સંત શ્રી નથુરામજી

ચલાલા ને ખાંભા વચ્ચે ધારગણી થી બેક માઈલ છેટે શેલ નદીના કાઠે આંબેરણ મા નાનુ એવુ ખંભાળિયા ગામ આજેય જુલી રહયુ છે. ગામ વચાળે ડેરીવાળા ની જગ્યા છે. જગ્યામા સતજુગની સુવાસ ફેલાવતી સંતોની સમાધીઓ આવેલી છે. એક કાળે આ જગ્યા સાધુ સંતો ને અભયાગતો થી હમહમતી. બપોર સાંજ હરીહર ના સાદ પડતા. આ જગ્યા પાછળ એક કથા પડેલી છે

ગીર મા બોદાના નેસ મા એક ચારણ રહે. ભક્તિ રગેરગ ઉતરી ગઈ છે. જુવાન ચારણયાણીને પાંચ વર્ષ ના પુત્ર નથુ ને ઈશ્વર ને ભળાવીને ચારણ તો સંસાર છોડી ને હાલી નીકળ્યો. હાલતા હાલતા ગોંડલ મા વડવાળા ની જગ્યા મા મન ઠરયુ. લોહલંગરી મહારાજ ની પરંપરા ની કંઠી બાંધીને અમર સ્વામી નામ ધારણ કર્યુ. ભેખ લઈ ને અમર સ્વામી એ તીર્થાટન આદયુઁ. ફરતા ફરતા ગીરમા બરાબર બોદાના નેસે આવીને ઊતયાઁ. અડખે પડખે થી છોકરાઓ ભેગા થઈ ગયા. અને એમા નવ વર્ષ નો થઈ ગયેલો નથુ પણ હતો. સાંજ પડી એટલે અમર સ્વામી છોકરાવ કહે હવે ઘેર જતા રહો સાંજ પડી ગઈ.

છોકરા નથુ ને કહે હાલ નથુડા પણ નથુ કહે મારે તો નથી આવવુ સાધુ બની જાવુ છે. અમર સ્વામી એ ઘણુ સમજાવ્યા કે હુ એક હાલી નીકળ્યો એટલુ બસ છે. તારી આઈ કાળુ કલ્પાંત કરશે પણ નથુ ન માન્યો, ધરાર અમર સ્વામી ભેળો હાલી નીકળ્યો. નથુ ના મા હટાણુ કરવા ગયેલા ઘરે આવ્યા ત્યાં દિકરો ન મળે ખબર મળી કે બાપ ની ભેગો દીકરો પણ સાધુ થઈને હાલી નીકળ્યો છે. આઈએ કાળૌ રોણુ આદયુઁ . પુત્ર વિજોગે આઈએ થોડા દીવસ મા દેહ પાડી નાખયો. સાધુ પિતા સાથે ફરતો નથુ સાધુતાના ઊજળા સંસ્કાર થી ઘડાતો જાય છે. અંતર ની સાધુતા અંગેઅંગ જળકવા લાગી છે. પિતા પાસેથી દીક્ષા લઈ ને નથુ ના નથુરામ થયા.

એક દીવસ શેલ નદી ને કાઠે દીટલા ગામને પાદર મુકામ કર્યો છે. શેલ ના રળીયામણા કાઠે અમર સ્વામી નુ મન ઠરયુ છે. સવારે જે ભાવીક નુ ગાડુ સૌથી વહેલુ આવે ત્યાં જગ્યા બાંધવાનો સંકલ્પ કર્યો. ઈશ્વર ને કરવુ છે તેદીટલા નજીક હોવા છતા દોઢેક ગાઉ દુર આવેલા ખંભાળીયા ના ભાવીક નુ ગાડુ વહેલુ પહોંચ્યુ.

અમર સ્વામી એ ખંભાળીયા મા જગ્યા બાધી. થોડેક સમયે અમર સ્વામી દેવ થયા એટલે નથુરામજી ગાદીયે આવ્યા. તેમણે જગ્યાની ધીમે ધીમે જમાવટ કરવા માંડી. નથુરામજી ની નામના ચોતરફ ફેલાઈ ગઈ હતી અને ખંભાળીયા ગામ સંત નથુરામ નુ ખંભાળીયા કહેવાતુ. શ્રધ્ધાળુઓ ની માનતા ચાલતી.

એક દી નથુરામ જી ખંભાળીયા ના લુહાણા સેવક સાથે સાવરકુંડલા જાય છે. તે વખતે રાજ નુ ભરણુ લેવા જાળીવાળી તીજોરી ગાડામા ગોઠવાતી. ભેળી આરબો ની બેરખ રહેતી. ભાવનગર રાજ નુ આવુ ભરણુ આ પંથક મા ફરે. ખંભાળીયા અને કાનાતળાવ ગામની વચ્ચે નથુરામજી અને સેવક શેઠને આરબો સામસામા થઈ ગયા. નથુરામજી એ સાધુઓ પહેરે તેવી કપાળ થી ગળાઢક ટોપી પહેરેલી. આરબો માથી કોઈકને ઠેકડી કરવાનુ સુજયુ. એક સૈનીકે સંત ની ટોપી મા જીણી સોટી ભરાવીને ટોપી હેઠે પાડી દીધી. બેરખ આઘી જતા સાધુએ ટોપી ઉપાડી લીધી. તીજોરી ને બેરખ કુંડલા પહોચ્યા. નથુરામજી અને સેવક પણ કુંડલા ને માગેઁ વળયા.

શેઠથી ન રહેવાયુ, કહે બાપુ આપ જેવા સંતની આવી ઠેકડી આરબો ઉડાડે છે, તો સામાન્ય માનવી ને કેટલા રંજાડતા હશે? નથુરામજી કહે ભાઈ કળજુગ મા ગાય અને સાધુ પુરુષ ની આવીજ દશા થવાની છે. પણ સાધુને સંતાપનારા સળગી જવાના એટલુ નકકી જાણજો.

અહી સંત ને બોલવુ ને ત્યાં કુંડલા ના પાદર મા ટોપી ઊડાડી નાખનાર આરબનો દારુ ભરેલ માબર (બંદુક મા ભરવાનો દારુ સાથે રાખવાનુ સાધન) કાઈક તણખો પડતા એકાએક સળગી ઉઠયો. આરબ પણ તેમા બળી ગયો .

શ્રધ્ધાળુ જનોએ આ ઊપર થી દુહો જોડયો —–

બાવે આરબ ને બાળીયો, પીરે હકવી પીર;
ગોંડલીયા તણી ગાદીયે, બાપુ નથવે ચડાવીયા નીર.

આ નથુરામજી ના શામળદાસ થયા અને ત્યાર પછી કેટલીક પેઢીએ વનમાળીદાસ થયા .

સંદર્ભ: સેવા ધરમના અમરધામ
લેખક: જયમલ્લ પરમાર

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!