલાં પંચામૃત સ્નાન કરવવામાં આવે છે. સ્નાન પછી વારો આવે છે એમનાં ભવ્ય અને અલૌકિક શ્રુંગારનો, શિવલિંગ પર ચંદનથી ૐ અંકિત કરવામાં આવે છે અને એમને બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે. શિવ ભક્તિમાં ડૂબેલા ભક્તો પોતાનાં આરાધ્ય દેવનું આ અલૌકિક રૂપ જોતાં જ દંગ રહી જાય છે. અને એમને એ અહેસાસ થઇ જાય છે કે એમનું જીવન ધન્ય થઇ ગયું. ભગવાન સોમનાથની પૂજા પછી મંદિરનાં પુજારી ભગવાનની દરેક રૂપમાં આરાધના કરે છે !!!જેને જોવું એ પોતાની જાત માટે એક સૌભાગ્યની વાત છે ……

અંતમાં એ એ અરબી સમુદ્રની આરતી ઉતારવામાં આવે છે જે સવાર સવારમાં ઉઠીને પોતાની લહેરોથી ભગવાનનાં ચરણોનો અભિષેક કરે છે, પરંતુ જતાં જતાં ભક્તગણ ભગવાન શિવજીનાં વાહન નંદીજીને પોતાની મન્નતો ભગવાન સુધી પહોંચાડવાની સિફારિશ કરવાનું નથી ભૂલતાં કારણકે ભક્તોનું એવું માનવું છે કે એમનાં આરાધ્ય દેવ સુધી એમની દરેક ગુજારીશ નંદીજી જ પહોંચાડે છે !!!

સોમનાથ મંદિરની બનાવટ અને મંદિરની દીવાલો પર કરવામાં આવેલી શિલ્પકારી શિવ ભક્તિનો ઉત્કૃષ્ટ નમુનો છે. સોમનાથ મંદિરનો ઈતિહાસ બતાવે છે કે સમય-સમય પર મંદિર પર ઘણાં આક્રમણ થયાં, ઘણી તોડ-ફોડ કરવામાં આવી, મંદિર પર કુલ ૧૭ વખત આક્રમણ થયા અને દરેક વખતે મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો, પરંતુ મંદિર પર કોઈ પણ કાલખંડનો કોઈ જ પ્રભાવ જોવાં નથી મળતો. કહેવાય છે કે —– સૃષ્ટિની રચના સમયે પણ આ શિવલિંગ મૌજૂદ હતું. ઋગ્વેદમાં પણ એનું મહત્વ બયાન થયેલું જ છે. ધર્મ ગ્રંથો અનુસાર શ્રાપથી મુક્તિ મેળવવા માટે ચંદ્રમાએ અહીંયા શિવજીની આરધના કરી હતી. એટલાં માટે ચંદ્ર એટલે સોમનાં નામ પર જ આ મંદિરનું નામ પડયું ——- સોમનાથ !!!

વેરાવળની નજીક આવેલું આ સોમનાથ એ દરિયા કિનારાથી શોભતું એક સુંદર જ્યોતિર્લીંગ છે. સોમનાથ મંદિર બિલકુલ દરિયા કિનારે આવેલું છે. રોજ દરિયાની છાલકોથી આ મંદિર પાવન થતું જ રહે છે. પશ્ચિમના અરબી સમુદ્ર તટ ઉપર જ્યાં સરસ્‍વતી નદી સાગરમાં મળે છે ત્‍યાંથી ભાદર સુધી નદી સુધીનો પ્રદેશ, ગીરના જંગલોમાં તુલસીશ્‍યામથી માધવપુર સુધીનો વિસ્‍તારમાં ભગવાન શંકર અતલ સુધી રહેલ હતા. અવકાશ અને પૃથ્‍વીની વચ્‍ચેના આ પ્રભામંડલમાં શિવજીની આરાધના કરવાથી પ્રભા અર્થાત તેજ-કાંતિ પ્રાપ્‍ત થાય તેવી આશા અને શ્રદ્ધાનું આ પવિત્ર સ્‍થળ તેથી ‘પ્રભાસ‘ કહેવાયું છે. અને પાટણ શબ્દ પતન પરથી આવ્યો છે એટલે આ નગરનું નામ પ્રભાસપાટણ પડ્યું છે.

પુરાણોમાં પણ આ પ્રભાસપાટણ અને સોમનાથ મહાદેવનો ઉલ્લેખ જોવાં મળે છે. પુરણકથા મુજબ ચંદ્રદેવ પોતાની આભા ખોઈ બેઠાં હતાં. એમનો પ્રભાવ ઓસરતો જતો હતો. ચંદ્રદેવને નક્ષત્ર નામવાળી ૨૭ પત્‍નીઓ છે, તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી.. તેમાંથી રોહીણી નામવાળી પત્‍ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્‍ન રહેતાં. બાકીની ૨૬ પત્‍નીઓ જે બધી સગી બહેનો જ હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિવસ પિતા દક્ષ દિકરીઓને દુ:ખી જાણી દુ:ભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે કૃપા કરી દરેક પત્‍નીઓ સાથે સરખો પ્રેમભાવ રાખો. પણ ચંદ્ર મહારાજે વડીલ સસરાની આજ્ઞા માની નહી. ૨૬ દિકરીઓને ઉદાસ રાખી અપમાનીત કરનાર ચંદ્રથી દુ:ખી પિતા દક્ષરાજે  “ચંદ્ર તારો ક્ષય થાવ” આવો શ્રાપ આપ્‍યો. દિન પ્રતિદિને ચંદ્રની પ્રભા નષ્‍ટ થઈ ગઈ. ચંદ્રના તેજ વગર અન્ન ઔષધી રસ વગરના થઈ ગયા અને પ્રજા નષ્‍ટ થવા લાગી.

આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી ચંદ્રએ રોહીણી સાથે પૃથ્‍વી અને અવકાશ વચ્‍ચેના આ સ્‍થળે પ્રભાની આશા સાથે તપસ્‍યા શરૂ કરી. તપથી પ્રસન્ન થયેલ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપથી અંશત છુટકારો થયો અને પુન: પ્રભાયુક્ત થઈ ગયો અને ત્‍યારથી આ મુખ્‍ય તીર્થ પ્રભા આશ કે પ્રભાસના નામથી વિખ્‍યાત થયું છે. ત્‍યાર પછી બ્રહ્માજીએ અર્ધચંદ્રને ધારણ કરનાર ભગવાન શિવજીનું સ્‍થાપન ચંદ્ર અને રોહીણી પાસે સુવર્ણમય મંદિરમાં કરાવ્‍યું. ત્‍યારથી અહીં સોમ-નાથ કે ચંદ્ર-પ્રભુના જ્યોતિર્લીંગ ગણાય છે.

સોમનાથના બસ સ્‍ટેશન પાસે જ સોમનાથ મહાદેવનું પ્રાંગણ આવે છે. થોડે દુર રાણી અહલ્‍યાબાઈનું સ્‍થાપેલ સોમનાથનું જૂનું શિવ મંદિર આવેલ છે. મોગલોના પતન પછી મરાઠા સરદાર ધનાજી જાદવે સૌરાષ્‍ટ્ર સર કર્યું. ત્‍યારે ઈંદોરના હોલકર મહારાણી અહલ્‍યાબાઈએ પુરાણા ખંડિત શિવમંદિરથી થોડે દુર સોમનાથનું આ શિવમંદિર ઈ. સ. ૧૭૮૩માં બંધાવ્‍યું છે. નીચે ભૂગર્ભમાં ભવ્‍ય શિવલીંગ સહ ઉમાની કાળાપાષણની મૂર્તિના દર્શન અને પૂજન કરવાનો બેવડો લાભ યાત્રિક જાતે જ લઈ શકે છે.

સોમનાથના મંદિરો હજારો વર્ષમાં વારંવાર બન્‍યા છે. રાજા રાવણે રજતનું મંદિર બનાવેલ, રાજસૂય યજ્ઞ પછી સમ્રાટ યુધિષ્ઠિરે સુગંધી ચદન કાષ્‍ટનું વિશાળ શિવમંદિર બનાવેલ. કાળાંતરે અનેક સમ્રાટો, મહારાજ ભોજ, રાજા ભીમે, રાજા મહીપાલે શિવમંદિર બનાવેલ છે. અને ગિજનીના મહંમદે, અલાઉદ્દીન ખીલજી, મહંમદ બેગડો, મોગલશાહ ઔરંગઝેબે ધર્મની અસહીષ્‍ણુતાથી રત્‍નો અને સંપત્તિયુક્ત મંદિરો તોડીને લુંટ્યા છે. તેનો નાશ કર્યો છે. સમયાંતરે ભારતની સંસ્‍કૃતિએ ભગવાન શંકરના આ સનાતન જ્યોતિર્લીંગની અહીં ફરી સ્‍થાપના કર્યા જ કરી છે.

સમયના અનેક વહેણ વહી ગયા પછી દેશ આઝાદ થયો ત્‍યારે ઈ. સ. ૧૯૪૭માં ભારતના લોકપ્રિય “લોખંડી પુરૂષ” સરદાર વલ્‍લભભાઈએ સમુદ્રનું જલ હાથમાં લઈ સોમનાથના જીર્ણ – શીર્ણ પુરાણા ખંડીયેર, ભગ્ન શિવમંદિરની જગ્‍યાએ જ નવું સોમનાથનું મંદિર કરવાનું નક્કી કર્યું. શિવજીના મહામેરૂપ્રસાદ મંદિરનો અહીં શિલારોપણ ઈ. સ. ૧૯૫૦ના ૮મી મેના રોજ થયો. ઈ. સ. ૧૯૫૧ના ૧૧મી મે, વિક્રમ સંવત ૨૦૦૭ના વૈશાખ સુદ – ૫ ના દિવસે પ્રભાતે ૯ – ૪૭ કલાકે ભારતના પ્રથમ રાષ્‍ટ્રપતિ ડો. રાજેન્‍દ્રપ્રસાદે ભગવાન સોમનાથની પ્રતિષ્‍ઠા વિધિ કરી છે.

છેલ્‍લા હજારો વર્ષથી આ તેજ બ્રહ્મશિલા તેમની તેમજ છે, જ્યાં આજે જ્યોતિર્લીંગ સોમનાથ નવા બંધાયેલ “મહામેરૂ પ્રસાદ” મંદિરમાં પ્રકાશી રહ્યું છે. સોમનાથ મંદિરની પુન:પ્રતિષ્‍ઠાને ઈ. સ. ૨૦૦૦માં ૫૦ વર્ષ પુરા થતા મંદિરનો સુવર્ણ મહોત્‍સવ થયો હતો. સોમનાથ મહાદેવની આરતી સવારે ૭ વાગ્‍યે, બપોરે ૧૨:૦૦ વાગ્‍યે અને સાંજે સૂર્ય અસ્‍ત થવાના સમયે થાય છે. સવારના ૬ થી રાત્રીના ૯ વાગ્‍યા સુધી દર્શન થઈ શકે છે. સોમનાથ મંદિર માટે પ્રાણ આપનાર હમીરજીનો પાળીયો અને કર્પદી ગણેશ તથા હનુમાનજીના સ્‍થાનકો આ ચોગાન મધ્‍યે છે. પ્રાચિન ગ્રંથો અને ઈતિહાસના આધારે શ્રી દિગ્‍વીજય દ્વાર નવાનગરના રાજમાતાએ તૈયાર કરાવ્‍યું છે. દ્વાર સામે જ સરદારની પ્રતિમા શોભી રહી છે. બાજુમાં જ રાજ્ય સરકારનું મ્‍યુઝીયમ છે. જેમાં પુરાણા સોમનાથ મંદિરના પથ્‍થરના શિલ્‍પો-શિલાલેખોની વિશાળ શ્રેણી પ્રદર્શિત છે.

અહીંથી થોડા અંતરે જ વૈશ્નવોનું દૈત્‍યસુદન વિષ્‍ણુનું અને જૈનોનું પવિત્ર તિર્થ “ગજેન્‍દ્રપૂર્ણ પ્રસાદ” નામનું ભવ્‍ય જૈન મંદિર આવે છે. વર્તમાન ચોવીશીના ૮માં તિર્થંકર ચન્‍દ્રપ્રભુનું મંદિરમાં દર્શન થાય છે. બાજુમાં દોકડીયા પાર્શ્વનાથ બિરાજે છે. ત્રણ મજલાના આ ભવ્‍ય મંદિરના ઉંચા શિખરેથી લીલા સાગરનું મનોરમ્‍ય દ્રશ્ય સદાને માટે હૈયામાં જડાઈ જાય છે. આ ભવ્‍ય જિનાલય નીચે ભૂમિમંદિર છે જે આગમ મંદિર કહેવાય છે. અહીં પવિત્ર આગમના અધ્‍યાય સુરક્ષિ‍ત કરી રાખ્‍યા છે. બીજે કયાંય ન જોયેલું આ અપૂર્વ આગમ દર્શન છે.

દરેક જૈનો માટે જે ગિરનાર યાત્રાએ આવ્‍યા હોય તેઓ પ્રભાસના આ ક્ષેત્રમાં આવેલા ચંદ્રપ્રભુજી અને દોકડીયા પાર્શ્વનાથનું મંદિર, ૨૪ તિર્થંકરના ચૈત્‍ય મંદિર અને આગમમંદિર, ચકેશ્વરી માતાના પૂજન અને દર્શન તથા વિશેષમાં સોમનાથ મહાદેવના મંદિરનું દર્શન જીવનનો બેવડો લહાવો બની રહેશે એટલી સહુ ખાત્રી રાખે. અહિંથી ઘણા જૈનો ઉના પાસે અજારા પાર્શ્વનાથના તીર્થ સ્‍થળે જાય છે. અહીં દરેક જૈનો માટે ઉતરવા, રહેવા જમવાની દરેક સગવડ છે. જૈનગ્રંથોમાં પ્રભાસ પાટણને ‘ચંદ્ર પ્રભાસ‘ નામે ઓળખાવેલ છે.

સોમનાથ મંદિર અનેકોએ લુંટ્યું.લગભગ ૧૭ વખત તે લુંટાયું છે. ૩ લેયર તો નજરે જોઈજ શકાય છે. લુંટારાઓ તો મંદિર લુંટીને જતાં રહ્યાં, પણ લોકોની શ્રદ્ધા અને આસ્થા ને કઈ થોડી લુંટી જવાય છે. એતો પરાપૂર્વથી એની એ જ છે એને ક્યારેય ઉની આંચ આવવાની જ નથી. સોમનાથ જ્યોતિર્લીંગના દર્શન સીધાંજ કરી શકાય છે. સોમનાથ ટ્રસ્ટે અદભુત વ્યવસ્થા કરી છે એ માટે એમને ધન્યવાદ આપવાં ઘટે રહેવા -જમવાની પણ અદભુત વ્યવસ્થા છે. આ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરમાં મેં પહેલી વાર એક પાટિયું જોયું કે અહીં કોઈપણ સ્ત્રીએ ટૂંકા વસ્ત્રોમાં દર્શન કરવાં આવવું નહિ ફૂલ માર્ક્સ ટુ સોમનાથ ટ્રસ્ટ.

સોમનાથના મંદિરમાં એક જગ્યા છે, એક થાંભલો છે એના પર લખ્યું છ કે આ જગ્યાથી દક્ષીણ ધ્રુવ સુધી વચ્ચે કોઈજ જમીન નથી આવતી. આ વાત સાચી છે હોં કે !!!!! હવે તો સોમનાથના મંદિરમાં સંધ્યા આરતી પછી “લાઈટ અને સાઉન્ડ” શો પણ શરુ કરાયો છે જે જોવા લાયક છે. મંદિરની આજુબાજુ સમુદ્ર ફ્રન્ટ પણ બનાવવામાં આવ્યો છે. એક વાત કહું કે સોમનાથનો બીચ અને દરિયો દીવ કરતા વધારે સારો છે.

કોઈપણ મંદિરમાં દર્શનાર્થે જાઓ એટલે તમે એક અલૌકિક દુનિયામાં હોવ એવું લાગે છે. આવો અનુભવ સોમનાથના મંદિરમાં પણ થાય જ છે અને કેમ ના થાય જ્યાં અનેક લોકોની શ્રધ્ધા હોય ત્યાં બધુજ શક્ય બને. સોમનાથ મહાદેવના દર્શન એકવાર નહીં અનેક વાર કરવા જોઈએ.

પ્રભાસ પાટણના જોવાં લાયક સ્થળો

  • પાંડવ ગુફા
  • ચંદ્ર મંદિર
  • સૂર્ય મંદિર
  • દેહોત્સર્ગ તીર્થ અને
  • ભાલકા તીર્થ છે

ટૂંકમાં સોમનાથ અવશ્ય જજો સૌ અને પાવન થાજો બધાં !!!!!

——– જનામેજય અધ્વર્યુ..

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!