ஜ۩۞۩ஜ મહારાજા છત્રસાલ બુંદેલા ஜ۩۞۩ஜ
ஜ۩۞۩ஜ બુંદેલા રાજવંશ ஜ۩۞۩ஜ
(ઈસવીસન ૧૬૪૯થી ઇસવીસન ૧૭૩૧ )
ઈતિહાસ જેટલો રચાય છે એટલો લખાતો નથી. ક્યારેક દંતકથા કે વાર્તાઓનું મૂળ શોધવામાં આવે ને તો સાચો ઈતિહાસ બહાર આવી શકે એમ છે. દંતકથા બધી જ જગ્યાએ ખોટી નથી હોતી પણ તેમાં અતિશયોક્તિ વધારે હોય છે જે રાજાને નીચું જોવડાવે છે. પણ તેમ છતાં એમાં જો ઊંડાણમાં ઉતરવામાં આવે ને તો થોડીક સચ્ચાઈ તો જરૂર સામે આવી શકે તેમ છે. ઈતિહાસ સચ્ચાઈ પર આધારિત છે એ વાત આ લખનારા ભૂલી ગયાં છે એટલે જ એ પ્રશસ્તિ સાહિત્ય બનીને રહી ગયું છે આજે. પુરાવાઓ છે પણ ખણખોદ કરનારાં કોઈ નથી. આવી વાતો આપણી સમક્ષ માત્ર સાહિત્ય જ નથી લાવતું આપણું ફિલ્મ અને ટેલીવિઝન માધ્યમ પણ એમાં અગત્યનો ભાગ ભજવે છે. હવે આ વેબસીરીઝના જમાનામાં એણે પણ આ OTT પ્લેટફોર્મ પર આવી વેબ સીરીઝો આપવાનું શરુ કર્યું છે. આપણી એક ખામી એ પણ છે કે આપણે આવી વેબ સિરીઝને સરાહતાં નથી. સરાહના બાજુ પર મુકો આપણે તે જોતાં સુધ્ધાં પણ નથી. આવી વેબ સિરીઝ દરેકે ધ્યાનપૂર્વક જોવી જ જોઈએ એમાં પણ જેમને ઇતિહાસમાં રસ છે તેમણે તો ખાસ ! આવી જ એક વેબ સીરીઝ હમણાં MX પ્લેયર પર ૨૦ હપ્તામાં રીલીઝ થઇ છે. એ વેબ સીરીઝનું નામ છે —- છત્રસાલ !
બુંદેલખંડનો નિર્માતા અને મુગલ સુલતાન ઔરંગઝેબનાં દાંત ખાટા કરનાર એટલું જ નહીં પણ દરેક વખતે એને હરાવનાર એક મહાન યોદ્ધા રાજવી જેમને માત્ર ૨૨ વરસની આયુમાં ઔરંગઝેબને પરાભવ આપ્યો હતો એક વાર નહીં અનેકોવાર ! એક વેબ પોર્ટલ ચલાવનાર મિત્રે મારુ ધ્યાન દોર્યું કે આ સીરીયલ ખાસ જોજો અને તમે એનાં પર થોડું સંશોધન કરી લખજો. વિષય તો મારો પ્રિય જ છે અને એમાં પણ ઔરંગઝેબને અગણિતવાર આ બુંદેલખંડી મહારાજા છત્રસાલનું નામ ઘણું ઘણું જ મહત્વનું છે. એટલે હું આનાં પર લખવા પ્રેરાયો છું. વિગતે આ ઈતિહાસ લેખ પહેલાં લખું છું. વેબ સીરીઝનો રીવ્યુ હું પાછળથી કરીશ.
ભારતના ઇતિહાસની એક ખામી એ છે કે ભારતમાં અનેકો મહાપ્રતાપી રાજાઓ થયાં છે. તેઓએ અનેકો યુદ્ધો પણ જીત્યાં છે અને દુશ્મનોના છક્કા પણ છોડાવ્યા છે.કિન્તુ તેમને ભારતમાંથી ખદેડી નુકવામાં અસમર્થ રહ્યાં છે. આનું કારણ એક એ પણ છે કે ભારત અનેક નાનાં નાનાં રાજ્યોમાં વિભાજિત હતું. એક થયું હતું પણ પાછું ફરી તૂટી પણ જતું હતું. આજ કારણે ફરી પાછાં નાનાં નાનાં રાજ્યોએ પોતાનું સામ્રાજ્ય ફરીથી પ્રસ્થાપિત કરી દીધું.એક રીતે તેઓ અંદરોઅંદર લડતાં હતાં અને બાહરી આક્રમણ વખતે તેઓ એક થવાંને બદલે અલિપ્ત જ રહેતાં હતાં. બાહ્ય આક્રમણની વાત જવા દઈએ તો પણ તેઓમાં અંદરઅંદર જ એટલી ફાટફૂટ હતી કે તેઓ જાતિવાદમાં વહેંચાઇ ગયાં હતાં અને દોષનો ટોપલો મનુસ્મૃતિમાં વર્ણિત વર્ણવ્યવસ્થાને માથે નાંખી દીધો. જો કે ભારતના પ્રાચીનકાલમાં જે સનાતન ધર્મનું મહત્વ હતું તે ભારતના મધ્યકાલીન ઇતિહાસમાં ધીમેધીમે ઓછું થતું ગયું હતું ! એનું મુખ્ય કારણ છે “ઇસ્લામ” ધર્મનું આગમન અને એનું ધર્મઝનૂનીપણું ! વચ્ચે ઘણા રાજાઓ આવ્યાં અને ગયાં તેમને સનાતન ધર્મની પુન: સ્થાપના અંગે ઘણાં કાર્યરત રહ્યાં પણ તેમના પતન પછી પાછું જૈસે થે થઇ જતું હતું. એ પુન:સ્થાપના લાંબી ટકી શકી નહીં અને ભારત પ્રાંતવાદના સકંજામાં આવી ગયું !
દિવસો વિતતા ગયાં સૈકાઓ પણ બદલાયા કર્યા. સમયના ચક્રને કોણ રોકી શકે છે ! ઈતિહાસ પણ નહીં ! પણ ભારતની પરિસ્થિતિ ન જ બદલાઈ તે ન જ બદલાઈ. એ દિવસેને દિવસે વકરવા લાગી. પ્રજા ડરી ડરીને જીવતી હતી. ગુલામ વંશથી જે મલેચ્છોનું શાસન શરુ થયું તે મોગલોએ તો એનાં બાપદાદાની જાગીર બનાવી દીધી હતી. આ એક એવો અરસો હતો કે ભારત પર બાહ્ય આક્રમણો નહોતાં થતા.અપવાદ રૂપે ઈરાની આક્રમણકર્તા નાદિરશાહને ગણાવી શકાય. ઈતિહાસ ગમે તેટલો મોગલોને છાવરવા માંગે પણ આ આક્રમણનું કલંક તેઓ ભૂંસી શકે તેમ નથી. આમ જોવા જઈએ તો ભારત પર આક્રમણ કરનાર તે પ્રથમ જ ઈરાની શાસક/ લુંટારો ગણાય. તેણે ભારત પર ઇસવીસન ૧૭૩૮માં આક્રમણ કર્યું હતું. તે વખતે આલમગીર એટલે કે ઔરંગઝેબ તો નહોતો અને એના અવસાન પછી એટલાં બધાં મુગલ શાસકો બદલાયા અને તેઓ બહુ નબળાં હતાં એટલે મરાઠા -શીખ સામ્રાજ્ય જોરમાં આવી ગયાં. પણ તોય દિલ્હીપતિ તો આ મુગલો જ હતાં. નાદિરશાહ વખતે દીલ્હીમાં મુહમદ શાહ કે જેનું અસલી નામ રોશન અખ્તર બહાદુર હતું તેનું રાજ ચાલતું હતું. આ સુલતાને ઇસવીસન ૧૭૧૯ની ર૭મી સપ્ટેમ્બરથી છેક ૨૬ એપ્રિલ ૧૭૪૮ સુધી ઘણું જ લાંબુ શાસન કર્યું હતું. નાદિરશાહનું આક્રમણ પણ આ જ સમય દરમિયાન થયું હતું. આ મુગલ સુલતાન પોતાનાં પર રહેમ કરવા નાદિરશાહને બહુ જ કરગર્યો હતો. દિલ્હી નાદિરશાહે તહસનહસ કરી નાંખ્યું હતું. ભારતની શાન સમો કોહીનુર હીરો પણ આ જ નાદિરશાહ લુંટી ગયો હતો, આનાં આક્રમણ વખતે છત્રસાલ તો ૮૦ વરસે અવસાન પામ્યાં હતાં અને બાજીરાવનાં અંતિમ દિવસો હતાં. આમેય બાજીરાવ તો એકેય યુદ્ધ હાર્યા જ નથી એટલે એમનો અને નાદિરશાહનો આમનો સામનો થયો જ નથી. જે બધું બન્યું એ તો ઉત્તર ભારતમાં જ બન્યું હતું ને ! આ સાલવારી અને ઇતિહાસમાં મેળ ખાતી હોવાથી આ વાત મેં અહીં કરી છે.
ઈતિહાસ પર જે કંઈ પણ સાહિત્ય લખાયું હોય એ પછી ગદ્ય હોય કે પદ્ય એ સિવાય જો એનો ઉલ્લેખ બીજે ક્યાંય પણ ન થયો હોય તો એવું તો ન જ માની લેવાય કે ઈતિહાસ સાવ ખોટો જ છે. વળી આ સમયમાં ઘણાં સાહિત્યો ઉપલબ્ધ હતાં કારણકે આજથી માંડ ૩૫૦ -૪૨૫ વરસ જૂની જ આ ઘટના છે. કહેવાનો મતલબ મારો એ છે કે આ સમયે વિપુલ પ્રમાણમાં સાહિત્ય ઉપલબ્ધ હતું. જે કંઈ પણ અને જ્યાં કંઈ પણ મહારાજા છત્રસાલ વિષે લખાયું છે એ બધે જ ઉપલબ્ધ પણ છે અને એ સીરીઝ પહેલાં ૨-૩ વરસે નેટ પર પણ પુષ્કળમાત્રામાં ઉપલબ્ધ છે જ જે ખોટું તો જરાય નથી પણ કાવ્ય અને વાર્તાઓનો વધારે પ્રમાણમાં સહારો લીધો છે એટલું જ. એમાંથી ઈતિહાસ બહાર કાઢવો જરાય અઘરું નથી. કારણકે મહારાજા છત્રસાલના સમયમાં એટલી બધી ઘટનાઓ બની છે જે એક બીજાં સાથે ઘણી રીતે સંકળાયેલી છે અને ભારતના ઘણાં વીર મહાનાયકો પણ એની સાથે સંકળાયેલા છે એટલું જ નહી પણ તેઓને મહારાજા છત્રસાલ સાથે સીધી મુલાકાત પણ થયેલી છે જ ! પણ ઔરંગઝેબનાં સામનામાં બે મહાન નામો છત્રપતિ શિવાજી અને ગુરુ ગોવિંદસિંહ આ આગળ આ નામ ઢંકાઈ નથી ગયું પણ વિસરાઈ જરૂર ગયું છે એટલે જ મહારાજા છત્રસાલને Unsung Hero કહેવામાં આવે છે.
આ લેખ વાંચતા પહેલાં તમારે મારાં મહાન છત્રપતિ શિવાજી અને બાજીરાવ પેશ્વા અવશ્ય વાંચવા જોઈએ આ એ જ શ્રુંખલાનો ત્રીજો અધ્યાય છે. બાજીરાવમાં મેં એક વાત કરી હતી કે છત્રસાલે એક દુહો લખીને બાજીરાવને મોકલ્યો હતો એમણે મદદ કરવાં માટે. બાજીરાવ જમતાં જમતાં ઉભા થઇ તરત જ છત્રસાલને મદદ કરવાં દોડી ગયાં હતાં એ ઘટના શું છે એ આ લેખમાં એની વાત કરવાની જ મારે અને છત્રપતિ શિવાજી મહારાજે છત્રસાલને શું કહ્યું હતું એ પણ વાત મારે તમને કહેવાની જ છે. એ વખતે કોઈને આ છત્રસાલ કોણ તે પ્રશ્ન નહોતો ઉદભવ્યો ? ન ઉદભવ્યો એ સારું જ થયું કારણકે એનો જવાબ મારે તમને આ જ લેખમાં આપવાનો છે.
મહારાજા છત્રસાલ એક પરિચય ————-
- આખું નામ- મહારાજા છત્રસાલ
- જન્મ-૪ મે ૧૬૪૯
- જન્મસ્થાન- કચર કચનઈ મુગલ શાસન , તીકમગઢ જીલ્લો મધ્ય પ્રદેશ , ભારત
- મૃત્યુ- ૨૦ ડીસેમ્બર ૧૭૩૧
- ઉંમર- ૮૨ વર્ષ
- ગૃહનગર- બુંદેલા
- ધર્મ- હિંદુ
- જાતિ- ક્ષત્રિય( જો કે કેટલાંક એમણે રાજપૂત પણ કહે છે.)
શાસનકાલ બુંદેલખંડના રાજા (ઇસવીસન ૧૬૭૫ – ઇસવીસન ૧૭૩૧)
મહારાજા છત્રસાલ કુટુંબવૃક્ષ —————–
- પિતાનું નામ ચંપતરાય
- માતાનું નામ લાલ કુંવર
- પત્નીના નામ દેવ કુંવરી, સુશીલા બાઈ અને રુહાની બાઈ
- ભાઈનું નામ અંગદ બુંદેલા
- પુત્રોના નામ શમશેર બહાદુર પહેલો, હૃદય શાહ, અલી બહાદુર પહેલો, જગત રાય, ભારતી ચંદ્ર
- પુત્રીનું નામ મસ્તાની
કોઈએ બાજીરાવ મસ્તાની મુવી જોયું છે ? જો જોયું હોય તો એમાં આ મહારાજા છત્રસાલનો ઉલ્લેખ થયેલો છે. કોઈએ એનાં પર પુરતું ધ્યાન આપ્યું જ નથી લાગતું. એક વાત જણાવી દઉં કે આ મસ્તાની કે જે બાજીરાવની બીજી પત્ની હતી અને જેની પ્રેમ કથા બહુ જ પ્રચલિત છે એ આ મહારાજા છત્રસાલની પુત્રી થાય. એની પ્રેમ કથા પ્રચલિત થઇ છે એ સાહિત્યની દેન છે. હકીકતમાં મહારાજા છત્રસાલે રાજીખુશીથી માંસ્તાનીનો હાથ બાજીરાવના હાથમાં સોંપ્યો હતો. આની વાત આગળ કરવાની જ છે એટલે અહીં એ નથી કરતો !
ઈતિહાસમાં સાલવારીનું બહુ જ મહત્વ છે. જો સાલવારી ખોટી તો ઈતિહાસ ખોટો ! જે તે ઘટના જે તે સમયમાં બની હોય એને નજરઅંદાજ કરી દેવાય છે આ ખોટી સાલવારીનાં કારણે અને આમેય ભારતીય ઈતિહાસ તો ખોટી સાલવારીને કારણે પંકાયેલો જ છે. ઇસવીસનની ૧૭મી સદી અને ૧૮મી સદીમાં ભારતીય ઇતિહાસમાં ઘણી ઉથલપાથલ મચી હતી અને ઈતિહાસમાં ઘણી ઘટનાઓ એકસાથે એકબીજા સાથે સંકળાયેલી સમાંતરે બની હતી. તે પણ ધ્યાનમાં લેવી જ જોઈએ દરેકે. મહારાજા છત્રસાલનો જીવનકાળ સુદીર્ઘ હતો એટલે આ સાલવારી અતિમહત્વની છે અહીંયાં. આ ઘટનાઓ સમયને જરાકે થંભવા દેતી દેતી નથી અને ઇતિહાસમાં એક નવો અધ્યાય લખનારી અને ઇતિહાસમાં અનેકો મોડ લાવનારી સાબિત થઇ છે એટલે એનાં પર દ્રષ્ટિપાત કરી જ લેવો હિતાવહ છે. વળી…. આ ઘટનાઓ એક ય બીજી રીતે મહારાજા છત્રસાલ સાથે જોડાયેલી પણ છે જ ! એટલે એ સાલવારી અતિમહત્વની બની રહે છે આપણે માટે ! તો એક નજર આ સાલવારી પર —-
અગત્યની સાલવારી ————-
- મહારાજા છત્રસાલની સાલવારી છે ૪થી મે ઇસવીસન ૧૬૪૯થી ઇસવીસન ૧૭૩૧ની ૨૦ મી ડીસેમ્બર.
- ઔરંગઝેબની સાલવારી છે ૩જી નવેમ્બર ઇસવીસન ૧૬૧૮થી ઇસવીસન ૧૭૦૭ની ૩ માર્ચ.
- શાહજહાંની સાલવારી છે ૫મી જાન્યુઆરી ૧૫૯૨થી ઇસવીસન ૧૬૬૬ની 22મી જાન્યુઆરી.
- મુમતાજ મહલની સાલવારી છે ૨૭મી એપ્રિલ ૧૫૯૩થી ઇસવીસન ૧૭ જૂન ૧૬૩૧.
- મુમતાજ મહલ એ શાહજહાની બેગમ બની હતી ઇસવીસન ૧૬૧૨માં !
- તાજમહલ બન્યો છે ઇસવીસન ૧૬૩૨થી ઇસવીસન ૧૬૫૩ દરમિયાન અને એનો ખર્ચો આવ્યો હતો તે સમયની ૨ કરોડ સુવર્ણમુદ્રા ! એ આજના કેટલાં રૂપિયા થાય તે ગણી કાઢજો જરા ! લગભગ આજના ૭૦ બિલીયન રૂપિયા થાય !
- મહાન છત્રપતિ શિવાજી મહારાજની સાલવારી છે ઇસવીસન ૧૬૩૦ ૧૬મી ફેબ્રુઆરીથી ઇસવીસન ૧૬૮૦ની ૩જી એપ્રિલ.
- છત્રપતિ શિવાજી મહારાજ ભોંસલેનો રાજ્યકાળ માત્ર ઇસવીસન ૧૬૭૪થી ૧૬૮૦ જ હતો !
- છત્રપતિ શિવાજીનાં સૌથી મોટાં પુત્ર સંભાજી રાવનો સમયગાળો હતો ૧૪ મે ૧૬૫૭થી ઇસવીસન ૧૬૮૯ની ૧૧ માર્ચ સુધીનો.
- સંભાજી રાવ પછી ગાદીપતિ થયેલાં રાજારામ પ્રથમનો સમયગાળો છે ૧૪ ફેબ્રુઆરી ઇસવીસન ૧૬૭૦થી ઇસવીસન ૧૭૦૦ની ૩જી માર્ચ સુધીનો !
- શિખ ગુરુ તેગબહાદુરનો સમય હતો ૨૧ એપ્રિલ ઇસવીસન ૧૬૨૧થી ઇસવીસન ૧૬૭૫ની ૧૧ નવેમ્બર સુધીનો.
- શિખ ગુરુ ગોવિંદસિંહનો સમયગાળો હતો ૫ જાન્યુઆરી ૧૬૬૬થી ઇસવીસન ૧૭૦૮ની ૭ ઓક્ટોબરનો.
- રાજપુતાનાના વીર દુર્ગાદાસ રાઠોડનો સમયગાળો હતો ૧૩ ઓગષ્ટ ઇસવીસન ૧૬૩૮થી ઇસવીસન ૧૭૧૮ની ૨૨ નવેમ્બર સુધીનો.
- શાહુ મહારાજ પ્રથમનો સમયગાળો હતો ૧૮ મે ૧૬૮૨થી ઇસવીસન ૧૭૪૯ની ૧૫ ડિસેમ્બર સુધીનો.
- ભારતના મહાન રાજવી બાજીરાવ પેશ્વાનો સમયગાળો હતો ૧૮ ઓગષ્ટ ઇસવીસન ૧૭૦૦થી ઇસવીસન ૧૭૪૦ની ૨૮મી એપ્રિલ સુધીનો.
- મસ્તાની કે જે છત્રસાલની સુપુત્રી હતી તેનો સમય છે ૨૯ ઓગષ્ટ ઇસવીસન ૧૬૯૯ થી ઇસવીસન ૧૭૪૦. મસ્તાની બાજીરાવની પત્ની બની હતી ઇસવીસન ૧૭૨૮માં. આ મસ્તાની એ પર્શિયન – મુસ્લિમ સ્ત્રી રુહાનીબાઈની પુત્રી હતી કે જે મહારાજા છત્રસાલની બીજી પત્ની હતી.
- પ્રણામી સંપ્રદયના સ્વામી પ્રાણનાથજીનો સમયગાળો છે ઇસવીસન ૧૬૧૮થી ઇસવીસન ૧૬૯૪
અહી જણાવેલી સાલવારી અને ઘણાંબધાં નામો અને તે સિવાયના પણ ઘણાંબધાં નામો કોક ને કોક રીતે મહારાજા છત્રસાલ સાથે જોડાયેલાં છે. જેમાના કેટલાકનો ઉલ્લેખ ઇતિહાસમાં મહારાજા છત્રસાલ સાથે થયો છે તો કેટલાંકનો ઉલ્લેખ ઇતિહાસમાં તેમની સાથે નથી પણ થયો. જે થયો છે એનો ઉલ્લેખ પણ આ નામની વેબસિરીઝમાં પણ નથી થયો.
છત્રસાલ અને બુંદેલખંડનો સાહિત્યમાં ઉલ્લેખ —————
ઇસવીસનની ૧૭ મી અને ૧૮મી સદી એ ભારતીય કાવ્યમાં રીતિ કાલનો સમય છે. આ સમયમાં સમગ્ર બુંદેલખંડમાં પ્રજાને એક કરી અને તેમને મલેચ્છો સામે લડવા માટે પ્રેરિત કરતાં કાવ્યો અને લોકજાગૃતિનાં કાવ્યો પુષ્કળ પ્રમાણમાં રચાતા હતાં. જેમાંકૃષ્ણ ભક્તિના કાવ્યો વધારે રચાતાં હતાં. સમગ બુંદેલખંડ એ વખતે કૃષ્ણભક્તિમાં લીન થઇ ગયું હતું. આ જ અરસામાં મહામતિ પ્રાણનાથે પણ હિંદુ- મુસ્લિમ એકતા પર ઉપદેશો આપતાં કાવ્યો રચ્યાં હતાં. સવામી પ્રાણનાથ એ મહારાજા છત્રસાલના આધ્યાત્મિક ગુરુ હતાં.એમણે ઉપદેશો ઘણાં આપ્યાં છે અને કાવ્યો પણ લખ્યાં છે પણ કેટલીક દંતકથાઓ એવી પણ પ્રચલિત થઇ છે એમનાં વિષે કે એ ઈતિહાસ એને માન્ય ગણતું નથી. આધાત્મિક ગુરુ એક બાજુ હિંદુ-મુસ્લિમ એકતાની વાત કરે અને બીજી બાજુ છત્રસાલને તલવાર ભેટ આપી આલમગીર ઔરંગઝેબને ખત્મ કરવાનું કહે અને પન્ના શહેરમાંથી પન્ના (રત્ન)ની ખાણ મળશે એવી ભવિષ્યવાણી કરે એ જરાય બંધ બેસતું જ નથી. આ સ્વામી પ્રાણનાથનું મુળ નામ મેહરાજ ઠાકુર હતું અને તેઓ જામનગર સ્ટેટના દીવાન કેશવ ઠાકુરનાં પુત્ર હતાં. તેમણે જ આ કૃષ્ણપંથી સંપ્રદાયને વિકસાવ્યો. અને એમણે ૬ ભાષામાં પોતાનાં ઉપદેશનો એક ગ્રંથ રચ્યો જેનું નામ છે —-કુલીજામ સ્વરૂપ ! તેઓ ફરતાં ફરતાં બુંદેલખંડ જઈ ચડયા અને એમ કહેવાય છે કે ઈસ્વીસન ૧૬૮૩માં મહારાજા છત્રસાલનાં ભત્રીજા એ એમની મુલાકાત મહારાજા છત્રસાલ સાથે કરાવી બસ ત્યારથી છત્રસાલ એ મહામતિ પ્રાણનાથના પ્રણામી સંપ્રદાયનાં અનુયાયી બની ગયાં. આ મુલાકાત પન્ના શહેરમાં થઇ હતી અને ત્યાં જ સ્વામી પ્રાણનાથનાં કહેવાથી એટલે કે તેમની મદદથી છત્રસાલ બુંદેલખંડના મહારાજા બન્યા, સ્વામી પ્રાણનાથજીની સમાધિ આજે પણ પન્ના શહેરમાં છે. અને એમ કહેવાય છે કે એ મંદિર મહારાજા છત્રસાલે બંધાવ્યું હતું.
આ બધી કહી સુની વાતો છે. એમાંથી ઈતિહાસ બહાર આવતો નથી આતો ઉલટાનો એમાં વિક્ષેપ પડે છે. કારણકે ઇસવીસન ૧૬૮૦માં મહાન છત્રપતિ શિવાજી મહારાજનું અવસાન થયું હતું અને આ જ શિવાજી મહારાજના ગુરુ રામદાસજી હતાં એનાથી પ્રેરિત થઈને એમનાં અવસાન પછી આ વાત ફેલાવવામાં આવી હોય એવું લાગ્યાં વગર રહેતું નથી. થોડીક છાંટ ચાણક્ય-ચંદ્રગુપ્તની પણ આમાં જણાય છે. દંતકથાઓ વધારે છે અને ઈતિહાસ નહિંવત છે. વળી. છત્રસાલ એ શિવાજીના બહુજ માનીતા લડવૈયા હતાં. ઈતિહાસ પણ એમ જ કહે છે. એટલે જ એમને Unsung Hero કહેવામાં આવ્યાં છે. છત્રસાલે ૨૨ વરસે લડાઈ લડવાનું શરુ કર્યું હતું ઔરંગઝેબ સાથે શિવાજીની સેનાના નેજા હેઠળ ! છત્રસાલ એ બુંદેલખંડના મહોબા – મહેબાનાં જાગીરદાર ચંપતરાયનાં પુત્ર હતાં અને તેમની માતાનું નામ લાલકુંવર હતું. આ બન્નેના મૃત્યુ ઔરંગઝેબના સૈનિકોના હાથે થયું હતું અને તેમને ઔરંગઝેબ સામે લડવાનું પણ ત્યાંથી જ શરુ કરેલું. પણ વીર પારખુ શિવાજી મહારાજે તેમની વીરતાથી પ્રસન્ન થી પોતાનાં સૈન્યમાં સામેલ કર્યા હતાં.
શિવાજીએ જ એમણે રણનીતિ શીખવાડી હતી. ગેરીલા પદ્ધતિ એટલે કે છાપામાર પદ્ધતિ. આ જ વાત જુદા જુદા સાહિત્યકારો જુદી જુદી રીતે કરે છે. એમાં સ્વામી પ્રાણનાથનું નામ નથી. જે માણસ શિવાજીના અવસાન પછી પાછો બુંદેલખંડ ગયો હોય અને એ પણ ૩૫ વરસે તો પછી એમનો ઈતિહાસ લખ્યો કોણે ?
શિવાજી મહારાજ પર ઘણાં કાવ્યો લખનાર મહાકવિ ભૂષણ એમણે શિવાજી પછી ઘણાં બધાં રાજાઓની મુલાકાત લીધેલી અને તેમને મુગલો સામે લડવા માટે પ્રેરણા આપતાં કાવ્યો રચ્યાં છે. તેઓ ખાસ ચાહીને છત્રસાલનાં બુદેલખંડનાં મહોબા- પન્ના ગયાં હતાં. ત્યાં તેમને ખાસા દિવસો ગાળી તેમની વીરતા નજરે નિહાળી એમણે વિષે ઘણું બધું જાણીને — છત્રસાલ દશક નામનું મહાકાવ્ય રચ્યું હતું ! આ એ છત્રસાલ પર લખાયેલું પ્રથમ સાહિત્ય છે અને તેમાંથી ઘણી બધી વિગતો આપણને પ્રાપ્ત થાય છે. આ સિવાય લાલ કવિએ પણ મહારાજા છત્રસાલની વીરતાના ભારોભાર વખાણ કરતાં કાવ્યો રચ્યાં છે આ જ સમય ગાળામાં. બાકી…. બુંદેલખંડનો ઈતિહાસ સમૃદ્ધ છે તેમાંથી પણ ઘણી બધી વિગતો બુંદેલખંડનાં સ્થળો વિશે અને રાજાઓવિષે પ્રાપ્ત થાય છે. આ જ બુંદેલખંડના ઇતિહાસમાં એટલે કે એ લખાયેલા ઇતિહાસમાં મહારાજા છત્રસાલની આજના જેવી કુંડલી પણ સચવાયેલી છે જ !
પણ એમનાં વિષે એટલે કે મહારાજા છત્રસાલ વિષે અથતિઇતિ બધી જ માહિતી એ ઇસવીસન ૧૯૯૭માં ડો. રામચરણ વર્મા દ્વારા રચાયેલા અને પ્રકાશિત થયેલાં “છત્રસાલ”માંથી મળી આવે છે. જેનો ગદ્યાનુવાદ પણ થયો છે નવલકથાની જેમ જ ! આ સિવાય ૨૦મી સદીમાં અને ૨૧મી સદીમાં પણ ઢગલાબંધ નવલકથાઓ પણ મહારાજા છત્રસાલ પર રછાઈ છે. પણ તેમાં પદ્ધતિસરનો ઈતિહાસ તો નથી જ મળતો. એ માટે તોઆ પહેલાનાં બે અને ડો. રામચરણ વર્માનાં જ મહાકાવ્ય પર આધાર રાખવો પડે છે. જેમાં સત્ય કેટલું તે તો ઈતિહાસ જાણે જો એને જાણવાની ઇન્તેજારી હોય તો !
વાત જો બુંદેલખંડની થતી હોય તો એ વિષે પણ થોડું જાણી લેવું જોઈએ જ !
બુંદેલખંડ વિષે થોડીક માહિતી ————-
“જીસકો ન નિજ ગૌરવ તથા નિજ દેશ કા અભિમાન હૈ !
વહ નર નહીં નર-પશુ ચિર હૈ ઔર મૃતક સમાન હૈ !”
આ પંક્તિ બુંદેલખંડ માટે લખાયેલી છે. જો કે બુંદેલખંડનાં ઈતિહાસ પર આજ સુધી કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી લખવામાં આવ્યો. એક જ જાણે પ્રયાસ કર્યો છે અને તે પણ બહુ પાછળથી જ ! જો કે સમગ્ર બુંદેલખંડના ઇતિહાસનું આપણે કોઈ કામ જ નથી કારણકે આ લેખ તો મહારાજા છત્રસાલને સમર્પિત છે. પણ તોય થોડું બુંદેલખંડ વિષે જાણી લેવું જોઈએ.
ભારત વર્ષના મધ્યભાગમાં નર્મદા નદીની ઉત્તરે અને યમુનાની દક્ષિણમાં વિંધ્યાચલ પર્વતની શાખાઓથી ઘેરાયેલી અમુના અને તેની સહાયક નદીઓનાં જલથી સિંચિત સૃષ્ટિ- સૌંદર્યાલંકૃત જે પ્રદેશ સ્થિત છે એને બુંદેલખંડ કહેવામાં આવે છે. સમય સમય પર એનાં નામ દશાર્ણ, વજ્ર, જેજાકમુક્તિ, જુભૌક્તિ, જુમ્કારખંડ તથા વિન્ધ્યેલખંડ પણ રહ્યાં છે. એવું પ્રતીત થાય છે કે વિંધ્યાટવીમાં સ્થિત હોવાનાં કારણે આ પ્રદેશનું નામ વિંધ્યેલખંડ પડયું પછીથી અપભ્રંશ થઈને બુંદેલખંડ કહેવાયું.
આ ભુભાગની ઉત્તરમાં યમુનાનો પ્રચંડ પ્રવાહ, પશ્ચિમમાં મંદ મંદ વહેતી ચંબલ અને સિંધ નદીઓ, દક્ષિણમાં નર્મદા નદી અને પૂર્વમાં બધેલખંડ છે. આ પ્રદેશના ઉત્તરીય ભાગમાં જેમાં આજકાળ ઝાંસી,જાલૌન, લલિતપુર, બાંદા અને હમીરપુરના જિલ્લા છે. મધ્યભાગમાં ઓરછા, સમથર અને દતિયા જિલ્લા છે તથા ચરખારી, છત્તરપુર, પન્ના, બિજાવર, અજ્યગઢ ઈત્યાદી નાનાં નાનાં જીલ્લાઓ છે. દક્ષિણી ભાગમાં સાગર, દમોહ અને જબલપુર જિલ્લાઓ છે.
વૈદિક કાળમાં બુંદેલખંડ આર્યોના આગમન કે અહીંયા વસવાટથી મુક્ત રહ્યું હતું. તે સમયે અહીંયા દસ્યુ, યાતુધાન અને જેમને રાક્ષસ કહ્યાં છે એવા લોકોનો વસવાટ હતો કારણકે એમનો વર્ણ આર્યો જેવો ગોરો નહોતો. વેદોમાં પણ આ બધી જાતિઓની ભરપુર નિંદા કરવામાં આવી છે. રામાયણમાં નર્મદા નદીનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો એટલે એ સમયે આર્યો અહીં નહોતાં. પણ કેટલાંક ઋષીઓ જેવાકે અત્રી અને શરભંગનાં આશ્રમો યમુના નદીની દક્ષિણમાં જ સ્થિત હતાં. એક વાત તો છે કે બીજાં ઋષિઓની તો ખબર નથી પણ અત્રિ ઋષિનો આશ્રમ તો જરૂર બુંદેલખંડમાં જ રહ્યો હશે ! ભગવાન રામચંદ્રજીનું ચિત્રકૂટ અહી સ્થિત છે એટલે કેટલાંક એને દંડકારણ્યનો ભાગ પણ મને છે. અગત્સ્ય મુની પણ અહી જ થયાં હતાં કારણકે વિંધ્યાચલ અહીં સ્થિત છે એટલે. મહાભારતનું ચેદિ રાજ્ય બુંદેલખંડની બાજુમાં જ હતું. મૌર્ય સમયમાં સમગ્ર ભારત એક થયું ત્યારે આ બધાં પ્રદેશો મૌર્ય સામ્રાજ્યનો એક ભાગ બની ગયાં હતાં. તે સમયે બુંદેલખંડ એ ઉજ્જૈનના શાસકના તાબામાં હતું. કારણકે ચંદ્રગુપ્તે ભારતના ચાર ભાગ જો પાડયા હતાં. શૃંગ સમયમાં પણ આ બુંદેલખંડ એમના અધિકારમાં જ રહ્યું હતું. પચ્ચી બુંદેલખંડ નાગવંશી રાજાઓનું બન્યું. એમ જોવાં જઈએ તો સદીઓ વીતી રાજવંશો બદલાયા પણ દરેક વખતે આ બુંદેલખંડ તેમનો ભાગ બન્યું હતું ! એ દરેક પર તો ઘણું લખી શકાય છે પણ તેની અહી જરૂર નથી. આમ પ્રાચીન કાળ પૂરો થયો અને મધ્યકાળ આવ્યો !મળ્ય્કાલનો ઈતિહાસ પણ ઘણો લાંબો છે એ વાત પણ જવા દઈએ સીધાં મુગલકાલ પર આવી જઈએ તો વધારે સારું ! પણ એક વાત છે ચંદેલો વખતે આ બુંદેલક્ખંડ એક વિશાળ સામ્રાજ્ય હતું ખરું !
સીધાં મહારાજા છત્રસાલ પર આવી એ એ પહેલાં એક વાત કહી દઉં કે મોગલોના સમયમાં ઘણા બુંદેલખંડી રાજાઓએ નુગ્લોનો સામનો વીરતા પૂર્વક કાર્યો હતો. બુંદેલખંડ હુમાયુના સમયથી મુગ્લોને ખટકતું હતું. દરેક મુગલ સુલતાનના સમયમાં બુંદેલખંડી રાજાઓએ વીરતા પૂર્વક મોગલોનો સામનો કાર્યો હતો પણ તેનું સૈન્યબળ ઓછું હોવાથી તેઓ હાર્યા હતાં અને કેટલાંય મોગલોના હાથે માર્યા ગયાં હતાં . પણ તેઓ દર વખતે વીરતા પૂર્વક સામનો કરતાં હતાં. બુંદેલખંડની એક ખાસિયત એ પણ હતી કે રાજપૂત વીરાંગનાઓ પોતાના ખાવિંદ સાથે ખભાથી ખભા મિલાવીને લળતી હતી. અવંતીબાઈ, રાણી દુર્ગાવતી અને અંગ્રેજો વખતે મહારાણી લક્ષ્મીબાઈ આનાં જવલંત ઉદાહરણો છે. પણ તેઓ વીર હતાં પણ રણનીતિથી લડતાં નહોતું આવડતું. આ બાબત તો રાણી દુર્ગાવતીએ પણ મરતી વખતે કહી છે. એ તો સારું થયું કે મહાન શિવાજી મહારાજ એમનાં મૃત્યુ પછી ૧૧૬ વરસે થયાં અને એ કલંક ભુંસ્યુ ! શિવાજીના સમયમાં દરેક જણ એમની પાસે કળા શીખવા હતાં ખાસ કરીને બુંદેલખંડીઓ જેમાના એક છે મહારાજા છત્રસાલ.
ઈતિહાસ સાક્ષી છે કે બુંદેલખંડ એ સાતવાહનો, કુશાણો, ગુપ્ત સમયમાં, હુણોનાં સમયમાં અને ત્યાર પછી મધ્યકાળમાં ગુલ્લામ વંશથી તે મુગલો સુધી અનેક નાનાં નાનાં રજવાડાઓ અને જાગીરોમાં વિભાજિત હતું. એ દરેકના રાજવંશો પણ અસ્તિત્વમાં હતાં પણ એ સમયે બુંદેલખંડ શબ્દ અસ્તિત્વમાં નહોતો અને તે એકચક્રી શાસનમાં નહોતું.બુંદેલખંડ કે બુંદેલાઓ ક્યાંથી ઉદભવ્યા તે તો કોઈનેય ખબર નથી. જે એમ કહે છે કે આ બુંદેલખંડ છે કે આ જ બુંદેલાઓ છે તેનો સમયગાળો કોઈ ચોક્કસ રીતે કહી શકતું નથી. કારણકે આ વિષે ઘણી દંતકથાઓ પ્રચલિત છે અને તે એટલીબધી છે કે કોઈ એનાં પર વિશ્વાસ કરી જ શકે નહીં. પણ મુગલકાલ કે એ પહેલાનાં સલ્તનત કાળમાં એ વિસ્તારનું નામાભિધાન બુંદેલખંડ પડયું હશે એમ જરૂરથી માની શકાય તેમ છે પણ તેઓ કોઈ ચોક્કસ આધાર તો ઈતિહાસમાંથી પ્રાપ્ત થતો નથી. સંપ્રદાયોની બહુવિધતા પણ એ નક્કી નથી જ કરી શકી આ જ વિસ્તારનું નામ બુંદેલખંડ છે ! બુંદેલખંડ એ ચંદેલાઓના સમયમાં એક થી એક વિશાળ સમ્રાજ્ય તરફ પા પા પગલી જરૂર ભરી હતી. પણ તે સમયે આ બુંદેલખંડ શબ્દ અસ્તિત્વમાં નહોતો આવ્યો . તે તો ત્યાર પછીથી આવ્યો અને એ જયારે પણ અસ્તિત્વમાં આવ્યો ત્યારે એનાં પછી નવાં ઉત્પન્ન થયેલાં લોકો એ બુદેલા કહેવાયા. પણ સમયગાળો નીચિત નથી તે નથી જ !
મુગલોનાં સમયમાં આ શબ્દ એટલે કે વિસ્તાર બુંદેલખંડ એ વધારે પડતો સુર્ખીઓમાં રહ્યો હતો. આનું કારણ છે જાગીરદારી. જાગીરદારોની જાગીર મુગલો લડાઈઓથી પડાવી લેતાં હતાં અને એનાં પરિણામ સવરૂપ જાગીરો બળવો કરી મુગલ સેનાની ટુકડીઓનો સામનો કરતાં હતાં ક્યારેક તેઓ જીતતાં તો ક્યારેક તેઓ હારતાં. જીતતાં તો વળી પાછાં મોગલો ચડાઈ કરી તેમને છેવટે પરાસ્ત કરતાં આ માટે તેઓ સ્ત્રીઓ પર અત્યાચાર કરતાં પણ અચકાતાં નહીં. ધર્મ પરિવર્તન એ મોગલોનું આગવું અને અમોધ શસ્ત્ર હતું. આમાં લગભગ સમગ્ર ભારત આ ઝપેટમાં આવી ગયું હતું. વિદ્રોહો ઠેર ઠેર શરુ થઇ ગયાં હતાં જાગીરદારો જે પ્રતાપી હતાં તેઓ પોતાની જાગીરના રાજા બની ગયાં હતાં. સાવ એવું તો નહોતું કે સમગ્ર બુંદેલખંડમાં કોઈ રાજાઓ જ નહોતાં. હતાં ભાઈ હતાં …….. પણ તેમના રજવાડાઓ બહુ નાનાં જ હતાં અનેકો કિલ્લાઓ હતાં એ આ વાતની સાબિતી આપવાં માટે પૂરતાં છે ઉદાહરણ તરીકે ઝાંસી, ગ્વાલિયર અને ઓરછા અને કિલીન્જર ! પણ તેઓ એકતાના અભાવે ટકી શક્યાં નહીં. ગ્રામજનો કે નગરજનોનો પુરતો સાથ તેમને મળ્યો નહીં. આ જ અરસો છે જયારે દગાથી આ રાજાઓ હાર્યા અને માર્યા ગયાં.
મુગલોના સેનાપતિઓ અને સિપાહીસાલારો પણ બાદશાહો પાસેથી આ જીતની ભેટ રૂપે જાગીરો માંગતા થઇ ગયાં હતાં. એટલે જ તેઓ કોઈ પણ રીતે આ જાગીરદારી બળવાને શમાવી જીતવાં માંગતા હતાં અને તેઓ ફાવ્યાં પણ ખરાં અનેક નાની – મોટી જાગીરો ખત્મ થઇ ગઈ . પણ તોય વિસ્તાર મોટો હોવાંને કારણે અને સમગ્ર ભારતમાં વિદ્રોહનો સુર એની ચરમસીમા પર હોવાનાં કારણે આ વિદ્રોહો સતત ચાલુ જ રહેતાં હતાં. શાહજહાં પછી આવેલ અત્યંત ક્રૂર અને ઘાતકી શાસક આલમગીર ઔરંગઝેબ હિન્દુઓની વિરુદ્ધ હતો . તે હિન્દુઓના દેવસ્થાનો તોડી નાંખતો હતો અને લોકો પર અત્યાચાર ગુજારી તેમની પાસે મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવતો હતો. આનો વિરોધ શરુ થયો ઘણાં શુરવીરો એમાં ભળ્યાં જેમાં પ્રમુખ નામ છે છત્રપતિ શિવાજી મહારાજ, રાજપુતાનાનાં મહાવીર દુર્ગાદાસ રાઠોડ,શીખ ગુરુ ટતેગ બહાદુર અને શીખ ગુરુ ગોવિંદસિંહ. દક્ષિણમાં ઔરંગઝેબનો પગપેસારો નહોતો કારણકે શિવાજી મહારાજ તેમનો રસ્તો રોકીને એકલા અડીખમ ઊભાં હતાં. રાજપુતાના તો આમેય મુગલોની આંખમાં પહેલેથી જ ખટકતું હતું. એટલે એ તો એમણે કોઈપણ રીતે જોઈતું જ હોય ને ! ત્યાં વીર દુર્ગાદાસ ઔરંગઝેબને હંફાવતો હતો અને મોગલોનું એમની આગળ ચણો પણ ઉપજતો નહોતો. તો ઉત્તરમાં શીખ સામ્રાજ્ય એનાં શિખરે બિરાજતું હતું એટલે શીખોએ પણ વિદ્રોહ શરુ કરેલો અને ઈતિહાસ સાક્ષી છે કે ગુરુ ગોવિંદસિંહથી તો ખુદ ઔરંગઝેબ પણ પરેશાન હતો જેવી રીતે એ શિવાજી મહારાજથી હતો તેમ જ ! શીખ એમની રીતે લડતાં હતાં પણ ભારતને જરૂર હતી યુદ્ધ રણનીતિની જે પૂરી પાડી છત્રપતિ શિવાજી મહારાજે. આનું એક સારું પરિણામ એ આવ્યું કે ભારતમા મધ્યભાગમાં અને પશ્ચિમમાં ગુજરાતમાં અને દક્ષિણમાં મહારાષ્ટ્રમાં એમણે મુગલ સલ્તનતની ગુલામી ખતમ જ કરી નાંખી અને પેશ્વા-હોલ્કર અને ગાયકવાડી તથા સિંધિયા સરકારો પણ સ્થાપી. શિવાજીએ પોતે તો મહરાષ્ટ્રમાં મરાઠા સરકારનો પાયો નાંખી જ દીધો હતો અને પોતે તેનાં મહારાજા પણ બન્યાં હતા. હવે બીજાઓનો વારો આવું કરવાનો હતો જે કર્યું મહારાજા છત્રપાલે.
છત્રપાલનું બાળપણ ———
પણ છત્રપાલ અસ્તિત્વમાં ત્યારે જ આવ્યો જ્યારે એનાં પિતાજી અને માતાજીની મુગલો દ્વારા હત્યા કરી નાંખવામાં આવી મહોબા -મહેબામાં ! મહાકાવ્યમાં અને વાર્તાઓમાં મહેબાના ચંપતરાયને રાજા બતાવવામાં આવ્યો છે જે સરાસર ખોટું જ છે તેઓ જાગીરદાર હતાં અને તેમની વાર્ષિક આવક કુટુંબના વિભાજન પછી માત્ર ૩૫૦ જ રૂપિયા હતી. તેઓ રાજા નહોતાં! મહેબા તો એક નાનકડું ગામડું હતું અને તે છતરપુર રાજ્યની હદમાં આવતું હતું. પણ મુગલો સામે વીરતાથી સામનો કરવામાં તેમનું અને અને તેમની પત્ની લાલકુંવરની હત્યા કરી દેવામાં આવી પણ તેમને લોકોમાં એક ક્રાંતિ જરૂર જગાવી હતી. તેઓ મુગલસેનાથી નાસ્તા ફરતાં હતાં ત્યારે જંગલમાં લાલકુંવરે જયેષ્ઠ શુક્લ ત્રીજે સુક્રવારે વિક્રમસંવત ૧૭૦૫ એટલે કે ઇસવીસન ૧૬૪૯માં છત્રસાલને જન્મ આપ્યો.
છત્રસાલના જન્મથી એમનાં બાળપણની અનેક કથાઓ પ્રચલિત છે. જેમાં કઈ સાચી માનવી એ એક મહાપ્રશ્ન છે. એમનાં બાળપણની કથા વધારે પડતી આ ડો. રામચરણ વર્માના મહાકાવ્યમાંથી જ ઉપલબ્ધ થાય છે પણ આ મહાકાવ્યનો આધાર તો મહાકવિ ભૂષણના “છત્રસાલ દશક” અને કવિ લાલ ન કાવ્યમાંથી લીધો છે. થોડીક ખૂટી કડીઓ ખોટી રીતે સ્વામી પ્રાણનાથના ઉપદેશગ્રંથમાંથી લીધેલી છે. કવિવર કેશવદાસ કે જેમનો સમયગાળો છે ઇસવીસન ૧૫૫૫થી ઇસવીસન ૧૬૧૬ જેઓ આ રીતિ કાલના પ્રમુખ કૃષ્ણભક્ત કવિ હતાં તેમણે પણ બુંદેલખંડ પર કવિતાઓ રચી છે. વાર્તાકારોએ એમનું નામ પણ છત્રસાલ સાથે જોડી દીધું છે. જયારે છત્રસાલનો જન્મ જ ઈસ્વીસન ૧૬૪૯માં થયો છે. જે એક ગંભીર ભૂલ ગણાય બુંદેલખંડનાં ઈતિહાસ લખનારાઓની !
છત્રસાલ બાળપણથી જ તેજ બુદ્ધિવાળા હતાં. તેમનામાં ડર નામનાં શબ્દને સ્થાન નહોતું. તેઓ બાળપણથી જ ભક્ત હતાં. મંદિરોમાં રોજ જ પૂજા અર્ચના કરતાં હતાં. નાનપણથી જ તેમને રામાયણ અને મહાભારતની કથાઓ સાંભળવી બહુ જ ગમતી અને તેઓ એમના નાયકો જેવાં બનવા માંગતા હતાં છત્રસાલની વીરતાનાં દર્શન બાળપણથી જ દેખાઈ પડતાં હતાં. લડાઈમાં થયેલા રક્તસ્રાવને જોઇને તેઓ જરાય વિચલિત થતાં ન્હોતાં. ઉલટાનું તેઓ આ દ્રશ્ય જોઇને મનોમન ખુશ થતાં હતાં. બંદુકો અને તોપો આ શબ્દ સાંભળીને તેમનાં મનમાં જરાય ભય ઉત્પન્ન નહોતો થતો.
છત્રસાલની તેજપૂર્ણ મુદ્રા અને બાળલીલા જોઇને બધાં લોકો અચંબિત થઇ જતાં કે આ બાળક કોઈ વિક્રમી પુરુષ છે અને તે ક્ષત્રિયકૂલનો ઉદ્ધાર કરશે. એમનું નામ “છત્રસાલ”એમના ગુણોને લીધે જ પડયું હતું. બાલ્યકાળથી છત્રસાલનો વયવહાર સરદારો સાથે ઉત્તમ હતો.
છત્રસાલની યુદ્ધશિક્ષા —————
પાંચ વર્ષની અતિનાનની ઉમરમાં જ એમને યુદ્ધકોશલમાં નિપુણતા હાંસલ કરવાં માટે મામા સાહેબસિંહ ધંધેર પાસે દેલવાડા મોકલી આપવામાં આવ્યાં. ત્યાં તેમને વિદ્યાભ્યાસ સાથે સૈનિક શિક્ષા પણ પ્રાપ્ત કરી. સેના સંબંધી કાર્ય અને વિદ્યાધ્યયન એ બંનેમાં એમણે પોતાની તીક્ષ્ણ પ્રતિભાનો પરિચય આપ્યો.
મહારાજ છત્રસાલ એક ચતુર સૈનિક કે સેનાપતિ જ નહીં પણ વિદ્વાન અને કવિ પણ હતાં. દસ વરસની કુમળી આયુમાં જ એમણે બરછી અને તલવાર ચલાવતા શીખી લીધું હતું. ઓરછાનાં કેશવદાસનાં ગ્રંથો એમણે અત્યંત ભાવપૂર્વક વાંચ્યા પણ હતાં. આ પુસ્તકો સદા તેઓ પોતાની પાસે રાખતાં હતાં. આ વાત ક્યાંક સિકંદર હોમરને પોતાની સાથે રાખતો હતો એના પરથી તો નથી ઉઠાવવામાં આવી ને ! છત્રસાલ જ્યારે સહરા નામના ગામમાં ત્યારે જ એમણે એમનાં માતાપિતાના મૃત્યુના સમચાર મળ્યાં.
છત્રસાલનાં મનમાં ઔરંગઝેબને ખત્મ કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. આ સમયે છત્રસાલ પાસે ન તો ધન હતું કે ન તો સેના હતી . તેમનું પહેલુ કાર્ય અ બન્નેને એકત્રિત કરવાનું હતું તેઓ આ માટે એક વયોવૃદ્ધ સૈનિકને મળ્યા પછી પોતાના કાકા સુજાનરાયને મળ્યાં. છત્રસાલ ઘણાં દિવસો પોતાનાં કાકાને ત્યાં રહ્યાં પણ એમની ઈચ્છા આ મોગલો સાથે યુદ્ધ કરવાની હતી. પણ કાકાએ એમની ઈચ્છા પર પાણી ફેરવી દીધું તેઓ ત્યાંથી નીકળીને પોતાના ભાઈ અંગદરાય પાસે ગયા. અંગદરાય એ વખતે દેવગઢમાં રહેતાં હતા. છ્ત્ર્સાલની ઈચ્છા સાંભળી અંગદરાય બહુ જ પ્રસન્ન થયાં અપન સાવધાની વર્તીને જ કાર્ય કરવું એવી સલાહ પણ આપી. આમ તો છ્ત્ર્સાલના મોટા ભાઈઓના નામ સારવાહન, રતનશાહ, અંગદરાય અને ગોપલ્રાય હતાં પણ ઇતિહાસમાં ખાલી અંગદરાયનું જ નામ નોંધાયેલું છે.
છત્રસાલની લડાઈઓ ————-
હવે જ આવે છે મુસલમાનો સાથેની પ્રથમ લડાઈ. પણ એ પહેલાં પોતાનાં પિતાને આપેલું વચન નિભાવવા માટે છત્રસાલે પંવર વંશની કન્યા દેવકુંવરી સાથે વિવાહ કર્યા. જે પણ એક વીરાંગના જ હતી અને યુદ્ધકળામાં પારંગત હતી. પછીથી એમણે પોતાના ભાઈ સાથે મળીને મિત્ર રાજા જયસિંહ પાસે પહોંચીને એમની સેનામાં ભરતી થઈને આધુનિક સૈન્ય પ્રશિક્ષણ લેવાનું શરુ કર્યું.
રાજા જયસિંહ તો દિલ્હી સલ્તનત માટે કાર્ય કરતાં હતાં. એટલાં માટે ઔરંગઝેબે જ્યારે એમને દક્ષિણ વિજયનું કાર્ય સોંપ્યું તો છત્રસાલને આ યુધ્ધમાં પોતાનું યુદ્ધકૌશલ બતાવવાનો પહેલો અવસર પ્રાપ્ત થયો. મેં ૧૬૬૫માં બીજાપુર યયુદ્ધમાં છત્રસાલે અસાધારણ વીરતા દર્શાવી અને દેવગઢ (છિંદવાડા) નાં ગોંડા રાજાને પરાજિત કરવામાં છત્રસાલે પોતાની જાનની બાજી લગાવી દીધી. આ સમયે જો એમનો પ્રિય ઘોડો “ભલેભાઈ”નાં નામથી પાછળથી વિભૂષિત કરવામાં આવ્યો હતો એ જો છત્રસાલની રક્ષા ન કરતો તો કદાચ છત્રસાલ જીવિત ના બચતાં. એટલું જ નહીં પણ જીતનો સહેરો તો મોગલ ભાઈ – ભત્રીજાના બાંધવામાં આવ્યો તો છત્રસાલના સ્વાભિમાનને ઠેસ પહોંચી અને એમણે મુગ;લોની બદનિયતિ પારખી દિલ્હી સલ્તનતની સેના છોડી દીધી !
આ વાત જો સાલવારીની દ્રષ્ટિએ કરવામાં આવે તો એ સરાસર ખોટી છે કારણકે છત્રસાલ પહેલી લડાઈ ૨૨માં વરસે લડયા હતાં. આની સાલવારી તો ઇસવીસન ૧૬૬૫ છે એ જોતાં તો એમની ઉમંર ખાલી ૧૬ વરસ જ થાય. આ ઉમરે કોઈ પણ યુદ્ધ ના કરી શકે. હા પોતાના ગામને રંજાડતા મોગલ સૈન્યની ટુકડી જોડે અવશ્ય બાથ ભીડી શકે. પ્રચલિત વાર્તાઓમાં એવું આવ્યું છે પણ ખરું ! જે માણસ મોગલોની ખિલાફ હોય એ એના વતી લડે એવી વાર્તા પ્રચલિત કરી તો કોણે કરી ? આનાથી છત્રસાલની પ્રતિભા જરૂર ખંડિત થઇ છે.
તો એનો બચાવ પણ છે જ ઇતિહાસમાં ! વાત એની એ જ છે પણ સાલવારી બદલાઈ છે. આ વખતે સાલવારી ઇસવીસન ૧૬૭૧ની આવી જે સાચી છે. પણ મુગલસેનામાં જોડાવાનું કારણ જે આપવામાં આવ્યું ચ્ચે ખોટું છે જે માત્ર વાર્તામાં જ શોભે એવું છે. દેવ્ગઢના ગોંડા રાજા કૂરમકલ્લ (કોકશાહ) આવ્યું જે નામ સાચું છે અને એનો ઈતિહાસ પણ ! આમા સેનાપતિ બહાદુર ખાં એ ખાસ ચાર્જ સંભાળે છે જયસિંહની જગ્યાએ. છત્રસાલે આ અશક્ય લાગતી જીત હાંસલ કરી પોતાનાં બાહુબળ વડે.
વીર છત્રસાલ નામની એક નવલકથાના લેખકે દૌલતાબાદ (દેવગિરિ)ને જ દેવગઢ માન્યું છે પણ એ તો યોગ્ય જ નથી કારણકે મધ્યપ્રદેશનાં દેવલગઢના ગોંડ (રાજગોન્ડ) રાજા પર ચડાઈ થઇ હતી . જને ઇતિહાસે મહારાષ્ટ્રનું દેવગિરિ જ માની લીધું છે.એનાં પરથી એ સાબિત તો થાય છે કે બુંદેલખંડનો ઈતિહાસ અને રાજા છત્રસાલની કથાઓ એ નવલકથાની જ નીપજ છે.
છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપાલ —————
એક તરફ પુરા ભારતવર્ષ માં શિવાજી મહારાજનો ડંકો વાગતો વાગતો હતો આનું વર્ણન સાંભળીને છત્રસાલ બહુ જ પ્રસન્ન થતાં હતા અને એમનાં શિવાજી મહારાજની સ્વાતંત્ર્યપ્રિયતા જોઇને છત્રસાલને આદર થયો એમને માટે દેવગઢના યુદ્ધ પછી મુસલમાનોનો વ્યવહાર જોઇને છત્રસાલ મોગલોથી બહુ જ અસંતુષ્ટ થઇ ગયાં હતાં. એટલાં જ માટે એમણે ચતુર અને સ્વદેશાભિમાની છત્રસાલે ધર્મરક્ષક શ્રી શિવાજી મહારાજની સહાયતાથી મોગલોનાં સામ્રાજ્યને નષ્ટ કરવાનો વિચાર કર્યો.
એ સમયમાં દક્ષિણનો માર્ગ બહુ જ વિકટ હતો. નવલકથા અને મહાક્વ્ય પ્રમાણે છત્રસાલ અને શિવાજી મહારાજની મુલાકાત ભીમા નદી પાસે ગાઢ જંગલમાં થઇ હતી. બન્ને એક બીજાની કીર્તિ સાંભળી હટી. બંને એક બીજાને મળીને ખુશ થયાં. એ વખતે શિવાજી મહારાજ વયમાં છત્રસાલથી મોટાં હતાંઅને એમણે પોતાનું રાજ્ય પણ પ્રસ્થાપિત કરી દીધું હતું. એમણે છ્ત્ર્સલની વીરતાના ગુણગાન સાંભળ્યા હતાં એટલે એમણે છત્રસાલને છાપામાર પદ્ધતિ શીખવાડી છત્રપાલને બુંદેલકહ્ન્દની રક્ષા કરવાની ટીપ આપી પાછાં મોકલ્યા.
करो देस के राज छतारे
हम तुम तें कबहूं नहीं न्यारे।
दौर देस मुगलन को मारो
दपटि दिली के दल संहारो।
तुम हो महावीर मरदाने
करि हो भूमि भोग हम जाने।
जो इतही तुमको हम राखें
तो सब सुयस हमारे भाषें।
ઇતિહાસની દ્રષ્ટિએ આ મુલાકાત પણ ખોટી છે. કારણકે છત્રસાલ તો મહારાજ શિવાજીના ભગવા હેઠળ લડયો હતો અને શિવાજીના અવસાન પછી જ એ બુંદેલખંડ પાછો ગયો હોય એવું પ્રતીત થાય છે. કેમ છત્રસાલ માત્ર શિવાજી મહારાજને જ મળે છે ? અને કેમ બીજાં મહાન માણસોને મળતો નથી? જેમ કે વીર દુર્ગાદાસ રાઠોડ અને ગુરુ તેગ બહાદુર ! આ વાત ઈતિહાસે નોંધવી મુનાસીબ નથી સમજી. કારણ કે આ મહાકાવ્ય અને નવલકથાની નીપજ માત્ર છે. શિવાજીના મુખે ખાલી નામો મુકવાથી એ ઈતિહાસ નથી બની જતો !એટલે એ વાત પણ આપણે સ્વીકારવી જ રહી કે શિવાજીએ મા ભવાનીના આશીર્વાદથી પ્રાપ્ત ત્કારેલી ભવાની તલવાર પણ છત્રસાલને ભેટ નહોતી આપી . શિવાજી મહારાજનાં આઠ કિલ્લા હતાં અને આ આઠેકિલ્લા એવાં હતાં કે જ્યાં પરિંદા પણ પર નહિ માર સકતા. શિવાજીના આ આઠેય કિલ્લા સુરતના સોનીઓ ઢાળવામાં આવેલી તોપો આજે પણ મોજુદ છે. તો છત્રસાલે આ તોપો બનાવવાનું કે એનો ઉપયોગ કેવી રીતે કરવો તે કેમ શીખ્યું નહીં ! ટૂંકમાં … ઈતિહાસ આવી વાતોને અનુમોદન નથી આપતો કે સમર્થન નથી કરતો.
છત્રસાલનો સ્વાતંત્ર્ય સંગ્રામ ————–
શિવાજી મહારાજ પાસેથી સ્વરાજનો મંત્ર લઈને ઇસવીસન ૧૬૭૦માં છત્રસાલ પોતાની માતૃભુમી બુંદેલખંડ પાછાં આવી ગયાં. પણ એ સમયે બુંદેલખંડની સ્થિતિ – પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી. અધિકતર રિયાસતદારો એ મોગલોના ગુલામ બની ગયાં હતાં અને તેઓ મોગલોને અધીન થઇ ગયાં હતાં.છત્રસાલના ભાઈઓ અને અને તેનાં કુટુંબી જનો પણ દિલ્હી સલ્તનત સાથે બાથ ભીડવા તૈયાર નહોતાં. ખુદ છત્રપાલ પાસે પણ કોઈ જ ધન સંપતિ હતી જ નહીં ! દતિયા નરેશ શુભકરણે છત્રસાલનું સન્માન તો કર્યું પણ એની સાથે વેર ન બંધાવાની સલાહ પણ આપી. ઓરછેશ સુજાન સિંહે અભિષેક તો કર્યો પણ સંઘર્ષથી અલગ જ રહ્યાંખુદ છત્રસાલના મોટા ભાઈ રતનશાહે પણ સ્પષ્ટ રૂપે છત્રસાલને મદદ કરવાનો નન્નો ભણી દીધો. ત્યારે છત્રસાલે જનમુખ થઈને પોતાનાં કાર્યની શરૂઆત કરી. એમ કહેવાય છે કે છત્રસાલના બાળપણ સાથી-મિત્ર મહાબલી તેલીએ એ ની થોડીક પૈતૃક સંપત્તિનાં રૂપમાં પાછી આપી જેમાં છત્રસાલને ૫ ઘોડેસવાર ૨૫ માણસોનું પાયદળ લઈને એક નાનકડી સેના તૈયાર કરીને જયેષ્ઠ સુદ પાંચમ ઇસવીસન ૧૬૭૧ન રોજ શુભ મુહુર્તમાં આલમગીર ઔરંગઝેબની વિરુદ્ધ જંગનું એલાન કરી દીધું.. આ લડાઈ સ્વરાજપ્રાપ્તિની જ હતી.
છત્રસાલે બુંદેલખંડ પાછા આવીને બુંદેલા લોકોને એકત્રિત કરવાનું શરુ કરી દીધું. આમાં ઘણાં બધાં બુંદેલી જાગીરદારો અને કેટલાંક રાજાઓ પણ જોડાયા. છત્રસાલે ઈસ્વીસન ૧૬૭૨માં મોર પહાડી પર સેના એકત્ર કરવાનો શુભારંભ કરી દીધો. ઔરંગઝેબે આ બુંદેલી બળવાને દબાવવા માટે ગ્વાલિયરના સુબેદાર ફિદાઈખાંને હુકમ કર્યો. ઔરંગઝેબ આ બળવાને દબાવીને કચડી નાંખીને તેમને પરાણે મુસલમાન બનાવવા માંગતો હતો. મંદિરો તોડવાં માંગતો હતો. આમાં યુદ્ધ થયું અને છત્રસાલ જીત્યો એમની સેના નાની હોવાં છતાં પણ. આનું વર્ણન સમકાલીન કવિ લાલે કર્યું જ છે. પણ સાલવારીમાં ક્યાંક ગોટાળો થયો એવું લાગે છે. બાકી સાચું ખોટું એ તો રામ જાણે ! ક્યાંક એવું પણ લખેલું મળે છે કે જે મોર પહાડી પરના જંગલોમાં છત્રસાલનો જન્મ થયો હતો એજ પહાડો અને જંગલોમાં છત્રસાલે સેના એકત્રિત કરી અને ઔરંગઝેબ વિરુદ્ધ રણશિંગુ ફૂંક્યું હતું. સાથોસાથ એમ પણ કહેવાય છે કે છત્રસાલને એમનાં કાકાના દિકરા બલદીવાને છીથી ઉપાડી છત્રસાલને મદદ કરવાનું નક્કી કર્યું હતું.પહેલી લડાઈ ઓરછા પાસે લડાઈ હતી. જેમાં ઔરંગઝેબના સુબેદાર ફિદાઈ ખાંની હાર થઇ હતી. ઓરછાનાં રામ રાજા મંદિરમાં જાગીરદાર ને મંત્રી સુજાનસિંહે અંગત વેર ભુલાવી છત્રસાલને જીવનભર મદદ કરવાનું વચન આપ્યું. આ સુજાનસિંહ છેક છેલ્લે સુધી મહારાજા છત્રસાલની સાથેને સાથે જ હતાં. ઘણી બધી જગ્યાએ આ સુજાનસિંહને ઓરછાનાં રાજા તરીકે દર્શાવવામાં આવ્યો છે. એ જે હોય તે હોય પણ સુજાનસિંહની હાક સુણી ઓરછાનાં ઘણા સૈનિકો પરત ફર્યા અને છત્રસાલના સૈન્યમાં જોડાયા. હવે થોડું ઘણું છત્રસાલનું સૈન્યબળ વધ્યું અને એમની ઔરંગઝેબને ખત્મ કરવાની ઈચ્છા બળવત્તર બની. સાથે સાથે એમણે એ આશા પણ બંધાણી કે હવે જો આપને આપને બુંદેલખંડનાં પરગણા પર જો આક્રમણ કરીશું તો ઘણાં લોકોનો આપણને સાથ મળશે અને એ લોકો મુગલોની નાગચૂડમાંથી મુક્ત પણ થશે.
આવું તો ઘણે બધે ઠેકાણે અને ઘણાં વખત સુધી બન્યું અને દરેક્ વખતે બનતું હતું. પણ એ બળું મહેબા અને ઓરછા સુધી જ સીમિત હતું. આ નાની નાની લડાઈઓ જે છત્રસાલ અને ઔરંગઝેબ સાથે થતી હતી તેમાં છત્રસાલની સેનામાં ઉતરોતર વધારો થતો ગયો કારણકે જીત છત્રપાલની થતી હતી. આને લીધે માત્ર બુંદેલખંડમાં જ નહીં પણ ભારતભરમાં છત્રપાલની કીર્તિ ફેલાઈ ગઈ. આનું વર્ણન કવિ ભૂષણે ઉત્તમ રીતે કર્યું છે — છત્રપાલ દશકમાં !
છત્રસાલના મોટાભાઈ રતનશાહ જે બીજૌરીમાં રહેતાં હતાં તેમણે પણ આખરે છત્રસાલને મદદ કરવાનો નિશ્ચય કર્યો. આ બધી જગ્યાઓએ છત્રસાલ જાતે જ ગયાં હતાં કોઈની પાસે મદદ કરવાનું કહેણ નહોતું મોકલાવ્યું. આ દરમિયાન એમની સેના વધતી જાગી અને એમનાં વફાદાર માણસો પણ વધતાં ગયાં. જેમાં મહત્વના નામો છે — ગોવિદરાય જૈતપુરવાલે, કુંવર નારાયણદાસ,સુંદરમન પરમાર, રામમાલ દૌંઆ, લચ્છેરાવત, મેઘરજ પડિયાર, ઘૂરમાંગદ બક્ષી, કાયસ્થ કિશોરીલાલ, માનશાહ , હરવંશ, ભાનુ ભાટ, બંબલ કહાર અને ફત્તે વૈશ્ય. આ બધાંએ સેના તૈયાર કરવામાં છત્રસાલને મદદ કરી અને છેવટ સુધી છત્ર છત્રસાલને મદદ પણ કરતાં રહ્યાં. એમણે સેના એકત્રિત કરવામાં બહુજ મહત્વનું યોગદાન આપ્યું હતું.
છત્રસાલને ઔંડેરા ગામમાં લોકોએ રાજા ઘોષિત કર્યા અને તેઓએ એમનાં માર્ગદર્શન હેઠળ જ લડવાનો અને ચાલવાનાં પ્રણ પણ લીધાં. ખરચો કાઢવા તેમને લૂંટનો પણ સહારો પણ લીધો. પણ મહત્વની વાત એ છે કે એમણે સ્વાધીનતા પ્રાપ્ત કરવાં માટેનાં પ્રણ લીધાં જે એ સમયની ખાસ માંગ હતી અને લોકોની જરૂરિયાત. જે કરવાનું એમને ખુદ શિવાજી મહારાજે કહ્યું હતું તે જ ! આ પ્રણો ક્યાં છે તે પણ જોઈ લઈએ —
- (૧) ક્ષત્રિયોનું ધર્મપાલન કરવું
- (૨) દેશ અને જાતિની રક્ષા માટે સતત પ્રયત્નશીલ રહેવું
- (૩) ધર્મની વિરુદ્ધ આચરણ કરવાંવાળા અને પ્રજાને કનડગત કરનારા આ મલેચ્છોનો નાશ કરવો
- (૪) એ રાજાઓઅને ઉબેદારોનો યથોચિત દંડ આપવો કે જે આ બાહરી મલેચ્છો સાથે મળીને હિંદુઓ પર અત્યાચાર કરે છે.
પછી જ શરુ થઇ છત્રસાલની દિગ્વિજય યાત્રા. જ્યાં જ્યાં છત્રસાલે વિજય પ્રાપ્ત કર્યો છે એ વિજયનું વર્ણન ” છત્ર-પ્રકાશ”નામના ગ્રંથમાં સવિસ્તર કરવામાં આવ્યું છે. પહેલાં ધંધેરખંડ જીત્યું. પછી સકરહટીનો કિલ્લો જીત્યો.અન સમાચાર સાંભળી ઔરંગઝેબે એક થાનેદાર મોકલ્યો તો એ પણ હાર્યો છત્રસાલ સામે. પછી સિરોંજ અને તિવરો ગામ લુંટ્યું. આ પછી જ સૈનિકોને માફ કરવાની નીતિને કારણે છત્રસાલનું સૈન્યબળ વધ્યું. પછી ધામૌલી ગામ જીત્યું જે મુગ્લોને અધીન હતું . આ જીતનું વર્ણન કવિ ભૂષણનાં શબ્દોમાં —-
ચાક ચક ચમૂ કે અચાક ચક ચહૂં ઓર ,
ચાક સી ફિરતિ ચક ચંપતિ કે લાલકી !
ભૂષન મનત પાતસાહી મારિબેર કીન્હી,
કાહૂ ઉમરાવ ના કરેરી કરવાલ કી !!
પછી મૈહર પર આક્રમણ કર્યું. પછી બાંસા પર આક્રમણ કરી તેને પણ જીત્યું. આ દરમિયાન મુગલોનાં સેનાપતિઓ હંમેશા છત્રસાલને હરાવવાની ફિરાકમાં જ રહેતાં હતાં. તેઓ ક્યારેક છત્રસાલની હાલની વિશાળ સેના જોઇને ભાગી જતાં હતાં ક્યરેક તેઓ એમનાં સુધી પહોંચી જ ન્હોતાં શકતાં. એક વાર તો છત્રસાલને મુગલ સેનાપતિ બહાદુર ખાં સાથે આમનોસામનો પણ થયો પણ તેમાં બહાદુર ખાંની કારમી હાર થઇ. પછી છત્રસાલે ગ્વાલિયર પર આક્રમણ કર્યું પણ સીધું નહીં એનાં એક પ્રાંત પર એને જીતી અને એને લુંટ્યું પણ ખરું. સુબેદાર મુનવર ખ્હાં સાથે અહીં લડાઈ થઇ એમાં મુનવર ખાં હાર્યો. સિરોંજનાં થાનેદાર મુહમ્મદ હાશિમને પણ છત્રપાલે હરાવ્યો. પછી છત્રપાલે મઉ પાસે પડાવ નાંખ્યો. આ ગામને પણ લોકો મહેબા કહે છે. પરંતુ આ સ્થાન સુરક્ષિત ન હોવાથી એમણે પન્ના જ ઉચિત સમજ્યું ! સેના તો મઊમાં જ રહી હતી.
ત્યાર પછી આ જીતથી પ્રેરાઈને છત્રપાલે બુંદેલખંડના એક પછી એક ગામો અને નાનાં રજવાડા પર ચડાઈ કરી તેમની જાગીરો જીતી લીધી અને તેમનાં રાજકોષો પણ અને કિલ્લાઓ પણ. છત્રપાલની સિદ્ધિની સાથે એમની રિદ્ધિ પણ વધતી ગઈ અને દરેક વખતે ઔરંગઝેબ તિલમિલાઈ ઉઠતો અને નવાં નવા સુબેદારો અને સેનાપતિઓને મોકલતો અને અને દરેક વખતે ઔરંગઝેબની હાર થતી અને છત્રપાલની વાહ વાહ ! બાકી બીજી બધી વિજ્યગાથાઓ એ પ્રશસ્તિ સાહિત્યની જ દેન છે. સમકાલીન સાહિત્ય પર સંપૂર્ણપણે વિશ્વાસ ક્યારેય જ નહીં જો એમ હોત તો છત્રસાલનું નામ મહાન શિવાજી મહારાજ, વીર દુર્ગાદાસ રાઠોડ, ગુરુ તેગ બહાદુર અને ગુરુ ગોવિંદ સિંહની હરોળમાં લઇ જ શકાયું હોત પણ તેમ નથી બન્યું એ શું દર્શાવે છે? પણ છત્રસાલે ઔરંગઝેબનું નાક જરૂર કાપ્યું હતું એમ સહેજે કહી શકાય તેમ છે. માત્ર નાક નહોતું કાપ્યું તેને અસંખ્યો વાર હરાવ્યો પણ હતો !
ઔરંગઝેબ સાથે યુદ્ધ ———————
છત્રસાલ પાસે એક અગમ દ્રષ્ટિ હતી. તે કોઇપણ હિસાબે બુંદેલખંડના પ્રાંતોને એક કરવા માંગતો હતો. સાથે સાથે તે એ પણ ભૂલ્યો નહોતો કે એનાં માતા-પિતાનું આ ઔરંગઝેબનાં સૈનિકો દ્વારા દગાથી હત્યા કરી નાંખવામાં આવી હતી. આ ભૂલ તે દોહરાવવા નહોતો માંગતો.એમણે પન્નાને જ મુખ્ય કેન્દ્ર બનાવ્યું. હવે આ બધાથી ઔરંગઝેબ પરેશાન થઇ ગયો હતો.
ઔરંગઝેબની લડાઈ માત્ર બુંદેલખંડના છત્રપાલ સાથે નહોતી. ઔરંગઝેબ ચારે બાજુથી મુશ્કેલીમાં ઘેરાઈ ગયો હતો. ઉત્તરમાં ગુરુ તેગબહાદુર , દક્ષિણમાં છત્રપતિ શિવાજી મહારાજ મધ્યભારતમાં રાજા છત્રસાલ પોતાનું અલગ બુંદેલખંડ રાજ્ય સ્થાપિત કરવાની કગાર પર જ હતાં. તો પશ્ચિમમાં રાજસ્થાનના બુંદીનાં રાજા છત્રસાલે પણ ઔરંગઝેબને બહુ જ તંગ કર્યો હતો. પણ બુંદીનાં રાજા છત્રસાલનું ઇસવીસન ૧૬૫૯માં અવસાન થઇ જતાં એનાં પછી એમનો પુત્ર પણ ઔરંગઝેબને બહુ જ તંગ કર્યા કરતો હતો.
રાજા છત્રસાલ – છત્તર સાલ સિંહના પુત્રનું નામ રાજાભાવ સિંહ. જેમનો સમયગાળો છે ઈસ્વીસન ૧૬૫૮થી ૧૬૮૨. તો રાજસ્થાનના મારવાડના રાઠોડવંશી રાજા વીર દુર્ગાદાસે પણ પણ ઔરંગઝેબની ઊંઘ હરામ કરી નાંખી હતી. પણ ઔરંગઝેબ બધાંને એક સાથે પહોંચી વળી શકે એમ નહોતો. વળી બુંદેલખંડ તો દિલ્હી – આગ્રાની પડોશમાં જ આવેલું રાજ્ય એ દ્રષ્ટિએ પણ એનું મહત્વ વધારે હતું.
છત્રપતિ શિવાજી – ગુરુ તેગ બહાદુર – ગુરુ ગોવિંદસિંહ – ભાવ સિંહ – દુર્ગાદાસ રાઠૌર અને છત્રપાલની નેમ એક જ હતી ભારતને મ્લેચ્છો જેવાં વિદેશીઓનાં હાથમાંથી મુક્ત કરાવી ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવું . શિવાજી મહારાજે તો ગુજરાતમાંથી પણ મુસ્લિમ શાસન સમાપ્ત કર્યું હતું. આ મુહાજીમને કારણે ઔરંગઝેબ બહુ જ પરેશાન હતો. આ બધામાંથી એ બહાર નીકળી જ શકતો નહોતો એટલે એને બુંદેલખંડને ઉગતું ડામવા માટે દિલ્હીમાં ૨૨ વજીરો અને ૮ સરદારો વાળી સેના તૈયાર રાખી. આ સેનાનું નેતૃત્વ ઔરંગઝેબે સેનાપતિ રણદૂલહ ખાંને બનાવ્યો ! તો છત્રપાલ પાસે પણ ૭૨ સરદારોવાળી સેના તૈયાર જ હતી.
રણદૂલહ ખાં પોતાની વિશાળ સેના લઈને બુંદેલ ખંડમાં પહોંચ્યો. તેની પાસે ૩૦૦૦૦ ઘોડેસવાર અને પાયદળોની સેના હતી. આ સિવાય ઓરછા, સીરૌંજ, કૌંચ, ધામોની, અને ચંદેરીનાં પોતાનાં જ બુંદેલી ભાંડુઓ છત્રસાલની વિરુદ્ધ ઔરંગઝેબને સાથ આપવાં જોડાયાં હતાં.
છત્રસાલે ગઢાકોટામાં જે થોડાંક મુસ્લિમો હતાં તેમને હરાવી એ કિલ્લો કબજે કર્યો. ત્યાં જ આ રણદૂલહ ખાંની સેના આવી પહોંચી. છત્રસાલે છાપામાર પદ્ધતિ આપનાવી અને સાથે સાથે કુશળ રણકૌશલ અને બુદ્ધિમત્તાનો પણ પરિચય કરાવ્યો. એમણે રણદૂલહ ખાંને બે બાજુએથી ઘેર્યો. રણદૂલહ ખાંની સેના આ દોહરો માર સહન ના કરી શકી. અને રણદૂલહ ખાં સાગર શહેર તરફ ભાગી ગયો.
એમ કહેવાય છે કે આ યુધ્ધમાં રણદૂલહ ખાંનાં સાતસો સિપાહીઓ માર્યા ગયાં અને એની ૧૦ તોપો પણ છત્રસાલને મળી. રણદૂલહ ખાંની હારથી ઔરંગએબ બહુ જ વ્યથિત થઇ ગયો. એને તુર્ક સેના છત્ર સાલ સાથે લડવા માટે મોકલી . આ તુર્કો બહુ જ કુશળ લડવૈયા હતાં. છત્રસાલે કોઈ જ સામનો કર્યો અને પાછાં હતી ગયાં પછી એમના એક વિશ્વાસુ માણસે તુર્ક સેનામાં ઘુસી જઈને એમનાં તોપખાનામાં આગ લગાડી દીધી. તુર્કી સેનાનું તોપખાનું બળવા લાગ્યું. આ પરિસ્થિતિનો લાભ લઈને છત્રસાલે હલ્લા બોલ કરી દીધું. આ રીતે બુંદેલોનો આમાં પણ વિજય થયો. તો વળી ઔરંગઝેબે તહવરખાં નામનાં એક યુક્તીબાજ અને કૂટનીતિજ્ઞ સરદારને સેના લઈને ઔરંગઝેબનો સામનો કરવાં મોકલ્યો. છત્રસાલ તે વખતે પોતાનાં બીજાં લગ્નમાં વ્યસ્સ્ત હતાં ત્યાં હુમલો થયો તો છત્રસાલ ત્યાંથી ભાગી જઈને પોતાની એના જે મઉમાં હતી ત્યાં જતાં રહ્યાં આ રીતે છત્રસાલ આમાં પણ હાર્યા નહીં અને તહવરખાં ખાલી હાથે પાછો જતો રહ્યો !
ચાર માસ વિશ્રામ કર્યા પછી છત્રસાલે કાલિજર કિલ્લો જીત્યો જે મુસ્લિમોના કબજામાં હતો. આ દરમિયાન મઉના જંગલમાં છત્રપાલની મુલાકાત સ્વામી પ્રાણનાથ સાથે થઇ. છત્ર પાલે એમનાં ઉપદેશો અને દિવ્યચમત્કારોથી પ્રભાવિત થઇ એમણે આધ્યાત્મિક ગુરુ બનાવ્યા. સ્વામી પ્રાણનાથ એમણે બધી રીતે સહાયતા કરતાં રહ્યાં. ત્યાર પછી છત્રસાલે ઈસવીસન ૧૬૮૬માં સાગર લૂંટયું. ત્યાં મુસ્લિમ સરદાર જલાલ ખાંને હરાવીને કેદ કર્યો. એની સેના સૈયદ લતીફની સેનામાં જઈ ભળી. તો છત્રપાલે સૈયદ લતીફ પર ગ્વાલિયર સમીપ આક્રમણ કર્યું અને તેને પણ હરાવ્યો. રાયગઢ પાસે એને તહવર ખાંની ફૌજ મળી તો એને ત્યાં હરાવી.
ત્યાર પછી છત્રસાલે મહોબા, રાઠ પનવાડી નામના ગામોને લૂંટયા અને તેમને હરાવ્યાં.અજનરને પણ હરાવ્યું.ત્યાંથી છત્રપાલ કાલ્પી ગયાં તેને પણ હરાવ્યું. ઈસ્વીસન ૧૬૮૮માં છત્રપાલ સેના લઈને ઓરછા પહોંચ્યા પણ ત્યાંના રાજાની દીકરીની વિનંતીથી ઓરછાને બક્ષ્યું. પછી છત્રપાલે ગ્વાલિયર પર ચઢાઈ કરી. ત્યાનો સુબેદાર તહવર ખાં તો પહેલેથી જ હારી ચુકેલો હતો એટલે એ તો જાન બચાવીને ભાગી ગયો.
હવે પાછો ઔરંગઝેબ સળવળ્યો એક સરદાર મિરજા સદરૂદ્દીને છત્રસાલને હરાવવાનું બીડું ઝડપ્યું. આ વખતે ઘમાસાણ યુદ્ધ થયું આમાં બુંદેલોનાં ઘણાં સૈનિકો અને સરદારો માર્યા ગયાં. પણ છેવટે છત્રપાલની સેના જ જીતી. સાદરૂદ્દીન જીવતો પકડાયો પણ ખંડણી વસુલ કરી તેને છોડી દીધો. ત્યાર બાદ છત્રસાલની સેનાએ ચિત્રકૂટ પાસે હમીદ ખાંને હરાવ્યો. હરાવવાનું કારણ એ હતું કે એ હિંદુઓ પાસેથી કર ઉઘરાવતો હતો. પછી પાછો ઔરંગઝેબનો સરદાર અબ્દુલ સમદ સેના લઈને આવ્યો તો એને પણ હરાવ્યો છત્રપાલે ! પણ આ મહાયુદ્ધમાં છત્રપાલ જખમી થઇ ગયાં. તો ઔરંગઝેબે શાહ કુલીને મોકલ્યો. નૌલી પાસે યુદ્ધ થયું અંત ભલા તો સબ ભલા એ ન્યાયે આમાં પણ રાજા છત્રપાલનો વિજય થયો. અસમદ ખાંને કેદ કર્યો. પણ દંડ વસુલ કરી એને છોડી મુક્યો. સહ કૂલીની હાર પછી ઔરંગઝેબ લગભગ તૂટી ગયો હતો. એને હવે છત્રપાલને હરાવવા કોઈને ન મોકલવાનો નિર્ણય કર્યો. છ્ત્ર્સલે પણ આ નિર્ણયથી દિલ્હી સલ્તનતને હેરાન -પરેશાન કરવાનું છોડી દીધું.
આ દરમિયાન ઔરંગઝેબનું ઇસવીસન ૧૭૦૮માં અવસાન થઇ ગયું. એનો બીજો દિકરો આલમશાહ બાદશાહ બન્યો. પણ નામનો જ ! એણે શાહુ મહારાજને છોડી દીધાં. એમણે છત્રસાલ પાસે લોહગઢ જીતવાં માટે સહાય માંગી જે રાજા છત્રપાલે કરી. આ દરમિયાન ઔરંગઝેબનો મોટો દિકરો મુઅજજમ બાદશ બન્યો . તેને છત્રસાલને પોતાનાં મનસબદાર બનવાનું કહ્યું તો છત્રપાળે ઘસીને ના પાડી દીધી. ત્યાર પછી છત્ર પાલ પન્નામાં આવીને રાજ કરવાં લાગ્યાં જ્યાં તેઓ મહરાજા કહેવાયાં..
દિલ્હી સલ્તનત દિવસેને દિવસે નબળી પડતી જતી હતી અને મરાઠાઓ દિવસેને દિવસે જોરમાં આવતાં જતાં હતાં કારણકે એમની પાસે એકથી એક ચડિયાતા સેનાપતિઓ હતાં. આ દરમિયાન પેશ્વા પદ પાદશાહી અમલમાં આવી. જેણે હિંદુ પદ પાદશાહી પણ કહેવાય છે . વીર સાવરકરે આનાં પર એક દળદાર પુસ્તક પણ લખ્યું છે એ વાંચી જજો બધાં. આ પાદશાહી એટલે ૪-૮ મંત્રીનો એક ઉપરી પ્રધાનમંત્રી જેની નીમ શિવાજી મહારાજે રાખી હતી અને એમનો પુત્ર વીર સંભાજી રાવ અને એમણો પુત્ર રાજારામ પહેલો એ એને જ અનુસર્યા હતાં. જે અમલમાં આવી ૧૮મી સદીના પૂર્વાર્ધમાં.
આનો અમલ બિલકુલ એજ રીતે નહીં પણ એમાંથી પ્રેરણા લઈને મહારાજા છત્રસાલે પણ કર્યો અને પોતે પ્રજાવત્સલ પણ સાબિત થયાં આ દરમિયાન વર્ષો વિતતા જતાં હતા અને મહારાજા છત્રસાલ વયોવૃદ્ધ થતાં જતાં હતાં.
એમ કરતાં કરતાં વર્ષ ૧૭૨૯ આવી ગયું . મહરાજા છત્રસાલની ઉંમર તે વખતે ૭૯ વર્ષની થઈ ગઈ હતી. આવખતે બંગાળનાં સેનાપતિ જે મુગલોને જ આધીન હતો. તેણે બુંદેલખંડ પર આક્રમણ કર્યું. મહારાજા વૃદ્ધ હતાં એટલે તેઓ પહેલાની જેમ લડી શકે એમ નહોતાં પણ તેમનાં પુત્રો વીર હતાં પણ તેઓ મહંમદ બંગશ ખાંનો સામનો બરોબર કરી શકે એમ નહોતાં. એ વખતે પુણેમાં શાહુ મહરાજ પાસે એક ખાસ વિશ્વાસુ માનસ હતાં. તેઓ બહુ જ વીર હતાં તેમની વીરતાના વખાણ છત્રપાલે બહુ જ સાંભળ્યા હતાં. નામ કહેવાની જરૂર ખરી તે ! ચાલો તમને ખબર જ છે છતાં હું કહી જ દઉં છું તેમનું નામ સમગ્ર ભારત બહુ શાનથી લે છે તે —– શ્રીયુત બાજીરાવ પેશ્વા !
તો છત્રપાલે એક દોહો લખીને બાજીરાવને મોકલ્યો પોતાને મદદ કરવાં માટે બાજીરાવ તુરત જ શાહુ મહારાજની આજ્ઞા લઈને મરતે ઘોડે લશ્કર લઈને બુંદેલખંડ પહોંચ્યા. યુદ્ધ થયું પણ બાજીરાવની વીરતા આગળ મહંમદ બંગશ ખાંની એક ના ચાલી. એ એટલો બુરી રીતે હાર્યો કે તેને છુપાઈ છુપાઈને બંગાળ નાસી જવું પડયું.
પછી શું થયું એ વિષે અલગ લેખ કરવાનો જ હોવાથી અહીં એ હું લખતો નથી.
છત્રસાલ સમાપન ———–
મહરાજા છત્રસાલનું મૃત્યુ ઇસવીસન ૧૭૩૧ની ૨૦ મી ડિસેમ્બરે થયું હતું. એ વખતે એમની ઉંમર ૮૨ વર્ષની હતી. એમણે જીવનની ઘણી ચડતી પડતી અને ભારતીય ઇતિહાસના ઘણાં ઉતાર ચડાવ જોયાં છે. સમકાલીન સાહિત્ય અને એ સાહિત્યકારોને અવગણવાની ભૂલ નાં કરતાં કોઈ. એ સમયગાળા દરમિયાન જ ઘણું સાહિત્ય રચાયું છે . કવિ ભૂષણ કે જેમણે “છત્રસાલ દશક” લખ્યું છે તેઓ અને કવિ લાલ અને હંસરાજ બક્ષી તેમનાં દરબારની શોભા વધારતાં હતાં. તેમ છતાં આ બધાં સાહિત્યમાં અતિશયોક્તિ પ્રચુર માત્રામાં જોવાં મળે છે જેણે નજર અંદાજ કરી શકાય તેમ નથી જ. ભારતમાં કદી ન હારનાર અને સૌથી વધુ યુદ્ધ જીતનાર રાજામાં બાજીરાવ પેશ્વાનું નામ મોખરે છે. તેઓ ૪૧ યુદ્ધ જીત્યાં હતાં અને તેમનો નંબર વિશ્વમાં ત્રીજો છે. સમકાલીન છત્રપતિ શિવાજી પણ એક પણ યુદ્ધ હાર્યા ન્હોતાં. એમ જે કહેવાય છે કે મહારાજા છત્રપાલ ૫૧ યુદ્ધો જીત્યાં હતાં તે માત્ર નાનકડી લડાઈઓ જ હતી . ઔરંગઝેબનાં સેનાપતિઓસાથે થયેલાં યુધ્ધના સ્થળો આજે ઇતિહાસમાં શોધ્યાં પણ જડતાં નથી . ઈતિહાસ ખોટો નથી જ પણ જરા વધારે પાડતો છે . એમ તો એક પુસ્તકમાં શિવાજીના પુત્ર વીર સંભાજી રાવ ૧૪૦ યુદ્ધો જીત્યાં હતાં એવું લખાયું છે બાકી ઇતિહાસના છોપડે તો મહાન શિવાજીનું જ નામ બોલે છે. ગામ લુંટવું અને જાગીરદારી પડાવવી એને ઝગડો કહેવાય એની ગણતરી કંઈ યુધ્ધમાં ના ગણાય. ઔરંગઝેબ સામે મહારાજા છત્રસાલ ઘણો લાંબો સમય ટકી શક્યાં હતાં અને એને ગાંઠયા પણ નહોતાં. એટલું જ નહિ સદાય સનાતન ધર્મની રક્ષા કરતાં જ રહ્યાં છે એ કંઈ નાની સુની વાત નથી. એટલું જ નહિ આ જ સમયમાં એમણે વિશાળ બુંદેલખંડની સ્થાપના કરી એ જ મોટી વાત છે.
છત્રસાલનાં સમગ્ર જીવનકાળ ઉપર મરાઠાઓનો ઓછાયો છે. ચાર મરાઠી સત્તાના ઉદય — પેશ્વા, સિંધિયા, હોલ્કર અને ગાયકવાડ આ બધાથી બુંદેલાઓ પર રહ્યાં છે. બુંદેલખંડના પ્રથમ મહારાજા છત્રસાલ છે એમાં તો કોઈ જ બે મત નથી. બીજું બધું જવાં દઈએ તો પણ પ્રાણનાથ સ્વામી વાળી વાત તો ઈતિહાસ લગરીક પણ સ્વીકારતું નથી. એમની મુલાકાત થાય છે ઇસવીસન ૧૬૮૩માં . છત્રપાલ નો રાજ્યાભિષેક કરાવે છે ઇસવીસન ૧૬૮૮માં એ પણ પન્નામાં. પન્ના એટલાં માટે કે ત્યાંથી પન્નાની ખાણ મળશે એવી એવું સ્વામી પ્રાણનાથે કહ્યું હતું . એટલે એ નગર વિકસાવ્યું અને એને રાજધાની બનાવ્યું. આ હીરાની વાત એ નરી દંતકથા જ છે. હા એ શક્ય છે કે છત્રપાલ એ અનુયાયી હોય પ્રન્નાથના વિકસાવેલા પ્રણામી સંપ્રદાયના પણ એમનાં કહ્યા પ્રમાણે જ બધું બને અને એમનાં કહ્યા પ્રમાણે જ રાજ્ય ચાલે એ જરા અજુગતું લાગે છે . રાજા અને સંપ્રડાયને તો બાર ગાઉનું છેટું હોય . જો સ્વામી પ્રાણનાથે એમણે પન્નામાં રાજા તરીકે પ્રસ્થાપિત કર્યા હોય તો ઇતિહાસમાં સાલવારી તો ઇસવીસન ૧૭૦૭થી ઇસવીસન ૧૭૩૧ દર્શાવે છે. મહરાજા છત્રસાલ સ્થપાયેલો આ બુંદેલી રાજવંશ આજે પણ ચાલુ જ છે આજે એને ૪૩૪ વર્ષ થયાં તે છતાં પણ એ હજી ચાલુ જ છે. પન્નામાં પ્રાણનાથે સમાધિ લીધી હતી તે જગ્યાએ આજે એમની સમાધિ મંદિર છે . સ્વામી પ્રાણનાથે સમાધિ લીધી હતી ઇસવીસન ૧૬૯૪ માં. એ મંદિર એમની સ્મૃતિમાં મહારાજ છત્રસાલે બંધાવ્યું હશે એ માની શકાય તેવી જ વાત છે પણ સાલ નિશ્ચિત નથી. સાલવારીનો ગોટાળો તો સર્વવ્યાપી છે. ગોથાં એમાં જ ખવાય છે. આની અસર પાછી ઈતિહાસ પર પણ પડે છે. ગુરુ ગોવિંદ સિંહને પણ આમા કોઈ રીતે સાંકળવા જોઈતાં હતાં. એક વાત કહેવાની રહી ગઈ કે મહારાજા છત્રપાલને લોકોએ રાજા બનાવ્યાં હતાં ઇસવીસન ૧૬૭૫માં. કદાચ આ સાલ ખોટી પણ હોઈ શકે છે એ ૧૬૮૦કે ૧૬૮૧ હોઈ શકે છે કદાચ કારણકે છત્રપતિ શિવાજીનું અવસાન ઇસવીસન ૧૬૮૦માં થયું હતું.
છતરપુર ઇસવીસન ૧૭૮૫માં સ્થપાયું પણ એનું નામ છતરપુર એ મહારાજા છત્રસાલ ઉપરથી રાખવામાં આવ્યું છે. અહી મહારાજા છત્રસાલની છત્રી પણ છે. પન્ના એ મહારાજા છત્રસાલથી ભારત આદ થયું ત્યાં સુધી એ બુંદેલા રાજપૂતની રાજધાની હતું. મહરાજા છત્રસાલે ઔરંગઝેબનો જોરદાર પ્રતિકાર કર્યો હતો એ વાત સાચી. પણ એમની નોંધ લેવામાં ઈતિહાસ કયાંક ખોવાઈ ગયો છે. છત્રપાલનાં નામની ત્યાં યુનીવર્સીટી પણ છે. સમગ્ર બુંદેલખંડમાં એમનાં નામનાં અનેકો રસ્તાઓ અને ઈમારતો પણ છે. દિલ્હીમાં છત્રસાલ નામનું એક સ્ટેડીયમ પણ છે. છત્રસાલનાં નામે ત્યાં એક મ્યુઝીયમ પણ છે. છત્તરપુર રેલ્વે સ્ટેશનનું નામ પણ છત્રસાલ રેલ્વે સ્ટેશન રાખવામાં આવ્યું છે.
છેલ્લે ખાલી એટલું જ કહેવા માંગું છું કે એક ફિલ્મ ૧૯૭૧માં છત્રસાલ નામનીઆવી હતી જેમાં “અજીત” મુખ્ય ભૂમિકામાં હતો પણ અત્યારે નેટના જમાનામાં એક વેબ સીરીઝ જે છત્રસાલ નામની જ છે તેનું શુટિંગ ૨૦૧૯માં પૂર્ણ થયું હતું ત્યારથી અને હવે જયારે એ રીલીઝ થઇ ગઈ છે ત્યારથી નેટ પર મહારાજા છત્રસાલ વિષે વધુ માહિતી આવતી થઇ ગઈ છે જે જરાય ખોટું નથી પણ તે આ પહેલાં આવવી જોઈતી હતી.
छता तोरे राज में धक धक धरती होय।
जित जित घोड़ा मुख करे उत उत फत्ते होय॥
ઔરંગઝેબ જેવાં ક્રૂર અને ઘાતકી શાસકને સદાય હંફાવનાર આ મહારાજા છત્રસાલને શત શત નમન
।। જય માં વિંધ્યવાસીની ।।
।। જય બુંદેલખંડ ।।
।। જય સનાતન ધર્મકી ।।
***** ખાસ નોધ – આ લેખના સમ્પૂર્ણ કોપીરાઈટ મારાં જ છે જો કોઈ મને પૂછ્યા વગર કોપી કરશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી.અને અમલ કરવો. લખાણનો ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે *****
——— જનમેજય અધ્વર્યુ.
અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
- આર્યો નો પ્રાચીન ઈતિહાસ ⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔
- ۞ મૌર્ય વંશનાં સ્રોતો અને વંશાવલી ۞
- ۞ ચંદ્રગુપ્ત મૌર્યની પૂર્વકથા અને ચંદ્રગુપ્તનું કૂળ ۞
- ۞ ચંદ્રગુપ્ત મૌર્યની વિજયગાથાઓ ۞
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું…