મીંઢોળબંધો વાઘો ખાંભુ

મોટા ભેલા ગામની ઉગમણી કોર્ય તળાવની પાળે, મારગને અડીને આવેલ વડલાના છાંયે ત્રણ ખાંભીયુ ઊભીયુ છે. કોની છે એ ખાંભીયુ? પરણીને આવતો મીંઢોળબંધો વરરાજો લૂંટારાઓ સામે સામી છાતીએ લડીને વીરગતિ પામ્યો તેની અને એની પાછળ એની પરણેતર અને માતા પણ સતી થયા એની આ ખાંભીયુ છે.

આજથી ચારસો વર્ષ પહેલાંની એટલે કે,વિ.સ.૧૬૬૫ના મહા સુદ પૂનમની એ વાત છે. આજના પડધરી પાસેના જૂનાં ખાખડાબેલા ગામના ગાંગાં ખાંભુના દીકરા વાઘા (વીઘો)નાં લગ્ન મોરબી પાસેના નાગડાવાસના સોલંકી સવા રામાની દીકરી કામલબાઈ સાથે લેવાયાં હતાં. હૈયામાં હરખની હેલીએ વરરાજા પરણવા આવ્યા હતા. જાનડીઓ પણ પોતાનાં કોકીલ કંઠે ગીતો ગાઈ ગાઈને ગામ ગજવતી હતી.

જાન ઉઘલીને પાદરમાં આવી ત્યારે સંધ્યાની રુંજયુ વળી ગઈ હતી. સૂરજ મા’રાજ ઢળવાની તૈયારીમાં હતાં. વરરાજાના મામાનું ગામ કુંતાસી મારગમાં જ આવતું હોવાથી મામાએ આગ્રહ કરીને જાન પોતાને ત્યાં વાળી હતી. જાનનાં ગાડાં કુંતાસીને મારગે હાલતાં થયાં. જાનડીઓ હરખે ગીતો ગાતી વગડાને ગજવતી હતી. કોડભર્યુ યુગલ અને પોરહાતા જાનૈયા સાથે જાન આમરણ પાસેનાં મોટા ભેલા ગામની ભાગોળે પહોંચી ત્યારે પશ્વિમમાં સૂરજ મા’રાજ પણ રન્નાદેવીને મળવા માટે રતુંબડા થયાં, સાંજ ઢળી. ધાર વટાવીને જાન આગળ રસ્તા પર આવી ત્યાં ધાર પાછળથી મિયાણા મેપા સોઢાના પંદર-વીસ બુકાનીધારી ધાડપાડુઓ જાનની આગળ આવીને ઊભા રહ્યા. પાળના મોવડીએ હાક મારી ‘જે હોય એ દરદાગીના કાઢી દયો, નહીંતર આ સગી નહીં થાય. લાશોનાં ઢગલાં થાશે.’ એમ કહી મ્યાનમાંથી તલવાર ખેંચી.

એ રાતી ચોળ આંખો, નાગી તલવારો ને ધારિયા જોઈ જાનૈયા ડરી ગયા. વાઘો પણ પળભર થડકી ગયો. ‘અરેરે…! ભારે કરી મારો સંસાર, જાનના માણસો સૌ આ જમદૂતોના હાથે પીંખાઈ જશે’ એ વિચારે મીંઢોળબંધા વરરાજાને શૂરાતન ચડ્યું. વાઘો હતો પણ પાંચ હાથ પૂરો અને મહેનતથી કસાયેલું એનું શરીર. હાથોહાથની જો લડાઈ જામે તો દુશ્મનના બાવડાંને ખભામાંથી ખેંચી કાઢે એવો કાંડા બળિયો જણ. એણે ત્રાડ પાડી ‘માટી થાજો, મરદના દીકરા હો તો આવી જાઓ મેદાનમાં. જેની માંએ સવાશેર સૂંઠ ખાધી હોય ઈ.’ અને તલવારના એક જ ઝાટકે જેમ કુંભાર ચાકડા પરથી માટીનો પીંડો ઉતારે એમ વાઘાએ અસમાલ આમદ સોઢાનું માથું ઉતારી લીધું અને માંડ્યો આડેધડ તલવાર વીંઝવા. વાઘાએ ખરેખરો જંગ ખેલ્યો.

આ તો ચમારની જાન છે એટલે આંકડે મધ અને એ પણ માખો વિનાનું એમ માનીને નિરાંતે લૂંટવાના ઈરાદે આવેલા ધાડપાડુઓ વાઘાનું રૌદ્ર રૂપ જોઈ છક થઈ ગયા. અંદરોઅંદર સંતલસ કરી એક સામટા વાઘા પર તૂટી પડ્યા. લાગ જોઈને એક મિયાણાએ તલવારનો ઘા કર્યો ને વાઘાનું માથું ધડથી અલગ કરી નાખ્યું. વાઘાનું કબંધ ઘીગાણે ચડ્યું, કબંધ પાળની પાછળ પડ્યું મિયાણાઓ ભાગ્યા. છેવટે વલીયા વાળંદે ગળીનો તાંતણો નાખી એને અભડાવ્યુ એટલે ધડ શાંત થઈને જમીન પર ઢળી પડ્યું.

જેનાં હૈયામાં અપાર મનોરથો ભર્યા હતા ને જેણે હજી નીરખીને પોતાના ધણીને પૂરાં જોયાં પણ નથી એવી નવોઢા કામલબાઈ સોલંકણ પોતાનાં પતિનું માથું ખોળામાં લઇ ચિતાએ ચડ્યા અને વાઘા ખાંભુની મા હરખુબાઈ ચાવડા પણ પુત્ર પાછળ માતાભાવે સતી થયા.

આ ત્રણેયની શહાદતની શાક્ષી પૂરતી ખાંભીયુ આજેય આમરણ પાસેના મોટા ભેલા ગામની પૂર્વ દિશામાં તળાવની પાળે, મારગને અડીને આવેલી છે. આજે તો એમનાં વંશજોએ ખાંભીયુ ઉપર નાનકડું મંદિર બંધાવ્યું છે.

દર વર્ષે નોરતાની આઠમે શૂરાપૂરા વાઘા ખાંભુને સવા પાલી ચોખા, શ્રીફળ, દીવા અને કસુંબો ચડે છે. સતી હરખુબાઈને પણ સવા પાલી ચોખા, શ્રીફળ અને દીવા ધરવામાં આવે છે અને સતી કામલબાઈને સવા પાલી લાપશી, શ્રીફળ અને દીવા ધરવામાં આવે છે.

વાઘા ખાંભુના વંશજો આજે ‘ ખાંભુ ‘ અટક બદલીને ‘ચૌહાણ’ કરવામાં આવી છે. આ ઘટના બારોટના ચોપડામાં સંવત, વર્ષ, મહિનો, વારના ઉલ્લેખ સાથે નોંધાયેલી છે)

✍✍✍દલપતભાઇ ચાવડા
રાજકોટ

● સંત શૂરા અને સતીઓ ગ્રુપ ●
卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……………ॐ…………卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!