” વીર ગોધાજી રાઠોડ ”
લેખક : લોકસાહિત્યકાર શ્રી લાભુદાન ગઢવી.
“ધલ ધીંગા ધીંગી ધરા ધીંગા હથ્થ હથીયાર,
નર માઢુડા નિપજયા ઈ ધિંગો દેશ વઢીયાર”
વઢીયારની ધિંગી ધરા માથે ઘણા સુરાપુરા શુરવીરને સતિઓના પાળીયા ને મંદિરો પુજાય છે. ને ઈતિહાસની સાક્ષી આપીને અડગ વર્ષોથી ઉભા છે. એવા કનોજથી ધર્મના ધિંગાણે બ્રાહ્મણની કન્યાની વહારે રાઠોડોએ વઢીયારની ધરા પર દુશ્મનોની સાથે ધિંગાણું કરી રાઠોડ રાજપતોએ મૂળ ગાદી ચંદનગઢ (રાઠોડી ચંદુરની ચોવીસીની સત્તા મેળવી) અને એ રાઠોડોનાં વંશનો વિર ગોધાજી દરબાર ગઢમાં પોતાની પરણેતર રાજપુતાણી સાથે વાતુંમાં હિલોડા કરતો હતો.
ઈ ટાણે રાજપુતાણી નંદબા એ રાજપુતને પુછયું કે “રાઠોડ આજ તમારી આંખ્યુના તેજ મને અનોખાં લાગે છે.તમારી કાયા આખી તાંબાવર્ણી બની હોય એવું લાગે છે.ત્યારે રાજપુત બોલ્યો રાજપુતાણી આજ આપણી ડેલીયે અજાચક ચારણે આપણા ક્ષત્રીવંશના મહાપુરુષો ની યાદ કર્યા કચેરી તરબોળ બની, વાતુંના હિલોળે ચડી પણ આજ એક કવિનો દુહાયે મારા હદયના તાર ઝણઝણાવી દીધાં છે.
બ્રજ દેશાં ચંદન વધુ,મેરૂ પહાંડા મોડ,
ગરૂડ પંખા ગઢ લંકા, (એમ)રાજકળી રાઠોડ
રાજપુતાણી આ દુહાઓમાં જેમની અમર વાતું છે ઈ વિરપુરુષોએ ‘પરહિતે પરોપકાર’ પોતાના પંડના રખોપા નથી કર્યાં પણ મેદાને મરણીયા થઈ ઝુંઝયા છે. અને સાથેસાથે વિરપુરુષોને જન્મ દેનારી આર્યનારીયું પોતાના પતિની સાથે યુધ્ધ કરી ચિતાની જ્વાળામાં કાયાયું હોમી અમર બન્યા છે. એના ઈતિહાસો સાંભળી મને પણ પરહિતે મરવાના કોડ જાગ્યા છે. “ધન્ય છે રાજપૂત તારા રાઠોડ વંશને”
ભગવાન સુરજ મારાજ કોઈ વખત લાવશે, તે’દી આપણે ઈ મરવા તણી મોજું માણશું.
પ્રભાત નો પહોર સુરજ મારાજ ઉદીયાચળ માં થી ડોકીયું કરી પચાશ ક્રોડ પૃથ્વીના ઓવારણા લેતો હોય ઈ દરબાર ગઢમાં રાજપૂતો, રાજપૂતાણીઓ ભગવાન સુરજ નારાયણના કંકુના છાંટણે પુજાયું કરી રહ્યા છે. આખા રાઠોડ ગઢનાં પશુધન, ગાયું, ભેંસું પાદરમાંથી નિકળી વગડાં માં મોજું કરવાં કુંવારકા ના કાંઠાં લગભગ થઈ ગયા છે. માલધારીઓ કાનુંમા આંગળીયું નાખી દુહાની રમઝટ માં તરબોળ બની ગયા છે. દરબાર ગઢની કચેરીયે બરોબર ડાયરો જામ્યો છે.કવિઓ માં ભગવતી ખોડીયાર ની અરજુ કરી રહ્યા છે
ઈ ટાણે સિંધના લુટારુઓનો સો સો ઘોડાયું નો કાફલો ગાયુંના ધણને ફરી વળ્યો. મારો, મારો ના અવાજોમાં માલધારી ભાગ્યો, ગામની પાદરે આવીને જાગો, જાગો ઉઠો જાગો; લુંટારાઓ આપણી ગાયુંના ધણને લઈને સિંધના માર્ગ ભાગ્યા છે. ગામના છેવાડે પડેલો ભેંમલો ઢોલી એના બુંગીયા ઢોલની માથે સાચો થઈને મંડાણો, ગામ આખું હિલોળે ચડયું, કચેરીના રાજપુત, ચારણો, વઢીયારી વિરલા હાકોટા કરી યુધ્ધે ચડ્યા.
આંહિ દરબાર ગઢમાં પૂજામાં બેઠેલ વિરપુરૂષને ખબર મળ્યા, ઉ લુટારુઓ માલને લઈને ભાંગ્યા છે. “*ભલે રાજપુતાણી હું જાઉં છું.”*
લાલ કસુંબલ આંખડી જામેય જબરો જંગ,
મેદાને મરવા તણો, તને ચડયો કસુંબલ રંગ.
કેશર થાપા છાતીયે આંખ્યું ક્રોધ અંગાર,
હાલ્યો મરદ હાકલ કરી હવે ભોમનો હરવા ભાર.
વિર ગોધાજીએ પોતાના ઘોડાની માથે પલાણ કર્યું, ત્યારે કવિ કહે છે કે વિર ગોધાજીએ તંગ તાણ્યા ત્યારે, “તાજી તોળે ત્રાજવે, જેમ બજારે બકાલ”
વિર ગોધાજી હાકલું કરી ને ઈ સિંધના માર્ગ ચડયા. માર્ગમાં મળતા સમાચારે ગોધાજી રાઠોડી ગઢથી લગભગ પાંચેક ગાઉંના સિમાડે પહોચ્યા.
“એ……ઉભા રે’જો
અમારી પૂજનીય ગાયુંના લોહી પીનારા હજુ તમને રાજપુત ભેટયા નથી.”
હાં હાં કરતા લુટારુઓના ધણ માથે સાચો થઈને મંડાણા .
આંહિ પોતાના પતિના પગલે પરીયાણ કરનારી નંદુબા રાજપુતાણી કટારી લઈને યુધ્ધે ચડી.
કુંવર ગોધાજીને લગભગ થતાં રાજપુતાણી એ હાકલ કરી.
રાજપુત હું આવી છું…હું આવી છું……
લુટારુઓ મામલામાં મુંઝાણા રાજપુતને રાજપુતાણી ના ઘા ઝીલવાની સામે ઘા ઝીંકવાની હિંમત રહીં નથી,પણ લુટારુઓનો સુબો યુધ્ધ કરતા વિર ગોધાજી ની પાછળ ઘા કર્યા.
માથું ઉડયું, ઉડતાં રાજપુતાણી ની પાસે જઈ પડયું.
રાજપુત સરગાપર આપણા માટે દુર નથી, રાજપુતાણી પોતાના પતિના શિરને લઈને બેઠી-બેઠી માં ભવાનીના જયનાદ કરે છે…..જય માતાજી……જય માતાજી….
માથા વિનાનું ધડ માંડ્યું યુદ્ધ કરવા, ધડને છાતીએ આંખ્યું આવી….દુશ્મનો ભાંગ્યા….ધડ પાછળ પાછળ ભાંગ્યા જાય છે …ધડવાળો વિર ગોધાજી વગર માથડે, વિણ મસ્તકે એક ગાઉં હાલી… લુટારુઓના પ્રાણ લઈને…ગાયુંના ધણના આડો આવીને ઉભો….
ગાયુંએ વિર ગોધાજીની ચોમેરે ઘેરો ઘાલ્યો …ગાયુંને સત ચડયાં…અને ઈ સુરાની રાજપુતાણી પોતાના પતિ વિર ગોધાજી ના માથાને લઈને… અગ્નિ ની ચિતા પર ચડયાં…જેના જમણાં અંગુઠામાંથી આંગયું ઉઠી, અને એ પરમાર્થી નર-નારી બેઉના પ્રાણ ભેગા ઉડયા…અને એ બેઉ વિરગતીને પામ્યાં….જેના આજ મંદિર પુજાય છે….અને કવિઓ જેના પેટ ભરીને વખાણ કરે છે…
વિર ગોધાજી-નું-ધામ-
નોંધ:- ગોધાજી રાઠોડ… અત્યારે વઢીયારનાં ગોધાણા ગામના પાદરમાં મોટું મંદિર છે…જેને ગોધાણશા પીર પણ કહે છે…વિર પણ કહે છે…ઘણા એમના પરચા આજે જોવા મળે છે…ગોધાણાના તળાવમાં બળેવના બળેવીયા પાણીમાં બુડયા ઈ બુડયા…ને વિર ગોધાજી એ ૨૭ દિવસ સુધી જળમાં રાખ્યાં…ને ૨૭ મા દિવસે જીવતા કાઢયા…તેદુ’થી ગોધાણા ગામે બળેવ આજે પણ ભાદરવા સૂદી-૧૩ ના દિવસે થાય છે. ગામ આખું કસુંબો ચડાવે છે…હોમ-હવન થાય છે..ને વિર ગોધાજી ઘણા પરચાઓ આપે છે…તેમના વંશજો આજે પણ ગોધાણા ગામમાં રહે છે….
-નંદુબા-રાજપુતાણી-નું ધામ…
ગોધાણાથી એક ગાંઉના અંતરે દાદકા ગામ આવેલું છે…ત્યાં નંદુભાઈ માં નું મંદિર છે…એમના પ્રગટ ઘણા પ્રમાણ છે…દાદકા આખું દેવ પોઢી અગિયારસ ના દિવસે જાતર કરે…જાદવ શાખના નાડોદા કુળદેવી તરીકે માને છે….
વિર ગોધાજીના યુધ્ધનું વર્ણન કરતું ગીત
………………………………….
ચડીયો રાજપૂત ધિંગાણે રે
ચડીયો રાઠોડ ધિંગાણે રે….
ધરમનો ધારણ, કુળ ઉજારણ, મરદ મુછાળો હાકલું દે’તો રણમાં હાલ્યો રે…
ચડીયો રાજપૂત ધિંગાણે રે
ઢોલીડાં ધ્રુસકે વાગ્યા રે …
ઢોલીડાં ધ્રુસકે વાગ્યા…
ધર વઢીયારી, વિરલા જાગ્યા જુધ્ધ કરવાને ખૂબ જોરાળા ડણકું દેતાં રે…..
ચડીયો રાજપૂત ધિંગાણે રે*
રાઠોડી ગઢનો રાજા રે….
રાઠોડી ગઢનો રાજા
તીર તલવારે, તાજણ તોખારે સતની વા’રે જબર ઝુંઝારો જુધ્ધમાં જામ્યો રે….
ચડીયો રાજપૂત ધિંગાણે રે
રણઘેલી નંદબારાણી રે
રણઘેલી નંદબારાણી
ધરમ નારીનો, રૂદીયે ધારી લઈ કટારી ભૂપના ભેળી રણમાં હાલી રે…
ચડીયો રાજપૂત ધિંગાણે રે*
ગોધાજી ખૂબ જોરાળો રે…
ને ઝુંઝે રણમાંય ઝુંઝારો…
હાહાકાર હાકોટે, સુર સપાટે, જબર ઝપાટે માથડાં કાપે હિંગોળીયા હાથે રે…..
ચડીયો રાજપૂત ધિંગાણે રે*
આંખ્યું જેને છાતીએ આવી રે
આંખ્યું જેને છાતીએ આવી
ધરમ ધિંગાણે, ગામ ગોધાણે, ધડથી ઝુઝયો ..દુશ્મનોને મારી
મુકિત પામ્યો રે….
ચડીયો રાજપૂત ધિંગાણે રે*
ચિત્તા પે નંદબા ચડીયાં રે…
ચિત્તા પે નંદબા ચડીયાં
ભારતનાં અટંગ અલોભી નરનારીના ઉજળા ગીતો લાભુ ચારણે ગાયા રે…..
ચડીયો રાજપૂત ધિંગાણે રે
[ઈ.સ ૧૯૮૯ માં રજૂ]
કર્તા:- *લાભુદાન વાલાભા ગઢવી*
*મુ: ઉપલીયારા (વઢીયાર)*
તસ્વીર સૌજન્ય : કવિ મનન ઠાકોર ( ભદ્રાડા )
● સંત શુરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐…………….ॐ…………卐
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..
- પુંજા બાપા – ગામ: વિરપુર ઘારી ગીર
- ગાયોની વહારે ચડનાર રત્નાભાઈ ચાવડા
- ઘનાવાડા ભાનુશાલી પરીવાર ના સતીઓ
- ભાડેરનું પાણી દીપાવનાર ગલો ઢોલી
- જસો કોળી અને મામદ સિપાઈ
- ટંકારાનો જીવો ઢોલી
- રા’નો રાખણહાર રખેહર ભીમો
- સુમરીઓ કાજે બલિદાન આપનાર ઓરસા મેઘવાળ
- શુરવીર દાના ઢોલીની ખાંભીનો ઇતિહાસ