નવદુર્ગાનું ચોથું સ્વરૂપ:- દેવી કૂષ્માણ્ડા

સુરાસમ્પૂર્ણકલશં રુધિરાપ્લુતમેવ ચ ।
દધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માણ્ડા શુભદાસ્તુ મે ॥

માં દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ કૂષ્માણ્ડા છે. પોતાની મંદ, હળવી હંસી દ્વારા અણ્ડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કૂષ્માણ્ડા દેવી નામથી અભિહિત કરવામાં આવ્યા છે.

જયારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ચારેકોર અંધકાર જ અંધકાર પરિવ્યાપ્ત હતો, ત્યારે જ આ દેવી એ પોતાના ‘ઈષત’ હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. માટે એજ સૃષ્ટિના આદિસ્વરૂપા, આદિશક્તિ છે. તેમના પૂર્વે બ્રહ્માંડનું અસ્તિત્વ હતુ જ નહિ.

તેમનો નિવાસ સૂર્યમંડળના ભીતરી લોકમાં છે. સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ એમનામાં છે. તેમના શરીરની કાંતિ અને પ્રભા સૂર્ય સમાન જ દેદિપ્યમાન અને પ્રકાશિત છે. તેમના તેજની તુલના તેમનાથીજ કરી શકાય છે. અન્ય કોઈ પણ દેવી દેવતા તેમના તેજ અને પ્રભાવની સમાનતા કરી શકતા નથી. તેમના તેજ અને પ્રકાશથી દશે દિશાઓ પ્રકાશિત થતી રહે છે. બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં પ્રસ્થાપિત તેજ તેમની જ છાયા છે. 


તેમને આઠ ભુજાઓ છે. તેથી તેઓ અષ્ટભુજા દેવીના નામે પણ પ્રખ્યાત છે. તેમના સાત હાથોમાં અનુક્રમે કમંડળ, ધનુષ, બાણ, કમળપુષ્પ, અમૃતપુર્ણ કળશ, ચક્ર તથા ગદા છે. આઠમા હાથમાં સર્વે સિદ્ધિઓ અને નિધિઓ આપનારી જપમાળા છે. તેમનું વાહન સિંહ છે. સંસ્કૃતમાં કૂષ્માણ્ડ કોળાને કહે છે. બાલીમાં કૂષ્માણ્ડની બલી એમને સર્વાધિક પ્રિય છે અને આજ કારણે તેઓ કૂષ્માણ્ડા પણ કહેવાય છે.

નવરાત્રી-પૂજનના ચોથા દિવસે કૂષ્માણ્ડા દેવીના સ્વરૂપની જ ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન ‘અનાહત’ ચક્રમાં અવસ્થિત હોય છે. માટે આ દિવસે તેને અત્યંત પવિત્ર અને એકાગ્ર મનથી કૂષ્માણ્ડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખી પૂજા-ઉપાસનાના કાર્યમાં પરોવવું જોઈએ. માં કૂષ્માણ્ડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ-શોકનો નાશ થાય છે. તેમની ભક્તિથી આયુષ્ય, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. માં કૂષ્માણ્ડા અતી અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થનારા દેવી છે. જો મનુષ્ય સાચા હૃદયથી એમના શરણાગત બની જાય તો તેને અત્યંત સુગમતાથી પરમપદ ની પ્રાપ્તિ થઇ શકે છે.

આપણા શાસ્ત્રો-પુરાણોમાં વર્ણિત વિધિવિધાન મુજબ માં દુર્ગાની ઉપાસના અને ભક્તિના માર્ગે અહર્નિશ આગળ વધતા રહેવું જોઈએ. માના ભક્તિમાર્ગે થોડાક જ ડગલાં આગળ માંડવાની સાથે ભક્ત સાધકને તેમની કૃપાનો સુક્ષ્મ અનુભવ થવા માંડે છે. આ દુઃખ રૂપ સંસાર તેના માટે અત્યંત સુખદ અને સુગમ બની જાય છે. મનુષ્ય માટે સહજભાવે ભવસાગર પાર ઉતારવા માની ઉપાસનાજ સર્વાધિક સુગમ અને શ્રેયસ્કર માર્ગ છે. માં કૂષ્માણ્ડાની ઉપાસના મનુષ્યને આધિ-વ્યાધિમાંથી સર્વથા વિમુક્ત કરી તેને સમૃદ્ધિ અને ઉન્નતિ તરફ લઇ જનારી છે. પોતાની લૌકિક અને પારલૌકિક ઉન્નતિ ઈચ્છનારાઓએ માં કૂષ્માણ્ડાની ઉપાસનામાં સદાય તત્પર રહેવું જોઈએ.

યા દેવી સર્વભૂતેષુ માંઁકૂષ્માણ્ડા સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।
બીજ મંત્રઃ  कूष्मांडा ऐं ह्री देव्यै नम: ॥

? પ્રેષિત-સંક્લન:
મયુર.સિધ્ધપુરા-જામનગર

જો તમે અન્ય માતાજીની માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ:- શૈલપુત્રી

– નવદુર્ગાનું બીજું સ્વરૂપ:- બ્રહ્મચારિણી

– નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ:- ચંદ્રઘણ્ટા

– સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ

– આઈ શ્રી જીવણી (સિંહમોય) માતાજી

– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ

– શ્રી કનકાઇ માતાજી મંદિર – ગીર

– શ્રી બુટભવાની માતાજી- અરણેજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!