કૃષિ અને ગોપસંસ્કૃતિમાંથી સાવ વીસરાઈ ગયેલું પાંચ હજાર વર્ષ પુરાણું દિવાળીના અવસરના મેર-મેરાયું

કાઠિયાવાડમાં એક કહેવત જાણીતી છે
‘લીધું લાકડું ને કીધું મેરાયું.’
અર્થાત્ – નાની વાતને મોટું સ્વરૃપ આપવું. વ્યવહારકુશળ બનીને વાતનો ત્વરિત નિર્ણય કરવો – પણ આ મેરાયું એટલે શું ? મોટો સવાલ છે.

જૂની સંસ્કૃતિમાં આળોટીને ઉછરેલા સૌ કોઈ આ વાતને જાણે છે પણ નવી પેઢીમાં જન્મેલા અને ગામડાના બાળકો માટે ય ‘મેરાયુ’ શબ્દ સાવ અજાણ્યો છે. એટલે સૌ પહેલાં આપણે ‘મેરાયુ’ શબ્દને સમજી લઈએ. ભગવદ્ગોમંડલમાં ‘મેરાયુ’ શબ્દના અર્થ આ પ્રમાણે આપ્યા છે. ૧. ઉંબાણિયું, હાથે પકડીને ઊંચું રાખેલું કે ધરેલું સળગતું ડફણું. ૨. રમતમાં એકનો દાવ બીજાના ફાયદામાં વપરાય તે. ૩. હાથે પકડીને ઊંચુ રાખેલું છોકરું (મશ્કરીમાં બોલાય છે.) ૪. હુક્કો- વ્યંગમાં બોલાય છે. અહીં મેરાયું કે મેરમેરાયાનો અર્થ દિવાળીની રાતે છોકરાં શેરડીને સાંઠે જે કાકડો કે મશાલ બાંધી દીવો કરે છે તે.

મેરાયા પરથી મળતા શબ્દો પણ રસપ્રદ છે. જેમ કે, ‘મેરાયો’ અર્થાત્ ચાડિયો. ચોર લોકો તેની પારસી બોલીમાં બાતમીદાર જેવો જે માણસ લાગે તેને મેરાયો કહે છે. ‘મેરાણી’- મેર સ્ત્રી. કોળી જ્ઞાતિની એક અટક. ‘મેરીઆઇ’- પ્લેગ, કોલેરા શીતળા જેવા રોગની દેવી. આ દેવીને પશુનો ભોગ ધરાવાય છે. મેરીઆઇ માતાનો ભગત- ભૂવો મહાર હોય છે. પોશાકમાં તે તેલ ચોપડેલો લાંબો ઝભ્ભો પહેરે છે, અને તેના પર રંગબેરંગી રૃમાલ બાંધે છે વાળને તે વધવા દે છે, અને તેનો ચોટલો બાંધે છે. હાથમાં તે લીલી બંગડી પહેરે છે. ખભે લાંબો ચાબુક રાખે છે તેને કડક કહે છે.

પ્રચાર માધ્યમોની ભરમાર અને પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણને કારણે સાંસ્કૃતિક પરિવર્તનનો પવન ગામડાઓને ધમરોળવા માંડયો છે. લોકજીવન યંત્ર યુગની આંધીમાં ઉડવા માંડયું છે. ગ્રામજીવનમાં ઝડપથી બદલાવ આવવા માંડયો છે. વર્ષો જૂની સંસ્કૃતિમાં શાંતિથી જીવનારી ગ્રામ પ્રજાએ શહેરી સંસ્કૃતિ ભણી આંધળી દોટ મૂકવા માંડી છે. શહેરો ફાટફાટ થવા માંડયા છે. ગામડા ભાંગવા માંડયા છે. આજે ગ્રામપ્રજાના પહેરવેશ, ખાનપાન અને ઘરખોરડામાં પરિવર્તન આવ્યું છે. પોતાને સુધરેલા ગણાવા માટે જૂના રીતરિવાજોને તિલાંજલિ આપવા માંડયા છે. ગામડા કૃષિ આધારિત હોવા છતાં આજે ગામડાંમાંથી સાંતી- ગાડા ગયાં. ઉત્તમ ઓલાદનાં ગાયો, બળદો અને અશ્વો ગયા એની પાછળ પાછળ માનવીના પંડના, પશુઓના અને ઘર ખોરડાંના શણગારો ય ગયા. એ બધાની સાથે ગામડાની કૃષિ અને ગોપપ્રધાન પ્રજા દિવાળીના અવસરે મેરાયું પ્રગટાવીને ઢોરઢાંખરની સુખાકારી ઇચ્છતી એ બધા રિવાજો પણ નામશેષ થઈ ગયા છે ત્યારે મારે વાત કરવી છે પાંચ- સાત દાયકા મોર્યની કૃષિ- સંસ્કૃતિના પ્રતિક સમા મેરમેરાયાની પ્રાચીન પરંપરાની.

ગામડામાં આજે ય હોળી પ્રગટાવે ત્યારે એ વર્ષમાં પરણેલા નવદંપતી હોળી માતાના દર્શને જઈ, પાણીની ધારાવળી દઈ નાળિયેર, ખજૂર અને ધાણીચણા હોમી આશીર્વાદ માંગે છે. નવા જન્મેલા દીકરા, દીકરીને પગે લગાડવા લઈ જાય છે એમ એ વરસમાં પરણીને સાસરે આવેલી વહુવારુ દિવાળીના દિવસે શેરડીના કટકાની ઉપરથી ચાર ચાર ચીરી કરી તેમાં નાળિયેરની કાચલી મૂકી મઈ કપાસિયા અને કપડાની વણેલી વાટ મૂકી, તેલ પૂરી મેરાયુ પ્રગટાવે છે અને દીકરીઓ સાથે હાથમાં મેરાયુ લઈ ગાતી ગાતી કુટુંબીઓના ઘેર જાય છે.

”કાગડી માગડી
મેર મેરાયુ
તેલ પુરાવો.”

કુટુંબની સ્ત્રીઓ નવી પરણેતરના હાથમાં બે પાંચ રૃપિયા મૂકી આશીર્વાદ આપી મેરાયામાં તેલ પૂરે છે. એ વર્ષમાં જન્મેલ દીકરાની માતા પણ દિવાળીના દિવસે મેરાયું પ્રગટાવી ફળિયાના પડોશીઓને ત્યાં જાય છે ને આશીર્વાદ માંગે છે ને મેરાયામાં તેલ પુરાવે છે. કુટુંબીઓ બાળકને આશીર્વાદ સાથે પૈસા આપે છે. આ પરંપરા આજે તો લગભગ નામશેષ થઈ ગઈ છે.

ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાની વચ્ચે પાઘડીપને પથરાયેલા ભાલ પંથકના ગામડાઓમાં આજથી પાંચ છ દાયકા પૂર્વે દિવાળીની સંધ્યાએ અમારા આકરુ ગામનો નારણ કુંભાર ચકલાકડી વડે ચાકડાને ચક્કર ચક્કર ફેરવી તેના પર માટીના પિંડ ચડાવી ‘મેરાયા’ ઉતારવા બેસતો. ગામ આખાના છોકરાઓની કુંભારવાડે લંગર લાગતી અમે માટીનું કાચું મેરાયું હાથમાં લઈ, થોડીવાર વાહરવુ સુકાવા દઈ કપાસના છોડની જાડી સાંઠી લઈને તેના પર લગાડતા. એ મેરાયામાં મારી બા કપાસિયા પૂરતી. કપાસિયાની અંદર કપડાનો તેલવાળો કાકડો મૂકી, તેલ પૂરી મેરાયુ સળગાવી આપતી. અંધારુ થતાં આ પ્રગટાવેલું મેરાયું હાથમાં લઈ તેના અજવાળે કુટુંબના ઘરોમાં તેલ પુરાવવા જતા. પછી વાડામાં, કોઢમાં ને ઢાળિયામાં બાંધેલા ઘરના બળદ, વાછરડા, ગાયો- ભેંસો વગેરે ઢોરઢાંખરને બતાવવા જતા. ઘરના જાનવર મેરાયુ સૂંઘે જુએ ને પછી ડેલીની એક કોર્યની દિવાલે ઊભું મૂકી દેતા. એક એક ખેડૂતના ઘરનો આ રિવાજ. એની પાછળની લોકમાન્યતા એવી છે કે એનાથી ઢોરમાં રોગચાળો આવતો નથી, માલઢોર સાજા નરવાં રહે છે અનરવા થતા નથી. આ પરંપરાનું પગેરુ ભાલપંથક વટાવીને સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં ય જૂના કાળે જોવા મળતું.

દિવાળીના સપરમા દિવસે ગામને અને ખેડૂતોને સમૃદ્ધિ આપનાર ગાયો, બળદો અને ભેંસોનું દર્શન કૃષિસંસ્કૃતિમાં શુભ મનાયું છે. આ દિવસોમાં ગાયો, ભેંસો, બળદો અને વણઝારાના પોઠિયાના શિંગડાંને તેલ લગાડવામાં આવે છે. કેટલાક જાનવરોને રંગથી રંગવામાં આવે છે. ગાયોને ગોંદરે ઘાસ ખવડાવવામાં આવે છે. ઘી, દૂધ, દહીં એ શરીરના પોષણ અને આરોગ્ય માટે જરૃરી ચીજો છે. એ આપનાર ગાયો, ભેંસો વગેરેનો તથા ખેતી દ્વારા અઢળક ધાન્ય ઉપજાવનાર બળદોને આ રીતે સત્કારવાનો ભાવ આ રિવાજ પાછળ રહેલો જોઈ શકાય છે. એમાં પરિવારના સભ્યો સમા પાળેલા પશુઓ પ્રત્યે પ્રેમ અને સદ્ભાવ રાખવાનું તથા તેમની રક્ષા અને સંવર્ધન કરવાનું સૂચન સમાયેલું છે.

કૃષિ સંસ્કૃતિના અભિન્ન અંગ ગણાતા જાનવરો જોડે મેરાયાંની પરંપરા પ્રાચીન કાળે કેવી રીતે જોડાઈ તેની રસપ્રદ વાત ડાહ્યાભાઈ બ્રહ્મભટ્ટ અને ભુવનેશ્વરી શાસ્ત્રીએ આ રીતે નોંધી છે. પ્રાચીન કાળે ગોપ લોકો ઇન્દ્રની પૂજા કરતા હતા અને ઘી-દૂધમાંથી જાતજાતના પકવાનો બનાવીને ઇન્દ્રને ભોગ ધરાવી અર્પણ કરતા. એકવાર ગોકુળમાં ગોવાળિયાઓ આ પ્રમાણે ઇન્દ્રયજ્ઞ દ્વારા ઇન્દ્રદેવની પૂજા કરી રહ્યા હતા તેમને શ્રી કૃષ્ણએ પૂછ્યું ઃ

‘આજે તમે બધા કયા દેવનો ઉત્સવ મનાવી રહ્યા છો ?’

ગોવાળિયાઓએ ઉત્તર આપ્યો કે, ‘આ મહોત્સવ કોઈ સામાન્ય દેવતાનો નથી. આ તો ઇન્દ્રનો યજ્ઞ છે. આ યજ્ઞથી પ્રજા સુખી થાય છે.’ ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું ઃ ‘આ ગોવર્ધન પર્વત જ સર્વ સુખો આપનારો અને આપણું હિત કરનારો છે એથી ઇન્દ્રની પૂજા કરતાં ગોવર્ધનની પૂજા કરવી વધારે યોગ્ય છે.’

ગોવાળિયાઓ પૂછવા લાગ્યા કે, ‘ગોવર્ધનની પૂજા કરવાથી આપણને શો લાભ મળે ?’ ત્યારે કૃષ્ણએ કહ્યું ઃ ‘ગોવર્ધન પર્વત આપણી ગાયોને ઘાસ પૂરું પાડે છે. આપણને જરૃરી વસ્તુઓ એમાંથી જ મળે છે. આપણે તળેટીમાં ગોવર્ધનના આશ્રયે રહીએ છીએ માટે એની પૂજા કરવી જોઈએ.’

આથી ગોવાળિયાઓએ ઇન્દ્રની પૂજા બંધ કરી ગોવર્ધન પર્વતની પૂજા શરૃ કરી. શ્રી કૃષ્ણે પોતાના આધિદૈવિક સ્વરૃપે ગોવર્ધનમાં પ્રવેશ કર્યો અને વ્રજવાસીઓએ ચડાવેલા બધા પદાર્થોનું ભક્ષણ કર્યું. આ વાત નારદે જઈને ઇન્દ્રને કહી. આ જાણી ઇન્દ્ર ખૂબ જ ક્રોધિત થયા અને પ્રલયકાળ જેવા બારે મેઘોને એક સામટા તૂટી પડવા આજ્ઞા કરી.

‘ઇન્દ્ર કોપ કિયો વ્રજ ઉપર
બરસત મૂસલ ધારણ.’

એ મુજબ વ્રજની ભૂમિ ઉપર બારે મેઘ ખાંગા થયા ને સાંબેલાધારે વરસાદ વરસાવવા માંડયો. ગોવાળો પોતાની ગાયો અને વાછરડા સાથે ગોવર્ધન પર્વતની જુદી જુદી બખોલો અને ગુફાઓમાં સંતાઈ ગયા. વ્રજની ધરતી જળબંબાકાર બની ગઈ. યમુના નદીમાં ભયંકર પૂર આવ્યું. વ્રજવાસીઓ વ્યાકુળ થઈ ગયા. શ્રીકૃષ્ણ સૌને લઈને ગોવર્ધન પાસે ગયા. તેમણે હાથની છેલ્લી (કનિષ્ઠકા) ટચલી આંગળીથી ગોવાળિયાઓની સહાયથી ગોવર્ધન ઉંચકી લીધો અને તેની નીચે બધા વ્રજવાસીઓએ અને ગાયોએ આશ્રય લીધો. ઇન્દ્ર વરસાદ વરસાવીને થાક્યો. છેવટે તેને માલૂમ પડયું કે શ્રીકૃષ્ણ તો ત્રિલોકીનાથ ભગવાન છે. બારે ય મેઘોને પાછા ખેંચી લઈ ઇન્દ્ર ભગવાનના શરણે આવ્યા અને પોતાના અપરાધની ક્ષમા માંગી.

વરસાદ બંધ પડયો. આકાશમાંથી વાદળો વેરાવા માંડયા. ધીમે ધીમે પાણી બધું ઉતરી ગયું. કહેવાય છે કે આ દિવસ આસો વદી અમાવસ્યાનો એટલે દિવાળીનો હતો. સાંજના સઘળું પાણી ઉતરી ગયું હોવાથી તે રાત્રિએ બધા ગોપ બાળો જુદી જુદી જગ્યાએ સંતાયેલા ગોવાળોને શોધી કાઢવા ઉત્સુક બન્યા. શ્રી કૃષ્ણે તેમને પર્વત પર ઉગેલા વૃક્ષોમાંથી દોઢ બે હાથ લાંબા દંડા કાપી લાવવા કહ્યું એના છેડા પર ચાર ચીરા પાડી તેમાં ઘીથી પલાળેલા ચીંથરા અને રૃના કાકડા નાંખીને સળગાવ્યા. આમ લીલા લાકડામાંથી કામચલાઉ મશાલો બનાવી આ સળગતી મશાલો હાથમાં લઈને તેના અજવાળે બધા ગોપગ્વાલો એક ગુફામાંથી બીજી ગુફામાં ગોવાળોના કુટુંબોને શોધતા ફરવા લાગ્યા. દરેક જગ્યાએ જઈને ત્યાંના માણસોને પૂછતાં કે :

ગાવડી માવડી
મેળ મેળૈયા ?

અર્થાત્ : તમારી ગાય માતાઓનો મેળ મળી ગયો ? પશુઓ હેમખેમ છે ને ? ખૂંટતા કરતા તો નથી ને ?

પેલા ગોવાળો ને ગોપિકાઓ બરાબર મેળ મળી ગયો છે એમ બોલી તેમની મશાલોમાં ઘી પૂરતા. મશાલચીઓ ત્યાંથી બીજી ગુફામાં જતા. આમ બધે ફરી વળ્યા. સૌ ગોવાળોને આશ્વાસન મળ્યું.

પછી બીજે દિવસે બેસતા વર્ષના દિવસે સૌએ નવા અન્નમાંથી જુદી જુદી વાનગીઓ બનાવી નવા વરસનો ઉત્સવ ઉજવ્યો. કહેવાય છે કે ત્યારથી આપણે ત્યાં દિવાળીની રાત્રે નાના બાળકો ‘મેરમેરૈયા’ લઈ દરેક મહોલ્લામાં ઘેર ઘેર ફરે છે. ‘ગાવડી માવડી મેરમેરૈયા ?’ એ વાક્યના અપભ્રંશરૃપે ‘કાગડી માગડી મેરમેરૈયા ?’ અથવા તો ‘કાગડી માગડી તેલ પુરાવો’ એમ બોલે છે. જૂના કાળે કાઠિયાવાડના ખેડૂતો પોતાની વાડીઓમાં થતી શેરડીના સાંઠાના ડંડા બનાવી ઉપરથી ચાર ચીરા કરી નાળિયેરની કાછલીમાં કપાસિયા, રૃ અને તેલ નાખી મેરાયું બનાવતા બહેનો અને દીકરીઓ તેને કુટુંબમાં અને ગામમાં ઘી તેલ પુરાવવા નીકળતી.

ગોપ અને કૃષિ જીવનની આ પરંપરાનો સંબંધ આપણા પુરાણો આમ શ્રીકૃષ્ણની સાથે સાંકળે છે એટલે મેરાયાની પરંપરા ૫ હજાર વર્ષ પુરાણી હોવાનું કહેવાય છે. આટલાં વર્ષો પૂર્વે શ્રીકૃષ્ણ ગોકુળ, મથુરા અને વૃંદાવન છોડી, ગાયો, ગોપ, ગોવાળો અને ત્યાંના લોકસમૂહ સાથે સૌરાષ્ટ્રમાં આવ્યા. અહીં ગોપ સંસ્કૃતિનો ઉદય થયો. કૃષિ અને ગોપ સંસ્કૃતિએ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને અનેક ઉત્સવો, તહેવારો, પર્વો, મેળા, રાસ, રાસડા અને ગરબાની રૃડી ભેટ આપી. શ્રીકૃષ્ણના ધામમાં ગયા પછી સૌરાષ્ટ્રની ધરતી પર આવી પરંપરાઓ ચાલુ રહી. કેટલીક કાળના પ્રવાહમાં લુપ્ત થઈ ગઈ અને કેટલીક અવશેષરૃપે ટકી રહી છે. તેમાં રાત્રિના ગાઢ અંધકારમાં અજવાળું પાથરતા મેરાયાનો પણ સમાવેશ થાય છે. અસ્તુ.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!