આઇ સુંદરબાઇ માતાજી અને દીકરી આઇ સતબાઇ માતાજી

અફીણના વાઢ જેવી સોરઠ ધરામાં ભાદર નદીના દખણાદા કાંઠા ઉપર ધૂળિયા ટીંબા માથે છત્રાવા નામનું ગામડું. આ ગામની સીમમાં ઉપરવાસના પ્રદેશમાંથી જમીનનો બધો રસક્સ ચોમાસાનો છેલપાણીના પ્રવાહ સાથે ઢસડાઇને અહીં ઠલવાય છે અને અહીંનો કાપ દરિયા ભેળો થાય છે.
ચોમાસાના ચાર મહિનાતો આ પ્રદેશ પાણીથી ઘેરાયેલો રહે. કોઇ મહેમાન આવી ચડે અને એકાદ વરસાદ થઇ ગયો તો થયું. પછી દિવાળી સુધી ઘરે જવાપણું નહિ. ધેડ પ્રદેશમાં ચાર-પાંચ નદીઓ ભાદર, ઓઝત, મીણસાર, ઉબેણ છલી વળે એટલે પોરબંદરથી માધવપુર સુધીનો મુલક પાણીમાં તરતો હોય. દર વરસે વહેણ અને રસ્તા બદલતા રહે. ચોમાસામાં આ દશા ત્યારે ઉનાળામાં પાણી પીવા મળે નહિ. નીચે જમીનનું તળ ખારચ, પણ કાંપને હિસાબે શિયાળુ મોસમમાં જુવાર-ક્પાસનો પાક મબલક ઊતરે.

ગામની નજીક્માં ભાદર નદી એટલે ઘેડ પંથકના નામધારી માણસોના સગાં-સાગવાં છત્રાવામાં બહુ જ રહે. સૌ કોઇ દીકરી દેવા કરે કરે કે દીકરીને પાણીની તો ઉપાધી નહિ ! ગાઉ ગાઉ પાણી ભરવા જવુ પડે અને એમા પણ વાટકીયે વારો. છોકરું ઘોડીયામાં રડી રડીને વિસમી રહે ત્યારે મા પાણીનું બેડું ભરીને આવે. પણ એ તક્લીફ છત્રાવામાં નહિવત ગણાતી, કારણકે છત્રાવા ગામડું નદીનાં કાંઠાનું એટલે રિધ્ધિસિધ્ધિવાળું ખરું. મોટા પ્રમાણમાં મેરની વસ્તી. પચીસેક ધર મજૂરોનાં, સાત-આઠ ઘર મહાજનનાં અને દસ-બાર ચારણ કુટુંબના.

ચારણ કુટુંબમાં સુંદરબાઇ કરીને એક માતાજી થઇ ગયા. આઇની ઉંમર તો માંડ ત્રીસેક વર્ષનીજ હશે. સંતાનમાં આઠેક વર્ષની સતબાઇ દીકરી અને પાંચ વર્ષનો નાનુભાઇ દીકરો.

આઇના પતિ ધાનો લીલો દોઢેક વર્ષ પેહલા ગુજરી ગયા છે. છોરું અમુક વખત છત્રાવા રહે અને અમુક વખત પોતાના માવતર ડુંગાયચ લાંગાને ત્યાં ખીજદડ ગામે રહે.

આઇ પાસે પંદર પ્રાજા જમીન છે. તે ગામના જેઠા મેર પાસે ભાગવી ખેડાવતાંને તેમાંથી પોતાનો નિભાવ કરતાં. આઇ સુંદર બાઇ હરપલ માતાજી જોગમાયા નવલાખ લોબડીયારીનું સતત સ્મરણ કરતા. જીવન આખું ભક્તીમય. ધરની બહાર નિક્ળતા નહિ. બહુ શાંત અને અબોલ આંખોમાં કરુણાં અને કાંઇક ઉદાસ જેવા જ રેહતાં હતા.

સંસાર ઉપરનો વેરાગતો ધાનો લીલો ગુજરી ગયા ત્યારથી હતો. પોતે સત લેવા ચાલી નીક્ળેલ. પણ કુટુંબના અને ગામના માણસોએ આઇને ખૂબ ખૂબ આજીજી કરી કે, “આ નાનુ દીકરો અને સતબાઇ દીકરી બહુનાના છે તે કોને ભળાવવા? આપ તો જોગમાયા જ છો. આપ સત લિયો તો જ સતી કેહવાય એવુ નથી. આઇ આપ તો મહાસતી અને સાક્ષાત જગદંબા સ્વરૂપ જ છો. આઇ નાગબાઇએ સતનોતુ લીધું તો પણ સતી કેહવાયા. માટે આપ કૃપા કરીને સત નહિ લેતા અમારા સૌની ઉપર અમીની નજર રાખો. અમે તમારા થકી ઉજળા છીએ.” કુટુંબીજનોના આગ્રહ અને દીકરા-દીકરીના બાળપણ, આવા કારણસર આઇએ સત લેવાનું બંધ રાખેલ.

અખાત્રીજના સપરમાં દિવસોમાં સુંદરબાઇ આઇની દીકરી સતબાઇ સાથે બોધરા મેરની દીકરી રૂડકીએ કોડીઓની રમતમાં ક્ચ કરી. એટલે માજનની છોકરીઓ અને સતબાઇ હાલી નીક્ળી. રૂડકીની ઉંમર તો દશેક વર્ષની પણ બહુ ધુતારી. બાધોડકી પણ એટલીજ. જીભની ભારે જોરાવર. આખા ગામને આંટો લઇને આવે તોય વધે.

રૂડકી સામે બાધવામાં કોઇ મેરની દીકરી પોંહચે નહિં. આ તો બોધરાની દીકરી. વડ એવા ટેટાને આહાર એવો ઓડકાર. બોધરો મેર એટલે છત્રાવામાં મોટામાં મોટો ડાંડ માણસ. વાતની વાતમાં જેના તેના સામે બાધે. નીતિ ધર્મનું તો નામજ નહિ. માણસાઇ એનાથી સો-સો ગાઉ છેટી રહે. મોટું આફ્તનું જ પડીકું સીમમાંથી ચોરી કરવી, જેના તેના મોલ ભેળવવા, કોઇના કાલરાં સળગાવી દેવા, ગરીબોને સંતાપવા, કામ કરાવી મજૂરી આપવી નહિ, મેધવાળ મૂલી તો બોધરાથી તોબા પોકારતા. બોઘરાનો ત્રાસ કહ્યો જાય નહિ. ઉડતા પાણા પગમાં લિયે. કોઇપણ કારણ વિના કૌક્ને રંજાડે.

બોઘરો કારણ વિના મરજી પડે તેના સાથે બાધે તો આજ તો કારણ મળી ગયું. રૂડકીને ખંભે બેસાડીને આઇ સુંદરબાઇને ત્યાં હાલ્યો આવે છે.

રસ્તામાં સામે મળતા જેઠામેર અને માજને “સતના પારખા ન હોય” એમ કહી સમજાવ્યો. પણ બોધરે આઇને ધેર આવીને બોલવામાં માજા મૂકી છે. બોઘરાના ક્ડવા વેણ સાંભળ્યા જતા નથી. કાનમાંથી કીડા ખરે છે. એટલે આઇ ઘરની બહાર નીક્ળીને નાકા ઉપર આવ્યાં. બોઘરોતો વધારેને વધારે અવાજ કરવા લાગ્યો, એટલે ફરીયામાંથી આઠ દશ ચારણોના આદમી પણ નાકા ઉપર આવ્યા. ચારણોને આવતા જોઇ બોધરો વધારે ભુરાયો થયો અને ચારણોની સામે જોઇ બોલવા લાગ્યો.”બધાય એક થઇને કાંવ કરવા આવ્યાસ? બોઘરાની પછવાડે કાંવ બધાય મરે ગાસ? ચાચંડની જીં ચોરે નાખાં ઓરખોસ મને?હું બોધરો!” આવો આવાજ સાંભળતા બોઘરા પક્ષના મેર પણ ત્યાં ભેળા થઇ ગયાં.

‘વીરા બોઘરા! તું અથર્યો થા મા.’ સુદર આઇએ કહ્યુઃ ‘તારી સામે કોઇ ન બોલે,કોઇ ને બોલવા દઉં નહિ, પણ તું તારી જીભને વશ્ય રાખ્ય તો સારી વાત છે.’બોધરાની જીભ એમ વશ રહે? માંડ્યો તકરાર કરવા. મેર અને ચારણો ભેગા થઇ ગયા. સામાસામા પક્ષ ખેંચાણા.

આઇ સુંદરબાઇ તકરાર શેની થવા દિયે ! ચારણોને તો માં એ સમજાવીને રોકી દીધા. બે હાથ જોડી મેરના ડાયરાને સમજાવે છે: “ભાઇ તમે સૌ ઘેર જાવ અને આ બોધરાને અહીંથી તેડી જાવ. એના વેણ મને રૂંવાડે રૂંવાડે આગ મૂકે છે. અને હવે હદ થાય છે, માટે ભલા થઇને જાવ. આવી નજીવી વાતમાં કાળો કેર શા માટે વોરો છો મને સંતાપો મા !”

‘કાંવ બોલ્યમાં તી ? તું નાગબાઇ થે ગીસ? ઇ ધુતારા વેરા મારી પાસે ની ચાલે. કાઢ ઇ છોકરીને, બારી કાઢ્ય. મારી રૂડકીને મારી સે ઇ તાં હું એકની લાખેય નીં સાંખાં.’

આઇ સુંદરબાઇએ દીકરી સતબાઇની પીંખડી ઝાલીને ફંગોળિયો કર્યો કેઃ ‘આ લે ભાઇ, મારી નાખ્ય.’

આઇએ સતબાઇનો જે ફંગોળિયો કર્યો એવી બોઘરે હડી કાઢીને સતબાઇ ઉપર પાટુનો ઘા કર્યો.

ચારણને સંતાપમાં વહરાં બોલી વેણ,
જાતો રે જીવલેણ બાળમાં કાળજા બોધરા.

બોધરે પાટુનો ધા તો કર્યો પણ ‘જાઇશ જાનબાઇના ઝાખી ! તુંને ભુખિયું ભરખે બોધરા.’એમ કહી માતાજીયે હાક્લ દીધી. પ્રંચડ અવાજનો પડઘો પડયો. લાલ ધમેલ પતરાં જેવી આઇની મુખમુદ્રા થઇ ગઇ. જાણે જવાળા ભભૂક્વા લાગી. ખરેખર ચંડીકા રૂપ ધારણ કર્યુ. જાણે મહિસાસુર સંહારવા જોગણી ઉતરી કે શું? હમણા જ ભરખી જાશે આવું સ્વરૂપ દેખાણું. હાથનો પંજો ધરણી ઉપર પછાડયો. લોહીની શેડયુ છુટી. હાથ ઝંઝેડીને બોધરા માંથે લોહીનાં છાંટણા કર્યાને મોટે અવાજે શ્રાપ દીધો કે “બોધરા, તું તો શું પણ, છત્રાવીયા મેરનો જો દીકરીએ દીવો રહેવા દઉં તો હું ચારણ્ય નહિં.”

બધા મેર ભયંકર રૂપ જોઇને ભાગી છુટયા. બોધરાના પણ ટાટીયાં ધ્રુજવા લાગ્યાં. ઊભી શક્યો નહિ ભાગી છુટયો, પણ ભાગતા ભાગતા બબડયો,” ઇ કાંવ થોડે મરે જાશ્યું ?”
આઇએ કહયું “મર્ય નહિને તું જીવ ખરો?”

ત્રીસાં માથે તોય બે દિ જીવે બોધરો;
(તો) નાગાઇ પાડુસુંનોય,તલ જેટલું જ તાહરૂં.
ચક્મક લોઢાની ક્ડી પન્નગઝેર પરાં;
અમૃત પીધે ઉગરીશનહી ચારણવેણ બરાં.

જેઠોમેર આઇનો ખેડુ આ ચમત્કાર જોઇ નોધારી લાક્ડી પડે તેમ આઇના પગમાં પડી ગયોઃ ‘માતાજી ખમયા કરો, ધરતી સરગી ઉઠશે આઇ આવો કોપ તમારાથી ન થાય. તમારે તો દયા રાખવી જોયે અમારા અવગુણ સામું તમે ના જુઓ!’ આમ કાક્લૂદી કરે છે. આઇના મુખમાંથી શાપ નીક્ળી ગયો છે એ શાપ ફરે નહિ એમ જેઠો મેર સમજતો હતો, એટલે વળી બોલ્યોઃ “આઇ ! મારું શું થશે ? આ તો સુકા ભેરું લીલુ બરે સ. આઇ તમારે શરણે છું. હું તમારો છોરું દયા કરો માં.”

આઇએ જેઠામેર ને બેઠો કરીને કહ્યું ‘જેઠા ! વેણ તો નીક્ળી ગયું છે. છત્રાવીયા મેરનું નામ રહે તો મારું ચારણપણું જાય, પણ તે મારી નોકરી બહુ કરી છે. દીકરાની જેમ કામીને ખવરાવ્યું છે. એટલે એટલું કહું છું કે તું તારી જિંદગી પૂરી ભોગવીશ. બાકી બીજા છત્રાવીયા મેર ક્મોતે મરશે તેમાય બોઘરો ત્રીસ દિવસ ઉપર એક દિ જીવે તો જાણજે હું ચારણ્ય નો’તી બોલી.

સતી કુળ સતી નીપજે, સતી કુળ સતી થાય;
છીપ મહેરામણ માંય, ડુંગર ન થાય દાદવા.

આઇ સુંદરબાઇ માતાજીએ શ્રાપ આપ્યો. એટલે શ્રાપ આપનારે પોતાનુ જીવન સમેટી લેવુ જોઇએ અગનકાટ અને કાં હિમાળો. ચારણો અપવાસ પર ઉતર્યા પછી ઓછામાં ઓછા ત્રણ દિવસ અને વધુમાં વધુ સાત દિવસમાં સમાધાન ન થાય તો ધરણે બેસે. એટલે જ્ઞાતીના માણસ ત્યાં આવીને સહકાર આપે. છેલ્લે દિવસે ત્રાગા કરી લોહી છાંટે. કોઈ આત્મહત્યા પણ કરે. ચારણોમાં મોટામાં મોટું શસ્ત્ર અપવાસ ગણાતું. આજે છત્રાવે તમામ ચારણોએ અપવાસ કર્યો અને સવારે સુંદરબાઇએ સત લેવાનું નકકી કર્યું.

બરાબર અરધી રાતના સુમારે બરડામાં બખરલા ગામે વૈદ ખૂંટીને સ્વપનુ આવ્યું. જાણ્યે આઇ સુંદરબાઇ કહે છે કેઃ “ભાઇ વૈદ, સવારે સત લેવુ છે તો સતની સામગ્રી ધૃત, શ્રીફ્ળ લઇને મહારાજ ઉગતાં છત્રાવા આવી છેલ્લુ કાપડું આપી જા.” વૈદ વર્ષો થયાં સુંદરબાઇ આઇને કાપડું દેતો. છત્રાવામાં પોતાન સગાં સાંગવાને ત્યાં આવે જાય. આઇની પવિત્રતા અને જોગમાયા છે એવું જાણ્યા પછી દર વર્ષે પસલીની નોમ ઉપર ઘેડમાં ગમે તેવા છેલપાણી હોય તો પણ કાપડું લઇને આવતો. આઇએ તેમને ધર્મનો ભાઇ માનેલ.

વૈદને સ્વપનું આવતા હાંફ્ળોફાંફ્ળો બેઠો થયો. ઘરવાળીને જગાડીને વાત કરી કેઃ “સુંદર આઇ સવારે સત લીયે છે, મારી પાસે છેલ્લુ કાપડું માંગે છે, મને સ્વપનું આવ્યું.” ઘરવાળીએ કહ્યુઃ ‘એ તો આળપંપાળ છે. આમ ઓચિંતું આઇને સત લેવાનું કારણ શું હોય? છતાં જાવું હોય તો ભલે.’

વૈદે તો એ જ ટાણે ઘોડી ઉપર ઘીના ઘાડવા ને નાળીયેર લઇને છત્રાવાના રસ્તે રવાના થયો.

અખાત્રીજને દિવસે સવારના પોહરમાં ગામને ઉગમણે ઝાંપે ઝૂંપી ખડકાવી આઇ સુંદરબાઇ સત લેવા હાલ્યાં.

બાઇઓ, ભાઇઓ માતાજીની સ્તુતી કરે છે. ચારણો ગળામાં અંતરવાસ પાઘડી નાખીને દેવિયાણ બોલે છે.

આઇએ આંખની નેણ સુધી ભેળિયો ઓઢીયો છે. ગૂઢી જીમી અને લાંબા પેટનું કાપડું પેહર્યા છે. ધીમે ધીમે ડગલે પગ માંડે છે. દીકરી સતબાઇ અને દીકરા નાનુ ઉપર હાથ મુકતા આવે છે. સૌ ને ભલામણ કરે છે. “સૌ સંપીને રેહજો, ક્ળજુગ કારમો છે, ચારણપણાંની ચીવટ રાખજો. ધર્મ તો રાખ્યો રહે.” આમ કેહતા ગામને ઝાંપે આવ્યાં.

બરાબર ગાયોના ગાળા છૂટીયા ને સૂરજનારાયણે કોર કાઢી એવે ટાણે આઇ સુંદરબાઇ ‘જય અંબે’ કહીને ચિતા ઉપર બેઠાં. સૂરજ સામે હાથ જોડ્યા. ધી, નાળિયેર હોમાણાં. બધાને દૂર ખસી જવાનું કહીને અગ્ની પ્રગ્ટાવ્યો. ત્યાં ઘીના ઘાડવા લઇને બખરલા ગામેથી વૈદ ખૂંટી આવી પોંહચ્યો.

આઇ બોલ્યાઃ “આવી પોંહચ્યો ને ભાઇ?”

‘હા, માડી ! ‘ કેહતાં વૈદે સામે હાથ જોડયાં. કાંઇ બોલી શકતો નથી, હદય ભરાઇ ગયું છે.

‘ બાપ ! આયાં નજીક આવ્ય.’ આઇએ કહ્યુઃ ‘ભાઇ, આ ગામનું તોરણ તારે બાંધવાનું છે. તારો પરિવાર ખૂબ પાંગરશે, સુખી થાશે, મારગ મૂકશો નહિ, ગરીબોને કોચવશો નહિ.’ આમ ભલામણ કરી આઘો ખસી જવાનું કહ્યું. વૈદ દૂર ખસ્યો, ત્યાં અગ્નીએ સ્વરૂપ બદલાવ્યું. શીખો નીક્ળવા લાગી. આઇ ‘જય અંબે, જય અંબે‘ એવા ઉચ્ચાર કરવા લાગ્યાં.

દીકરી સતબાઇને થયું કે કાયમ ખોળામાં બેસાડી માથું ઓળી મીંડલા લઇ દસેય આંગળીના ટચાકાં ફોડનારી જનેતા મારી માં આજ મને કોના વસુ મૂકી જાય છે?

સતબાઇએ દોટ દીધીઃ ‘એ મા, મા, મા, બળતી જવાળામાં જઇને આઇના ખોળામાં બેસી ગઇ.

ઉમર વરસાં આઠ બાળા જે સતબાય;
ચોપેથી કાટે ચડી મા ભેળી મહામાય.

થોડી વારમાં મા-દીકરીના દેહ બળીને ખાખ થયા. કુટુંબીજન વાની પૂજીને હાલી નીક્ળ્યા. અખાત્રીજ જેવા સપરમાં દિવસે આખું ગામ સૂનકાર થઇ ગયું. સાંજ સુધી એક માણસ બહાર નીક્ળ્યું નહિ. ચારણ કુટુંબે આજે બીજી લાંઘણ ખેંચી. છોકરાને ધાવણ અને ઢોરને નીરણ-પાણી બંધ છે.

સાંજે બધા મેર ભેળા થયા કે ગામના ઝાંપામાં ચારણ્ય બળી મૂઇ એટલે એ ઝાંપો હવે ગોઝારો થયો. માટે એ બંધ કરીને ગામની દખણાદી બાજુ ઝાંપો પાડીએ. એ ઝાંપે હાલતાં-ચાલતાં બધાના મન કોચવાશે. આઇનો અગનકાટ નજર સામે તાજો થયા કરશે ગામનાં માણસો સંમત થયા.

થોર કાપતાં કાપતાં કોઇનો ધા બોધરાના દીકરાને વાગી ગયો ને બોધરે જીભને વેહતી મૂકી છે. સામે મેરના દીકરા છે. એ કાંઇ બોધરાથી ગાજ્યાં જાય એમ નથી. માંડ્યા પક્ષી ખેંચવા ને અંદરોઅંદર તકરાર જામી. પછી તો દ્યો દ્યો બીજીવાત નહીં. આ બધું પાપ બોધરાનું છે, એને તો ટૂંકો કરો. માંડ્યા કુહાડીઓ ઝીંક્વા. સામ સામા અરધો અરધ પક્ષ પડી ગયા. હથિયાર કોઇને લેવા જવું પડે તેમ ન હતું. માંડ્યા સોથ વારવા. ખરેખર જાદવાસ્થળી જામી. બોપરટાણું થયું ત્યાં મેરના માણસો કપાઇ મૂઆ.

ઝાંપે બધા ઝાખિયું, ખારે ખપી ગયા;
રોવા રહિયું ના, ચોતા જેટલું છોલરું.

આઇનો કોપ માની ગામની બાઇઓ, ભાઇઓ સૌ સૌનાં છોકરાંછૈયા લઇને માવતર-મોસાળે ભાગી છૂટ્યાં. છત્રાવિયાનું એક છોકરું ગામમાં મળે નહિ.

છ-આઠ મહિને વૈદ ખૂંટીએ આવીને ગામનું નવું તોરણ બાંધ્યું. તેના ભેળા બે દીકરા આવ્યા, વાધો ને ભોજો. આત્યારે આ બેય ભાઇઓનો મોટો વિસ્તાર છે. ભોજાના ભોજાણી અને વાઘાના વાઘાણી આવી બે પાંખી છે. છસોથી સાતસો માણસની એકજ કુટુંબની વસ્તી છે.

આઇએ જે ઠેકાણે સત લીધું ત્યાં પાણાનું ઘોલકું છે. થોડે છેટે આઇની દેરી છે. દેરી પાસે દીકરી સતબાઇનો પાળીયો છે. નવરાત્રીમાં ગામ તરફથી હવન થાય છે. સવંત ૧૬૯૫ ના વૈશાખ સુદ ત્રીજને શુક્ર્વારના રોજ સુંદરબાઇ આઇએ સત લીધું. જેને આશરે ૩૭૮ વર્ષ જેટલો સમય થયો. આ પ્રસંગની નોંધ ભાણવડ પાસે આંબલિયારા ગામનાં ચારણોના બારોટના ચોપડામાં લખેલી છે.

સવંત સોળપંચાવન વદાં માસ વૈશાખ,
સત લીધુ તે ચારણી સુંદરબાઈ સમરાથ.

પખ ઉજ્જવળ ત્રુતિયાં તીથિ, વળતો શુક્રવાર,
ચડી કાટ તું ચારણી, આઈ સુંદર અવતાર.

અવતાર અંબા બહુચરી, કે ખોડલી તું ખૂબડી ,
મોણીઆની માત નાગલ, માત ભીને વરવડી.

ત્રિશુલ હાથાં આડય, ભાલે રંગ ગૂંઢે લોબડી,
સતબાઈ ભોળી માત, સુંદર ચડી કાટે ચારણી.

મત કમત બેઠી કાંધ માથે, ભાન સઘડી ભુલીયા,
બોલી કથોરા વેણ કડવા, બાઈ કાળજ બાળીયા.

મહામાય મતીયા ફેર મેહરે, કોચવી બહુ કળકળી,
સતબાઈ ભોળી માત, સુંદર ચડી કાટે ચારણી.!

બેફામ યાતુધાના ફરતા,વણય કારણ વીફરી,
હેરાન કરતા પાપ હાથે, કંઈક તે અધરમ કરી.

અસરાંણ ના ઉત્પાત દેખી, હાક મારી હૂકળી,
સતબાઈ ભોળી માત, સુંદર ચડી કાટે ચારણી.

જાપે બરાબર જૂદ્ધ જામ્યું, મામલોં એવો મચ્યો,
ખપીયા ઘડીકમાં જંગ ખેલી, પચા ઉપર પાંચસો.

છતરાવિયા ચડી ચોંટ લીધા, વાર પલમાં વરવડી,
સતબાઈ ભોળી માત, સુંદર ચડી કાટે ચારણી.

? લેખકઃ
પીંગળશીભાઇ.મેધાણંદભાઇ.ગઢવી
? ચિત્રકારઃ
કરશનભાઇ.ઓડેદરા-પોરબંદર
? પ્રેષિત-ટાઇપઃ
મયુર સિધ્ધપુરા-જામનગર

9725630698

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી રવેચી માતાજી રાપર- કચ્છ

– શ્રી હિંગળાજ માતાજી મંદિર – વેરાડ

– શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા

– સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ

– આઈ શ્રી જીવણી (સિંહમોય) માતાજી

– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ

– શ્રી કનકાઇ માતાજી મંદિર – ગીર

– શ્રી બુટભવાની માતાજી- અરણેજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!