લોકજીવનમાં નાગપૂજા અને નાગજાતિઓ

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકજીવનમાં લોકદેવતાઓની પૂજાના જે પ્રકારો જોવા મળે છે તેમાં નાગપૂજાની પરંપરા ઘણી પ્રાચીન મનાય છે. આદિકાળથી નાગને ભય અને આશ્ચર્યનું પ્રતીક માનવામાં આવ્યું છે. શેષનાગને મનુષ્ય જાતિનો ગુરુ ગણવામાં આવે છે. સર્પ- નાગમાં પગ વગર દોડવાની શક્તિ છે. જમીન ઉપર અને જળમાં તે રહી શકે છે જૂની કાંચળી ઉતારી પ્રતિ વર્ષ તે નવી ધારણ કરીને તરૂણ બને છે, અને ખેતીવાડીનું રક્ષણ કરે છે. આમ નાગ ઇશ્વરી સૌંદર્ય અને પરોપકારના પ્રતીકરૂપ મનાય છે. આ બધાને કારણે નાગ અને માનવીની અનેક કલ્પનાઓ, માન્યતાઓ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા ઘણું બધું જોડાઈ ગયું છે. ધરતીના ખોળે રહેનારા આદિ માનવીઓની વિચારસરણી આદિકાળમાં અત્યંત કુંઠિત હતી. તેઓ વીજળીના ચમકારા, વાદળાનો ગડગડાટ નદીનું પૂર, આગ અને જંગલી પશુ-પ્રાણીઓથી અત્યંત ભય પામતો એ વખતે જંગલમાં વસતા આદિમાનવને સળવળાટ કરતી વાંકીચૂકી તેજ ગતિ, સ્થિર આંખો, સૂપડા જેવી ફેણ અને જીભના લબકારા મારતા નાગની વિશેષ બીક લાગતી આદિ માનવે આ ભયમાંથી ઉગરવા માટે પૂજા દ્વારા એની ઉપાસના આરંભી છે.

નાગપૂજાની પ્રાચીનતા પર પ્રકાશ પાડતા શ્રી પી. જે. દેવરસ લખે છે કે, વેદોના સમય પહેલાં દ્રવિડ સંસ્કૃતિમાં નાગપૂજા પ્રચલિત હતી. લોકજીવનમાં નાગદેવતાને પૂજ્ય ગણવામાં આવતા વેદોમાં વિશેષતઃ અથર્વવેદમાં નાગ અંગે ઠીકઠીક વિસ્તારથી લખાયું છે. ૠગ્વેદ અનુષ્ઠાનપ્રચુર ગ્રંથ છે, તેથી તત્કાલીન સંસ્કૃતિનું સાર્વજનિક સ્વરૂપનું પ્રમાણ માની શકાય નહીં, તેથી તેમાં નાગ ઉપાસનાનો સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય મળતો નથી પણ સર્પપૂજાનું પ્રમાણ સ્પષ્ટરૂપે એક અથર્વવેદની એક પ્રાર્થનામાં આ પ્રમાણે મળે છે.

‘‘હે પૃથ્વી ઃ સર્પ અને સખત કરડવાવાળો વીંછી છે તે હેમંત ૠતુની ઠંડીથી સંકોચાઈ ગભરાઈ જમીનના પોલાણમાં ભરાઈ રહ્યા છે. તે તેમજ બીજા કોઈ જંતુઓ જે બધા વર્ષાૠતુમાં ભારે દોડધામ કરે છે. તેમાંથી કોઈ મારી પાસે ન આવે. જે શુભ સારા ફળ હોય તેમનાથી અમને સુખ પ્રાપ્ત થાઓ.’’

વેદકાળમાં સર્પથી રક્ષણ મેળવવા સર્પ પ્રિત્યર્થે યજ્ઞો કરવામાં આવતાં, આવા યજ્ઞ પ્રસંગે ગાવાની ૠચાઓ પણ ઉપલબ્ધ થાય છે. ‘નમોઅસ્તુ સર્પેભ્યો, યે કે ચ પ્રથવ્યિમનું’ (યજુર્વેદ- ૧૩/૬) અર્થાત્‌ પૃથ્વીમાં જે સર્પો છે તેમને નમસ્કાર છે.

યજુર્વેદ અને અથર્વવેદની ૠતાઓમાં નાગપૂજાના નીચે મુજબના પ્રમાણો પ્રાપ્ત થાય છે. ‘જેઓ હંમેશા પૃથ્વીનું પરિભ્રમણ કરનારા છે. જેઓ અંતરિક્ષમાં છે તે સર્પોને અમારા નમસ્કાર.’ ‘જે જાદુગરોના બાણોમાં તથા વૃક્ષાત્માઓના દરોમાં વસે છે તે સર્પોને અમારા નમન હો.’ ‘આકાશના તેજમાં, સૂર્યકિરણોમાં અને જળમાં રહેનારા સર્પોને અમે નમીએ છીએ.’ આ સઘળી પ્રાર્થનાઓ પરથી કહી શકાય કે પ્રાચીન કાળમાં ભયને કારણે નાગ પ્રત્યે માનવીનો પૂજ્યભાવ હતો. એમાંથી કાળક્રમે નાગપૂજાની પરંપરાનો પ્રારંભ થયો હશે. વેદો અને ઉપનિષદોમાં નાગપૂજાના પ્રત્યક્ષ પ્રમાણો પ્રાપ્ત થતા નથી. નાગપૂજા વૈદિક કાળના અનાર્યોમાં પ્રચલિત હતી એમ કેટલાક વિદ્વાનો માને છે. હડપ્પા સંસ્કૃતિમાં વૃષભ અને નાગપૂજા થતી હોવાના પુરાવા એ સ્થળોના ઉત્ખનનમાંથી મળી આવ્યા છે.

વેદ અને ઉપનિષદો પછી રચાયેલા પુરાણોમાં નાગની ઘણી રસપ્રદ વાતો ને પ્રસંગો મળી આવે છે તેમાં નાગને દેવશ્રેણીમાં મૂક્યા છે. નાગદેવતાની ઉપાસનાનું વિવરણ પણ એમાં આપ્યું છે. શેષનાગને વિષ્ણુ સ્વરૂપે વર્ણવ્યા છે. મત્સ્ય પુરાણમાં પ્રયાગસ્થ કમ્બલ અને અશ્વતર નાગોની ઉપાસનાનો નિર્દેશ છે. વેદોત્તર ગ્રંથોમાં મહાભારતને મૂકી શકાય. જેમાં પુરાણોની જેમ નાગનું આવાસ પાતાળ બતાવ્યું છે. શેષનાગને વિષ્ણુ સ્વરૂપે વર્ણવ્યા છે.

આજે મદારીઓ જેને કરંડિયામાં લઈને ખેલ કરવા નીકળે છે એ સર્પ ‘સૃપ’ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. એનો અર્થ થાય છે ‘જમીનને ચોટીને ઘસડાતું જતું પ્રાણી’ સર્પનો પર્યાયવાચક શબ્દ નાગ છે. નગે ભવઃ નાગ ! જે નગ અર્થાત્‌ પર્વતમાં એ નાગ કહેવાય છે. ન ગચ્છતિ ઇતિ નાગઃ જે સ્થિર નથી રહેતો તે નાગ કહેવાય છે.

વાગ્ભટ્ટે નાગની મુખ્ય ત્રણ જાતિયો વર્ણવી છે (૧) દર્વીકર, (૨) મંડલીન, (૩) રાજીમાન. જ્યારે અન્ય નાગની અનંત, વાસુકી, પદ્મ, મહાપદ્મ, પદ્મનાભ, તક્ષક, કર્કોટક, કુલિક, શંખ, ત્વ, કંબલ, શંખપાલ, ધાર્તરાષ્ટ્ર, કાલિય વગેરે ચૌદ જાતિ છે.

મહાભારતના આદિપર્વના આસ્તિક પર્વમાં સર્પોની નીચે મુજબ ૭૮ જાતો જણાવી છે (૧) શેષ, (૨) વાસુકી, (૩) ઐરાવત, (૪) તક્ષક, (૫) કર્કોટક, (૬) ધનંજય, (૭) કાલિય, (૮) મણિનાથ, (૯) આપુરણ, (૧૦) પિજરક, (૧૧) યેલાયત્ર (૧૨) વામન, (૧૩) નીલ, (૧૪) અનિલ, (૧૫) કલ્માષ, (૧૬) શબલ, (૧૭) આર્ય, (૧૮) ઉગ્ર, (૧૯) કલશપોતક, (૨૦) સુમન, (૨૧) દધિમુખ, (૨૨) વિમલપિંડક, (૨૩) આપ્ત, (૨૪) શંખ, (૨૫) વાલિશિખ, (૨૬) નિષ્ઠાનક, (૨૭) હેમગુહ, (૨૮) નહુષ, (૨૯) પિંગલ, (૩૦) બાહ્યકર્ણ, (૩૧) હસ્તિપદ, (૩૨) મુદગરપિંડક, (૩૩) કંબલ, (૩૪) અશ્વતર, (૩૫) કાલીઅક, (૩૬) પદ્મ, (૩૭) વંત, (૩૮) સંવર્તક, (૩૯) શંખમુખ, (૪૦) બિલ્વપાંડુર, (૪૧) શ્રેમિક, (૪૨) પડારિક, (૪૩) કરવીર, (૪૪) પુષ્પિદંત, (૪૫) બિલ્વક, (૪૬) બિલ્વપાંડુર, (૪૭) મૂષકાદ, (૪૮) શંખશિરા, (૪૯) પૂર્ણભદ્ર, (૫૦) હરિદ્રક, (૫૧) અપરાજિત (૫૩) પન્નગઃ (૫૪) શ્રીવહ (૫૫) કૌરવ્ય, (૫૬) ધૃતરાષ્ટ્ર, (૫૭) શંખપીંડ, (૫૮) વિરન્ન, (૫૯) સુબાહુ, (૬૦) શાલીપિંડ, (૬૧) હસ્તિપિંડ, (૬૨) નિઠરક, (૬૩) સુમુખ, (૬૪) કૌણમા, (૬૫) અશન, (૬૬) કુંજર, (૬૭) પ્રભાકર, (૬૮) કુમુદ, (૬૯) કુમુદાક્ષ, (૭૦) તિત્તિને, (૭૧) હલક, (૭૨) મહાસર્પ, (૭૩) કર્દમ, (૭૪) બહુમુલક, (૭૫) કર્કર, (૭૬) અકર્કર, (૭૭) કુંડોદર, (૭૮) મહોદર.

શિલ્પશાસ્ત્રના જાણીતા ગ્રંથ ‘અપરાજિત પૃચ્છા’માં ૬૩ નાગકૂળો જણાવ્યાં છે. તેમાં સર્પની મુખ્ય ત્રીસ જાતો ગણાવી છે. વેદકાલીન આર્યોને ૮૦ કરતાં વધુ નાગજાતિની જાણ હતી. વૈજ્ઞાનિક સંશોધન એવું કહે છે કે વિશ્વમાં સર્પની ૨૫૦૦ ઉપરાંત જાતો છે, જેમાંથી ૨૧૬ જેટલી જાતો ભારતમાં છે તેમાંથી 52 જાતો વત્તે ઓછે અંશે ઝેરી ગણવામાં આવી છે.

જ્યાં નાગની પૂજા થતી હોય ત્યાં નાગની પથ્થરની કે પકવેલી માટીની મૂર્તિઓ પણ જોવા મળે છે. તેના પરથી નાગપૂજાનું મહત્તવ સમજી શકાય. ઇ.સ. પૂર્વે પહેલા શતકના શિલ્પોમાં નાગની પૂજાના પ્રતીકો મળે છે. બાણભટ્ટની કાદંબરીમાં રાણી વિલાસવતીની સંતાન પ્રાપ્તિની ઝંખના જોવા મળે છે. બુદ્ધના સમયમાં નાગપૂજાનો પ્રચાર વ્યાપક હતો. ભગવાન બુદ્ધની આસપાસ વણાયેલી જાતક કથાઓમાં બુદ્ધના સિદ્ધાંતો અને ઉપદેશોમાં નાગના મહત્તવના ઉલ્લેખો જોવા મળે છે. અનેક જગાએ સપ્તફણા નાગની છાયામાં બુદ્ધને બેઠેલા વર્ણવ્યા છે. બૌદ્ધ ધર્મની જેમ જૈન અને હિંદુ ધર્મમાં પણ નાગપૂજાના ઉલ્લેખો સાંપડે છે. સંસ્કૃત સાહિત્યમાં પણ શેષનાગની સ્તુતિ આ પ્રમાણે જોવા મળે છે ‘શેષનાગ પોતાની વિશાળ ફણા પર (ચૌદ) ભુવનોની હારમાળા ધારણ કરે છે.’ તે શેષનાગને ભગવાન કચ્છપ પોતાની પીઠ પર સદા ધારણ કરે છે. તે કચ્છપને સમુદ્ર સહજપણે પોતાની અંદર રાખે છે. અહોહોહો મહાપુરુષોના ચારિત્રયનો પ્રભાવ કેવો અપાર હોય છે ?

આ તો થઈ નાગપૂજાની પરંપરાની વાત. પણ જૂના કાળે નાગ પૂજાને પ્રચલિત કરનાર નાગજાતિ, તેની વસાહતો અને તેની આગવી સંસ્કૃતિ હતી. આ નાગ સંસ્કૃતિ અને સર્પોની પૂજાને સમજવા માટે આપણે ટોટેમનો આધાર લેવો પડે. જગતભરની તમામ જાતિઓઓની સંસ્કૃતિમાં ટોટેમનો સંબંધ જોવા મળે છે. જૂના કાળે નાગની પૂજા કરનારી આદિ માનવજાતિ પોતાના કબીલાની ઓળખ માટે માથે નાગનું ચિન્હ ધારણ કરતી. આ નાગજાતિ પોતાની ઉત્પતિ નાગવંશમાંથી બતાવતી. તેમના મુખિયા – રાજા આ રીતે પોતાના સંબંધ નાગ સાથે જોડતી આ જ માનવ જાતિનો સંબંધ નાગજાતિ સાથે જોડાયો હોવાનું સંભવિત છે.

આ નાગજાતિના લોકો આર્યોના આગમન પૂર્વે ભારતમાં વસતા હતા અને પોતાની આગવી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. બૌદ્ધ જાતકોમાં નાગ લોકો પાતાળમાં રહેતા હોવાના વર્ણનો મળે છે. પુરાણોમાં પાતાળના નાગો અને નાગ કન્યાની વાતો આવે છે. હિંદુ અને બૌદ્ધ, ધર્મ પરંપરા નાગને મુખ્યત્વે સમુદ્ર, તળાવ વાવ, કૂવા, સરોવર નદી, ઝરા અને જળની જગાના અધિષ્ઠાતા ગણે છે. આમ, સમુદ્ર કિનારે વસવાટ કરનારી નાગજાતિના સાગર અને નૌકાયાન સાથેનો સંબંધ છે. અસૂર જાતિની એક પેટા જ્ઞાતિ મનાતી. આ નાગજાતિ પાસે વૈદિક સમયમાં વહાણવટું અને સૈન્ય બંને હતા. જેનો ઉપયોગ આર્યો સાથેની લડાઈમાં કાર્ય કરવામાં આવતો. વૈદિક સમયમાં નાગજાતિનું જોર કાશ્મીરથી માંડીને સૌરાષ્ટ્રના સાગર કિનારા સુધી વિસ્તર્યું હતું. બળવાન અને સાધનસંપન્ન આર્યોના આક્રમણ સામે અસૂર નાગો હારતા ગયા તેમતેમ ઉત્તરના આર્યમુલ્કો છોડીને પોતાની સત્તા જળ રસ્તે અવરજવર કરી શકાય તેવા સ્થળોએ સૌરાષ્ટ્રથી સિંધના કિનારા સુધી આવીને વસ્યા હતા એ વખતે નાગજાતિની એક શાખા બળવાન વહાણવટી તરીકે વિખ્યાત હતી. સમુદ્ર અને નદી કિનારાના વસવાટને કારણે નાગલોકોનો સંબંધ પાણી સાથે જોડાયેલો જણાય છે. તેમના વસવાટના નીચાણવાળા આંધ્રપ્રદેશને પાતાલનગરી કલ્પવામાં આવી છે. પાતાલનગર એ પ્રાચીન ભારતનું એક મહત્તવનું બંદર ગણાતું તેનો ઉલ્લેખ ત્રીજી સદીમાં ગ્રીક એલચી મેગાસ્થનિસે સિંધુ અને સરસ્વતીના પ્રદેશ પાસેની પાતાલનગરી તરીકે કર્યો છે. કનીંગહામે પણ તેને સમર્થન આપ્યું છે. ટોલેનીએ સિંધુ પાસેના પ્રારંભના સ્થળનો પાતાળ તરીકે ઉલ્લેખ કર્યો છે. આમ અસૂર એવા નાગકૂળો પાતાળમાં વસતા હોવાના જે ઉલ્લેખો મળે છે તે સૌરાષ્ટ્ર દ્વિપના જ છે.

અસૂર અને નાગજાતિની સૌથી પ્રાચીન વસાહતો સિંધુ, સરસ્વતી, નર્મદા અને તાપીની ખીણોના પ્રદેશોમાં હતી કથાસરિત્સાગરમાં વાસુકિ નાગનું મોટું તીર્થ લાટ પ્રદેશ દર્શાવ્યું છે. પુરાણોમાં નાગ લોકોની રાજધની ‘ભોગાવતી’ કહી છે. ખંભાતને લોકપંરપરામાં ભોગવતી કહેવામાં આવી છે. પણ પૌરાણિક કથા કે પ્રમાણભૂત સાહિત્ય ક્યાંય ઉપલબ્ધ નથી. પુરાણો અનુસાર પાતાળમાં ભોગવતી નદીના કાંઠે આ નગરી હતી. ત્યાં વાસુકિ નામનો રાજા હતો. વૈદિક સરસ્વતીનું એક નામ ભોગવતી હતું. એ કાળક્રમે લુપ્ત થઈ ગયું આજનો ભાલ પંથકનો ભોગાવો એ ભોગવતીનું બીજું નામ હોઈ શકે અને વૈદિક સરસ્વતીનો એક ભાગ હોઈ શકે. ભોગવતીને કાંઠે લોથલ જેવું નાગલોકોનું ભોગવતીનગર કાં ન હોઈ શકે ?

નાગ સંસ્કૃતિનો સંબંધ સૌરાષ્ટ્ર, કચ્છ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. એના અનેક પ્રમાણો આજે ય પ્રાપ્ત થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ પાસે વાસુકિ નાગનું પૌરાણિક મંદિર આવેલું છે એમ કહેવાય છે કે અમૃતમંથન વેળાએ દેવ અને દાનવોએ આ નાગનું નેતરું કર્યું હતું. પુરાણોમાં અતલ, વિતલ, ગર્ભાસ્થ, મહાતલ, સુતલ અને રસાતલ એમ જે સાત પાતાળોનું વર્ણન આવે છે. આ પૈકી સૌરાષ્ટ્રનો દીર્ઘ સાગરકિનારાનો કોઈ ભાગ જૂના કાળે પાતાળ ગણાતું.

પૌરાણિક વર્ણનોમાં જણાવ્યું છે કે, પાતાળનગરીમાં બહુ ટાઢ કે તાપ નથી એવો સમશીતોષ્ણ પ્રદેશ છે સૌરાષ્ટ્રનો ૧૬૦૦ કિ.મી. લાંબો સાગરકિનારો ગણી શકાય. ગોહિલવાડ (જિ. ભાવનગર)નું નાગધડીંબા એ વખતનું નાગધન્વન- નાગપત્તન (નાગપાટણ) મોટી નગરીરૂપે હતું. નાગસંસ્કૃતિના અવશેષરૂપે લોકજીવનમાં માનવીના નાગભાઈ, નાગરાજ જેવા નામો જોવા મળે છે. નદીઓના નાગમતી, ઘરાના નાગધરો, ગામના નાગેશ્રી, નાગઝરી વનસ્પતિના નાગરવેલ, સર્પગંધા, ભોરિંગણી જેવાં નામો મળી આવે છે.

કચ્છમાં ભૂજંગદેવ નાગની પૂજા થાય છે. તેમના નામ પરથી ભૂજ નામ પડ્યું છે અને ત્યાંનો ડુંગર ભૂજિયા તરીકે ઓળખાય છે. જૂના કાળે સૌરાષ્ટ્રમાં નાગમગા બારોટો હતા એમ કાનજી ભુટા બારોટ કહેતા. આ નાગમગાઓ માત્ર મણિધર નાગને વર્ષમાં એકવાર માગતા કિવંદંતીમુજબ કહેવાય છે કે આ નાગ એમને પરિયાના પરિયા ખાય તેટલી સોનામહોરો આપતા સૌરાષ્ટ્રના નાનામોટા તમામ ગામડાઓમાં તળાવની પાળે ચરમળિયા (નાગદેવ)ની દહેરીઓ આવેલી જોવા મળે છે. તેમાં પકવેલી માટીની નાગપરિવારની મૂર્તિઓ મુકાયેલી હોય છે. નાગથી રક્ષણ મેળવવા માટે નાગ પાંચમના દિવસે લોકનારીઓ, તલ, ગોળ, ખાંડના તલવટના લાડુ બનાવી આ દેરીએ જઈ, નાગદેવના દર્શન ને દીવો કરી પ્રસાદ વહેંચે છે. આ દિવસે લોકનારીઓ વહેલી સવારે ઉઠી નાહીધોઈને પાણીયારે નાગનો ગઢ દોરી તેમાં નાગ, નાગણી, ખેતર, ઘોડિયું, નાગના કણા, જળાશય વગેરે ઓળખે છે. એની પાછળની ભાવના ઢોરઢાંખર, ખેતરનો પાક, બાળક વગેરેની રક્ષા માટેનો છે. નાગ વસાહતોનો આ ઘસાતો ભૂંસાતો સંસ્કાર હોઈ શકે છે. ઝાલાવાડમાં ચૂડા પાસે ચોકડી ગામમાં તલસાણીયા અને જામનગર પાસે ધ્રોળની દક્ષિણે તંબોળિયા નાગના મંદિરો પ્રાચીન નાગપૂજાની સાક્ષી પૂરતા અડીખમ ઉભા છે. આમ સૌરાષ્ટ્રની ધરતી સાથે નાગ, નાગજાતિ અને નાગસંસ્કૃતિનો સંબંધ જૂનાકાળથી જોડાયેલો છે. અને સંશોધકોને વધુ સંશોધનો માટે સાદ પાડે છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!