ભારતના સાત સર્વશ્રેષ્ઠ મહાન ઋષિઓ- “સપ્તર્ષિ”

આજે ઋષિપંચમી નિમિત્તે પ્રાચીનભારતના સાત સર્વશ્રેષ્ઠ મહાન ઋષિઓની પૂજા થાય છે કે જેને આકાશના તારાસમુહમાં “સપ્તર્ષિ”નું સ્થાન આપીને ભારતના લોકોએ સદાય અમર બનાવ્યાં છે. ત્યારે જાણો આ સાત શ્રેષ્ઠ સંતો વિશે કે જેણે ભારતની સંસ્કૃતિને સદાકાલ માટે દુનિયાભરમાં અમરતા બક્ષિ છે –

૧.મહર્ષિ કશ્યપ –

‘સર્વમાં શ્રેષ્ઠ’ એવા આ મહાઋષિ બ્રહ્માના માનસ પુત્ર એવા મરિચીના પુત્ર હતાં.અને જટિલ ધર્મશાસ્ત્રોના માંધાતા હતાં.

સપ્તર્ષિમાના એક, સર્વ ઋષિ મુનિઓમાં શ્રેષ્ઠ મનાતા, સ્મૃતિગ્રંથોના રચેયિતા, પરશુરામ અને રામના ગુરુ એવા મહાન કશ્યપ ઋષિ મરીચિ ઋષિના પુત્ર હતા. તેમને અરિષ્ટનેમી, મરીચિનો પુત્ર હોવાથી મારીચ અને પ્રાણીસૃષ્ટિનો ઉત્પાદક હોઇ પ્રજાપતિ પણ કહે છે. તેઓ વિવસ્તના પણ પિતા હતા. બીજી પણ ઘણી સ્ત્રીઓ ઉપરાંત પ્રજાવૃદ્ધિ માટે, દક્ષ પ્રજાપતિની અદિતિ, દિતિ, દનુ, દનાયુ, કાલા, કપિલા, ક્રોધા, પ્રાધા, ઇલા, વનિતા, સિંહિકા, મુનિ અને કદ્રુ એ તેર કન્યાને કશ્યપ પરણ્યા હતા. આ બધી સ્ત્રીઓમાં તેમને અદિતિ ઘણી પ્રિય હતી અને અદિતિથી તેમને બાર આદિત્ય અને ઇન્દ્ર વગેરે દેવતાઓ થયા. અદિતિથી દૈત્યો ઉત્પન્ન થયા. આમ તેમના સંતાનોમાં દેવ, દૈત્ય, મનુષ્ય, નાગ, પક્ષી ઇત્યાદિ પ્રાણીઓ ઉત્પન્ન થયાં છે.એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ કશ્યપની પત્ની અદિતિને પેટે અવતાર ધાર્યો હતો.

મહર્ષિ કશ્યપનો આશ્રમ પ્રસિધ્ધ મેરુ પર્વત પર આવેલો હતો.જે શ્રીનગરની નજીક હોવાનું કહેવાય છે.વળી એક માન્યતા એવી પણ છે કે ‘કાશ્મીર’ નામ ‘કશ્યપ’ના નામ પરથી જ પડ્યું છે !

Saptarshi

૨.મહર્ષિ અત્રિ

સતી અનસુયા જુલાવે પુત્ર પારણે રે લોલ…..

જેવા લોકગીતમાં વણાઇ ગયેલ અનસુયાદેવી એ આજ મહર્ષિના ધર્મપત્ની હતાં.જેમને પેટે સદા અમર સંતાનો જન્મયાં હતાં.

મહર્ષિ અત્રિ  પ્રસ્તુત સાતમા સપ્તર્ષિમાં ના એક છે. તથા બ્રહ્માના પુત્ર છે. વળી તેઓ નવ પ્રજાપતીઓ ( આ વિશે વિસ્તારથી લેખ મુકાશે. ) પૈકિના એક માનવામાં આવે છે. અત્રિ નામક ગોત્ર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોમાં જોવા મળે છે. ઋગ્વેદના પાંચમા મંડલના રચયિતાતા એવા અત્રિ ઋષિના પત્નિ અનસુયાદેવી કે જેઓ પ્રજાપતી કર્દમના પુત્રી હતા, તેમને ભગવાનદત્તાત્રય, દુર્વાસા અને સોમ ( ચંદ્ર )જેવા સમર્થ પુત્રો થયા. તેમણે અનસુયા દેવીને અનેક વરદાન આપ્યા હતા કારણકે અનસુયા દેવીએ સૂર્યને પૂર્વમાં ઉદય થવા મદદ કરેલી.સોમે સોમનાથજ્યોતીર્લિંગની સ્થાપના કરી.

રામ પોતાના વનવાસ દરમિયાન અત્રીને આશ્રમે ગયેલા એ વાત જાણીતી છે.

૩.મહર્ષિ ગૌતમ

રજ તમારી કામણગારી મારી નાવડી નારી બની જાય જી….

રામને સરયુતીરે પગ ધોવા વિનવનાર કેવટના પ્રસંગના મુળમાં આ મહર્ષિ ગૌતમ રહેલાં છે ! વિશ્વસુંદરી જેવી અહલ્યા તેમની પત્ની હતી.જેને ઇન્દ્ર ચાહતો હતો.એકવાર તે મહર્ષિ ગૌતમનું રૂપ લઇ અહલ્યાને આકર્ષવાનો પ્રયત્ન કરે છે.આ વાતની જાણ ગૌતમને થતા તે ક્રોધે ભરાયને ઇન્દ્રને શ્રાપ આપે છે આથી ઇન્દ્રને રવાડે-રવાડે શીદ્રો પડે છે અને તે નપુંસક બને છે.પછી અહલ્યાને શ્રાપ આપે છે જેથી તે પથ્થરની નિર્જીવ મૂર્તિ બને છે.પછી રામ એમના સ્પર્શથી અહલ્યાનો ઉધ્ધાર કરે છે.

ન્યાય, તર્ક, રસાયણ, પદાર્થ, પૃથક્કરણ અને તત્ત્વ વગેરેના શોધક; ન્યાયશસ્ત્રના આચાર્ય અને પ્રણેતા, ઇસુથી લગભગ ૬૦૦ વર્ષ પહેલાં થયેલા ગૌતમ સમર્થ બ્રહ્મર્ષિ તરીકે પૂજનીય છે. તેમનો જન્મ બ્રહ્માના માનસપુત્ર અંગિરા ઋષિના ત્યાં ત્રેતાયુગના આરંભમાં હિમાલય પ્રદેશમાં થયો હતો. તે મહાન તેજસ્વી, તત્ત્વજ્ઞ અને તીવ્ર બુદ્ધિના હતા. લાંબો કાળ તપશ્ચર્યા કરી તેમણે તપસમૃદ્ધિ મેળવી હતી. પોતાની પ્રબળ શક્તિથી સર્વમાં માન પામી સપ્તર્ષિના પંચમાં તેમની નિમણૂક થઈ.

તેમણે રચેલ પ્રખર સ્મૃતિ “ગૌતમસ્મૃતિ”ના નામે પ્રસિધ્ધ છે.

૪.મહર્ષિ ભારદ્વાજ –

દુનિયામાં વિમાનઉડ્ડયનનું સર્વપ્રથમ સંપૂર્ણજ્ઞાન કોઇએ આપ્યું હોય તો એ હતાં – મહર્ષિ ભારદ્વાજ ! કે જ્યારે રાઇટબંધુઓની સંસ્કૃતિ પણ હજી જન્મી નહોતી.પણ અફસોસ કે આપણે આપણા વિજ્ઞાનને અનુસરતા ગ્રંથોને ચમત્કાર ગણી હસવામાં કાઢી નાખ્યાંં.

મહર્ષિ ભારદ્વાજ  એ સપ્તર્ષિઓમાં ના એક મહર્ષિ ગણવામાં આવે છે. તેમના દ્વારા રચિત ‘ વૈમાનિકમ્ શાસ્ત્રમ્ ‘ માં વિમાન બનાવવાની માહિતીનું સવિસ્તાર વર્ણન છે. યંત્ર સર્વસ્વ નામના ગ્રંથમાં ઉડ્ડયન વિજ્ઞાન અને વિમાન શાસ્ત્ર યંત્રાધિકરણ નામના ગ્રંથમાં વિમાનોના રક્ષણ અંગે વર્ણન કરાયું હતું.

ભારદ્વાજ મુનિ ગુરૂ દ્રોણ (દ્રોણાચાર્ય)નાં પિતા હતા, અને કળીયુગનાં સાત અમર મહાત્મા (ચિરંજીવીઓ) પૈકિનાં એક એવા અશ્વત્થામાનાં દાદા હતાં.

૫.મહર્ષિ વિશ્વામિત્ર

તેઓ કાન્યકુબ્જના રાજા ગાંધિના પુત્ર હતાં.જન્મે ક્ષત્રિય હોવા છતાં અસાધ્ય તપ કરીને તેણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું હતું.ક્ષત્રિય ખુમારી,તપની ભયંકર સાધના,સંકલ્પ સિધ્ધી જોવા હોય તો વિશ્વામિત્રને વાંચવા રહ્યાં.

તેઓ અયોધ્યાના પુરોહિત પણ હતાં.અત્યારે સર્વપ્રસિધ્ધ “ગાયત્રીમંત્ર”ની રચના તેમણે કરેલી.તદ્દોપરાંત,ધનુર્વેદના રચયિતા પણ તેઓ જ હતાં.

વિશ્વામિત્રનીસ કથા રસપ્રદ છે –

એકવાર આ રાજા(વિશ્વામિત્ર) સૈન્ય સહિત મૃગયા રમવા નીકળ્યો, રસ્તામાં વસિષ્ઠ ઋષિના આશ્રમે ઋષિએ નંદિનીકામધેનુની મદદથી રાજાનો સારો સત્કાર કર્યો, છેવટે ઋષિની ના છતાં બળાત્કારે કામધેનું લઈ જવા રાજા તૈયાર થયો, નંદિનીમાંથી અસંખ્ય પુરુષો પ્રગટ થયા, તેણે વિશ્વામિત્રના સર્વ સૈન્યનો નાશ કર્યો ને રાજા લજ્જા પામી પોતાને નગર પાછો આવ્યો. ક્ષત્રિયબળ કરતાં બ્રહ્મતેજનું પરાક્રમ ચડિયાતું છે એમ તેને ખાતરી થવાથી તેણે હજારો વર્ષ તપ કર્યું. તે તપના પ્રભાવથી દેવોએ તેને બ્રહ્મર્ષિ કહ્યા પણ વસિષ્ઠ તો તેને રાજર્ષિ કહીને બોલાવતા. આથી વિશ્વામિત્રે વસિષ્ઠના સો પુત્રોને મરાવી નાખ્યા ને તેને મારી નાખવા તૈયાર થયા. એક રાત્રે વસિષ્ઠના મોઢેથી વિશ્વામિત્રના તપનાં વખાણ સાંભળી, મારવા આવેલ વિશ્વામિત્ર વસિષ્ઠને પગે પડ્યા, જ્યારે તેનું નિરાભિમાન જોયું ત્યારે વસિષ્ઠે વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ કહ્યા. ત્યારથી તે બંને વચ્ચે ગાઢ સ્નેહ બંધાયો.

આ પછી મહા તપોબળી વિશ્વામિત્રે સિદ્ધાશ્રમમાં ઘણા યજ્ઞો કર્યા. રાક્ષસોનું જોર બહુ વધી ગયું હતું અને યજ્ઞમાં આવી વિધ્ર કરતા. યજ્ઞના પ્રસંગમાં કોઈને શાપ દેવાય નહિ એવી શાસ્ત્રમર્યાદા હોવાથી વિશ્વામિત્રે દશરથ રાજા પાસેથી રામની માગણી કરી ને રામ લક્ષ્મણ પાસે ઘણા રાક્ષસોનો નાશ કરાવ્યો. શિષ્ય પણ હતો. વિશ્વામિત્ર પ્રજાપક્ષી હતા, જે રાજાના રાજ્યમાં પ્રજાને દાદ મળતી ન હોય ને અધિકારીઓ જુલમી હોય તેની સામે પ્રજાપક્ષે થતા ને ભાષણોદ્વારા ટીકા કરી તૂટી પડતા. રાજાઓને સલાહ આપવામાં એ એક મોટા પ્રધાન જેવા હતા. તેમણે ધનુર્વેદ પ્રથમ ક્ષત્રિયોને શીખવ્યો હતો. તેમે ધનુવિદ્યાનો મહાન ગ્રંથ રચ્યો છે. તે વિદ્યામાં તેઓ ઘણા જ પ્રસિદ્ધ થયેલા છે. રાજાઓ એકાંતમાં તેની સલાહ લેતા અને વિશ્વામિત્ર દેશની પ્રજાની દાહ હૈયે ધરી તેમને સુખી કરવાને પ્રયત્ન કરતા. એ પ્રજાપક્ષી બ્રહ્મષિ સપ્તઋષિના રાજ્ય પંચમાં નિમાયા હતા. એ ચાલુ મન્વંતરમાં સપ્તષિમાં ગણાય છે. રાજ્ય જેવી સમૃદ્ધિ અને વૈભવને છોડી બ્રહ્મપદની પ્રાપ્તિમાં અને પ્રજાને સુખી કરવામાં એણે દેહ અર્પણ કર્યો હતો. ક્ષણિક વસ્તુઓ તેમને તુચ્છ હતી. તપ અને મનુષ્યનું કલ્યાણ કરવું એજ તેને પ્રિય હતું. તત્વજ્ઞાન અને ધર્મનીતિનો ઠેકઠેકાણે ઉપદેશ આપતા. એ પોતાના આત્મબળના પરાક્રમથી આર્યાવર્તમાં અમર કીર્તિ રાખી ગયા છે.

૬.મહર્ષિ જમદગ્નિ

પહેલી જ ઓળખ આપવાની જરૂર ના રહે કે તેઓ પરશુરામના પિતા હતાં એટલું જ નહિ પણ શાંસ્રોના ખેરખાંં હતાં.તેમના પત્ની એટલે રેણુકા.વાસ્તવિકતા જે હોય તે પણ એવું કહેવાય છે કે છત્રીની શોધ જમદગ્નિએ કરેલી ! વિશ્વામિત્રની જેમ તે પણ વશિષ્ઠના પ્રતિસ્પર્ધી હતાં.

તેમના જીવનનો એક પ્રસંગ બહુ જાણીતો છે – એક વાર રેણુકા સ્નાન કરવા નદીએ ગયા ત્યારે ચિત્રરથ ગાંધર્વ અને તેની રાણી જળક્રીડા કરતાં હતાં. તેમની ક્રીડા જોઈ રેણુકાને કામની અસર થઈ. સ્નાન કર્યા વગર તેને આવેલાં જોઈ ઋષિ ગુસ્સે થયા. એક પછી એક તેણે પોતાના પુત્રોને તેમની માતાનો શિરચ્છેદ કરવા કહ્યું. કોઈએ આજ્ઞા પાળી નહિ. તેને તેણે પાષાણતુલ્ય જડ કરી દીધા. છેવટ પરશુરામે પિતાની આજ્ઞા પાળી રેણુકાનું માથું પોતાના કુહાડાથી ઉડાડી મૂક્યું. જમગગ્નિએ પ્રસન્ન થઈ વર માગવાનું કહેતાં તેણે પોતાની માતાને સજીવન કરવાનો અને પોતાના ભાઈઓને જેવા હતા તેવા કરવાનો વર માગ્યો. જમદગ્નિએ રેણુકાને સજીવન કરી. તે પછી તેણે ક્રોધનો તદ્દન ત્યાગ કર્યો.

૭.મહર્ષિ વશિષ્ઠ

વેદવેદાંતમાં પારંગત, ધનુર્વિદ્યામાં કુશળ, તત્વજ્ઞ, તપસ્વી, ઉત્સાહી, કર્મકાંડી, સત્યવક્તા, ત્રિકાલદર્શી અને ઉત્તમવક્તા એવા વસિષ્ઠ મુનિ રઘુવંશના કુળગુરુ અને સત્યવક્તા બ્રહ્મર્ષિ સ્વાયંભુવ મન્વંતરમાં બ્રહ્માના દશ માનસપુત્રો માંહેના એક હતા. તેમનો આશ્રમ હિમાલયના એક શિખર ઉપર હતો. એ ઉપરથી એ શિખર હજુ પણ વસિષ્ઠના નામથી ઓળખાય છે.

તેઓ કદર્મના પુત્રી અરૂંધતીને પરણ્યાં હતાં.વળી,નંદિની નામક ગાય તેમના આશ્રમમાં નિવાસ કરતી.તે કામધેનુની પુત્રી હતી.
વશિષ્ઠ અને વિશ્વામિત્રનો સંઘર્ષ તો પ્રસિધ્ધ છે.

આ હતો આ વિશ્વવિખ્યાત માંધાતાઓનો ટુંક પરિચય જેણે ભારતીય સંસ્કૃતિને પ્રચંડ બાહુબળ પુરૂ પાડ્યું છે.

“કુદરત તણી બધી કૃતિઓને જાણવા,નોખી હતી સંતની નિશાળો…….”

– Kaushal Barad.

જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

error: Content is protected !!