હીરો બજાણીયો…
ગામથી ઓતરાદા ખરાવાળની કોરે તેના પરિવાર સાથે “મલ્લી”(ઘરનો એક પ્રકાર)માં રહે..
ગામમાં કોઈને ત્યાં લગ્ન હોય, આગ લાગે, ગામ પર કોઈ વિપત આવી પડે, વધુ વરસાદને લઈ તુટું તુટું ગામ તળાવ વધાવવાનુ હોય , ગોકળ આઠમ હોય, નવરાત્રીના ગરબા હોય, હોળી હોય,ગામે કોઈ નેતા સંતનાં સામૈયાં કરવાનાં હોય, બેસતા વરસનુ રાવણુ બેઠું હોય ત્યાંઢોલ પ્રસંગાનુસાર વગાડાય છે અમારો ઢોલી હીરો બજાણિયો હાજર જ હોય….
શાકમાં રાજા બટેટાને વાદ્યમાં રાજા ઢોલ છે. આખી દુનિયામાં ઢોલ કે તેનાં જેવા જ વાજિત્રો વપરાય છે.
લોકજીવન પર ઢોલનો એટલો પ્રભાવને લગાવ એટલો બધો છે કે જન્માષ્ઠમી, લોકમેળા, હોળી, નવરાત્રીના ગરબા કે જયારે પણ ઢોલ ઢબુકે ત્યારે નરનારીના પગ થનગને છે.
એટલે કે એક લોકકાવ્ય છે કે..
ઢોલીડા ઢોલ વગાડ મારે હીંચ લેવી છે..
હીરો કાને બહેરો હોઈ ઢોલ કેટલો અવાજ કાઢે તેની ગતાગમ તેને પડતી જ નહીં.
પહેલી વાત કરીએ લગ્નની…
સવારના મંડપ મુર્હુતમાં હીરો ઢોલી ગોરના પહેલાં આવી જાય.. આવીને પહેલાં ઢોલને કસે પછી ટ્રાયલ લે… ઢોલના ય અલગ અલગ તાલ હોય ને મંડપ મૂર્હુત પ્રભાતના પહોરે હોય એટલે મંગળ તાલનો ઢોલ વાગે જે સામાન્ય કરતાં ધીમા અવાજે સુમધુરને શાંત ભાસે…
મોદ નંખાઈ ગઈ હોય,લગ્નવાળા ઘરધણીનાં સગાવહાલાં,કુટુંબીઓ,ગામના લોકો આવી ગયા હોય..બાઈઓ રૂડા ગીતો ગાતી હોય.. જૂના જમાનામાં આ પ્રસંગે ખોબે ખોબે ગોળ વહેંચાતો..
હીરો ખાસ ગોળ માટે તેના છોકરાને તેની સાથે લાવે,ગોળ વહેંચાય પછી એકાદ ખોબો વધારે ગોળ તેને અને તેના દીકરાને આપાય તે એક કપડાના કટકામાં બાંધી ઘેર લઈ જાય.
હવે આવે ગણેશ માટલી..
ફળિયાની સ્ત્રીઓ ગીતો ગાતી ગાતી કુંભારને ત્યાં ગણેશ માટલી લેવા જાય ત્યાં પણહીરાએ જવાનુ..
આમ ગ્રહશાંતિના હવનમા પણ ઢોલ કટકે કટકે વગાડે…
પછી વરો ચાલુ થાય તે વરો પતવા આવે ત્યાં હીરો એક ખાસ તાલે ઢોલ વગાડે તેથી ગામ બહાર આવેલ તેના ઘરનાં સમજી જાય કે ભાણું લેવા વેળા થઈ ગઈ છે તેની ઘરવાળી બે ત્રણ વાસણ લઈ ભાણુ લેવા જાય…વરો પુરો થયે ભરપુર ભાણું લઈ જાય.
બપોર પછી પહેલાં મામેરૂ હોય ત્યાં હીરો હાજર થઈ જાય બધાની શીખ થાય છેલ્લે વર કે કન્યાના મામા તરફથી ઢોલીને થેપાડુ ને થોડીક રોકડની શીખ થાય ..
હીરો શીખથી સંતુષ્ઠ છે કે નહીં તે તેની દાંડી પીટીને દેખાડે.. બહુ ખુશ હોય તો જોરથી દાંડી પીટે.. નાખુશ હોય તો સહેજ નામપુરતી દાંડી પીટી બંધ કરી દે… તેના કહેવા પ્રમાણે તેના ઘરનાં તેની દાંડીનો ઇશારો સમજી જાય છે.
હવે ગોતરડો…
ઉત્તર ગુજરાતનો ગોત્રીજો કુટુંબમાં જે તાજુ પરણેલ યુગલ (જુનીયર મોસ્ટ)ને સજાવી ગોત્રીજાનુ બેડુ લેવા કુંભારવાસે ગાજતે વાજતે લગ્નની સામેલ સ્ત્રીઓને પુરૂષો ઢોલીને સાથે લઈ કુંભાર વાસે તેમના ગરાગ કુંભારને ઘરેથી ગોત્રીજાનુ બેડું લઈ ગોત્રના કોઈ ઘરેથી તે ગાગરબેડામાં એકમાં ઘઉંને બીજામાં પાણી ભરીને પેલા નવયુગલના છેડાછેડી બાંધી બાઈને ગાગરબેડુ ઉપડાવી ઘર પ્રતિ પ્રયાણ કરે..આ આખા ય સરઘસમાં બીડી સિગારેટ, સોપારી, ધાણાદાળ વહેચાતી હોય જતી વખતે હીરો તેના ખાસ તાલે
#ગામ_ગધેડે_ચડ્યુ.. ચાનકે ચઢી
#ગામ_ગામ_ગધેડે_ચઢ્યુ..
#ગામ_ગધેડે_ગધેડે ચઢ્યુ..
વગાડે લગ્નમાં આવેલા નવા નવલા જમાઈઓ ઢોલીની આગળ આગળ રૂપિયાની નોટોની ચોટ મુકે.. હીરો ચાલુ ઢોલે દાંડી ચુક્યા વગર વાંકો વળી, આડો સુઈ, ક્યારે ક આંખથી નોટ પકડે, ક્યારેક હોઠથી નોટ પકડે આમ તે સારી એવી રોકડી પણ કરી લે.. આ રોકડીમાં મદદ કરવા તેનો દીકરો પણ આવી જાય..
આમ ઘર આવે તેટલે હીરો આડો ઉભો રહી જોર જોરથી ઢોલ ટીપી આ દંપતિનો ગૃહપ્રવેશ અટકાવે અને પોતાનું દાપુ અવશ્ય પડાવે…
આમ લગ્નની તમામ વિધીઓ જેવી પશ ભરાવવી, ફૂલેકું(વરઘોડો) દીકરીના લગ્ને વરનાં સામૈયાં, જાનને તેડવા, કન્યા વિદાય. દીકરાના લગ્ને જાન વળાવવા, વરનાં પોંખણે ઢોલ વગાડી ધરાઈ શીખ લઈ ગુજરાન ચલાવે…
આ સિવાય પણ ઉપરના બધા જ પ્રસંગે, ગામના કોઈ સારા નરસા કામે હીરો હાજર જ હોય..
પ્રસંગોપાત હીરાને તેની યથાયોગ્ય શીખ મળી રહેતી.. લગનગાળા સિવાયના કાળે તે દાડી મજુરી કરી ગુજારો કરે…
ઢોલ અંગે વિશેષ જાણકારી અંગે વાતચીત કરવામાં ય ભારે મુશ્કેલી.. કેમ કે બહેરો તેની સાથે ઈસારેથી પુછતાં જણાવેલ કે…
અગાઉના સમયમાં મોટાભાગે ઢોલ બનાવવા બિયાનુ લાકડુ વપરાતું. ઢોલ અલગ અલગ પહોળાઈને લંબાઈએ બને છે. આમ આ પીપ જેવા આકારને કોઠો કહે છે.
આજે તો ઢોલના કોઠા લોખંડ, પતરાને ખાલી પીપમાંથી ય બને છે.
અગાઉ ઢોલમાં ચામડાની પડી વપરાતી હતી પણ આજે પ્લાસ્ટિકની વપરાય છે.
વિસનગરના કંસારા ત્રાંબાના ઢોલ પણ બનાવતા હતા.
અમદાવાદની ડબગરવાડના ઢોલ પ્રખ્યાત છે.
કાઠિયાવાડના ગામડાઓમાં ઢોલ મોટે ભાગે લંધાને તુરી, બાકીના ગુજરાતમાં રાવળ, દેવીપૂજક, બજાણિયા,ભંગી વિગેરે કોમો ઢોલ વગાડે છે.
આ લોકોનો જે તે ગામે ઢોલ વગાડવાનો વંશ પરંપરાગત ઈજારો અમલી હતો. એક ઢોલીના ગામે બીજો ઢોલી ઢોલ વગાડી શકે નહીં તેવી પ્રથા હતી.
આદિવાસીના ઢોલ
આદિવાસી પ્રદેશોમાં ઢોલની પ્રથા આજે પણ ચાલુ છે. ત્યાં આપણી જેમ ઘરોનો સમુહ એક જગાએ હોતો નથી. અલગ અલગ ટેકરીઓ પર તેઓ રહે છે. ત્યાં ઢોલ ગામ આગેવાનને ઘેર રહે છે.
જ્યારે પણ કોઈ સારા નરસા કામસર બધાને ભેગા કરવા હોય ત્યારે ઉંચી ટેકરી પર ચઢીને ઢોલ વગાડે છે.
અલગ અલગ સંદેશ માટે અલગ અલગ તાલે ઢોલ વગાડવામાં આવે છે. કોઇપણ આફત સમયે બુંગિયો ઢોલ વગાડવામાં આવે છે. તે તાલ પ્રમાણે ગામજનો સજ્જ થઈ હાજર થઈ જાય છે.
ઢોલના તાલ:-
ગામ પર કોઇપણ જાતની આફત આવી હોય ત્યારે બુંગિયો ઢોલ વાગે…
લગ્નવેળા સવારના ગણેશ સ્થાપનને મંડપ મૂર્હુતે મંગળ તાલ વાગે…
ફુલેકુ ફરતું હોય ત્યારે ધીમા તાલે વાગે…
ફુલેકામાં ઘોડી નચાવવાના ખાસ તાલે….
ફુલેકુ ફરી રહે ત્યારે ચલતીના તાલે વાગે…
ગરબામાં ચલતી, હિંચ, સનેડો, ત્રણ તાળી, વસ્ત્રાલીયું વિગેરે તાલે વાગે..
કન્યા વિદાય જેવા શોકમય પ્રસંગે ધડુકવા તાલે વાગે….
ક્ષત્રિય અને કેટલીક રાજપુત કોમમાં સ્મશાનયાત્રા સમયે એકદાંડીના તાલે વાગે..
ઢોલના ભાગો:-
મુખ:-કોઠીના છેડાને મુખ કહે છે. મુખના બે પ્રકાર છે.
નરમુખ:-
ઢોલની જમણી બાજુનું મુખ સહેજ પહોળું હોય છે તેને નરમુખ કહે છે. આ મુખ પર ભેંસની ચામડી વપરાતી હતી.
નારિમુખ:-
ઢોલની ડાબી બાજુના સહેજ સાંકડા મુખને નારિમુખ કહે છે. આ મુખ પર બકરાની ચામડી વપરાતી હતી..
પડી:-
ઢોલની બે બાજુના પડદાને પડી કહે છે.
ઘર:-
આ બંને પડીઓમાં પાડેલાં બાર જેટલાં કાણાંને ઘર કહે છે. તેમાં દોરી બંધબેસતી કરાય છે.
ગજરો:-
પડીને ગોળાકાર પકડી રાખવા વાંસમાંથી બનાવેલી ચીપને ગજરો કહે છે.
કડી:-
નારિ પડીના ઘરમાંથી નીકળતા દોરીના બે છેડાને નરપડી તરફ ખેંચવા માટેની લોખંડની રીંગને કડી કહે છે.
કંધરોટી:-
ઢોલને ખભે ભરાવવાની દોરી કે પટ્ટાને કંધરોટી કહે છે.
ચાક:-
કંધરોટીની દોરી કે પટ્ટાને લાંબી ટુંકી કરવાના બક્કલને ચાક કહે છે.
જેડી:-
બાવળ કે રાયણની ડાળી કાપી ફુટ સવા ફૂટની લંબાઈવાળી દાંડી જે પકડવાના ભાગેથી જાડીને વગાડવાના ભાગેથી પાતળી હોય તેને જેડી કહે છે. તે નરપડી પર વપરાય છે.
તાડી:-
ઢોલની નારિપડી પર વગાડવા ફૂટ સવા ફૂટની વાંસની પાતળી સળીને તાડી કહેવાય છે.
આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..
- “મદારી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 8
- “ભેંસ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 9
- “ગાય” ગ્રામ્ય જીવનના સ્તંભ- 10
- “બકરી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 11
- “કૃષિ સહાયક-મેઘા મહેતર” ગ્રામ્ય જીવનના સ્તંભ- 12
- “ભુવા અને ભૂત-પ્રેત” ગ્રામ્ય જીવનના સ્તંભ- 13