ભાઈબંધી

આ જગતની શરૂઆતથી જ માનવોમાં ભાઈબંધી થતી આવી છે અને જેણે નિભાવી છે એનાં નામ ઇતિહાસમાં અમર થઈ ગયા છે. કૃષ્ણ અને સુદામાની ભાઈબંધી જગતમાં જાણીતી છે. સોરઠની ધરતી પર આવાં કેટલાંય ભાઇબંધો થયાં છે.

આજે અહીં વાત કરવી છે એવાં જ એક ભાઈબંધ કારડિયા રાજપૂત કેશરભાઈ પરમાર અને જીવાભાઈ ઝાંપડાની!

આજથી અઢીસો વરસ પહેલાંની વાત છે. સૌરાષ્ટ્ર ભૂમિના ભગવાન સોમનાથના મંદિરથી દરિયા કાંઠે બત્રીસ કિં.મી. દૂરનો ટીંબો એટલે રાખેજ ગામ. પંખીના માળા જેવા આ નાનકડા ગામમાં પરમાર શાખના કારડિયા રાજપૂત કેશરભાઈ પોતાના પરિવાર સાથે રહે. શ્રમજીવી ખેડું કુટુંબ,પણ એમનો રોટલો મોટો. માન, પ્રતિષ્ઠા અને ખાનદાની આ ખોરડામાં સમાયેલી હતી. ખેતી એમનો મુખ્ય વ્યવસાય. હાલના કોડીનારથી ગોહિલની ખાણ ગામના એક ગાઉના મધ્યભાગમાં હાલ જ્યાં ગોરની વાવ આવેલી છે ત્યાં કેશરભાઈ ગોળ બનાવવાનો ચિચોડો હંકાવતા. ગોળ પકવવાનું કામ વાલ્મીકિ સમાજના જીવાભાઈ કરતા. તેના જેવો ગળિયારો આખા પંથકમાં કોઈ મળે નહીં.

જીવાભાઈ મૂળ તો કોડીનારના પણ કેશરભાઈ સાથે મિત્રતા એટલે એને ત્યાં રહી ગોળ પકવવાનું કામ કરે. ગોળ બનાવવામાં એક્કા. ગોળ એવો સુગંધીદાર બનાવે કે રસ્તે જતાં લોકોના નાકમાં એની સોડમ ઘણાં દિવસો સુધી રહે.

એક દિવસ ગોધૂલી વેળાએ ચિચોડામાંથી કિચૂડ કિચૂડ અવાજ આવી રહ્યો છે. શેરડીના સાંઠા એક પછી એક પિલાઈ રહ્યા છે. મોટા તવામાં રસ ધીમી ધીમી ધારે ઝમી રહ્યો છે. ધીમે ધીમે ઠંડો પડતાં ગોળ ઘટ્ટ થઈ રહ્યો છે. જીવાભાઈ અને મજૂરો દુહા લલકારી આનંદ માણી રહ્યા છે. ગોળ હલાવતા જાય, કુંજો ભરાતો જાય, સોડમ વહેતી જાય અને ગોળની જેમ બધાં કામમાં એકરસ થઈ ગયા છે. આવા પ્રસન્નતા ભર્યા વાતાવરણને ચીરતા ‘મારો…મારો…કાપો… કાપો’ નાં પડકારા કરતું લૂંટારાઓનું ટોળું એકદમ નજીક આવી પહોંચ્યું અને ધડાધડ લાકડીઓ અને તલવાર આડેધડ વીંઝવા લાગ્યા.

પાળ ચિચોડાના માલિક કેશરભાઈ પર તૂટી પડ્યું. હમણાં પોતાનો ભેરુ રગદોળાશે એ વિચારે જીવાભાઈના પંડયમાં ધ્રુજારી નીકળી ગઈ. સામે જ ઊડતાં લોહીના ફુવારા તેની રગોમાં ફેલાવા લાગે છે ને પળનોય વિલંબ કર્યા વિના હડી કાઢી પોતાના ભાઈબંધ પાસે પહોંચી ગયા. ભાઈબંધની આગળ ઊભો રહી જીવો ઝાંપડો નરબંકો બની તવેથો લઈ ટોળાં સામે ઝઝૂમવા માંડ્યો પણ હથિયારધારી ટોળાં સામે એકલવીર કેટલી બાથ ભીડે ! ધડાધડ તલવારો વીતતું ટોળું કેશરભાઈ પર તૂટી પડ્યું. પોતાના ભેરુને બચાવવા જીવાભાઈ કેશરભાઈને બાથ ભીડી ઉપર સૂઇ ગયા. દુશ્મનોના ઘા પોતાના પંડય ઉપર ઝીલે છે. મરવું બહેતર છે પણ પોતાના જીવતાં તો મિત્રને આંચ પણ ન આવવા દઉં એવા દ્રઢ સંકલ્પ સાથે જીવાભાઈ મિત્રને બચાવવા મરણિયા પ્રયાસો કરે છે.

દુશ્મનોના ઘા બંને ભાઈબંધોના શરીર પર પડવા લાગ્યા બંનેના શરીર ચાળણી જેવા થઈ ગયા. લોહીથી રંગાઈ ગયા ! પણ અંતે જીવાભાઈ હારે છે ભાઈબંધને બચાવવા જતાં પોતે વીરગતિ પામ્યા. કેશરભાઈ પરમાર પણ વીરગતિ પામે છે.

આ વાતની ગવાહી પૂરતાં બંને જવાંમર્દોના પાળિયા ‘દિવાનની વાડી’ તરીકે ઓળખાતા સ્થળે સમર્પણ અને ખાનદાનીની વાતો કહેતા ઊભા છે.

નોંધ : આ માહિતી આપતા પ્રો.વીરભાણ કે.પરમારે જણાવ્યું કે તેમનાં વહીવંચા બારોટ રાખેજ ગામે તા.૩/૧૨/૨૦૦૨ ના રોજ આવેલાં. તેમની પાસેથી ‘પરમાર પરિવારની વંશાવળી’ પાનાં નં.૩૪૩ પર આ ઘટના નોંધાયેલી છે.

તેઓ જણાવે છે કે, આજેય અમારા કુટુંબમાં કોઇને ઠેસ વાગે કે કોઈ શુભ કાર્ય કરવાનું હોય ત્યારે હંમેશા હૈયે ને હોઠે જીવાબાપા જ યાદ આવે. તેમના આશીર્વાદથી અમારા કાર્યો સિદ્ધ થાય છે. આખું ગામ અમારાં વડવાને નહીં પણ જીવાબાપાને પૂજ્યભાવથી યાદ કરે છે.

આ છે ખરી શહાદત ! આવી ઘટનાઓથી જ ગામમાં અભેદભાવ પ્રવર્તતો અને ભાઈચારો રહેતો. સામાજિક સદભાવનાનું આનાથી મોટું ઉદાહરણ બીજું કયું હોઈ શકે!!

દલપત ચાવડા
ખેરવા

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!