શ્રી તુળજા ભવાની માતાજીની પ્રાગટ્ય કથા

✽ તુળજા ભવાની ✽

મહારાજા છત્રપતિ શિવાજીના કુળદેવી એટલે તુળજા ભવાની….! તુળજા ભવાની એ આદ્યશક્તિ અંબાનું જ એક સ્વરૂપ છે. જેના મુળમાં જગતજનની માતા પાર્વતી સમાયેલા છે.

તુળજા ભવાનીની પ્રાગટ્ય કથા –

પ્રાચીન કાળમાં કોઇ એક નગરમાં કરદમ નામનો એક ભલો બ્રાહ્મણ રહેતો હતો.એ બ્રાહ્મણને અનુભૂતિ નામની અત્યંત સ્વરૂપવાન,સુશીલ અને સંસ્કારી પત્ની હતી.બંનેનું ગૃહસ્થ જીવન પ્રભુભક્તિના સંગે સુંદર રીતે ચાલતું હતું.પણ વિધાત્રીને આ મંજુર નહોતું….! કોઇ કારણોસર કરદમ મૃત્યુ પામ્યો.ભરજોબને અનુભૂતિનો ગૃહસ્થાશ્રમ પડી ભાંગ્યો.તે કલ્પાંત કરવા લાગી અને પછી તેણે પતિ પાછળ સતી થવાની તૈયારી કરી.પણ લોકોએ તેને વારી.કારણ કે,તે ગર્ભવતી હતી અને તેના ઉદરમાં કુમળુ બાળ આકાર લઇ રહ્યું હતું.એને જીવતા બાળી દેવું એ ક્યાંનો ન્યાય ? ધર્મશાસ્ત્રો પણ આ પાપને વખોડી કાઢે છે.

? આથી અનુભૂતિ સતી થવાનો વિચાર છોડી માં મંદાકિની અર્થાત્ ગંગા કિનારે જતી રહી અને તપશ્વર્યા કરવા લાગી.નાનકડી પર્ણકુટીર બાંધી ફળ-ફળાદિ પર રહી એકદમ સાદું જીવન જીવવા લાગી.

? એવામાં એક વખત એ પ્રદેશનો રાજા કૂકર અનુભૂતિ રહેતી હતી તે બાજુ ફરતો ફરતો આવી ચડ્યો.તેણે અનુભૂતિને જોઇ.વલ્કલ વસ્ત્રોમાં પણ તેનું લાવણ્ય સુંદર રીતે દિપતું હતું.કૂકર એનાં રૂપને જોઇ ભાન ભુલ્યો અને તેની તરફ આકર્ષાયો.

? અનુભૂતિ તો સતી હતી.તેણે કૂકરની વાત કાન પર જ ધરી નહી અને આથી કૂકર બળજબરી કરવા લાગ્યો.હવે એક અબળાને કોની સહાય ? અનુભૂતિએ જગતજનની જગદંબાની પ્રાર્થના કરવા માંડી.અનુભૂતિની નિ:સહાય સ્થિતીથી અને એની પ્રાર્થનાથી જગદંબા પ્રસન્ન થયા.અને કૂકર સાથે તેણે યુધ્ધ કર્યું.તુમુલ સંઘર્ષ થયો.લડતાં લડતાં પિશાચી શક્તિઓના જાણકાર એવા કૂકરે મહિષ [ પાડા ]નું રૂપ ધારણ કર્યું.અને “મહિષાસુર” બન્યો.પણ અધર્મની ઘોડી કદી એના ઠેકાણે પહોંચી છે ! જગદંબાએ મહિષાસુરનો વધ કર્યો અને એ દિવસ “વિજયાદસમી” તરીકે ઓળખાયો.અનૂભુતિની ત્વરિત રક્ષા કરવા ઉપસ્થિત થનાર અને મહિષાસુર સંહારનાર જગદંબા “ત્વરિતા” તરીકે ઓળખાયા.”ત્વરિતા” શબ્દને મરાઠી ભાષામાં “તુળજા” કહેવાય છે.આથી શક્તિનું નામ “તુળજા ભવાની” પડ્યું.

Shri-Tulja-Bhavani

✽ સ્વરૂપ ✽

? તુળજા ભવાનીની મૂર્તિ શાલિગ્રામની બનેલ હોય છે અને સ્વયંભૂ માનવામાં આવે છે.માંને આઠ હાથ દર્શાવવામાં આવે છે.જેના હાથોમાં એકમાં મહિષાસુરનું કપાયેલ મસ્તક,બીજા હાથમાં એ મસ્તક પર વાર કરતું ત્રિશુળ,એકમાં ચક્ર,ગદા,ધનુષ,અંકુશ અને પાશ જેવા હથિયારો સુશોભિત છે.તેમનું વાહન સિંહ માનવામાં આવે છે.મૂર્તિમાં બાજુમાં મહર્ષિ માર્કંડેયની પ્રતિમા પણ સ્થાપિત હોય છે.કારણ તુળજા ભવાનીના સ્વરૂપનું સર્વપ્રથમ વર્ણન મુનિ માર્કંડેયએ તેમણે લખેલા “માર્કંડેય પુરાણ”ના “દુર્ગા સપ્તશી” નામના અધ્યાયમાં કરેલ છે.મૂર્તિમાં માર્કંડેયની પ્રતિમા પુરાણોનો અભ્યાસ કરી રહી હોવાનું દર્શાવેલ છે.આ ઉપરાંત “ભગવદ્ ગીતા”માં પણ તુળજા ભવાનીના સ્વરૂપનું વર્ણન આવે છે.

✽ મંદિરો ✽

ભારતમાં તુળજા ભવાનીનું પ્રસિધ્ધ મંદિર મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જીલ્લાના તુળજાપુરમાં આવેલ છે. જે મંદિર શિવાજીના કુળદેવીનું છે અને ઘણું પ્રાચીન છે. કહેવાય છે કે,યુધ્ધમાં જતાં પૂર્વ શિવાજી અચુકપણે અહિં દર્શન કરવા આવતા….! વળી,એક વાયકા એવી પણ છે કે શિવાજીની “ભવાની તલવાર” અહિંથી જ સાક્ષાત્ તુળજા ભવાનીએ આપેલી….! જે હાલ લંડનના મ્યુંઝીયમમાં હોવાનું કહેવાય છે.આજે પણ તુળજા ભવાનીનું આ મંદિર શ્રધ્ધાળુઓથી ધમધમતું રહે છે.

તુળજાપુર સુધી જવા માટે બધી રીતે વાહનોની સગવડ મળી રહે છે. દક્ષિણથી આવનારા યાત્રી નાલદુર્ગ સુધી સરળતાથી બાય રોડ જઈ શકે છે, જે ફક્ત ઉત્તરી અને પશ્ચિમી રાજ્યોથી આવનારા તીર્થયાત્રી સોલાપુરના રસ્તે તુળજાપુર સુધી આવી શકે છે. જ્યારે કે પૂર્વના રાજ્યો તરફથી આવનારા યાત્રીઓ નાગપુર કે લાતૂરના રસ્તે અહીં આવી શકે છે.

રેલમાર્ગ – તીર્થયાત્રી સોલાપુર સુધી રેલ્વે દ્વારા આવી શકે છે જે તુળજાપુરથી ફક્ત 44 કિલોમીટરના અંતરે આવેલુ છે.

વાયુમાર્ગ – તુળજાપુર સુધી આવવા માટે અહીંથી સૌથી નજીકનુ હવાઈમથક પુના છે, જ્યાથી બસ અથવા ખાનગી વાહનો દ્વારા આ સ્થળ સુધી પહોંચી શકાય છે.

? આવું અન્ય એક મંદિર રાજસ્થાનમાં પણ આવેલ છે જે રાજસ્થાનના ચિતોડગઢમાં સ્થિત છે.

? વંદન એ ભવાનીને જેણે મહિષાસુરનો સંહાર કર્યો અને કલિકાળમાં શિવાજીમાં પોતાની શક્તિ મુકી ધર્મ અને માનવતાની ધજા ફરકતી રાખી….! જય ભવાની !

– Kaushal Barad.

જો તમે અન્ય માતાજીની માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી રવેચી માતાજી રાપર- કચ્છ

– શ્રી હિંગળાજ માતાજી મંદિર – વેરાડ

– શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા

– સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ

– આઈ શ્રી જીવણી (સિંહમોય) માતાજી

– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ

– શ્રી કનકાઇ માતાજી મંદિર – ગીર

– શ્રી બુટભવાની માતાજી- અરણેજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!