આર્યો નો પ્રાચીન ઈતિહાસ ⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔

⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔
ஜ۩۞۩ஜ આર્ય – આર્યો – ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં ۞۩ஜ
(ઈસવીસન પૂર્વે ૧૫૦૦ – ઇસવીસન પૂર્વે ૬૦૦)

આર્યો – અનાર્યો – આર્યાવર્ત આ શબ્દો કેટલાં સાચાં કે ભ્રામક તે દર્શાવવા જ આ લેખ લખવાનું મને સુઝયું છે. માન્યતા એ ઈતિહાસ કે સંસ્કૃતિ નથી. મારી દ્રષ્ટિએ માન્યતા પણ પોતાની રીતે સાચી છે અને ઈતિહાસ અને સંસ્કૃતિ પણ સાચાં જ છે. થોડો પ્રકાશ પાડવો જરૂરી હોવાથી સિકંદર પહેલાં આ લેખ લખું છું. લેખ ઘણો લાંબો છે એટલે ધ્યાનથી વાંચજો સૌ!

હવે થોડુંક આર્યો વિષે ——
ઋગ્વેદ અને ઈરાકી ગ્રંથ ઝેંદ અવેસ્તા માં મધ્ય એશિયામાં અત્યાધિક સંસ્કૃતિઓનો વિકાસ થયો હોવાથી આર્યોને મધ્ય એશિયાના નિવાસી બતાવ્યા છે. તો આપણા પ્રખ્યાત મેક્સમૂલર બાકી રહી ના જ જવા જોઈએ એમણે એવું પ્રતિપાદિત કર્યું કે મધ્ય એશિયામાંથી યુરોપ અને એશિયાના અનેક પ્રાંતોમાં આર્યોનો પ્રસાર થયો. તેમને એવું પણ સાબિત કર્યું કે ઈરાનીઓ અને ભારતીય આર્યો ઈરાન અને ભારતની મધ્યમાં કોઈ એક સ્થાન પર રહેતાં હતાં. લોકમાન્ય તિલક આર્યોને ઉત્તર ધ્રુવના આર્કટીક પ્રદેશના બતાવે છે. તો ઘણાં બધાં આર્યોને મધ્ય ભારતના બતાવે છે પણ બધાની સંમતિ એ હિમાલય પર સધાઈ ગઈ છે. પણ એક વાત કહી દઉં કે આમાનું કોઈ જ સાચું નથી નથી વિદ્વાનો કે નથી આર્યો ! આ વિષે જ મારે વિગતવાર ચર્ચા કરવી છે. પણ હિંદુકુશ પર્વતમાલા અને તિબેટ -પામીરના ઉલ્લેખને લીધે હિંદુકુશ એ બધાનું કેન્દ્રસ્થાન બન્યો હતો ! જ્યાં માત્ર આર્યો જ નહીં પણ બીજી પણ જાતિ પહેલેથી જ વસ્તી હતી.

આર્યો પ્રાચીન ભારતના નિવાસીઓ હતાં મૂળ નિવાસી ક્યાંનાં તે તો હજી પ્રશ્ન જ છે. ભારતવર્ષના વિસ્તૃત પ્રદેશના ફળ સ્વરૂપ એમાં પ્રાકૃતિક ક્ષેત્રગત એવં જલવાયવીય વિભિન્નતાઓ વ્યાપ્ત છે. જેના કારણે પ્રાચીનકાળથી જ ભારતમાં વિભિન્ન પ્રકારના લોકો નિવાસ કરતાં આવ્યાં છે. માનવજીવન એવં સભ્યતાના વિકાસની સાથે વ્યાપાર, ઉપનિવેશ, યુદ્ધ, વિવાહ, યાત્રા અને અન્ય સામજિક કાર્યને સંપાદિત કરવા માટે લોકો એક સ્થળેથી બીજા સ્થળે આવન-જાવન કરવાનો પ્રારંભ થયો. જેના પરિણામ સ્વરૂપ ભારતવર્ષમાં અનેક જાતિઓનો પ્રાદુર્ભાવ થયો. તે સમયના પ્રાચીન ભારતમાં નીચે પ્રમાણેની જાતિઓ વિદ્યમાન હતી—-

 1.  આર્ય
 2.  દ્રવિડ
 3.  શવર પુલિન્દ
 4.  કિરાત

આ સિવાય પણ અન્ય જાતિઓ ભારતવર્ષમાં આક્રાંતા બનીને આવી. જેમાં પ્રમુખરૂપે ઈરાની, યુરાની, શક, પલ્લવ, કુષાણ અને હુણ આવ્યાં જે આર્યો સાથે મળતાં- જુલતાં હતાં. આ જાતિઓ સંપૂર્ણપણે ભારતીય જાતિઓમાં કાલાંતરમાં સમાહિત થઇ ગઈ.

સમગ્ર ભારત એ અતિવિશાળ દેશ છે જે એક અતિ વિશાળ જનસમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે એમ તો ન જ કહી શકાય કે સમગ્ર ભારત એ આર્યોની જ દેન છે. આર્યો બહારથી આવ્યાં એવો મત યુરોપીય ઈતિહાસકારો અને વિદ્વાનોએ તેમનાંગ્રંથોમાં પ્રતિપાદિત કર્યો છે. પણ તેઓ યુરોપીય દેશોમાંથી ભારત નથી આવ્યાં. પહેલાં તો ભારતવર્ષ વિશેનો ખ્યાલ ઇતિહાસે રાખવો જોઈતો હતો. કારણ કે તે સમયનું ભારત બૃહદ હતું. જેમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન- તિબેટ-પામીર અને બાલ્કન અને કાસ્પિયન સમુદ્રને અડીને આવેલાં જ્યોર્જિયા વગરે આવી જાય. આ બધા દેશોમાં હિમાલય પથરાયેલો છે. હિમાલયની પેલે પાર જ આ જ્યોર્જિયા અને કાસ્પિયન સમુદ્ર આવેલાં છે.

કશ્યપ ઋષિએ ત્યાંથી આવીને જ ભારતમાં “નાગવંશ“ની સ્થાપના કરી હતી જે એમનાં પુત્રોએ શરુ કરેલો હતો. મહાભારતના જે રાજ્યો હતાં તે આ સમયે પણ હતાં. હિમાચલ પ્રદેશનો કાંગરાનો કટોચ રાજવંશ પણ ૧૧૦૦૦ વર્ષ પુરાણો છે અને આજે પણ તેના વંશજો ચાલુ જ છે. નાગવંશ પણ ૧૦૦૦૦ વર્ષ પુરાણો છે અને તે આજે પણ ચાલુ છે. એ ત્યાના રાજાઓ હોય તો ત્યાં પ્રજા પણ હોય જ અને તેનો સમાવેશ કોઇપણ રીતે આર્યોમાં ન જ થઇ શકે ! આ બધાં જ ક્ષત્રિયો હતાં જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં થયેલો છે જ ! ઋગ્વેદ અને યજુર્વેદમાં બ્રહ્મણોનો પણ ઉલ્લેખ થયેલો છે. યજુર્વેદમાં બ્રહ્મણોને પુરોહિત ગણાવ્યાં છે. એટલે એમ સહેજે કહી શકાય કે તે સમયે ત્રણ વર્ણ પ્રચલિત હતાં
(૧) બ્રાહ્મણ
(૨) ક્ષત્રિય
(૩) વૈશ્ય

આ ત્રણે વર્ણ તેમના રંગને લીધે ઓળખાતાં હતાં . શુદ્રો એ બાહ્ય જાતિનાં મિશ્રણમાંથી ઉત્પન્ન થયાં છે તેઓ તેમનાં કાળા રંગને લીધે અલગ તરી આવે છે. તેમ છતાં બ્રહ્માજીના ચરણમાંથી તેઓ ઉત્પન્ન થયેલાં હોવાથી એમનું અસ્તિત્વ પ્રાચીન ભારતમાં નકારી શકાય તેમ નથી જ . પણ ક્યારે તે એક પ્રશ્ન છે ખરો !

યુરોપીય સંસ્કૃતિમાં મનુષ્યને આદમ – ઇવમાંથી ઉત્પન્ન થયેલાં દર્શાવ્યા છે પણ પાશ્ચાત્ય ઈતિહાસકારો, વિદ્વાનો અને તેમનાં ગ્રંથો ભારતીય સંસ્કૃતિનો ઉલ્લેખ ભૂલી ગયાં છે કે શું? વેદકાલથી ભારતમાં કામદેવ અને રતિની પૂજા થાય છે અને મનુષ્યનો જન્મ તેમનાં દ્વારા જ થયેલો મનાય છે. આ વાત ઈરાનીઓ -ગ્રીકો અને રોમનો વિસરી ગયાં લાગે છે. આ થોડું પ્રાથમિક છે જે વિગતવાર અહી પ્રસ્તુત થવાનું જ છે

પ્રાચીન સમયની ચાર જાતિઓ વિષે થોડુંક જાણી લઈએ .

(૧) આર્ય —–

આ જાતિ વિંધ્યાચલ પર્વત કે હિમાલયની મધ્યમાં નિવાસ કરતી હતી. યદ્યપિ હજી સુધી આર્યોના આદિનિવાસ સંબંધિત ગુત્ત્થી કોઈ પણ સુલઝાવી શક્યું નથી. તેમ છતાં એવું માનવામાં આવે છે કે ભારતના મધ્યપ્રદેશમાં આર્યોનો ઉદય થયો અને આ સ્થળેથી આર્યો દક્ષિણાપથ તથા સંપૂર્ણ આર્યાવર્તમાં ફેલાયા. આ અતિરિક્ત પણ આર્ય સંપૂર્ણ ભારતવર્ષમાં જોવાં મળ્યાં. પશ્ચિમી ક્ષેત્રમાં આર્યો તૂરાની એવં ઈરાની જાતિ સાથે મળતાં હતાં. મધ્યદેશ જે વર્તમાનમાં ઉત્તર પ્રદેશ અને બિહાર છે તેમાં આર્યો અને દ્રવિડોનું મિશ્રણ થયું તથા પૂર્વમાં કિરાત કે મંગોલ જાતિ સાથે આર્યોનું મિશ્રણ થયું.

આર્ય જાતિની વિશેષતાઓ ———

 •  ઘઉંવર્ણો રંગ
 •  ઉન્નત એવં લાબું -પહોળું મસ્તક
 •  ઉપસેલું નાક
 •  લાંબો આકાર
 •  લાંબુ અને મોટું માથું

(૨) દ્રવિડ —–

સુદૂર દક્ષિણ ભાગમાં સૌથી પહેલાં તામિલનાડુમાં દ્રવિડોનો આવિર્ભાવ થયો. અહીંથી જ એમનો પ્રસાર થયો. એ લોકો દક્ષિણ અને ઉત્તર ભારતમાં આર્યો સાથે મળી ગયાં.

દ્રવિડ જાતિની વિશેષતાઓ ———

 •  કાળો રંગ
 •  ચપટું નાક
 •  લાંબુ માથું
 •  મોઢું વાળયુક્ત
 •  નાનું કદ

શવર પુલિન્દ ————–

આ જાતિનું નિવાસ સ્થાન વિંધ્ય મેખલાના જંગલો અને પહાડી ક્ષેત્રો હતાં. મધ્યમાં ગોંડ એવં કોલ, પશ્ચિમમાં ભીલ, પૂર્વમાં સંથાલ એવં મુંડા એમની શાખાઓ ઓ માનવામાં આવતી હતી. યુરોપીય વિદ્વાનો એને આસ્ટ્રીક કે આગ્નેય કહે છે. એશિયાના આગ્નેય દ્વીપો (દક્ષિણ- પૂર્વ)માં આ જાતિથી મળતાં લોકો નિવાસ કરે છે જેનાં ફલસ્વરૂપ જ યુરોપીય વિદ્વાનો એમને આગ્નેય કહે છે.

શવર પુલિન્દ જાતિની વિશેષતાઓ ——–

 •  રોમ યુક્ત ચહેરો
 •  પહોળું કદ
 •  લાબું માથું
 •  શ્યામ વર્ણ
 •  ચપટું નાક

(૪) કિરાત ————–

આ જાતિને મંગોલ કે પીળી જાતિ પણ કહેવામાં આવે છે. હિમાલય શ્રુંખલાનાં ઉત્તરી એવં ઉત્તરી પૂર્વી પ્રદેશોમાં આ જાતિનું નિવાસ સ્થાન છે. કિરાત મૂળત: ચીન, તિબેટ અને હિન્દ ચીનથી આવીને હિમાલય પ્રદેશમાં આર્ય, દ્રવિડ તથા શવર પુલિન્દ સાથે રક્ત મિશ્રિત થઇ જવાને કારણેકિરાત કે મંગોલ જાતિમાં પરિણીત થઇ ગયાં. આ જાતિની વિશેષતાઓ પૂર્વ જાતિઓથી મળતી – ઝૂલતી હતી.

આર્યો એક પરિચય ————

આર્યોના સંદર્ભમાં જાણતાં પહેલાં એ અનિવાર્ય થઇ જાય છે કે સૌથી પહેલા આર્ય શબ્દ પર જ વિચાર કરવો જોઈએ.

આર્ય શબ્દ મૂલત: સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ શ્રેષ્ઠ, ઉચ્ચ કૂળમાં જન્મેલો ઇત્યાદિ થાય છે. વસિષ્ઠ સ્મૃતિમાં આર્ય શબ્દના અર્થને સ્પષ્ટ કરતાં કહેવામાં આવ્યું છે —“જર રૂપ-રંગ, આકૃતિ -પ્રકૃતિ, સભ્યતા-શિષ્ટતા, ધર્મ-કર્મ, જ્ઞાન-વિજ્ઞાન અને આચાર- વિચાર તથા શીલ સ્વભાવમાં સર્વશ્રેષ્ઠ હોય એને આર્ય કહેવાય છે.

અમરકોશ અનુસાર આર્ય, સભ્ય, સજ્જન, સાધુ, કુલીન, મહાકુલીનના આર્થમાં પ્રયુક્ત થયો છે. આ અતિરિક્ત પ્રસિદ્ધ વિદ્વાનોના એક વર્ગ અનુસાર આર્ય શબ્દ મૂલત: “અરિ”શબ્દથી બનેલો છે. જેનો અર્થ વિદેશી અથવા અજનબી થાય છે. યદ્યપિ “આર્ય” શબ્દનો આર્થ કોઈપણ રીતે તર્કસંગત પ્રતીત થતો નથી. સાધારણતયા આર્ય શબ્દ જાતિ વિશેષનું પ્રતિનિધિત્વ કરે છે.

પરંતુ એવું પણ માનવામાં આવે છે કે “આર્ય ” શબ્દ જાતીયતાને નહીં પણ “ભાષાયી સમૂહ”ની તરફ સંકેત કરે છે.

આર્યોનો સૌથી પહેલો ઉલ્લેખ વોગોઝકોઈ (પશ્ચિમ એશિયા)ની શાંતિ સંધી ઇસવીસન પૂર્વે ૧૩૫૦માં મળે છે. વોગોઝકોઈની શાંતિ સંધી હિત્તદસ (Hettites)ના રાજાઓ અને મિતામી સામ્રાજ્ય વચ્ચે થઇ હતી. જેમાં જેમાં મિત્ર, વરુણ અને ઇન્દ્ર દેવતાઓનું આવાહન સાક્ષીઓના રૂપમાં કરવામાં આવ્યું હતું.

ઇસવીસન પૂર્વે ૨૦૦૦ની આસપાસ ઘણાં જનસમુદાય સંસ્કૃત, લેટીન, ગ્રીક, શ્લાવ. ઇત્યાદિ ભાષા બોલતાં હતાં તથા આ બધી ભાષાઓ એક બીજા સાથે સંબદ્ધ હતી. એને ભોરોપીય ભાષા (ઇન્ડિયન યુરોપિયન લેન્ગવેજ) કહેવામાં આવે છે. આ ભોરોપીય ભાષા બોલવાંવાળાને પણ આર્ય કહેવાય છે,

આર્યોના નિવાસ અંગે આર્યો પોતે જ સ્પષ્ટ નથી એટલે દરેકને એમાં ટાપસી પુરાવાનું બહાનું મળી ગયું છે. એમનાં મૂળનિવાસ અંગે અનેકોએ વિધવિધ પ્રકારનાં મતો રજુ કર્યા છે.

આર્યોનો મૂળનિવાસ યુરોપ ———-

ફ્લોરેન્સના એક વિદ્વાન ફિલિપ્પો સેસેટીએ યુરોપીય ભાષાઓ એવં સંસ્કૃત ભાષામાં સામ્યતાના આધાર પર આર્યોને યુરોપના મૂલનિવાસી કહ્યા. વિલિયમ જોન્સ, પી ગાઈલ્સ, પેત્દ્રા, નેહરિંગ આદિ વિદ્વાનોએ પણ આર્યોનો આદિનીવાસ યુરોપ બતાવ્યો. સંસ્કૃત, લેટીન,અંગ્રેજી, જર્મન ભાષાઓમાં સામ્યતાના આધાર પર એમણે આ નિષ્કર્ષ કાઢ્યો હતો.

પી. ગાઈલાસ નામના વિદ્વાનનું માનવું હતું કે ઋગ્વેદમાં વર્ણિત ઝાડ-પાન – છોડ , પશુ-પક્ષી ભારતમાં નથી જોવાં મળતાં. ઋગ્વેદમાં વર્ણિત ભૌગોલિક સામ્યતા રાખવાંવાળા પશુ- પક્ષી, ઝાડ- છોડ, કૃષિ વ્યવસ્થા હંગેરી, ઓસ્ટ્રિયા, બોહેમિયા કે ડેન્યુબ નદીની ઘાટીમાં જોવા મળતાં હતાં. પેડ્રા નસ્લ કે શારીરિક સંરચનાનાં આધાર પર જર્મની કે સ્કેન્ડીનેવિયાને આર્યોનો મૂલનિવાસ માને છે. નેહરિંગ નામના વિદ્વાન વાનસ્પતિક સમાનતાના આધાર પર દક્ષિણ રૂસને આર્યોનો આદિનિવાસ માને છે.

મધ્ય જર્મની કે દક્ષિણી રૂસના પ્રાગૈતિહાસિકકાલીન અવશેષ પશ્ચિમી બાલ્ટિક સમુદ્ર તટ, યુક્રેન, ન્યુઝીલેન્ડ, રૂસ, તુર્કીસ્તાન સાથે સામ્યતા રાખે છે. એથી ભૌગોલિક કારકોનાં આધાર પર આર્યોનો આદિનિવાસ યુરોપને મની શકાય નહીં !

આર્યોનો મૂલનિવાસ મધ્ય એશિયા ———-

ઋગ્વેદ અને ઈરાકી ગ્રંથ ઝેંદ અવેસ્તામાં અત્યધિક સામ્યતા હોવાને કારને પ્રો. મેક્સમૂલરે આર્યોનો આદિનિવાસ મધ્ય એશિયા બતાવ્યો છે.

પ્રો. મેક્સમૂલર આનુસાર, મધ્ય એશિયામાંથી યુરોપ અને એશિયાના વિભિન્ન પ્રાંતોમાં આર્યોનો પ્રસાર થયો. મેયર અને રેહર્ડ નામના વિદ્વાનો અનુસાર આર્યોનો આદિનિવાસ પામીર અને બેકટ્રિયા હતો.

મેક્સમૂલરે એ પણ સિદ્ધ કર્યું કે આર્ય અને ભારતીય ઈરાન અને ભારતની વચમાં ક્યાંક કોક સ્થળે રહેતાં હતાં. પરંતુ ભૌગોલિક અને રાજનૈતિક કારણોસર એ યુરોપ અને એશિયામાં વસી ગયાં.

આર્યોના પ્રાચિનતમ અભિલેખ મધ્યએશિયામાંથી પ્રાપ્ત થયો છે. જેમાં વોગજકોઈ અભિલેખ (ઇસવીસન પૂર્વે ૧૪૦૦)માં મિત્ર, વરુણ, ઇન્દ્ર આદિ દેવતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેજે ઋગ્વેદ સાથે સામ્યતા રાખે છે. આ આધાર પર પ્રો. મેક્સમૂલર ભારતીય આર્યોને મધ્ય એશિયા સાથે સંબંધિત માને છે.

આર્યોનો મૂલનિવાસ આર્કટિક પ્રદેશ ———-

પ્રસિદ્ધ ભારતીય વિદ્વાન અને સ્વતંત્રતા સેનાની લોકમાન્ય બાલ ગંગાધર તિલકે પોતાનાં પુસ્તક “ધ આર્કટિક હોમ ઓફ ધ આર્યન્સ”માં આર્યોના મૂલનિવાસ આર્કટિક પ્રદેશ એટલે કે ઉત્તર ધ્રુવ પ્રદેશ બતાવ્યો છે. બાલ ગંગાધર તિલકનાં કહ્યા અનુસાર આર્કટિક ક્ષેત્રમાં ભયંકર હીમપ્રપાત થતો હતો. ત્યાં ૬ મહિના રાત અને ૬ મહિના દિવસ હોય છે. આનાથી બાધ્ય થઈને આર્યોએ આ પ્રદેશને છોડી દીધો.

આર્યોનો મૂલનિવાસ ભારત ————-

એ.સી. દાસ, ગંગનાથ ઝા, ડી.એસ. ત્રિવેદી આદિ વિદ્વાન આર્યોનો મૂલ નિવાસ ભારત જ સ્વીકાર કરે છે. જ્યારે સ્વામી દયાનંદ સરસ્વતીએ પોતાનાં પ્રસિદ્ધ પુસ્તક ” સત્યાર્થ પ્રકાશ”અને પાર્જિટરે પોતાનાં પુસ્તક ” Ancient Indian Historical Traditions” માં અભિવ્યક્ત કર્યું છે કે આર્યોનો મૂલનિવાસ તિબેટ હતો.

ભારતને આર્યોના મૂલનિવાસ માનવાવાળા વિચારકો અનુસાર ઋગ્વેદમાં વર્ણિત ભૌગોલિક અવસ્થા અને પ્રાકૃતિક અવસ્થા સપ્તસૈન્ધવ પ્રદેશ સાથે સામ્યતા રાખે છે. ગંગાનાથ ઝા નામના વિદ્વાને આર્યોનો આદિનિવાસ બ્રહ્મર્ષિ પ્રદેશ (પૂર્વી રાજસ્થાન, ગંગા- યમુના દોઆબ, પશ્ચિમીવર્તી પ્રદેશ) માને છે. ડો. એ.સી દાસ આર્યોનો આદિનિવાસ સપ્તસૈન્ધવ પ્રદેશ માને છે. જ્યારે પ્રો. મેકડોનાલ્ડઅને પ્રો. ગીબ્સ આર્યોનો આદિનિવાસ આસ્ટ્રો- હંગેરી પ્રદેશ માને છે.

આધુનિક વિદ્વાનોનું માનવું છે કે આર્યોનો મૂલનિવાસ પોલેન્ડથી મધ્ય એશિયા સુધી ફેલાયેલો હતો. સંસ્કૃત, લેટિન, ગ્રીક, જર્મની, રોમેનક, સ્વીડીશ, શ્લાવ, રૂમાનિયાઈ ભાષાઓને આર્ય ભાષા કહેવામાં આવે છે. દક્ષિણ ભારતના વિદ્વાન ચેકલિંગમ પિલ્લાઇનો મત છે કે આર્યોનો આદિનિવાસ આફ્રિકાથી મલાયા સુધી હિન્દ મહાસાગરની જગ્યાએ પૂર્વકાળનો ગૌડવાના પ્રદેશ હતો. ગોડવાનાની સૂરન જાતિ ભારતમાં આર્ય નામથી વિખ્યાત થઇ.

આર્યોનો મૂલનિવાસ હિમાલય ————

આર્યોના આદિનિવાસ સંબંધમાં લેખકો સ્વયંના મત ———-

વિભિન્ન વિદ્વાનો, ભાષાશાસ્ત્રીઓ, ઈતિહાસકારોએ પોતાનાં અધ્યયન એવં અનુસંધાનના આધારે આર્યોના મૂલનિવાસ સંબંધિત વિભિન્ન મતોને પ્રસ્તુત કર્યા છે. બધાં વિદ્વજ્જનોનાં મતોમાં પર્યાપ્ત વિભેદ દ્રષ્ટિગોચર થાય છે. એક પણ એવો સાર્વભુમિક મત સામે નથી આવ્યો જે નિર્વિવાદ આર્યોના આદિનિવાસની પુષ્ટિ કરી શકે. માત્ર મતમતાંતર પ્રસ્તુત કરી દેવાથી આર્યોના આદિનિવાસની સમસ્યા હલ નથી થઇ જતી. કારણકે લક્ષણ અને પ્રમાણથી વસ્તુસિદ્ધિ થઇ જાય છે, તથાપિ વિદ્વાનોની આર્ય આદિનિવાસ સંબંધિત વસ્તુસિદ્ધિ લક્ષણ અને પ્રમાણની કસૌટી પર ખરી નથી ઉતરતી.

સૌથી પહેલાં જો “આર્ય” શબદની ચર્ચા કરવામાં આવે તો વિદ્વાનોની એક લાંબી શ્રુંખલા આર્યનો અર્થ “અજનબી”કે “વિદેશી” વૈદિક સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત કરે છે. પરંતુ આ તર્કસંગત કદાપિ પ્રતીત નથી થતી. કારણકે આર્યનો અર્થ યદિ વિદેશી થતો હોત તો ઋગ્વેદમાં —- “કૃણ્વન્તો વિ,શ્વમાર્યમ્” અર્થાત “વિશ્વને આર્ય બનાવી દો”ની અભિવ્યક્તિ થાત જ નહીં.

વસ્તુત: અમરસિંહ દ્વારા રચિત અમરકોશ અનુસાર —- “આર્ય, સભ્ય, સજ્જન, સાધુ, કુલીન, મહાકુલીનનાં અર્થમાં પ્રયુક્ત થાય છે.”

વસિષ્ઠ સ્મૃતિ અનુસાર —— “જે રૂપ-રંગ, આકૃતિ-પ્રકૃતિ, સભ્યતા-શિષ્ટતા, ધર્મ-કર્મ,જ્ઞાન-વિજ્ઞાન અને આચાર-વિચાર તથા શીલ-સ્વભાવમાં સર્વશ્રેષ્ઠ હોય એને આર્ય કહેવાય છે.” આર્યોની આ જ પરિભાષા અને અર્થ તર્કસંગત તથા શાસ્ત્રસંમત છે.

આર્યોના આદિનિવાસના સંબંધમાં મતનિર્ધારકોમાં પ્રો. મેક્સમૂલરનું નામ સૌથી ઉપર લેવામાં આવે છે.. એમણે “મધ્ય એશિયા”ને આર્યોનો આદિનિવાસ માન્યું છે અને એમની આ ધારણા ભાષાજન્ય સામ્યતાને કારણે છે. પરંતુ ૪૦ વર્ષ પછી આ જ પ્રો. મેક્સમૂલરસ્વયં જ આ મત પ્રતિ ઉપેક્ષિત ભાવ રાખતાં નજરે પડે છે. એમણે “મધ્ય એશિયા”માંથી “મધ્ય” શબ્દ કાઢી નાખીને “એશિયા”ને આર્યોનો આદિનિવાસ માનતાં પોતાની કૃતિ “ગુડવર્ડસ”(ઓગષ્ટ ૧૮૮૭)માં લખ્યું છે કે —-
“જે પ્રકારે ૪૦ વર્ષ પહેલાં મેં કહ્યું હતું તે આજે પણ હું કહું છું કે આર્યોની ભૂમિ ક્યાંક એશિયામાં છે.”
“I Should Still say As I Said Forty Years Ago Some Where Is Asia & No More.”
(Good Words.Aug 1887)
—- Prof. Mex Muller

પણ. મેક્સમૂલર નો “એશિયામાં ક્યાંક”નો પૂર્ણત: ભ્રામક કહી શકાય તેમ છે. કારણકે એશિયામાં ક્યાંકમાં તો વિસ્તૃત ભૂભાગ આવે છે. મધ્ય એશિયામાં આર્યોનો નિવાસ માની શકાય તેમ છે પરંતુ આદિનિવાસની કલ્પના પણ નથી કરી શકાતી. આર્ય સમાજના સંસ્થાપક મહર્ષિ દયાનંદે પણ આ તથ્યનું “સત્યાર્થ પ્રકાશ”માં ખંડન કર્યું છે. સ્વામીજીના મતાનુસાર આર્ય ત્રિવિષ્ટપ કે તિબેટનાં મૂલનિવાસી હતાં. પરંતુ એમણે પ્રમાણવારૂપ એક વાક્ય પણ નથી કહ્યું જેનાથી એ સિદ્ધ થઇ શકે કે આર્યોનો આદિનિવાસ તિબેટ હતો.

આર્યોના આદિનિવાસના સંબંધમાં ધારણા અભિવ્યક્ત કરતા લોકમાન્ય તિલકે “Arctic Home Of The Aryans”મા લખ્યું છે કે —– “આર્ય આર્કટિક કે ઉત્તરી ધ્રુવના નિવાસી હતાં અને આજથી દસ હજાર વર્ષ પૂર્વે ઉત્તરી ધ્રુવ પર હિમપ્રપાત થયો જેનાં પરિણામસ્વરૂપ આર્ય યુરોપ, મધ્ય એશિયા, ઈરાન, અને ભારતમાં આવીને વસી ગયાં.”
“આર્કટિક હોમ ઓફધ આર્યન્સ”નાં ૩૨મા પાનાં પર એમણે લખ્યું છે કે “ઉત્તરી ધ્રુવમાં પ્રતિ ૧૦૫૦૦ વર્ષે હિમપ્રપાત થતો હતો.
“In Short The Glacial & Interglacial Periods In The Hemispheres Alternate With Each Other Every 10,500 Years.”
—– Tilak B. G. (Arctic Home Of The Aryans)

એમનાં તથ્યના આધાર પરથી એ સ્પષ્ટ થાય છે કે આજથી ૨૦૦૦૦ વર્ષ પછી એવં આજથી ૧૦૦૦૦ વર્ષ પૂર્વેના હિમપ્રપાતના પૂર્વે આર્યો ઉતરી ધ્રુવમાં રહેતાં હતા ! તો શું બાલ ગંગાધર તિલકના અનુસાર આર્યોનો આદિકાલ ૨૦,૦૦૦ પૂર્વે પણ હતો? આ પ્રશ્ન એમનાં જીવનકાળમાં જ ઉમેશચંદ્ર વિદ્યારત્નએ આર્યોના આદિનિવાસ પર ઉઠાવ્યો હતો અને એના ઉત્તરમાં એમણે કહ્યું હતું કે —- “આપણે મૂળવેદ નથી વાંચ્યા આપને માત્ર યુરોપીય વિદ્વાનોની ધારણા એવં અનુવાદ જ વાંચ્યો છે.” બાલગગધાર તિલકના આ શબ્દોને “માનવેર આદિજન્મભૂમિ” નામક ઉમેશચંદ્ર વિદ્યારત્નનાં પુસ્તકના ૧૨૪માં પાનાં પર વાંચી શકાય તેમ છે —-

“આભિ ગતવાત્સ્રે તિલક મહોદયેર વાટીતે આતિથ્ય ગ્રહણ કરિયા છિલામ ! તાહૌર સહીત યે વિષયે અભાર ક્રમાગત પાંચ દિનવહુ સંતાપ હરયા છિલો ! તિનિ આમાકે તાંહાર દ્વિતલગ્રહે વસિયા સરળ હૃદય બલિયા છિલામ.” આમી મૂલવેદ અદ્યયન કરિ નાઈ, અમિ સાહિવ દિગરે અનુવાદ પાઠ કરિયા છિ !
—— માનવેર આદિ જન્મભૂમિ
— વિદ્યારત્ન ઉમેશ ચંદ્ર , પૃ.૧૨૪

આ રીતે બાલગંગાધર તિલક સ્વયં જ આર્કટિક પ્રદેશના આર્યોના આદિનિવાસ સંબંધિત મતથી અસહમત રહ્યાં

સનાતનધર્મીઓનાં કુરુક્ષેત્ર, ભારતીય વિદ્વાનોના સપ્તસૈન્ધવ પ્રદેશ એવં જર્મની, રૂસ સંબંધિત આદિનિવાસ સંબંધિત મત પણ આર્યોના મૂલનિવાસનો ઠોસ રીતે પુષ્ટિ નથી કરી શકતાં.

યદ્યપિ આ વિષય જટિલ અવશ્ય છે પરંતુ અસંભવ નથી. સાક્ષ્યના આભાવમાં અવધારણા કરવી એ દુષ્કર કૃત્ય છે. તથાપિ લક્ષણ અને પ્રમાણથી આ સમસ્યા સ્વત: દૂર થઇ જાય છે. આર્યોના આદિનિવાસ થી પૂર્વ ધ્યાત્વય છે કે આર્યોની ઉત્પત્તિ અમૈથુનિક સૃષ્ટિ દ્વારા થઇ છે. એનાં માટે નિરુકતમાં યાસ્કને “આર્યઈશ્વરપુત્ર” અર્થાત આર્યને ઈશ્વરના પુત્ર કહ્યાં છે. પ્રારંભમાં આર્ય ચાર રંગ-રૂપોનાં મિશ્રણથી ઉત્પન્ન થયાં હતાં. એનાં પરિણામસ્વરૂપ આદિમાં એમનો વર્ણ, રૂપ અને ભાષા એક હતી. હિંદુ ધાર્મિક ગ્રંથો અનુસાર દેવ, અસુર, મનુષ્ય એ બધાં જ ભગવાન માનું દ્વારા ઉત્પન્ન થયાં છે. આર્યો પણ અમૈથુનિક સૃષ્ટિ દ્વારા મનુ દ્વારા જ ઉત્પન્ન થયાં છે. ટ્યુટનોનો મૂલ પુરુષ જર્મનીમાં મનસ અંગ્રેજીમાં મેન, સંસ્કૃતમાં મનુષ્ય એ ભગવાન મનુ સાથે સંપૂર્ણપણે સામ્યતા રાખે છે.

વાયુપુરાણના મત અનુસાર —-
“મનુની ઉત્પત્તિ હિમાલય પર્વત પર થઇ અને તેઓ દક્ષિણમાં મેરુ એવં માંસ ઉપર યમપૂરમાં નિવાસ કરતાં હતાં..”

શતપથ બ્રાહ્મણ અનુસાર ——
“મનુનો જલપ્લાવ્ન પણ હિમાલયમાં જ થયો.” આમ હિમાલયને જ આર્યોનો આદિનિવાસ માની લેવો તર્કસંગત પ્રતીત થાય છે. આર્યોના પૂર્વજ મનુનું જન્મસ્થળ હોવાથી નહીં અપિતુ સમસ્ત લક્ષણ અને પ્રમાણો પણ એની પુષ્ટિ કરે છે.

વિદ્વાનોના મતાનુસાર પ્રારંભમાં સમગ્ર પૃથ્વી જળમગ્ન હતી. સૌથી પહેલાં અધિક ઊંચાઈ હોવાને કારણે હિમાલય જ જળની બહાર નીકળ્યો.એ જ સ્થળ પર જ સર્વપ્રથમ વનસ્પતિ અને મનુષ્યનો આવિર્ભાવ થયો. બીજું સાક્ષ્ય જોઈએ તો હિમાલયમાં ભૌગોલિક અને જલવાયવીય પરિસ્થિતિ પણ માનવાનુકૂલ હતી.હિમાલય પર માનવો પૂર્વે વનસ્પતિઓ અને પશુઓની ઉત્પત્તિ થઇ. આર્યોનું પ્રમુખ ભોજન ફળ, અન્ન એવં દૂધ હતું. વનસ્પતિઓ અને પશુઓની માનવ પૂર્વે ઉત્પત્તિ થઇ હોવાનાં ફલસ્વરૂપ જ એમણે ભોજન પ્રાપ્ત થઇ શક્યું.આ રીતની અનુકૂળ પરિસ્થિતિ હિમાલય સિવાય બીજે ક્યાંય નહોતી.અત: એ નિર્વિવાદ સત્ય છે કે આર્યોનો આદિનિવાસ હિમાલય જ હતો.

આર્યોના પશુ,ગાય, ઘોડા, બકરી, ઊંટનાં હિમાલયમાં હોવાનું પ્રમાણ બતૌર જીવાશ્મ પણ પ્રાપ્ત થયાં છે જેનું વર્ણન “મેન્યુઅલ ઓફ જીઓલોજી”નામના પુસ્તકના ૧૧૩મા પાનાં પર મળે છે. આ અતિરિક્ત બધાં વર્ણોના સમવાયત્વ અવરૂપનું કોઈ પુતળું તૈયાર કરી એનું નિરીક્ષણ કરવમાં આવે તો એ હુબહુ હિમાલય વિસ્તારના વિસ્તૃત ભૂભાગ, વિકાસની પરિસ્થિતિઓ પણ આર્યોના આદિનિવાસના ઉત્તરદાયી કર્કોને પ્રસ્તુત કરે છે. હિમાલયનું જ બીજું નામ મેરુ છે જેની જાણકારી આદિકાળથી વિશ્વના દરેક લોકોને હતી.એ આ આશયથી પ્રમાણિત થાય છે. ભારતીય આર્ય એને મેરુ, ઝેંદભાષી ઈરાની એને મીરુ, યુનાનીઓ એને મેરોસ, મિસ્રવાસી એને મેરઈ, અસીરયાવાસી એને મોરુખ અને દક્ષિણ તુર્કીસ્તાનવાસી એને મેરુવના નામથી સંબોધિત કરતાં હતાં જે જે હિમાલયની સાર્વભૌમિકતાને સિદ્ધ કરે છે. આમ તો એવું કોઈ તથ્ય શેષ રહી જતું નથી કે જેમાં હિમાલયને આર્યોનો આદિનિવાસ ન માની શકાય !

પૂર્વ વિદ્વાનો દ્વારા પ્રસ્થાપિત મતોમાં કોઈ પણ જગ્યાએ “આર્ય” શબ્દ કોઈપણ રૂપમાં દ્રષ્ટિગત થતો નથી. જ્યારે ભારતમાં પ્રચલિત “અનારી” શબ્દ આનાર્યનો જ અપભ્રંશ છે.જે અસભ્યના અર્થમાં પ્રયુક્ત થયો છે. સાહિત્યિક સ્રોત પણ હિમાલયનમાં મૂલનિવાસ હોવાની પુષ્ટિ કરે છે.
મહાભારત અનુસાર —— “સંસારમાં પવિત્ર હિમાલય પ્રસિદ્ધ છે. એમાં એક જોજન પહોળો અને પાંચ જોજન ઘેરાવવાળો મેરુ પર્વત છે.જ્યાં મનુષ્યની ઉત્પત્તિ થઇ. આ સ્થળમાં ઈરાવતી, વિતસ્તા, વિશાલા, દેવિકા અને કુશ નદીઓ નીકળે છે. જ્યાં બ્રાહ્મણોની ઉત્પત્તિ થઇ. ” દેવિકા નદીના પશ્ચિમ કિનારા પર “માનસ”નામનું સ્થળ હતું (દેવિકા પશ્ચિમ પાર્શ્વેમાનસ સિદ્ધસેવિતમ). જે વર્તમાનમાં માનસરોવર છે.. આ સ્થળનું માનસ નામ અમૈથુનીક સૃષ્ટિને કારણે પડયું છે અને નિશ્ચિતરૂપે આર્યોની ઉત્પત્તિ અમૈથુનિક સૃષ્ટિ દ્વારા થઇ હતી. અત: આર્યોનો આદિનિવાસ હિમાલયમાં માનસ નામના સ્થળને માનવો તર્કસંગત ગણાય. આની અતિરિક્ત યદિ આપણે વિભિન્ન વિદ્વાનોનાં સ્થળની સ્થિતિ હિમાલયથી જ્ઞાત કરીએ તો એ સ્પષ્ટ થાય છે કે આ સ્થળ કેન્દ્રમાં છે.

હિમાલયમાંથી જ મધ્ય એશિયા, યુરોપ અને અન્ય ક્ષેત્રોમાં આર્યોનો પ્રસાર થયો. મધ્ય એશિયા, યુરોપ એવં અન્ય ક્ષેત્રોમાં આર્યોનો પ્રસાર થયો. મધ્ય-એશિયા, કુરુક્ષેત્ર, હિંદુકુશ પર્વત એવં તિબેટ એની ચાર સીમાઓ હતી. કુરુક્ષેત્ર હિમાલયને મહાભારત રેંજ કહેવાય છે.

પ્રો. મેક્સમુલર, સ્વામી દયાનંદ સરસ્વતી, પારસીઓ અને ભારતીય વિદ્વાનો દ્વારા પ્રસ્તાવિત આદિનિવાસ સ્થળોનું કેન્દ્રબિંદુ હિમાલય જ છે. એ રીતે નિર્વિવાદ સાર્વભૌમિકરૂપે હિમાલયને આર્યોનો આદિનિવાસ સ્વીકાર કરી શકાય તેમ છે. પણ આ સંપૂર્ણ સત્ય નથી એ વાત તો સ્વીકારવી જ રહી ! કારણકે હજી સુધી કોઈ જ એ સાબિત તો નથી જ કરી શક્યું કે આ જ આર્યોનો આદિનિવાસ છે. હોવું અને માનવાનો આ જ ફેર છે. આ એક અણસુલઝેલી પહેલી જ રહી છે હજી સુધી તો ! જેનાં પર દરેક જણ પોતાનાં રોટલાં શેકે છે.

ઋગ્વેદ અનુસાર આર્યો ભારતમાં સપ્તસૈન્ધવ પ્રદેશમાં આવીને સૌથી પહેલાં વસ્યાં. ઋગ્વેદમાં સપ્તસૈન્ધવ પ્રદેશની પ્રમુખ સાત નદીઓનો ઉલ્લેખ પ્રમુખ છે. જે મહાભારતકાળમાં પણ એ જ હતો. પાછી જ્યારે ઈરાની – ગ્રીકોના આક્રમણો થયાં ત્યારે પણ તેમણે ભારતના ઉત્તર પશ્ચિમી ક્ષેત્રમાં કબજો જમાવી વસવાટ શરુ કર્યો હતો.

ઋગ્વેદમાં અફઘાનીસ્તાનની ચાર પ્રમુખ નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે —-

 • (૧) ગોમતિ (આધુનિક ગોમલ)
 • (૨) કૃમુ (આધુનિક કુર્રમ)
 • (૩) સુવાસ્તુ (આધુનિક સ્વાત)
 • (૪) કુભા (આધુનિક કાબુલ)

આ અતિરિક્ત ભારતની બીજી નદીઓના વર્ણન પણ ઋગ્વેદમાંથી પ્રાપ્ત થાય છે —–

 1.  સિંધુ
 2.  સરસ્વતી
 3.  દ્રુપદ્વતી (ધગ્ધર)
 4.  શતુદ્રિ (સતલજ)
 5.  વિપાસા (બિયાસ)
 6.  પરુણી (રાવી)
 7.  અસિવની (ચિનાબ)
 8.  વિતસ્તા (ઝેલમ)

પંજાબની પાંચ નદીઓ અને રાજસ્થાનની બે નદીઓ સરસ્વતી અને દ્રુપદ્વતી (ધગ્ધર) એમ સાત વાળા નદીઓવાળા ક્ષેત્રને ઋગ્વેદમાં “સપ્તસૈન્ધવ” પ્રદેશ કહેવાય છે.

ઋગ્વેદમાં વર્ણિત નદીઓના વિસ્તારના આધાર પર વિદ્વાનો આર્યોનો પ્રસાર અફઘાનિસ્તાનથી સિંધુ પ્રદેશ સુધી થયો હોવાનું માને છે. જેની અંતર્ગત ગોમલ મેદાન, દક્ષિણી અફઘાનિસ્તાન, દક્ષિણી જમ્મુ અને કાશ્મીર, સમ્પૂર્ણ પંજાબ અને હરિયાણા આવે છે. ઋગ્વેદના પ્રારમ્ભિક સુકતોની રચના અફઘાનિસ્તાન થી સિંધુ પ્રદેશની મધ્યમાં થઇ. સરસ્વતી અને દ્રુપદ્વતી (ધગ્ધર)ના મધ્ય ભાગને બ્રહ્માવર્ત કહેવામાં આવે છે. ગંગા અને યમુનાનો પણ એક -બે વાર ઋગ્વેદમાં ઉલ્લેખ મળે છે.

વિદ્વાનો અનુસાર ઋગ્વેદમાં વર્ણિત ગંગાનદી આર્યોની પૂર્વ સીમા હતી. થાનેશ્વર પૂર્વી રાજસ્થાન, મથુરા, ગંગા અને યમુનાને ઋગ્વેદમાં “બ્રહ્મર્પિ પ્રદેશ” કહેવામાં આવે છે. વિદ્વાનો આર્યોનું આ બીજું પ્રસાર કેન્દ્ર માને છે. દશરાજ્ઞ યુધ્ધમાં વર્ણિત જનજાતિઓનું નિવાસ સ્થાન ગંગા-યમુના દોઆબ ક્ષેત્ર માનવામાં આવે છે.

એતરેય બ્રહ્મણ અનુસાર ભારતવર્ષના પાંચ ખંડ હતા —-

 1. ધ્રુવ મધ્ય પ્રતીચી દેશ [મધ્ય દેશ]
 2. પ્રાચી દિશ [પૂર્વી ભાગ]
 3. દક્ષિણ દિશ [દક્ષિણી ભાગ]
 4. પ્રતીચી દિશ [પશ્ચિમી ભાગ]
 5. ઉદીચી દિશ [ઉત્તરી ભાગ]

ઉત્તર વૈદિક સાહિત્ય અનુસાર પંજાબથી બહાર પણ આર્યોનો પ્રસાર થઇ ચુક્યો હતો.

“શતપથ બ્રહ્મણમ્” અનુસાર આર્યો નીચેના ક્ષેત્રથી પણ સંબદ્ધ થઇ ચુક્યા હતા.

 1. કાંપિલ્ય
 2. કુરુક્ષેત્ર
 3. કૌશામ્બી
 4. હસ્તિનાપુર

ઉત્તર વૈદિક સાહિત્યમાં આર્યોનો પ્રસાર નીચેના ક્ષેત્રોમાં પણ થયેલો છે —-

 1. અરબ સાગર
 2. હિંદ મહાસાગર
 3. હિમાલય
 4. વિંધ્યાચલ
 5. ગંગા
 6. ગંડક
 7. યમુના
 8. મારુ રેગિસ્તાન
 9. નૈમિષારણ્ય રેગિસ્તાન

વિદ્વાનો અનુસાર ઉત્તર વૈદિક આર્યોનું પ્રમુખ કેન્દ્ર કુરુક્ષેત્ર હતું. ઉત્તર વૈદિકકાલીન આર્યોનું કેન્દ્ર દક્ષિણી સીમા પર સ્થિત “વિંધ્ય પ્રદેશ” હતું.

આર્યોની સભ્યતાને વૈદિક સભ્યતા પણ કહેવામાં આવે છે. આ વૈદિક સંસ્કૃતિને બે વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે.

(૧) ઋગ્વૈદિક કે પૂર્વ વૈદિક સંસ્કૃતિ -સભ્યતા (ઇસવીસન પૂર્વે ૧૫૦૦ – ઇસવીસન પૂર્વે ૧૦૦૦)
(૨) ઉત્તર વૈદિક સંસ્કૃતિ (ઇસવીસન પૂર્વે ૧૦૦૦ – ઇસવીસન પૂર્વે ૬૦૦)

ઋગ્વૈદિક કે પૂર્વ વૈદિક સંસ્કૃતિ -સભ્યતાની સંપૂર્ણ જાણકારી પ્રદાન કરવાંવાળો ગ્રંથ ઋગ્વેદ છે.

આર્યોનું રાજનીતિક જીવન ———-

ભારતમાં સપ્તસૈન્ધ પ્રદેશમાં આવીને વસવા ઉપરાંત આર્યોએ બે પ્રકારના સંઘર્ષોનો સામનો કરવો પડયો —-

(૧) આર્યોનો જુદાજુદા કબીલાઓ સાથે સંઘર્ષ
(૨) અનાર્યો સાથે યુદ્ધ

અહીંયા આર્યોના આગમન સમયે આર્યો નીચેના કબીલાઓમાં વિભક્ત હતાં —-

 1.  ભરત (બ્રહ્માવર્ત ક્ષેત્રમાં)
 2.  મત્સ્ય (ભરતપુરમાં)
 3.  અનુસ તથા દૃહ્યુ (પંજાબમાં)
 4.  તુર્વસુ (દક્ષિણ પૂર્વમાં)
 5.  યદુ (પશ્ચિમમાં)
 6.  પૂરુ (સરસ્વતી નદીની આસપાસ)

આર્યોના પ્રારંભિક વર્ણ એવં કર્મના આધાર પર નક્કી કરવામાં આવ્યાં છે. આ કાલના પ્રમુખ ત્રણ વર્ગ હતાં

(૧) બ્રાહ્મણ
(૨) ક્ષત્રિય
(૩) વૈશ્ય

વૈદિકકાળમાં બ્રાહ્મણ એવં ક્ષત્રિયને “રાજન્ય” કહેવામાં આવતાં હતાં. સામાન્ય લોકો વૈશ્ય વર્ણ અંતર્ગત આવતાં હતાં. અનાર્યોને આર્યોમાં સમાહિત કરીને એક નવા વર્ણનો ઉદય થઇ ચુક્યો હતો જેમને “શુદ્ર” કહેવામાં આવતાં હતાં.

ઋગ્વેદના દસમા મંડલ અનુસાર વર્ણોની ઉત્પત્તિ નીચેની રીતે થઇ —–

 1.  બ્રહ્માના મુખમાંથી બ્રાહ્મણની ઉત્પત્તિ
 2. બ્રહ્માનાં બાહુમાંથી ક્ષત્રિયોની ઉત્પત્તિ
 3.  બ્રહ્માની જાંઘમાંથી વૈશ્યની ઉત્પત્તિ
 4.  બ્રહ્માના ચરણમાંથી શુદ્રની ઉત્પત્તિ

ઋગ્વેદમાં દાસ કે દસ્યુઓ સાથેના આર્યોના સંઘર્ષનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. વિદ્વાન ઈતિહાસકારો અનુસાર દાસ કે દસ્યુ ભારતના નિવાસી હતાં. વૈદિકકાલમાં ધનિકો દસ રાખતાં હતાં. આર્થિક ઉપાર્જનમાં દાસોનો કોઈ સંબંધ હતો નહીં.

આર્યોનો વર્ણ ગોરો હતો તો વૈદિકકાલીન મૂલનિવાસી કાળા રંગના હતા. વૈદિકકાલીન કબીલા સમાજ ત્રણ ભાગોમાં વિભક્ત હતો

(૧) યોદ્ધા
(૨) પુરોહિત
(૩) પ્રજા

આર્યો શું શું ધંધા આર્થિક ઉપાર્જન માટે કરતાં હતાં તે અહી અપ્રસ્તુત છે તેમ જ તેઓ કયા દેવ -દેવીઓને માનતા હતાં તે વાત પણ અહીં અપ્રસ્તુત હોવાથી અહી એનો ઉલ્લેખ હું કરતો નથી. આર્યો વિશેની આટલી જાણકારી પર્યાપ્ત છે.

પણ….. જો સિંધુ સંસ્કૃતિ જે ઇસવીસન પૂર્વે ૨૫૦૦માં વિકસિત હતી તેમાં માનવો રહેતાં જ હતાં જે આર્યોની શરૂઆત પહેલાંનાં છે. તેનું કોઈ વર્ગીકરણ ક્યાંય પણ થયેલું જોવાં મળતું નથી. શું ભારતની સમગ્ર પ્રજા એ આર્યોની જ દેન છે? જે માનવા મારું મન તૈયાર નથી જ કારણકે ભારતમાં આર્યો આવ્યાં કે હતાં તેનો સમય નિશ્ચિત જ છે ઇસવીસન પૂર્વે ૧૫૦૦ ! તો પછી આ સિંધુ સંસ્કૃતિ અને હડપ્પા સંસ્કૃતિમાં જે મનુષ્યો રહેતાં હતાં તેઓ ક્યાંના વાતની હતાં અને એમનાં મૂલપુરુષો અને મૂલનિવાસ કયો તે તો હજી પણ અધ્યાહાર જ છે. ખાલી આદિનિવાસને આધારે ભારતને આર્યમય બનાવવું કે સમગ્ર બૃહદ ભારતને આર્યાવર્ત કહેવું એ જરા વધારે પડતુ છે.

માત્ર ઉલ્લેખોને કારણે ઘણાં પ્રશ્નો મનમાં ઉદભવે એ સ્વાભાવિક પ્રતિક્રિયા જ ગણાય. જેનો જવાબ હજી સુધી તો મળ્યો નથી. જે મળ્યાં છે એ તો મતમતાંતરો જ છે ……કોઈ ચોક્કસ દિશાનિર્દેશ નહીં ! તારવણીને આધારે મુલવણી ક્યારેય ના કરાય ! લેવું જ હોય તો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ લો અને આ મતમતાંતરોને બાજુએ મૂકી એનું જતન કરો એ વધારે સારું છે ! આજ તો છે સનાતનીઓનું સાચું કર્તુત્વ ! આર્યો એટલે સુસંસ્કૃત પ્રજા અને આર્યાવર્ત એટલે સુસંસ્કૃત પ્રજાનો દેશ જે સર્વશ્રેષ્ઠ છે તે ….. આ દ્રષ્ટિએ જ આ લેખને જોજો અને વાંચજો

***** ખાસ નોધ – આ લેખના સમ્પૂર્ણ કોપીરાઈટ મારાં જ છે જો કોઈ મને પૂછ્યા વગર કોપી કરશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી.અને અમલ કરવો. લખાણનો ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે *****

——— જનમેજય અધ્વર્યુ.

અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!