✽ મહર્ષિ વિશ્વામિત્ર ✽

ઋગ્વેદના ત્રીજા મંડલના સૂક્તોના કર્તા,
અયોધ્યાના સૂર્યવંશી રાજકુટુંબના ઉપાધ્યાય;
કાન્યકુબ્જના પુરુવંશી ગાધિ રાજાના પુત્ર,
ક્ષત્રિય ઋષિ વિશ્વામિત્ર, કૌશિક; ગાધિજ; ગાધિનંદન વગેરે નામોથી પણ ઓળખાય છે.
ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થઈ પોતાના તપોબળથી તેણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું હતું.

ઉત્પત્તિ —–

તેની ઉત્પત્તિ સંબંધમાં એવું વર્ણન છે કે, ગાધિરાજાની કન્યા સત્યવતી ઋચીક ઋષિને પરણાવી હતી. ગાધિરાજ અને ઋચીકને કાંઈ સંતાન ન થયું.
તેથી ઋચીકે યજ્ઞાવશેષ ચરુના બે ભાગ કર્યા. એકની સાથે બ્રાહ્મણ સંતાનનો અને બીજીની સાથે ક્ષત્રિય સંતાનનો આશીર્વાદ હતો. બંને ચરુ ઋચીક ઋષિએ પોતાની સ્ત્રીને આપી બ્રાહ્મણવાળો ચરુ પોતાને ખાવાનું અને બીજો ચરુ ગાધિરાજાની સ્ત્રીને ખાવા આપવાનું કહ્યું. ગાધિરાજાની સ્ત્રીએ વિચાર કર્યો કે કદાચ સત્યવતીનો ચરુ અધિક શ્રેષ્ઠ હશે, કેમકે તેના સ્વામીએ તે તૈયાર કરેલ છે. ઉપરથી તેનો ચરુ પોતે લઈ લીધો અને પોતાનો તેને આપી દીધો. પરિણામે ગાધિરાજની સ્ત્રીને વિશ્વામિત્ર અને સત્યવતીને જમદગ્નિ થયા,. જે બ્રાહ્મણ હોવા છતાં ક્ષાત્ર ગુણથી યુક્ત હતા. તેણે ઋચીક ઋષિ પાસે સર્વ વિદ્યાનું શિક્ષણ લીધું હતું. તેણે પ્રજાને પુત્ર પેઠે પાળી હતી. રાજ્યનો વિસ્તાર ઘણો વધાર્યો હતો, દ્રવ્ય ભંડાર ભરપુર હતો. મંત્રીમંડળ વિદ્વાન, નમ્ર અને દીર્ધદષ્ટિવાળું હતું.

કથા —-

એકવાર આ રાજા(વિશ્વામિત્ર) સૈન્ય સહિત મૃગયા રમવા નીકળ્યો, રસ્તામાં વસિષ્ઠ ઋષિના આશ્રમે ઋષિએ નંદિની કામધેનુની મદદથી રાજાનો સારો સત્કાર કર્યો, છેવટે ઋષિની ના છતાં બળાત્કારે કામધેનું લઈ જવા રાજા તૈયાર થયો, નંદિનીમાંથી અસંખ્ય પુરુષો પ્રગટ થયા, તેણે વિશ્વામિત્રના સર્વ સૈન્યનો નાશ કર્યો ને રાજા લજ્જા પામી પોતાને નગર પાછો આવ્યો.

ક્ષત્રિયબળ કરતાં બ્રહ્મતેજનું પરાક્રમ ચડિયાતું છે એમ તેને ખાતરી થવાથી તેણે હજારો વર્ષ તપ કર્યું. તે તપના પ્રભાવથી દેવોએ તેને બ્રહ્મર્ષિ કહ્યા. પણ વસિષ્ઠ તો તેને રાજર્ષિ કહીને બોલાવતા. આથી વિશ્વામિત્રે વસિષ્ઠના સો પુત્રોને મરાવી નાખ્યા ને તેને મારી નાખવા તૈયાર થયા. એક રાત્રે વસિષ્ઠના મોઢેથી વિશ્વામિત્રના તપનાં વખાણ સાંભળી, મારવા આવેલ વિશ્વામિત્ર વસિષ્ઠને પગે પડ્યા, જ્યારે તેનું નિરાભિમાન જોયું ત્યારે વસિષ્ઠે વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ કહ્યા. ત્યારથી તે બંને વચ્ચે ગાઢ સ્નેહ બંધાયો.

આ પછી મહા તપોબળી વિશ્વામિત્રે સિદ્ધાશ્રમમાં ઘણા યજ્ઞો કર્યા. રાક્ષસોનું જોર બહુ વધી ગયું હતું અને યજ્ઞમાં આવી વિધ્ન કરતા. યજ્ઞના પ્રસંગમાં કોઈને શાપ દેવાય નહિ એવી શાસ્ત્રમર્યાદા હોવાથી વિશ્વામિત્રે દશરથ રાજા પાસેથી રામની માગણી કરી ને રામ લક્ષ્મણ પાસે ઘણા રાક્ષસોનો નાશ કરાવ્યો. વિશ્વામિત્રને ગાલ્લવ નામે પુત્ર હતો અને ગાલ્લવ નામનો એક શિષ્ય પણ હતો. તેને માધવીથી અષ્ટક નામે એક પુત્ર થયો હતો. વિશ્વામિત્રના કુળમાં પોતે સુદ્ધાં તેરે મંત્રદષ્ટા ઋષિ થઈ ગયા છે.

Vishwamitra

વિશ્વામિત્રના પુત્રો

દેવરાત-શુન:શેપ,
મધુચ્છંદ,
અધમર્ષણ,
અષ્ટક,
લોહિત-રોહિત,
ભૃતકીલ,
માંબુદ્ધિ,
દેવશ્રવા,
દેવરત,
ધનંજય,
શિશિર,
શાલકાયન.

આ સિવાય પણ તેને ઘણા પુત્રો થયા છે:

વિશ્વામિત્ર પ્રજાપક્ષી હતા, જે રાજાના રાજ્યમાં પ્રજાને દાદ મળતી ન હોય ને અધિકારીઓ જુલમી હોય તેની સામે પ્રજાપક્ષે થતા ને ભાષણોદ્વારા ટીકા કરી તૂટી પડતા. રાજાઓને સલાહ આપવામાં એ એક મોટા પ્રધાન જેવા હતા. તેમણે ધનુર્વેદ પ્રથમ ક્ષત્રિયોને શીખવ્યો હતો. તેમણે ધનુવિદ્યાનો મહાન ગ્રંથ રચ્યો છે. તે વિદ્યામાં તેઓ ઘણા જ પ્રસિદ્ધ થયેલા છે. રાજાઓ એકાંતમાં તેની સલાહ લેતા અને વિશ્વામિત્ર દેશની પ્રજાની દાહ હૈયે ધરી તેમને સુખી કરવાને પ્રયત્ન કરતા.
એ પ્રજાપક્ષી બ્રહ્મષિ સપ્તઋષિના રાજ્ય પંચમાં નિમાયા હતા. એ ચાલુ મન્વંતરમાં સપ્તર્ષિમાં ગણાય છે.

રાજ્ય જેવી સમૃદ્ધિ અને વૈભવને છોડી બ્રહ્મપદની પ્રાપ્તિમાં અને પ્રજાને સુખી કરવામાં એણે દેહ અર્પણ કર્યો હતો. ક્ષણિક વસ્તુઓ તેમને તુચ્છ હતી.

તપ અને મનુષ્યનું કલ્યાણ કરવું એજ તેને પ્રિય હતું. તત્વજ્ઞાન અને ધર્મનીતિનો ઠેકઠેકાણે ઉપદેશ આપતા. એ પોતાના આત્મબળના પરાક્રમથી આર્યાવર્તમાં અમર કીર્તિ રાખી ગયા છે.

અપ્સરા મેનકાએ વિશ્વામીત્રની તપસ્યા ભંગ કરવાનો નિર્ણય કર્યો હતો દેવરાજ ઇન્દ્રના કહેવાથી જ તો પણ વિશ્વામિત્રની તપસ્યા ભંગ નથી થઈ પછી તેમણે મેનકા દ્વારા એક પુત્રીનો જન્મ થયો. નામ એનું શકુંતલા ………….
આ શકુંતલાને એક પુત્ર થયો રાજા દુષ્યંત જોડે પરણીને
નામ એનું ભરત !!!!
દેશનુ નામ ભારત એમનાં નામ પરથી જ પડ્યું છે. મહાભારતની કથા પણ એમનાથી જ શરુ થાય છે

પણ
પણ
પણ
સમગ્ર વિશ્વ અને અને ભારતની સમગ્ર જનતા આજે વિશ્વામિત્રની ઋણી છે એમને રચેલાં ગાયત્રી મંત્ર માટે !!!!

ॐ भूर्भुवः स्वः ।
तत् सवितुर्वरेण्यं ।
भर्गो देवस्य धीमहि ।
धियो यो नः प्रचोदयात् ॥

ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરોના તત્ત્વ ક્રમાનુસાર પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, ગંધ, રસ, રૂપ, સ્પર્શ, શબ્દ, વાકય, પગ, મળ, મૂત્રેન્દ્રિય, ત્વચા, આંખ, કાન, જીભ, નાક, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને જ્ઞાન છે.

ૐ ભૂર્ભુવ: સ્વઃ તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્|

ૐ – સમસ્ત જીવોને તેમના આત્મા દ્વારા પ્રેરણા આપનાર પરમાત્મા, ઈશ્વર
ભૂ: – પદાર્થ અને ઊર્જા
ભુવ: – અંતરિક્ષ
સ્વ: – આત્મા

ૐ ભૂર્ભુવ: સ્વઃ – પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મા માં વિચરણ કરવા વાળા શુદ્ધસ્વરૂપ અને પવિત્ર કરવા વાળા ચેતન બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર

તત્ – તે, તેઓ
સવિતુ: – સૂર્ય, પ્રેરક
વરેણ્યં – પૂજ્ય
ભર્ગ: – શુદ્ધ સ્વરૂપ
દેવસ્ય – દેવતા નાં, દેવતા ને

તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય – તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતા ને

ધીમહિ – અમારૂં મન અથવા અમારી બુદ્ધિ ધારણ કરે, અમે તેમનું મનન, ધ્યાન કરીએ

ધિય: – બુદ્ધિ, સમજ
ય: – તે (ઈશ્વર)
ન: – અમારી
પ્રચોદયાત્ – સારાં કામોમાં પ્રવૃત કરે

ધિયો યો નઃ પ્રચોદયાત્ – તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે

સંપૂર્ણ અર્થ – પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મા માં વિચરણ કરવા વાળા તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતા નું અમે ધ્યાન કરીએ અને તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે.

આ મંત્ર સતત ૫૦૦૦ વર્ષથી રોજેરોજ લાખો લોકો દ્વારા બોલતો હોય છે

આ માટે તો એમને શાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાં જ પડે
શત શત નમન વિશ્વામીત્રજી !!!!

——— જનમેજય અધ્વર્યુ.

જો તમે ભારતના મહાન ઋષીઓની કથા વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

મહર્ષિ અષ્ટાવક્ર

મહાન ઋષિઓ સપ્તર્ષિ

– મહર્ષિ માર્કંડેય

– મહર્ષિ અગસ્ત્ય

– મહર્ષિ ગૌતમ

– મહર્ષિ દુર્વાસા

– મહર્ષિ વસિષ્ઠ

error: Content is protected !!