પારંપારિક જાન ટ્રકમાં તબક્કો ૩ જો..
ટ્રેકટરમાં જતી જાનો જાણીને માણીયે ખરી. બળદગાડાથી વધીને ટુંકાગાળા માટે ટ્રેકટર જાનનુ વેલડું રહી ચુક્યું.
હવે ટ્રેકટરથી ઉતારી આપ સહુને ટ્રક જેને અમે ‘ખટારો’ કહેતા… તમને તેમાં જાનમાં લઈ જવા છે…
અમારે એ જાનમાં જવાનું છે તે મિત્રોને કહેતાં કહેતાં એવો ગર્વ અનુભવતા કે જાણે ચાર્ટર પ્લેનની મુસાફરી કરવાની હોય.. જેને આ જાનમાં આવવાનું નોતરુ ન હોય તે મનમાં ને મનમાં બળતા હતા.
એમાં અમારા આખા ય પંથકમાં જાન માટે ખટારો એકમાત્ર અમારા આશાભાઈનો.. કોનો ખટારો છે તે પુછવાનું જ નહીં.
રસોઈયા કોઇ પણ હોય, મુરતીયો કોઈપણ હોય, જાન કોઈપણ ગામ જવાની, કોઈપણ જાનૈયા હોય પણ ખટારો આશાભાઈનો જ હોય…
ભાઇ અમે ખટારામાં બેસી(કહેવા પુરતુ બેસવાનુ) જાનમાં જવા તલપાપડ થઈ રહેતા.
જાનને આગલે દિવસે ગામના વાળંદ ખોડા રાત જાનમાં જવાના નોતરા આપવા આવે પછી અમારૂ ચયન જાનૈયા તરીકે કરતો મારા બાપાનો હુકમ કેટલા જણને જાનમાં જવાનું નોતરૂ છે તે પર આધારિત રહેતો..
છેવટે અમે ભાઈ બેનોમાંથી જેનુ નામ જાહેર થાય તેમાં મારૂ નામ આવ્યું એટલે હું ક્યારે સવાર પડે તેની રાહ જોતાં જોતાં સુઈ જાવુ ક્યાંક સ્વપ્નમાં પણ જાનમાં સવાર થઈ જાય પણ એમાં આશાભાઈ ખટારાને અણધારી બ્રેક મારે તે આંચકે મારૂં સ્વપ્ન ચકનાચુર થઈ પણ જાય…
કાંઇ વાંધો નહીં. બે વાર ખટારે ચઢી જાનમાં જવાનો લ્હાવો તો લેવાયને !!!!
હવે સવાર પડે.. ઉઠવાના આદેશ છુટે..આમ તો ક્યારેય આટલા વહેલા એક જ અવાજે ઉઠ્યાનું સ્મૃતિએ નથી.પણ આજે તો સટાક દઈ ઉભા થઈ જતા…
હરખે હરખે નહાઈ ધોઈ તૈયાર થતા..બા તેના ટંકમાથી નવી નકોર જોડી આપે..અને તે પણ પ્રોસેસ હાઉસવાળાએ કાંજી મારી પ્રેસ કરી તાકો વાળ્યો હશે પહેલીને છેલ્લી પ્રેસ (ઈસ્ત્રી) મારૂ પેન્ટ…મારા જીવનનુ પહેલું પેન્ટ…પણ તે વેળા પાટલુન કહેતા..
જે શાશકિન કાપડમાંથી સીવડાવેલ આ કાપડ કદાચ આપમાંથી કોઈકે જોયુ પણ હશે પહેરો એટલે કડકડતી ઠંડીમા ડોશીમાની ડાકલી ધ્રુજે તેમ જરાક હવા આવે ત્યાં ધ્રુજતું…પાતળુ ને થોડુંક રેશમી હોઈ તેને પડતી અસંખ્ય કરચલીયું આજના ફેસનેબલ કરચલીના કાપડને જોતાં તે યાદ આવે..
એમાં ય #ધના_મેરઈએ મારી તો પથારી ફેરવી… પાટલુનને ઘણુ ય ખેંચી કમર પર રાખુ પણ તે પેલી રૂઠી રાણીની જેમ હેઠે બેસી જાય…માંડ માંડ સુતરી બાંધી પાટલુનને કમર પર બાંધ્યુ તેમ કહુ તો ય ના નહી.
ધના મેરાઈએ મારા મોટાભાઇનું માપ લઈ મારા કપડાં સીવી નાખેલાં.. ભાઇના માપનુ છે તે તો પહેર્યા પછી ખબર પડી તેમાં ય હું તે ઉંમરે ખુબ પાતળો જોકે જ્યોતીન્દ્ર દવે જેટલો તો નહીં હોંકે!!!જો કે પાછળથી ખબર પડેલી કે તે મારા મોટાભાઈને ય બંધબેસતાં નો’તાં.
જાનમાં જવા વાળા મારા ભેરુઓ તૈયાર થઈ મને લેવા આવી ગયા હતા.ગામને ગોદરે ઢોલ વાગી રહ્યો હતો..ભેરુઓ ઉતાવળ કરતા હતા.
માપ બહારનાં પાટલુનને બુશકોટ પહેરવામાંને પહેરવામાં ક્યાંક જાનમાં જવાનું ચુકી ન જવાય તે બીકે..ભારે હરખે ગામની ભાગોળ પ્રતિ પ્રયાણ આદર્યું.. ભાગમ્ ભાગ કરતા ભાગોળે પહોચી ગયા.
વરરાજા મુર્હુત પ્રમાણે ઘરેથી નીકળી ગામનાં મંદિરે દર્શન કરી ભાગોળે પહોંચી ગયા છે. કેટલાક જાનૈયા આઘાપાસા થઈ રહ્યા છે. સવારના સાત વાગ્યા છે.
હજી સુધી આશાભાઈનો ખટારો પરંપરા મુજબ ચબુતરાના ઓટલે રિવર્સ મારી ઉભો નથી.
વરના બાપા અમથાભાઈ પણ ઘાંઘા થઈ ફેર ફુદરડી ફરી રહ્યા છે.વેવાઈને આઠ વાગે પહોંચવાનો ટાઇમ આપી ચુક્યા હતા. તે સમયે આજની જેમ મોબાઇલ તો હતા નહીં આમ તો એ અમારા આશાભાઈ માટે સુખદાયી હતું.
તેમના ઘરે તપાસ કરતાં ખબર પડી કે ભાઈ તો બાજુના ગામે ઠાકોરની જાન મુકી પછી તમારી જાનને લઈ જવાના છે.
આંય જાનડીઓ ભારે હરખપદુડીઓ થઈ ગીત ઉપાડે છે.
“લાડણો પાન ચાવેને રસ ઢોળે
લાડણો લળી લળી પાછુ રે જોવે
જાણે મારા દાદા સાથે આવે
જાણે મારા સસરાના રંગ રાખે”
આમ તો ગીત પછી આ ગીત ગવાતું…
“ડંકો વાગ્યોને લશ્કર ઉપડ્યુ
જરમરિયા ઝાલ્યા
આવી કિયા ગામની જાન રે
જરમરિયા ઝાલ્યા”.
પણ આય તો ડંકા વાગે આ લશ્કર ઉપડે તેમ નથી આ લશ્કર તો ખટારાનું હોર્ન વાગે તો જ ઉપડે તેમ હતું..
જ્યાં વરના બાપને કાંઇ સુઝતુ ન હોય ત્યાં જાનડીઓને ય બિચારીને આગળ શું ગાવુ તે કેમ સુઝે… તે બધી ય ચુપ થઈ ગઈ.
આમે ય અમારા પટેલોમાં સમય પાલનનો આગ્રહ ઝાઝો રહે..
ધીમે ધીમે ભાગોળની ભીડ ઘટતી ગઈ. જાન વળાવવા આવેલ તે કટકે કટકે સરકવા લાગ્યા. જેને જાનમાં જવાનું હતુ તેઓને વરરાજા નિકટવર્તી સબંધીઓ ભારે તણાવમાં આવ્યા.. કેટલીક જાનડીઓ કોકને ખટારો આવે તેટલે મને બોલાવજે તેમ કહીને ઘરનુ એકાદ કામ કરી લેવા ય ભાગી.
ભાગોળે ભીડ ઘટી..વરરાજાના ખાસ ખાસ હાજર હતા.
આમ કરતાં કરતાં આઠ તો ઘેર જ વાગ્યા. ગામમાં એકાદ લેન્ડલાઇન ફોન પર વેવાઈએ ફોન કરી પૃચ્છા પણ કરી…
વૈશાખ મહિનો હોવાથી ધીમે ધીમે ગરમી પણ વધવા લાગી વરરાજા જે ઓટલે રજાઈ પાથરી બેઠો હતો ત્યાંથી તેના અણવરે ફેસીયલ સાચવવા બેઠક ફેરવી. ધીમે આશાભાઈની આશા કેટલી રાખવી?
ફલાણાની જાન લેવા સામે ગામ રાતે નવ વાગે લેવા આવેલ.. હમણાં હમણાં સારી વર્ધીઓ મલે છે તેથી બહુ લોભ કરે છે. ત્યાં એક દોઢ ડાહ્યાએ મત આપ્યો એકલો
એક જ ખટારો આટલામા છે એટલે…. આ બધી ચર્ચા વચ્ચે એક હોર્ન સંભળાયો.
ફટોફટ વરના બાપે બધાને ગામ ટોડા પર પહોચી જવા તાકીદ કરી.
જાનૈયા, જાનડીઓ, વરરાજા ઉતાવળે પગલે ટોડે પહોચ્યા.. થોડીવાર થઈ ત્યાં સામે એસ.ટી બસ દેખાણી. હત્તારી આ તો બસનો હોર્ન વાગ્યો’તો..
પાછી વરરાજાની છાવણીમાં આક્રોષને નિરાશાનુ મોજુ ફરી વળ્યું. હવે બધા એ અહીંયા જ ઉભા રહેવુ જેથી જેવો ખટારો આવે ચઢી જવાયને ખોટી થવું ના પડે…
વરરાજાની ત્રીજી પથારી મહાદેવના મંદિરે લીમડા નીચે થઈ..
હવે મારી વાત… જાનમાં જવાના હરખમાંને જાન જતી રહેશે તે બીકે ઉતાવળમાં સ્લીપર તો પહેર્યાં જ નથી તેનુ જ્ઞાન મને પગ દાઝતાં થયુ.
જાનનું ટોળુ મારા ઘરથી દુર ભાગોળેથી મહાદેવે આવી ગયુ હતુ. જાનના મેનેજરો કોઈને આડાઅવળા જવા દેતા ન હતા. કારણ કે કદાચ ખટારો આવી જાય તો બેસવામાં સમય ન બગડે તેમાં સ્લીપર ઘેર જ રહી જશે.
જેમ તેમ કરી મન મનાવી લીધુ. હવે પાછો હોર્ન વાગ્યો.. આ વખતે એટલે સાડા આઠ વાગ્યે અમારો ખટારો ખરેખર આવ્યો.. તો ખરો…
ખટારો ફટોફટ જેમ ભેંસો ખટારામા ભરવા ઉકરડે રિવર્સ મારે તેમ જાનૈયા ભરવા માટે તળાવ પાળે બાજુ રિવર્સ મુક્યો..
આશાભાઈએ આદેશ આપ્યો.. જલ્દી ચઢી જાવ કોઈની વાટ જોવાશે નહી.
જાનના VVIP એવા વરરાજા, અણવરને લુણારી પરંપરાગત તે સમયની જાનની મોસ્ટ VIP જગા એવી ડ્રાઇવરની કેબીનમાં ગોઠવાયા.
પછી જે જગા બચી તેમાં કુટુંબના VIP જેવા જમાઈઓને class one officer જેવા વડીલો ગોઠવાયા…
કેટલાક રહી ગયા તે સહેજ વીલાં મોંએ પાછળ ટ્રોલીમા ચડવા પાળ પર ચડ્યા.
આશાભાઈએ બે ચાર હોર્ન વગાડ્યા તે સાંભળી જે કામની લાલચુ જાનડીઓ ભાગોળેથી જતી રહી હતી તે દોડતી આવતી દેખાણી.. કારણ એ જ કે તેમને તેમના ધણી કરતાંય આશાભાઇની બીક ઝાઝી… કેમ કે તે કોઇની ય શરમ રાખતા નહીં.
પાંચ સાત મિનીટમાં બધા જ ગોઠવાઇ ગયા.જાનડી ટ્રોલીની વચ્ચે ગોઠવાઇ ગઈ. બીજા ઉમરલાયક જે ઉભા ન રહી પણ બેઠા.
કેટલાક બહાર ગામની રૂપાળી છોકરીઓને નજરમાં આવે તેમ ટ્રોલી દિવાલે ઉભા થઈ ગયા.
કેટલાક class 2 officer જેવા ગણાતા જવાનિયા ડ્રાઇવરની કેબીન પર ગોઠવાઈ ગયા.. આશાભાઈએ સૌને કેબિન પરથી ઉતરી જવા તાકીદ કરી. પણ કોઈએ ગણકારી નહી.
હવે બધા ગોઠવાઈ ગયા કેડે ખટારો ઉપડ્યો. જાનડીઓ ગેલમાં આવી ગઈ ગાંણું ઉપાડ્યુ..
“ડંકો વાગ્યોને લશ્કર ઉપડ્યુ
જરમરિયા ઝાલ્યા
આવી કિયા ગામની જાન રે
જરમરિયા ઝાલ્યા”.
આમે ય મોડુ તો થઈ ગયુ્ હતુ. ત્યાં ગામ બહાર માંડ પહોચ્યા ત્યાં ટ્રક થોભી.કેબીન પર બેઠેલા નીચે નહીં ઉતરે ત્યાં સુધી આગળ જવાશેનહી એવો નિર્ણય ચાલકશ્રીએ જાહેર કર્યો.
મેનેજરોએ બધાને ઉતાર્યા તે સહુ ટ્રોલીની દિવાલ પકડી ઉભા રહ્યા.ભીડ થઈ.મારો પગ દબાય છે.કોઈ કહે મારી નવી સાડી પર જોડા પેરીને ઉભો છે.
અમારા આશાભાઇ અનુભવી ચાલક..બે ચાર વખત જોરથી બ્રેક મારી સહુ ગોઠવાઈ ગયા.
સવારી આગળ ચાલી..મોડુ થયું હતુ…રસ્તો નાળિયાનો હતો.ટ્રકે ઝડપ પકડી હતી.જેમ લડાઈમાં તલવારના ઘાથી સચેત રે’વું પડે તેમ નાળિયાની વાડનાં ઝાંખરાંને ઝાડવાંની ડાળીઓથી ખાસ સચેત રે’વું પડે.ગાડીની ગતિ વધી તેમ જાનડીઓ પણ ગેલમાં આવીને ઉપાડ્યું
“નગરીના લોકે પુછીયુ રે…
કયો રાણો પરણવા જાય
લીલુડા વાસની વાસણી રે
આડા મારગ વાગતી જાય
નગરીના લોકે પુછીયુ રે…
કયો રાણો પરણવા જાય..
નથી રાણો કે નથી રાજવી રે
મારો વાંઢોભાઈ પરણવા જાય…
એમાં અમદાવાદથી આવેલા વરરાજાના મિત્રની વીગ વાડના ઝૈડામાં ભરાઈને ત્યાં ચોંટી ગઈ. ગામડાના લોકો..વીગની જાણકારી હોય નહીં…સહુ કોઈ હસવા લાગ્યા..ભાઇની ટાલ ઉઘાડી થઈ..
આ માંડ પત્યુ ત્યા અમારા એક કાકાને વાડનુ એક ઝૈડું સટાક દઈને ગાલે વહાલ કરી ગયુંને નવોઢાની લિપસ્ટીક જેવી નિશાની જેવો લસરકો છોડી ગયુ.
અરે અરે પેલા કાકાનુ ફાળીયું ય ગયુ..
આમ જાન વેવાઈને ગામ પહોંચી.
પ્રથમ વરરાજાની વાત કરીએ….
વરરાજાનાં કપડાં તો પરસેવો પરસેવો થઈ ગ્યાં હતા. ડ્રાઈવરની કેબિનમાં ન હોય પુરતી બારીઓ.. હવા તો આવે તેમ હોય નહીં.. વરરાજા નીચે ઉતર્યા તો તેના પાટલુનની ઈસ્ત્રીમાં ઢીંચણે પગના ઢીંચણની છાપ ઉપસી આવીને સાથળથી ઉપર પણ મહા કરચલીઓ પણ ચોખ્ખી વરતાતી હતી.
આમ ટિખળને હસાહસ વચ્ચે જાન ખટારેથી ડાઉનલોડ થઈ.
સ્વાગત માટે વેવાઈ તેમનું કુટુંબ અને ઢોલી હાજર હતા. સ્વાગતની ઔપચારિકતા પતાવી જાને ઉતારા તરફ પ્રયાણ આદર્યું… વરરાજા પરસેવે રેબઝેબ થતો હતો. અણવર સવારથી જ એકના એક જ નેપકીનથી પરસેવો લુછતો હતો.
આંય જાનડીઓએ ઉપાડ્યુ
“ક્યાં ગ્યા મારા નવલા વેવાઈ
આંગણે આવી જાડેરી જાન”
આમ આ રેલી ઉતારે પહોંચી..વરરાજાએ સ્થાન ગ્રહણ કર્યું. તેના કપડામાંથી પરસેવો ભારે ગંધાતો હતો તે ત્યારે જ ખબર પડી જ્યારે ઉતારે પંખો ચાલુ થયો… કોક દોસ્તારે ટીખળ કરી કે સ્પ્રે છાંટો આ રાજો ગંધાય છે. અણવરે તરત જ સ્પ્રે કાઢી વરના કપડાં પર છાંટ્યો.. ત્યાં અમારો મહમદ બોલ્યો…આમ કંઇ ના વળે તું આ નેપકીન પર ભારે સ્પ્રે ઠોકને!!!
સમાચાર એવા રહ્યા કે પેલા વીગ વાળા મિત્ર જાનમાંથી બારોબાર ઘર ભેગા થઈ ગયા.ને જેમનુ ફાળિયુ ઉડી ગયુ હતું તે કાકા ટ્રકમાં જ ત્યાં સુધી બેસી રહયા જ્યા સુધી ગામના તેમના સગાને ત્યાંથી ફાળિયું ન આવ્યુ.
આમ બિનસમયે પહોંચેલી જાન કન્યાને પરણી કન્યાને ટ્રોલીમાં બેસાડી સમયસર પાછી આવી ગઈ.
હા પણ મિત્રો મારા પાટલુનની સુતરી એકવાર છોડવી તો પડી જ હતી પણ પાટલુન ચુંથાઈ જતાં સરકી જતી હતી.
મારાં ભાભીએ આપેલી સેફ્ટીપીને મારી ઈજ્જતને સેફ કરી હતી.
આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..
- “દેવીપૂજક” ગ્રામ્ય જીવનના સ્તંભ- 18
- “કાંકસિયા” ગ્રામ્ય જીવનના સ્તંભ- 17
- “કઠપુતળીના ખેલ ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 19
- “ભરવાડ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 20
- “પગી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 21
- બળદગાડામાં જુના જમાનાની જાન: ગ્રામ્ય જીવનના સ્તંભ- 22
- ટ્રેકટરમા જાન: ગ્રામ્ય જીવનના સ્તંભ- 23