“મેરાયા” ગ્રામ્ય જીવનના સ્તંભ- 37

દિવાળી એ લોકજીવનનો અનોખોને ઉર્જા પુરક તહેવાર છે. ભારતીય તહેવારો પ્રકૃતિ સાથે સંકડાયેલ છે… આદિ માનવે કંઈક અંશે સામાજિકને વ્યવસાયીક જીવનની શરૂઆત કદાચ પશુપાલનથી કરી હશે…ત્યાર બાદ સ્થાયી જીવન કરવા માટે પશુ માટે ઘાસ પોતા માટે ધાન મેળવવા ખેતીનો વ્યવસાય અપનાવ્યો હશે…

માનવજીવન ખેતી અને પશુપાલન પર જ નિર્ભર છે. ચોમાસાના ચાર માસ પુરા થયા હોય, ભાદરવાની બિમારીઓ ચાલતી હોય, ચોમાસું પાક તૈયાર થઇ ગયો હોય, તેની લણણી લગભગ પતી ગઈ હોય, ફસલ ઘર ભેગી થઈ ગઈ હોય તે સમયે સૌથી પ્રથમ આવતો તહેવાર એ જ દિવાળી…..

આર્ય સંસ્કૃતિ પ્રકૃતિપુજક રહી છે. તેના તહેવારોની ઉજવણી પણ એવી જ રહી છે. ગામડાઓમાં મેરાયા જેને કેટલેક ઠેકાણે ગાગમાગડી પણ કહે છે..

સવારે લીલા લાકડા કે શેરડીના દોઢ બે ફુટના ટૂકડાને એક છેડે નાના આડાઉભા બે ચિરા કરી તે છેડે સુતરાઉ કપડાની વાટ ચિરામાં પરોવી વાટ બનાવી, ગૌછાણ લીપીને કોડીયાનો આકાર બનાવાય. તેને તડકે મુકી સુકવી દેવાય.. તેમાં સાજે તેલ પુરે,કપાસીયા નાખેને વાટને પ્રગટાવે…

આ મેરાયાને ઘરને ખૂણે ખૂણે ફેરવી, પોતાના પશુઓ પરથી ગોળ ગોળ ફેરવીને તેના શુભ માટે પ્રાર્થના કરવામાં આવે…પછી મેરાયાનો હવાલો છોકરાંને અપાય …તે મેરાયાને લઈ ફળિયાના ઘેર ઘેર ફરી ગાતા ગાતા આવે…

#ઘી_પુરાવે_તેને_ઘેટી_છોડી
#તેલ_પુરાવે_તેને_તેર_તેર_છૈયા

#આજ_દિવાળી_કાલ_દિવાળી,
#ગોકળિયાની_ગાડ_ગુવાળી,

#સઈના_છોકરાં_ખાય_સુવાળી,
#મેર_મેર_રાજા…

આ સરઘસ શેરીના નાકે ભેગું થાય બધી જ શેરીના છોકરાવ સાથે ગામની ભાગોળ તરફ આગળ વધે.. શેરીના નાકે નાકે સ્ત્રીઓ તેમાં તેલ પુરાવે… એક મહા ઉત્સવ જેવો માહોલ હોય, ભોળા ગામજનોની શ્રધ્ધાને હર્ષોલ્લાસનુ જાણે ઘોડાપુર આવ્યું હોય… આમ આખું. સરઘસ ગામની ભાગોળે કે તળાવની પાળે મેરાયા છોડી આવે ..

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પ્રાચીન સમયમાં માટીનાં મેરાયાની પ્રથા હતી. ગામના પ્રજાપતિ દિવાળીના દિવસે જ મેરાયા બનાવતા…તે જ દિવસે સુકવીને પકવ્યા વગરનાં જ પોતાના ગ્રાહકોને વહેચી દેવામાં આવતા… મેરાયાની સામે પ્રજાપતિને અનાજ,કઠોળ તેલ,ઘી જેવી ચીજો આપવામાં આવતી…

નવી પરણી આવેલી વધુઓને આ મેરાયુ લઈને તેમાં તેલ પુરાવવા પડોશમાં મોકલવાનો ધારો પણ હતો. જેનું મેરાયુ લાબે સુધી પ્રજવલિત રહે તેને નવા વરસમાં વધારે સુખશાંતિ મળશે તેવી માન્યતા છે.. હાલ આવાં માટીના મેરાયા પરંપરા લગભગ લુપ્તતાના આરે છે… ખરીદનાર ન મળતાં કુંભારોએ તે બનાવવાનું લગભગ બંધ કરી દીધું છે…

હિન્દુ સંસ્કૃતિના દરેક તહેવારો ને પ્રથા સાથે કોઈને કોઈ કથા કે દંતકથા જોડાયેલી હોય છે… મેરાયા પ્રથા અને તેની પરંપરા પાછળ કહેવાય છે કે…. ગોપાલકો આર્ય સંસ્કૃતિ અનુસાર વરસાદના દેવ ગણાતા ઈન્દ્રરાજાની પુજા કરતા હતા. વરસાદની મોસમ પુરી થઈ હોય, પશુઓ પણ લીલો ઘાસચારો ચરી હૃષ્ટપૃષ્ટ થયાં હોય,ભાદરવાના વિયાણ થતાં દૂધ ઘીની ભારે છુટ થઈ હોય ત્યારે આ ગોપાલકો અનેકવિધ નૈવેધો ઈન્દ્રરાજાને ધરાવતા હતા..

કહેવાય છે કે એકવાર ભગવાન શ્રી કૃષ્ણે ગોપાલકોને પૃચ્છા કરી કે તમે ઈન્દ્રરાજાને કેમ પુજો છો? ગોપાલકોએ જવાબ આપ્યો કે ઈન્દ્રરાજા વરસાદ વરસાવે છે તેથી જળને ઘાસ મળે છે તેનાથી અમારૂ અને અમારી ગાયોનું પોષણ થાય છે.

ભગવાન શ્રી કૃષ્ણે કહ્યુકે… આપણે તો ગોવર્ધન પર્વતને આશરે છીએ.. તેના પર ગાયો ચરે છે તે જ આપણો પોષક છે.. આમ થતાં ગોપાલકોએ ઈન્દ્રરાજાની પુજા બંધ કરીને ગોવર્ધન પર્વતની પુજા ચાલુ કરી..

ઈન્દ્ર રાજાને આ વાત ધ્યાને આવતાં તેમણે ક્રોધાયમાન થઈ અતિવૃષ્ઠિ કરી બારે મેઘ વાકા કર્યા.. ભારે પ્રલય સર્જ્યો.. યમુના અને નાના મોટા નદી વિકળાઓમા પુરની સ્થિતિ ઉભી થઈ.. ચોતરફ પાણી પાણી થઈ ગયાં..

આનાથી બચવા સહુ ગોપાલકોને ગાયો ગોવર્ધનની ગુફાઓ અને બખોલોમા ભરાઈ ગયાં હતાં. આમ સર્વ ગોપાલકોને ગાયો ત્રાહિમામ પોકારી ગયા.સહુ ભગવાનને શરણે આવ્યા. હવેની વાત જગજાહેર છે કે ભગવાન શ્રી કૃષ્ણે ટચલી આગળી પર ગોવર્ધન ઉચક્યો..સહુને તેની નીચે આશરો આપ્યો.. છેવટે શ્રી ઈન્દ્રરાજા ભગવાન શ્રી કૃષ્ણને શરણે આવ્યા. વરસાદ બંધ થયો…

આ દિવસ એટલે જ આસો સુદ અમાસ.. દિવાળી.. અલગ અલગ ગુફાઓ અને બખોલોમા સંતાયેલા ગાયો અને ગોપાલકોને શોધવા માટે વૃક્ષની પાતળીને સીધી ડાળીઓ કાપી તેના મેરાયા બનાવીને ઘીથી પલાડેલ કાપડની ચિદરી અને રૂ ભરી કાકડા નાખી સળગાવેલ…આમ આ મશાલ જેવા મેરાયા બનાવી તેના અજવાળે ગાયોને ગોપાલકોને શોધી કાઢવા નીકળી પડ્યા…જ્યાં જ્યાં ઘી ખુટી પડ્યું ત્યા ત્યાં ઘી પુરવામાં આવ્યું હતું…

કહેવાય છે કે ત્યારથી આ પરંપરા ચાલુ થઇ છે… આ ઉપરાંત મોડાસા તાલુકાના શામપુર ગામે આવેલા કુન્ઢેલ ડુંગર પર દિવાળીની અનોખી ઉજવણી કરાય છે. આ ડુંગર પર તેર ફુટ જેવડું મેરાયુ પ્રગટાવવામાં આવે છે. વરસો પહેલાં પાચ મણ ઘીનું મેરાયુ કરાતું હતું. ત્યારબાદ ગામલોકોએ મેરાયામાં ત્રાબા કુન્ડી લગાવી દીધી હતી.હવે પાચ મણને બદલે માત્ર બે મણ ઘી વપરાય છે.

રાત્રે તેનો પ્રકાશ આજુબાજુના ગામોથી પણ દેખાય છે.એક માન્યતા એવી પણ છે કે નિ:સંતાન દંપતિ મેરાયામાં ઘી પુરે તો તેમને સંતાન પ્રાપ્તિ થાય છે.

આ પોસ્ટનો હેતુ ગ્રામ્યજીવનની પરંપરા ઉજાગર કરવાનો છે.

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

સાવ વીસરાઈ ગયેલું પાંચ હજાર વર્ષ પુરાણું દિવાળીના અવસરના મેર-મેરાયું

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!