ગામને માથે ગાયો વાળવાની કે ગામ ભાંગવાની આફત ઊતરે ત્યારે રાજપૂતથી માંડીને રખેહર સુધીની કોઈ પણ જ્ઞાાતિના બહાદુરો હાથ પડ્યું હથિયાર લઇને ધાડપાડુઓ- લૂંટારાઓની સામે બહાદુરીપૂર્વક ઝઝૂમ્યા છે. આવા ટાણે વીરોએ કોનાં ઘર લૂંટવા આવ્યા છે કે કોની ગાયું વાળી છે એવા વાળાટાળા કદી કર્યા નથી.આવા ટાણે તો ગામમાં મહેમાન બનીને આવેલા શૂરાઓ પણ ધીંગાણે ચડી ફૂલધારે ઊતર્યા છે.
‘મચ્છુ કાંઠો ને મોરબી, વચમાં વાંકાનેર,
ચંગા માડુ નીપજે, પાણી હુંદો ફેર.’
માંડવધાર ( ડુંગર) ની ગાળીઓમાંથી ગળાઈને આવતું મચ્છુ નદીનું પાણી ભારે ગણાય છે. એને પીનાર માનવીનાં દેહ વજજર જેવાં પણ હૈયાં મીણ જેવા મુલાયમ હોય છે. અહીંનું ખડ ખાઈને ઉછરતા માલઢોરના આઉમાંથી અમી જેવાં દૂધની છેડ્યું વછૂટે છે. અહીં વસતા અઢારે વરણના માનવી પટાધર ( શૂરવીર) પાકે છે એવું એનાં પાણીનું માહાત્મ્ય છે. અને એથી જ વાંકાનેર અને એના ગામડાઓમાં ઠેરઠેર શૂરવીરોના પાળિયાઓ પોતાના પરાક્રમની વાતું કહેતા આજેય અડીખમ ઊભાં છે. આવો જ એક પાળિયો કોઠારીયા ગામના પાદરમાં ઊભો છે. એ છે ગૌધનની વહારે ચડી મોતને મીઠું કરનાર પુંજાભાઈ સોલંકીનો.
પુંજાભાઈના વંશજ અને એમનાં બારોટ પાસેથી જાણવા મળેલી વાત પ્રમાણે ઘટના કંઇક આવી છે :
પુંજાભાઈનું મૂળ ગામ તો વાંકાનેર. એમના પિતા અજાભાઈ સોલંકી ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે. જડેશ્વર મહાદેવના મંદિરથી થોડે દૂર આવેલું કોઠારીયા ગામ તો પુંજાભાઈનું મોસાળ. પુંજાભાઈ મામાને ઘેર આંટો દેવા આવ્યા હતા.
વિ.સં.૧૬૭૫(ઈ.સ.૧૬૧૯) ના વૈશાખ સુદ બીજનાં ધોમધખ્યા તાપની ઢળતી સાંજે કોઠારીયા ગામની આથમણી સીમમાં ગોવાળ ગામનું ગૌધણ ચરાવી ગામ ભણી જવાની તૈયારી કરી રહ્યો છે એવામાં કેટલાક લૂંટારાઓ આવી ચડ્યા ને ગૌધનને વાળી જવાનો મનસૂબો ઘડ્યો. બુઢા ગોવાળને બબ્બે બૂહટો મારી ગાયોને આંતરી લીધી. ગોવાળે ગામમાં આવી જાણ કરી.ગામલોકો હાથ પડ્યું હથિયાર લઇ ગાયુંને બચાવવા નીકળી પડ્યા. એમને શૂરાતન ચડાવવા ઢોલીએ પોતાના બાવળામાં બળ હતું એટલાં જોરથી ઢોલ પર દાંડી પીટી બૂંગિયો વગાડવા માંડ્યો. મામાને ઘેર સુવાણ્યે આવેલા પુંજાભાઈને કાને ઢોલીના ઢોલનો અવાજ સંભળાયો. પુંજો એક તો પાંચ હાથ પૂરો અને પડછંદ કાયા. ધીંગાણાના ઢોલે એને શૂરાતન ચડ્યું. ખીંટીએ લટકતી તલવાર લઈ એણે દોટ મૂકી. ગામલોકોની હારે એ પણ ગૌધનની વહારે ચડ્યો. ગામની સીમમાં જ લૂંટારાઓનો ભેટો થઈ ગયો. એણે જોયું તો ગાયો ગામ તરફ જવા દોટ મૂકતી અને લૂંટારાઓ એને બીજી દિશામાં વાળવા પ્રયત્નો કરતા હતા. લૂંટારાઓ ગાયોને રસ્તે ચડાવવા એને માથે લાકડીઓની રમઝટ બોલાવી રહ્યા છે. ગાયો ભાંભરડા નાખે છે. ગાયોનાં ભાંભરડા સાંભળી પુંજાભાઈનું હૃદય કકળી ઉઠ્યું એની આંખોમાંથી અંગારા વરસવા લાગ્યા, શરીર ક્રોધથી ધ્રુજવા લાગ્યું.એણે લૂંટારાઓને પડકાર્યા. બે લૂંટારાઓને યમસદન પહોંચાડી દીધા. પણ લૂંટારાઓ વધારે હોવાથી તેની સામે પુંજો વધારે વાર ટકી શક્યો નહીં. લૂંટારાઓએ એક સામટા કુંડાળે પડી પુંજાને લાગમાં લીધો.સામટા ઘા પડવાથી પુંજાનું શરીર ચાળણી જેવું થઈ ગયું. શરીરમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી. ફાગણમાં કેસૂડો ખીલ્યો હોય તેમ પુંજો લોહીથી નાહી રહ્યો. આમ, છતાં એણે વીરતાપૂર્વક લૂંટારાઓનો સામનો કરી ગૌધનને કસાઈઓના હાથમાંથી છોડાવી સ્વર્ગે સિધાવ્યો ત્યારે કોઠારીયાની ધરતી એને રંગ દઈ રહી હતી અને વારણા લેતી હતી.
ગામને આથમણે પાદર આજેય એનો પાળિયો ઊભો છે. એ પાળિયાને લગાવેલ લાલ હિંગોળ સિંદુર અંધારી રાતે ખાખરો ખીલ્યો હોય એવો ચમકે છે.
(પુંજાભાઈના પાળિયા ઉપર નાનકડું મંદિર બાંધવામાં આવ્યું છે. પરસોત્તમ મોહનભાઈ સોલંકી પાસેથી જાણવા મળ્યું કે, વાંકાનેર, તીથવા, રાજકોટ, કમળાપુર, ચુડા વગેરે ગામોમાં રહેતા એના વંશજો વાર તહેવારે નૈવેધ ધરાવવા આવે છે.)
✍પ્રો.દલપતભાઇ ચાવડા✍
રાજકોટ (ખેરવા)
● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..
- કાળો ઝંઝવાડિયો
- ઝુઝાર રત્ના દાદા
- ધરતીનું ઋણ ચૂકવવા બલિદાન આપનાર રંગવડિયો
- રત્નાઆપા જોગરાણા અને ચાલીશ પાળીયા
- વિકરાળબનેલી સિંહણ સામે બાથભીડનાર બે ભડવીર ભરવાડ
- રંગ છે હિરૂજી રેણ ને
- મીંઢોળબંધો વાઘો ખાંભુ
- ભાઈબંધી