કિન્નર એટલે આજના સમાજને માટે જાણીતો છતાં ય અજાણ્યો વ્યક્તિ.. તેને લોકો અલગ અલગ રીતે જુએ છે… ફીજીશીયન તેની શારિરીક પુર્તતાને… મનોવૈજ્ઞાનિક તેની મનોદશાને જુએ છે… બાળકો તેના ટપાકાથી બીને… અંધશ્રધ્ધાળુને શ્રધ્ધાળુ બે ય અલગ અલગ નજરે તોળે છે….
એકલી બાઈ ઘેર હોયને તે કંઈક યાચવા આવે તો તેનાથી બીતી બાઈ બીએ છે.. આ બધુંય બરાબર પણ એકવાત તો પાકી છે કે બધા આ વિષે જાણવા ઉત્સુક તો હોય જ છે..
અમારા ગામે શાંતામાસી નામે એક કિન્નર આવતા હતા.. હવે આવતા નથી.. છે કે નહીં તે ખબર નથી પણ તેમણે કહેલી વાતો મને હજીય યાદ છે.. તે ક્યારે ક એકલાં પણ આવેને ક્યારેક તેમની ટોળકી સાથે પણ આવે… ગામમાં પ્રવેશે કે તરત જ સૌ પ્રથમ ગામનાં છોકરા ભેગા થઈ જાય… એક ટોળું કિન્નરોનુ તેની પાછળ અમારૂં ટોળું… અમારે તો એ સમયનુ કુતુહલ યુક્ત મનોરંજનને થોડીક બીકે ય ખરી!!! મારા મતે એક બીક એમની ભારે ટપાકાનીને બીજી બીક સ્ર્ત્રી વેશે ભારેખમ પહાડી પુરુષ સત્તાધારીને કોઈનીય બીક વગરના હોકારાની… કોઈને પણ તુંકારથી બોલાવે..
તેમનું પ્રથમ પ્રયાણ એ ઘર પ્રતિ હોય જેના ઘરે દીકરો અવતર્યો હોય… અમને તો જોણું મળે… શેરીના નાકે વળાક લે ત્યાં ખબર પડી જાય કોના ઘરે જશે… ધારણા સાચી જ પડે… સૌની આગેવાની શાંતામાસીની હોય… ઘરને આગણે જઈ તેઓ બોલે.. એ ય ક્યાં ગઈ???
માતાએ સરસ મજાનો દીકરો દીધો છે.. એયને સો વરસનો થાય.. લાય તેને રમાડુ.. ઘરઘણી વાર કરે તો તેમની ટોળીમાનો એક બાળકને લઈ આવે.. શાંતામાસી તેને માથે હાથ ફેરવી આશીર્વાદ આપે… બેચાર ફેરા ગાણા ગાતાં ગાતાં ગોળ ફુદરડી પણ ફરે… ઘરધણીને શાતામાસી આદેશ પણ કરે..કે એ વહુભા લાવો સરસ મજાની એક સાડીને રૂ.એકવીસ આપો.. અમારે ય બીજે જવાનું છે.. બીજી મુઈને ખબર પડી જશે તો પાછી ઘર વાસીને જતી રહેશે…ઝટ કરો બેટા.. તારો ઘરવાળો ના પાડે તો તારા પિયરનો સાડલો લાવો પણ ઝટ કરો.. આમ આ ટોળી આગળ વધે…
વાર તહેવારે, ખેતીની મોસમે ખળે ખળે ફરી, લગ્ન સારા ભલા બધા જ પ્રસંગેે માતાજીના નામે ઉઘરાવે.. જે આપો તે લઈ પણ લે… ત્યારથી માંડી મને આ કિન્નરોની દુનિયામાં ડોકીયુ કરવાની મહેચ્છા ખરી.. એકવાર મોકો મળી ગયો… રેલગાડીમા… તેમને પણ બહુચરાજી જવાનું હતું ને મારે ય …તેમણે મારી જિજ્ઞાસા પુરી કરવા જે માહિતી મને આપી તે મુજબ…
પહેલાં જ મેં એ જાણવા કોશીસ કરી..કે પવૈયા કેમ થાય છે???
જાતીય બાબતોની જાતીય અંગોની ખામીને લીધે કેટલાકને નાનપણથી જ જેનું વર્તન માતાજીના કિન્નર જેવુ હોય જેને લૌકિક ભાષાએ બાયલાપણુ… છોકરો હોય તો ય છોકરી જેવું વર્તન…હોય. તેને લોકો અલગ રીતે જુએ પણને તિરસ્કારે પણ..
મોટેભાગે આવા છોકરાઓ યુવા વયે સામાજિક અને સંસારિક જીવનમાં સ્થિર થઇ શકતા નથીને શરમ પણ અનુભવે છે. તે કાતો પવૈયાનુ શરણ લે છે.. ક્યાક પવૈયા તેને વિશ્વાસે લઈ પોતાનામાં ભેળવે છે. ઘણાંકને માતાજીનો હુકમ પણ થાય છે. તેઓ સફળ ઘરસંસાર એટલે કે છોકરાના બાપ પણ પવૈયા બને છે. આવા પણ અનેક દાખલા એમણે મને આપ્યા હતા. અમે નવરાત્રીએ બહુચરાજી જઈ ત્યાં ભવાઈ પણ કરતા હતા.
આ ઉપરાંત કિન્નરો ની ઉત્પત્તિ વિશે ની તમામ માહિતી વાલ્મિકી રામાયણના ઉત્તરકાંડમાં સ્પષ્ટ લખેલી છે.
ઘણા સમય પહેલા પ્રજાપતિને ઇલ નામનો પુત્ર હતો. આ ઇલ મોટા થઈને ખૂબ ધાર્મિક રાજા બન્યો. એવું કહેવામાં આવે છે કે, રાજા ઇલને શિકાર કરવામાં ખૂબ રસ હતો. આ શોખને કારણે, રાજા ઇલ તેના કેટલાક સૈનિકો સાથે જંગલમાં શિકાર કરવા ગયો. રાજાએ જંગલમાં ઘણા પ્રાણીઓનો શિકાર કર્યો. પરંતુ આ પછી પણ તેઓએ મન ભરાયું નહીં. તે વધુ શિકાર કરવા માંગતો હતો. આ ઇચ્છામાં તે જંગલમાં આગળ વધ્યો. અને તે પર્વત પર પહોંચ્યા, જ્યાં ભગવાન શિવ માતા પાર્વતી સાથે વિહાર કરી રહ્યા હતા.
એવું કહેવાય છેે કે, ભગવાન શિવએ માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે પોતાને સ્ત્રી બનાવ્યા હતા. ભગવાન શિવએ જ્યારે સ્ત્રી સ્વરૂપ લીધું હતું, તે સમયે જંગલમાંના બધા પ્રાણીઓ, ઝાડ અને છોડ સ્ત્રી બન્યા હતા. રાજા ઇલ પણ તે જ જંગલમાં હાજર હતા, તેથી રાજા ઇલ પણ એક સ્ત્રી બની ગયા અને તેની સાથે આવેલા બધા સૈનિકો પણ મહિલા બની ગઈ.
રાજા ઇલ પોતાને એક સ્ત્રી તરીકે જોઈને ખૂબ જ દુખી હતા. તે સમજી શક્યા નહીં કે આ કેવી રીતે થયું. પરંતુ તેઓને ખબર પડી કે ભગવાન શિવને કારણે તે બધા મહિલાઓ થઈ ગઈ છે. પછી રાજા ઇલ વધુ ચિંતિત અને ડરી ગયો. આ ડરને કારણે, રાજા ઇલ ભગવાન શિવના ચરણોમાં પહોંચ્યા. જ્યાં તેમણે ભગવાન શિવને પોતાને માણસમાં પરિવર્તિત કરવાની અપીલ કરી. પરંતુ ભગવાન શિવે રાજા ઇલને કહ્યું કે તમે પુરુષ સિવાય કોઈ પણ વરદાન માગો. હું આપીશ.
પરંતુ ઇલે બીજા વરદાન માંગવા માટે ઇન્કાર કરી અને ત્યાંથી ચાલ્યા ગયા.
ત્યાંથી નીકળ્યા પછી રાજા ઈલ માતા પાર્વતીને ખુશ કરવા લાગ્યા. માતા પાર્વતી રાજા ઇલથી પ્રસન્ન થઈ અને તેમને વરદાન માંગવાનું કહ્યું.
ત્યારબાદ રાજાએ તેની આખી કથા સંભળાવ્યા પછી માતા પાર્વતીને તેની પુરૂષત્વ પાછા આપવાનું કહ્યું. પરંતુ માતા પાર્વતીએ રાજાને કહ્યું કે તમે ઇચ્છતા પુરુષનો અડધો ભાગ એક વરદાન છે. હું તેનો અડધો ભાગ જ આપી શકું છું. એટલે કે, તમે અડધુ જીવન એક સ્ત્રી તરીકે અને અડધુ જીવન એક માણસ તરીકે વિતાવી શકો.
જ્યારે તમે સ્ત્રી સ્વરૂપે જીવવા માંગો છો અને જ્યારે તમે પુરુષ સ્વરૂપે બનવા માંગતા હો, તો મને કહો.
રાજાએ ખૂબ વિચાર કર્યો અને માતા પાર્વતીને કહ્યું,
“હે માતા, હું એક મહિનો સ્ત્રી તરીકે અને એક મહિનો પુરુષ તરીકે જીવવા માંગુ છું.”
આના પર માતા પાર્વતીએ પણ રાજા ઇલને તથાસ્તુ કહેતી વખતે કહ્યું કે જ્યારે તમે પુરુષ સ્વરૂપમાં રહેશો, ત્યારે તમને તમારું સ્ત્રી સ્વરૂપ યાદ નહીં આવે, અને જ્યારે તમે તમારા સ્ત્રી સ્વરૂપમાં રહેશો, ત્યારે તમને તમારા પુરુષ સ્વરૂપનું કંઈપણ યાદ નહીં આવે.
આ રીતે રાજાને એક મહિનો સ્ત્રીના રૂપમાં અને એક મહિનો પુરુષના રૂપમાં રહેવાનું માતા પાર્વતી પાસેથી વરદાન મળ્યું. જ્યારે તેના સૈનિકો સ્ત્રીના રૂપમાં જ રહી ગયા
એવું કહેવામાં આવે છે કે તે બધા સૈનિકો એક દિવસ સ્ત્રી ઇલા સાથે જંગલમાં ભટક્યા અને ચંદ્રના પુત્ર મહાત્મા બુદ્ધના આશ્રમમાં પહોંચ્યા. ત્યારે ચંદ્રના પુત્ર મહાત્મા બુદ્ધે આ સ્ત્રી સૈનિકોને કહ્યું કે,તમે બધાં સગાઓએ આ પર્વત પર તમારો નિવાસ કરવો જોઈએ. પાછળથી તમને પુરૂષ પતિ મળશે.
અમારી જમાતમા દાખલ થનારે સૌ પ્રથમ તો તેની જ્ઞાતિને ત્યજવી પડે છે. આ વાત ગુપ્ત રહેતી હોય છે. નવા આવનારને શરૂઆતમાં એકદમ સાદું ને કસોટી ભર્યુ સાધુ જેવું જીવન જીવવાનું હોય છે. આ માટે એક શસ્ત્ર ક્રિયા કરવાની હોય છે તેની અમારે માતા બહુચરાજીની રજા લેવી પડે છે.
મારાથી પુછાઈ ગયું કે માતાએ રજા આપી કે નહીં તે કેમ ખબર પડે??
શાંતામાસીએ જવાબ આપ્યો કે… આ માટેની ચકાસણી અમે માતાનું વાહન ગણાતા કુકડાથી કરીએ છીએ.. એક હુષ્ટપુષ્ઠ કુકડાને પકડી તેની ડોકની નસ કાપીને કરીએ છીએ. કુકડો મરી જાય તો ક્રિયાનો હુકમ નથી અને કુકડો બચી જાય તો માતાજીનો હુકમ છે તેમ સમજવાનુ.. આ શસ્ત્રક્રિયા માટે અમે ડોકટરની પણ સેવા લઈએ છીએ.. પહેલાંના સમયમાં આ કામ ગુરૂ જાતે જ કરી લેતા હતા. ત્યાર પછી તેનું નામકરણ…અમે અવતારે પુરૂષ હોવા છતાં અમારી આ સ્ત્રી જેવી મનોદશા અમને અસહ્ય લાગે છે. અમારા નામ પણ સ્ત્રીઓના જ રાખવામાં આવે છે…
આ વિધી પછી આ પ્રસંગે આખી જમાતને જમણવાર દેવાનો હોય છે.ને નવા આગંતુકનુ અમારી જમાતમા નાચગાન કરી સ્વાગત કરાય છે. ત્યાર પછી તેણે ગુરૂ સાથે રહેવાનું હોય છે તેને અમારો મઠ કહેવાય છે. જ્યા ગૂરૂ બધા જ ચેલા સાથે રહે.. અમારે અમારા ગુરૂ સાથે રહેવાનું હોય છે. સામાન્ય સમાજ અમને સાથે રાખવા રાજી હોતો નથી..અમારી આ રહેઠાણની જગાને મઠ કહે છે. કેટલાક એકલ દોકલ પણ રહે છે. આ મઠ જ અમારૂ સર્વસ્વ.. અમારા ગુરૂને તેમના ચેલા અમારો પરિવાર.. ગુરૂ અમારી બધી જ ગતિવિધિ પર ધ્યાન પણ રાખે, આદેશને શિક્ષા પણ કરી શકે…
મઠની પ્રથા માટે જણાવ્યું કે જે એકવાર જે મઠ કે ગુરૂની ચૂડલી પહેરે તેને તે જ મઠમાં રહેવુ પડે છે. કેટલાક મઠમાં રહેતા નથી.
આવક માટે પુછતાં જણાવ્યું કે અમારે ગામને ઈલાકો ટોળાવાર સમજુતિ કરી નક્કી કરેલ હોય છે. તે વિસ્તારમાં જ અમને ઉઘરાણુ કરવાનો હક્ક હોય છે. અમારે અમારૂ આવેલ ઉઘરાણુ ગુરૂને જમા કરાવવાનુ હોય છે. જેમ તમારે બાપ હોય તેમ અમારે ગુરૂ..
અમારા ઉઘરાણાના વિસ્તારમાં બીજા મઠના કિન્નરો ઉઘરાણુ કરતા નથી.. છતાં પણ જો કોઇ કરે તો તેની રાડ જમાતને કરાય છે જમાતનો ફેસલો સૌએ માન્ય રાખવાનો હોય છે. ક્યાંક કોઈ તે ફેસલાની ઉપરવટ જાય અને અનાદર કરે ત્યારે મારામારીના બનાવો પણ બને છે. અમારા ગુરૂ અમારી બધી જ જરૂરિયાત પુરી કરે.. રહેઠાણ, કપડાં લતાને દર દાગીના ય ખરા.. એક ખાસ વાત એમણે કહી તે મને આશ્વર્ય પમાડે તેવી રહી…
અમારી જમાતમા ભળેલાનુ મરણ થાય એટલે અમારા મૃતદેહને છાતીએ ડામ દઈ અમારા મઠમાં જ દફનક્રિયા કરવાનો રિવાજ છે. તેનું કારણ એ માનવામાં આવે છે કે.. અમે ન પુરુષ ન નારિ.. એટલે અગ્નિદાહ પણ ન કહેવાયને દફન પણ કહેવાય.. બીજું કારણ એ પણ ગણીએ છીએ કે આપણામાં સ્ત્રીઓ સ્મશાન ન જાય તેવો ધારો છે તેથી અમારે પણ સ્મશાન ન જવાય.
અમારા ગુરુનું મરણ થાય ત્યારે અમારે ચુડલા કર્મ પણ કરવાનુને એક વિધવાની જેમ ગુરુનો શોક પણ પાળવાનો હોય છે. અમારે તમે જેમ બધા ભાઈઓ મળી બાપની પાછળ ખર્ચ કરો તેમ બધા જ ચેલાઓએ કરવાનું હોય છે. અમારે આખી જમાતનો કે શક્તિ મુજબનો વરો કરવાનો હોય છે. આ વરામા અમારા સિવાયનો કોઈ જમે પણ નહીં.. એક જ ગુરુના પાવૈયા અમે બહેનો ગણાઈએ. એટલે આમ અમારા ગુરૂની ગુરૂબહેન અમારી માસી કહેવાય.. આ મઠ જ અમારૂ સર્વસ્વ.. અમારા ગુરૂને તેમના ચેલા અમારો પરિવાર.. ગુરૂ અમારી બધી જ ગતિવિધિ પર ધ્યાન પણ રાખે, આદેશને શિક્ષા પણ કરી શકે…
અમે પણ સામાન્ય લોકોની જેમ તીર્થયાત્રા પણ કરીએ છીએ અને પૂણ્ય ભેગું કરીએ છીએ અને આવા અણગમતાને કાગડા કૂતરા જેવા, ન નાતના ન જાતના, ન રાતનાને
ન દાડાના એવા અવતારથી મુક્તિ આપવાની અરજ પણ કરીએ છીએ.
કદાચ તમે સાભળ્યુ પણ હશે કે અમારા દેશ સ્તરના સંગઠને સંસદમાં અમારી અનામત બેઠકની પણ માગ કરેલી છે. સમાજમાં અમારી અગણના થાય છે. અમારે જે કોઈ પ્રશ્નો છે તે કુદરત સર્જીત છે તેમા અમારો કોઇ કસુર નથી. આ પૈકી કેટલાક ચુટણીઓ પણ લડ્યાના દાખલા છે.
અમારામાં કેટલાક ભણેલા ગણેલા પણ હોય છે. કેટલાક ઊઘરાણુ કરવાને બદલે પોતાનો ધંધો વ્યવસાય પણ કરે છે. કેટલાક મુસ્લીમો પણ પાવૈયા બની જતા હોય છે અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે એક પાવૈયાની આમલેટની લારી પ્રખ્યાત છે. ઘણા ગામમાં રહી પોતાનો પશુપાલનનો ધંધો પણ કરે છે. કેટલાક નાણાં ધીરધાર પણ કરે છે. કેટલાક વાહનો ખરીદી ભાડે પણ આપે છે.
કિન્નરો વિષે આગળ કહીએ તો…કિન્નર ભી કુછ કમ નહીં જેવું છે.
દેશની ત્રણ અદાલતોમાં કિન્નરો જજ તરીકે કામગીરી કરી રહ્યા છે. તેમાં આસામનો સ્વાતિ બિધાન બરૂઆ, પશ્વિમ બંગાળમાં જોયતા(જયિતા) માંડલને નાગપુરમાં વિદ્યા કાબળેનો સમાવેશ થાય છે.
વેદપુરાણોમા જોઈએ તો મહાભારતના મુખ્ય પાત્રો કિન્નર તરીકે જ રહ્યા છે. કૌરવો સાથેના જુગારમાં હારી ગયેલા પાડવો સાથેની શરતમા બાર વરસના વનવાસ અંતે એક વરસ છુપા વેશે રહેવાનું હતું. ત્યારે મહાન ધનુર્ધારી અર્જુને બૃહનુલા નામ ધારણ કરી કિન્નર વેશે વિરાટની પુત્રીને સંગીતને નૃત્યની તાલીમ આપેલી હતી.
આવુજ બીજુ પાત્ર કુરુક્ષેત્રના મેદાને શીખંડી નામે… ભિષ્મ પિતામહ જેવા મહાયોધ્ધાને હરાવવા ભગવાન શ્રી કૃષ્ણે તે શીખંડીનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ ઉપરાંત પ્રયાગરાજ ખાતેના કુભમેળામા બીજા બધા અખાડાઓની સાથે સાથે પ્રથમવાર કિન્નરોનો અખાડો સ્થપાયો છે. જેના મહામંડલેશ્વર તરીકે મહારાષ્ટ્રમાં જન્મેલા કિન્નર શ્રી લક્ષ્મી નારાયણ ત્રિપાઠી નિમાયા છે. આ લક્ષ્મી તેમના સમુદાય માટે કામ કરી રહ્યા પણ છે…
તેમણે રેલનીરની જેમ બોટલ્ડ કિન્નીર, કોસ્મેટિક ને બ્યુટીપાર્લરને કિન્નરોને શિક્ષણ આપવાનો વ્યવસાય શરૂ કરેલ છે. થોડા વરસો પહેલાં કરે કેટલીક બેન્કોએ પોતાના મુદતવીતી ધિરાણો વસુલ કરવા માટે પણ આ કિન્નરોનો સફળ પ્રયોગ કરેલો છે. ત્યારે તેઓ ધિરાણ ન ભરનારને ત્યાં જઈ ઢોલ નગારા વગાડી નાચે એટલે બેન્કના દેણદારને નીચુ જોવાપણુ થતું.. આમ વસુલાત પણ થતી… પરંતુ વસુલાત માટેની અદાલતની માર્ગદર્શને આવી પધ્ધતિ પર રોક લગાવી દીધી.
જયારે કિન્નરની વાત આવતી હોય ત્યારે ટી.વી.સિરીયલ ‘શક્તિ એહસાસ અસ્તિત્વ કા’ ની સૌમ્યા નામની કિન્નરને કેમ ભુલાય?? જે પોતાના અધિકાર માટે સૌમ્યતાથી લડે છે. આ સિરીયલની સફળતાનો યશ પણ તેને જાય છે.
સમાજે તેમને સ્વીકારવા જોઈએ. તેઓ કુદરતના તરછોડાયેલા જીવ છે. તેઓ જે છે તે છે તેમાં તેમનો કોઈ ફાળો કે કસુર નથી જુનવાણી લોકો ભલે પૂર્વ જન્મના કર્મોનું ફળ સમજતા હોય.. તેઓ ઉભયલિંગી તરીકે જનમ્યા હોય… આવા જ કારણસર તેમનો ત્યાગ કે ઉપેક્ષા કરવી ઉચિત નથી.
આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..
- “દાયણ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 28
- “બારોટ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 29
- “ઘડીયાળ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 30
- “કુંભાર” ગ્રામ્ય જીવનના સ્તંભ- 31
- “સુથાર” ગ્રામ્ય જીવનના સ્તંભ- 32
- “ગોસ્વામી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 33
- “સંગઠનભાવ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 34