સંતકવિ શ્રી દેવ ડુંગરપુરી મહારાજ

સદગુરુ તમે મારા તારણહારના રચયિતા શ્રી દેવ ડુંગરપુરી કે (ડૂંગરપૂરી) ૧૮૫૦ આસપાસ થઈ ગયા.. જે મારવડ રાજસ્થાનના સંત કવિ હોવાનું સ્વીકારાયુ છે. તેમના ગુરૂનું નામ ભાવપૂરી હતું. રાજસ્થાનના ચીહઠણ ગામે તેમનો આશ્રમ છે તેમની સમાધિ પછી શિષ્ય વર્ગ સ્થાપેલો. પૂર્વાશ્રમમાં તેઓ જેસલમેરના પુરોહિત બ્રાહ્મણ હતા તેવું મનાય છે

આ સંત કવિએ હિંદી રાજસ્થાની મિશ્ર અને ગુજરાતી મા કેટલાંક પદો રચેલા બીજો એક મત એવો પણ સંશોધાયો છે કે ડુંગરપુરી વીરમગામ તાલૂકાના દેત્રોજ ગામના વણકર હતા. તેમના પિતા માવજીભાઈ અને માતા રૂડીબહેન હતા. દિકરાના જન્મ પછી પિતાનું અવસાન થતા માતાએ એક બાળક ઊપર રંડાપો ગાળ્યો દેત્રોજની પૂર્વમા આવેલ ગેબી ટીંબો તેમનું મુખ્ય સાધના સ્થળ હતું. ડુંગરપુરીએ આખા ભારતની પગપાળા યાત્રા કરી અને બે વખત તો કાવડ ભરી ગંગોત્રીના ગંગાજળને છેક દક્ષિણ આવેલા રામેશ્વરને અભિષેક કરેલ. હરીદ્વાર થી પાછા આવતા રસ્તામા બીમાર પડતા તેમને અણસાર આવ્યો મારો સમય પાકી ગયો છે તેથી પાલનપુર તાલુકાના અમીરગઢ ગામે જીવતા સમાધી લીધી.. આજે આ સ્થળ નજીક જે વસાહત ઊભી થઈ છે તે ‘ડુંગરપુરા’ તરીકે ઓળખાય છે. ડુંગરપુરીનાં ભજનોમાં સત્ગુરુ મહિમા, ઉપદેશાત્મક્ વાણી તથા રહસ્યાત્મક વાણી મુખ્ય છે.

સંતકવિ ડુંગરપુરી મહારાજની કેટલીક પ્રચલિત રચનાઓ

સતગુરુ..તમે મારા તારણહાર‚ હરિગુરુ તમે મારા તારણહાર.(2)
આજ મારી, રાંકની અરજું રે‚ ખાવંદ ધણી સાંભળજો ગુરુજી… હો… જી…(ટેક)

કેળે રે કાંટાનો હંસલા, સંગ કર્યો ગુરુજી(2)
કાંટો કેળું ને ખાય(2)
આજ મારી રાંકની…

આડારે ડુંગર નેવચમાં, વન ઘણા ગુરુજી. (2)
એ જી રે આડી કાંટા કેરી વાડ(2)
આજ મારી રાંકની..

ઊંડારે સાયરનેહંસલા, નીર ઘણાં ગુરુજી(2)
એજી બેડી મારી કેમ કરી ઊતરે પાર(2)
આજ મારી રાંકની…

ગુરુના પ્રતાપે “ડુંગરપુરી” બોલીયા ગુરુજી(2)
હે દેજો અમને સાધુ ચરણે વાસ(2)
આજ મારી રાંકની…

બોલ સત્તગુરુ ભગવાન કી જય..

==========

હંસા, પીયો ને પ્યાલા પ્રેમરા જી…

હંસા! ચાલો સત્ગુરુજી રા દેશમાં જી, જ્યાં કગવા ચુગે રે કપૂર.. હંસા.

હંસા! નહિ વાદળ નહિ વીજળી જી, તીયાં ઝરમરીયા વરસે મેઘ.. હંસા.

હંસા! ગરળહળ જ્યોતું ઝળહળે જી, ત્યાં મોતીડા રા ચોક પૂરાઈ.. હંસા.

હંસા! ગંગા યમુના સરસ્વતી જી, તીયાં ત્રિવેણી ટંકશાળ …હંસા.

હંસા! કાયા નગર એક કોટરી જી, તીયાં વસ્તુરા ભરીયા ભંડાર.. હંસા.

હંસા! દાસ ડુંગરપુરી બોલીયા જી, થારા સંતોનો અમરાપુર વાસ ..હંસા.

પીયોને પ્યાલા પ્રેમરા જી…

=========

અનુભવની વાતું છે અટપટી, યોગ કળાની ગતિ છે ઝીણી રે,
સત્ગુરુજીના વેંચ્યા વેંચાઈ જઈએ, આપે ઓહંમ્ સોહંમ્ની એંધાણી. – અનુભવની વાતું…૦

નાભિ કમળથી સુરતા ચાલી, જઈ ત્રિવેણીમાં ઠેરાણી;
માનસરોવર મુક્તા મોતી, મરજીવા સંત કોઈ લીયે વીણી – અનુભવની વાતું…૦

ચડી ફોજને માંઈ હુવા નગારાં, નિરભે નામની નૌબત ગડી રે ;
નુરત સુરત લઈ શિખરે ચડિયા, બ્રહ્મ અગ્નિમાં જઈ હોમાણી. – અનુભવની વાતું…૦

પાડયો કોટ કબુદ્ધિ કેરો, માર્યો માયલો મન મેવાસી રે,
બ્રહ્મજ્ઞાનનો ર્ક્યા ભડાકા, તો આસને બેઠા ગુરુ અવિનાશી. – અનુભવની વાતું…૦

ત્રણ ગુણને ઘેરી લીધા, ભૂલ ભ્રમણાં ભે ભાંગી રે;
ચાર વેદ પર ચોપાટ ખેલી, ત્યાં અલખ પુરુષની લે લાગી. – અનુભવની વાતું…૦

સૂન મંડળથી શોધી કાઢયો, અખે મંડળમાં ઉરમી જાગી રે,
દેવ ડુંગરપુરી સંતની સેવા, જાહેર આ વસ્તુ છે બહુ ઝીણી.- અનુભવની વાતું…૦

સાભાર- વિરમદેવસિંહ પઢેરિયા

error: Content is protected !!