પોરબંદરની હદમાં વિસાવાડા(મુળ દ્વારકા) નામક એક ગામ આવેલું છે. આ ગામ ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્ત્વનું છે. કહેવાય છે કે જુના જમાનામાં હિન્દુસ્તાનના દરેક રાજ્યોમાંથી યાત્રાએ આવતા સંઘો ને આ ગામના ભક્તજનો રોકીને ખાવાપીવાની, રોકાવાની તેમજ વિસામો લેવાની તમામ સગવડો આપતા તથા તે સંઘોની તથા સાધુસંતોના રસાલાઓની આત્મમનથી હૃદયથી તથા મનના ભાવથી જે આગતા સ્વાગતા કરતા તેથી આ ગામનું નામ વિસાવાડા પડેલું છે તેમ જણાય છે.
આ ગામમાં મહેર સમાજની વધુ વસ્તી છે. મહેર જ્ઞાતિ જેમ શૂરવીરતામાં, બહાદુરીમાં, બલીદાનોમાં, શૌર્યતામાં પંકાયેલી છે. તેવીજ રીતે ઈમાનદારીમાં, ધર્મમાં, નિખાલસતામાં તેમજ પરોપકાર મહેરબાની તથા હૃદય ભાવનામાં પંકાયેલી કોમ છે.
આ મહેર જ્ઞાતિમાં વિસાવાડા ગામમાં એક મહાન ભક્ત થયેલા છે. તેઓનું નામ વિંઝાત ભગત હતું. વિસાવાડા ગામ મુળ દ્વારકાના નામથી પણ જાણીતું છે. વિસાવાડા ગામમાં કેશવાલા શાખાના મહેર ભાયોની વસ્તી છે. કહેવાય છે કે “આદિ મેર કેશવાલા જેની સૂરજ પુરે શાખ” એટલે કે કેશવાલા શાખાના મહેર ભાયોને મહેર જ્ઞાતિમાં ઉચ્ચ ગણવામાં આવે છે. તેવી લોકવાયકા છે.
વિંઝાત ભગત કેશવાલા સાવ અભણ તથા ભક્ત જીવનનાં મહાન માણસ હતા. કૃષ્ણ પરમાત્માના રટણ સીવાય તેમના મન આત્મામાં કોઈ રંજ ન હતો. વિંઝાત ભગત દરરોજ સવારે વિસાવાડા ગામથી પોતાની ઘોડી ઉપર સવાર થઈને પોતાની ટેક હતી કે દ્વારકાના કૃષ્ણ પરમાત્માના મંદિરની ધજાના દર્શન કરીને અન્ન પ્રાસન કરવું તેથી તેઓ કુરંગા(કણધા ગામ) સુધી જતાં અને ત્યાથી જગત મંદિર દ્વારકાની ધજાના દર્શન કરી પાછા વળતા. વિંઝાત ભગતની ઉમર વૃધ્ધ થતાં દરરોજ ઘોડી ઉપર બેસી દર્શનની લાંબી મજલ કાપવી મુશ્કેલ બનવા લાગી. વિંઝાત ભગતે ગમે તેવા મુશ્કેલી ભર્યા સંજોગો આવે તો પણ કદી આ દર્શનાર્થી નિયમ તોડેલો નહીં. કોઈપણ નિયમ કે ટેક લેવી મનોમન સહેલી છે. તેટલીજ તે હમેશાંને માટે પાળવી મુશ્કેલ છે. ભગવાન આવા સાચા ભક્તોની કસોટી છેવટ સુધી કરે છે. તથા ભક્તની લાજ રાખવા માટે કટોકટીના સમયે શામળો હાજરાહજુર રહે છે.
એક દિવસ વિંઝાત ભગત તેમની ઘોડી ઉપર બેસીને દ્વારકાના કાળીયા ઠાકોરના દર્શનાર્થે રવાના થાય છે. સુર્યનારાયણ તેમના સપ્તરંગી કીરણો ચારે દિશામાં પ્રસરાવી રહેલ છે. ત્યારે રસ્તામાં એક બ્રાહ્મણ આડા ફરીને તેમની ઘોડીની લગામ પકડી રાખીને કહે છે કે વિંઝાત ભગત તમો મારી વાત માનો તો આજે તમો અહીંથી પાછા ઘેર ચાલ્યા જાવો. વિંઝાત ભગત કહે મહારાજ મારાથી મારા શામળાની ધજાના દર્શન કર્યા વગર ઘેર પાછું ફરાય નહીં. બ્રાહ્મણદેવ કહે વિંઝાત ભગત તમે તમારી ખોટી હઠ છોડી દીયો અને મહેરબાની કરીને પાછા વળો. હું આ તમારા ભલાની વાત કરૂં છું. તમોને લુંટી લેવા તથા તમારી આ તેજદાર ઘોડીને પડાવી લેવા માટે કાબા સરદારોની ટોળી ઓડા બાંધીને આગળ બેઠી છે. જો તમો જાશો તો સારાવાના થશે નહીં. વિંઝાત ભગત બોલ્યા મારાજ તમે મારા લાભની વાત કરી તે સાચી પણ મારૂ જે નીમ છે તે કેમ મુકાઈ. લુટારાની બીકે હું મારૂ નિત્ય નીમ તોડી નાખું ? મારાજ જે થવું હોય તે ભલે થાય. કાળીયો ઠાકર લાજ રાખશે.
મારાજ મારી ઘોડીની લગામ મુકી દીયો. જે ભકિતમાં મરવાથી બીએ તે પ્રભુપદ પામવાને લાયકજ ન ગણાય.
“ભકિત છે. શૂરવીરની સાચી લીધા પછી ન મેલે પાછી”
પોતાની ઘોડીને પગની એડી મારી ચાલતી કરે છે. મારાજ લ્યો હવે પગે લાગુ છું. બોલ્યું ચાલ્યું માફ કરશો. ત્યાતો ઈશ્વરીય તેજોગુણ ચમત્કાર સર્જાયો અને મારાજ કહે છે વિંઝાત ભગત એમ જવાશે કેમ? હવે તો તમે મને મુકશો પણ હું તમોને કદી મુકીશ નહીં એમ કહી નિરંજન નિરાકાર શ્રી કૃષ્ણ પરમાત્માએ વિંઝાત ભગતને દર્શન આપ્યા.
વિંઝાત ભગત ભગવાનના દિવ્ય સ્વરૂપને જોઈ ઘોડી ઉપરથી કુદી પડ્યા. ભગવાનના ચરણમાં સાક્ષાત દંડવત પ્રણામ કરી ભગવાનના પગને વળગી રહ્યા. ભગવાન પ્રત્યેના પ્રેમના આવેશમાં તેમનું હૃદય ભરાઈ આવ્યું. ભગવાને તેમના હાથ પકડીને ઉભા કર્યા. છાતી સામે ભગવાને ભક્તને ચાંપીને બોલ્યા કે ભગત વિંઝાત તમારી ભકિતથી હું પ્રસન્ન થયો છું. માટે તમારી ઈચ્છા થાય તે માંગો. હું તે ઈચ્છા પૂર્ણ કરીશ.
વિંઝાત ભગત બોલ્યા મારા પ્રભુ, મારા નાથ, મને સંસારની કોઈ વસ્તુ ઉપર પ્રીત નથી મારા ઉપર જો આપની દયા હોય તો મને સદાને માટે આપના ચરણોમાં જગ્યા આપો. આ મારી છેલ્લી માંગણી છે. ભગવાન વિંઝાત ભગતની ત્યાગવૃતિ જોઈ બોલ્યા તથાસ્તુ. ત્યારબાદ કૃષ્ણ પરમાત્માની પરમ દયાથી તથા દરરોજ તેમના દર્શન કરવા માટે વિંઝાત ભગતે વિશુદ્ધ ભાવથી પોતાનું જીવન ગુજારવા લાગ્યા. તથા મનોમન નીમ લીધેલું કે જ્યા સુધી કૃષ્ણ પરમાત્માનુ મંદિર ન ચણાય સુધી અન્ન ખાવું નહીં. તેવી અઘરી ટેક લીધી. બાર વરસ સુધી વિંઝાત ભગતે દુધ ઉપર પોતાનું શરીર ટકાવી રાખેલું. તથા વિક્રમ સંવત 1262માં (ઈ.સ. 1206) માં ભગવાન ભક્ત ઉપર થઈ વિસાવાડા પધાર્યા. તથા વિંઝાત ભગતની વિસાવાડાના મંદિરમાં મુકાયેલી પ્રતિમા મા નીચે સંવંત 1262માં આ મંદિરો બંધાવ્યાનો ઉલ્લેખ આપવામાં આવેલ છે.
ખાસનોંધ:- વિસાવાડામાં ગામમાં કૃષ્ણ પરમાત્માની મુર્તી ક્યારે હશે તેનું પ્રમાણ મળે છે. વિસાવાડા મંદિરમાં સંવંત 1262નો કાળા આરસમાં લખાયેલો શિલાલેખ આજે હયાત છે. આ પંથકના કીમતી શિલાલેખોમાં આ લેખની ગણતરી કરવામાં આવે છે. આ લેખ દ્રારકાધીશ રણછોડ રાયની મુર્તીના ઉલ્લેખ ઉપરાંત સિંહ સાથે સંવંત પ્રવર્તાવનાર રાજા સિંહ (જેઠવા) નો ઉલ્લેખ આ લેખમાં છે.
મુળ લેખ આ પ્રમાણે છે:-
||१: सं१२६२ वर्ष माध शुदि १o शुक्रे
||२: अधेह विसावाडा गामे राजश्री
||३: सींह राधे राजश्री विक्रमादेत्यन
||४: राणश्री विक्रमादित्य मूर्ति कारा
||५: पिता || सा द्वारकाधीषं अधेन
||६: जाकेन लिखितं || सिक्का
||७: कॅ जाल्हणेन एषा सूलेषटि
આ સાત લીટીના શિલાલેખમાં રાણાશ્રી સિંહ વિક્રમાદિત્યની સુંદર પ્રતિમા નીચે આવેલ છે. કાળા આરસની આ સુંદર મુતિૅ જેના ઉપર બે આકૃતિઓ છે. આ નીચે લેખ છે.
આ લેખમાં દ્રારકાધીશનો ઉલ્લેખ સ્પષ્ટ છે. આથી એમ નક્કી કરી શકાય છે. સંવંત 1262માં વિસાવાડા મધ્યે શ્રી દ્વારકાધીશ બિરાજમાન હતા.
વિસાવાડા મુળ દ્વારકામાં “જ્ઞાનવાવ” નો મહીમા મોટો છે. કહેવાય છે કે આ જ્ઞાનવાવમાં સ્નાન કરવાથી મનનો ભેદ ટળે છે. જ્ઞાન પ્રાપ્ત થાય છે. તથા પાપનો નાશ થાય છે. તેમજ ઈશ્વરના ચરણમાં સ્થાન મળે છે. શ્રી વિંઝાત ભગત આ જ્ઞાનવાવમાં દરરોજ સ્નાન કરતા શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શને જતા.
શ્રી વિંઝાત ભગત કેશવાલાને લાખ લાખ વંદન..
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..
- સંત શ્રી સવૈયા નાથ
- સંત શ્રી નથુરામજી
- સંત શિરોમણી મહાત્મા ગુરુ શ્રી જોધલપીર
- સંતકવિ શ્રી દેવ ડુંગરપુરી મહારાજ